મૂળ બંગાળી ગ્રંથ ‘ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ’નો ગુજરાતી અનુવાદ ‘ધ્યાન, ધર્મ અને સાધના’નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયો છે. તેમાંથી કેટલાક અંશો અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે?

ઉત્તર : સત્સંગ તેમજ ગુરુના ઉપદેશ અનુસાર સાધનભજન કરતાં કરતાં જ્યારે મન વિશુદ્ધ બનશે, ત્યારે વ્યાકુળતા આવશે.

કેટલાક ભક્તોને લક્ષમાં રાખી મહારાજે કહ્યું: ‘સાધુ પાસે આવીને કંઈક પૂછવું જોઈએ. તમે લોકો કંઈક પૂછો.’

પ્રશ્ન : મહારાજ, શાંતિ કેવી રીતે મળે?

ઉત્તર : ભગવાન પર પ્રેમ થવાથી જ શાંતિ મળે છે. પૂરેપૂરી શાંતિ શું એકદમ મળી જાય છે? એના માટે વ્યાકુળ બનીને રડવું પડશે, ‘એમનાં હજુ દર્શન નથી થયાં’ એ વિચારીને વ્યાકુળતાથી તરફડવું પડશે, ત્યારે જ શાંતિની પ્રાપ્તિ થશે. સંસારનાં સુખભોગથી માણસને જ્યારે શાંતિ નથી મળતી અને જ્યારે વિરક્તિનો અનુભવ થાય છે, ત્યારે જ ભગવાન પ્રત્યે આકર્ષણ જાગે છે. અશાંતિ જેટલી વધારે હશે, શાંતિ પણ તેટલી જ વધારે મળશે. તરસ જેટલી વધારે લાગે છે, પાણી એટલું જ વધારે મીઠું લાગે છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે શાંતિ જોઈએ તો અશાંતિને આવકારવી પડે છે.

પ્રશ્ન : પ્રભુપ્રેમ કેવી રીતે થાય છે?

ઉત્તર : શ્રીભગવાન માટે સાધના અને પ્રાર્થના વગેરે કરવાથી પ્રેમ થાય છે.

પ્રશ્ન : સંસારમાં રહેવાથી એ થઈ શકે કે નહિ?

ઉત્તર : સંસારની બહાર શું કોઈ છે?

પ્રશ્ન : નહિ, મારું કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વજનો, કુટુંબીજનોની વચ્ચે રહીને એ થઈ શકે કે નહિ?

ઉત્તર : થઈ શકે, પણ મુશ્કેલીથી.

પ્રશ્ન : સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંસારને છોડી દઉં કે નહિ?

ઉત્તર : છોડવું યોગ્ય છે. એનું નામ જ વૈરાગ્ય છે. એકવાર પણ સાચો વૈરાગ્ય થવાથી ભભૂકતા અગ્નિની જેમ તે ઉત્તરોત્તર વધતો જાય છે. ઠાકુર એક દૃષ્ટાંત આપતા: ‘જેવી રીતે માછલીને ઘણા મોટા તળાવમાં નાખવાથી તે આનંદથી તરે છે, તેમ જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેને પણ આનંદ થાય છે; તે ફરીથી સંસારમાં બંધાવા ઇચ્છતો નથી.’

પ્રશ્ન : શું ગુરુ વગર ન થઈ શકે?

ઉત્તર : હું તો માનું છું કે ન થઈ શકે – કોઈ પણ સંજોગોમાં નહિ. ગુરુ તે જ છે કે જે કોઈ ચોક્કસ મંત્રથી ઇષ્ટપ્રાપ્તિનો માર્ગ બતાવી દે. ગુરુ તો એક જ હોય છે. ઉપગુરુઓ અનેક હોઈ શકે છે. સદ્‌ગુરુ બતાવી દે છે કે આ રીતે સાધના કરો અને સત્સંગ કરો. પહેલાં નિયમ હતો: ‘ગુરુગૃહે વસવાનો’. ગુરુ શિષ્ય પર નજર રાખતા હતા અને શિષ્ય પણ ગુરુની સેવા કરતો હતો. શિષ્ય ખોટે રસ્તે જાય તો ગુરુ તેને ફરીથી સાચા રસ્તા પર લાવતા. એટલા માટે જ બ્રહ્મજ્ઞાની કે સિદ્ધ મહાપુરુષ સિવાય બીજા કોઈને ગુરુ કરવા યોગ્ય નથી.

(‘ધ્યાન, ધર્મ અને સાધના’ પૃ.૩૬-૩૮)

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.