શ્રીકૃષ્ણ એક કર્મઠ વ્યક્તિ હતા અને એમના ઉપદેશ પણ ઊર્જાયુક્ત છે; તેઓ શક્તિદાયી વિચારોના પુંજ છે. આપણે આ કૃષ્ણને સમજવા છે, જાણવા છે. આપણી પાસે અત્યાર સુધી એવા કૃષ્ણ હતા જે કેવળ આંસું તથા આપણી ભીતરના મૃદુભાવોને પ્રેરિત કરતા હતા. પરંતુ ગીતાના કૃષ્ણ સમગ્ર દેશને ઉઠાડવા માટે, એમને કર્મઠ બનાવવા માટે આવે છે. બંગાળીમાં એક ગીત છે જેમાં અધ:પતિત ભારતનો ઉદ્ધાર કરવા માટે સુદર્શનચક્રધારી કૃષ્ણને આહ્‌વાન કરવામાં આવ્યું છે. તેનો ભાવાર્થ આવો છે : ‘અવનતભારત તમને પોકારે આવો સુદર્શનધારી મુરારી.’

તેઓ એક એવી વ્યક્તિ છે જેમણે આ દેશના પ્રત્યેક પ્રદેશમાં પોતાનો ભાવ સ્થાપિત કર્યો છે. કૃષ્ણને કાઢી નાખવાથી આપણી સંસ્કૃતિની દરેકેદરેક મૂલ્યવાન વસ્તુ ચાલી જશે. આપણાં કળા, સાહિત્ય, સંગીત, ચિત્રકલા, મૂર્તિકલા, લોકનૃત્ય, વગેરે પર એમનો પ્રભાવ વિદ્યમાન છે. અનેક વિદેશી લોકો ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઇર્ષ્યા કરે છે.

આ સંસ્કૃતિનો વેદોના ધૂંધળા અતીત સાથે ઉદ્‌ગમ થયો, પછી હજારો વર્ષોની તેની અબાધ ગતિ દરમિયાન અનેક સહાયક નદીઓ પોતાની શક્તિ તથા સમૃદ્ધિ સાથે એમાં વિલીન થઈ ગઈ અને આજે એ સંસ્કૃતિ સદ્‌ગુણ, પવિત્રતા તથા શક્તિનો એક વિરાટ ઉછળતો મહાસાગર બની ગઈ છે. પ્રત્યેક હિંદુ ન્યાયસંગત રૂપે પોતાના આ સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો ભાગીદાર હોવાનો ગર્વ અનુભવી શકે છે. શ્રીકૃષ્ણ એક એવા માનવ હતા કે જેમણે આ સંસ્કૃતિને પ્રબળ અને સમૃદ્ધ બનાવી. જ્યારે માનવજાતિને હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તીના રૂપે વિભાજિત કરવાની કલ્પના થઈ તે પહેલાંના ઘણા સમય પહેલાં તેઓ – શ્રીકૃષ્ણ વિદ્યમાન હતા. એટલે ભલે કોઈ પણ વ્યક્તિ હિંદુ હોય કે મુસલમાન કે બીજી કોઈ પણ, શ્રીકૃષ્ણ આ દેશના પ્રત્યેક સંતાનની સંપત્તિ છે. એક એવો સમય આવશે કે જ્યારે જાતિ, મત તથા વર્ણથી નિરપેક્ષ એવા આ દેશનો દરેકેદરેક માણસ શ્રીકૃષ્ણ, શ્રીબુદ્ધ કે શ્રીશંકરાચાર્યને આપણા રાષ્ટ્રિય માનસના ઘડવૈયા માનશે. એમણે કોઈપણ જાતના ભેદભાવ વિના ભારતવાસીઓને એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો સોંપી દીધો છે. આ સંસ્કૃતિ બધા લોકસમુદાયોની સહિયારી સંપત્તિ છે. કેટલાક સમય પહેલાં મદ્રાસમાં ‘હિંદુ’ દૈનિકપત્રમાં પ્રકાશિત પોતાના એક લેખમાં ડો. સુકર્ણોએ કહ્યું હતું : ઇન્ડોનેશિયાના પ્રત્યેક નાગરિકના લોહીમાં ભારતીય સંસ્કૃતિ વિદ્યમાન છે. એટલે ભારતમાં હવે પછી આવનારા એક એવા સમયની કલ્પના કરવી કઠિન નથી કે જ્યારે બધા લોકો પ્રેરણા અને માર્ગદર્શન મેળવવા એક જ પ્રાચીન સંસ્કૃતિ તરફ વળશે.

જ્યારે આપણે પોતાની વાસ્તવિક અવસ્થાનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણને આપણા દેશની સંસ્કૃતિમાં શ્રીકૃષ્ણે ભજવેલી મહત્ત્વની ભૂમિકાનો ખ્યાલ આવે છે. મહાભારતના શ્રીકૃષ્ણ એક પ્રબળ દાર્શનિક તેમજ એક મહાન કર્મવીર પણ હતા. એ ઉપરાંત એઓ પૂર્ણતયા અનાસક્ત હતા. આ પૃથ્વી પરના બળવાન લોકો, ઋષિ મુનિઓ, સ્ત્રીઓ, બાળકો, ખેડૂતો આ બધાં એમના પ્રત્યે આદરસન્માનનો ભાવ રાખતા હતા.

ગીતા એવા જ એક પ્રબળ અને કર્મઠ વ્યક્તિત્વનો સંદેશ છે અને એમણે પોતાની શક્તિ તથા કર્મઠતાને પોતાના ઉપદેશોમાં ઢાળી દીધાં છે. આવો કર્મઠ સંદેશ એ જ લોકો સમજી શકે તેમ છે કે જે પોતે પણ થોડી ઘણી માત્રામાં એ શક્તિના અધિકારી હોય. જ્યારે નાના ગજાના માણસો એક મહાન વિચારને અપનાવે છે ત્યારે તેઓ એ વિચારને પોતાના સ્તર સુધી નીચે ઊતારી દે છે. એનું કારણ એ છે કે તેઓ સ્વયં એ મહાન વિચારના સ્તર સુધી ઉન્નત થઈ શકતા નથી. પાછલાં હજારો વર્ષ દરમિયાન આપણે માત્ર ભાવુકતાપૂર્ણ સાહિત્યની જ રચના કરી શક્યા છીએ. સ્વામીજી કહે છે કે દેશે કેવળ મૃદુસાહિત્યને જ પ્રાથમિકતા આપી અને એના પરિણામ સ્વરૂપે પાછલાં હજાર વર્ષોમાં લખાયેલ અધિકાંશ સાહિત્યને જો નિચોવામાં આવે તો તેમાંથી માત્ર આંસું જ નીકળે છે. આવા લોકોના પનારે પડીને ગીતાએ પણ પોતાની શક્તિ ગુમાવી દીધી. પરંતુ, શ્રીકૃષ્ણે પોતાના સંદેશમાં એ દુર્બળતા અને ભાવુકતાવાદને કોઈ સ્થાન ન આપ્યું. અર્જુન પ્રત્યે ઉચ્ચારવાના એમના પ્રથમ શ્લોકમાં જ તેઓ કહે છે – कुतस्त्वा कश्मलम् इदम विषमे समुपस्थितम् – આ સંકટકાળે તારામાં આ દુર્બળતા ક્યાંથી પ્રવેશી ગઈ? (ગીતા – ૨ : ૨) ઉપનિષદ તથા ગીતા કેવળ શક્તિની જ વાત કરે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘શક્તિ, શક્તિ-ઉપનિષદોનું પાનેપાનું મને આ જ વાત કહે છે.’ દુર્બળ મનવાળા લોકો ક્યારેય શક્તિશાળી વિચારોને ધારણ કરી શકતા નથી. એટલા માટે પ્રયાસ કરતાં કરતાં તેઓ પોતાની લઘુતા દ્વારા આવા વિચારોને પણ હલકા બનાવી દે છે. પરંતુ જ્યારે આપણે આપણા પોતાનામાં થોડી ઘણી શક્તિ કે ઊર્જાને વિકસાવી લઈશું ત્યારે ગીતામાં કંઈક એવું મળી રહેશે કે જે જીવનને દરેકેદરેક પરિસ્થિતિમાં સહાયક બની રહેશે. જે લોકો પોતાના સ્નાયુઓને થોડા ઘણા શાંત કરવા ઇચ્છે છે અને જીવનની કઠિન કસોટીઓનો સામનો કરવામાં ગભરાય છે એમને માટે પુરાણોમાં પૂરતી સામગ્રી મળી રહેશે. પરંતુ જે લોકો કઠોર સંઘર્ષ દ્વારા ઉચ્ચતર જીવન પ્રાપ્ત કરવા માટે પ્રેરણા લેવા ઇચ્છે છે તેમને ગીતામાં આ બધું યથેષ્ટ માત્રામાં મળી શકશે. માત્ર સબળ લોકો જ ગીતાનું મહત્ત્વ સમજી શકે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘માત્ર હાથી જ સિંહની તાકાત સમજી શકે છે, મચ્છર નહિ.’ ગીતા આપણા માટે આરામથી ઊંઘમાં ડૂબી જવા માટે નથી, પરંતુ પોતાની જાતને નિદ્રા અને પ્રમાદમાંથી જગાડીને સર્વોચ્ચ આત્માનુભૂતિ તથા આત્માભિવ્યક્તિમાં અનુપ્રાણિત કરવા માટે છે. ગીતાના શ્લોકોમાં આપણને ઊર્જાવાન બનાવવા, નવા પ્રકારના વિચાર કરવામાં સક્ષમ બનાવવાનું સામર્થ્ય છે; તે શ્લોકો આપણને જરીપુરાણી કેડીએ ચાલવા નહિ દે.

શિષ્યત્વ વિશે અર્જુનને પ્રાથમિક બોધ

જે પરિપ્રેક્ષ્યમાં ગીતાનો સંદેશ આપવામાં આવ્યો હતો, અત્યાર સુધી આપણે ગીતાને એમાનાં કેટલાંક પાસાં અને સાથે હિંદુ શાસ્ત્રમાં ગીતાના સ્થાન વિશે ચર્ચા કરી. આ સંદર્ભે મેં ગીતાના બોધની વિશિષ્ટતા અને તેના ઉપદેશક શિક્ષક શ્રીકૃષ્ણના વ્યક્તિત્વ વિશે થોડું ઘણું કહ્યું. એ બધું ગીતાના અધ્યયનની ભૂમિકા રૂપે હતું. આજે આપણે એના વિષયવસ્તુમાં પ્રવેશ કરીશું. પરંતુ એમ કરતાં પહેલાં આપણે ગીતાના પ્રથમ અધ્યાયને થોડો વધુ સમય આપીશું.

પહેલા અધ્યાયમાં આપણને એ પરિવેશ જોવા મળે છે કે જેમાં ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એ એક નાટકીય પૃષ્ઠભૂમિ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસમાં પ્રસિદ્ધ એવા કૌરવો તથા પાંડવોની વચ્ચે લડાયેલા કુરુક્ષેત્રના એ મહાન યુદ્ધમાં, એ યુદ્ધનો મહાન નાયક અર્જુન પોતાના સારથીરૂપે શ્રીકૃષ્ણને સાથે લઈને લડવા માટે સુસજ્જ બંને સેનાઓ વચ્ચે ઊભા છે. અને બંને બાજુના સૈનિકોનું નિરીક્ષણ કરે છે. એકાએક એક વિચિત્ર પરિસ્થિતિ થાય છે : પોતાના સગાંસંબંધીઓને સામે ઊભેલા જોઈને અર્જુન શોકથી ઘેરાઈ જાય છે. એમના સ્નાયુઓ શિથિલ બની જાય છે. પોતાના જ સગાંસંબંધીઓ સાથે ન લડવાની પ્રતિજ્ઞા કરીને તે પોતાનું ગાંડીવ-ધનુષ્ય નીચે મૂકી દે છે. એના મનમાં એક જાતની ઘોર જુગુપ્સા ઉત્પન્ન થાય છે અને તે યુદ્ધ ન કરવાનો નિશ્ચય કરે છે. તે એમ વિચારે છે કે લડીને પોતાના શત્રુઓને જીતવાનો પ્રયાસ છોડી દેવો એ વધારે સારું અને નૈતિક છે. તેમનો સામનો કરવાની કે યુદ્ધની દિશામાં આગળ વધવા કરતાં શત્રુઓ દ્વારા પરાજિત થઈને મરી જવું બહેતર માને છે. આ એક ઘણું મર્મસ્પર્શી દૃશ્ય છે. આ દૃશ્યનું ગીતાના પ્રથમ અધ્યાયમાં પ્રભાવક રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. આ યુદ્ધ અને સંઘર્ષના પરિવેશમાં, પોતાની ભીતર અને ચારેતરફનું યુદ્ધ છે; ભાવનાઓ અને આદર્શોની વચ્ચે, પ્રેમ અને કર્તવ્યની વચ્ચે પણ સંઘર્ષ છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે એ પરિસ્થિતિમાં મહત્ત્વપૂર્ણ સંભાવનાઓ રહેલી હોય છે. એક સંકટ એક મહાન રચનાનો પૂર્વાભાસ છે; જો પીડિત વ્યક્તિ સુદૃઢ તત્ત્વોની બનેલ હોય તો સંકટ જેટલું મોટું હશે રચના પણ તેટલી જ ઉત્કૃષ્ટ હશે. એનાથી એક રચનાત્મક જ્ઞાન કે સક્રિય વિચારનો જન્મ થાય છે. એથી ગીતાના વિચારોની ચિરંતન કર્મઠતાની વ્યાખ્યા થઈ જાય છે.

સામાન્ય લોકોના જીવનમાં ભાવનાઓના આવા તીવ્ર સંઘર્ષના અનુભવનો પ્રસંગ ભાગ્યે જ આવે છે. આપણે આપણી જાતને ભાગ્યે જ આવી પરિસ્થિતિમાં ફસાયેલા જોઈએ છીએ – જેમાં ‘કરવું કે ન કરવું’ એવી બે વિપરીત દિશામાં જોરદાર ખેંચાણનો અનુભવ કરીએ છીએ. પરંતુ જે લોકો સાચી મહત્તાની પ્રાપ્તિ કરવા માટે જન્મ્યા છે એમના જીવનમાં આવા કેટલાય પ્રસંગો આવે છે, જેમાં તેઓ પોતે આવી પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે જુએ છે, જ્યાં સંનિષ્ઠાનો સંઘર્ષ ઊભો થાય છે; અને એમને માટે શું ગ્રહણ કરવા જેવું છે અને શું છોડી દેવા જેવું છે એનો નિર્ણય કરવો ઘણો કઠિન બની જાય છે. નૈતિક જીવનના આકાંક્ષી એવા પ્રત્યેક સાધકના જીવનમાં આ પ્રકારના વિભિન્ન તીવ્રતાવાળા કર્તવ્યસંબંધી સંઘર્ષો આવે છે. આવા પ્રસંગે માનવમનને એક બાજુએ પ્રભાવક માર્ગદર્શનની આવશ્યકતા પડે છે. ગીતાના બીજા અને ત્યાર પછીના અધ્યાયોમાં શ્રીકૃષ્ણ આપણી સમક્ષ આવું જ માર્ગદર્શન પ્રસ્તુત કરે છે.

પહેલા અધ્યાયમાં આપણને આ નૈતિક સમસ્યા-કર્તવ્યના સ્વરૂપ અને કર્તવ્યો વચ્ચે અંદરોઅંદરના સંઘર્ષની સમસ્યાનું અદ્‌ભુત ઐતિહાસિક નિરૂપણ જોવા મળે છે. આપણા પ્રાચીન ચિંતનમાં પણ આ સમસ્યા તથા એ વિષય પર ચર્ચા થઈ છે અને આ દુનિયાના દરેક પ્રકારના નૈતિકચિંતનમાં તે જોવા મળે છે. ગીતાના બીજા અધ્યાયમાં એક મહાન દર્શનના આલોકમાં એ વિષય પર ચર્ચા થઈ છે. અને પછીથી આવનારા અધ્યાયોમાં કર્મ – અકર્મ, ત્યાગ – કર્તવ્ય, સંન્યાસ – કર્મયોગ પર ચર્ચા કરતી વખતે એના પર થોડી વધુ વિવિધતા સાથે વિચારવામાં આવ્યું છે. ગીતાના પહેલા અધ્યાયમાં જ કર્તવ્યના વિષયની પ્રસ્તુતિ તેના પછીના અધ્યાયોમાં દર્શન તથા નીતિશાસ્ત્રનું એક પ્રબળ ભવન ઊભું કરવા માટે આધારનું કાર્ય કરે છે. પહેલા અધ્યાયમાં આપણને એક એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ મળે છે કે જે ગીતાનાં શિક્ષણ-ઉપદેશને સૌંદર્ય અને ઉદાત્તતા અર્પે છે. આ જ તત્ત્વ ગીતાના સંદેશને જીવંતતા પ્રદાન કરે છે; એ ચર્ચાને એક ગંભીરતાનો સ્પર્શ આપે છે. આ ચર્ચા માત્ર બૌદ્ધિક ચર્ચા નથી, નહિ તો એ અપ્રભાવી અને વ્યાવહારિક જીવનથી અસંબંધિત બની જાત; એને થવાને બદલે સંઘર્ષ તથા યુદ્ધના અગ્નિમાંથી ઉત્પન્ન થવાથી એ ચર્ચા મનુષ્ય માટે એક સ્થાયી અને મહત્ત્વના સંદેશ રૂપે પ્રગટ થાય છે. આ સંકટમાં પડેલ એક સાચો જિજ્ઞાસુ અને મહાન આચાર્ય સામસામે ઊભા છે. જિજ્ઞાસુ વ્યાવહારિક માર્ગદર્શનની યાચના કરે છે અને એ વાત સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં સમસ્યાના માત્ર બૌદ્ધિક સમાધાનથી કામ થઈ શકે તેમ નહોતું. અહીં બધાં તથ્યોને ધ્યાનમાં રાખીને તત્કાળ દિશાનિર્દેશ આપવાનો હતો. ગીતા પોતાના મહાન આચાર્ય શ્રીકૃષ્ણના માધ્યમ દ્વારા બરાબર આ જ કાર્ય કરવા માટે આગળ આવે છે. શ્રીકૃષ્ણ યુદ્ધના માત્ર એક નિરપેક્ષ દૃષ્ટા નથી પરંતુ એક રીતે તેઓ ભાગીદાર પણ છે. આ વાસ્તવિકતા ગીતાને નૈતિક સમસ્યાઓ વિશે કોરેકોરી બૌદ્ધિક ચર્ચા કરવા કરતાં કેટલાંક અધિક, દાર્શનિક ઊંડાણ તથા નૈતિક વિસ્તાર પ્રદાન કરે છે.

એટલે પહેલા અધ્યાયમાં આપણી સમક્ષ અર્જુનનું એ ચિત્ર આવે છે જેમાં તે પોતાના સંબંધીઓ, મિત્રો તથા આચાર્યોની સેનાની સામે ઊભા છે. તે કરુણા અને ખેદથી વિચલિત બનીને કહે છે : ‘આવું યુદ્ધ કરવાથી શું લાભ? આ યુદ્ધમાં ભાગ લેવાને બદલે હું તો એક સંન્યાસી બની જઈશ.’ અર્જુન મર્મસ્પર્શી શબ્દોમાં પોતાની સમસ્યા રજૂ કરે છે અને વાતો ત્યાં સુધી છે કે પોતાને આ યુદ્ધમાં પ્રેરિત કરવા માટે શ્રીકૃષ્ણને પણ આ શબ્દોમાં ફટકારે છે : ‘આનાથી જે દુ:ખ ઉત્પન્ન થશે તેને શું આપણે જાણતા નથી? અને વળી, આપણે એ દુ:ખને જાણીએ છીએ એટલે આવા યુદ્ધથી વિમુખ થઈ જવું એ વધુ સારું છે.’ એના પછી અર્જુન ઘોષણા કરે છે કે તે યુદ્ધ નહિ કરે. અર્જુનના મનમાં ભાવનાઓ – લાગણીઓનું એટલું બધું અંતર્દ્વન્દ્વ ચાલે છે કે તે તૂટી પડે છે; એનાં ધનુષ્ય-બાણ હાથમાંથી સરકીને નીચે પડી જાય છે; એની વાણી રુંધાઈ જાય છે. અસહાય બનીને પોતાના રથમાં બેસી જાય છે.

આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે આપણે દ્વન્દ્વાત્મક પરિસ્થિતિઓ સામે ઊભા હોઈએ છીએ. આવી બધી પરિસ્થિતિઓમાં જ્યારે આપણે પોતાના કર્તવ્યનું નિર્ધારણ કરવામાં અસમર્થ બની જઈએ છીએ અને પરિસ્થિતિઓ એક સમસ્યાનું રૂપ ધારણ કરી લે છે ત્યારે આપણે પણ અર્જુનની જેમ વ્યવહાર કરવા માંડીએ છીએ. આપણા સ્નાયુઓની શક્તિ હરાઈ જાય છે પણ આપણને એનો ખ્યાલ આવતો નથી. આપણે આપણા પોતાના વ્યવહારને યુક્તિસંગત ઠરાવવા તર્કનો સહારો લઈએ છીએ, પરંતુ એ તર્ક પણ ખોટા હોય છે. એ બધા તર્ક યુક્તિ તથા દર્શનશાસ્ત્રની કસોટી પર પાર ઊતરતા નથી. બ્રાડલે કહે છે કે મોટા ભાગના લોકો માટે સ્વાભાવિક રૂપે સત્ય પ્રતીત થાય એવા મતોના સમર્થનમાં ખોટી યુક્તિઓ શોધવી એ જ દર્શન છે. આ યુક્તિ નથી પરંતુ યુક્તિ દ્વારા કરેલા સમર્થન-યૌક્તિકીકરણથી ઉદ્‌ભવેલું એક ખોટું દર્શન છે. અર્જુન સાથે પણ આવું જ બન્યું; આસક્તિ, ભ્રમ તથા શોકના અતિરેકને લીધે, સંકટની પળોમાં એની સ્નાયુઓની અને નિર્ણયની શક્તિ ખતમ થઈ ગઈ; અને જ્યારે તેઓ યુદ્ધથી પાછા હટવા માટે ‘અહિંસા’, ‘અપ્રતિરોધ’ અને ‘માનવતાવાદ’ની સહાય લે છે ત્યારે આ યૌક્તિકીકરણની પ્રક્રિયા ક્રિયાશીલ થતી જોવા મળે છે. અર્જુન જ્યારે એમ કહે છે કે યુદ્ધ તથા હત્યાથી બહેતર તો એ થશે કે હું પોતે જ યુદ્ધમાંથી પાછો હટી જાઉં કે મને મારી નાખવામાં આવે. એ સમયે એના ક્લાંત સ્નાયુઓને શાંત કરવા માટે અહિંસા અને અપ્રતિરોધના મહાન ગુણોની સહાયતા લેવામાં આવે છે. તે શ્રીકૃષ્ણને પોતાના તર્કોનું સમર્થન કરવા માટે અનુરોધ કરે છે. પરંતુ વિચિત્ર વાત તો એ છે કે એને આવું સમર્થન મળતું નથી. દર્શન યૌક્તિકીકરણનું સમર્થન ન કરી શકે. એનું કારણ એ છે કે તે યુક્તિ પર આધારિત છે અને એ કોઈ પણ સમસ્યાનું સમાધાન કરતાં પહેલાં તેની સમગ્ર પરિસ્થિતિઓ અને અવસ્થાઓનું આકલન કરે છે. એટલે જ્યારે અર્જુન કહે છે: ‘હું લડવા નથી ઇચ્છતો.’ અને પોતાના આ નિર્ણય માટે શ્રીકૃષ્ણનું સમર્થન ઇચ્છે છે ત્યારે એ સમર્થન ન મેળવીને તે વિસ્મિત બની જાય છે. અહીં દર્શનનું પ્રતિનિધિત્વ શ્રીકૃષ્ણ કરે છે અને નૈતિક દ્વન્દ્વો તેમજ તેનાથી ઉત્પન્ન થનારી મૂંઝવણભરી સ્થિતિનું પ્રતિનિધિત્વ અર્જુન કરે છે. આમાંથી એક શાંત અને સુવ્યવસ્થિત છે અને બીજો યુદ્ધના પોતાના સંકલ્પમાં વિચલિત, સમસ્યાઓથી ઘેરાયેલો તથા વિકળ છે. આ રીતે પ્રથમ અધ્યાયની સમાપ્તિ થાય છે. એને વ્યાસજીએ પોતાના અત્યંત પ્રભાવી શબ્દોમાં ‘અર્જુનવિષાદયોગ’ એવું નામ આપ્યું છે. અહીં દર્શનની શાંત યુક્તિઓ તેમજ સક્રિય જીવનની અયૌક્તિક મૂંઝવણો સામસામે આવી જાય છે. ભગવદ્‌ગીતાના પછીના ૧૭ અધ્યાયોમાં રહેલ જીવનદર્શન આ સંઘર્ષનું ફળ છે.

જ્યારે આપણે બીજા અધ્યાય પર આવીએ છીએ ત્યારે આપણે સાચા દર્શનના ઉષ:કાળમાં આવીએ છીએ. દર્શનશાસ્ત્રનું પહેલું કર્તવ્ય એ છે કે તે અધ્યેતાના મનમાં સ્થિરતા અને વિશ્વાસ પેદા કરે. શ્રીકૃષ્ણ અર્જુન માટે આવું જ કાર્ય કરે છે. બીજા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકનો આ જ ઉદ્દેશ છે : 

कृतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥

– હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ કરનાર શોક તારા મનમાં આવ્યો ક્યાંથી?

क्लैब्यं मास्म गम: पार्थ नैतत्त्वय्युपद्यते ।
क्षुद्रं ह्रदयदौर्बल्यं त्यक्वोत्तिष्ठ परंतप ॥

‘હે પૃથાપુત્ર! આ કાયરતાને આશ્રય ન આપ. એ તને શોભતું નથી. હે પરંતપ! હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતાને તું ત્યજી દે અને ઊઠ! ઊભો થા.’ આ બે શ્લોકમાં આપણને એ માનસિક ટોનિક પ્રાપ્ત થાય છે કે જે શ્રીકૃષ્ણે અર્જુનને પીવડાવ્યું હતું અને કોઈ પણ બીજા ઉપદેશને પ્રભાવી બનાવતાં પહેલાં આ માનસિક ટોનિક પિવડાવવું આવશ્યક છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ શોકસંતપ્ત હોય છે અને એની સ્નાયુઓની શક્તિ તૂટી ચૂકી હોય છે ત્યારે ગમે તેટલા ઉપદેશ કે સલાહ એના પર કામિયાબ થતા નથી તો પછી દર્શનની તો વાત જ શું કરવી! ચરમશાંતિ આવશ્યક છે, માત્ર નિષ્ક્રિય શાંતિ નહિ પરંતુ જે સક્રિય શાંતિ હોય એની જરૂર છે. ગીતાના સંપૂર્ણ ઉપદેશનો ભાવ આપણે આ બેમાંના પછીના શ્લોકમાં મેળવી શકીએ. સ્વામી વિવેકાનંદે પોતાના ‘ગીતા પર વિચાર’માં કહ્યું : ‘જે કોઈ આ પહેલો શ્લોક વાચે છે – क्लैब्यं मास्म …. परंतप – તો એને સંપૂર્ણ ગીતાપાઠનો લાભ મળે છે. એનું કારણ એ છે કે આ શ્લોકમાં જ પૂરેપૂરી ગીતાનો સંદેશ રહેલો છે.’ આ કેવળ અર્જુનને માટે જ નથી પરંતુ જે લોકો કિંકર્તવ્યવિમૂઢ છે એવા બધાને જાગ્રત કરવા માટે આ શિક્ષણબોધ આવે છે. આપણને વારંવાર જગાડવાની જરૂર પડે છે, કારણ કે મનમાં સર્વદા તંદ્રા અને નિદ્રિત થઈ જવાની પ્રવૃત્તિ થતી રહે છે, પરંતુ એની સાથે જ મનમાં પોતાને ઉઠાડીને – જગાડીને જીવનના યુદ્ધમાં લગાડવાની સામર્થ્યની પ્રવૃત્તિ પણ થતી રહે છે. આ સામર્થ્ય આપનારી શક્તિ વ્યાવહારિક રૂપે અધિકાંશ લોકોમાં સુષુપ્ત જ રહે છે, પરંતુ આ સામર્થ્યને વિકસાવવું પડશે જ. જો આપણે આ સમર્થ્ય જગાડવાનું પોતાની મેળે ન કરી શકીએ તો એના માટે આપણને કોઈ બીજાની આવશ્યકતા પડશે; કોઈ એક મહાન આચાર્ય, એક ધર્મગ્રંથ કે એક આદર્શ આપણા માટે આ કાર્ય સંપન્ન કરાવી શકે. અર્જુનની બાબતમાં શ્રીકૃષ્ણે આ ભૂમિકા અદા કરી છે. આપણે પણ એને માટે કોઈ મહાન વ્યક્તિની આવશ્યકતા પડે છે. વેદાંત કહે છે કે પ્રત્યેક વ્યક્તિની ભીતર અનંત સંસાધન રહેલું છે; એને આ સંસાધનોનો ઉપયોગ કરવો જ પડશે; અને એક મહાન શિક્ષકમાં પણ આ શક્તિ હોય છે જેના દ્વારા તે પોતાની ભીતર અને બીજાની ભીતર પણ સંભાવિત ક્ષમતા પ્રગટ કરી દે છે. એક મહાન ગુરુ અને આચાર્યના સ્પર્શમાત્રથી આપણામાં એવી મહાન ઊર્જાઓ અને શક્તિઓ પ્રગટવાની શરૂ થઈ જાય છે કે જેના અસ્તિત્વથી આપણે પહેલાં જ્ઞાત ન હતા.

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.