રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૧૯૮૭માં આપેલા પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

પ્રાય: ધર્મ કે આધ્યાત્મિક વિષયોના અનેક સૂક્ષ્મ તત્ત્વો પર પરિચર્ચા થતી રહે છે. એવું નથી કે દ્વૈત-અદ્વૈત-વિશિષ્ટાદ્વૈત વગેરે દાર્શનિક મતોના વિચાર-વિમર્શ આપણા દૈનંદિન જીવનચર્યામાં કામમાં આવતા હોય. મનુષ્યનું જીવન સામાન્ય દિનચર્યામાં પસાર થઈ જાય છે. જન્મ લેવો, માતપિતા દ્વારા પાળીપોષીને મોટા કરવા, શિક્ષણ મેળવવું, ત્યાર પછી જીવનયાપન માટે કમાવું, વિવાહ, ઘરસંસાર આ બધું થતું રહે છે. અમારી પાસે આવીને જે લોકો પોતાનાં પારિવારિક જીવનની વાતો અમને કહે છે એના પરથી તો એવું લાગે છે કે એમનું જીવન જ દુ:ખમય છે. એવું હોઈ શકે કે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી હોય અને કોઈ વસ્તુનો અભાવ પણ ન હોય. આમ જોવાથી એમ લાગે કે બધું શાંતિપૂર્વક ચાલે છે, પરંતુ પોતાના અંત:કરણમાં એ બધાં દુ:ખી છે. ઘણાના જીવન આવાં છે. કેટલાક તો દુ:ખકષ્ટ સહન કરતાં કરતાં એમનાથી એટલા બધા ટેવાઈ જાય છે કે એમને દુ:ખ કે કષ્ટનો અનુભવ જ થતો નથી. કેટલાક લોકો એવા પણ હોય છે કે જે દુ:ખથી વિચલિત થઈને જાણે કે ભાંગી પડ્યા હોય છે. આ બધાંનાં જીવનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા કેટલી છે, એમનું જીવન અને એમના આદર્શ કોને કઈ રીતે સહાયક બનશે એ સહસા કહેવું શક્ય નથી.

વિદ્યાસાગરને મળવા શ્રીરામકૃષ્ણદેવ પોતે જ એમના ઘરે ગયા હતા. એક છોકરો નજીક જ બેઠો હતો. શ્રીઠાકુર (શ્રીરામકૃષ્ણ) તેનાથી દૂર જઈને બેઠા. પછી એમણે કહ્યું હતું : ‘આ છોકરો વિષયરસમાં રચ્યોપચ્યો રહે છે.’ અહીં શ્રીઠાકુર આપણને દર્શાવે છે કે વિષયી વ્યક્તિની નજીક તેઓ ન જતા. પરંતુ એ બધા માટે તો તેઓ અવતર્યા હતા. આમ તો વિષયી વ્યક્તિઓ એમની પાસે બહુ આવતા નહિ. ભક્તો સાથે એમના ભાઈ-બાંધવો આવતા. ભક્તગણ શ્રીઠાકુર સાથે વાતચર્ચા કરતા અને પેલા બધા હવે પાછા ક્યારે ફરીશું એ ચિંતામાં અધીર રહેતા. અંતે ધીરજનો અંત આવતા કોઈ કોઈ તો એમ કહી નાખતા : ‘તમે લોકો વાતો કરો, અમે હોડીમાં જઈને બેઠા છીએ.’ એનો અર્થ એ છે કે એમને આ બધું સારું લાગતું નથી. કેટલાક તો વળી શેતરંજી પાથરીને સૂઈ પણ જતા. ઊંઘ ઊડતાં એમને ખ્યાલ આવતો કે હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે. શ્રીઠાકુર પાસે ઘણા લોકો આવતા. પરંતુ એમની પાસેથી લાભદાયી ઉપદેશ મેળવીશું કે એમના સાંનિધ્યથી જીવનની સુધારણા કરીશું એવાં ઉદાહરણો બહુ ઓછાં જોવા મળે છે. શ્રીઠાકુર મજાકમાં કહેતા હતા: ‘નાટક જોવા આવ્યા છે, પણ શેતરંજી પાથરીને સૂઈ ગયા છે.’ (ગામડાંમાં શેતરંજી વગેરે લઈને લોકો નાટક જોવા જતા.) નાટક પૂરું થતાં જ હોહા થતાં તેઓ કહેતા: ‘શું નાટકવાળા આવી ગયા છે?’

શ્રીઠાકુરે મનુષ્યના ચાર પ્રકાર ગણાવ્યા છે: બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. પહેલાં એમણે બદ્ધજીવ વિશે કહ્યું છે. આ લોકો કોણ છે? આ બધા તો આપણે જ છીએ. પોતાની સમીક્ષા કરવાથી આપણને સમજાશે કે આપણું જીવન કયા સ્તરનું છે. ભગવાનની વાતચર્ચામાં રસરુચિ નથી, વિષયો પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, ક્યારેક જો સાધુસંન્યાસીઓની પાસે જાય છે તો કહે છે કે પુત્રની બિમારી દૂર કરી દો; કન્યાનો વિવાહ એક સારી જગ્યાએ થાય એવું કરી આપો, વગેરે. સર્વકંઈ ઘર-પરિવાર માટે જ છે. સાધુસંન્યાસીઓ પાસે જાણે કે આ સિવાય બીજું કંઈ માગવાનું જ ન હોય! શ્રીઠાકુર પાસે પણ આવી જ રીતે કેટલાક લોકો પ્રાર્થના કર્યા કરતા. શ્રીઠાકુરે તો દર્શાવી દીધું હતું કે તેઓ અલૌકિક ક્રિયાકાંડ કરતા નથી. એક વાર એક માણસ શ્રીઠાકુર પાસે આવીને કહેવા લાગ્યો: ‘સાંભળ્યું છે કે અહીં પરમહંસદેવ ઔષધી આપે છે.’ શંકિત બનીને શ્રીઠાકુરે કહ્યું: ‘ના, ના; અહીં નહિ. ત્યાં પંચવટીમાં.’ સાધુઓ પાસે કે ભગવાન પાસે આપણે બધાય માગીએ છીએ. જ્ઞાન ભક્તિ જોઈએ એમ મુખેથી કહીએ છીએ, પરંતુ વાસ્તવમાં એ પણ આપણે કેટલું ઇચ્છીએ છીએ! આવી અવસ્થામાં શ્રીઠાકુર આપણને શું ઉપયોગી બની શકે એ વાત વિચારવા જેવી છે. સાધારણતયા આપણે લોકો જે કંઈ પણ માગીએ છીએ – ઇચ્છીએ છીએ, એ બધું શ્રીઠાકુર પાસે નથી. એમની પાસે ધનદૌલત નથી, રોગદોગને નિર્મૂળ કરી શકતા નથી, કોર્ટકચેરીમાં મુકદ્દમો જીતાવી દેવો, પુત્ર કે કન્યાને પરીક્ષામાં સફળતા અપાવી દેવી, નોકરી અપાવી દેવી, કન્યાનાં લગ્ન કરાવી આપવા વગેરે સાંસારિક વિષયો માટે આશીર્વાદ માગતી વખતે તેઓ કહેતા : ‘મા જાણે છે, હું કંઈ જાણતો નથી.’ આ રીતે શ્રીઠાકુર આપણને શા ખપના? આ કારણે જ્યારે કોઈ માણસને ખ્યાલ આવે કે પોતાનાં આશાઓ કે અરમાનો સાથે તેમની પાસે જવાથી કંઈ બનતું નથી તો તેઓ કહેતા: ‘મૂકોને એ વાતને.’ કોઈ કોઈ કહેતું : ‘દીક્ષા લીધા પછી મારા પરિવારમાં અનેક પ્રકારની અશુભ ઘટનાઓ ઘટી છે.’ તો શું દીક્ષાને કારણે જ આ બધું થાય છે! એના ઉત્તરમાં હું શ્રીઠાકુરની વાણીમાં વાત કરીશ. એમણે કહ્યું છે : ‘ભગવાનને પ્રાપ્ત કરવા માટે એમને ચાહવા પડશે.’ એ જ ઉદ્દેશ્ય હોવો જોઈએ, એ જ ઉપાય હોવો જોઈએ. આ બે, પેલી બે, એ બધી આશાઓ ન હોવી જોઈએ. આવી માનસિકતા સાથે કેટલા લોકો શ્રીઠાકુર પાસે જાય છે? એક તરફ તો મુખેથી ‘શ્રીઠાકુર, શ્રીઠાકુર’ એમ કહે છે; બીજી બાજુએ, અલૌકિક ક્ષમતાસંપન્ન વ્યક્તિઓના શરણમાં જઈ પહોંચે છે. હું એ બધા લોકોને દોષી નથી ગણતો, હું તો કેવળ મનુષ્યોની વાસનાની વાત કરું છું.

એકવાર હું એક જગ્યાએ ગયો હતો. એક માણસે મને પૂછ્યું: ‘શું આપને હસ્તરેખા જોતા આવડે છે?’ મેં કહ્યું: ‘ના.’ પેલાએ પૂછ્યું: ‘તો શું તમે જન્મકુંડલી જોઈ લો છો?’ મેં કહ્યું: ‘ના.’ એણે પૂછ્યું: ‘કંઈ દવા ઔષધિ આપો છો? મેં કહ્યું: ‘ના.’ એટલે એણે પૂછ્યું: ‘તો પછી આપ જાણો છો શું?’ મેં પણ વિચાર્યું કે એની વાત તો સાચી છે. હું શું જાણું છું? આવા બધા લોકોની આશાઓને પરિપૂર્ણ કરવા માટે મારી પાસે કંઈ નથી! છતાંય એ બધા લોકોને શ્રીરામકૃષ્ણ ગમે છે. શા માટે ગમે છે? તેમના ગમવાનું કારણ આ છે – એટલા સરળ ભોળાભલા, બધાના દુ:ખે દુ:ખી થાય એવા મનુષ્ય કેટલા જોવા મળે છે? તેઓ હંમેશા ત્યાગ અને વૈરાગ્ય વિશે વાતો કર્યા કરતા. તેઓ ઈશ્વર સિવાય બીજું કંઈ જાણતા જ ન હતા. પરંતુ જો કોઈ માણસ પોતાના સંતાનને ગુમાવ્યા પછી તેમની પાસે જઈને એમનાં દુ:ખડાંની વાત કરે તો એમની આંખોમાં આંસું આવી જતા. આ જ શ્રીઠાકુરને આપણે ચાહીએ છીએ. જે આપણા દુ:ખમાં ઉદાસીન બની ન રહેતાં પોતે પણ એ દુ:ખે દુ:ખી થાય, આપણે એવા મનુષ્યને ચાહીએ છીએ. બધાં દુ:ખોમાંથી તેઓ આપણને તત્ક્ષણ મુક્તિ ન અપાવી શકે, પણ એમનામાં આપણે એક પ્રકારની હમદર્દી જોઈએ છીએ કે જે આપણાં દુ:ખોને સમજે છે.

આ વાત તો જાણે સમજાઈ ગઈ. પરંતુ શ્રીઠાકુર જેવા હોય તેવા તેઓ આપણા ઘરસંસારની સમસ્યાઓના ઉકેલમાં કેટલા ઉપયોગી થાય? એમણે જે કઠોર સાધના કરી હતી એવી સાધના તો આપણે કરી ન શકીએ, પરંતુ એમણે જેમ કહ્યું છે: ‘એક હાથે ભગવાનને પકડી રાખો અને એક હાથે ઘરસંસાર સંભાળો’ – આ આદર્શને તો પ્રયત્ન કરીને જોવો, અનુભવવો જોઈએ. આપણા માટે બંને હાથેથી એમને પકડી રાખવા સંભવ નથી. શ્રીઠાકુરે ઉપદેશોમાં વૈરાગ્યની અનેક વાતો કરી છે, પરંતુ એનો અર્થ એ નથી કે બધાએ સંસારનો ત્યાગ કરવો પડશે. કથામૃતના લેખક માસ્ટર મહાશયની પણ આવી જ સમસ્યા હતી. એમણે પ્રશ્ન કર્યો કે જો પત્ની સાથે મતભેદ થઈ જાય તો શું કરવું જોઈએ? શ્રીઠાકુરે કહ્યું હતું કે એવું થાય ત્યારે વારંવાર તેમને સમજાવીને પોતાના મતઅભિપ્રાય તરફ વાળવાં જોઈએ. માસ્ટર મહાશયનો પછીનો પ્રશ્ન હતો: ‘જો એ સમજે જ નહિ અને જો એને કારણે સાધના પથમાં બાધા આવે તો શું કરવું?’ શ્રીઠાકુરે ગંભીરભાવથી ઉત્તર આપ્યો : ‘તો તો એનો ત્યાગ કરવો પડે.’ હવે આટલું બધું આગળ કેમ વધી શકાય એ વિશે માસ્ટર મહાશય બહુ ચિંતિત થઈ ગયા. એટલે શ્રીઠાકુરે કહ્યું: ‘અરે! જે અંત:કરણપૂર્વક ભગવાનને પોકારે છે તો તેઓ બધું અનુકૂળ કરી દે છે.’ માસ્ટર મહાશય કહે છે કે આવું સાંભળીને જાણે કે એમના મનનો ચિંતાગ્નિ શમી ગયો. શ્રીઠાકુરે કહ્યું છે કે સાધન ભજન કરવું પડશે. પરંતુ જે નથી કરી શકતો, તેને એમણે કહ્યું છે : ‘સાધનભજન જેટલું બધી શકે તેટલું કરો.’ એમણે ગિરિશને કહ્યું : ‘બીજું કંઈ ન કરી શકો તો કંઈ નહિ પણ સવારસાંજ એમનું નામ જ લેવું!’ ચિંતિત મને ગિરિશ ઘોષ વિચાર કરવા લાગ્યા કે એમને એમ કહી દઉં કે હું આ કરીશ અને કદાચ ન કરી શકું તો? શ્રીઠાકુરે કહ્યું: ‘ઓછામાં ઓછું દિનાંતે એક વાર જ નામસ્મરણ કરવું.’ આ સાંભળીને પણ ગિરિશ ઘોષ તો શાંત રહ્યા. તેઓ કહેતા કે કેટલાય કાર્યરત દિવસો આવે છે કે એને કારણે એમ પણ હું કેમ વચન આપી શકું કે દિવસના અંતે એકવાર પ્રભુના નામનું સ્મરણ કરીશ. એટલે શ્રીઠાકુરે કહ્યું: ‘જો આટલું પણ ન કરી શકે તો એ બધું મારા પર છોડી દે.’ ગિરિશ કહે છે કે આ વાતથી હું નિશ્ચિંત બન્યો. જો શ્રીઠાકુર આપણા સૌનો ભાર ગ્રહણ કરી લે તો આપણે પણ જીવી જઈએ. આપણે બધા તો આપણો પોતાનો જ ભાર વહન કરવામાં અસમર્થ છીએ. આપણે લોકો ભગવાનને પણ પોકારી શકતા નથી, એમને પકડી શકતા નથી. તેઓ જ જો આપણને પકડીને લઈ જાય તો આપણું કંઈક સિદ્ધ થાય. પરંતુ ગિરિશને શ્રીઠાકુરે જે રીતે કહ્યું એવી વાત બીજા કોઈને કહી ન હતી. બીજાને તો તેઓ કહેતા: ‘અહીં આવીને બધા કહે છે કે આ કરી દો, તે કરી દો; પણ પોતે તો કંઈ કરવા ઇચ્છતા જ નથી.’ અર્થાત્‌ તમારા સૌનો બધો ભાર મેં ઉપાડી લીધો છે, તમારે લોકોએ કંઈ કરવાનું રહેશે નહિ, એવો સધિયારો તો કોઈને દેતા નથી. તેઓ કહેતા: ‘મેં સોળ આના કર્યું છે. તમે લોકો એક આના ભર તો કરો.’ અર્થાત્‌ કંઈક તો કરો, પણ એ કંઈક કેટલું હોવું જોઈએ એ વિશે એમણે સ્પષ્ટ બતાવ્યું નથી. આપણે લોકો વિચારીએ છીએ કે જોઈએ કે આપણે કેટલું કરી શકીએ છીએ? એવાય માણસો હોય છે કે જે દીક્ષા લીધા પછી આવીને કહે છે : ‘હું મંત્ર ભૂલી ગયો છું.’ એનો અર્થ એ છે કે મંત્ર સાથે એને કોઈ સંબંધ રહ્યો નહિ હોય. એવું પણ જોવા મળે છે અને વળી, એમાં કોઈ આશ્ચર્યની પણ વાત નથી; તો પછી શ્રીઠાકુરની આપણા માટેની શી આવશ્યકતા છે? ક્યારેક ક્યારેક જણાય છે કે એમની આવશ્યકતા તો છે જ. જ્યારે ચારેય તરફથી આઘાત, દુ:ખ મળે છે તો એમના પ્રયોજનને સમજવા સિવાય બીજો કોઈ માર્ગ નથી રહેતો. એ સમયે જ આપણે સૌ શ્રીઠાકુરની યાચના કરીએ છીએ કે જેથી કદાચ તેઓ આપણને કંઈક ઉપાય પણ બતાવી દે.

શ્રીઠાકુર તો ઉપાય કે માર્ગ બતાવવા પ્રસ્તુત છે જ. એમણે મનહૃદયને સ્પર્શે તેવી સ્પષ્ટ ભાષામાં ‘બદ્ધ જીવ’નું વર્ણન કરતાં કહ્યું છે કે જેમ માછલી મોઢામાં પાણી ભરીને કીચડમાં પોતાની જાતને છુપાવીને પડી રહે છે અને વિચારે છે કે આ ઘણું સારું છે, પરંતુ એ નથી જાણતી કે કોઈપણ ક્ષણે માછીમાર આવીને એને પાણીની બહાર કાઢશે. એવી જ રીતે આપણે લોકો પણ આ બધું સમજી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ છતાંય સચેત બનતા નથી. ‘બદ્ધજીવ’નું લક્ષણ આ જ છે. એકે પૂછ્યું: ‘બદ્ધજીવને માટે શું કોઈ રસ્તો નથી?’ શ્રીઠાકુરે તરત જ કહ્યું: ‘કેમ ન હોય? છે જ.’ શ્રીઠાકુરની પાસે નિરાશાની વાત જ ન હતી. એ કયો રસ્તો છે? એ રસ્તો છે : ભગવાનનું નામ લેવું, સાધુસંગ કરવો, ક્યારેક ક્યારેક એકાંતમાં રહીને ઈશ્વરની આરાધના કરવી. આ બધું કરતાં કરતાં સંસારનાં બંધન ધીરે ધીરે ઢીલાં પડી જાય છે. બળપૂર્વક ખેંચવાથી કંઈ થશે નહિ. એટલે જ આવા લોકો માટે જ એમણે કહ્યું: ‘તત્કાળ નહિ થાય, ધીરે ધીરે થશે.’ 

કાશીપુરમાં જ્યારે શ્રીઠાકુર ‘કલ્પતરુ’ બન્યા હતા ત્યારે બધાનો ઉદ્ધાર કરવા માટે પોતાનો ખજાનો જાણે કે તેમણે ખોલી નાખ્યો હતો. એ સમયે પણ એક વ્યક્તિને એમણે કહ્યું હતું: ‘તમારો ઉદ્ધાર પછી થશે.’ અર્થાત્‌ સમય જો અનુકૂળ ન હોય તો કલ્પતરુ પણ ફળ આપતું નથી. પરંતુ ‘થશે નહિ’ એવું એમણે કોઈને ય કહ્યું નથી. આપણે એમની પાસેથી આવી આશાસ્પદ વાણી સાંભળીએ છીએ : ‘બધાંનો ઉદ્ધાર થશે.’ એમણે આશ્વાસન આપીને બધાંને કહ્યું: ‘ઈશ્વરનું નામ લેતાં લેતાં અજ્ઞાન રૂપી મોહ ધીમે ધીમે દૂર થશે.’ એટલા માટે એમણે ત્રણ ઉપાય બતાવ્યા: નામભજન, સાધુસંગ અને ક્યારેક ક્યારેક એકાંતમાં વાસ. હવાપાણી બદલવા જવું એવો એકાંતવાસનો અર્થ નથી. એનો અર્થ એ છે કે નિર્જન સ્થળે જઈને ભગવાનનું ચિંતન કરવું. આવી રીતે અજ્ઞાનનું બંધન જરાક ઢીલું પડે છે. સાધુસંગનો અર્થ એ નથી કે સાધુઓની સાથે રહો. એનો અર્થ એ છે કે સાધુઓના આદર્શને ગ્રહણ કરો. જેમની નજીક જવાથી ભગવાન વિશે જાણવાની ચેતના જાગ્રત થાય છે અને સદ્‌વિચારો મનમાં આવે છે એને જ સાધુ કહે છે. આ પ્રસંગે એક ઘટના યાદ આવે છે: ‘ઉદ્‌બોધન’માં એક આગંતુકે આવીને કહ્યું કે તે સાધુસંગ કરવા આવ્યો છે. આ સાંભળીને સ્વામી શારદાનંદજી મહારાજે ઉત્તર આપ્યો : ‘જ્યારે શ્રીઠાકુર દક્ષિણેશ્વરમાં રહેતા ત્યારે કાલીમંદિરના રસોઈયા, નોકરચાકર, ચોવીસે કલાક એમની સાથે રહેતા; આજુ બાજુના લોકો પણ પ્રાય: રોજ આવતા જતા રહેતા. વર્ષો સુધી આમ ચાલતું રહ્યું. પરંતુ એમના જીવનમાં કંઈ પરિવર્તન આવ્યું હોય એવું સાંભળવામાં ન આવ્યું.’ સાધુના જીવનમાંથી જે શિક્ષાસંદેશ મળે છે એને ગ્રહણ કરવા માટે થોડો આગ્રહ રહેવો જોઈએ, નહિ તો એ સાધુસંગનો પણ કોઈ લાભ થતો નથી.

નિર્જનવાસનો અર્થ કેવળ ઘરની બહાર રહેવું એવો નથી. પરંતુ ચેતનાનો ઉદય થાય તથા ભગવદ્‌ચિંતન થઈ શકે એ રીતે સમય વ્યતીત કરવો. નિર્જન વનમાં તો વાઘ, રીંછ પણ હોય છે. શું એમનામાં કંઈ પરિવર્તન આવે છે ખરું? જંગલમાં આદિવાસીઓ રહે છે, હિમાલય કે જેને દેવોનો આત્મા જ કહે છે અને કેટલા બધા ઋષિમુનિઓનું એ તપક્ષેત્ર રહ્યું છે; છતાં જે આદિવાસી કે પહાડી લોકો છે એમની જીવનચર્યા તો એક રચાયેલા નિયમ પ્રમાણે ચાલતી રહે છે. એટલે સ્થાનનો મહિમા કે બાહ્યાચાર કશાય કામના નથી. શ્રીઠાકુર કહેતા: ‘આટલો જપ તો કરો છો, પરંતુ એ વિશ્વાસ નથી કે એમનું નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર બની જાય છે.’ શ્રીઠાકુરે કહ્યું : ‘ઈશ્વરનું નામકીર્તન કર્યા કરો, પરંતુ કીર્તનમંડળીમાંથી કેટલાનાં આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય છે?… કડછીથી ખીર વગેરે સ્વાદિષ્ટ ભોજન પીરસાય છે. પરંતુ, એનાથી કડછીને કંઈ મળે છે ખરું? એક માણસ ધર્મવક્તાના નામે પ્રસિદ્ધ હતો. એક દિવસ તે પોતાના મનની વાત કહી ઊઠ્યા: ‘બધાના ધર્મની વાતો કરું છું, સંભળાવું છું; લોકો મારી પ્રસંશા કરે છે પણ મારી અશ્રદ્ધા હજી પૂરેપૂરી ગઈ નથી.’ અને જુઓ તો ખરા, તમારો અવિશ્વાસ દૂર થતો નથી એમ બીજાને કહે છે! શ્રીઠાકુરે ભાગવતના પંડિતની વાત કરી છે : ‘આ પંડિત ઘણા મોટા વિદ્વાન હતા. રોજ રાજાની પાસે જઈને ભાગવતની સુબોધ્ય વ્યાખ્યા કરીને અંતે કહેતા: ‘રાજાજી! શું સમજી ગયાને?’ રાજા પણ કહેતા: ‘પહેલા તમે જ સમજી લો.’ પંડિતજી એમ વિચારતા રહેતા કે કદાચ રાજાને મારી ભાગવતની વ્યાખ્યાથી સંતોષ થયો નથી. બીજે દિવસે વધારે વિચાર કરી કરીને કથાને વધુ ને વધુ સુબોધ્ય બનાવે છે અને અંતે રાજાને પૂછે છે: ‘શું સમજાઈ ગયુંને?’ રાજાએ કહ્યું: ‘તમે પોતે જ સમજો.’ આ રીતે કેટલાય દિવસ સુધી ભાગવત કથા સાંભળતાં સાંભળતાં એક દિવસ પંડિતે વિચાર્યું કે હું દરરોજ રાજાને ભાગવત સમજાવું છું અને એને કારણે ભોગની સામગ્રી ખરીદી શકું છું. ભાગવતમાં તો બતાવ્યું છે કે બધું છોડીને ભગવાનનું શરણ સ્વીકારો. તો પછી હું આ ભાગવત શું સમજાવી રહ્યો છું! અને ત્યારે એ પંડિતના મનમાં વૈરાગ્ય જન્મે છે. રાજાને સમાચાર મોકલ્યા: ‘રાજાજી! હવે હું સમજ્યો છું.’ પંડિતજી ઘરબાર છોડીને ચાલ્યા ગયા. આ તો છે એકદમ પરાકાષ્ઠાની વાતો. આપણે લોકો શું આ રીતે સંસારનો ત્યાગ કરીને ચાલ્યા જઈશું ખરા?

શ્રીઠાકુરે કહ્યું: ‘સંસારમાં રહેતાં રહેતાં ઈશ્વરને જીવન સાથે ઓતપ્રોતભાવે ગ્રહણ કરીને ચાલવું પડશે, નહિ તો મુખેથી ઈશ્વરની વાતો કરે છે અને જીવન જેવું છે એ જ ધારામાં વહી રહ્યું છે, તો એનાથી કોઈ લાભ થવાનો નથી.’ શ્રીઠાકુર કહે છે: ‘જે કહેવાનું હતું તે કહી દીધું છે. તમે જેમ ઉચિત સમજો તેને ગ્રહણ કરો.’ સત્યવાદી યુધિષ્ઠિર ન બની શકો તો કંઈ નહિ પણ ઓછામાં ઓછું એવા પ્રયત્ન કરીને પણ કંઈક આગળ વધી જશો. અર્થાત્‌ મન પર નિયંત્રણ રાખીને જ જીવન ધીરે ધીરે ઉન્નત બની જશે. આપણા દૈનંદિન જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ એને શ્રીઠાકુરના ઉપદેશ સાથે મેળવીને એ બંનેની વચ્ચે કેટલી પૃથકતા છે એ જોતા રહેવું પડશે. એમના ઉપદેશો પ્રમાણે જીવન જીવવાનો કેટલા લોકો પ્રયાસ કરે છે? પ્રયાસ કરવાથી જ ધીમે ધીમે પરિવર્તન આવી જશે. સંપૂર્ણરૂપે સંભવ ન હોય તો પણ થોડા ઘણા પ્રયત્ન સૌ કોઈ કરી શકે છે. જો એમને આપણે પોતાના જીવનનો ધ્રુવ તારો ગણી લઈએ તો એમના જીવનના આલોકમાં આપણું કર્તવ્ય શું છે અને આપણે શું ન કરવું જોઈએ એ આપણે સમજી શકીશું. આ બધું શ્રીઠાકુરના ભક્તોએ વિશેષ રૂપે સમજવું પડશે અને તેનું ચિંતન પણ કરવું પડશે. માત્ર ગૃહસ્થો જ નહિ પરંતુ સંન્યાસીઓ તથા ગૃહસ્થ બધાએ એનું ચિંતન કરવું પડશે. એનું કારણ એ છે કે આપણે કોઈ પણ પૂર્ણતાપ્રાપ્ત માનવ નથી. એમનાં શ્રીચરણકમળનું અનુસરણ કરીને ચાલવાથી જ સંકલ્પ દૃઢ બને કે ન બને, અને જો એ કિંચિતમાત્ર પણ હોય તો તેના પર જ ધીમે ધીમે આગળ વધવાના પ્રયાસ કરવા પડશે. ધીરે ધીરે શ્રીરામકૃષ્ણદેવ આપણા જીવનમાં પ્રતિષ્ઠિત થશે. એમના આદર્શમાં આપણે આપણી જાતને ઘડવાની છે. શ્રીઠાકુરે કહ્યું છે: ‘આદર્શ તો તૈયાર છે તેમાં પોતાની જાતને ઢાળી લો.’ તેઓ જ આદર્શ છે, તેઓ જ કહેતા રહેતા: ‘ભોજન તો બનાવીને તૈયાર રાખ્યું છે. ભાત પીરસી દીધો છે, હવે ખાવા માટે બેસી જાઓ.’ ધર્મજીવન કોને કહે છે એ એમણે બતાવી દીધું છે. એમાં કોઈ સંદેહને અવકાશ નથી. કેવળ બુદ્ધિની મદદથી જ એ વિષયને સમજી લેવો પર્યાપ્ત નહિ ગણાય. એને આપણા જીવનમાં ઉતારવો પડશે. શ્રીઠાકુરનાં ચરણચિહ્‌નોનું અનુસરણ કરીને ચાલવાથી તેઓ કૃપાવશ બનીને પથની બાધાઓને દૂર કરીને આગળ વધવા માટે પ્રેરણા તથા શક્તિ પ્રદાન કરશે. તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળશે… આપણી પ્રથમ પ્રાર્થના એ હોવી જોઈએ કે અમે નિષ્કપટભાવથી એમના ભક્ત બની શકીએ. બીજી પ્રાર્થના એ હોવી જોઈએ કે અમારા જીવનમાં તેઓ નિત્ય પ્રતિષ્ઠિત રહે. સર્વદા શ્રીઠાકુરને જ લક્ષ્યમાં રાખીને રહેવું કે જીવવું પડશે. 

‘તોમારેઈ કોરિયાછિ, જીવનેર ધ્રુવતારા,
ઐ સમુદ્રે આર કભૂ હવો નાકો પથહારા.’

‘તમને જ મેં પોતાના જીવનનો ધ્રુવતારો માની લીધો છે એ કારણે હું આ સમુદ્રમાં હવે ક્યારેક પથભ્રષ્ટ નહિ થાઉં.’ આપણે આપણી જાતને નિર્બળ માનીએ છીએ પરંતુ આપણે એ યાદ રાખવું પડશે કે એમની શક્તિ આપણી ભીતર છે. સ્વામીજીએ કહ્યું છે: ‘રામકૃષ્ણ દાસા વયમ્‌ – આપણે લોકો શ્રીરામકૃષ્ણના દાસ છીએ.’ પછી આપણામાં નિર્બળતા શેની હોય? ‘કૂર્મસ્તારક ચર્વણમ્‌ ત્રિભુવનમૂત્યાટયામો બલાત્‌’ આપણે લોકો ગ્રહ-તારા-નક્ષત્રને ચાવીને ખાઈ જશું, ત્રિભુવનને ઉખાડીને ફેંકી દઈશું – એટલી શક્તિ છે આપણામાં. એ શક્તિ એમની જ શક્તિ છે. જો હૃદયનાં દ્વાર ખુલ્લાં રાખીએ તો તેઓ પોતાનાં શક્તિ, ઐશ્વર્ય તથા આધ્યાત્મિક સંપત્તિથી આપણને ભરપૂર ભરી દેશે. એમની પાસે એ જ પ્રાર્થના છે કે તેઓ આપણને હંમેશાં સાહસ તથા પ્રેરણા આપતા રહે.

Total Views: 126

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.