ગીતામાં જે એક રીતની સહજતા છે તેને આપણે પ્રાય: ભૂલી જઈએ છીએ. આપણે દરેક બાબતને જટિલ બનાવી દેવા ટેવાયેલા છીએ. આપણે સહજ બાબતોને મહત્ત્વ આપી શકતા નથી. મનુષ્યનું મન ધર્મ તથા દર્શનના નામે શાસ્ત્રો-ગ્રંથો, વેશભૂષા અને અનુષ્ઠાન વગેરેના રૂપે કંઈક અસાધારણ વસ્તુઓ ઇચ્છે છે. સહજચરિત્ર કે સહજનૈતિક સૌંદર્યને કોઈ વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી. સહજસૌંદર્ય સામાન્ય લોકોની સમજમાં આવતું નથી. સહજસત્ય અનેક પ્રકારે આચ્છન્ન (ઢંકાયેલ) રહે છે. અને આપણે શુદ્ધસત્યને નહિ પરંતુ આચ્છન્ન સત્યને જ પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે આપણે ગીતા પર આવીએ છીએ ત્યારે એમાં આ સહજસત્યની પ્રસ્તુતિ જોવા મળે છે. એ આપણને જીવનની સમસ્યાઓને પાર કરવામાં સહાય કરે છે. તે આપણને સુખ-દુ:ખ, ભલાઈ-બુરાઈ, કે સારાં-નરસાંપણાની બધી આસક્તિઓથી મુક્ત કરી દે છે. ગીતાનું એ સહજસત્ય પરમશાંતિ અને બાહ્ય તેમજ આંતરિક એવાં બધાં આવરણો દુ:ખકષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. આપણે કોઈ પણ ભોગે વ્યક્તિની આ સ્વાધીનતાને બનાવી રાખવા માગીએ છીએ. દર્શનશાસ્ત્ર જીવનને એ જ આપવાનો પ્રયાસ કરે છે. એ જો આપણી પાસે હોય તો પછી આપણે કઈ વસ્તુની જરૂર રહે છે? જે એને પ્રાપ્ત કરી લે છે તે જીવનમાં આયુવૃદ્ધિની સાથે સાથે તરોતાજા બનાવી રાખે છે અને મૃત્યુપર્યંત નવજાતશિશુના સમી તાજગી આપણા જીવનમાં બની રહે છે. એની પાસે માર્ગદર્શન માટે જ્ઞાન છે. આ જ દર્શનની સાચી કસોટી છે – દર્શન જીવનના સંઘર્ષોમાંથી દાઝ્યા બળ્યા વિના પસાર થવામાં આપણને સહાય કરે છે. દર્શન આપણને યાત્રાના પ્રારંભની જેમ જ યાત્રાના અંત સુધી તાજગીભર્યા રાખવામાં સહાયક બને છે.

બીજા અધ્યાયના પ્રારંભમાં જ શ્રીકૃષ્ણે આ જીવનદાયી વિચાર આપ્યા છે. જેમની પાસે આવશ્યક સાહસ અને મનોબળ છે તેઓ ગીતાના સાચા શિક્ષણને, બોધને સમજી શકે છે. જેનું મન શોકસંતપ્ત કે આસક્ત છે તે આ પ્રબળભાવોને સમજી શકતા નથી. એક થાકેલું મન સત્યને સમજી શકતું નથી, તે મનને શાંત તથા પ્રબળ બનાવ્યા પછી જ શિક્ષણ કે બોધ તેમાં પ્રવેશ કરવાનાં મૂળિયાં મજબૂત કરી શકે. શોકસંતપ્ત અર્જુનને પહેલાં તો શાંતસ્થિર કર્યો અને પછી તેને સત્યનું જ્ઞાન આપ્યું. દુ:ખપીડિત અવસ્થામાં આપણે વસ્તુઓને કે બાબતોને સંકીર્ણ દૃષ્ટિએ જોઈએ છીએ; અને શાંત થઈ ગયા પછી વસ્તુઓને એમના સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈએ છીએ. એટલા માટે અર્જુન કહે છે: ‘મારે માટે શું હિતકર છે એ મારી સમજણમાં નથી આવતું. મેં તો તમારું શરણ સાધ્યું છે. એટલે તમે જ મને માર્ગ બતાવો.’ 

બોધશિક્ષાનું કાર્ય પૂર્ણ થયા પછી ૧૮મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને પૂછે છે : ‘શું તું સંતુષ્ટ થયો છો? શું તારા સંશયો દૂર થઈ ગયા છે?

कच्चिदेतच्छृतं पार्थ त्‍वत्‍यैकाग्रेण चेतसा।
कच्चिदेतज्ञानसंमोह: प्रनष्टस्‍ते धनंजय॥ [७२]

‘હે પાર્થ, શું તેં એકાગ્ર ચિત્તે આ સાંભળ્યું? હે ધનંજય, શું તારા અજ્ઞાનની ભ્રાંતિ દૂર થઈ?’ અર્જુને જવાબમાં કહ્યું:

नष्टो मोह: स्‍मृतिर्लब्धा त्‍वत्‍प्रसादान्‍मयाच्‍युत।
स्‍थितोऽस्‍मि गतसन्‍देह: करिष्ये वचनं तव॥ [७३]

‘હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે, સંશયો દૂર થયા છે અને સ્મૃતિ પુન: પ્રાપ્ત થઈ છે. હવે તમે મને જે કોઈ પણ આજ્ઞા કરશો હું એનું પાલન કરીશ.’

ગીતા પ્રકાશ લાવે છે અને સંશયના ઓછાયાને દૂર કરે છે. ગીતાએ અર્જુનની ભ્રાંતિને દૂર કરી દીધી; એ જ ગીતાની મૌલિકતા તેમજ શક્તિ છે. આપણા બધાની દરેક બાબતમાં પણ તેના ઉદ્દેશ્યને ત્યારે પૂર્ણ થયેલો માનવો જોઈએ કે જ્યારે તે આપણાં દ્વન્દ્વો તથા શંકાઓને દૂર કરી ચૂકી હશે અને આપણા જીવનને સ્થિર તથા સમગ્ર રૂપે, અખિલ રૂપે જોવા માટે આપણને સમર્થ બનાવી દીધાં હશે.

શ્રીકૃષ્ણ : એક આદર્શ આચાર્ય

પ્રબળ આશાવાદનો નિનાદ કરતાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું : ‘તું પોતાની દુર્બળતાને દૂર ફેંકીને પોતાની જાતને સ્થિરધીર કરી લે.’ અર્જુનને કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપતાં પહેલાં તેના મનને સ્થિરધીર કરવું એ જ શ્રીકૃષ્ણનો ઉદ્દેશ હતો. એનું કારણ એ છે કે શોકસંતપ્ત મન જ્ઞાનપ્રાપ્તિનો યોગ્ય આધાર નથી. જ્યાં સુધી આપણે નિરાશાની અવસ્થામાંથી બહાર નીકળીને શાંત ન થઈ જઈએ ત્યાં સુધી આપણે કોઈ ઉત્કૃષ્ટ સલાહને આત્મસાત્‌ કરી શકતા નથી. આ વાત આપણને દૈનંદિન જીવનના અનુભવમાં જોવા મળે છે. એટલે સર્વપ્રથમ તો અર્જુનના મનને શાંત કરવું આવશ્યક હતું અને એ થયા પછી તે યુક્તિની વાતો તથા સલાહ ગ્રહણ કરી શકે તેમ હતું. એટલે જ શ્રીકૃષ્ણ બળકટ શબ્દોમાં અર્જુનને બોધ આપે છે: ‘હે અર્જુન તું આ રીતે આ પ્રકારની કાયરતાનો આશરો ન લે; કારણ કે આ તને શોભતું નથી. હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતાને તું ખંખેરી નાખ અને ઊઠીને ઊભો થઈ જા.’ (૨.૩) આ રીતે મર્મભેદી વાણીનું પરિણામ ઘણું અસરકારક રહ્યું. એણે અર્જુનના મનને સ્થિર કરી દીધું. એનું કારણ એ છે કે જેમ જેમ આપણે (ગીતામાં) આગળ વધીએ છીએ તેમ તેમ આપણને જોવા મળે છે કે અર્જુન શાંત અને શાંત થતો જાય છે અને શ્રીકૃષ્ણ સાથે તેની વાતોમાં કંઈક યુક્તિ પણ દેખાય છે. હવે તે ખેદ કે ભાવુકતાથી અભિભૂત થયા વિના પોતાની શંકાઓને વધારે સુવ્યવસ્થિત રીતે યોગ્યભાષામાં મૂકે છે. તેઓ કહે છે : ‘હું ભીષ્મ તથા દ્રોણ સામે આ તીક્ષ્ણ બાણોથી કેવી રીતે યુદ્ધ કરીશ?’ તેઓ મારા માટે પૂજ્ય છે, તેઓ મારા મોટેરા છે અને બધાના આદરણીય છે.’(૨.૪) ત્યાર બાદ તેઓ કહે છે : ‘આ મહાન ગુરુની હત્યા કરવા કરતાં હું ભીખ માગીને જીવન નિર્વાહ કરવાનું વધારે પસંદ કરીશ. ધન તથા સત્તાની પાછળ દોડતા શત્રુદળની સાથે જોડાયેલા હોવાને કારણે જો હું એમને હણી નાખું અને જો હું તેમનાં ધનસત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ એ બધું રક્તરંજિત જ હશે. મને ધન અને સત્તાનું સુખ તો મળશે પણ તે નિર્દોષ લોકો અને અમારા પોતાના સગાસંબંધીઓના રક્તથી રંજિત હશે.’ (૨.૫) ત્યાર બાદ અર્જુન પોતાના ગુરુ સમક્ષ આત્મસમર્પણ કરી દે છે :

कापर्ण्यदोषोपहतस्‍वभाव:
पृच्छामि त्‍वां धर्मसंमूढचेता:।
यच्छ्रेय: स्‍यान्निश्वितं बूह्रि तन्मे
शिष्यस्‍तेऽहं शाधि मां त्‍वां प्रपन्‍नम्‌॥ [२.७]

‘મોહરૂપી કાર્પણ્યના દોષથી અભિભુત અને કિંકર્તવ્યવિમૂઢ ચિત્તવાળો બનીને હું તમને પૂછું છું. મારા માટે જે નિશ્ચિત રૂપે કલ્યાણકર હોય તે (માર્ગ) મને બતાવો, કારણ કે હું તમારા શરણે આવેલો (તમારો) શિષ્ય છું.’

અર્જુન ઉપર્યુક્ત શબ્દોમાં શ્રીકૃષ્ણ સમક્ષ પોતાની સમસ્યાઓ મૂકીને તેમની પાસેથી પથનિર્દેશ માટે અનુરોધ કરે છે. વિનાશ તેમજ મુંઝવણમાં ફસાયેલ મન કોઈ ઉચ્ચતર શક્તિ સમક્ષ નતમસ્તક બની જાય છે. એને માર્ગ દેખાડવા માટે શ્રીકૃષ્ણ ઉપલબ્ધ હતા એ દૃષ્ટિએ અર્જુન ઘણો મોટો ભાગ્યશાળી હતો. ‘હું આ વિષયમાં કિંકર્તવ્યવિમૂઢ છું એટલે કે ઉચિત શું છે અને અનુચિત શું છે એ હું જાણતો નથી. હું એક વિચિત્ર પરિસ્થિતિની વચ્ચે ફસાઈ પડ્યો છું. એટલે હું તમારે શરણે આવ્યો છું. મારો સ્વભાવ સંકીર્ણ માનસિકતાથી આક્રાંત-ચારે બાજુઓથી ઘેરાયેલ છે, એટલા માટે હું તમને આ બધું પૂછું છું. મારી સમજમાં એ નથી આવતું કે ધર્મ શું છે અને અધર્મ શું છે; મારા સાચા કલ્યાણની દૃષ્ટિએ મારું વર્તમાન કર્તવ્ય શું છે? મારી બધી પરિસ્થિતિઓ પર બરાબર વિચાર કરીને તમે મને જવાબ આપો.’ બધી સંકટપૂર્ણ પરિસ્થિતિઓમાં આપણે એવો એક માર્ગ શોધવો પડશે કે જે આપણા માટે માત્ર સુખદ જ ન હોય પરંતુ આપણને સાચા કલ્યાણ તરફ દોરી જાય. કઠોપનિષદમાં આપણને જોવા મળે છે કે આપણે કેવળ પ્રેય નહિ પરંતુ શ્રેયની આવશ્યકતા છે. કઠોપનિષદમાં યમ નચિકેતાને કહે છે :

अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेय:
ते उभे नानार्थे पुरुषं सिनीतः ।
तयोः श्रेय आददानस्य साधु भवति
हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते ॥  [१.२.१]

‘શ્રેય કે હિતકર એક વસ્તુ છે અને પ્રેય એટલે સુખકર તેનાથી તદ્દન જુદી છે. ભિન્ન ભિન્ન ફળ દેનાર આ બંને મનુષ્યને બાંધી રાખે છે. હિતકરને ગ્રહણ કરનારનું મંગલ થાય છે, પરંતુ જે સુખકરને પસંદ કરે છે તે પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ થાય છે.’

મૂર્ખ સુખકરને પસંદ કરે છે અને અંતે દુ:ખ ભોગવે છે, તે જીવનનું વાસ્તવિક લક્ષ્ય ભૂલી જાય છે. કઠોપનિષદના બીજા અધ્યાયમાં યમ નીતિશાસ્ત્રની આ અત્યંત મહત્ત્વપૂર્ણ સમસ્યા પર વિચાર કરે છે. અહીં અર્જુન પૂછે છે : ‘મારા માટે સર્વશ્રેષ્ઠ કર્તવ્ય શું છે? શ્રેય અને પ્રેય આ બંનેમાંથી મારા માટે કયું હિતકર છે એ કહો અને હું તમારા કહેવા પ્રમાણે વર્તીશ. મારા માટે કલ્યાણકારી શું છે એ તમે જ નક્કી કરી દો; કારણ કે હું કિંકર્તવ્યવિમૂઢ છું અને હું મારું ભલું સમજી શકતો નથી. હું તમારો શિષ્ય છું અને તમારો નિર્ણય સ્વીકાર કરીશ. હું તમને જ મારા મિત્ર, સલાહકાર તથા માર્ગદર્શક ગણું છું.’

આ રીતે બીજા અધ્યાયનો સાતમો શ્લોક ગીતાજ્ઞાનનો સંપ્રેષણનો માર્ગ ખોલે છે, કારણ કે અહીં પરેશાન અને સંશયગ્રસ્ત અર્જુન શ્રીકૃષ્ણ સમક્ષ આત્મસમર્પણ કરીને એમની પાસેથી પથનિર્દેશ માટે યાચના કરે છે. આ રીતે કિંકર્તવ્યવિમૂઢ મન એક શાંત દર્શન સમક્ષ આત્મસમર્પણ કરે છે. એ જરૂરી નથી કે પોતાની ધાક જમાવવા માટે આવેલા કોઈ પણ જેવા તેવાની સામે આપણે આપણી જાતનું આત્મસમર્પણ કરીને પોતાની પાસે જે થોડું ઘણું પણ જ્ઞાન હોય એનોય નાશ કરી નાખીએ. કઠોપનિષદ આપણને આ ભયથી ચેતવે છે :

अविद्यायामन्तरे वर्तमानाः
स्वयं धीराः पण्डितंमन्यमानाः ।
दन्द्रम्यमाणाः परियन्ति मूढा
अन्धेनैव नीयमाना यथान्धाः ॥ [१.२.५]

‘અજ્ઞાનમાં ડૂબ્યા રહીને પણ પોતાની જાતને બુદ્ધિવાન અને જ્ઞાની માનવાવાળા મૂર્ખ લોકો આંધળા માણસ દ્વારા લઈ જવાતા અંધની જેમ લડખડતા ચક્કર મારી રહ્યા છે.’

શ્રીકૃષ્ણને આપણે જેટલા જાણ્યા છે તેનાથી આપણને લાગે છે કે તેઓ એક જ્ઞાનીપુરુષ હતા અને તેમની આસપાસ રહેનાર લોકો એમની પાસેથી માર્ગદર્શનની અપેક્ષા રાખતા હતા. એટલે અર્જુને એમની પાસે પથનિર્દેશની યાચના કરી એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. હું વારંવાર કહું છું કે શ્રીકૃષ્ણ સર્વદા અનાસક્ત હતા, ઘટનાઓના ઊંડાણમાં ડૂબ્યા રહેવા છતાં પણ તેઓ પોતાના મનને એ બધાથી ઉપર રાખતા હતા. ઈમર્સન જીવનના આદર્શ વિશે ચર્ચા કરતાં ગીતાના એક પ્રસિદ્ધ શ્લોકનો ભાવાનુવાદ કરીને કહે છે કે પોતાની જાતને જનમેદનીમાં ખોઈ નાખવી અને એકલા રહીને શાંત બની રહેવું સહજ છે. પરંતુ જે સમાજમાં રહીને, કર્મ કરતાં રહીને પણ પોતાના ચિત્તને નિર્જન બનાવી રાખે એ આદર્શવ્યક્તિ છે. જો આપણે જગતના આદેશ પ્રમાણે રડીએ અને જગતના આદેશ પ્રમાણે હસીએ તો એ વાત ઘણી સામાન્યમાં સામાન્ય વાત છે; પરંતુ પૂર્ણતા તો માત્ર ત્યારે જ આવે છે કે જ્યારે આપણે ભરબજારમાં પણ આપણા પોતાના મનને શાંત રાખી શકીએ. અન્યથા એ કેવળ એકાંગી વિકાસ કહેવાય.

અર્જુનની અતિમૂંઝવણભરેલી અવસ્થામાં પણ શ્રીકૃષ્ણ શાંત છે અને એ અવસ્થાને દૂર કરવાની ક્ષમતા તેમનામાં હોવાથી તેઓ હસતા મુખે બોલે છે. એટલે આવી વ્યક્તિની સમક્ષ શરણાગતિ સાધવી એ જાણે કે પોતાની ઉન્નતિને સુનિશ્ચિત કરવા જેવું છે. અહીં શિષ્ય એક મહાન આત્મા છે અને આચાર્ય પણ; અને જ્યારે એક મહાન શિષ્ય એક મહાન આચાર્યની સન્મુખ ઊભો હોય છે તો એ બંનેના સંપર્કમાંથી આપણે એક જીવનદાયી વક્તવ્યની અપેક્ષા રાખી શકીએ છીએ. કઠોપનિષદમાં આ વાતને આ શબ્દોમાં વ્યક્ત કરી છે:

आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा
आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ [१.२.७]

‘જ્યારે અદ્‌ભુત શિષ્ય અને એક અદ્‌ભુત ગુરુ એકત્ર થાય છે તો મહાન જ્ઞાનનો ઉદય થાય છે.’ એટલે અર્જુન શ્રીકૃષ્ણને પોતાના પથપ્રદર્શકના રૂપે સ્વીકાર કરી લે છે. જો કોઈ પણ વ્યક્તિની બધી બાજુઓની પૂરેપૂરી પરીક્ષા કે કસોટી કરી લીધા પછી આપણે તે વ્યક્તિને ઉપયુક્ત માનીને તેની સમક્ષ આત્મસમર્પણ કરી દઈએ તો આપણે એમની છત્રછાયામાં સુરક્ષિત બનીએ છીએ. એનાથી ઊલટું કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના કોઈ પણ વ્યક્તિને આપણે આપણી સ્વાધીનતા સોંપી દઈએ તો એમાં આપણી બરબાદી થવાની પૂરેપૂરી સંભાવના છે. આ દેશમાં આપણે આ વાતનું ધ્યાન રાખવું પડશે. જ્યાં ગુરુઓ ઘણા હોય અને શિષ્યો ઓછા હોય ત્યાં એ નથી સમજી શકતા કે કોની શરણાગતિ સાધવી. એક સુંદર શ્લોકમાં આવી પરિસ્થિતિનું મજાનું અને વ્યંગપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે –

गुरवो बहवः सन्ति शिष्यवित्तापहारकाः ।
तमेकं दुर्लभं मन्ये शिष्यसन्तापहारिणम् ॥

– ‘એવા હજાર ગુરુઓ છે કે જે શિષ્યનું ધન હરી લે છે; પરંતુ આ બધા ગુરુઓથી ભિન્ન એવા એક ગુરુ શંકરને હું વંદન કરું છું કે જે શિષ્યોનાં દુ:ખોને દૂર કરે છે.’

એકવાર જો આપણને એવા શિક્ષક મળી જાય તો એમની સમક્ષ આત્મસમર્પણ કરી દેવામાં કંઈ હાનિ નથી. કારણ કે કોઈ વ્યક્તિવિશેષની નહિ પણ એમનામાં રૂપાયિત જ્ઞાનની શરણાગતિ સાધીએ છીએ. એનાથી ઊલટું જો આપણે કોઈ જેવા તેવા વ્યક્તિની શરણાગતિ સાધીએ તો એ ગુરુ તથા શિષ્ય બંનેને માટે હાનિકારક બનશે. શ્રીરામકૃષ્ણ કહેતા : ‘એકવાર એક પાણીમાં રહેતા સાપે એક દેડકાને પકડી લીધો. પરંતુ એ એને ગળી નહોતો શકતો. દેડકો પીડાથી આક્રંદ કરે છે પણ પેલો સાપ ન તો એને ગળી શકતો હતો કે ન એને છોડી શકતો હતો. ઊલટાનો સાપનો જીવ જોખમમાં હતો. આને ઠેકાણે જો કોઈ ઝેરી નાગે એને પકડ્યો હોત તો એકાદ બે ફુત્કારમાં જ એનો ખેલ તમામ થઈ ગયો હોત.’ ગુરુ જો જ્ઞાની ન હોય તો ગુરુ અને શિષ્ય બંનેને દુ:ખ ભોગવવાં પડે. ગુરુની અંદર પોતાનાં અને એની સાથે જ શિષ્યોનાં કષ્ટ કે દુ:ખોને પચાવવાની શક્તિ હોવી જોઈએ. ગુરુમાં શિષ્યને ઉન્નત કરીને, તેને ઊંચે લઈ જઈને તેની રક્ષા કરવાની ક્ષમતા હોવી જોઈએ. વિવેકચૂડામણિમાં શ્રીશંકરાચાર્ય સાચા ગુરુનાં લક્ષણ વર્ણવતાં કહે છે :

श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तमः ॥
ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानलः ।
अहेतुकदयासिन्धुर्बन्धुरानमतां सताम् ॥ [३३]

તેઓ (ગુરુઓ) વેદોના જ્ઞાતા, નિષ્પાપ, કામનારહિત, બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હોય છે; જે બ્રહ્મમાં રમમાણ રહી ચૂક્યા હોય, ઈંધણ બળી ગયા પછીના શાંત અગ્નિ સમાન હોય છે; અકારણ દયાના સાગર હોય અને પોતાની સામે પ્રણત થનાર બધા લોકોના બંધુ હોય છે.

(ક્રમશ:)

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.