હમણાંનાં વર્ષોમાં ભારતનું અન્ન-ઉત્પાદન ૧/૫ બિલિયન ટન્સ (૨૦ કરોડ મેટ્રિક ટન) સુધી વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે તે પૂરતું છે. એટલું જ નહિ વધારાના અનાજની નિકાસ પણ થાય છે. ૫૫ વર્ષમાં આ દેશ કે જે દુષ્કાળપીડિત દેશ ગણાતો તે હવે દુષ્કાળ જેવા ભયથી મુક્ત બન્યો છે. ભારતની વસ્તીમાં ત્રણ ગણો વધારો થયો છે. ૧૯૪૭ના ભાગલામાં ભારતે પોતાની ઘણી ફળદ્રુપ ભૂમિ ગુમાવી. ભારતના ભાવિ વિશે થયેલી અનેક ભવિષ્યવાણીઓને ખોટી પાડીને આજે આ રાષ્ટ્ર પોતાના પગ ઉપર ઊભું થયું છે. જો કે આજે કૃષિક્ષેત્ર પણ એરણની કસોટી પર છે. સાઠના દાયકાની હરિયાળી ક્રાંતિએ કંઈક ઉપલબ્ધિ કરી છે પણ એના ઉપર પુનર્વિચાર કરવાની ઘડી આવી ચૂકી છે. ભારતના સામુહિક કાર્યની શક્તિમત્તાનું માપ પણ આ હરિયાળી ક્રાંતિએ બતાવી દીધું છે. તમે આ રાષ્ટ્રના વહીવટની બદનામીની વાતો કરતાં પહેલા થોડું વિચારી જોજો. જર્મન રીચની જો કોઈ શરમ હોય તો તેની ભયંકર કતલેઆમ. આની તુલના બંગાળના ભીષણ દુષ્કાળ સાથે કરી શકાય. આ બંને ઘટના લગભગ સમકાલીન હતી અને એમણે ૩૦ લાખ લોકોનો ભોગ લીધો હતો. ભારે કર ભરતાં, પ્રકૃતિ કે ચોમાસાના આધારે છોડી દેવાતા ભારતના ખેડૂતો ચાલીશના દાયકામાં તો પાક ઓછા ને ઓછા ઉતરવાની ચિંતામાંથી મુક્ત ન બની શક્યા. અધુરામાં પૂરું ખેતીના ઉત્પાદનને ઝૂંટવી લેવું, અનાજના વ્યાપાર ઉપરના પ્રતિબંધ જેવી બાબતોએ ગ્રામ્ય લોકો – ખેતમજૂરોને ખોરાક માટે કોલકાતા જેવા શહેરો તરફ વળવાની ફરજ પાડી.

ભયંકર દુષ્કાળમાં સરકારી અધિકારીઓએ દુ:કાળની પરિસ્થિતિ જાહેર કરવાને બદલે, પોતાના લશ્કર પાસેથી અનાજનો જથ્થો લઈને લોકોને જીવવા માટે અનાજનો પુરવઠો પૂરો પાડવાને બદલે તેમને શેરીઓ અને ગલીઓમાં ભૂખે મરવા દીધા. ત્યાર પછીના ત્રણ વર્ષમાં યુદ્ધમાં વિજય મેળવ્યો. બ્રિટિશનનો જયજયકાર થયો. ભારતને પરતંત્રતામાંથી સ્વતંત્રતા મળી. આ સ્વતંત્રતાની સાથે ‘ભૂખે મરતા કરોડો’ના દેશનું ઠેકડી ઉડાડતું બિરુદ પણ મળ્યું! ભારતના ખેડુતો તનતોડ મહેનત કરતા પરંતુ અન્નની ઉણપને પહોંચી વળવા માટે વિદેશમાંથી અનાજ આયાત કરવું પડતું. ૧૯૬૬માં ૧૦ મિલિયન ટન અનાજ બહારથી લાવવું પડ્યું. ફેમીન ૧૯૭૫ (પેડોક એન્ડ પેડોક, ૧૯૬૫) ના લેખકોએ પોતાના પુસ્તકમાં ૧૯૭૫માં ભારતના લોકો મરી પરવારશે તેવી આગાહી કરતાં કહ્યું હતું કે આવા અસહાય અને નિર્માલ્ય દેશ તરફથી જગત પોતાની નજર દૂર ફેરવી દે. જો કે પી.એલ. ૪૮૦ કરાર હેઠળ યુ.એસ.એ.એ આપણને ઘણી મદદ કરી છે. ભારત સરકારે પણ પરિસ્થિતિને પહોંચી વળવા ભારે પ્રયાસો કર્યા. આ દશકો આપણા માટે મુસીબતોનો અને હતાશા નિરાશાનો દશકો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનનું નવસર્જન કરવા માટે યુ.એસ.એ.ના એગ્રિકલ્ચરલ રિસર્ચ સર્વિસ (એ. આર. એસ.)ના વડા એસ. સેસીલ સેલમોને જાપાનનું પુનર્ઘડતર કરવાની જવાબદારી લીધી. એમણે ખેતી પર જ ધ્યાન આપ્યું અને તેમાંય ઘઉંની ખેતી. ખાસ પ્રકારના નોરીન ઘઉંના વાવેતર માટે વોશિંગ્ટનની સ્ટેટ યુનિ.ના સંશોધકોની સહાય લઈને એક નવા પ્રકારની ઘઉંની જાત ઊભી કરવામાં આવી. જેને કારણે આ હરિયાળી ક્રાંતિ જન્મી.

૧૯૬૦માં ભારતના આત્મવિશ્વાસમાં એક મોટી ઓટ આવી હતી. ચીનના આક્રમણે આપણને ભાંગી નાખ્યા હતા. અન્નનો પ્રશ્ન ભયંકર હતો. વધુને વધુ જમીન પર ખેતી થતી હતી પણ તેના ઉત્પાદનમાં વધારો થતો ન હતો. આયાત કરીને અન્નની ઊણપ પૂરી કરવામાં આવતી હતી. આવી વસમી પળે ભારતે સુખ્યાત કૃષિવૈજ્ઞાનિક નોર્મન બોરલોગની નોરીન ઘઉંની જાત વિકસાવી. પૂસામાં એક નાના ખેતરમાં વાવેતર કરતાં એનું પરિણામ આશ્ચર્યજનક રહ્યું. ભારત જેની રાહ જોતું હતું એવી આ જાત હતી. આ સુધારેલ બિયારણની જાતે ભારતને કૃષિના બીજા અનેક ક્ષેત્રોમાં પ્રેરણા આપી. હરિયાળી ક્રાંતિ એ સમગ્ર વિશ્વની વિલક્ષણ વાત હતી. પરંતુ ભારતના રાજપુરુષો, અમલદારો, વૈજ્ઞાનિકો અને ખેડૂતોના શાણપણને કારણે એ ભારત માટે સૌથી વધુ સફળ બની રહી.

બોરલોગ અને ભારત બંનેની સહમતિથી કાર્ય વધારે સરળ બન્યું. સી. સુબ્રમણ્યમ્‌, બી. પી. પાલ, એમ. એસ. સ્વામીનાથન્‌ જેવા ભારતના કૃષિ-વૈજ્ઞાનિકોએ આ યોજનાને વાસ્તવિક રીતે સક્રિય બનાવીને તેનું પરિણામ બતાવી આપ્યું. ૧૯૬૫માં સી. સુબ્રમણ્યમ્‌ કેન્દ્રના ખેતીવાડીખાતાના પ્રધાન હતા. આ સ્વાતંત્રસેનાની, ગાંધીજીના અનુયાયીએ ઘણી લાંબી મજલ પગે ચાલીને કાપી હતી. તેઓ આધુનિક દૃષ્ટિવાળા અને કર્મનિષ્ઠ હતા. કૃષિવૈજ્ઞાનિક સ્વામીનાથન્‌ સુબ્રમણ્યમ્‌ના સબળ લેફ્‌ટનન્ટ બન્યા. ૧૯૯૬માં સુબ્રમણ્યમે એક દૃઢ અને મહત્ત્વનો રાજકીય નિર્ણય લઈને ૧૮૦૦૦ ટન ટૂંકા કદના (લર્મા રોજો ૬૪એ) અને (સોનારા ૬૪) જાતના ઘઉંનું બિયારણ આયાત કર્યું. માત્ર ઘઉંનું બિયારણ ખરીદવું એ કૃષિ-પ્રૌદ્યોગિકીની અવધારણા ન હતી. સક્રિય સંચાલનભરી વ્યવસ્થાનીતિ અને તેની યોગ્ય વહેંચણી પદ્ધતિ પણ ઊભી કરવી પડે. સુબ્રમણ્યમ્અએ એ માટે આવશ્યક સુધારાનું કાર્ય કર્યું. માહિતીની આપ-લે માટે કૃષિવિજ્ઞાનકેન્દ્ર, આદર્શ પ્રયોગશીલ ફાર્મ્સ અને કૃષિવિકાસખાતાની વિભાગીય કચેરીઓ ઊભી કરવામાં આવી. બિરાયણ માટેના ફાર્મ્સનો વિકાસ કરવામાં આવ્યો. સંશોધનવૃદ્ધિના કાર્ય માટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈકાર)ને માન્ય સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી. ટૂંકા કદના આ ઘઉંની જાત માટે રાસાયણિક ખાતર અને રાસાયણિક દ્રવ્ય માટે નવા ઔદ્યોગિક એકમોને લાયસન્સ આપવામાં આવ્યા. વર્ષમાં બે પાક લેવા માટે તેમજ વરસાદ પર આધાર રાખવો ન પડે એ રીતે સિંચાઈની કેનાલો અને પાણી પૂરવઠો પૂરો પાડતા ઊંડા કૂવાની વ્યવસ્થા કરવામાં આવી. ઘઉંનું જે ઉત્પાદન થાય તેને માટે યોગ્ય કિંમત અને ગ્રાહક ભંડારોની ખાતરી મળી રહે તે પ્રમાણે નવી નીતિ ઘડવામાં આવી. અન્ન જાળવણી માટે મોટા સંગ્રહઘરો ઊભાં કરવામાં આવ્યાં.

થોડા જ સમયમાં આના પરિણામો મળવા માંડ્યા. જે જમીન આ નવી વૈજ્ઞાનિક ઢબની ખેતીમાં રોકાઈ હતી તે જમીન નો વિસ્તાર ૧૯૬૦માં ૧.૯ મિલિયન હેક્ટર હતો. તેને બદલે આ વિસ્તાર ૧૯૭૦માં ૧૫.૫ મિલિયન હેક્ટર થયો, ૧૯૮૦માં ૪૩ મિલિયન હેક્ટર થયો અને ૧૯૯૦માં ૬૪ મિલિયન હેક્ટર થયો. અગાઉ આપણે પેડોકની ભવિષ્યવાણી પ્રમાણે ૧૯૭૫માં તો ભારત ભૂખના દુ:ખે ખતમ થઈ જવાનું હતું, પરંતુ એવું બન્યું નહિ. આ દેશે ૧૯૭૫ના વર્ષમાં ૧૧૦ (૧૧ કરોડ ટન) મિલિયન ટન્સ અનાજ ઉત્પન્ન કર્યું. વર્ષ વાર અનાજ ઉત્પાદનના કેટલાક આંકડા આપણે જોઈએ :

૧૯૫૦માં ૫૦.૮ મિલિયન ટન અનાજ ઉત્પન્ન થયું, ૪.૮ મિલિયન ટન અનાજની આયાત કરવામાં આવી, અનાજનો અનામત જથ્થો હતો જ નહિ અને ૩૬.૧ કરોડ દેશની વસ્તી હતી… ૧૯૬૦માં ૮૨ મિલિયન ટન અનાજ ઉત્પન્ન થયું, ૧૦.૪ મિલિયન ટન અનાજની આયાત કરવામાં આવી, ૨ મિલિયન ટન અનાજનો અનામત જથ્થો હતો અને ૪૩.૯ કરોડ દેશની વસ્તી હતી… ૧૯૭૦માં ૧૦૮.૪ મિલિયન ટન અનાજ ઉત્પન્ન થયું, ૭.૫ મિલિયન ટન અનાજની આયાત કરવામાં આવી, અનાજનો અનામત જથ્થો હતો જ નહિ અને ૫૪.૮ કરોડ દેશની વસ્તી હતી… ૧૯૮૦માં ૧૨૯.૬ મિલિયન ટન અનાજ ઉત્પન્ન થયું, ૦.૮ મિલિયન ટન અનાજની આયાત કરવામાં આવી, ૧૫.૫ મિલિયન ટન અનાજનો અનામત જથ્થો હતો અને ૬૮.૩ કરોડ દેશની વસ્તી હતી… ૧૯૯૦માં ૧૭૬.૪ મિલિયન ટન અનાજ ઉત્પન્ન થયું, ૦.૩ મિલિયન ટન અનાજની આયાત કરવામાં આવી, ૨૦.૮ મિલિયન ટન અનાજનો અનામત જથ્થો હતો અને ૮૪.૬ કરોડ દેશની વસ્તી હતી… ૨૦૦૦માં ૨૦૧.૮ મિલિયન ટન અનાજ ઉત્પન્ન થયું, અનાજની આયાત કરવામાં આવી ન હતી, ૪૦ મિલિયન ટન અનાજનો અનામત જથ્થો હતો અને ૧૦૦ કરોડ દેશની વસ્તી હતી.

આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણા રાષ્ટ્રે વધુ ને વધુ ઉત્પાદન આપતી અનાજની જાતો ઊભી કરવા માટે પોતાનાં સંશોધનો કર્યાં છે. આ હરિયાળી ક્રાંતિ એ માત્ર બિયારણની આયાત કરવાનું કાર્ય ન હતું. ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન (આઈએઆરઆઈ)માં બેન્જામિન પેરિપાલે નવી પૂસા ૮૦૯ની જાત વિકસાવી. બધી ઋતુઓ સહન કરી શકે તેવી આ એક ભારતીય ઘઉંની નવી જાત છે. એક પ્રતિભાવાન માનવ કે જેમણે ૧૯૩૩માં કેમ્બ્રિજ યુનિ.માં પોતાની ડોક્ટરેટની વિશેષ ઉપાધિ મેળવી હતી તેવા ડો. બી. પી. પાલ ભારતના કૃષિવિજ્ઞાનના આધુનિક સંશોધનના પિતા ગણી શકાય. આંતરસૂઝવાળા આ વૈજ્ઞાનિકે કૃષિવૈજ્ઞાનિકોની એક મોટી ટીમ ઊભી કરી તેમને જવાબદારી સોંપી. પરિણામે ઘઉં ઉપરાંત વિશેષ બીજા પાકો માટે વધુ ને વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવી. ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈકાર)ના તેઓ પ્રથમ ડાયરેક્ર જનરલ બન્યા. તેમણે વધુ અને વધુ ઉત્પાદન આપતાં બિયારણ જેવાં કે પૂસા, સોનારા, માલ્વિકા, કલ્યાણસોના, વગેરેનું સંકલન કર્યું અને તેની માહિતી પ્રસારિત કરી. આમાંની ઘણી જાતો આજે પાકિસ્તાન તેમજ ‘સાર્ક’ સંગઠનના બીજા દેશો, અફઘાનિસ્તાન, સુદાન અને સિરિયામાં સુખ્યાત બની છે. આ સફળતા માત્ર કૃષિક્ષેત્રની જ ન હતી. એના ઘણા આડફાયદા પણ થયા. ભૌતિક સાધનસંપત્તિનો વિકાસ પણ થયો, અન્ન ઉત્પાદન વધતાં ભારતે પોતાનું બાકી રહેતું કરજ સમયસર ભરપાઈ કરી દીધું; આને લીધે વિશ્વમાં ભારતની શાખ વધી, નોકરી અને કામધંધાની અનેક તકો ઊભી થઈ. ગ્રાહક અને ઔદ્યોગિક ચીજવસ્તુઓની માગમાં ગતિશીલતા આવી. ભારતના ગામડે ગામડે વૈજ્ઞાનિક માનસ ઊભું થયું, ટેક્નોલોજીની સમજણ ઊભી થઈ. આશ્ચર્યની વાત તો આ છે કે પંજાબ અને હરિયાણાના કર્મઠ ખંતીલા ખેડૂતો કે જેઓ આ હરિયાળી ક્રાંતિના સાચા વીરનાયક છે તેમને કેનેડા પોતાના દેશમાં લઈ જઈને સ્થિર કરીને આવાં હરિયાળી ક્રાંતિ લાવતાં ફાર્મ્સ ઊભા કરવા વિનંતી કરે છે. ભારતે પોતાની સંસ્થાનવાદી ગુલામી ખંખેરી નાખી.

હવે પછીનો માર્ગ કયો હશે એ પણ જોઈએ. ‘આ હરિયાળી ક્રાંતિ દીર્ઘજીવી બનો’ એમ કહેવાની ઇચ્છા થઈ જાય છે. શા માટે? શું એનો અંત નજીક છે? ના, એવું નથી. પણ કોઈ પણ ઉત્ક્રાંતિ શાશ્વત નથી હોતી. પટ્ટણસોડટ્ટણ થયું હોય એમાંથી યે પુનર્જીવનની આશાઓ જન્મે છે. આ હરિયાળી ક્રાંતિએ પણ અનેક સમસ્યાઓ સર્જી છે. જમીનની ફળદ્રુપતા ઘટી છે. વધુ ઉત્પાદન આપતાં બિયારણો વધુ ભારે રાસાયણિક પદાર્થો, જંતુનાશક દવાઓ તેમજ રાસાયણિક ખાતરોની અપેક્ષા રાખે છે. લાંબા સમયના આ પદાર્થોના ઉપયોગોને કારણે આપણી જમીનની ફળદ્રુપતા ઘટી છે અને વાતાવરણને પ્રદૂષિત કરી મૂક્યું છે. એક વખતનો કરકસરીયો ખેડૂત આજે ઊર્જા અને પાણીનો છૂટથી વપરાશ કરવા લાગ્યો. આ પ્રકારની કૃષિમાં એક મૂડીરોકાણનું સાહસ છે. તેનો ફાયદો મોટા ખેડૂતને જ મળે છે. આને લીધે ભારતની અન્ન સમસ્યાનો ઉકેલ આવ્યો હોય પણ અત્યંત ગરીબની ભૂખનો ઉકેલ આવ્યો નથી. આ હરિયાળી ક્રાંતિની ફાયદાકારક બાબતોનો લાભ સમગ્ર સમાજને મળ્યો નથી. ગરીબીરેખાની નીચે જીવતા સમાજ પાસે આ અનાજને ખરીદવાની તાકાત નહિવત્‌ છે. અને હવે ધીમે ધીમે નિપજ ઘટતી પણ જાય છે. એટલે આજે ભારત ફરીથી એક ચૌરાહા પર આવીને ઊભું છે. હવે ટ્રાન્સજેનિક પાક તરફ આકર્ષણ અને લાલચ વધતાં જાય છે. હવે પછીની હરિયાળી ક્રાંતિનું સૌથી વધુ અગત્યનું પાસું આ ટ્રાન્સજેનિક પાક હશે. આવા બિયારણમાં ઉમેરવાના તત્ત્વો ઓછાં છે, તેની પ્રતિકાર શક્તિ વધારે છે અને તે વધુ સારું ઉત્પાદન આપી શકે છે.

પરંતુ આમાંય ઘણી સમસ્યાઓ છે. ભૂતકાળમાં ઘણી બહુરાષ્ટ્રિય કંપનીઓએ આ ક્ષેત્રમાં જંપલાવ્યું અને પોતાના ભ્રામક બિયારણો બજારમાં મૂકીને ખેડૂતોને હાથ ઘસતા કરી નાખ્યા છે. આ જાતના પાક માટે હજી વૈજ્ઞાનિક હેતુઓની તારવણી થઈ નથી. એનો અર્થ એ થયો કે હજુ આ ટેક્નોલોજીને અમલમાં મૂકવાનો સમય પાક્યો નથી. સૌથી વધારે બુદ્ધિયુક્ત કે તર્કયુક્ત માર્ગ તો ઈકો સેન્સિટિવ ફાર્મિંગનો છે. ભારતમાં આજે પોતાની ભૂમિની ફળદ્રુપતાની સાર્વત્રિક જાળવણીની પ્રાચીન પદ્ધતિઓનું પુનર્મુલ્યાંકન કરવાની જરૂર છે. રાસાયણિક પદાર્થો કે જંતુનાશક દવાઓનું પ્રમાણ ઓછામાં ઓછું કરવું પડશે. આપણા રાષ્ટ્રમાં ખાતર અને પાક સંરક્ષણની પ્રાચીન પ્રણાલીઓનો આપણે કાળજીપૂર્વક અમલ કરવો પડશે. પાણીની જાળવણી અને તેનો કરકસરભર્યો ઉપયોગ સૌથી મહત્ત્વની વાત છે. સીમાંત અને નાના ખેડૂતોને ઉપયોગી થાય તેવી રીતે ખેત – ઉત્પાદનના ભાવો અને તેની વેંચાણનીતિઓનું પુનરાવલોકન કરવાની જરૂર છે. ચારે બાજુ એક જાગૃતિ જોવા મળે છે. કેરાળા અને કર્ણાટકના ઘણા ખેડૂતો સેન્દ્રીય ખાતરની ખેતી તરફ વળ્યા છે. અને સૌથી વધારે અગત્યની વાત તો એ છે કે સ્વામીનાથન્‌ જેવા હરિયાળી ક્રાંતિના વીરનાયકે પણ આજે લાંબા સમય સુધી ટકી શકે તેવી ખેતીપદ્ધતિની હિમાયત કરવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં આપણે આપણી હરિયાળી ક્રાંતિને જોઈએ. ભારત માટે આ એક મહાન સફળતાની કથા છે. પરંતુ હવે ભારતના ખડૂતોના જૂના જમાનાથી ચાલ્યા આવતા કૃષિક્ષેત્રના ડહાપણને સાથે રાખીને હરિયાળી ક્રાંતિના ધ્યેયમાં એક નવો પ્રાણ પૂરવો પડશે. આજે પ્રૌદ્યોગિકી અને ભારતીય પ્રૌદ્યોગિકી નિષ્ણાતો પ્રાપ્ય છે. ૧૯૬૦ના દાયકામાં આવું ન હતું. ક્રાંતિની પ્રકૃતિમાં આવાં બધાં ‘અંતિમ સમાધાનો કે ઉપાયો’ નથી હોતાં. પરંતુ હવે પછીના સમયગાળામાં આવનારી સુધારણા પહેલાં આવતાં આ ઉકેલો છે. એટલે નવા પડકારોના ઉકેલો નવા યુગે શોધવા રહ્યા.

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.