હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો માર્ગ અને નિવૃત્તિનો પથ એટલે શ્રેયનો પથ – ત્યાગ-વૈરાગ્ય, આત્મસંયમ અને પરમાનંદપ્રાપ્તિનો માર્ગ. મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે જીવાત્મા અને પરમાત્માના પ્રતીક એવાં બે પક્ષી શરીરરૂપી એક જ વૃક્ષ પર બેઠેલાં છે. આ બંનેને આપણે આભાસી આત્મા અને યથાર્થ આત્મા અથવા જીવાત્મા કે સાક્ષી ચૈતન્યનાં નામ આપી શકીએ. એટલે આપણો પસંદગીનો પથ કયો છે એ વિશે આપણે એક સ્પષ્ટ અને કાયમી નિર્ણય લઈ લેવો પડશે. ન્યુયોર્કમાં વાર્તાલાપ આપતી વખતે સ્વામી વિવેકાનંદે કહ્યું: ‘મૃત્યુ એ અનિવાર્ય હોય તો એને ઉમદાકાર્ય દ્વારા મેળવીએ. નિમ્નકક્ષાના માનવ્ય-પાશવીકક્ષાના પરના વિજય કરતાં વધારે ઉમદા વિજય બીજો કયો હોઈ શકે?’ હવે જો આપણે આ પશુતા પર પૂર્ણ અંકુશ કે આધિપત્ય મેળવવા માટે આકરી કિંમત ચુકવવા તૈયાર ન હોઈએ તો પેલું ઉચ્ચતર તત્ત્વ આપણામાં વિકસિત અને પ્રકાશિત નહિ થાય. આ તો એક કપરી મથામણ છે. પણ આપણે એને માટે ગમે તે ભોગ આપવા તૈયાર રહેવું પડશે.

આ સંદર્ભમાં માયાની – આવરણ અને વિક્ષેપ – નામની દ્વિવિધશક્તિની સંકલ્પનાનો ઉલ્લેખ કરવો અનુરૂપ રહેશે. આપણને આશ્ચર્ય થાય કે ભારતમાં જન્મ્યા ન હોવા છતાં પણ વિલિયમ વડર્‌ઝ્‌વર્થે એમના કાવ્યમાં આ બે શબ્દોનો ઉપયોગ કર્યો છે: Sleep and forgetting – નિદ્રા અને વિસ્મરણ. આ શબ્દો દ્વારા એમણે ઉપર્યુક્ત દ્વિવિધ માયાશક્તિની વાત કરી છે. ‘Sleep’ શબ્દ દ્વારા તેઓ આપણને એમ કહેવા માગે છે કે આ નિદ્રા આપણા દિવ્ય સ્વરૂપને અચેત બનાવી દે છે અને ‘forgetting’’ શબ્દ દ્વારા આપણા મૂળ યથાર્થરૂપ, આપણી દિવ્યપ્રકૃતિને વિસરી જવાની વાત કરે છે. અહીં માયાની સંકલ્પનામાં આપણને આ બે શબ્દો મળે છે : આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે સત્યનું પ્રચ્છાદન – એક એવા પ્રકારનું આવરણ કે જે આપણા યથાર્થ સ્વરૂપને ઢાંકી દે છે. વિક્ષેપ એટલે અન્ય રૂપે આપણા મનમાં પ્રગટ થતું યથાર્થતાનું વિકૃતિકરણ. જે આપણે નથી એમાં આપણે માનવા લાગીએ છીએ. આ બંને ભ્રમણા ઉત્પન્ન કરતાં અવિદ્યા કે અજ્ઞાનનાં કાર્યો છે. આ માયાને કારણે અજ્ઞાની લોકો ભ્રમણામાં પડે છે અને અદ્વિતીય એવા બ્રહ્મને બદલે અનેક પદાર્થો જુએ છે. સત્ય તો એ છે કે આપણે દિવ્ય છીએ – ‘अहं ब्रह्मास्मि.’ આપણે સિમિત કે અપૂર્ણ (જીવ)ની જેમ વર્તીએ છીએ. પરંતુ સત્ય તો એ છે કે આપણે બ્રહ્મ છીએ – ‘जवोब्रह्मैवनापर: – જીવ બ્રહ્મ છે બીજું કંઈ નથી’. માયાની આ પ્રક્ષેપશક્તિ – વિક્ષેપને કારણે આપણે આપણા મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકતા નથી. માયાની આ આવરણ અને વિક્ષેપ નામની બે શક્તિઓને કેમ જીતવી? આ હકીકત છે કે અજ્ઞાનતાને કારણે સૌ પ્રથમ તો પૂર્ણ ચેતન એવા આપણા મૂળ સ્વરૂપને ભૂલી જઈએ છીએ. બીજું સિમિત કે અપૂર્ણ એવા જીવની જેમ આપણે વાસ્તવિક રીતે જે નથી એવી રીતે વર્તીએ છીએ અને એમાં માનીએ છીએ. આમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ખરો? માર્ગ તો છે. એ માટે આપણે કોઈ પણ પ્રકારની ખોટી વળગણોને ન વળગી રહેવા તૈયાર રહેવું જોઈએ. એટલે જ આધ્યાત્મિક જીવન, શુદ્ધ આધ્યાત્મિક જીવન અલ્પસંખ્યાના પસંદગી પામેલા લોકો માટે જ છે. આધ્યાત્મિક જીવનની વાત બધા સમૂહ માટે શક્ય નથી.

હવે આપણે બીજા દિશાનિર્દેશો તરફ નજર નાખીએ. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘આપણે પ્રામાણિક બનીએ; આપણે આપણા વિચારોની બાબતમાં નિષ્કપટ બનીએ.’ શું ખરેખર આપણે આપણા ધ્યેયને પામવા ઇચ્છીએ છીએ? શું ખરેખર આપણે અનુભૂતિ કરવા માગીએ છીએ? જો હૃદયથી આપણે આમ કરવા ઇચ્છતા હોઈશું તો આપણે આપણા ધ્યેયે પહોંચી જઈશું. એમણે એમ પણ કહ્યું છે : ‘જેવું આપણે વિચારશું તેવા આપણે બનીશું.’

આ પ્રકારના આધ્યાત્મિક પરિવર્તનના ઘણાં ઉદાહરણો છે. દા.ત. વાલ્મિકીનું ઉદાહરણ લો. યુવાનીમાં પોતાનાં માતાપિતા અને પત્ની – કુટુંબના ભરણપોષણ માટે તે રસ્તામાં ઊભો રહી લોકોને લૂટી લેતો. પોતાના કુટુંબના માત્ર ભરણપોષણ માટે તે વૃદ્ધ લોકોને પણ છોડતો નહિ. એક દિવસ એ આમ લૂટ કરવા રસ્તા પર જતો હતો ત્યારે મહાન ઋષિ નારદને તે મળ્યો. આ વાલિયો લૂટારો નારદ જેવા મહાન ઋષિની આધ્યાત્મિક શક્તિથી અજ્ઞાત હતો. તેણે નારદનો રસ્તો રોક્યો પરંતુ, નારદે તો કરુણા અને ક્ષમા દાખવી અને વાલિયા લૂટારાને પૂછ્યું: ‘ભાઈ, તેં આવો માર્ગ કેમ અપનાવ્યો?’ આ સાંભળીને વાલિયાએ જવાબ આપ્યો: ‘વારુ, મહારાજ. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી; મારે મારા કુટુંબનું ભરણપોષણ કરવું પડે છે.’ આ સાંભળીને નારદે કહ્યું: ‘પણ ભાઈ, તું આમ કરીને તો મહાપાપ કરે છે. તું લોકોને મારી નાખે છે. હવે એક કામ કર. તું ઘરે પાછો જા અને તારા કુટુંબના સભ્યો, માતાપિતા અને પત્નીને પૂછી આવ કે આવા લૂટમારના કાર્યો તું કરે છે એ પાપના તેઓ ભાગીદાર બનશે કે કેમ?’ વાલિયાએ જવાબ આપ્યો: ‘હા, વાત સાચી. હું જરૂર કરીશ. મને ખાતરી છે કે તેઓ મારા પાપમાં ભાગીદાર બનશે. કારણ કે હું એ બધાનું ભરણપોષણ કરું છું.’ એટલે નારદે કહ્યું: ‘સારુ, જા અને એ બધાને પૂછી આવ.’ નારદ ભાગી ન જાય એ વાતની ચોક્કસાઈ રાખવા વાલિયાએ નારદમુનિને એક વૃક્ષ સાથે બાંધી દીધા અને પછી ઘરે ગયો. ઘરે જઈને એણે કુટુંબના દરેકેદરેક સભ્યને પૂછ્યું: ‘શું તમે સૌ જાણો છો કે હું તમારું ભરણપોષણ કેવી રીતે કરું છું? હું આ બધું લૂટમાર કરીને પૂરું કરું છું. હું આ બધું પાપ તમારા ભરણપોષણ માટે કરું છું. મારા આવા કુકર્મોને કારણે થતા પાપોમાં હું માનું છું કે તમે મારા ભાગીદાર બનશો.’ આ સાંભળીને બધાંએ એકી અવાજે કહ્યું: ‘ના. અમારું ભરણપોષણ કરવું એ તારી ફરજ છે.’ પત્નીએ કહ્યું: ‘તમે મારા પતિ છો અને પત્નીનું ભરણપોષણ કરવું એ તમારી ફરજ છે.’ માબાપ બોલ્યાં: ‘તું અમારો પુત્ર છો. અમારું ભરણપોષણ કરવું એ તારું કર્તવ્ય છે. એટલે અમે તારા આ પાપના ભાગીદાર બનવા તૈયાર નથી. આ બધાં પ્રત્યુત્તર સાંભળીને યુવાન વાલિયા લૂટારાના દુ:ખનો પાર ન રહ્યો. તે પેલા સ્થળે પાછો આવ્યો, તેણે દોરડું છોડ્યું અને નારદને મુક્ત કર્યા પછી તેમણે તેમને કાકલૂદીભરી વિનંતી કરી: ‘મહારાજ, આપે મારી આંખો ખોલી નાખી. હવે હું તમારા શરણે આવ્યો છું. મને સાત્ત્વિકજીવન જીવવાનો માર્ગ બતાવો. હે મહારાજ, હું તમને પગે પડીને કહું છું કે તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો.’ અને આમ વાલ્મિકીને નારદજી પાસેથી આધ્યાત્મિક સાધનાનો સાચો પથ સાંપડ્યો. તેણે એટલાં બધાં તપધ્યાન કર્યાં કે તેની આસપાસ વલ્મિક-રાફડો જામી ગયો. જ્યારે તેઓ તેમાંથી પ્રગટ્યા ત્યારે તેમને જાણે કે એક નવો જન્મ મળ્યો, અને એ હતા મહાનઋષિ વાલ્મિકી. દુનિયાના કહેવાતા પ્રેમ અને આસક્તિની અર્થવિહીનતા અને એ બધાં કેવાં ઉપરછલ્લાં છે એની અનુભૂતિ થતાં એમનાં સાન-ભાન ઠેકાણે આવી ગયાં.

બીજું ઉદાહરણ આપણે ભગવાન બુદ્ધ, રાજકુમાર ગૌતમનું લઈએ. સિદ્ધાર્થ રાજકુમાર હતા અને વિશાળ ભૂમિ પર આવેલા ઉપવનની વચ્ચે એક મહાન અને સુંદર રાજમહેલમાં રહેતા. એમને ઘણા નોકર-ચાકર હતા. તેમને યશોધરા નામની સુંદર પત્ની હતી અને રાહુલ નામે પુત્ર હતો. એક રાતના તેઓ નૃત્યાંગનાઓની વચ્ચે પોતાના દરબારમાં નૃત્ય માણી રહ્યા હતા. એકાએક એમના મનમાં અપાર અરુચિ-ઘૃણા વ્યાપી ગયાં. તેઓ દરબાર છોડીને રાજમહેલના બગીચામાં ગયા. ત્યાં એક વૃક્ષ નીચે બેસીને તેઓ પોતે જીવનમાં શું કરી રહ્યા છે તે વિશે ઊંડું ચિંતન-મનન કરવા લાગ્યા. તેમણે વિચાર્યું, ‘થોડી ક્ષણો પહેલાં હું નૃત્યાંગનાઓના નૃત્યનો સંગાથ માણી રહ્યો હતો પરંતુ, એનાથી તો મને ક્ષણિક આનંદ જ મળ્યો. મને એવું લાગે છે કે જો હું આ વિષયભોગના સુખોની પાછળ પડીશ તો મને ક્યારેય શાશ્વતસુખ કે આનંદ મળશે નહિ.’ તીવ્ર વૈરાગ્યે એના પર સંપૂર્ણ અંકુશ કરી લીધો અને એણે પોતાના જીવાતાં જીવન વિશે અત્યંત અસંતોષ અનુભવ્યો.

મધરાતનો સમય હતો. બગીચામાં સર્વત્ર અંધારું અને શાંતિ છવાયેલાં હતાં. એકાએક સિદ્ધાર્થને દિવ્યવાણી સાંભળવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું. આ ર્સ્વગીય સમૂહગાનમાં ગવાતી ઉદ્‌ઘોષણાએ સુખસમૃદ્ધિમાં રાચતા આ રાજકુમારનું જીવનપરિવર્તન કરી નાખ્યું. અંગ્રેજી કવિ આર્નોલ્ડે પોતાના કાવ્યમાં આ ઉદ્‌ઘોષણાનું વર્ણન આ રીતે કર્યું છે :

We mourn for rest. Alas ! But rest we can never find.
We know not whence we come or where we float away.
Time and again we tread this round of smiles and tears.
In vain we pine to know whither our path leads us and way we play this empty play.
Rise, dreamer from your dream, slumber not again.

આપણે ઝંખીએ આરામને, પણ આરામ ક્યારેય મળે ના;
ક્યાંથી આવ્યા, ક્યાં જઈશું, આપણે કંઈ જાણતા ના.
પુન: આ જન્મમૃત્યુ સુખદુ:ખના ચકરાવામાં પડવાના;
ક્યાં જશે આ પથ તેથી અજાણ સૌ ખાલી ખેલ ખેલવાના;
અરે, અજબ સપનસોદાગરો! જાગો, સમય હવે સૂવાનો ના.

આ દિવ્ય સંદેશ સાંભળીને સિદ્ધાર્થનું મન સ્પષ્ટ બન્યું. આ સાંસારિક જીવનનો ત્યાગ કરવા માટેનો તેની ભીતરથી આવતો અંતરનાદ તેમણે સાંભળ્યો. પોતાની પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છેલ્લીવાર જોઈ લેવા માટે તેઓ રાજમહેલમાં પોતાના શયનખંડમાં ગયા. પછી એમણે અદ્‌ભુત ઉત્સાહ સાથે સત્યને જાણવાનો અને આ સાંસારિક સુખોનો હંમેશાંને માટે ત્યાગ કરવાનો દૃઢ નિર્ણય કર્યો. મહાભિનિષ્ક્રમણ કરીને તેઓ બોધગયા ગયા. બોધગયામાં બોધીવૃક્ષ નીચે બેસીને એમણે પરમજ્ઞાનની, પરમજ્યોતિની પ્રાપ્તિ કરી. હવે તેઓ ગૌતમ કે બુદ્ધના નામે જાણીતા બન્યા. અંગ્રેજી કવિ આર્નોલ્ડે પોતાના કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે: Time and again we tread this round of smiles and tears. – પુન: આ જન્મમૃત્યુ, સુખદુ:ખના ચકરાવામાં પડવાના.’ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે : ‘આપણું પણ પશુમાનવ રૂપે અધ:પતન થાય છે; આપણે ખાઈએ છીએ, પીઈએ છીએ અને મરીએ છીએ; આમ પુન: પુન: ખાવા-પીવા અને મરવાનું ચાલ્યા કરે છે.’

આપણે આ હકીકત હંમેશાં યાદ રાખવી જોઈએ કે મૃત્યુની અનિવાર્ય પળ રાજા અને રંક સૌને માટે સમાન હોય છે. આજે આપણે અહીં છીએ અને આવતીકાલે એવું નહિ પણ હોય. ક્યારે બીજી દુનિયાનો સાદ પડશે તેની આપણને ખાતરી નથી. મૃત્યુ ગમે તે પળે આપણને ખેંચી જશે. માતાના ગર્ભમાંથી આપણે એકલા અને નગ્નાવસ્થામાં આવ્યા છીએ અને એવી જ રીતે નગ્નાવસ્થામાં અને એકલા આ સંસારમાંથી આપણે ચાલી નીકળવું પડશે. આ દુનિયાની કોઈ પણ ભૌતિક સંપત્તિ કે આપણાં સગાંવહાલાંને સાથે લઈ જઈ શકતા નથી. આ દુર્દમ્ય અને ક્રૂર સત્ય છે, વાસ્તવિકતા છે. આપણા આ જ જીવનમાં આધ્યાત્મિક જીવન વિશે ગંભીર બનીને પરમધ્યેયની પ્રાપ્તિ કરવી એ શું આપણે માટે શાણપણભર્યું નથી? આનો અર્થ એ નથી થતો કે બધાએ સાધુ-સાધ્વી બની જવું જોઈએ. આપણે વૈરાગ્યવૃત્તિનો વિકાસ કરવો જોઈએ. આપણે હંમેશાં આ વાસ્તવિકતા યાદ રાખવી જોઈએ કે આ દુનિયામાં દરેકેદરેક વસ્તુ નાશવંત અને ક્ષણજીવી છે. શ્રીરામકૃષ્ણદેવ અવારનવાર કહેતા: ‘આપણે સત્ય અને અસત્ય વચ્ચે વિવેક કરવો જોઈએ. ઈશ્વર જ સત્ય છે, શાશ્વત છે; બાકીનું બધું અસત્ય છે, અનિત્ય છે.’ આમ, આપણા આ સંસાર કે દુનિયા સાથેની હજારો પળોજણોની વચ્ચે પણ જો આપણામાં આ વૈરાગ્યની સાચી ભાવના હોય તો જ આપણે આગળ વર્ણવેલા પરમધ્યેય સુધી પહોંચી શકીએ.

‘Rise, dreamer, slumber not again. – સપનસોદાગરો! જાગો, સમય હવે સૂવાનો ના.’ સ્વામીજીએ પણ આમ જ કહ્યું છે: ‘ઊઠો! જાગો અને ધ્યેયપ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો.’ એટલે આપણે જાગ્યા છીએ. આપણે સ્વપ્નનિદ્રામાં નથી. આપણને ઘણીવાર સ્વપ્ન આવ્યે રાખે છે – એ બધાં મિથ્યા છે. આ જીવનમાં છે શું? એક વખત આપણે આપણી દિવ્યપ્રકૃતિની અનુભૂતિ કરી લઈએ તો પછી મૃત્યુ આવે તો પણ આપણને એટલી ખાતરી હશે કે આપણે શરીર નથી; મન નથી, ઇન્દ્રિયો નથી; આપણે તો છીએ આત્મા, શાશ્વત-મુક્ત આત્મા. 

બીજી દુનિયામાંથી સાદ આવે તે પહેલાં, ચાલો આપણે મૃત્યુને હસતે મુખે વધાવી લેવા માટે સજ્જ થઈ જઈએ. પણ આપણામાંથી કેટલા લોકો આવું કરી શકે? ફક્ત એ જ લોકો કે જેઓ પોતાના આધ્યાત્મિક જીવન જીવવા ગંભીર છે.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.