સ્વામી વિવેકાનંદ અને તેના ગુરુભાઈઓનું ગુજરાત પરિભ્રમણ

સ્વામી વિવેકાનંદ અને તેના મોટા ભાગના ગુરુભાઈઓએ પોતાના પરિભ્રમણ સમયે પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશોની યાત્રા કરી હતી. સ્વામી બ્રહ્માનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી સારદાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી ત્રિગુણાતીતાનંદ, સ્વામી અદ્વૈતાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી સુબોધાનંદ, સ્વામી વિજ્ઞાનાનંદ જેવા શ્રેષ્ઠ સંન્યાસીઓએ આ ભૂમિને પોતાના પાવનકારી ચરણોથી પવિત્ર કરી છે. સ્વામી વિવેકાનંદે ઘણો લાંબો સમય સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં ગાળ્યો હતો. ૧૮૯૧ અને ૧૮૯૨ની વચ્ચેના સમય ગાળામાં સ્વામીજીએ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. આ પરિભ્રમણમાં અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, શિહોર, જૂનાગઢ, ગીરનાર, ભૂજ, વેરાવળ સોમનાથ, પોરબંદર, નડિયાદ, દ્વારકા, માંડવી, નારાયણ સરોવર, પાલીતાણા અને વડોદરા જેવાં સ્થળોનો સમાવેશ થાય છે.

પોતાના ગુજરાત પરિભ્રમણ દરમિયાન લીંબડીના ઠાકોર સાહેબશ્રી યશવંતસિંહજી, ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહજી, કચ્છના મહારાજા શ્રી ખેંગારજી, જૂનાગઢ રાજ્યના દીવાનશ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈ, પોરબંદરના વહીવટ-દાર શ્રી શંકરપાંડુરંગ પંડિત અમદાવાદના શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રિવેદી, વડોદરાના દીવાનશ્રી મણિભાઈ જશભાઈ, કચ્છના દીવાનશ્રી મોતીચંદ લાલચંદ, અને બીજી ઘણી સુખ્યાત વ્યક્તિઓના સંપર્કમાં સ્વામીજી આવ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યોમાંના કેટલાક સંન્યાસીઓ પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજા, રાજકુમારો તથા ગુજરાતના અગ્રણીઓ સાથે નજીકના સંપર્કમાં રહ્યા હતા. એમની વચ્ચે એક આધ્યાત્મિક સાંકળ રચાઈ હતી. આને લીધે સમયે સમયે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ આ પ્રદેશના પરિભ્રમણ માટે આકર્ષાયા હતા.

રામકૃષ્ણ મઠની સ્થાપના કર્યા પછી સ્વામીજીએ રામકૃષ્ણદેવના સંદેશનો ઉપદેશ અને પ્રચાર-પ્રસાર કરવા માટે પોતાના ગુરુબંધુઓને સમગ્ર ભારતવર્ષમાં મોકલવાનું સૂચન કર્યું. આ યોજના પ્રમાણે ૧૮૯૯ના ફેબ્રુઆરીમાં સ્વામી સારદાનંદજી અને સ્વામી તુરીયાનંદજીને ગુજરાત અને કાઠિયાવાડ મોકલવામાં આવ્યા. ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૯ના રોજ તેઓ લીંબડી આવ્યા. લીંબડીના મહારાજા શ્રીયશવંતસિંહજીએ તેમનું ભાવભર્યું આતિથ્ય કર્યું અને સ્વામીજીના કાર્ય માટે આર્થિક સહાયનું વચન આપ્યું. જુદા જુદા રાજ્યોના રાજાઓને ઉદ્દેશીને લખાયેલા પરિચયપત્રો પણ આપ્યા. ૧૪મી માર્ચ ૧૮૯૯ના રોજ તેઓ રાજકોટના ઠાકોર સાહેબશ્રી લાખાજીરાજને મળ્યા. તેમણે આર્થિક સહાય આપવાનું વચન આપ્યું. આ બંને સંન્યાસીઓએ ગોંડલ, મોરબી અને ભાવનગરની મુલાકાત લીધી. ત્યાર પછી સ્વામીજીનો બેલુરમઠ પાછા આવવાનો સંદેશ મળતાં તેઓ ત્યાં જવા નીકળ્યા. ૧૮૯૯ની ૩જી મેના રોજ તેઓ બેલુર મઠ પહોંચ્યા. ગુજરાતમાં એ બંને સંન્યાસીઓએ બે માસથી વધુ સમય ગાળ્યો હતો. પોતાના આ પ્રદેશના પ્રવાસ દરમિયાન તેમણે કાઠિયાવાડમાં રામકૃષ્ણ મઠનું એક કાયમી કેન્દ્ર સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરી. કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) ઘણા નાના રાજ્યોવાળો પ્રદેશ છે. અહીં હિંદુ અને જૈન ધર્મના ઘણા પવિત્ર યાત્રાસ્થાનો છે એટલે પશ્ચિમભારતમાં યાત્રાળુઓ માટે આ પ્રદેશ ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. એ સમયે અહીં જૈનધર્મીઓનું પ્રભુત્વ હતું. વૈષ્ણવધર્મની કેટલીક શાખાઓ અને ધર્મસમાજ સુધારાની પ્રવૃત્તિઓવાળા સ્વામી નારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પણ ઘણા હતા.

રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ

સ્વામી નિખિલાનંદજી ૧૯૨૪માં કાઠિયાવાડમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશના પ્રચાર-પ્રસારનું કાર્ય કરતા હતા ત્યારે એ વખતના રાજા-મહારાજાઓ જેવા કે મોરબીના મહારાજા સાહેબ, રાજકોટના ઠાકોર સાહેબ, લીંબડીના ઠાકોર સાહેબ, પોરબંદરના મહારાણા સાહેબ અને બીજા અગ્રણીઓના નજીકના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓમાં તેમને રસરુચિ લેતા કર્યા.

પોરબંદરના મહારાણા સાહેબ, મોરબીના મહારાજા સાહેબશ્રી અને લીંબડીના ઠાકોર સાહેબશ્રીનો અહીં વિશેષ ઉલ્લેખ કરવો જરૂરી છે. પોરબંદરના તત્કાલિન મહારાજા શ્રી નટવરસિંહજીના અતિથિરૂપે તેઓ એક સપ્તાહ રહ્યા હતા. સ્વામી નિખિલાનંદજીનો મહારાણા નટવરસિંહ પર ઘણો પ્રભાવ પડ્યો અને રામકૃષ્ણ મઠ-મિશનની પ્રવૃત્તિઓની વાતો સાંભળીને તેઓ આ સંસ્થાના એક મહાન પ્રશંસક બની ગયા. એમણે ૨૦મી ઓગસ્ટ, ૧૯૨૪ના રોજ લખેલા આ પત્ર પરથી આ હકીકતનો ખ્યાલ આવે છે.

શ્રીમત્‌,…

અહીંના સ્વામી નિખિલાનંદના એક સપ્તાહના રોકાણ દરમિયાન મારા પર એમની કુશાગ્ર બુદ્ધિપ્રતિભાનો પ્રભાવ પડ્યો છે અને રામકૃષ્ણ મિશનના નામે જાણીતી સંસ્થામાં મને ઘણો રસ પડ્યો છે. મને એમનો સાથ સંગાથ ખૂબ આનંદદાયી લાગ્યો છે અને એમને મળીને ખરેખર હું ખૂબ ખુશી અને આનંદ અનુભવું છું. મેં એમની પાસેથી રામકૃષ્ણ મિશન વિશે જે સાંભળ્યું છે તે ખરેખર એક પ્રશંસનીય વાત છે. મને આશા છે કે સ્વામીજીના આ મિશનની ઉન્નતિ માટેના પ્રયાસો ઘણી મહાન સફળતાને વરશે. તેઓ માનવજાતના સત્‌ કલ્યાણ માટે જે ભવ્યકાર્ય કરી રહ્યા છે એમની પ્રશંસા ખાતર હું આ પત્ર લખવા પ્રેરાયો છું.

નટવરસિંહજી
મહારાણા સાહેબ ઓફ પોરબંદર 

નોંધ :- મારા રાજ્ય તરફથી ‘માયાવતી આશ્રમ’ને ૨૦,૦૦૦ રૂપિયા આપવાનું મેં વચન આપ્યું છે.

પોરબંદરના મહારાણા સાહેબે અદ્વૈત આશ્રમ, માયાવતીના ચેરીટેબલ દવાખાના માટે રૂ. વીસ હજારનું દાન આપ્યું હતું. તેમણે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે રામકૃષ્ણ મઠ-મિશનનું એક કેન્દ્ર પોરબંદરમાં શરૂ થાય તો એને બધી શક્ય સહાય આપવાની ખાતરી પણ આપી હતી. પછીથી ૧૯૨૫માં જ્યારે સ્વામી માધવાનંદજી મહારાજ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં આવ્યા ત્યારે કાઠિયાવાડમાં એક કેન્દ્ર સ્થાપવાની યોજનાનો સમય પાકી ચૂક્યો હતો. કાઠિયાવાડનાં મોરબી, ભાવનગર, પોરબંદર, લીંબડી, વગેરે સ્થળોની મુલાકાત લીધા પછી છેવટે સૌરાષ્ટ્રના મધ્યસ્થ સ્થાને આવેલા રાજકોટ પર આ કેન્દ્રના સ્થળ તરીકે પસંદગી ઊતરી.

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.