“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઈસ, મિસૌરી (યુ.એસ.એ.)ના અધ્યક્ષ સ્વામી ચેતનાનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

વેદાંત શું છે?

વેદાંત જ્ઞાનમાત્રની પરાકાષ્ઠા છે, ભારતના ઋષિમુનિઓનું પવિત્ર જ્ઞાન છે, સત્યના દૃષ્ટાઓની અનુભૂતિઓનું યોગફલ છે. વેદોને નામે ઓળખાતાં શાસ્ત્રોનું એ તત્ત્વ કે તારણ છે. ઉપનિષદો વેદોને અંતે આવતાં હોઈ, એમને સામૂહિક રીતે વેદાંત કહેવાય છે. શબ્દાર્થ અનુસાર, વેદ એટલે ‘જ્ઞાન’ અને અંત એટલે ‘છેડો’. વેદાંત વિશાળ વિષય છે, એના શાસ્ત્રગ્રંથો પાછલાં પાંચ હજાર વર્ષોથી ઉત્ક્રાંત થતાં આવે છે. ઉપનિષદો (પ્રગટેલાં સત્યો), બ્રહ્મસૂત્રો (તાર્કિક સત્યો) અને ભગવદ્‌ગીતા (વ્યવહારુ સત્યો) વેદાંતના ત્રણ પાયાના ગ્રંથો છે.

વેદાંતનો કેટલોક ઉપદેશ

ઉપનિષદોમાંના કેટલાંક વેદાંતનાં બોધવચનો જોઈએ. ‘ઊઠો! જાગો! મહાત્માઓ પાસે જઈ જ્ઞાન પ્રાપ્ત કરો.’ ‘અહં બ્રહ્માસ્મિ’, ‘તત્ત્વમસિ’, ‘સર્વંખલુઈદં બ્રહ્મ’. ‘આ પરિવર્તનશીલ જગતમાં જે કંઈ છે તે ઈશ્વરથી વ્યાપ્ત છે.’ ‘મનુષ્ય અહીં આત્માને જાણે તો, જીવનના ધ્યેયને એ પ્રાપ્ત કરે.’ ‘પ્રણવ ધનુષ્ય છે, આત્મા શર છે, બ્રહ્મ લક્ષ્ય છે. અપ્રમત્ત ચિત્તથી વેધ કરવાનો છે.’ ‘જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ થાય છે.’ એના હાથ અને પગ સર્વત્ર છે. એનાં નેત્રો, મસ્તકો અને મુખો સર્વત્ર છે. એના કાન સર્વત્ર છે. વિશ્વની બધી વસ્તુઓમાં એ ઓતપ્રોત છે. ‘સત્ય બોલ, ધર્મ આચર. વેદના સ્વાધ્યાયમાં પ્રમાદ નહિ કર. તારી માતાને દેવતુલ્ય ગણ. તારા પિતાને દેવતુલ્ય ગણ. તારા આચાર્યને દેવતુલ્ય ગણ. અતિથિને દેવતુલ્ય ગણ.’ ‘જે ધન મને અમર નથી બનાવવાનું તેને લઈને હું શું કરું?’ ‘અનંત બ્રહ્મ છે. કશો શાંત પદાર્થ બ્રહ્મ નથી.’ ‘અસત્યોમાંથી અમને સત્યે લઈ જા. ગાઢ તમસમાંથી અમને તેજે લઈ જા. મૃત્યુમાંથી અમૃતે લઈ જા.’

વેદાંત પશ્ચિમમાં કેવી રીતે પ્રવેશ્યું

મોગલ શહેનશાહ શાહજહાઁના પુત્ર દારા શિકોહના આશ્રયે, ૧૬૫૦માં, પચાસ ઉપનિષદોનો અનુવાદ ફારસીમાં કરવામાં આવ્યો હતો. ઓકેતિલ દુપેરો નામના એક ફ્રેંચ વિદ્વાને સને ૧૮૦૧-૦૨માં આ ફારસી અનુવાદનો લેટિનમાં અનુવાદ કર્યો. એનું શીર્ષક રાખ્યું હતું, ‘ઓપનિખત’ આ લેટિન અનુવાદ વાચી શોપનહોઅરે કહ્યું હતું: ‘આ ઉપનિષદો જેવું ઉપકારક અને ઉન્નતિકર આખા જગતમાં બીજું કશું નથી. એમણે મને જીવનમાં શાંતિ આપી છે; મને મૃત્યુમાં પણ એ શાંતિ આપશે.’ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મેક્સમૂલર, પોલ ડોયસન અને બીજા જર્મન પૌરસ્ત્ય વિદ્વાનોએ વેદાંત વિચારણાનો ફેલાવો પશ્ચિમમાં કર્યો.

ભગવદ્‌ ગીતાનો અંગ્રેજી અનુવાદ પહેલીવાર ૧૮૪૬માં સર ચાર્લ્સ વિલ્કિન્સે કર્યો. ટોમસ કાર્લાઈલે ભગવદ્‌ગીતા વાંચી અને તેની નકલ એણે રાલ્ફ વાલ્ડો ઈમર્સનને ભેટ આપી. ઔપનિષદિક સત્યોથી પરિચિત ઈમર્સને ગીતાનો અભ્યાસ કર્યો. તેણે ‘બ્રહ્મ’નામનું સુંદર કાવ્ય લખ્યું અને ‘ધ ઓવર સોલ’ – પરમ આત્મા – નામનો નિબંધ લખ્યો. કોન્કોર્ડમાં ઉદ્‌ભવેલા અનુભવાતીત આંદોલનનો એ નેતા હતો; કોન્કોર્ડ મેસેચ્યૂસેટ્‌સ રાજ્યમાં બોસ્ટન નજીક આવેલું છે. એ આંદોલન ૧૮૪૦માં એની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. ૧૮૪૨માં ‘ધ અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી. ઈમર્સન, વોલ્ટ વ્હિટમન, હેન્રી ડેવિડ થોરો, એડવર્ડ પર્કિન્સ ચેનિંગ, જ્હોન ગ્રીનલીફ વ્હિટિએર, એમોસ બ્રોન્સન ઓલ્કોટ અને બીજા અનુભવાતીતવાદીઓએ ભારતીય અધ્યાત્મને યુનાઈટેડ સ્ટેટ્‌સમાં આણ્યું. ‘જેની તુલનાએ આપણાં અર્વાચીન જગત અને સાહિત્ય અતિ વામણાં અને ક્ષુલ્લક લાગે છે તે ઉપનિષદોના અને ભગવદ્‌ગીતાના વિશ્વતોમુખી વિરાટ દર્શનમાં હું મારી બુદ્ધિને સ્નાન કરાવું છું’, એમ થોરોએ લખ્યું. બુદ્ધના જીવન પરના મહાકાવ્ય ‘ધ લાઈટ ઓફ એશિયા’ – એશિયા જ્યોતિ – ના સર એડવિન આર્નલ્ડના અનુવાદની આવૃત્તિ પ્રગટ કરવાનું કાર્ય ઓલ્કોટે કર્યું હતું.

પશ્ચિમને માટે મારી પાસે સંદેશ છે

શિકાગોની ધર્મપરિષદમાં હિંદુધર્મની વૈદિક શાખાનું પ્રતિનિધિત્વ કરવા સ્વામી વિવેકાનંદ ૧૮૯૩માં યુનાઈટેડ સ્ટેટ્‌સ આવ્યા હતા. એ ધર્મપરિષદમાં જ્વલંત ફતેહ મેળવ્યા પછી, યુનાઈટેડ સ્ટેટ્‌સનાં વિવિધ નગરોમાં એમણે પ્રવચનો આપ્યાં હતાં અને ખૂબ ખ્યાતિ મેળવી હતી. ૧૮૯૪ની ૩૦મી ડિસેમ્બરે, બ્રુકલિન એથિકલ સોસાયટીના શ્રોતાગણને એમણે કહ્યું હતું, ‘બુદ્ધને પૂર્વને માટે હતો તેમ પશ્ચિમને માટે મારી પાસે સંદેશ છે.’

વિવેકાનંદે પશ્ચિમને શો બોધ આપ્યો? ભારતમાં જેનો ઉદ્‌ગમ હજારો વર્ષો પૂર્વે થયો હતો તે, ઉપનિષદોના વૈશ્વિક દર્શન અને ધર્મ એવા વેદાંતને તેમણે ઉપદેશ્યું હતું. એમના ઉપદેશમાં પશ્ચિમના શ્રોતાઓને કશુંક નવું લાધ્યું. ધર્મોની સંવાદિતાને સ્થાન આપવા માટે સાંપ્રદાયિકતા, ઝનૂન, વહેમ, અને અસહિષ્ણુતા દૂર ફેંકાઈ ગયા. શુભેચ્છાનો અને ભ્રાતૃપ્રેમનો એ પ્રભાવક પયગામ હતો. પાશ્ચાત્ય શ્રોતાઓ માટે વિવેકાનંદે ધર્મની નવી વ્યાખ્યા આપી: ‘ધર્મ વાતોમાં, માન્યતાઓમાં કે પુસ્તકોમાં સમાઈ જતો નથી પણ, ધર્મ એટલે સાક્ષાત્કાર. એ શિક્ષણ નથી પણ સંભૂતિ છે, એ સ્મરણમાં રાખવું જોઈએ.’ ‘જૂના ધર્મો કહે છે કે ઈશ્વરમાં ન માને તે નાસ્તિક. નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં શ્રદ્ધા ન હોય તે નાસ્તિક.’ ‘પશુને માનવી બનાવે અને માનવીને દેવ બનાવે તે ધર્મ. માનવ સમાજમાંથી ધર્મને હટાવી દો.’ પછી બાકી શું રહેશે? પશુઓના જંગલ સિવાય કશું નહિ. મનુષ્યજાતનું ધ્યેય ઇન્દ્રિયતૃપ્તિ નથી. સમગ્ર જીવનનું ધ્યેય જ્ઞાન-શાણપણ છે.’

વિવેકાનંદના મતે મનુષ્યજાતનું પરમ ધ્યેય છે જીવમાત્રમાં નિહિત બ્રહ્મને પ્રગટ કરવાનું. એ કેવી રીતે કરવાનું? વિવેકાનંદે ચાર માર્ગો ચીંધ્યા; એમને યોગ પણ કહી શકાય. નિષ્કામ કર્મ કરવાનો તે કર્મયોગ, ભક્તિનો માર્ગ તે ભક્તિયોગ, જ્ઞાનનો માર્ગ તે જ્ઞાનયોગ અને નો માર્ગ તે રાજયોગ.આ માર્ગો મનુષ્યને ઈશ્વર સાથે યુક્ત થવામાં સહાય કરે છે. વાસ્તવમાં, આ ચાર યોગો પરનું વિવેકાનંદનું કાર્ય વ્યવહારુ વેદાંતની આચાર પોથીઓ છે. પશ્ચિમને આપેલું એ એમનું મોટું યોગદાન છે.

વિવેકાનંદનો સંઘર્ષ

પૂર્વના ધર્મોને પ્રાપ્ત કરવા તે પશ્ચિમમાં આજે કઠિન નથી. પ્રારંભ કરનાર તરીકે વિવેકાનંદે માર્ગ સુગમ બનાવી દીધો જેથી, ભાવિ પેઢીઓ આસાનીથી ચાલી શકે. ૧૮૯૦માં હતા તેના કરતાં આજના અમેરિકનો વધુ ઉદાર છે. એક જાણીતા અજ્ઞેયવાદી રોબર્ટ ઈંગરસોલે સ્વામીજીને કહ્યું હતું, ‘પચાસ વર્ષ પહેલાં તમે ઉપદેશવાને અહીં આવ્યા હોત તો, તમને ફાંસીએ લટકાવ્યા હોત કે જીવતા સળગાવ્યા હોત.’ અર્વાચીન ટેક્નોલોજી જગતને વધારે ને વધારે નાનું બનાવી રહેલ છે.

હિંદુઓ વિશે જૂઠાણાં ફેલાવીને મિશનરીઓએ અમેરિકનોનાં મન બગાડી નાખ્યા હતા, તે એ માટે કે, એમ કરીને તેઓ ભારતમાંના પોતાના મિશનરી કાર્ય માટે નાણાં ઊભાં કરી શકે. ‘‘ભારતનાં લોકો પોતાનાં બાળકોને મગરોનાં મોઢાંમાં ફેંકી દે છે? જગન્નાથના રથનાં પૈડાં નીચે ચગદાઈને તેઓ શું આત્મહત્યા કરે છે? પોતાની વિધવાઓને શું તેઓ જીવતી સળગાવી મૂકે છે?’ આવા સવાલો સ્વામીજી અમેરિકા આવ્યા ત્યારે તેમને પૂછવામાં આવ્યાં હતા. કેટલીય વાર, સ્વામીજી તર્ક સાથે સત્ય જવાબ આપતા તો કોઈક વાર, રમુજી ઉત્તરો આપી આ પ્રશ્નકારોની ઠઠ્ઠા પણ તે કરતા. મગર પાસે બાળકોને ફેંકવાના પ્રશ્ન પર લોસ એન્જલ્સમાં એક વાર તેમણે કહ્યું હતું, ‘હા, બહેન પણ, હું મગરના મોંમાંથી છટકી જનાર એક હતો.’ ડેટ્રોઈટમાં તેમણે કહ્યું હતું કે, ‘હું એટલો તો જાડો પાડો બાળક હતો કે મારો કોળિયો કરવા મગરે ના પાડી.’ મિનિયાપોલિસમાં તેમણે કહ્યું હતું, ‘હા બહેન, મારો ઘા તો કરવામાં આવ્યો હતો પરંતુ, તમારી દંતકથામાંના જોનાહની જેમ હું ફરી બહાર નીકળી આવ્યો.’ અથવા, પ્રશ્ન માત્ર છોકરીઓ પૂરતો મર્યાદિત રહેતો ત્યારે, એકવાર સ્વામીજીએ કહ્યું હતું, ‘હા બહેન, આજકાલ પુરુષો જ છોકરાં જણે છે?’ અથવા એ જ પ્રશ્નના બીજા એક ઉત્તરમાં તેમણે કહેલું, ‘કદાચ છોકરીઓ વધુ કુમળી અને વધુ સુંવાળી હોઈ, એમને સહેલાઈથી ચાવી શકાય.’

ડેટ્રોઈટ ઈવનિંગ ન્યુઝના ખબરપત્રીને, ૧૮૯૪ના ફેબ્રુઆરીની ૧૬મીએ સ્વામીજીએ નીચેની વાત કદી હતી: ‘હું મિનિયાપોલિસથી બેસી રેલગાડીમાં પ્રવાસ કરતો હતો. એક અમેરિકન સદ્‌ગૃહસ્થ મારી બાજુમાં આવીને બેઠા. મને એમણે પ્રશ્ન કર્યો: ‘તમે સ્પેનિયર્ડ (સ્પેનના વતની) છો?’ મેં જવાબ આપ્યો, ‘ના, હું ભારતથી આવું છું.’ એણે પૂછ્યું, ‘ભારત એ ક્યાં આવ્યું? મેં ભૂગોળનો અભ્યાસ કર્યો નથી.’ મેં એને ઉત્તર આપ્યો, ‘એશિયામાં, પૃથ્વીની બીજી બાજુએ.’ એણે કહ્યું, ‘અરે, તમે તો જંગલી છો.’ ‘હા.’ મેં કહ્યું. ‘આ દેશમાં લોકો મને તે રીતે બોલાવે છે.’ ‘તો તમે નરકમાં જશો.’ તેમણે કહ્યું. ‘મને એમ લાગતું નથી’, હું બોલ્યો, ‘કારણ, શૂન્ય અંશથી નીચે જતા ઉષ્ણતામાપકવાળા દેશના લોકો પસંદ ન કરે પરંતુ, અમારે ત્યાં છાયામાં પણ ૧૨૦ અંશ જેટલી ગરમીમાં રહેતા હોઈ, વધારે ગરમ સ્થાને જવાનું અમે પસંદ નહિ કરીએ.’ રેલગાડીમાંથી નીચે ઊતરતાં પણ એ માણસ સ્વામીજીને યાદ કરાવ્યા વિના ન રહી શક્યો કે, ‘તમે જંગલી છો અને નરકે જવાના એ ન ભૂલશો.’

વિવેકાનંદની ફતેહ પાછળ પુષ્કળ સંઘર્ષ અને કઠિનાઈ હતાં. યુનાઈટેડ સ્ટેટ્‌સમાંના પોતાના પ્રારંભના દિવસોમાં જે જુલમ એમણે સહન કર્યા હતા તે ખૂબ આશ્ચર્યકારક અને ચિંતાકારક હતા. એક દિવસ બોસ્ટનની કોઈ શેરીમાં જતા હતા. એમનો સાફો અને અંચળો જોઈને કેટલાક છોકરાઓ કાંકરીચાળો કરવા લાગ્યા. કોઈ સાંકડી ગલીમાં ઘૂસી જઈ એમણે છુપાઈ જવું પડ્યું હતું. એક વાર શિકાગોમાં એક અમેરિકને કોણીના ગોદા મારી સ્વામીજીને ફૂટપાથ ભેગા કરી દીધા હતા. ‘તમે આમ શા માટે વર્તો છો?’ એમ સ્વામીજીએ તેને પૂછતાં અચરજ પામીને એ બોલ્યો, ‘અરે, તું અંગ્રેજી પણ જાણે છે!’ ડેટ્રોઈટમાં એક ખાણા પછી, સ્વામીજી કોફીનો કપ મોઢે માંડવા જતા હતા ત્યાં, એમણે શ્રીરામકૃષ્ણને પોતાની બાજુમાં ઊભેલાં જોયા અને ‘એને ન પી, એ ઝેર છે’, એમ કહેતાં સંભળાયા. કેટલાક મિશનરીઓ એમને વિશે જૂઠ ફેલાવવા લાગ્યા ત્યારે, એમના કેટલાક અમેરિકી મિત્રોએ એમને પોતાનો બચાવ કરવા કહ્યું. સ્વામીજીએ ઉત્તર આપ્યો: ‘મારે વળતો હૂમલો શા માટે કરવો? સાધુ કદી પોતાનો બચાવ કરે નહિ. વળી, સત્ય પ્રગટ થશે જ, એ બાબત મારામાં શ્રદ્ધા રાખજો. સત્યનો જ જય થાય છે.’

પશ્ચિમમાં વેદાંત સોસાયટીઓ

પોતાની પશ્ચિમની બે મુલાકાતો દરમિયાન પાંચ વર્ષ પર્યંત સ્વામી વિવેકાનંદે અમેરિકાને અને યુરોપને વેદાંતનો ઉપદેશ આપ્યો. સ્વામી શારદાનંદ, અભેદાનંદ, તુરીયાનંદ અને ત્રિગુણાતીતાનંદ, શ્રીરામકૃષ્ણના એ ચાર અંતરંગ શિષ્યો પશ્ચિમમાં જુદો જુદો સમય રહ્યા હતા. ન્યુયોર્કમાં ૧૮૯૪માં અને સાન્ફ્રાંસિસ્કોમાં ૧૯૦૦માં સ્વામીજીએ પોતે વેદાંત સોસાયટીની સ્થાપના કરી હતી. રામકૃષ્ણ મઠના બીજી પેઢીના સાધુઓએ એ વેદાંત આંદોલન ચાલુ રાખ્યું હતું અને યુનાઈટેડ સ્ટેટ્‌સનાં જુદાં જુદાં શહેરોમાં કેન્દ્રોની સ્થાપના કરી હતી. અત્યારે યુ.એસ. અને કેનેડામાં તેર મઠ સાથે યુક્ત કેન્દ્રો છે અને વીસેક જેટલી શાખાઓ છે. તે ઉપરાંત, રામકૃષ્ણ મઠ સાથે જોડાયેલ ન હોય તેવાં અનેક વેદાંત કેન્દ્રો છે.

પ્રવચનો અને વર્ગો, વિધિઓ અને ધ્યાન, આધ્યાત્કિ બોધ અને માર્ગદર્શન, આધ્યાત્મિક શિબિરો અને ભક્તિસંગીત, આંતરધર્મ સંવાદો અને બાળકોના વર્ગો, પુસ્તક વેચાણકેન્દ્રો અને વેબસાઈટો ઇત્યાદિ વિવિધ માર્ગો અને સાધનો વડે અમારા સ્વામીઓ વેદાંત પ્રચારનું કામ કરે છે. ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્રો અને શકરાચાર્યના ગ્રંથો જેવાં અનેક પુસ્તકોનો અનુવાદ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ કર્યા છે. તેમજ શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રીમા, સ્વામી વિવેકાનંદ અને અન્ય આધ્યાત્મિક વિષયો પર મઠના સંન્યાસીઓએ અનેક પુસ્તકો લખ્યાં છે. જર્મન, ફ્રેંચ, સ્પેનિશ, પોર્ટુગીઝ, ડચ, રશિયન, લિથુએનિયન, જાપાનીઝ અને બીજી અનેક ભાષાઓમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનો અનુવાદ થયો છે. પશ્ચિમની ધાર્મિક સંસ્કૃતિ ઉપર રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રકાશનોની પ્રભાવક અસર પડી છે. એમને ભલે લાખો સભ્યો ન સાંપડ્યા હોય પરંતુ, લાખો પાશ્ચાત્ય બૌદ્ધિકો અમારા કાર્યને જાણે છે. અમારું કાર્ય ધીરી પણ સ્થિરગતિએ વધી રહ્યું છે.

વેદાંતનું ભાવિ

ઓગણીસમી સદીમાં ધર્મનું ધ્યાન બુદ્ધિ પર કેન્દ્રિત હતું; વીસમી સદીમાં એ માનવતાવાદ ઉપર કેન્દ્રિત થયું. એકવીસમી સદીમાં ધર્મ શો ભાગ ભજવશે એમ મને કોઈ પૂછે તો, હું કહું કે અધ્યાત્મ ભક્તિનો. ભક્ત યોગીઓ, પરમાત્મા સાથે પ્રેમ અને ધ્યાન દ્વારા સંપર્ક સાધે છે. બધા ધર્મોમાં તેઓ અસ્તિત્વ ધરાવે છે અને એમનો પોતાનો જુદો વર્ગ જ છે. આવા ભક્ત સાધકો વિશે શ્રીરામકૃષ્ણ કહેતા કે, ‘દુનિયા આખીનાં શિયાળોની વારી એક સરખી જ હોય છે.’ અર્થાત્‌, જુદા જુદા ધર્મોના ભક્ત સાધકો જુદી જુદી ભાષાઓ ભલે બોલતા હોય પણ, તે સર્વની અનુભૂતિ એક જ છે. એક મધ્યકાલીન ભારતીય સંતે કહ્યું છે: ‘જુદા જુદા દીવાઓમાં તેલ જુદું જુદું હોય, વાટો પણ જુદી જુદી હોય પણ, જ્યારે એ પેટે ત્યારે, જ્યોત અને તે જ સમાન જ હોય.’

બધા ધર્મોનાં ઝનૂનીઓ અને રૂઢિવાદીઓ અંદરોઅંદર ઝઘડ્યા કરે છે. લંડનમાં, ૧૮૯૭માં સ્વામીજીએ એક રૂઢિચુસ્ત હિંદુને કહ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણના ધ્વજ હેઠળ જગતની ત્રીજાભાગની પ્રજાને આણવાની શક્તિ મારી પાસે છે પણ એમ કરવાનો મારો ઈરાદો નથી. સંવાદિતાના મારા ગુરુના સંદેશ સાથે એ સુસંગત નથી. ‘જેટલા મત તેટલા પથ’ અને ભારતમાં એક નવો પંથ ઊભો થશે.’

આજે પશ્ચિમમાં અનેક લોકો વ્યવસ્થિત ધર્મથી આઘા રહે છે. કારણ, ભ્રષ્ટતા અને, રાજકારણનો એરુ એને આભડી ગયો છે. અદ્વૈત વેદાંતે કદી વ્યવસ્થિત ધર્મનું રૂપ લીધું નથી; એ અનુભૂતિ પર આધાર રાખે છે અને ભગવાનના કોઈ વ્યક્ત રૂપને, પયગંબરને કે ગ્રંથને આધારે એ ઊભું રહેતું નથી. સ્વામી નિખિલાનંદે લખ્યું છે, ‘ધર્મો મનુષ્યોએ ઊભી કરેલી સંસ્થાઓ છે અને, કદાપિ સંપૂર્ણ હોઈ શકે નહિ પણ પરમાત્મા જ પૂર્ણ છે. ધર્મ પોતે ઈશ્વર નથી પણ, ઈશ્વરને પામવાનો માર્ગ ચીંધે છે.’ ‘વિશુદ્ધ સત્યના ધારકને તું કેવી રીતે લલચાવીશ’, એમ સેતાનને પૂછવામાં આવ્યું હતું ત્યારે એણે જવાબ આપ્યો હતો કે, ‘હું એની વ્યવસ્થા કરવાનું એને કહીશ’, એમ કહેવાય છે.’

આજકાલ કેટલાંક લોકો કહેતા હોય છે: ‘અમે ખૂબ વાંચ્યું છે; અમે પુષ્કળ ઉપદેશ સાંભળ્યો છે; હવે અમારે અનુભવ જોઈએ છે. આજકાલ પશ્ચિમમાં આ ભાવ વધારે પ્રસિદ્ધ છે. ધર્મો ખળભળી ઊઠ્યા છે, માન્યતાઓ વિશે શંકાઓ ઉઠાવાઈ રહી છે અને પરંપરાઓ ઓગળી રહી છે, તે જમાનામાં આપણે જીવી રહ્યાં છીએ. કેટલાક પાશ્ચાત્ય ચિંતકોએ ભાખ્યું છે કે મત, હઠાગ્રહ કે વિધિવાળો ધર્મ એકવીસમી સદીમાં ટકી શકશે નહિ. ઔપનિષદિક ધર્મ વૈશ્વિક છે અને, મત, હઠાગ્રહ કે સાંપ્રદાયિકતાથી મુક્ત છે માટે એ જગતના ઉદારવિચારસરણીવાળાઓને અને બૌદ્ધિકોને આકર્ષશે.

નવી સહસ્રાબ્દિમાં વેદાંતમાં આ ફેરફારોની અપેક્ષા આપણે રાખવી? વેદાંત અપરિવર્તનશીલ સત્યનો બોધ આપે છે. બે હજાર વર્ષો પૂર્વે ક્રાઈસ્ટે કહ્યું હતું કે, ‘શુદ્ધ હૈયાવાળા મનુષ્યો ભાગ્યવંત છે કારણ તેઓ ઈશ્વરદર્શન પામશે.’ આ સુવાર્તા સત્ય શું બદલી શકાશે? મુસાની દશ આજ્ઞાઓ અને બુદ્ધનાં ચાર સત્યો પરિવર્તન નહિ પામે. એ. એન. વ્હાઈટહેડે લખ્યું છે: ‘વિજ્ઞાનની જેમ ધર્મ પરિવર્તનનો પડકાર નહિ ઝીલી શકે ત્યાં સુધી ધર્મ એની પુરાણી સત્તા પ્રાપ્ત નહિ કરી શકે. એના સિદ્ધાંતો ભલે શાશ્વત હોય, પરંતુ એ સિદ્ધાંતોની અભિવ્યક્તિ સતત વિકાસ માગી લે છે.’

સ્વામીજીએ એમ જ કહ્યું હતું કે, ‘ધર્મ વિકાસ છે. આત્માનો આત્મા તરીકેનો સાક્ષાત્કાર ધર્મ છે, પદાર્થ તરીકેનો સાક્ષાત્કાર નહિ.’ વેદાંત અસ્પંદ ધર્મ બની શકે નહિ. શંકરે અને વિવેકાનંદે પ્રબોધેલા વેદાંતમાં કશો ફરક છે? એનો ઉત્તર ‘ના’ અને ‘હા’ બંને છે. શંકરે પ્રબોધેલા અદ્વૈત વેદાંતને જ સ્વામીજીએ પ્રબોધ્યું હતું. પરંતુ શંકરે વિશિષ્ટાદ્વૈતનો અને દ્વૈત વેદાંતનો અસ્વીકાર કર્યો હતો ત્યારે વેદાંતની એ શાખાઓ પરસ્પરની વિરોધી નથી પણ પૂરક છે એમ વિવેકાનંદે પ્રતિપાદિત કર્યું હતું. સવારથી સાંજ સુધી તમે સૂર્યની તસવીરો પાડ્યા કરશો તો, દરેક તસવીર જુદી હશે પણ, એ બધી તસવીરો એક જ સૂર્યની છે; બોતેર વિચારણોનું ખંડન કરીને શંકરે અદ્વૈત સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો હતો. પોતાનાં જ્ઞાનયોગ પરનાં અને અન્ય વ્યાખ્યાનોમાં સ્વામીજીએ એ જ સિદ્ધાંત પ્રબોધ્યો હતો. ઉપનિષદોનું સારતત્ત્વ ખેંચીને, પોતાના પાશ્ચાત્ય શ્રોતાઓ સમક્ષ, અર્વાચીન, તર્કસંગત ભાષામાં એમણે તે એવી રીતે મૂક્યું કે શ્રોતાઓ તે સમજી શકે. ન તો ભારતીય પ્રમાણશાસ્ત્રનો એમણે ઉપયોગ કર્યો કે ન તો કોઈ વિચારણાનું એમણે ખંડન કર્યું. એ કશુંક નવીન હતું. વિશેષમાં, ‘જીવોની શિવ તરીકે સેવા કરો’, એમ કહી તેમણે વ્યવહારુ વેદાંત પ્રબોધ્યું હતું. વાસ્તવમાં ‘અહં બ્રહ્માસ્મિ’ અને ‘તત્ત્વમસિ’વચ્ચે કશો તફાવત નથી. યુગની આવશ્યકતા અનુસાર આત્માની દિવ્યતા, સમગ્ર અસ્તિત્વની એકતા, ઈશ્વર તત્ત્વની એકતા અને ધર્મોની સંવાદિતાનાં વેદાંતનાં નૈતિક, આધ્યાત્મિક, વ્યાવહારિક અને વૈશ્વિક પાસાંઓ સ્વામીજીએ પ્રબોધ્યાં.

ધર્મને નામે ખૂબ ખૂનરેજી અને તિરસ્કાર આપણે આજે જોઈ રહ્યા છીએ. દ્વૈતવાદી ધર્મોમાં સંકુચિતતા, ઝનૂન અને તરેહતરેહના વહેમો જોઈને સ્વામીજીએ કહ્યું હતું, ‘વેદાંતમાંથી અદ્વૈતનો વિચાર કોઈક દિવસ બહાર આવશે અને એ વિચાર જીવતો રહેવા પાત્ર છે. કારણ એ જ સત્ય છે અને સત્ય સનાતન છે. અને સત્ય પોતે જ પ્રબોધે છે કે એ કોઈ વ્યક્તિનું, રાષ્ટ્રનું સુવાંગ નથી.. દ્વૈતવાદી વિચારણાઓએ જગત પર લાંબો સમય શાસન કર્યું છે અને પરિણામ આ આવ્યું છે. નવતર પ્રયોગ શા માટે ન કરવો? બધાં ચિત્તો અદ્વૈતનો સ્વીકાર કરે તેને યુગો લાગશે પણ, આજથી આરંભ શા માટે ન કરવો? આપણા જીવનમાં આપણે વીસ માણસોને આ કહ્યું હોય તો, આપણે મોટું કાર્ય કર્યું છે.’ અદ્વૈત વેદાંતની મહત્તા છતાં, એ સામાન્ય જનતાને અપીલ નહિ કરે કારણ, સામાન્ય જનો માટે એ વિચાર ઘણો ગહન છે.

વેદાંત મિશનરી ધર્મ નથી. લોકોના ધર્માન્તર માટે એ કદી બળનો ઉપયોગ કરતું નથી. ધર્મ અને પ્રેમ પરાણે વળગાડી શકાતા નથી. જગતમાં ત્રણ મિશનરી ધર્મો છે: બૌદ્ધધર્મ, ખ્રિસ્તીધર્મ એન ઈસ્લામ. પ્રેમ અને મૈત્રી દ્વારા બૌદ્ધધર્મનો ફેલાવો થયો. અગાઉ રાજાઓ રાજ કરતા અને રાજારાણી કોઈ ધર્મ અપનાવે તો એમની પ્રજા સહજ રીતે તે ધર્મ અપનાવે. પોપ ગ્રેગરીના (ઈ.સ. ૫૯૦-૬૦૪) કાળમાં ઈંગ્લેન્ડ, ઈટલી, ગ્રીલ અને સ્પેને ખ્રિસ્તીધર્મ એ રીતે અપનાવ્યો હતો. પરંતુ એ દિવસો ચાલ્યા ગયા છે.

સાન્ફ્રાંસિસ્કોમાં, ૧૯૦૦ની ૮મી એપ્રિલે સ્વામી વિવેકાનંદે ‘ભાવિ ધર્મ શું વેદાંત છે?’ એ વિશે પ્રવચન આપ્યું હતું. એ પ્રવચનમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, ત્રણ બાબતો ધર્મ માટે આવશ્યક છે: ગ્રંથ (શાસ્ત્ર), સંદેશવાહક અને વ્યક્તરૂપ ઈશ્વર. પહેલી વાત એ છે કે, ઈશ્વર વિશેનાં, આત્મા વિશેનાં તેમજ પરમ તત્ત્વ વિશેનાં બધાન સત્યો કોઈ પણ એક ગ્રંથમાં સંગ્રહીત છે એ વેદાંતને સ્વીકાર્ય નથી. બધા શાસ્ત્રગ્રંથો જ્ઞાનની નીચેની કક્ષાના છે અને, પરમ તત્ત્વની અનુભૂતિ એ ઊંચેરું જ્ઞાને છે એમ, વેદાંત કહે છે. બીજી વાત, જગતના સર્વ મહાત્માઓ પ્રત્યે વેદાંત આદર દાખવે છે પરંતુ, વેદાંતીઓ કોઈ એક નર કે નારીની પૂજા કરતા નથી. એટલે વેદાંતનો કોઈ ચોક્કસ પયગંબર નથી. ત્રીજી વાત એ કે, વેદાંત લોકશાહીવાદી દેવને પ્રબોધે છે. એનો દેવ સિંહાસનસ્થ રાજા નથી. વેદાંત પ્રબોધે છે કે, સૌમાં વસે છે તે ઈશ્વર બધાં પ્રાણીઓ અને બધા પદાર્થો બન્યો છે.

લોકશાહી અને સ્વતંત્રતા માટેની અમેરિકાની ચાહના જોઈને સ્વામીજીએ કહ્યું હતું કે, ‘લોકશાહીને કારણે વેદાંતને તમારા દેશનો ધર્મ થવાની તક છે. પણ તમે એને સ્પષ્ટ રીતે સમજી શકો, તમે સાચાં નરનારીઓ બની શકો; નહિ કે અસ્પષ્ટ ખ્યાલો અને વહેમોનાં જાળાં તમારાં મગજમાં ભરેલાં હોય તેવાં અને, તમે સાચી આધ્યાત્મિકતા ઝંખતા હો તો જ, માત્ર એવું બની શકે.’ એમણે કહ્યું હતું, ‘કોઈ ગ્રંથ નહિ, કોઈ વ્યક્તિ નહિ, કોઈ વ્યક્તરૂપ ઈશ્વર નહિ, આ સઘળું જવું જોઈએ. દરેક વસ્તુમાં ઈશ્વરનું પૂજન કરો – પ્રત્યેક રૂપ એનું મંદિર છે. બીજું બધું મિથ્યા છે. નિત્ય અંદર જુઓ, બહાર નહિ. વેદાંત આવા ઈશ્વરને પ્રબોધે છે ને, આવી એની ભક્તિ છે.’

ગ્રંથો, પયગંબરો, પૂજાવિધિઓ, અનુષ્ઠાનો ઈ.ને સ્થાન છે, એમ સ્વામીજી સ્વીકારતા. આ પ્રવચનમાં સ્વામીજીએ અંતે કહ્યું હતું, ‘મહાત્માઓ આવશે અને આ બાળપોથિયા ધર્મોને દૂર કરી, આત્માની આત્મા વડે ઉપાસનાના મહાન ધર્મોને પ્રસ્થાપિત કરી જીવંત અને શક્તિશાળી ધર્મને સ્થાપો, તેવી ઘડી આવી રહી છે.’

ભડભડ બળતા અગ્નિને ગોપિત રાખી શકાતો નથી, તેમ વેદાંતનાં સત્યો સનાતનકાળ માટે ગોપિત નહિ રહી શકે. ૧૯૬૦ના અને ૧૯૭૦ના દાયકાઓમાં અનેક ભારતીય ધર્મગુરુઓ પશ્ચિમમાં હઠયોગ, ધ્યાન, હિંદુ ધર્મશાસ્ત્રો અને ધાર્મિક વિધિઓ શીખવવા માટે આવ્યા હતા. ૧૯૭૬માં યુનાઈટેડ સ્ટેટ્‌સની દ્વિશતાબ્દિની ઉજવણી વેળા, વોશિંગ્ટન (ડી.સી.)માં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટે એક અદ્‌ભુત પ્રદર્શનનું આયોજન કર્યું હતું. એ પ્રદર્શનમાં, ૧૭૭૬ થી ૧૯૧૪ સુધીમાં એ દેશમાં આવનાર વિખ્યાત મહાપુરુષો માટે ૨૬ મંડપો ઊભા કરવામાં આવ્યા હતા. એબ્રોડ ઈન અમેરિકા, વિઝિટર્સ ટુ ધ ન્યુ નેશન (૧૭૭૬-૧૯૧૪), એ નામથી એક સ્મારક ગ્રંથ પણ પ્રગટ કર્યો હતો જેમાં એ મુલાકાતીઓનાં નિરીક્ષણો અને એમના યોગદાનને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પ્રસિદ્ધ મુલાકાતીઓમાં સ્વામી વિવેકાનંદ એકમાત્ર ભારતીય પ્રતિનિધિ હતા.

આજને કાળે, પોતાના જીવનમાં વેદાંત ધર્મને દર્શાવી શકે અને, વેપારી હેતુ વિના ઉપનિષદોના ગીતાના બોધનો પ્રચાર કરી શકે તેવા સાચા અને ગતિશીલ પ્રબોધકોની પશ્ચિમમાં જરૂર છે. સ્વામી વિવેકાનંદનાં આઈરિશ શિષ્યા ભગિની નિવેદિતાએ કુ. જોઝેફાઈન મેક્લાઉડ પરના પોતાના ૧૧ એપ્રિલ, ૧૯૦૬ના પત્રમાં લખ્યું હતું: ‘તમે જુઓ કે, સ્વામીજીને સમજનાર અને તેમનું સ્મરણ કરનાર એવાં તમે અને હું મૃત્યુ પામશું ત્યારે, એમણે કરેલાં કાર્યો માટે વિસ્મૃતિનો અને શાંતિનો એક લાંબો ગાળો આવશે. ૧૫૦ – ૨૦૦ વર્ષો સુધી એ ભુલાઈ ગયેલું લાગશે અને ત્યાર પછી, અચાનક એણે પશ્ચિમનું પરિવર્તન કરી નાખ્યું છે તેમ જણાશે.’

સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં વેદાંત આંદોલનનો આરંભ કર્યો હતો. ૧૯૦૨ની ૪થી જુલાઈએ એમણે આ દુનિયા છોડી તેને સો વર્ષ પૂરાં થયાં. છતાં, એમનો અમૃતમય ઉપદેશ માનવજાતની નસોમાં વહી રહ્યો છે. પોતાની મહાસમાધિના એક વર્ષ પહેલાં એમણે કહ્યું હતું: ‘પંદરસો સાલ સુધી ચાલે તેટલું મેં આપ્યું છે.’

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.