ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું

સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો – ભાવનાઓને પ્રગટ કરતા સમાચારોનું તો જાણે અસ્તિત્વ જ નથી. બધું છિન્ન ભિન્ન થઈ જતું બતાવાય છે. ક્યાંક સંધાતું હશે, બંધાતું હશે; ક્યાંક સુસંવાદી સંરચનાઓ થતી હશે; ક્યાંક ભાવજગત રચાતું હશે; ક્યાંક માનવમાનવના પ્રેમમિલનો થતાં હશે. ક્યાંક એવું શુભ થતું હશે, એવું વિધેયાત્મક સર્જન થતું હશે, એવું સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌નું રાજ્ય રચાતું હશે. આ બધું શુભ અને ભાવાત્મક તો બનતું જ રહે છે. પણ કોણ જાણે કેમ આપણા આજના પત્રકારિત્વને આ દેખાતું નથી. એટલે જ એક યર્ર્ગહીુજૈહગૈચ.ર્બસ ની વેબસાઈટ તૈયાર થઈ છે. એમાં બધું શુભ છે, શિવ છે, સુંદર છે, સત્ય છે અને ભાવાત્મક છે; અભાવાત્મક કે નિષેધાત્મક કશું નથી.

પાણીથી ચાલતાં નાનાં ચકરડાંની કમાલ

લાંબા સમય સુધી નભી શકે અને સમાજનો વિકાસ કરી શકે એવાં સાધનોમાં નાના પરિમાણનાં જળવિદ્યુતયંત્રો ઊર્જાનું અદ્‌ભુત સર્જન કરે છે. અને આ ઊર્જા કદીયે વીજળીના દીવાની અપેક્ષા ન સેવનાર દૂરસુદૂરના, એકલવાયા ગ્રામ્યવિસ્તારોમાં રોશની તો ફેલાવે છે પણ સાથે ને સાથે એમના માલસામાનને લાવવા લઈ જવાનું પણ સરળ બનાવે છે. વ્યાપાર- વ્યવહાર માટેની એક અદ્‌ભુત સુવિધા આ જળવિદ્યુત યંત્રો કરી આપે છે. હિમાચલ પ્રદેશમાં પોતાની આગવી આત્મસૂઝવાળા, કોઠાબુદ્ધિવાળા, વિનોદ ભારદ્વાજે પર્વતીય પ્રદેશોમાં એક મેગાવોલ્ટ શક્તિવાળું જળવિદ્યુત સ્ટેશન સ્થાપ્યું. એને કારણે આજુબાજુના દૂરસુદૂરનાં એકલવાયાં બાર ગામડાંનાં ૭૦૦ ઘરોમાં વીજળી પહોંચી. આ ગામડાં કુલ્લુની ખીણમાં રસકતની આજુબાજુ આવેલાં છે. આ ખીણપ્રદેશના રહેવાસીઓ માટે એક બીજું નવું પરિવર્તન છે, રોપ-વે ટ્રોલી. પર્વતીય ઉચ્ચપ્રદેશોમાં થયેલી ખેતપેદાશને આ રોપ-વે ટ્રોલી દ્વારા નીચાણવાળા અને ખીણના વિસ્તારોમાં લઈ જઈ શકાય છે. પહેલાં વજન પીઠે કે માથે ઊંચકીને આ કાર્ય થતું. લોકોનાં તન તોડવાનું આ કાર્ય હતું. એને બદલે આ જળવિદ્યુતક્રાંતિએ લોકોને નિરર્થક પરિશ્રમમાંથી બચાવી લીધા. ભારદ્વાજજીના આ શ્રદ્ધેય ઊર્જા પ્રાપ્તિ પદ્ધતિને લીધે એકેક લાખને ખર્ચે તૈયાર થતી ચાલીસ ઇલેક્ટ્રિક રોપ-વે ટ્રોલી કામ કરતી થઈ ગઈ છે. આ બધી રોપ-વે ટ્રોલી નાના ધંધાર્થીઓએ ઊભી કરી છે. આ જળવિદ્યુતસંકુલ સંચાલન માટે મણીચંદ વર્માને કામે લગાડ્યો. આ ઇજનેર દિલ્હીના બહુમાળી મકાનમાં મનહૃદય વિનાનું લિફ્‌ટ ચલાવવાનું કાર્ય કરતો હતો. એ મણીચંદ વર્માને કામ તો મળ્યું, પગારેય મળ્યો પણ મનહૃદયનો જે આનંદ મળ્યો તે અનન્ય છે. કાર્ય અને સેવાના આ પ્રયત્નનું ઉદાહરણ. પોતાના જળવિદ્યુત ઉત્પાદનના કાર્યમાં તેમજ તેના આનુષંગિક કાર્યમાં વારંવાર ખલેલરૂપ થતા ભૂસ્ખલનોથી બચવા ભારદ્વાજજી આવાં ઢોળાવવાળાં સ્થળોએ વૃક્ષો વાવવાનું કાર્ય પણ કરે છે. પ્રકૃતિની બધી અનિયમિતતાઓ, આફતો, સમસ્યાઓની વચ્ચે પણ આ માનવ જો ધારે તો ભગીરથની જેમ ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવી શકે. પણ આવાં કાર્ય કરવા માટે હૈયામાં જોઈએ હામ, મનમાં જોઈએ ધૈર્ય, કામમાં જોઈએ લગની.

આવી જ બીજી વાત લઈને આવે છે ૨૩, જાન્યુઆરી, ૨૦૦૩નું ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’. એના વીર નાયક છે કેરાળાના બે યુવાન ઇજનેર, અનિલ અને મધુ. અને વાર્તા છે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના બિલગાઁવ ગામની. આ બંને સ્વપ્નસેવી યુવા ઇજનેરોએ એક નાનું જળવિદ્યુત સ્ટેશન ઊભું કર્યું. આ બિલગાઁવ ઉદય અને ટિટોડી નદીના મેદાની પટ પર વસેલું છે. આ સ્થળે આ બંને નદીઓ એક ધોધના રૂપે વહે છે. બંને નદીઓનું સંયુક્ત જળ ટેકરાળ વિસ્તારમાં થોડા કિલોમિટર સુધી વહે છે અને પછી નર્મદામાં એનાં જળ ભળી જાય છે. પણ એ પહેલાં પડતા પાણીના ધોધનો ઉપયોગ કરીને જળવિદ્યુતયંત્ર સ્થાપવામાં આવ્યું. આ નાનકડો વિદ્યુતયંત્રદીવો આજુબાજુના વીસ પર્વતીય વિસ્તારોમાં રહેતાં ૨૦૦૦ લોકોને વિદ્યુત પૂરવઠો પૂરો પાડે છે. આ જળવિદ્યુતના લાભાર્થીઓ અનિલ અને મધુને નાના આડબંધો, જળવિદ્યુત સ્ટેશન વગેરેના બાંધકામકાર્યમાં સહાય કરે છે. આવાં નાનાં જળવિદ્યુત મથકોની સ્થાપના અને તેના વિકાસ માટે કેરાળાની રાજ્ય સરકાર અને ચીનની એક કંપનીએ થોડા મહિના પહેલાં આવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરવાનાં ઉપકરણોના ઉત્પાદન માટે કોલકરાર કર્યા છે. ચીનની આ કંપનીએ ૪૫૦૦૦ જેટલા જળવિદ્યુતમથકો વિશ્વભરમાં સ્થાપ્યાં છે.

જળથી ચાલતાં ચકરડાં એટલે કે જળયંત્રો ઉત્તરાંચલના લોકોના દૈનંદિન જીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં આ જળયંત્રો મથકો ‘ય્રચચિાજ’ને નામે જાણીતાં છે. નવી ટેક્નોલોજીના આગમનની સાથે છેલ્લા દાયકાથી માંડીને અત્યાર સુધીમાં એમાં ઘણું પરિવર્તન આવ્યું છે. જો કે એની ઉપેક્ષા પણ ઘણી થઈ છે પણ બિનસરકારી સેવાભાવી સંસ્થાઓના સાથસહકારથી ‘ય્રચચિાજ’ હવે નવું વિકાસશીલ રૂપ ધારણ કરે છે. અંદાજી આંકડાકીય માહિતીના આધારે નોર્થઈસ્ટથી માંડીને જમ્મુ-કાશ્મીર સુધીના સમગ્ર હિમાલયના વિસ્તારોમાં આવાં પાંચ લાખ જેટલાં જળયંત્રો ચાલે છે. એકલા ઉત્તરાંચલમાં આવાં ૭૦૦૦ જળયંત્રો છે. આવા યંત્રો દ્વારા ઘઉં, ચોખા, મકાઈને દળવાનું કાર્ય થાય છે તેમજ તેલીબિયામાંથી તેલ કાઢવાનું કાર્ય પણ થઈ શકે છે. આ યંત્રો હિમાલયના પર્વતીય પ્રદેશોમાં વર્ષોથી આવાં કાર્યો કરે છે. હિમાલયન એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝ એન્ડ કોન્ઝરવેશન ઓર્ગેનિજેશન (હેસ્કો)માં કાર્ય કરતા ડો. અનિલ જોષી કહે છે: ‘યોગ્ય ટેક્નોલોજીના અભાવે આવાં જળયંત્રો દળવા, પીસવાના કાર્ય પૂરતાં મર્યાદિત બની ગયાં હતાં. તેનો વધુ ઉચ્ચ ઉપયોગ થઈ ન શક્યો. આ જળયંત્રો જે પાયાના સિદ્ધાંત પર કામ કરે છે એ પાયાના સિદ્ધાંત પર જળવિદ્યુતમથકો વિદ્યુત-ઉત્પાદનનું કાર્ય કરે છે. આવા જળયંત્રોના જાગરણ અને હેસ્કોના સતત પ્રયાસોના પરિણામે ઉત્તરાંચલના ગઢવાલ વિસ્તારમાં ૧૯૮૯ સુધીમાં ૧૫૦ જેટલાં જળયંત્રોને વિકસિત કરવામાં આવ્યાં છે. આ યંત્રોમાં નજીવા પરિવર્તન કરવાથી તેઓ વિદ્યુત-ઉત્પાદનનું કાર્ય પણ કરે છે. જો આવું કાર્ય થાય તો આ વિસ્તારના લોકોની ઊર્જાની જરૂરતને પહોંચી વળાય અને હિમાલયના વિસ્તારનો વિકાસ કંઈક જુદો જ હોઈ શકે.

પાણીને નાથીને જળવિદ્યુત ઉત્પન્ન કરવામાં આપણે અત્યાર સુધીમાં કુલ શક્તિના ૨૨% નો ઉપયોગ કરી શક્યા છીએ. રસપ્રદ વાત એ છે કે આપણા દેશની વિદ્યુતશક્તિની જરૂરત ૧,૨૬,૦૦૦ મેગાવોટની છે અને નાના મોટા જળધોધમાંથી મળી શકતી ઊર્જા છે ૭૮,૦૦૦ મેગાવોટ. હેસ્કો નિર્દેશ કરે છે કે હિમાલયની આજુબાજુના વિસ્તારોના આ જળયંત્રો દ્વારા જો વિદ્યુત ઉત્યાદનનું કાર્ય થાય તો તેની આપૂર્તિ કરવી સરળ બની જાય. જુદી જુદી કક્ષાએ થયેલાં સંશોધનો પ્રમાણે સમગ્ર હિમાલયના વિસ્તારોમાં પાંચ લાખ જળયંત્રો કામે લગાડાય તો તે ૨૫૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આનું આપણે રોકડ રૂપિયામાં મૂલ્યાંકન કરીએ તો દર કલાકે ૧૨૦૦ મિલિયન રૂપિયાની ઊર્જા ઉત્પન્ન કરી શકે. એટલું જ નહિ પણ એના દ્વારા ૧૫,૦૦,૦૦૦ લોકોને નોકરી પણ મળી શકે. આ વાત છે નાની પણ વીજળીની અત્યંત ખેંચ અનુભવતાં આપણાં રાજ્યોએ આવાં જળવિદ્યુતયંત્રો લગાડવાનું કાર્ય આરંભી દેવું જોઈએ. આવાં યંત્રો અજવાળાં પાથરશે, કલકારખાનાં ચલાવશે અને ઘણાને કામે પણ લગાડશે.

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.