કદાપિ પયગંબર, બંધુ, તું હો –
કો જાણતું? મા નિજ શાંત વજ્રો
નિગૂઢ ઊંડાણ મહીં છુપાવે
તેને, કહો, કોણ સ્પર્શી શકતું?

કદાપિ ઝાંખી શિશુને થતી, એ
દૃશ્યો તણી પાછળ જે રહેલી
છાયા તણી, આતુર નેન તાણી,
રૂપો કંઈ ચંચલ ને ખડાં થૈ

તત્પર આગળ કૂદવા ને થવાને
અનિર્વાહ્ય, જોરુકી કૈંક ઘટના.
એ કો જાણે, માત તારા વિના કે
ક્યાં ને ક્યારે, કેમ એ આવી ચડશે?

કદાપિ કોઈ ઋત્વિજે, તેજધારી,
ભાળ્યું ઝાઝું શબ્દમાં કહી શક્યા ના;
એ કોણ જાણે કઈ પળે આરૂઢ મા થશે ને.
કો ધન્ય આત્મા કેરા સિંહાસને?

કાનૂન કો મુક્તિને બાંધી શકશે?
તરંગ જેનો ઋત છે મહાન,
ઇચ્છા જેની કાયદો છે અફર,
તેની ઇચ્છા કોણ ગુણ ઘડંતો?

તારે ધારી સ્વપ્નમાંહે ન’તી તે,
ખૂલે દ્વારો બાળને, કીર્તિ કેરાં;
ને મા, તારી પુત્રી માંહે ભરો તું,
અયુતગણી જે શક્તિઓ તારી પાસ.

જાન્યુઆરી માસની ૧૨મી તારીખ એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. જે વ્યક્તિનો જન્મદિવસ હોય તેને એના સંબંધીઓ, મિત્રો ભેટની, શુભેચ્છાની નવાજેશ કરે. પણ આ તો સ્વામીજી! ઈ.સ. ૧૯૦૦માં, પોતે ૩૭ વર્ષ પૂરાં કરી ૩૮મા વર્ષમાં પ્રવેશ કર્યો તે દિવસે, સ્વામીજીએ આ કાવ્ય રચી, ભગિની નિવેદિતાને ભેટ મોકલાવ્યું. પોતાનો દેશ અને સર્વસ્વ ત્યાગી, સ્વામીજીને પડ્યે બોલે એમની પાછળ ચાલી નીકળનાર માર્ગરેટ નોબલ, ભગિની નિવેદિતા દ્વારા આ કાવ્ય સ્વામીજીએ જગતને ભેટ ધર્યું છે.

૧૮૮૧ના નવેમ્બરમાં, ૧૮ વર્ષના તરવરિયા જુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણ પરમહંસને પહેલીવાર મળ્યા હતા. શ્રીરામકૃષ્ણને પહેલીવાર જોઈ યુવાન નરેને શા ભાવ અનુભવ્યા હતા તે આપણે જાણતા નથી. પરંતુ સુરેન્દ્રમિત્રને ત્યાં ભક્તિવિભોર બની ગીત ગાતા નરેનને શ્રીરામકૃષ્ણે તરત ઓળખી લીધા હતા અને, નરેન્દ્રને પોતાના પાશમાં બાંધવાનો નિર્ધાર કરી લઈ, ‘તું દક્ષિણેશ્વર આવજે’, એમ એમણે નરેન્દ્રને કહ્યું હતું.

નરેન્દ્રનું મન વિચિત્ર માન્યતાઓનો ભારો હતું. એક તરફથી આધ્યાત્મિકતાનું નિહિત વલણ એને જોરથી ખેંચતું હતું. કોલેજના પાદરી અધ્યાપકોએ દેવદેવીઓમાંની, મૂર્તિપૂજામાંની એમની શ્રદ્ઘાને હડસેલી દીધી હતી. હર્બટ સ્પેન્સર, મિલ વગેરે ઓગણીસમી સદીના અંગ્રેજ ચિંતકોની તર્કપૂત નાસ્તિકવાદની પ્રબળ પકડમાં એ આવ્યા હતા. એ ફિલસૂફીના વાચને એમની ઈશ્વરશ્રદ્ધાના પાયા હચમચાવી નાખ્યા હતા. મહર્ષિ દેવેન્દ્રનાથ પણ એની શ્રદ્ધાને પુન: પ્રસ્થાપિત કરી શક્યા ન હતા. કેશવચંદ્ર સેનના વક્તૃત્વથી આકર્ષાઈ એ સાધારણ બ્રાહ્મસમાજના સભ્ય પણ બન્યા હતા અને ‘આશાવૃંદ’ – બેંડ ઓફ હોપ – નામથી ઓળખાતા એ સમાજના ગાયકવૃંદમાં એક ગાયક તરીકે એ જોડાયા હતા. પરંતુ, ત્યાંનાં પ્રવચનો કે પૂજાવિધિથી નરેન્દ્રના આત્માને સંતોષ થયો ન હતો. આ અરસામાં જ સુરેન્દ્રને ત્યાં શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ એ ચડ્યા અને એ હીરાપારખુએ આ રત્નને પારખી લીધું અને એને પોતાનું કરવા સત્વર મંડી પડ્યા. ‘તું દક્ષિણેશ્વર આવજે’, એ પહેલું પગલું હતું.

પણ નરેન્દ્ર લોઢાનો ચણો હતો. એવી તો તેજસ્વી એની મેધા હતી કે, સરળતાથી એ કોઈથીયે અંજાય નહિ. વયના પ્રમાણમાં એનું વાચન વિશાળ હતું, એની સ્મૃતિ ધારદાર હતી, તર્કશક્તિના એ ખાં હતા એટલે, કોઈનીયે શેહમાં તરત આવે એવું કલ્પી શકાય તેમ પણ ન હતું. પાશ્ચાત્ય વિચારોથી ઘડાયેલી એની નાસ્તિકતાને બ્રાહ્મસમાજના મૂર્તિપૂજાના વિરોધે આપણાં અગણિત દેવદેવીઓની મૂર્તિઓ પ્રત્યે અને તેમના પૂજન પ્રત્યે એનામાં નફરત પેદા કરી હતી.

શ્રીરામકૃષ્ણ પાસે એ આવતા થયા, ધીમે ધીમે એમની વાતોનો સ્વીકાર કરતા થયા છતાં, મૂર્તિપૂજા સામેનો એનો વિરોધ અવિરત ચાલુ જ રહ્યો.

પણ શ્રીરામકૃષ્ણના કહેવા પ્રમાણે નરેન્દ્રના અંતરમાં જ્ઞાનસૂર્ય પ્રકાશતો હતો. એની આડેનું વાદળ હટે એટલી જ વાર હતી. ‘સુખમાં સાંભરે સોની અને દુ:ખમાં સાંભરે રામ’, એ કહેવત મુજબ, નરેન્દ્રનાથના પિતાના અવસાન પછી જે કઠિન આર્થિક સંજોગોમાં નરેન્દ્રનાથનું કુટુંબ મૂકાઈ ગયું, આથી એમનામાં પરિવર્તન આવ્યું. એ કેટલી વિકટ પરિસ્થિતિમાં આવી પડ્યા હશે કે એમણે ઠાકુરને વિનંતી કરી: ‘જગદંબા આપની બધી પ્રાર્થના સાંભળે છે. મારા કુટુંબ પરની આફત દૂર કરવાની આપ એને પ્રાર્થના ન કરો?’

‘બેટા, મારાથી એવી માગણી થઈ શકે નહિ. તું પોતે જ જઈને જગદંબાને શા માટે પ્રાર્થના નથી કરતો? તારાં બધાં દુ:ખો એની અવગણનાને કારણે જ છે.’ આમ શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને કહ્યું. ‘પણ હું જગદંબાને જાણતો નથી, મારી વતી માને વિનંતી કરવા કૃપા કરો,’ જિદ કરી એ બોલ્યા: ‘આપે એમ કરવું જ પડશે.’

ઠાકુરે પણ એટલા જ ભારપૂર્વક કહ્યું: ‘બેટા, મેં તો વારંવાર એવી પ્રાર્થના કરી છે પણ, તું માને ક્યાં માને છે? એટલે એ મારી પ્રાર્થના સાંભળતી નથી. ને જો, આજે મંગળવાર છે. તું આજ રાતે કાલીમંદિરમાં જા, જઈને જગદંબાને પ્રણામ કરજે અને, તારે જોઈતું હોય તે માગી લેજે. મા તારી માગણી અવશ્ય સ્વીકારશે. મા તો જ્ઞાનસ્વરૂપિણી છે, પરબ્રહ્મની અકળ શક્તિ છે. એણે સંકલ્પમાત્રથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. કોઈ પણ વરદાન આપવું એ એની ઇચ્છાની વાત છે.’

નરેન્દ્રની મનની સ્થિતિ એવી હતી કે, ઠાકુરની આ વાત એણે સ્વીકારી લીધી. ખૂબ આતુરતાપૂર્વક રાત પડવાની વાટ એણે જોઈ. રાતે નવ વાગ્યે ઠાકુરે નરેન્દ્રને મા પાસે મંદિરમાં જવા કહ્યું. મંદિરમાં પ્રવેશ કરતાં જ નરેન્દ્રમાં પરિવર્તન આવી ગયું. એવો તો દિવ્યભાવ અંતરમાં ઊભરાવા લાગ્યો કે એમના પગ જ સ્થિર ન રહી શક્યા. સાક્ષાત્‌ જગદંબાનાં દર્શન કરવાની અને એમની દિવ્યવાણી સાંભળવાની આકાંક્ષાના આનંદથી એમનું હૈયું છલકાઈ ઊઠ્યું. માની પ્રતિમાનાં દર્શન થતાં એમને અનુભવ થયો કે દિવ્યપ્રેમ અને સૌંદર્યના શાશ્વત ધામરૂપ મા જગદંબા હાજરાહજુર છે. માની ભક્તિ અને વત્સલતાનાં મોજાંમાં એ ગરક થઈ ગયા. પોતે વારંવાર દંડવત્‌ પ્રણામ કરી મા પાસે માગ્યું: ‘મા! મને વિવેક આપો! વૈરાગ્ય આપો! જ્ઞાન અને ભક્તિ આપો! તમારાં સતત દર્શનનું વરદાન આપો!’

આ પ્રાર્થના કરતાં કરતાં નરેન્દ્રના હૃદયમાંની બધી વ્યવહારિકતા શમી ગઈ. એમનો આત્મા પરમ શાંતિમાં નાહી રહ્યો. સંસારની વિસ્મૃતિ થઈ ગઈ અને હૃદય જગદંબાના પ્રકાશથી તેજોમય બની ગયું.

પોતે જે માગવા ગયા હતા તે માગવાનું ભૂલી પાછા આવેલા નરેન્દ્રને ગુરુએ ભાનમાં આણ્યા કે કસોટી કરી? – ‘તું ફરી મંદિરમાં જા અને તારે જે જોઈએ છે તે તું માગી લે’ એમ ગુરુએ કહેતા, નરેન્દ્ર ફરીવાર મંદિરમાં ગયા. ફરી વાર પણ જગદંબાનો એ જ ખેલ ભજવાણો!

ફરી ગુરુએ પૂછતાં નરેન્દ્રે જે બન્યું હતું તે કહ્યું. ‘કેવો મૂરખ છે તું? થોડાક શબ્દો બોલવા જેટલો પણ તારી જાત પર કાબૂ નથી રાખી શકતો? જા ફરીથી અને પ્રયત્ન કરી માગણી કર.’ આમ ઠાકુરે કહેતાં નરેન્દ્ર ત્રીજીવાર મંદિરમાં ગયા.

પણ આ વખતે તાલ જુદો હતો. ગુરુના આશીર્વાદથી અને માની કૃપાથી નરેન્દ્રના હૃદયમાં જ્ઞાનસૂર્ય આડેનું વાદળ હટી ગયું હતું. પોતાના ભાવિના કર્તવ્યનું એને કેટલું ભાન હતું તે ખબર નથી પણ, ‘સમ્રાટ પાસે ગાજર મૂળા માગવા’ જેવી પ્રેયની માગણી કરવી ઉચિત નથી એ વાત એમના અંત:કરણમાં બરાબર ઠસી ગઈ. એમને તુરત ખાતરી થઈ કે જગદંબામાંની પોતાની શ્રદ્ધા દૃઢમૂળ કરવાની ઠાકુરની ઇચ્છાથી જ આમ બન્યું છે.

આ પ્રસંગ નરેન્દ્રનાથના જીવનનો સીમાચિહ્‌ન બની ગયો. ભગિની નિવેદિતાએ જણાવ્યા પ્રમાણે, ‘વિવેકાનંદના ઘડતર માટે જ શ્રીરામકૃષ્ણ જીવ્યા હતા.’

માની લીલાનો આવી અદ્‌ભુત અનુભવ પામ્યા પછી સ્વામીજી એ લીલાને ગાય એમાં શી નવાઈ? ૧૮૯૭માં, કાશ્મીરમાં, ક્ષીરભવાનીના દર્શન પછી પણ માએ પોતાની લીલા સ્વામીજીને દીખાડી હતી અને નિવેદિતા એનાં સાક્ષી હતાં.

ભગિની નિવેદિતાને અર્પણ કરાયેલા આ કાવ્યમાં સ્વામીજી માની લીલાને અકળ, ન કળી શકાય તેવી કહે છે. કેલિફોર્નિયાની ભૂમિ ખૂબ મનોરમ છે. કેલિફોર્નિયાની ઉગમણી સીમે રોકી પહાડો, નાનાં નાનાં સરોવરો અને તોતિંગ વૃક્ષોની વનરાઈ આવેલી છે. એની આથમણી સીમનું પ્રશાંત મહાસાગર પ્રક્ષાલન કરે છે. પ્રકૃતિની – માની – એ લીલામાં સ્નાન કરતા સ્વામીજી માની લીલાની અકળતા પોતાની પાશ્ચાત્ય શિષ્યાને સમજાવે છે.

એ શિષ્યા સમજી શકે એવી ભાષામાં જ સ્વામીજી કહે છે, માની લીલાને પયગંબરો પણ જાણી શકતા નથી. અને જાણતા હોય તો તેમાં એ કશી મીનમેખ કરી શકતા નથી. જ્યુડાસ ઈસ્કેરિયટ પોતાને દગો દઈ પકડાવી દેવાનો છે તે ઈસુ બરાબર જાણતા હતા છતાં, એમણે ન એ જ્યુડાસને તગડી મૂક્યો, ન એ પોતે છટકી ગયા. પારધિનું બાણ પોતાનો પ્રાણ લેવાનું છે એ જાણતા હોવા છતાં શ્રીકૃષ્ણ એવી રીતે ઓઢીને સૂતા કે જાણે હરણ હોય એમ લાગે.

મા મહાકાલી છે, કરાલી છે. ભર્તૃહરિએ પોતાના એક અદ્‌ભુત શ્લોકમાં સંસારની શરતંજ પર સામસામાં સોગઠાંને મારવાની રમત રમતાં કાલ અને કાલીની વાત કરી છે. આવી રમત રમતી કાલી પોતાનાં વજ્રો – શસ્ત્રોને – ક્યાંનાં ક્યાં છુપાવી રાખે. એ અખૂટ ભંડારને કોણ સ્પર્શી શકે? એ શસ્ત્રાગારમાંથી એક પછી એક નિતનવાં શસ્ત્રો નીકળતાં જ જાય.

નાટકના તખ્તા પર ઘણીવાર સિલુએટ, છાયા દૃશ્યો બતાવવામાં આવે છે. સફેદ પડદા પાછળ અભિનેતાઓ અને અભિનેત્રીઓ કે નર્તકો, નર્તકીઓ હલન ચલન કરે તેની છાયા પેલા સફેદ પડદા ઉપર દેખાય. અહીં સ્વામીજી વાત કરે છે ‘દૃશ્યો તણી પાછળ’ રહેલી છાયાઓની. દૃશ્યો માયાવી હોય તો સત્ય શોધવા માટે આપણે એ દૃશ્યો પાછળ જવું પડે. સ્વામીજી કહે છે કદાપિ કોઈ શિશુને – આપણે સૌ માનાં શિશુ જ છીએને? – આ દૃશ્યો પાછળની છાયાઓની – માયાવી જગત પાછળના સત્યની – ઝાંખી થાય, એ આતુર નયને એ નિહાળે તો એને ચંચલ રૂપોની હારમાળા દેખાય. ને એ ચંચલ રૂપો કેવાં છે? એ ચંચલ રૂપો એવાં કે એમનો સામનો જ ન કરી શકાય તેવી બળવાન ઘટના સ્વરૂપે, પડદા પાછળથી એ આગળ આવવા ધસી રહ્યા છે, માયા જાણે નગદ સત્ય રૂપે પ્રગટ થઈ રહી છે. શ્રીરામકૃષ્ણ કહેતા તે પ્રમાણે આ માયા બ્રહ્મની જ શક્તિ છે. ગૂંચળું વળીને બેઠેલો સર્પ ચાલી રહ્યો છે. માયાનો આ ખેલ ક્યારે આરંભાશે ને, કેવી રીતે, એ મા – મહામાયા – તારા વિના બીજું કોણ જાણી શકે?

શ્રીરામકૃષ્ણ ગહનમાં ગહન વાતને સાવ, ઘરેલું દૃષ્ટાંત વડે શ્રોતાઓને ગળે ઉતારી દેતાં. ત્રણ મિત્રો પ્રવાસે જતા હતા. અગાઉના કાળમાં ચાલીને પ્રવાસ થતો. રસ્તે જતાં તેમને એક કિલ્લો દેખાયો. ઊંચી ભીંત હતી. એની પાછળથી, કોટની અંદરથી આનંદનો કલરવ ઊઠતો હતો તે આ ત્રણ યાત્રીઓને કાને પડ્યો. ત્રણેને કુતૂહલ થયું. અંદર જવાની તીવ્ર ઇચ્છા થઈ. પણ અંદર જવા માટેના દરવાજો ક્યાંય દેખાયો નહિ. આસપાસ નજર કરતાં એમને એક સીડી સાંપડી. ગઢની રાંગ પાસે તે ટેકવી એક જણ ઉપર ચડ્યો. અંદરનું દૃશ્ય જોતાં એ આનંદવિભોર બની ગયો અને, પોતાના મિત્રોને એ વિશે કંઈ કહેવા નહિ રોકાતાં, એમની ભણી નજર પણ નાખ્યા વિના એ અંદર કૂદી પડ્યો. નીચે ઊભેલા બેઉ મિત્રોનું કુતૂહલ ઓર વધી ગયું. એ શમાવવા બીજો જણ નીસરણી પર ચડ્યો. એની દશા પણ એની અગાઉ સીડી ચડેલા મિત્ર જેવી જ થઈ. જેવું એની દૃષ્ટિએ અંદરનું દૃશ્ય પડ્યું કે એ પણ અંદર કૂદી પડ્યો.

જે નીચે બાકી રહ્યો ગયો હતો તેની ચટપટી વધી ગઈ. મક્કમ પગલે એ નીસરણી ચડ્યો. એ ટોચ આગળ પહોંચવા આવતાં એને એ કોટની અંદરનું દૃશ્ય દેખાતાં એનું હૈયું પણ આનંદથી નાચી ઊઠ્યું. પણ પોતાના એ મિત્રોની જેમ એ અંદર કૂદી પડ્યો નહિ. પોતે અનુભવેલા અનન્ય આનંદની વાત જગતને કહેવા એ પાછો નીચે ઊતરી ગયો.

ઠાકુર કહેતા કે સનત્કુમાર, નારદ જેવા ઋષિઓ આ રીતે ઈશ્વરદર્શનનો મહાઆનંદ માણી જગતને એ આનંદની વાત કરવા પાછા આવ્યા. વિવેકાનંદ આવા ઋત્વિજોની વાત કરે છે. પણ એ ઋષિવરો શું ભગવાનનો – પરબ્રહ્મનો – મહિમા પૂરો વર્ણવી શક્યા છે? ‘શબ્દમાં કહી શક્યા ના’, એમ સ્વામીજી કહે છે. સમુદ્ર માપવા ગયેલી મીઠાની પૂતળી પાછી ન આવી અને એ ગઈ જ નથી તે સમુદ્રના અતલ ઊંડાણમાં રહેલાં રત્નોની શી ને કેટલી વાત કરી શકે?

પછીની પંક્તિઓમાં સ્વામીજી આપણને ઉપનિષદની એક અગત્યની વાત કહે છે :

નાયમાત્મા પ્રવચનેન લભ્યો,
ન મેધયા ન બહુના શ્રુતેન ।
યમેવૈષ વૃણુતે તેન લભ્ય-
સ્તસ્યૈષ આત્મા વિવૃણુતે તનૂં સ્વામ્‌ ॥

તમે ગમે તેટલાં પ્રવચનો સાંભળો કે કરો, ગમે તેટલું શાસ્ત્રશ્રવણ અને કથા શ્રવણ કરો, ગમે તેટલા મેધાવાન હો. આત્મા-પરમાત્મા- પોતે પસંદ કરે તો જ તમે તેને પામી શકો. સ્વામીજી આ જ વાત કરે છે :

કોણ જાણે
કઈ પળે આરૂઢ મા થશે ને
કો ધન્ય આત્મા કેરા સિંહાસને?

૧૮૮૬ના જાન્યુઆરીની ૧લી તારીખે ઠાકુરે અનેક ભક્તો પર કૃપા કરી હતી. પણ એ કૃપાની ભિક્ષા માટે જનાર એક જણ – પ્રતાપ હાજરા – ને એ કૃપા પ્રાપ્ત થઈ શકી ન હતી. એનો આત્મા એટલો ‘ધન્ય’ નહિ થયો હોય તેમ જ માનવું રહ્યું. પણ, ઠાકુરે એને વચન આપ્યા પ્રમાણે, એના મૃત્યુ સમયે એનો આત્મા ‘ધન્ય’ થઈ ચૂક્યો હતો.

જગતવિજેતા સિકંદર ફિલસૂફ ડાયોનિશિયસને મળવા ગયો. ફિલસૂફ એક મોટા પીપમાં નિર્વસ્ત્ર પડ્યો રહેતો. સિકંદરે એને દાન કરવાની પોતાની ઇચ્છા જાહેર કરી. એ મુક્તાત્માએ સિકંદરને કહ્યું, ‘તું આઘો ખસ અને મને તડકો ખાવા દે.’ મુક્તાત્મા બંધનમાં બંધાય જ નહિ. સંત તુકારામને રાજા શિવાજીએ મૂલ્યવાન વસ્ત્રાલંકારોની ભેટ મોકલાવી. ‘શુકરાચી વિષ્ટા’ કહી એ સંતે એ પાછી મોકલી. કારણ, એ મુક્તાત્માને બંધન જોઈતું ન હતું.

પછીની ત્રણ પંક્તિઓમાં સ્વામીજી પ્રભુનો – માનો – મહિમા ગાય છે. સમુદ્રમાં ઊઠતો તરંગ દુનિયાને હતી ન હતી કારી નાખે છે. બધા સમુદ્રોની, સમગ્ર વિશ્વની અધિષ્ઠાત્રી જગજ્જનનીના ચિત્તમાં જરા અમથો તરંગ ઊઠે તે વિશ્વને નિયમમાં રાખતો ઋત – અચળ તે અફર નિયમ – બની શકે. મા સ્વયં ઋતંભરા છે. આપણે બધા સત્ત્વ, રજસ્‌ અને તમોગુણથી ઘડાયેલાં અને એ ગુણોનાં નચવ્યાં નાચતાં પૂતળાં છીએ. ગુણોને આશ્રય આપનાર મા સ્વયં ત્રિગુણાતીત છે.

કાવ્યની છેલ્લી કડીમાં સ્વામીજી પોતાની શિષ્યા પર આશીર્વાદની વૃષ્ટિ કરે છે. હે બાળ, તારા સર્જનહારે તારે માટે સ્વપ્નમાં પણ ધારી ન હોય એવી કીર્તિ તને પ્રાપ્ત થાઓ. માને પ્રાર્થના કરતાં સ્વામીજી કહે છે :

ને મા, તારી પુત્રીમાંહે ભરો તું,
અયુતગણી જે શક્તિઓ તારી પાસ.

‘અયુતગણી’, હજારગણી શક્તિનો ભંડાર નિવેદિતા બને એવી પ્રાર્થના સ્વામીજી મા પાસે કરે છે. નિવેદિતાના જીવન અને કાર્યથી જે કોઈ વાકેફગાર છે તે જાણે છે કે એમના પિતાતુલ્ય ગુરુના, સ્વામીજીના આશીર્વાદ એમને પૂરા ફળ્યા હતા. ભારતના સ્ત્રીશિક્ષણને માટે એમણે ભગીરથ પ્રયત્ન કર્યો હતો. પોતાનો દેશ છોડી ભારતને માતૃભૂમિ બનાવનાર ભગિની નિવેદિતાની સ્વદેશભક્તિ તીવ્ર હતી અને, કેટલાય ક્રાંતિકારી વીરો એમનો આશ્રય પામતા, એમની પાસેથી સહાય મેળવતા અને એથીયે વિશેષે તો, એમની પાસેથી દેશભક્તિની પ્રેરણા પ્રાપ્ત કરતા.

સ્વામી વિવેકાનંદને એક બોલે ચાલી નીકળનાર ત્યાગી ભગિની નિવેદિતા પર માના આશીર્વાદ પૂરા ઊતર્યા હતા.

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.