સરળ ભાવથી ઈશ્વરનું અનુસંધાન કરવું, તેનું નામ જ ભક્તિયોગ છે. પ્રીતિ એ જ તેનાં આદિ, મધ્ય અને અંત છે. ક્ષણવાર પણ જો ખરા ભગવત્પ્રેમની ઉન્મત્તતા જાગે, તો તે શાશ્વતી મુક્તિ આપી શકે છે. નારદ ભગવાન ભક્તિસૂત્રમાં કહે છે કે –

ॐ सा कस्‍मै परमप्रेमरुपा अमृतस्‍वरुपा च ॥

ભગવાનમાં પરમ પ્રેમ એ જ ભક્તિ છે; એ ભક્તિ અમૃતસ્વરૂપ છે. (એટલે કે અમૃતત્વ આપે છે.)

यल्लब्ध्वा पुमान् सिद्धो भवति, अमृतो भवति, तृप्तो भव
ॐ यत्प्राप्य न किंचिद् वांछति,।
न शोचति, न द्वेष्टि, न रमते, नोत्साही भवति।
ॐ यत् ज्ञात्वा मत्तो भवति, स्तब्धो भवत्यात्मारामो भवति॥

(નારદ ભક્તિસૂત્ર)

જેને મેળવીને મનુષ્યો સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે, અમૃતત્વ પામે છે અને તૃપ્ત થાય છે; જેને મેળવ્યા પછી મનુષ્ય બીજી કોઈપણ વસ્તુની ઇચ્છા કરતો નથી, શોક કરતો નથી, દ્વેષ કરતો નથી, બીજી કોઈ વસ્તુમાં તેને પ્રેમ થતો નથી, અને પછી સાંસારિક કર્મમાં ઉત્સાહ રહેતો નથી, જેનો બોધ થવાથી મનુષ્યો ભગવત્પ્રેમમાં ઉન્મત્ત બને છે, તેમજ સ્તબ્ધ અને કેવળ આત્મારામ થાય છે.

આવી પરમભક્તિ મેળવીને જીવ સર્વભૂત પ્રત્યે પ્રેમપરિપૂર્ણ અને ઘૃણાવિહીન થાય છે.

ॐ सा न कामयमाना, निरोधरूपत्वात्।

આ ભક્તિ કોઈપણ કામ્યવસ્તુ મેળવવા માટે હોતી નથી. કારણ કે સર્વ વિષયવાસનાનો નિરોધ થયા પછી જ તે પ્રેમભક્તિનો ઉદય થાય છે.

આવી ભક્તિ કર્મ, જ્ઞાન તથા યોગથી પણ શ્રેષ્ઠ છે, કારણ સ્વયં स्‍वयं फलरुपतेति ब्रहमकुमारा: ॥ તથા નારદાદિના મત પ્રમાણે ભક્તિ સ્વયં ફલરૂપ છે.

ઘણા લોકોનું એવું માનવું છે કે જ્ઞાન અને ભક્તિ અલગ વસ્તુ છે, પણ ખરું જોતાં તેમ નથી. જ્ઞાન તથા ભક્તિ અંતે એક જ લક્ષ્યસ્થળે પહોંચાડે છે. રાજયોગનું પણ તેમજ છે. ભક્તિયોગ ઈશ્વર લાભ માટે અતિ સહજ અને સરળ માર્ગ છે. બીજા રસ્તાઓમાં જેવી મુશ્કેલીઓ છે તેવી આમાં નથી. પણ આ રસ્તે જતાં સાવચેતી રાખવાની ખાસ જરૂર છે, કેમ કે નિમ્નશ્રેણીની ભક્તિ કોઈ કોઈ વખત ભયંકર ધર્માંધતાનું સ્વરૂપ ધારણ કરે છે. દરેક ધર્મમાં જે ધર્માંધ વ્યક્તિઓ જોવામાં આવે છે, તે આ સાધારણ શ્રેણીની ભક્તિમાં રાચનારાઓ જ હોય છે.

ઈષ્ટનિષ્ઠા વિના યથાર્થ પ્રેમની ઉત્પત્તિ થતી નથી એ ખરું છે, પણ તે ઈષ્ટનિષ્ઠા જો વિચારશૂન્ય હોય તો ઘણી વખત બીજા ધર્મો પ્રત્યે તિરસ્કારબુદ્ધિ અને દોષારોપણનું કારણ બને છે. આ જ કારણને લઈને પોતના ધર્માદર્શથી વિરુદ્ધ લાગતી વાતો સાંભળીને મનુષ્ય એકદમ ગુસ્સે થઈ જાય છે. આવી જાતનો પ્રેમ પોતાના પ્રભુના સંબંધમાં કોઈ પણ જાતની દખલઅંદાજી ન કરવા દેવાની કૂતરાની વૃત્તિ સાથે સરખાવી શકાય, પણ તે સરખામણીમાં પણ એટલો ફેર છે કે કૂતરાની આ સહજ પ્રવૃત્તિ મનુષ્યોની સાધારણ વૃત્તિ કરતાં વધારે ઉત્કૃષ્ટ છે, કારણ કે માલિક ગમે તેવો વેશ ધારણ કરીને આવે તો પણ કૂતરો તેને ઓળખી જાય છે, કદી ભૂલ કરતો નથી; જ્યારે મનુષ્યમાં એ સામર્થ્ય નહિ હોવાથી તેનો પ્રભુ જો બીજો વેશ કે બીજું નામ ધારણ કરી આવે તો એ તેને ઓળખી શકતો નથી; અને તેથી જ ધર્મરાજ્યમાં અનેક ઝઘડાઓ ઉત્પન્ન થયા છે અને થાય છે.

એક જ પરમેશ્વર અનેક રૂપે પ્રકાશમાન છે, છતાં પણ સત્યસમજણની ખામીને લીધે એક ધર્મ બીજા ધર્મના, એક સંપ્રદાય બીજા સંપ્રદાયના દોષ ઉઘાડા કરવામાં પોતાની શક્તિનો ક્ષય કરે છે, અને આવા ઝઘડાઓમાં પડી મૂળ વિષય ભૂલી જાય છે. આ સંસારમાં થોડા સમય માટે આપણે સૌ આવ્યા છીએ, છતાં પણ મનુષ્યો ખરું કર્તવ્ય છોડી દઈને અરસપરસનો વિરોધ કરવામાં પોતાના તથા બીજાના જીવનનો સર્વનાશ કરે છે. આમ નહિ કરતાં ધર્મનો સંચય કરવાની દરેકે કોશીશ કરવી જોઈએ. સર્વ ધર્મોમાં સારભૂત વસ્તુ એક જ છે અને બધા ઝઘડા માત્ર બાહ્ય રૂપને માટે જ થાય છે; તેથી નિરર્થક વાદવિવાદ છોડી સારવસ્તુ તરફ લક્ષ્ય આપવું એ જ સર્વનું પરમ કર્તવ્ય છે. શિક્ષા, રુચિ અને અવસ્થાના ભેદને લઈને માણસો ભગવત્પ્રાપ્તિ માટે વિવિધ ઉપાયોનું અવલંબન કરે છે, અને તેથી જ જુદા જુદા સંપ્રદાયોની ઉત્પત્તિ થાય છે. પણ જો ઉદ્દેશ્યનો વિચાર કરીશું તો તે એક જ માલૂમ પડશે. એ ઉદ્દેશ્ય મુક્તિ તથા ભગવત્પ્રાપ્તિ છે. આ સત્યનું વિસ્મરણ થવાથી નિરર્થક વાદવિવાદમાં પડાય છે.

महिम्नस्‍तव ના નીચે આપેલા શ્લોકમાં બધા મતભેદોનો સમન્વય કરવામાં આવ્યો છે :

त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति।
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च।।
रुचीनां वैचित्र्यादृजुकुटिल नानापथजुषां।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव।।

‘ત્રયી, સાંખ્ય, યોગ, પશુપત અને વૈષ્ણવમત – આ બધાનો ભિન્ન ભિન્ન સ્થાનમાં આદર છે. કોઈ આને શ્રેષ્ઠ કહે છે, તો કોઈ તેને શ્રેષ્ઠ કહે છે. રુચિની વિચિત્રતાને લઈને સીધા કે આડાઅવળા રસ્તાનું અવલંબન મનુષ્ય કરે છે, પણ બધાને પહોંચાવાનું ઠેકાણું તો તું એક જ છે; જેવી રીતે સીધા કે વાંકાચૂકા વહેણવાળી બધી નદીઓની ગતિ સમુદ્રમાં જ થાય છે.’

એકાન્તિક હૃદય, પવિત્ર ચિત્ત, અને સરળ વ્યાકુળ ભાવે જે તેને બોલાવે છે, તેને તે દર્શન આપે છે. જેવી રીતે એક બીજા સાથે વાદ કરવાથી અંધારાનો નાશ થતો નથી, પણ અજવાળાથી જ તેનો નાશ થઈ શકે છે, તેવી રીતે અજ્ઞાનરૂપી અંધકાર ભગવદ્‌ભક્તિ રૂપી અજવાળાથી જ દૂર થાય છે, નિરર્થક વાદાનુવાદથી નહિ; પરંતુ ધર્માંધ વ્યક્તિની વિચારશક્તિ નાશ પામેલી હોવાથી વ્યક્તિગત વિષયો ઉપર જ તેનું લક્ષ્ય વિશેષ રહે છે. બીજા શું કહે છે, અથવા જે તેઓ કહે છે તે સત્ય છે કે નહિ એ વિચાર કરવાથી વૃત્તિ તેનામાં રહેતી નથી. બોલનાર કોણ છે? પોતાના માહ્યલો છે કે નહિ? તે તરફ જ તેનું લક્ષ્ય હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે પોતાના સંપ્રદાયમાં માનનારી વ્યક્તિ તરફ દયાશીલ, ન્યાયપરાયણ અને પ્રેમયુક્ત વર્તન રાખનાર ભક્તો બીજા સંપ્રદાયમાં માનનારી વ્યક્તિ તરફ અતિ ક્રૂર વર્તન ચલાવતાં જરા પણ અચકાતા નથી. જગતના ધાર્મિક ઇતિહાસનાં ઘણાં પાનાં આવી ક્રૂરતાને પરિણામે અનેક નિર્દોષોનાં લોહીથી ખરડાયેલાં છે. જ્યાં સુધી પરાભક્તિનો લાભ થતો નથી ત્યાં સુધી જ સાધકમાં ધર્માંધતા ટકી શકે છે. એ જાતની ભક્તિનો ઉદય થયા પછી સાધક ઈશ્વરના પ્રેમસ્વરૂપની એટલો બધો નજીક પહોંચી જાય છે કે પછી તેનામાં કોઈ પણ જાતનો ઘૃણાભાવ કે વિદ્વેષ રહી શકતો નથી.

આ કારણને લીધે જ યથાર્થ ભક્ત સમદર્શી હોય છે; તેની પાસે નાના મોટાનો ભેદ હોતો નથી. જેવી રીતે આકાશમાં ખૂબ ઊંચે ઉડીને જોઈએ તો નીચેની બધી જમીન એક સરખી સપાટ લાગે છે, વૃક્ષો, પહાડો વગેરેનો ઊંચો નીચો ભેદ જોવામાં આવતો નથી; તેવી જ રીતે ઉચ્ચ હૃદયવાળા પ્રકૃત ભક્તની દૃષ્ટિમાં ઉચ્ચ-નીચનો ભેદભાવ હોતો નથી, તેને મન જાતિભેદની ગણતરી હોતી નથી. પ્રભુ ચૈતન્યદેવ કહેતા કે, જ્યારે ઊંચનીચ જ્ઞાતિના ભક્તો ભેગા થાય છે, ત્યારે બીજો બધો ભેદભાવ ભૂલી જઈ એકબીજાને પ્રેમથી ભેટે છે અને પ્રેમગ્રંથિથી જોડાઈ જાય છે; કારણ બધા ભક્તો માત્ર એક જ પરમ પદાર્થ મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસદેવને એક વખત એક ભક્તે પૂછ્યું હતું કે, ‘મહારાજ! બ્રાહ્મસંપ્રદાય અને હિંદુધર્મમાં શો ફેર છે?’

તેમણે જવાબ આપ્યો કે, ‘ખરી રીતે જોતાં કંઈ ભેદ નથી; જેમ એક માણસ શરણાઈમાંથી એક જ જાતનો સૂર કાઢે અને બીજો તે જ શરણાઈમાંથી અનેક જાતના રાગ વગાડે, તે બેમાં ફેર નથી; તેવી જ રીતે ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં પણ ફેર નથી. કેટલાક સંપ્રદાયો એક જ રીતને વળગી રહે છે, જ્યારે બીજા કેટલાક સંપ્રદાયો નાના પ્રકારના ભાવ અને રીતિ પ્રમાણે સાધના કરે છે; તેમાં કંઈ દોષ નથી. પાણી વસ્તુત: એક જ છે. પણ ભાષાભેદને લીધે જલ, વોટર, એક્વા, વગેરે અનેક નામથી ઓળખાય છે. તે જ પ્રમાણે વસ્તુ એક જ છે પણ ભાવ અને તે જણાવવાની ભાષા અલગ અલગ હોવાથી અનેક પ્રકારના ભેદ દેખાય છે.’

પક્ષીને ઉડવામાં ત્રણ વસ્તુઓની જરૂર પડે છે, બે પાંખ અને એક પૂંછડી. જ્ઞાન અને ભક્તિ બે પાંખ સમાન છે અને એ બેનું સામંજસ્ય રાખવા માટે યોગ પૂંછડી રૂપ છે. જે સાધક આ ત્રણ જાતની સાધનપ્રણાલિકા એક સાથે સામંજસ્ય સહિત વાપરી શકતો નથી અને એક માત્ર ભક્તિનું જ અવલંબન કરે છે તેણે યાદ રાખવું જોઈએ કે બાહ્ય અનુષ્ઠાન અને ક્રિયાઓ શરૂઆતની અવસ્થામાં આવશ્યક છે, છતાં પણ ભગવાનમાં ગાઢ પ્રેમ ઉત્પન્ન કરવા સિવાય તેમનામાં બીજી ઉપયોગિતા નથી. શ્રીરામાનુજાચાર્ય વેદાંત સૂત્રની વ્યાખ્યા કરતાં લખે છે કે, ‘એક પાત્રમાંથી બીજા પાત્રમાં નિક્ષિપ્ત અવિચ્છિન્ન તેલની ધારાની જેમ પ્રવાહિત ધ્યેય વસ્તુનું નિરંતર સ્મરણ એ જ ધ્યાન છે.’ જ્યારે આ જાતની ભગવત્સ્મૃતિ ઉત્પન્ન થાય છે, ત્યારે બધાં બંધનોનો નાશ થાય છે. આ જાતના નિરંતર સ્મરણને શાસ્ત્રો મોક્ષનું કારણ કહે છે. સતત સ્મૃતિ અને ઈશ્વરદર્શન એક રૂપ છે, કારણ કે :

भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः।
क्शीयन्ते चास्य कर्माणि तस्मिन्‌ दृष्टे परावरे ॥

‘એ પરમ પુરુષનાં દર્શનથી હૃદયગ્રંથી કપાઈ જાય છે, બધા સંશયો દૂર થાય છે અને કર્મનો ક્ષય થાય છે.’ આવાં શાસ્ત્રવાક્યોમાં સ્મૃતિ અને દર્શનનો સમાન અર્થમાં વ્યવહાર થયો છે. (જે નજીક છે તેને જોઈ શકાય છે પણ જે દૂર છે તેનું તો કેવળ સ્મરણ જ થઈ શકે છે. પરંતુ શાસ્ત્ર તો સન્નિહિત અને દૂરસ્થ એ બંનેને જોવાનું કહે છે. તેથી એવા સ્મરણ અને દર્શન સમકાર્ય બોધક છે.) એ સ્મૃતિ પ્રગાઢ થવાથી દર્શન સ્વરૂપ થાય છે, ઉપાસનાનો અર્થ સર્વદા સ્મરણ છે; એમ શાસ્ત્રો પરથી માલૂમ પડે છે. જ્ઞાન – જે નિરંતર ઉપાસના સાથે એકરૂપ છે – તેની વ્યાખ્યા પણ નિરંતર સ્મરણરૂપ આપવામાં આવી છે. જેથી જ્યારે સ્મૃતિ પ્રત્યક્ષ અનુભૂતિનો આકાર ધારણ કરે છે, ત્યારે શાસ્ત્ર તેને જ મુક્તિના કારણ રૂપ કહે છે. ‘नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन। यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम्‌ ॥’

વિવિધ પ્રકારની વિદ્યા, બુદ્ધિ અથવા વેદાધ્યયન દ્વારા આત્માની પ્રાપ્તિ થતી નથી. જેનું આ આત્મા વરણ કરે છે તે જ તેને મેળવી શકે છે, અને તેની પાસે જ આત્મા પોતાના સ્વરૂપનો પ્રકાશ કરે છે. અહીં પહેલાં જ આત્મા શ્રવણ, મનન, અને નિદિધ્યાસન દ્વારા લભ્ય નથી એમ કહીને, પછી આત્મા જેને વરે છે તે જ આત્માને મેળવી શકે છે એમ કહ્યું. અત્યંત પ્રિયનું જ ‘વરણ’ કરાય છે. જેઓ આત્મા ઉપર પ્રેમ રાખે છે, તેના ઉપર જ આત્મા પણ અત્યંત પ્રેમ રાખે છે. આવી પ્રિય વ્યક્તિને આત્મલાભ થાય એટલા માટે સ્વયં ભગવાન તેને મદદ કરે છે, કારણ તેમણે જ ગીતાજીમાં કહ્યું છે કે :

तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥

જે ભક્તો મારામાં નિરંતર આસક્ત છે, તથા સપ્રેમ મારી ઉપાસના કરે છે, તેમની બુદ્ધિને હું એવી રીતે દોરું છું કે તે દ્વારા તેઓ મને મેળવી શકે છે.

તેથી જ પ્રત્યક્ષ અનુભવાત્મક આ સ્મૃતિ જેને અત્યંત પ્રિય છે તેને જ પરમાત્મા વરણ કરે છે, અને તે જ પરમાત્માને મેળવી શકે છે, આ જાતની નિરંતર સ્મૃતિને જ ભક્તિ કહે છે.

‘ईश्वरप्रणिधानाद्‌ वा’- યોગશાસ્ત્રના આ સૂત્રની વ્યાખ્યા કરતાં ભગવાન વ્યાસ લખે છે કે, ‘પ્રણિધાન એટલે ભક્તિવિશેષ જેથી યોગીની પાસે એ પરમ પુરુષની કૃપાનો આવિર્ભાવ થાય છે, અને તેની સર્વપ્રકારની વાસનાઓ પૂર્ણ થાય છે.’

શાંડિલ્ય ઋષિના મત પ્રમાણે – ‘सा परानुरक्तिरीश्वरे’ – ઈશ્વરમાં પરમ અનુરક્તિનું નામ ભક્તિ છે, પરંતુ ભક્તરાજ પ્રહલાદે ભક્તિની જે વ્યાખ્યા આપી છે તે સર્વશ્રેષ્ઠ માલૂમ પડે છે.

या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी ।
त्वामनुस्मरत: सामे हृदयान्मापसमर्पतु ॥

અજ્ઞાનીઓને ઇન્દ્રિયોના વિષયમાં જેવો મહાન પ્રેમ જોવામાં આવે છે, તમારા સ્મરણ વખતે, હે પ્રભુ! તમારા તરફ એવી જ તીવ્ર આસક્તિ મારા હૃદયમાંથી ખસે નહિ. (એવી મારી પ્રાર્થના છે.)

ભક્તપ્રવર તુલસીદાસ પણ કહે છે કે : 

कामिहि नारि पिआरि जिमि,
लोभिहि प्रिय जिमि दाम।

तिमि रघुनाथ निरंतर,
प्रिय लागहु मोहि राम॥

(રામાયણ)

જેમ કામીજનને સ્ત્રી પ્યારી લાગે છે, લોભીને જેમ ધન પ્રિય હોય છે તેમ, હે રઘુવીર રામચંદ્ર! મને આપ નિરંતર પ્રિય લાગજો.

Total Views: 160

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.