રામકૃષ્ણ મઠ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળીમાં ‘ઉદ્‌બોધન’ પત્રિકામાં ૧૯૮૯માં પ્રસિદ્ધ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં

સ્વામી વિવેકાનંદ કહે છે કે વહેતી નદીની ધારા જ સ્વચ્છ, નિર્મલ અને સ્વાસ્થ્યપ્રદ રહે છે. એ ધારાની ગતિ રુંધાતાં તેનું જળ દૂષિત અને અસ્વાસ્થ્યકર બની જાય છે. નદી જો સમુદ્ર તરફ વહેતી વહેતી વચ્ચે જ પોતાની ગતિપ્રવાહ ગુમાવી દે તો તે નદી ત્યાં જ બંધાઈ જાય છે. પ્રકૃતિની જેમ માનવસમાજમાં પણ, એક સુનિશ્ચિત લક્ષ્યના અભાવે રાષ્ટ્રની પ્રગતિ અટકી પડે છે. અને નિશ્ચિત લક્ષ્ય જો સામે જ હોય તો આગળ વધવાના પ્રયાસ સફળ અને સાર્થક બને છે. આપણા આજના જીવનમાં પણ આ વાત યાદ રાખવા જેવી છે. હવે આ લક્ષ્યને નિર્ધારિત કરતા પહેલાં આપણે વિશેષરૂપે ભારતનાં ચિરંતન ઇતિહાસ, આદર્શ, તથા આધ્યાત્મિકતાનું ધ્યાન રાખવું પડશે. સ્વામીજીએ પણ આ વાતોને સર્વાધિક મહત્ત્વ આપ્યું હતું. દેશની શાશ્વત પરંરા તથા આદર્શો પ્રત્યે સંશયો ન હોવાથી વિશૃંખલાપૂર્ણ સમૃદ્ધિ આવશે અને એ પણ સંભવ છે કે આખરે તે રાષ્ટ્રને પ્રગતિના બદલે અધોગતિ તરફ જ દોરી જશે.

આજનો યુવાસમાજ જેના પર દેશનું ભવિષ્ય આધારિત છે. અને જેનામાં જાગરણનાં ચિહ્‌ન દેખાય છે. એવા આજના યુવાસમાજે પોતાના જીવનનો એક ચોક્કસ ઉદ્દેશ્ય શોધી લેવો જોઈએ. આપણે એવો પ્રયાસ કરવો પડશે કે જેથી એમની ભીતર જાગૃત થયેલી પ્રેરણા તથા ઉત્સાહ બરાબર યોગ્ય પથ પર સંચાલિત થાય, નહિ તો શક્તિનો અપવ્યય કે દુરુપયોગ થઈ શકે તેમ છે, અને એને લીધે મનુષ્યનું ભલું થવાના બદલે એનું બુરું જ થશે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ભૌતિક ઉન્નતિ તથા પ્રગતિ જરૂર પ્રશંસનીય છે; પરંતુ દેશ જે ભૂતકાળથી ભવિષ્ય તરફ આગળ જઈ રહ્યો છે. તે ભૂતકાળનો અસ્વીકાર કરવો ચોક્કસપણે બુદ્ધિવિહિનતાનું પરિચાયક છે. અતીતના પાયા પર રાષ્ટ્રનું નિર્માણ કરવું પડશે. યુવવર્ગમાં જો આપણા વિગતઇતિહાસ પ્રત્યે કોઈ ચેતના ન હોય તો એ યુવાનોની દશા પ્રવાહમાં પડેલા લંગર વિનાના વહાણ જેવી થશે. એવું વહાણ ક્યારેય પોતાના લક્ષ્ય સુધી પહોંચતું નથી. આ મહત્ત્વપૂર્ણ વાતને હંમેશાં યાદ રાખવી પડશે. ધારો કે આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ જો આપણે કોઈ ચોક્કસ લક્ષ્ય તરફ ન જઈએ તો આપણી પ્રગતિ થવાની નથી, એ નિષ્ફળ જશે. આધુનિકતા ક્યારેક ક્યારેક આપણી સમક્ષ એક પડકાર રૂપે આવીને ઊભી રહે છે. એટલા માટે પણ આ વાત યાદ રાખવી પડશે. આ ઉપાયથી આધુનિકતા પ્રત્યેનું વર્તમાન આકર્ષણ અને એ તરફના વલણને દેશના ભવિષ્ય માટે ઉપયોગી લક્ષ્યપ્રત્યે સારી રીતે પરિચાલિત કરી શકાય છે. સ્વામીજીએ વારંવાર કહ્યું છે કે અતીતની આધારશીલા વિના સુદૃઢભવિષ્યનું નિર્માણ થઈ શકતું નથી. અતીતમાંથી જીવનશક્તિ ગ્રહણ કરીને જ ભવિષ્ય જીવંત રહે છે. જે આદર્શને લીધે રાષ્ટ્ર અત્યાર સુધી સુરક્ષિત રહ્યું છે, વર્તમાન યુવાપેઢીએ એજ જ આદર્શ તરફ પોતાનાં પગલાં માંડવાં પડશે, એના લીધે તેઓ દેશના મહાન ભૂતકાળ સાથે સામંજસ્ય રચીને લક્ષ્ય પ્રત્યે આગળ ધપી શકશે.

એટલે આધુનિકતા ક્યારેક ક્યારેક આપણી સામે એક પડકારના રૂપે આવીને ઊભી રહે છે. એનું તાત્પર્ય એવું છે કે આધુનિક સમાજ રાષ્ટ્રહિત માટે પોતાની શક્તિનો ઉપભોગ કરવાના પ્રયાસમાં જાણે કે એક અંધકારમાં ભટકતો રહે છે, આધુનકતાની આ શક્તિને સુનિયોજિત મહાન લષ્ય તરફ પરિચાલિત કરવી પડશે. એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : યુવા વર્ગ સાથે એક નિશ્ચિત લક્ષ્ય સ્થાપિત કરવું પડશે. અને યુવકગણ ઉત્સાહ તથા પ્રેરણા સાથે પોતાની ક્ષમતાનો સદુપયોગ કરી શકે એ તરફ પણ ધ્યાન રાખવું પડશે. યુવાશક્તિની ભીતર જે ક્રિયાશીલતા અને ઉદાત્ત ભાવાવેગ જોવા મળે છે, તેની ઉપેક્ષા કરી ન શકાય. તેઓ કંઈ કરી છૂટવા ઉત્સુક હોય છે. અને આ જ એનું લક્ષણ છે. એના નેતૃત્વનો ભાર જેના ઉપર છે એવા વરિષ્ઠોએ આ વિષયમાં બરાબર વિચારવું પડશે. યુવકોને માત્ર વિધિનિષેધની સીમામાં નિબદ્ધ ન રાખીને તેમને સ્પષ્ટ માર્ગ ચીંધવો પડશે. પ્રાય: એવું જોવા મળે છે કે વડિલોને યુવાવર્ગમાં કેવળ દોષ અને માત્ર દોષ જ દેખાય છે. મોટેરાની ભૂલ એ છે કે આ યુવક-યુવતીઓ શું વિચારે છે અને શું કરવા ઇચ્છે છે, એ બધું જાણવાનો તેઓ પ્રયાસ કરતા નથી. એટલા માટે મોટેરા યુવાવર્ગને નિંદે છે. એના પરિણામોની તેઓ યુવાવર્ગની ઘણી મોટી ઉપેક્ષા કરે છે, અને તેમની કોઈ પરવા પણ નથી કરતા. પરિણામે મામલો તો જાણે આગની સાથે ખેલ કરવા જેવો થઈ જાય છે. જે આગ ઘરમાં દીપક બનીને પ્રકાશ ફેલાવે છે, એ જ આગ બધું બાળીને ખાખ કરી નાખે છે. યૌવનની ભીતર જે શક્તિ છે તે શક્તિ સારી પણ નથી, તો તે ખરાબ પણ નથી; એનો બરાબર યોગ્ય ઉપયોગ કરવાથી કલ્યાણકારી બનશે. અને દુરુપયોગ કરવાથી એ શક્તિ વિનાશક બનશે.

એક પ્રચંડ શક્તિને કોઈ સીમામાં બાંધી રાખવાથી તેનો વિસ્ફોટ થાય છે. યુવાવર્ગની ભીતર જે પ્રબળ પ્રાણશક્તિ છે, એને યોગ્ય માર્ગે ન વાળવાથી જે સંકટ ઊભું થશે, તેનાથી સમગ્ર દેશ તથા સમાજ પ્રભાવિત થયા વિના રહેશે નહિ. ક્યારેક ક્યારેક મોટેરાની અવસ્થા બંધિયાર તળાવ જેવી થઈ જાય છે. તેઓ એમ ધારે છે કે એમનું જ વિચારવું સાચું છે. એમણે પોતાના સમયકાળમાં જે કંઈ પણ કર્યું છે, આજના યુવાનોએ પણ એ જ કરવું જોઈએ. પોતાની યુવાવસ્થાની વાતો જો એને યાદ હોય તો તેઓ અવશ્ય એ વાતનો સ્વીકાર કરશે કે એમનો એ સમળકાળ પણ સંઘર્ષ વિનાનો ન હતો; એમનામાં પણ ઉદ્દાત વિચારતરંગો ઉઠ્યા હતા. અને જીવનપથ પર તેઓ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ પોતાના અનુભવના પ્રમાણે એમના દૃષ્ટિકોણમાં થોડું થોડું પરિવર્તન પણ થતું રહ્યું છે, એટલે જ શાણા સમજુ મોટેરાં પણ જો પોતાના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને વર્તમાન યુવા વર્ગ તરફ નજર કરે અને એ જ અનુભવના આધારે સહાનુભૂતિ તેમજ મમતા સાથે નવયુવકોના મનોભાવને સમજવાનો પ્રયાસ કરે તો તેનું પરિણામ સારું હશે. બીજી બાજુએ યુવકોએ પણ એ સમજવું પડશે કે મોટેરાની પણ આવશ્યકતા છે. ગતકાળના અનુભવોની એક ધારાને આપણે વહન કરતા આવ્યા છીએ, એને આપણે સંસ્કાર કહી શકીએ, અને આ સંસ્કાર જ આપણી માનસિક પ્રવૃત્તિઓનું ઉદ્‌ગમસ્થાન છે. જે રીતે પ્રત્યેક વ્યક્તિને એક અતીત હોય છે. એવી જ રીતે પ્રત્યેક રાષ્ટ્રને પણ એ સમષ્ટિ અતીત હોય છે. સમગ્ર રાષ્ટ્રને એક પૂંજીભૂત અનુભવ હોય છે. અને તેની આધારશીલા પર તે રાષ્ટ્ર પોતાની ભાવિ પ્રગતિનો એક પથ નિર્ધારિત કરી લે છે. આજે જે લોકો તરુણ છે, તેમણે પોતાની યૌવનની શક્તિથી ચાલવાનો આરંભ કર્યો છે, એટલા માટે અનુભવી વડીલોએ એ બાજુએ ધ્યાન દેવું જરૂરી છે કે ક્યાંક આ યુવાનો દિશાભાન ભૂલીને આંધળાની જેમ આગળ વધવા ન માંડે અને પથભ્રષ્ટ ન બને. એટલા માટે પથપ્રદર્શન અત્યંત આવશ્યક છે. અને તે પથપ્રદર્શન સતર્કતા સાથે તે યુવાનોની સન્મુખ રાખવું પડશે.

સાંભળવા મળે છે કે આપણા તરુણોમાં નૈતિક મૂલ્યબોધનો અભાવ છે, તેઓ ઉદ્દંડ છે, નાસ્તિક છે, વગેરે. સંભવત: આપણે પણ જ્યારે તરુણ હતા ત્યારે આપણા મોટેરા પણ આપણા વિશે આવી જ વાતો કરતા હતા. એમની પણ એવી જ ધારણા હતી કે એમનો સમયકાળ એક સોનેરીયુગ હતો. અને અત્યારે દરેક સ્થળે અવનતિ કે પતન જ જોવા મળે છે. પહેલાં અર્થાત્‌ અમારા યૌવનકાળમાં બધુંય બરાબર હતું પરંતુ આજે બધું બગડી ગયું છે. વર્તમાનમાં આપણે પણ એવી જ વાતોનું પુનરાવર્તન કરીએ છીએ. જો આવું જ હોય તો વર્તમાન પેઢીના જન્મદાતાઓ અર્થાત્‌ આપણા પર જ એ યુવાનોમાં એ જ વિશ્વાસ-શ્રદ્ધા તથા મૂલ્યો ફરીથી પાછાં લાવવાનું ઉત્તરદાયિત્વ રહે છે.

સ્વામીજીએ આપણને સચેત કર્યા છે કે પ્રાચીનનો વિનાશ કરવાથી ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ ન થાય. જૂનું બધું ત્યજવા જેવું છે. એવો દૃષ્ટિકોણ ઉદારતા વિનાનો અને સંકુચિત છે. આપણે બધા આપણા અતીતની આધારશીલા પર ઊભા છીએ. આપણા અતીતે જ આપણને આજના વર્તમાન સુધી પહોંચાડ્યા છે. આપણા ભાવિ વંશધર હજુ પણ વધુ સુદૃઢ આધારશીલા પર ઊભા રહી શકે એ જોવું વર્તમાન પેઢીનું કર્તવ્ય છે. આ બાબતમાં સાવધાન રહેવું એ ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળના લોકોનું કર્તવ્ય છે. જીવન એક પ્રવાહશીલ ધારા છે. અને રાષ્ટ્રોનો ઇતિહાસ પણ એવો જ છે. અતીતમાંથી જ વર્તમાનનો ઉદ્‌ભવ થયો છે. આ રીતે વર્તમાન જ આપણને ભવિષ્યના દ્વાર સુધી પહોંચાડી દે છે. અત્યંત સાવધાની તથા મનોયોગ સાથે વર્તમાન તેમજ અતીતના ઇતિહાસનું અનુશીલન કરીને યુવાવર્ગનું પથપ્રદર્શન કરવું પડશે. આ પથપ્રદર્શન ભવિષ્ય સાથે સુસંગત હોય સાથે ને સાથે એ પણ જોવું પડશે. આધુનિકતાનો આ જ સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ પડકાર છે. યુવાની કે તરુણા અવસ્થાની ઉદ્દાતશક્તિ તરુણોને અશાંત કરી મૂકે છે, તરુણોની આ શક્તિને એવી રીતે પરિચાલિત પડશે, જેથી તેમની આ શક્તિ, પ્રેરણા, તથા ઉત્સાહનો સદુપયોગ થાય અને એ રાષ્ટ્ર તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણમાં નિયોજીત બને. સ્વામીજીએ દર્શાવ્યું છે કે અતીતનો સુદૃઢ ખ્યાલ હોય ત્યારે જ સમસ્યાનું ઉચિત સમાધાન કરી શકાય છે. પરંતુ એની સાથે એ અતીત ક્યાંક તરુણોના વિકાસના પથને અવરોધી ન દે એ પણ જોવું પડશે. અતીત પણ વર્તમાન સાથે સામંજસ્ય સાધીને આગળ ધપે એ પણ જરૂરી છે. પહેલાંના લોકો જે કંઈ પથદર્શન કરી ગયા છે, માર્ગદર્શન આપી ગયા છે, એમાં પણ કંઈક ફેરબદલ કરી શકાય એવો પણ સંભવ છે. પરંતુ પૂર્ણપણે એ પથને છોડીને બીજા પથ પર ચાલવાનો પ્રયાસ ઉચિત નથી. સ્વામીજીના મત પ્રમાણે એનાથી તો શક્તિનો માત્ર અપવ્યય થાય છે. એમનું કહેવું છે કે ગંગાની ધારાને બળપૂર્વક તેના ઉદ્‌ગમસ્થાન, ગોમુખ તરફ વાળી શકાતી નથી છતાં પણ એને એવી રીતે નિયંત્રિત કરી શકાય કે તે ધારા સમાજ તથા દેશ માટે કલ્યાણકારી બની રહે. એમ ન બને તો એ જ પ્રવાહ સારાનરસા બધાને વહાવી દેશે તેમજ વિનાશક બનીને ભવિષ્ય માટે ઘાતક સિદ્ધ થશે. સ્વામીજીનો મત હતો કે અતીતના ઇતિહાસપ્રાપ્ત અનુભવ તથા જ્ઞાનને અકઠાં કરીને યુવાવર્ગ ભવિષ્યની સમૃદ્ધિ માટે એ બંનેનો સાર્થક ઉપયોગ કરે. આ જ કાર્ય મહત્ત્વપૂર્ણ કાર્ય છે.

યુવવર્ગમાં અતીત પ્રત્યે ઉદાસીનતાનો ભાવ દેખાય છે. સમાજની વર્તમાન વ્યવસ્થાથી એમને સંતોષ નથી, તેઓ એમાં પરિવર્તન ઝંખે છે. એમને જે અનુભવ થાય છે બરાબર એના જ આધારે અતીતનું તેઓ મૂલ્યાંકન કરે છે. દેશના વિગત અનુભવોની સાથે સામંજસ્ય રચીને તેમના અનુભવોને પણ સંશોધિત કરવાં પડશે. બહુમુખી, વિશ્વવ્યાપી આધુનિક ભાવધારાનો સ્વીકાર પણ નિંદાયોગ્ય વાત નથી. એ ભાવધારાને સ્વીકારવાની માનસિકતા પ્રશંસનીય છે, પરંતુ સાથે ને સાથે પોતાના પગ નીચેની માટીને ભૂલી જવાથી કંઈ ચાલવાનું નથી. એ માટી છે ભારતનો ઇતિહાસ, ભારતની અસામાન્ય આધ્યાત્મિકશક્તિ. પ્રારંભકાળથી જ આધ્યાત્મિક જીવન જ આ દેશનું લક્ષ્ય રહ્યું છે. યુવસમાજ એનો વિરોધી છે, તે જડવાદી છે, એમનો ઉદ્દેશ જાગતિક ભોગ વિલાસનાં સુખો છે, એમ આપણું માનવું પૂર્ણત: સત્ય નથી. સંભવ છે કે આપણે એમને સુયોગ્ય રીતે પરિચાલિત ન કરી શક્યાં હોઈ, એમની સમક્ષ કોઈ એવો સુસ્પષ્ટ આદર્શ કે જેનાથી તેઓ એ આદર્શ તરફ પોતાની અદમ્ય પ્રાણશક્તિ પ્રવાહિત કરતા બને. અતીત અને ભવિષ્ય વચ્ચે એક સુદૃઢ સંયોગસૂત્રની જરૂર છે અને યુવર્ગ પણ એ જ સંયોગસૂત્ર છે. તેઓ જ્યારે પોતાની આશા-આકાંક્ષાઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સર્વદા એનો અસ્વીકાર કરવો, તેને રોકી દેવી ઉચિત નથી. એવી રીતે આપણે એમને શિક્ષિત કરવા પડશે કે તેઓ દેશના ઉજ્જ્વલ ભવિષ્યનું ઘડતર કરવાની આશા-આકાંક્ષાઓનું પોષણ કરે અને અતીતમાંથી અનુભવ લઈને જ એવું શિક્ષણ આપણે યુવાનોને આપી શકીશું. આવું થયા પછી આપણને જોવા મળશે કે તેઓ કેવી રીતે આગળ ધપી રહ્યા છે. આ રીતે યુવવર્ગને યોગ્ય પથ પર ચાલતા કરવાથી દેશ પોતાના ગૌરવમય ભાવિ તરફ આગળ ધપી શકશે.

આપણે સૌ બળદગાડાંના યુગથી ઘણા દૂર નીકળી ચૂક્યા છીએ. સંભવત: આજે આપણે સૌ જેટયુગની સીમા પર છીએ અને એના પછી રોકેટયુગમાં પહોંચીશું. એ સમયે આપણે માત્ર ચંદ્ર પર જ નહિ પણ એવા બીજા ગ્રહો અને એની પણ પેલી પારના અવકાશમાં પહોંચવાની વાતો વિચારીશું. એનું તાત્પર્ય એ છે કે આપણે જ્યાં છીએ ત્યાં જ આપણે સીમાબદ્ધ ન રહી શકીએ. પ્રાચીન ઋષિઓએ કહ્યું છે – ચરૈવેતિ – આગળ ધપો – આપણે સૌ આવી પ્રગતિ ઝંખીએ છીએ. સ્વામીજી કહે છે: ‘લક્ષ્ય સુધી પહોંચ્યા વિના અટકો નહિ. ઊઠો! જાગો! ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ આપણે આળસ, પ્રમાદ, વિલાસ, આરામમાં તંદ્રામગ્ન છીએ. આપણે આગળ ધપવાનું છે એ ભૂલી રહ્યા છીએ. વૃદ્ધાવસ્થાને લીધે લોકો પોતાની શક્તિ ખોઈ બેઠા છે. તેઓ વિચારે છે કે કોઈ એમની નિદ્રામાં ખલેલ ન પહોંચાડે અને યુવાનોનો ઉદ્દાત ઉત્સાહ એમની એ શાંતિમાં વિઘ્ન નાખે છે પણ એ જ લોકોએ એમને જન્મ આપ્યો છે; એટલે આવો દૃષ્ટિકોણ પણ ઉચિત નથી. આ યુવાનોને તેમના પથ પર ચાલવાનું પ્રોત્સાહન આપવું અને પોતાના અનુભવોથી તેમને યોગ્ય પથપ્રદર્શન કરાવવાની જવાબદારી પણ એમની જ છે એ આપણે યાદ રાખવું રહ્યું.

આપણે અનેક ભૂલ કરી છે. આપણા સુદીર્ઘ ઇતિહાસમાં અનેક ઉત્થાન-પતન આવ્યાં છે. બધાં રાષ્ટ્રોના ઇતિહાસમાં આવાં ચક્રવત્‌ ઉત્થાન-પતન આવે છે. ક્યાંય નિરંતર સમૃદ્ધિ જ જોવા મળતી નથી. સ્વામીજી કહે છે: ‘ઉત્થાન-પતન આવવા છતાં આપણી પ્રાચીન જાતિ આજે પણ જીવંત છે. બીજી અનેક જાતિઓનું ઉત્થાન થયું છે, એમણે ધૂમકેતુની જેમ ઇતિહાસનાં પાનાં અજવાળ્યાં છે અને ધૂમકેતુની જેમ ક્ષણિક તેજ પાથરીને તે બધી લુપ્ત થઈ ગઈ છે; જ્યારે આપણો દેશ અતિપ્રાચીન દેશ છે. એ વિશ્વના અતિપ્રાચીન દેશોમાંનો એક દેશ છે, એટલે તેના અતીતની ઉપેક્ષા ન કરવી જોઈએ. આવી અગણના ન કરી જોઈએ કારણ કે એના અતીતના દૃષ્ટિકોણમાં એક પ્રકારની સુસંગતિ તથા સ્થિરતા હતી અને એટલે જ એ ધરાતલ પરથી પૂર્ણપણે લુપ્ત નથી થયો. ગ્રીસ, રોમ તથા મેસોપોટેમિયા જેવી મહાન સંસ્કૃતિઓ ઇતિહાસના પાનાં પર ચમકતી હતી અને પછી તે અદૃશ્ય પણ થઈ ગઈ. પરંતુ ભારતની બાબતમાં આવું નથી બન્યું. ભારતની સનાતનધારા આજે પણ અબાધિત રૂપે પ્રવાહિત થઈ રહી છે. અને ક્યારેય એ ધારા અધોગામી બની અને જ્યારે એમ પણ લાગ્યું કે હવે આ જાતિનો પૃથ્વી પરથી લોપ થઈ જશે ત્યારે ન જાણે ક્યાંકથી એક નવીનશક્તિનો આવિર્ભાવ થયો છે. આ જ શક્તિના આધારે ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાને વારંવાર પુનર્જીવન પ્રાપ્ત થતું રહ્યું છે. ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા એની સભ્યતાની – સંસ્કૃતિની આધારશીલા છે. એમાં અટલ વિશ્વાસ રાખ્યા વિના કોઈ નવીન ભવનનું નિર્માણ કરી ન શકાય, અને કદાચ કરીએ તો પણ તે સ્થાયી નહિ હોય. ભારતવર્ષ અસાધારણ ઊર્જા અને અસીમ શક્તિનો આધાર છે. એટલે જ યુવાનો માટે અતીતનું અનુશીલન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એના દ્વારા જ પહેલાં તેઓ શું હતા એ તેઓ સમજી શકશે. અને એના જ આધારે તેઓ પોતાના ભવિષ્યને ઘડવાનો પ્રયાસ કરશે. એથી ભારતની પ્રાચીન વિરાસત પ્રત્યે આપણામાં ગૌરવભાવ ઉદ્‌ભવશે અને આપણે આશ્વસ્ત પણ થઈ જઈશું. ધનબળ કે બાહુબળને નહિ પરંતુ આધ્યાત્મિક બળને જ ભારત સર્વાધિક મહત્ત્વ આપતું આવ્યું છે.

કેટલાક લોકો કહે છે કે ધર્મ જ આપણા જીવનની અધોગતિનું કારણ છે. સ્વામીજી કહે છે : ‘તમે અતીતને બરાબર નથી સમજ્યા, ધર્મને પણ બરાબર નથી સમજ્યા. ધર્મે જ આપણને જીવંત રાખ્યા છે અને જો આપણે ધર્મને ન ભૂલીએ તો હવે તે જ આપણી રક્ષા કરશે.’ સ્વામીજીએ વારંવાર કહેલો ઉપનિષદોનો સંદેશ છે – ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત’ – ‘ઊઠો! જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’. ‘નિબોધત’ અર્થાત્‌ સત્યને જાણો. અંધકારમાં પ્રકાશનું પ્રાગટ્ય ન થાય. અતીતના ભારતવર્ષમાંથી પ્રકાશનું વિકિરણ થઈ રહ્યું છે અને એ જ આપણા માટે પથપ્રદર્શક છે.

એટલે જ તરુણોને સ્વામીજીએ આહ્‌વાન કર્યું છે: ‘પોતાની શક્તિને વ્યર્થ વેડફી ન દેતા. અતીત તરફ નજર કરો. જે અતીતે તમને અનંત જીવનરસ પ્રદાન કર્યો છે, એનાથી પુષ્ટ બનો. જો અતીતની પરંપરાનો સદુપયોગ કરી શકો એને માટે ગૌરવ અનુભવી શકો તો પછી તેનું અનુસરણ કરીને પોતાનો પથ નિર્ધારિત કરી લો. આ પરંપરા તમને દૃઢ આધારશીલા પર પ્રતિષ્ઠિત કરશે અને પરિણામે તમને જોવા મળશે કે દેશ સામંજસ્યપૂર્ણ સમૃદ્ધિની દિશામાં અગ્રસર બની રહ્યો છે.’ આ રીતે અપેક્ષા કરતાં અતિ અલ્પ સમયમાં લક્ષ્ય સુધી પહોંચી શકાશે. વૈજ્ઞાનિકો નવા નવા ઉપાયોની શોધમાં જાતજાતના પરિક્ષણ-નિરીક્ષણ કરતા રહે છે. પરંતુ તેઓ પણ શું ઉત્તરાધિકાર રૂપે પ્રાપ્ત અતીતકાલની પ્રજ્ઞા પર નિર્ભર નથી રહેતા? અણુશક્તિનો આવિષ્કાર આકસ્મિક રૂપે નથી થઈ ગયો. અનેક યુગોના અનેક વૈજ્ઞાનિકો દ્વારા પ્રાણ-મન લગાડીને કરેલી શોધો પછી અંતે વર્તમાન શતાબ્દિમાં આણ્વિકશક્તિના અસ્તિત્વની શોધ થઈ છે. એ જ રીતે આ ક્ષેત્રમાં પણ આપણે પોતાના પૂર્વજોના પ્રયાસોને યાદ રાખવા પડશે.

સ્વામીજીએ વધુમાં કહ્યું છે: ઉન્નતિનું પ્રથમ પગથિયું સ્વાધીનતા છે. સ્વાધીનતાના અભાવે આપણે બંધાઈ જઈએ છીએ અને એનાથી ક્રમશ: આપણો વિનાશ અવશ્યંભાવી બની રહે છે. એટલા માટે યુવાનોને પૂર્ણ સ્વાધીનતા આપવી પડશે, પરંતુ તેની સાથે એમના પથનિર્ધારણના કાર્યમાં સહાય પણ કરવી પડશે. યુવાનોએ કેવળ સ્વામીજીએ આપેલી આ ચેતવણી યાદ રાખવાની આવશ્યકતા છે. તેઓ યુગોથી સંચિત અનુભવોના ખજાનામાંથી બોધપાઠ લઈને લાભ પ્રાપ્તિ કરો. આ મહાન ઉત્તરાધિકારનો સ્વીકાર કરવો એ એમનું પરમ સૌભાગ્ય છે.

યુવકગણ અશાંત – ઉદ્દાત હોય છે અને આ એમની પ્રાણશક્તિના પરિચાયક છે. એમને ડગલે ને પગલે નિષેધની દોરીથી બાધી રાખીને ‘સારો યુવાન’ બનાવી દેવાથી તેઓ આગળ નહિ વધી શકે. પરંતુ એમને થોડા વધુ અશાંત બનવા પ્રેરવા પડશે. આપણે ક્યાંક એમને પાછળથી ન પકડી રાખીએ. નવીન બંદર તરફ એમની યાત્રા શરૂ થઈ ચૂકી છે; એમના શઢમાં હવા લાગી રહી છે. મોટેરાંનું કાર્ય છે એમને પોતાના યાત્રાપથમાં સુદૃઢ રાખવામાં સહાય કરતા રહે, જેને લીધે તેઓ દિશાચૂક ન કરી બેસે. એટલે જ આજના યુવક આપણા અતીતની ધરોહરને વધુ ને વધુ સમૃદ્ધ કરી દેશે. એમના – યુવાનોના માર્ગમાં સ્વામીજીના આશીર્વાદ તથા શુભકામનાઓ સદૈવ એમની સાથે રહો.

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.