શ્રીચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય દ્વારા બંગાળીમાં લખાયેલ અને સ્વામી વિદેહાત્માનંદજીએ હિંદીમાં અનુવાદ કરેલ ‘અદ્‌ભુત સંત અદ્‌ભુતાનંદ’માંથી : પૃ.૨૬૫-૬૭

ઈ.સ. ૧૯૦૫ના જેઠ માસમાં લાટૂ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદ)ના મનમાં એક ભક્તનું મંદિર જોવા જવાની ઇચ્છા થઈ. તે ભક્તજન શ્રીવૈષ્ણવદાસ મલ્લિક દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિની નિત્યપૂજા કરતા હતા. તે દિવસે તેઓ નિવારણને સાથે રાખીને દર્શન કરવા નીકળ્યા. રસ્તામાં મૂશળધાર વરસાદ પડ્યો જેને કારણે રસ્તા પર ઘૂંટણસમું પાણી આવી ગયું. લાટૂ મહારાજે આ મુશ્કેલીની પરવા કર્યા વિના ધોતિયાને કમર સુધી ઊંચું લઈને પાણીમાં ચાલવા લાગ્યા અને નિવારણ સાથે તેઓ મંદિરમાં પહોંચ્યા. ત્યાં ભીને કપડે તેમણે પ્રભુને પ્રણામ કર્યા. પછી કપડાં બદલાવીને થોડા સ્વસ્થ થયા પછી પેલા ભક્તે તેમને કહ્યું: ‘મહારાજ! આટલા વરસાદમાં અહીં ન આવ્યા હોત તો શું બગડી જવાનું હતું?’ લાટૂ મહારાજે કહ્યું: ‘જુઓ, તેઓ (શ્રીઠાકુર) કહેતા : કલિયુગમાં સત્ય જ તપસ્યા છે. જેમને સત્ય પર દૃઢતા નથી તેમને કોઈ ધર્મ નથી હોતો. એક દિવસ રામબાબુના ઘરે એમણે કહી દીધું કે તેઓ પૂરી નહિ ખાય. એટલે એમણે પૂરી ન ખાધી માત્ર મિઠાઈ ખાધી.’ આ સાંભળીને નિવારણે કહ્યું: ‘મહારાજ! જે મુખમાંથી (વાણી) નીકળે તેનું પાલન કરવાથી જ સત્યરક્ષા થઈ જાય ખરી?’ લાટૂ મહારાજે કહ્યું: ‘જુઓ, સત્યરક્ષામાં સારું એવું તાત્પર્ય રહેલું છે. એવું ન ધારતા કે કેવળ વાક્ય રક્ષાથી જ સત્યરક્ષા થઈ જાય. સત્યરક્ષાનો અર્થ છે સંકલ્પરક્ષા. એ સંકલ્પ વાણીનો પણ હોઈ શકે છે, વિચારોનો પણ હોઈ શકે છે અને કાર્યોનો પણ હોઈ શકે છે.’ ભક્તે પૂછ્યું: ‘મહારાજ! સંકલ્પ દ્વારા શું અભિપ્રેત છે?’ લાટૂ મહારાજે કહ્યું: ‘સંકલ્પ મનની ઇચ્છા છે, બીજું શું.’ ભક્તે કહ્યું: ‘ઇચ્છા તો અનેક દિશાઓમાં જાય છે, સારાં કાર્યો કરવા તરફ પણ જાય છે અને ખરાબ કાર્યો કરવા તરફ પણ વળે છે. ખરાબ કાર્યો કરવાની ઇચ્છા થવાથી તેને પણ પૂર્ણ કરવાની રહે છે શું? એનાથી સત્યરક્ષા થશે?’ લાટૂ મહારાજે કહ્યું: ‘જુઓ, હજુ પણ તમે લોકો પોતપોતાની ઇચ્છાની વાત બરાબર ગ્રહણ કરી શક્યા નથી. વિચારતરંગને જ તમે લોકો ઇચ્છા સમજી લો છો, પરંતુ એ ઇચ્છા નથી; તે તો છે ઇચ્છાનો વિકાર. જીવની વાસ્તવિક ઇચ્છા શું છે એ જાણો છો? તે છે આનંદપ્રાપ્તિ. પરંતુ સચ્ચિદાનંદની પ્રાપ્તિ વિના આનંદ મળતો નથી. સચ્ચિદાનંદને મેળવવાની ઇચ્છાને પૂર્ણ કરવાનો પ્રયાસ એનું નામ જ સત્યરક્ષા. શાસ્ત્રમાં લખ્યું છે કે ગર્ભવાસ સમયે જીવ આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે ભગવાનને કેટકેટલી પ્રાર્થના કરે છે! અને એના જ ફળ સ્વરૂપે જીવનો જન્મ થાય છે. પરંતુ મોટા દુ:ખની વાત તો એ છે કે અહીં જન્મ મેળવીને તે જીવ એ ઇચ્છા વિશે બધું ભૂલી જાય છે. જગતમાં જેટલી શક્તિઓ છે એમાં ઇચ્છાશક્તિનું તે જ મુખ્ય છે. એ જ શક્તિ મનુષ્યના મનમાં જાગ્રત થવાથી તે કર્મનિષ્ઠ બની જાય છે ત્યારે એ કર્મને કોઈ રોકી શકતું નથી. પરંતુ ઇચ્છાનો અર્થ વિચાર એમ ન સમજવો. વિચારની લહેર આવવાથી માણસ કામ તો કરે છે પરંતુ તેના કાર્યમાં સત્યની દૃઢતા નથી રહેતી.

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.