(કથામૃત : ૧/૧૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨)

દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામી આદિ ભક્તો સાથે ઠાકુરની ઈશ્વર વિશે ચર્ચા ચાલી રહી છે.

વૈધી ભક્તિ

ભક્તિ વિશે ઠાકુર રાગાત્મિકા ભક્તિને વધુ મહત્ત્વ આપીને કહે છે કે બરાબર આ પ્રકારની ભક્તિ થવાથી ભગવાન મળે છે. પરંતુ જે વ્યક્તિ જ્યાં છે એણે ત્યાંથી જ તેની શરૂઆત કરવાની હોય છે. આ રાગાત્મિકા ભક્તિ મેળવવાનો ઉપાય છે – વૈધી ભક્તિ. જો કોઈ એમ વિચારે કે જ્યાં સુધી આ રાગાત્મિકા ભક્તિ ન થાય ત્યાં સુધી હું ઈશ્વરચિંતન નહિ કરું તો એવી વ્યક્તિ માટે ઈશ્વરચિંતન કરવાનું ક્યારેય સંભવ થશે નહિ. કારણ એ છે કે જ્યારે એમના પ્રત્યે પરિપૂર્ણ પ્રેમ થઈ જાય ત્યારે વ્યક્તિ માટે કોઈપણ સાધના કરવાની આવશ્યકતા જ નહિ રહે. ત્યારે કોઈ પણ પ્રકારના આચારનું પ્રયોજન પણ નહિ રહે; જપ-તપનું, વિધિ-નિયમનું, કઠોર અનુશાસનનું પણ પ્રયોજન નહિ રહે. ત્યારે તો ભક્ત કેવળ આસ્વાદન લઈને રહેશે, ભગવાનને લઈને આનંદ મનાવશે. મોટા ભાગના ભક્તો અને સાધુઓની ભક્તિ આવી છે, જે બધા નિયમોથી પર ચાલતી રહે છે. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે પહેલેથી જ એવી અવૈધી ભક્તિનો આશ્રય લઈ લઈએ; કારણ કે ભક્તિ મેળવવા માટે તો ‘સાધના દ્વારા જ આપણે પ્રભુને મેળવી શકીએ છીએ’ એવો વિશ્વાસ સાથે લઈને આગળ વધવું પડશે. પરંતુ જેમ જેમ આપણે આગળ વધતાં જઈશું તેમ તેમ આપણી બુદ્ધિ શુદ્ધ-સાફ થતી જશે, શુદ્ધતર બનતી જશે અને તેમ તેમ આપણે એ વાત સમજી શકીશું કે આપણે ભલેને ગમે તેટલી કઠોર સાધના કરીએ પરંતુ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તે ક્યારેય પર્યાપ્ત નથી. અને જે સમયે આ વાત પૂરેપૂરી આપણી સમજમાં આવી જશે તે સમયે ભગવાન પર આપણી પૂરેપૂરી નિર્ભરતા આવી જશે. શાસ્ત્રકારોએ કહ્યું છે અને સાધકોએ પણ કહ્યું છે, ‘સાધનાની સહાયથી એમને મેળવીશ’, સાધકનું આ અભિમાન, આ અહંકાર પણ જ્યારે ભાંગીને ભુક્કો થઈ જાય છે ત્યારે સાધક પોતે પોતાની જાતને અસહાય અનુભવે છે. અને ત્યારે તે પૂર્ણ રૂપે પ્રભુનું શરણ લે છે, ત્યારે એમની કૃપા થાય છે ત્યારે એમની દયાનો અનુભવ થાય છે. નિ:સંદેહ દયાનો કોઈ વિધિ-નિયમ નથી. આમ કરવાથી એમની કરુણા મળશે કે થશે અને આમ ન કરવાથી એમની કરુણા નહિ મળે એવી વાત ક્યારેય કહી શકાતી નથી. પરંતુ, એમની કરુણા ઉપર નિર્ભર રહેવા યોગ્ય મન:સ્થિતિ સાધકના જીવનમાં ઘણી સાધના કર્યા પછી આવે છે. આ વિશે આપણે ઠાકુરના આ દૃષ્ટાંતને યાદ કરીએ : ‘બાગબાજારના હરિ (સ્વામી તુરીયાનંદ) ઘણા દિવસોથી ઠાકુર પાસે આવ્યા નથી. ઠાકુરે જાણખબર મેળવીને જાણી લીધું કે હરિ વેદાંતવિચારમાં મગ્ન છે; પરંતુ એ જાણીને પણ એમણે કંઈ કહ્યું નહિ. એક દિવસ ઠાકુર બાગબજારમાં આવેલા બલરામમંદિરમાં આવ્યા. આવતા વેંત જ હરિને બોલાવી લાવવા કહ્યું. હરિએ આવીને જોયું તો ઠાકુર ભક્તોથી ઘેરાયેલા ખંડમાં બેઠા છે અને એક ગીત ગાઈ રહ્યા છે. બંને આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી છે, એને લીધે સામેનો ગાલીચો પણ થોડો ઘણો ભીંજાઈ ગયો છે. ગીતનો ભાવાર્થ આવો હતો : અરે! લવ-કુશ ભલા તમે કઈ વાતનું અભિમાન કરો છો? જો હું પોતે જ તમને પકડવા ન દેત તો શું તમે મને પકડી શકત ખરા? હનુમાનજીને બાંધીને લવ-કુશ સીતાજી પાસે લઈ જાય છે અને કહે છે: ‘મા, જુઓ, અમે કેટલા મોટા વાંદરાને પકડી લાવ્યા છીએ!’ ત્યારે હનુમાન ગાય છે: ‘જો હું તમને પકડવા ન દેત તો શું તમે મને પકડી શકત ખરા?’ માણસ વિચારે છે કે તે સાધના દ્વારા ઈશ્વરને પકડી લેશે પણ તે એ નથી જાણતો કે હજાર જન્મની સાધના પણ એમને પ્રાપ્ત કરવા માટે નિતાંત અપર્યાપ્ત છે. ઠાકુરનું આ ગીત સાંભળીને હરિ પોતાની ભૂલ સમજી શક્યા. ન કોઈ પ્રશ્ન પૂછવાની આવશ્યકતા પડી કે ન કોઈ ઉપદેશની.

ઠાકુર કહે છે : વળી કોઈ કોઈ એવા પણ હોય છે કે બાળપણથી જ રાગાત્મિકા ભક્તિ લઈને જન્મ છે; એમનામાં એકદમ શરૂઆતથી જ ભક્તિનો પ્રકાશ જોવા મળે છે, જેમ કે પ્રહ્‌લાદને કોઈની પાસે જઈને ભક્તિ વિશે શીખવું ન પડ્યું; પરંતુ નિતાંત પ્રતિકૂળ પરિવેશમાં પણ એમની ભક્તિ સ્વત: સ્ફૂર્ત બનીને પ્રકાશી ઊઠી. આ પ્રકારની ભક્તિ આવી જાય પછી વૈધીભક્તિની આવશ્યકતા રહેતી નથી. આ વિશે તુલસીદાસનો એક દોહો છે: 

તુલસી જપ તપ કીજિએ, સબ ગુડિયા કા ખેલ;
પર જબ પ્રિય સે મિલન હો, રખે પિટારી મેલ.

આ જપ-તપ જે કંઈ પણ તમે જુઓ છો એ બધા નાની બાળકીના ઢીંગલાઢીંગલીના ખેલ જેવા છે. નાની છોકરીઓ ઢીંગલાઢીંગલી લઈને રમે છે, ઢીંગલાઢીંગલીના સંસારમાં ખોવાઈ પણ જાય છે. પણ જ્યારે અસલી સંસાર શરૂ થશે ત્યારે પતિની સાથે મિલન થશે, ત્યારે એ ઢીંગલાઢીંગલીને પેટીમાં નાખીને મૂકી દેવામાં આવશે. બરાબર આ જ રીતે જપ-તપ કરવાં એ જાણે કે ભગવાનને સાથે રાખીને ઢીંગલાઢીંગલીનો ખેલ ખેલવા જેવું છે. આ બધાની સાર્થકતા કેવળ ભગવદ્‌વૃત્તિના અનુશીલનમાં છે. જ્યારે ભગવાનના આસ્વાદનનો, એને સાથે રાખીને આનંદ કરવાનો સુઅવસર આવે છે ત્યારે જપ-તપની સાર્થકતા રહેતી નથી; ત્યારે એ બધું ‘ઢીંગલાઢીંગલીના ખેલ’ જેવું લાગે છે. જ્યારે ભગવાન પ્રત્યેનો પ્રેમ હૃદયમાં આવી જાય છે ત્યારે જપ-તપ આદિ કર્મોનો ત્યાગ થઈ જાય છે. પછી કોણ જપ કરશે અને કોના માટે જપ કરશે? યશોદા કૃષ્ણ માટે વિલાપ કરી રહી છે. એટલે ઉદ્ધવ ઉપદેશ આપે છે : ‘કૃષ્ણ તો હૃદયમાં બિરાજમાન છે, એમનું ધ્યાન કરવાથી જ તે મળી જાય છે તો પછી આટલો વિલાપ શા માટે?’ યશોદાજી કહે છે : ‘હું જે મનથી ધ્યાન કરીશ એ મન છે જ ક્યાં? એ મન તો હું ક્યારનું ય કનૈયાને આપી ચૂકી છું.’ મન નથી એટલે સાધનાનું યંત્ર પણ નથી. આ દૃષ્ટાંત અત્યંત સુંદર છે કે સાધક જ્યાં તન્મય થઈ જાય છે ત્યાં તેને માટે બીજી કોઈ સાધનાનો અવકાશ જ રહેતો નથી. જ્યાં સુધી તે દૂર છે, જ્યાં સુધી એમના પ્રત્યે તીવ્ર પ્રેમ નથી થતો, ત્યાં સુધી સાધનાની આવશ્યકતા રહે છે. પરંતુ, જેવો એમના પ્રત્યે અનુરાગ આવી ગયો તે ક્ષણે એ બધી સાધનાઓની કોઈ સાર્થકતા રહેતી નથી.

પ્રેમભક્તિથી ઈશ્વરપ્રાપ્તિ

અહીં વિજયકૃષ્ણ ગોસ્વામી એક વધુ પ્રશ્ન પૂછે છે: ‘મહારાજ! ઈશ્વરને મેળવવા માટે, એમના દર્શન કરવા માટે ભક્તિ જ પર્યાપ્ત છે ને?’ આ પ્રશ્ન એવો લાગે છે કે આ વિશે એમના મનમાં સંશય છે. ભક્તિ, જે એક ભાવના છે, મનની એક વૃત્તિમાત્ર છે, શું કેવળ એના દ્વારા જ ભગવાનને મેળવી શકાય છે? ઠાકુર કહે છે : ‘હા, ભક્તિ દ્વારા જ એમને મેળવી શકાય છે, એમનાં દર્શન થાય છે.’ પરંતુ, અહીં ‘ભક્તિ’ સમજાવતાં તેઓ કહે છે: ‘પાકી ભક્તિ, પ્રેમા ભક્તિ, રાગાત્મિકા ભક્તિ જોઈએ.’ આવી જ ભક્તિના આવવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉદ્‌ભવે છે. અહીં એક પ્રશ્ન આપણા મનમાં વારંવાર આવે છે કે ભક્તિનું લક્ષણ શું છે? શ્રીઠાકુર કહે છે : ‘આ પ્રેમના, આ રાગાત્મિકા ભક્તિના આવવાથી સ્ત્રીપુત્ર, સ્વજન કુટુંબ, વગેરે ઉપર આપણું માયિક આકર્ષણ રહેતું નથી.’ તો શું મનુષ્ય વૃક્ષ કે પત્થર જેવો બની જાય છે? કહે છે : ‘ના, માયાનું આકર્ષણ રહેતું નથી, દયા રહી જાય છે.’ આપણે ક્યાંક સમજવામાં ભૂલ ન કરી બેસીએ એટલે ઠાકુર તરત જ કહે છે : ‘દયા રહી જાય છે.’ ‘હું-મારો’નો બોધ-ભાવ માયા છે અને સર્વજીવો પ્રત્યે કરુણાથી દયા થાય છે. મા સંતાન પ્રત્યે દયા નથી કરતી, માયા રાખે છે. કારણ કે ત્યાં ‘મારો’નો બોધ કે ભાવ છે – ‘મારો રામ’, ‘મારો હરિ’ વગેરે. પરંતુ જો માનું આકર્ષણ બધાના પ્રત્યે સમાન હોય તો પછી એને ‘માયા’ ન કહેવાય. જ્યાં મમત્વ છે, મારાપણાનો બોધ કે ભાવ છે ત્યાં કેવળ એ અમુકતમુક વ્યક્તિ માટે પ્રેમનો પ્રકાશ થાય છે, એટલે જ એને ‘માયા’ કહે છે. માયા અને દયા વચ્ચે અંતર એ છે કે ‘માયા’ દ્વારા મનુષ્ય બંધનમાં પડે છે અને ‘દયા’ એને મુક્તિ અપાવે છે. એટલા માટે ઠાકુરે અનેક સ્થળે કહ્યું છે: ‘માયા બરાબર નથી, દયા બરાબર છે.’ ઠાકુર એ પણ કહે છે : ‘ભક્તિ કાચી રહેવાથી ભગવાનની વાતની ધારણા થઈ શકતી નથી; જેમની પાસે શુદ્ધાભક્તિ છે, પ્રેમાભક્તિ છે કેવળ એ જ ભગવાનની કથાની – વાતની ધારણા કરી શકે છે. ઠાકુર ફોટોગ્રાફના કાચનું ઉદાહરણ આપે છે: ‘ફોટોગ્રાફના કાચમાં કાળું પડ લગાડેલું રહે છે એનાથી જ ફોટો બને છે. તે ન હોય તો પ્રતિબિંબ આવતાં જ ચાલ્યું જાય છે. બરાબર એ જ રીતે મનુષ્યના મનમાં જો પ્રેમ ન હોય તો તે પ્રેમસ્વરૂપની વાત પોતાની છાપ અંકિત કરે કઈ રીતે? ભગવાન સાથે પ્રેમ થવાથી સંસાર અનિત્ય લાગે છે; જેમ કે એક ગીતમાં કહ્યું છે :

મન ચલો નિજ નિકેતને ।
સંસાર વિદેશે વિદેશીર વેશે ભ્રમો કેનો અકારણે ॥

‘હે મન, તું તારા ઘરે ચાલ. આ વિદેશ રૂપી સંસારમાં વિદેશી વેશમાં અકારણ શા માટે ભટકે છે?’ સંસાર આ રીતે વિદેશ લાગે છે. જ્યાં પ્રભુ છે ત્યાં આપણો દેશ છે. તેઓ જ પ્રેમના એક માત્ર પાત્ર છે, તેઓ જ એક માત્ર પ્રેમાસ્પદ છે. બીજાં સ્થળે એમની થોડી ઘણી સત્તા છે, એટલા માટે આપણે આકર્ષણનો અનુભવ કરીએ છીએ. પરંતુ મૂળ આકર્ષણની વસ્તુ તો તેઓ જ છે. તેઓ શા માટે સારા લાગે છે? તેઓ ‘તેઓ જ’ છે, એટલા માટે તે સારા લાગે છે એ સિવાય બીજું કોઈ કારણ નથી. ત્યારે આપણે ભગવાનના રૂપગુણ આદિની વાત વિચારતા નથી, ‘તેઓ છે’, બસ આટલું જ પૂરતું છે; ત્યારે ભગવાન આપણા સમસ્ત અંત:કરણમાં છવાયેલા રહે છે. આનું નામ છે પ્રેમાભક્તિ.

ભક્તિનું લક્ષણ અને અનુભૂતિ

આ પ્રેમાભક્તિ જ્યારે કોઈ પણ માણસ મેળવી લે છે ત્યારે તેની વિષયબુદ્ધિ સાવ દૂર થઈ જાય છે. વિષયબુદ્ધિ લેશમાત્ર રહી જાય તો પ્રભુનાં દર્શન થતાં નથી. ઘણા લોકો કહે છે કે તેમને કેટલીયે વાર અનેકવિધ ઉપાધિ દેખાય છે. એટલા માટે એમનો પ્રશ્ન આ છે કે તેઓ ભગવાન પ્રત્યે બરાબર આગળ વધી રહ્યા છે કે કેમ? ભગવાન પ્રત્યે આગળ વધવાની એક કસોટી છે અને તે છે – વિષયભોગનો અભાવ ઊભો થવો, વિષયો પ્રત્યેનું આકર્ષણ ઓછું થવું. ભાગવતના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના શરણમાં જવાથી ભગવાનમાં ભક્તિ, ભગવાન સિવાયના બાકીના બીજા બધા વિષયો પ્રત્યે વિરક્તિ અને ભગવાન પ્રત્યે સ્પષ્ટ ધારણા કે દૃઢનિશ્ચય – આ ત્રણ બાબતો માનવજીવનમાં એકી સાથે આવે છે. જ્યારે કોઈ માણસ ઉપવાસ કરે છે ત્યારે ઉપવાસને કારણે એના મનમાં અતૃપ્તિ રહે છે, શરીરમાં દુર્બળતા રહે છે અને પેટમાં ભૂખની આગ બળતી રહે છે. આવો ઉપવાસી માણસ જ્યારે ભોજન મેળવીને એક એક કોળિયો મોઢામાં નાખે છે ત્યારે તે એવું અનુભવે છે કે ધીમે ધીમે તેની અતૃપ્તિ દૂર થતી જાય છે, તેનામાં બળશક્તિ આવે છે અને ભૂખની આગ શાંત થતી જાય છે. આ ત્રણેય અનુભવો એને એકી સાથે થાય છે. આ જ રીતે ભગવાન પ્રત્યે જેનામાં ભક્તિ હોય છે તેને આ ત્રણેય વાતોનો એકી સાથે અનુભવ થાય છે :

‘भक्तिर्विरक्तिर्भगवत्प्रबोध:’ – ભગવાન પ્રત્યે આકર્ષણ ભગવાન સિવાયની બીજી બધી બાબતો પ્રત્યે વિરક્તિ-વૈરાગ્યભાવ અને ભગવાન વિશે સ્પષ્ટ ધારણા. એનું મન એવા એક સ્વાદથી ભર્યું રહે છે કે તેને એ સ્વાદ સિવાય બીજો કોઈ સ્વાદ સારો લાગતો નથી. ‘यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत:’ – જેને મેળવી લીધા પછી બીજું કંઈ મેળવવું બાકી રહેતું નથી. ‘यस्मिन् स्थितो न दु:खेन गुरुणापि विचाल्यते’ – જેમાં રહેવાથી મહાનમાં મહાન દુ:ખ પણ મનુષ્યને વિચલિત કરી શકતું નથી. ત્યારે પ્રેમસાગર ઊમટી પડે છે અને બધાં સુખદુ:ખની ભાવનાને ડુબાડી દે છે; આ છે ભગવાન પ્રત્યે આગળ વધવાની કસોટી. આપણો અનુભવ બરાબર છે કે નહિ એને આના ઉપર કસીને બરાબર પરીક્ષા કરવાની હોય છે.

વિષયતૃષ્ણા અને સંશયનાશ

એક બ્રહ્મચારી ઉત્તરકાશીમાં રહીને સાધના કરતા હતા. એમણે એક દિવસ મને કહ્યું : ‘જુઓ સ્વામીજી, જ્યારે હું બેસીને ધ્યાન કરું છું ત્યારે જોવા મળે છે કે કૃષ્ણ બંસી વગાડે છે અને ૩૩ કરોડ દેવતા ત્યાં આવીને એકઠા થયા છે.’ એમનો કહેવાનો મર્મ એ હતો કે સાધના ક્ષેત્રમાં અવશ્યપણે એ એમની ઘણી ઉન્નતિ થઈ ચૂકી છે. ઠાકુર કહે છે : આ બધાં દર્શનોને પારખવા માટે એક કસોટી છે. જો એવું લાગે કે મન ભગવાનમાં એકાગ્ર થઈને અચંચળ-સ્થિર થઈ ગયું છે, એવું લાગે કે વિષયો હવે પહેલાંની જેમ ગમતા નથી અને એમ લાગે કે ભગવાન વિશેના બધા સંશયો દૂર થઈ ગયા છે; તો સમજવું કે એ બધાં દર્શનો વગેરે સત્ય છે નહિ તો એ જ માનવું પડશે કે એ બધો માત્ર મનનો ખેલ છે. કલ્પના પછી ભલે એ ગમે તેટલી મનોરમ કેમ ન હોય, પણ તે ક્યારેય વાસ્તવિક બની શકતી નથી. હા, એ સત્ય છે કે સાધનાનો પ્રારંભ ભગવાનની કલ્પના કરીને જ કરવો પડે છે, આ વિષયમાં કોઈ સંદેહ નથી; પરંતુ એ કલ્પનાને આપણે ક્યાંક સત્ય ન સમજી બેસીએ એ જોવું જોઈએ. આ કલ્પનાની સહાયથી જ પ્રભુની તરફ આગળ વધવાનું શરૂ થાય છે, અને જ્યારે આપણે પ્રભુનાં ચરણકમળમાં પહોંચી જઈએ ત્યારે એનો અંત થાય છે. અને આપણે ત્યાં પહોંચી ગયા એનું લક્ષણ આ જ છે કે ક્રમશ: એમના પ્રત્યે અનુરાગની વૃદ્ધિ થશે તેમજ તેમના અસ્તિત્વ વિશે આપણા બધા સંશયો દૂર થશે. વળી આ લક્ષણ સ્વસંવેદ્ય છે, આપણે પોતે જ એમને સમજી શકીએ છીએ, કારણ કે મારા મનની ગતિ કઈ તરફ છે એ બીજા માણસની અપેક્ષાએ હું જ સારી રીતે સમજી શકું છું. સામાન્ય રીતે આપણે પોતાની જાતને લોકો આપણને એક બહુ મોટા ભક્ત સમજે એવી દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પોતાનું સ્વરૂપ પોતાની દૃષ્ટિથી ક્યારેય છૂપાયેલું રહેતું નથી.

આત્મવિશ્લેષણ

નિષ્કપટભાવે થોડું આત્મવિશ્લેષણ કરવાથી જ મનની કરણી પકડમાં આવી જાય છે, આપણે સમજી શકીએ છીએ કે આપણે ક્યાં ક્યાં સાચા છીએ અને ક્યાં ખોટા છીએ. એક કાલીનો ઉપાસક મા કાલીનાં દર્શન કરવા માટે ખૂબ વ્યાકૂળ હતો. જેને જુએ તેને પૂછતો : ‘શું તમે મને મા કાલીનાં દર્શન કરાવી શકો છો?’ આ સાંભળીને એક વ્યક્તિએ કહ્યું : ‘હા, કરાવી શકું છું.’ જેવી રીતે લોકોને સમજાવાય છે એવી રીતે એને સમજાવતાં તેણે કહ્યું : ‘અમાસની રાત્રીએ સ્મશાનમાં જઈને મા કાલીની પૂજા કરવી પડશે અને આ અમુક તમુક સામાનની જરૂર પડશે. તમે એ બધું ખરીદીને – ભેગું કરીને લઈ આવો. મા કાલીનાં દર્શન થશે.’ એ કહેવાની જરૂર નથી કે આ પૂજામાં એક મસમોટી દક્ષિણા પણ જરૂર આપવાની હતી. બધી વ્યવસ્થા થઈ ગયા પછી તેણે ભક્તને કહ્યું: ‘આંખો મીંચીને માની મૂર્તિનું ધ્યાન કરો.’ ભક્તે એમ કર્યુ ત્યાર પછી પેલાએ કહ્યું : ‘હવે જુઓ, મા આવી ગઈ છે.’ આંખો ખોલીને ભક્તે જોયું તો ખરેખર મા ઊભી હતી. તે થોડીવાર સુધી જોતો રહ્યો અને કહેવા લાગ્યો: ‘મા, તમે જે સામે આવ્યા છો તેનાથી મારા મનમાં આનંદનો સ્રોત કેમ વહેતો નથી. જગન્માતાનાં દર્શનથી તો મન આનંદથી ભરાઈ જવું જોઈતું હતું. પરંતુ મને તો એવું કંઈ થતું નથી.’ આમ કહેતા કહેતા ભક્ત માના ચરણો પકડવા લાગ્યો. ત્યારે એ મા ચીસ પાડીને બોલી ઊઠી : ‘અરે બેટા! હું કંઈ જાણતી નથી. મને આ બ્રાહ્મણ થોડા પૈસાનો લોભ બતાવીને અહીં પકડી લાવ્યો છે, તું મને છોડી દે.’ આ દૃષ્ટાંત બસ એટલું જ બતાવવા માટે આપ્યું છે કે આપણે આપણી જાત સાથે ક્યારેય છલના ન કરી શકીએ. જો થોડા સ્થિર-ધીર થઈને વિચાર કરીએ તો આપણું મન આપણને સ્પષ્ટપણે બતાવી દેશે કે આપણે ભગવાન તરફ ખરેખર આગળ વધી રહ્યા છીએ કે નહિ. ઠાકુર કહે છે : ડાંગર ખાંડતી વખતે વચ્ચે વચ્ચે હાથમાં લઈને ખાંડવાનું કામ કેવું થયું છે એ જોવું પડે છે. બરાબર એ જ રીતે સાધના કરતી વખતે વચ્ચે વચ્ચે સાધના પથ પર મારી ઉન્નતિ થાય છે કે નહિ એ પોતે જાતે જ પરીક્ષા કરીને જોઈ લેવું પડે છે. ઠાકુર બતાવે છે : એક માણસ ખેતરમાં રાતભર પાણી પાતો રહ્યો, પણ સવારે જોયું તો ખેતરમાં એક ટીપુંય પાણી ન હતું. ખેતરમાં કેટલાંય દર હતાં. એ દરમાંથી થઈને બધુંય પાણી વહી ગયું હતું. આવાં બધાં દરોને શોધીને બંધ કરવા પડશે. અર્થાત્‌ એના પર એવી નજર રાખવી પડશે કે આપણી સાધનાસંપત્તિ ચોરી ચોરીથી ક્યાંય ચાલી તો નથી જતીને! આ વાત બરાબર પેલા મતવાલાની અવસ્થા જેવી છે કે જે આખી રાત પતવારથી હલેસાં મારતા રહ્યા અને સવારે જોયું તો હોડી તો જ્યાં હતી ત્યાં જ છે! કારણ એ હતું કે એમણે હોડીને છોડી જ ન હતી! બરાબર એવી જ રીતે આપણે પણ સામાન્ય રીતે જોઈએ છીએ કે વર્ષનાં વર્ષ સુધી જપધ્યાન કરીને પણ આપણે જાણે કે કંઈ જ કરી રહ્યા નથી. આ ‘હું-મારા’ની બુદ્ધિએ આપણને ચારે બાજુએથી બાંધી રાખ્યા છે. શત શત આશા-આંકાક્ષા-કામનાની દોરડીથી આપણે સંસારમાં એવી રીતે બંધાયેલા છીએ કે હજાર હજાર જપતપ કરવા છતાં પણ આપણે આગળ વધી શકતા નથી. એટલા માટે આપણે જ્યારે પણ આવો ભટકવાનો અનુભવ કરીએ અને એવું વિચારીએ કે આપણે જે આટલી બધી સાધનાઓ કરીએ છીએ એનાથી ઠીકઠીક આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણા માટે એ ઉચિત છે કે બધાં લક્ષણોને મેળવીને આપણી ખરેખર પ્રગતિ થઈ રહી છે કે નહિ તે જોઈ લેવું જોઈએ. ગીતામાં કહ્યું છે તેમ અડચણ આવરણ ક્યાં છે એ પહેલા જાણી લેવું પડશે. પછી એને પાર કરવાનું સહજસરળ થઈ જશે. એટલે જ આત્મવિશ્લેષણની આવશ્યકતા છે. કારણ એ છે કે હું પોતે મારી જાતને જેટલી સારી રીતે સમજી જાણી શકું છું એટલી સારી રીતે બીજું કોઈ જાણી ન શકે. એટલે જ ગીતામાં, ભક્તિશાસ્ત્રોમાં નિષ્કપટ બનવાની વાત વારંવાર કહેવામાં આવી છે અને આ જ કારણે ઠાકુર પણ વારંવાર કહે છે : ‘સરળ ન બનવાથી એને પામી ન શકાય.’

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.