વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ બતાવે છે કે પરમધ્યેય સુધી પહોંચવા માટે કેવી ભવ્ય ઉત્કટતાની જરૂર પડે છે. ‘Confessions of St. Augustine નામનો ગ્રંથ વાચવાથી આપણને ઘણો આધ્યાત્મિક લાભ થશે. સેન્ટ ઓગસ્ટાઈને આવી સાચી મથામણમાંથી પસાર થવું પડ્યું હતું – ભીતરના અંતરાત્માના આહ્‌વાન અને બાહ્યદેહના આહ્‌વાનની વચ્ચે એમણે મથામણનાં ઘણાં ઝોલાં ખાધાં હતાં. તે દરરોજે દરરોજ પ્રાર્થનાના ભાવ સાથે કહેતા : ‘હે પ્રભુ! હું જાણું છું કે તમે જ સત્ય છો, નિત્ય છો. મારે તમ સુધી પહોંચવું જ છે, મારે તમારી અનુભૂતિ કરવી જ છે. તમે કહ્યું છે તેમ સ્વર્ગનું રાજ્ય આપણી ભીતર જ છે એમ કે તમે મારી ભીતર જ છો એ વાત સાચી છે. પરંતુ ગમે તેમ હોય પણ હું નીચે પશુજીવન સુધી, નિમ્નકક્ષાએ સરી પડું છું. આવું કેમ બને છે, નાથ? વિષયવાસનાના સુખોની લાલસાનો દૃઢ કઠોર મનથી સામનો કરવાનું મને દુષ્કર લાગે છે. હે નાથ! મારે તો તમારો સાક્ષાત્કાર એક ચૈતન્યરૂપે કરવો છે પણ આ વિષયવાસનાઓ મને નીચે તરફ ખેંચી જાય છે. અને હું દરરોજ કહું છું: હે પ્રભુ, આ ઇન્દ્રિયભોગનો થોડોઘણો આનંદ આજે મને માણી લેવા દો, એક થોડોક વિષયભોગાનંદ માણી લેવા દો. હે પ્રભુ, મને માફ કરજે. આવતીકાલથી હું આ વિષયવાસનાના પ્રલોભનના પાશમાં નહિ પડું. હે વહાલા પ્રભુ, આવતીકાલે હું તમારું જ અનુસરણ કરીશ, પણ આજનો ઐન્દ્રિક આનંદ માણી લેવા દો.’ ત્યાર પછી તે ભયંકર માનસિક સંઘર્ષથી ઘેરાઈ ગયા અને દુ:ખદર્દ સાથે બોલી ઊઠ્યા : ‘હે પ્રભુ! હવે આ બધું ક્યાં સુધી? કાલ, આવતીકાલ! આજે જ શા માટે નહિ? અરે! આ જ ઘડીએ શા માટે નહિ? અરે! હું તો અસહાય, મર્ત્ય માનવી છું. મને નિષ્ફળતા મળે છે. હું મારી મર્યાદાઓને, નિર્બળતાઓને અને અપૂર્ણતાને પૂરેપૂરી જાણું છું, ઓળખું છું. હે પ્રભુ! જો તમે મારી વહારે નહિ આવો તો તમારા આહ્‌વાનને હું યોગ્ય પ્રતિભાવ આપી નહિ શકું. દરરોજ હું નિર્ણય કરું છું કે આવતીકાલથી હું મારા જીવનનું નવું પાનું ઉઘાડીશ. પણ હે નાથ! હું ફરી ફરી નિષ્ફળ થઉં છું અને નીચે સરી પડું છું. એટલે જ હે નાથ! મારા પર દયા કરો, કૃપા કરો.’ એક દિવસ તેઓ એટલા બધા આકુળ-વ્યાકુળ અને ગંભીર બનીને બોલી ઊઠ્યા: ‘હે નાથ! ક્યાં સુધી! ક્યાં સુધી! આવતીકાલ અને માત્ર આવતીકાલ? ના. આજે જ શા માટે નહિ? અત્યારે જ શા માટે નહિ?’ અને ત્યારે એમણે દિવ્યવાણી સાંભળી. જેમ ગૌતમ બુદ્ધે પેલા સમૂહગાનમાંથી સાંભળી હતી તેવી વાણી તેમણે સાંભળી. સંત ઓગસ્ટાઈને પોતે કબૂલ કર્યું હતું કે આ દુનિયામાં આચરી શકાય તેવા બધાં પાપો તેમણે કર્યાં હતાં. આમ હોવા છતાંયે તેમણે સત્યને જાણવાની ઈંતેજારી સેવી હતી; પ્રભુને જાણવાની, એમનો સાક્ષાત્કાર કરવાની તીવ્ર ઝંખના એમનામાં હતી. અને એમનામાં આ બધું હતું એટલે જ પ્રભુએ એમને બચાવી લીધા હતા. એમણે એ પણ કબૂલ્યું હતું કે એમણે પોતાના વિચારોને ક્યારેય દગો દીધો નથી – વિચારોનું પાલન કર્યું છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે: ‘તમે તમારી જાતનો દ્રોહ ન કરતા. તમારી નિર્બળતાઓનો સ્વીકાર કરજો, તમારી અપૂર્ણતાઓને પણ સ્વીકારજો. પ્રભુ તો તમારી ભીતર જ છે. તમે તમારા દોષની કબૂલાત કરશો તો પ્રભુ તમને માફ કરશે; અને તમે સત્યની અનુભૂતિ કરી શકશો.’ સંત ઓગસ્ટાઈનની બાબતમાં પણ આવું જ બન્યું. અને જ્યારે એમણે કહ્યું: ‘હે પ્રભુ! તમે આજે જ મારી સહાયે કેમ નથી આવતા?’ અને દિવ્યવાણી તેમના કાને પડી : ‘ઊભો થા અને પવિત્ર બાઈબલમાંથી અમુક પૃષ્ઠનું વાચન કર.’ તેણે ચોક્કસ પાનું ખોલ્યું અને પોતાની ભીતરથી કંઈક માર્ગદર્શન મળ્યું. આ સાથે એમણે મક્કમ મનથી નિર્ણય કર્યો કે તેમને હવે ઇન્દ્રિય સુખપ્રલોભનો સાથે કાંઈ લેવા-દેવા નથી. અને તેઓ મહાન સંત બની ગયા. એટલે આપણે આપણા વિચારોનો દ્રોહ ન કરવો જોઈએ. આપણે બધા આપણી મર્યાદાઓ અને અપૂર્ણતાઓથી સંપૂર્ણપણે માહિતગાર છીએ, જાગ્રત છીએ. સાચી રીતે તો ઈશ્વર એટલા બધા માયાળુ અને કરુણાળુ છે કે જો આપણે એમના શરણે જઈએ તો તેઓ આપણી બધી અપૂર્ણતાઓને માફ કરી દેશે. પરંતુ આપણા પક્ષે જરૂરી છે સંનિષ્ઠા અને સાચી ઉત્કટતા.

આમ, પરમધ્યેયે પહોંચીને આપણે આપણું સંપૂર્ણમન ઈશ્વરને સમર્પિત કરી દેવું જોઈએ. એમાં અંશત: સમર્પણ ન ચાલે. આપણે એમ ધારીએ કે આપણા મનનો એક અંશ આપણા કુટુંબીજનો માટે; એકાદ અંશ આ કે પેલી વ્યક્તિ માટે; એકાદ અંશ આપણા કામધંધા કે ફલાણા ફલાણા કામ માટે અનામત રાખીશું અને પછી આપણે સર્વોચ્ચ ધ્યેય સુધી પહોંચવાની અપેક્ષા રાખતા હોઈએ તો ત્યાં આપણે ભયંકર થાપ ખાઈએ છીએ. આપણે જીવનના સર્વોચ્ચ ધ્યેય સુધી પહોંચવા માગતા હોઈએ અને તે પણ આજ જીવનમાં તો આપણે પોતાના મનને ઈશ્વરને પૂર્ણપણે સમર્પિત કરી દેવા તૈયાર રહેવું જ જોઈએ. આપણે ઈશ્વરને શરણે આપણું સર્વસ્વ અર્પણ કરી જ દેવું જોઈએ. કદાચ આવો પણ પ્રશ્ન પૂછાય : ‘હું ઈશ્વરને મારું મન સંપૂર્ણપણે કેવી રીતે અર્પણ કરી શકું? અને જો મારું મન સંપૂર્ણપણે અર્પી દઉં તો મારી પાસે જેની અપેક્ષા રાખવામાં આવે છે તેવા મારા દરરોજે દરરોજના કૌટુંબિક સંબંધો અને અને બીજાં બધાં કાર્યોનું શું થાય? મારે ઘણા લોકોને મળવાનું હોય છે. એ વાત સ્વાભાવિક છે કે મારું મન મારા કામમાં, મારી ફરજોમાં અને મારાં ઋણકર્તવ્યોમાં પણ લગાડવું જોઈએ.’ આનો પણ ઉપાય છે. મહાપુરુષો કહી ગયા છે: ‘તમારું મન પ્રભુને સમર્પિત કરી દો અને તમારા સંબંધોને આધ્યાત્મિકભાવે રંગી નાખો.’ તમે તમારું મન પ્રભુને શરણે ધરી દો અને તમે તમારી ભીતરના અંતરાત્મામાં એવી દૃઢ શ્રદ્ધા રાખો કે પ્રભુ તો દરેક માનવીમાં રહેલો છે. તે અહીં પણ છે, ત્યાં પણ છે, સર્વત્ર છે. તે સર્વવ્યાપી છે એટલે તે દરેકેદરેક વ્યક્તિમાં, કાર્યમાં અને કર્તવ્યમાં રહેલો છે. એટલા જ માટે બધાં કાર્યો કરતી વખતે, બધી ફરજો બજાવતી વખતે, જો કોઈ પણ વ્યક્તિ પોતાના મનને પૂર્ણભાવે પ્રભુને સમર્પિત કરી દે તો તેના માર્ગમાં આવતી મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મથામણોને તે પાર કરી શકે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ‘માનવ જીવનનું ધ્યેય પોતાની ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ છે.’ સૌ પ્રથમ તો આપણે દિવ્ય છીએ એવી દૃઢ સંકલ્પનાવાળી શ્રદ્ધા આપણામાં હોવી જોઈએ પછી આપણે આપણા દૈનંદિન જીવનમાં એ દિવ્યતાનું પ્રગટીકરણ કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘મારા જીવનધ્યેયને હું થોડા શબ્દોમાં આ રીતે મૂકી શકું : માનવજાતને પોતાની દિવ્યતાનો સંદેશો પહોંચાડવો અને એ દિવ્યતાને પોતાની જિંદગીના દરેકેદરેક આચરણ – હાલચાલમાં કેવી રીતે ઊતારવી તેનો શિક્ષણસંદેશ આપવો. આધ્યાત્મિક અને વ્યાવહારિક વચ્ચે ભેદ નથી. બધાં કાર્યો પૂજા છે, કોઈ કાર્ય અપવિત્ર કે આધ્યાત્મિકતા વિહોણું નથી.’ ડોક્ટર હોય કે ઇજનેર, ગૃહનારી હોય કે સંન્યાસી હોય, સૌ કોઈએ પોતાની જાતને સેંકડો પ્રવૃત્તિઓ સાથે જોડવી પડે છે. પરંતુ આપણા દૈનંદિન જીવનમાં, એટલું જ નહિ આપણા અસ્તિત્વની પળે પળે આપણા અન્ય સાથેના સંબંધોને આધ્યાત્મિકતાનો રંગ ચડાવવાનો હંમેશાં આપણે પ્રયત્ન કરવો જોઈએ.

આપણા દૈનંદિન જીવનમાં બીજા સાથેના સંબંધસંપર્કમાં આધ્યાત્મિકતાનો રંગ ચડાવવામાં આપણને મદદરૂપ થનાર સ્વામી અતુલાનંદજી મહારાજના જીવનપ્રસંગનું એક સંસ્મરણ કહેવાની મને ઇચ્છા થઈ આવે છે: ‘એ વખતે હું નવા સવા બ્રહ્મચારી તરીકે રામકૃષ્ણ સંઘમાં જોડાયો હતો. મારે એક સંઘર્ષનો સામનો કરવાનો હતો. બ્રહ્મચારી તરીકે મારે ચોક્કસ સમયે જપધ્યાન કરવાં જોઈએ એવી અપેક્ષા હતી. એ સમયે હું ‘બેલૂર વિદ્યામંદિર’ નામની નિવાસી કોલેજમાં હતો. અમારા આચાર્ય સ્વામી તેજસાનંદજીએ મને યાદ અપાવ્યું કે સરસ્વતીપૂજા નજીક આવતી જાય છે અને મારે દરરોજ સાંજના ૬ થી ૭ વચ્ચે યોજાતી પૂર્વતૈયારીમાં હાજર રહેવાનું હતું. આજ સમય જપ અને ધ્યાન માટે સુનિશ્ચિત થયો છે. અમારા આચાર્યે મને પૂછ્યું, ‘તમે આવીને મને મદદ કરશો? મારે વિદ્યાર્થીઓ એક નાટક ભજવવાના છે એનો પૂર્વાભિનય કરાવવો છે.’ સ્વાભાવિક રીતે જ મારા માટે આ એક માનસિક મૂંઝવણ-સંઘર્ષ હતાં. હું નવો સવો રામકૃષ્ણ સંઘમાં જોડાયો હતો અને મારી ગુણવત્તાભરી આધ્યાત્મિક સાધના માટેનો આ સમય હતો. સદ્‌ભાગ્યે આ બનાવ પછી થોડા સમયમાં મારે મસુરી પર્વમાળાની તળેટીમાં આવેલા બારલોગંજમાં જવાનું થયું. એ વખતે સ્વામી અતુલાનંદજી મહારાજ ત્યાં રહેતા હતા. સ્વામી શ્રદ્ધાનંદજી મહારાજે (જેઓ વેદાંત સોસાયટી ઓફ સેક્રેમેન્ટોના અધ્યક્ષ હતા) મને અતુલાનંદજી મહારાજ પાસે જવાનું કહ્યું. તેઓ આધ્યાત્મિક સિદ્ધિપ્રાપ્ત સંન્યાસી ગણાતા. એટલે હું તો ત્યાં ગયો અને એક દિવસ મને તક મળતા મેં મારા મનનો ભાર આ રીતે હળવો કર્યો : ‘મહારાજ, હું તો સંઘ માટે નવો-સવો છું. હું હમણાં જ જોડાયો છું પરંતુ, હું જ્યારે અમારા મહાવિદ્યાલયમાં હોઉં છું ત્યારે મારે જપધ્યાન કરવાના સમયે બીજી કેટલીક ફરજો પણ બજાવવાની રહે છે. આવા સમયે મારે શું કરવું?’ સ્વામી અતુલાનંદજી મહારાજનો પ્રત્યુત્તર આવો હતો : ‘તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે એવો જ પ્રશ્ન મેં સ્વામી તુરીયાનંદજીને પૂછ્યો હતો, ત્યારે અમે અમેરિકાના શાંતિ આશ્રમમાં હતા.’

સહજભાવે હું મારા વાચકોને એટલું જણાવી દઉં કે સ્વામી અતુલાનંદજીનો જન્મ હોલેન્ડમાં થયો હતો. એમણે શ્રી શ્રીમા શારદાદેવી પાસેથી સંન્યાસદીક્ષા લીધી હતી. સ્વામી વિવેકાનંદ જેવા શ્રીરામકૃષ્ણદેવના કેટલાક સાક્ષાત્‌ શિષ્યોના સંપર્કમાં આવવાનું એમને સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું. સ્વામી અતુલાનંદજી મહારાજ અમેરિકામાં સાન્ફ્રાંસિસ્કોના શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદજી મહારાજ સાથે રહેતા હતા તે સમયના સંદર્ભે હું એક વાત કહું છું. સ્વામી તુરીયાનંદજી મહારાજ સત્યપ્રાપ્તિ ઝંખતા કેટલાક સંનિષ્ઠ ભાવિકોને વિશેષ તાલીમ આપવા ઇચ્છતા હતા, જેથી તેઓ પોતાના મૂળ દિવ્યસ્વરૂપને જાણી શકે. આ ધ્યેયને નજર સમક્ષ રાખીને તેઓ આવા જિજ્ઞાસુઓના એક સમૂહને લઈને શાંતિ-આશ્રમ ગયા. સ્વામી અતુલાનંદજી મહારાજને આ જૂથમાં જોડાવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું. તેમણે એવી પણ અપેક્ષા રાખી હતી કે તેઓ ત્યાં જપ-ધ્યાન અને શાસ્ત્રોના અધ્યયનમાં બધો સમય ગાળી શકે. પણ એમના આશ્ચર્ય સાથે તેઓ ત્યાં પહોંચ્યા પછી જૂથના સભ્યોને બળતણ કે સમીધ, પાણી વગેરે લાવવાની જુદી જુદી ફરજો સોંપવામાં આવી. અને સ્વાભાવિક રીતે એમને જપધ્યાન માટે વધુ સમય મળ્યો નહિ. સ્વામી અતુલાનંદજી મનમાં તો આ વિશે ખૂબ મુંઝાણા અને એક દિવસે આ મૂંઝવણને ન રોકી શકતા તેમણે પૂજ્ય હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદજી)ને આમ પૂછી નાખ્યું: ‘મહારાજ, તમે મને એટલું બધું કામ આપ્યું છે કે જેથી ધ્યાનનો સમય જ ક્યાં રહે છે?’ પુનિત અને પાવનકારી એવા સ્વામી તુરીયાનંદજી મહારાજે સ્વામી અતુલાનંદજીને કહ્યું: ‘વત્સ, આટલું હંમેશાં યાદ રાખજે કે આધ્યાત્મિક જીવન જીવવા ઝંખતા સાધકનું જીવન એ સતત ચાલતી ધ્યાન-સાધના જેવું છે. હવે તારે કેટલો વધારે સમય જોઈએ છે?’ હું બારલોગંજમાં સ્વામી અતુલાનંદજીને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે હરિમહારાજના આ ઉત્તરે મારી આંખ ઉઘાડી નાખી. અત્યાર સુધી મારા મનમાં એવી છાપ હતી કે આ સમિધ, બળતણ કે પાણી વગેરે લાવવા જેવાં કાર્યો વિધિવિધાનો જેવાં છે. પણ હવે એમને સમજાયું કે એમની એ માન્યતા ખોટી હતી, ભ્રામક હતી. સમગ્ર જીવન દિવ્ય બની જવું જોઈએ. સમગ્ર જીવન એક સતત ચાલતી ધ્યાન-સાધના છે. દરેક કાર્ય કે પ્રવૃત્તિ એ પૂજાનું કાર્ય છે. સ્વામી તુરીયાનંદજી મહારાજ પાસેથી અતુલાનંદજી મહારાજને જે જવાબ મળ્યો એ જવાબ અતુલાનંદજી મહારાજને કરેલા મારા પ્રશ્નનો પણ જવાબ હતો. એણે મારી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો.

જો આપણે આવું વલણ વિકસાવીએ તો આપણા બીજાઓ સાથેના દૈનંદિન સંબંધોને પણ આધ્યાત્મિકતાના રંગે રંગી શકીએ. જ્યારે એમ કહેવાયું છે કે મનને પૂર્ણપણે ઈશ્વરને સોંપી દેવું જોઈએ. એનો અર્થ એ છે કે આ ત્યારે શક્ય બને કે જ્યારે આપણે આધ્યાત્મિક બાબતો અને વિધિવિધાનો વચ્ચે ભેદભરમ ન રાખીએ. હવે આવો પ્રશ્ન ઊઠશે: ‘જે લોકો સાંસારિક જીવનમાં છે એમના માટે આ શક્ય બને ખરું?’ હા, તમે તમારા દૈનંદિન સંબંધ સંપર્કોને આધ્યાત્મિકતાના રંગે રંગવાનો પ્રયત્ન કરો. આ સત્યવાત હંમેશાં યાદ રાખો કે આધ્યાત્મિક સાધકનું જીવન એ સતત ચાલતી ધ્યાનસાધના જ છે. એમાં ક્યાંય વિરામ, આરામ કે અવરોધ ન આવવો જોઈએ.

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.