રાજકોટના શ્રી વીરજીભાઈ વેડના દાનથી ૧૯૩૬ના ડિસેમ્બરમાં અતિથિગૃહના નાના મકાનનું બાંધકામ શરૂ થયું. 

શ્રીરામકૃષ્ણદેવના જન્મદિનનો શતાબ્દિ મહોત્સવ (૧૯૩૬-૩૭)

શ્રીરામકૃષ્ણદેવના જન્મતિથિના શતાબ્દિ મહોત્સવની ઉજવણી માટે રાજકોટના કોનોટ હોલમાં ૮મી માર્ચ, ૧૯૩૬ના રોજ એક સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિના ચેરમેન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી જી.એચ. ગુગ્ગલી, આઈ.સી.એસ. હતા. શ્રી એમ.એચ. ઉદાણી, ખાનબહાદુર, જી.એમ. મુનશી, રાવબહાદુર પી.જી. મસુરેકર અને બીજા રાજકોટ શહેરના અગ્રણી નાગરિકો આ મિટિંગમાં ઉપસ્થિત હતા. આ શતાબ્દિ વર્ષના ઉજવણીના ઉપલક્ષ્યમાં સર્વધર્મ પરિષદ, નારીસંમેલન અને યુવસંમેલનનું આયોજન કરવાનું નક્કી થયું.

૧૩ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી, ૧૯૩૭ના રોજ કોનોટ હોલમાં સર્વધર્મપરિષદનું આયોજન થયું. બ્રહ્મચારી પંડિતશ્રી શીતલપ્રસાદજીએ જૈનધર્મ, શ્રીમતી શિરિન કે. ફોજદારે બહાઈ ધર્મ, રેવ. ડબલ્યુ. વિલ્સને ખ્રિસ્તી ધર્મ, પ્રો. આર.બી. આઠવલેએ વૈષ્ણવધર્મ અને શ્રીરામકૃષ્ણ, પ્રો. વાય.એસ. તાહેરઅલીએ ઈસ્લામ, શ્રી એફ. જે. જીનવાલા અને એફ.એમ. માસ્ટરે જરથ્રોસ્તીધર્મ, અને પંડિતશ્રી કૃષ્ણવલ્લભાચાર્યે સ્વામીનારાયણધર્મ તેમજ સ્વામી સર્વાનંદજીએ શ્રીરામકૃષ્ણ અને સર્વધર્મસમન્વય વિશે પોતપોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. આ ત્રણેય દિવસે શ્રી ચંદુલાલભાઈ અને શ્રી શંકરલાલભાઈના ભજન-સંગીતનો લાભ સૌ કોઈને મળ્યો.

૧૫મી ફેબ્રુઆરી ૧૯૩૭ના રોજ વનિતાવિશ્રામ- જી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલમાં નારીસંમેલનનું આયોજન થયું હતું. ગોંડલના યુવરાણી સાહેબાશ્રી આ સંમેલનના અધ્યક્ષ હતાં. આ સંમેલનમાં ૧૦૦૦ બહેનોએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં શ્રીમતી સુશીલા પૈએ શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશ વિશે પોતાનું વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

૨૦મી ફેબ્રુઆરી ૧૯૩૭ના રોજ સ્વામી વિજયાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને એક યુવસંમેલનનું આયોજન થયું હતું. આ શતાબ્દિ મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું. એમાં સર્વાનંદજી, સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી બાલકૃષ્ણાનંદજી, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી, અન્ય સંન્યાસીઓ, રાજકોટના અગ્રણી નાગરિકો, વિદ્યાર્થીઓ અને રાજકોટના નગરજનોએ ભાગ લીધો હતો.

પુસ્તકપ્રકાશન (૧૯૩૭)

૧૯૩૭માં એક બીજી મહત્ત્વની પ્રવૃત્તિનો આરંભ થયો. શ્રીરામકૃષ્ણદેવ સંક્ષિપ્ત જીવન અને ઉપદેશ, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ : ભાગ-૧-૨, ભક્તિતત્ત્વ, જેવાં કેટલાંક ગુજરાતીપ્રકાશનો બહાર પડ્યાં.

નવું આશ્રમવિદ્યાર્થીમંદિર ‘વિવેકાનંદ ગુરુકુલ’

આશ્રમ દ્વારા સૌરાષ્ટ્ર ભરના ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટેનું એક વિદ્યાર્થીમંદિર ચલાવતું હતું અને આ ઉપરાંત મેટ્રિક્યુલેશન પરીક્ષાના ૬૦ વિદ્યાર્થીઓ માટે અભ્યાસસહાયક વર્ગો ચલાવાતા હતા. આ વર્ગોમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, એજન્સી હાઈસ્કૂલ અને રાજકુમાર કોલેજના શિક્ષકો વિનામૂલ્યે સેવા આપતા હતા.

‘માનવ બનો અને માનવ બનાવો’ના સ્વામી વિવેકાનંદના આદર્શ પ્રમાણે ‘વિવેકાનંદ ગુરુકુલ’ એ નામે અંગ્રેજી માધ્યમની એક શાળા જૂન ૧૯૩૯માં શરૂ થઈ. અમદાવાદના મફતલાલ ગગલભાઈની ઉદાર સહાયથી વિદ્યાર્થીઓના નિવાસ અને અભ્યાસ માટેના એક હોલનું બાંધકામ કરવામાં આવ્યું. ધ રેસિડન્ટ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયાના અંડર સેક્રેટરી શ્રી એફ.એફ. પીયર્સને આ ગુરુકુળનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ધીમે ધીમે સંખ્યા વધતાં મોટા વિદ્યાર્થી ભવનના બાંધકામની આવશ્યકતા પડી. મોરબીના મહારાજા સાહેબશ્રી લખધીરજીની સહાયથી ૧૯૪૦માં એક વિશાળ હોલનું બાંધકામ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ માટે તેને ખૂલો મૂકાયો. ૧૯૪૫ના નવેમ્બરમાં આ ગુરુકુળમાં રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ પણ અભ્યાસાર્થે આવતા હતા. કુલ ૯૦ વિદ્યાર્થીઓમાંથી ૬૦ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા.

શ્રીરામકૃષ્ણદેવનું મંદિર (૧૯૪૩)

૧૯૪૩ના ડિસેમ્બરમાં અમદાવાદના દાનવીર શ્રી મફતલાલ ગગલભાઈની આર્થિક સહાયથી નવા મંદિરનો સમર્પણવિધિ સંપન્ન થયો. શ્રી કરુણાશંકર જોષીએ ૧૯૩૫માં બનાવેલ શ્રીરામકૃષ્ણદેવની મોટી છબિનું પૂજન જૂના મંદિરમાં થતું. આ વિશાળ છબિ સાથે શ્રીરામકૃષ્ણદેવની આરસની મૂર્તિનો પ્રતિષ્ઠાવિધિ ૧૧ ડિસેમ્બર ૧૯૪૩ના રોજ આ નવા મંદિરમાં થયો. શ્રી એચ. એ. પારેખ, શ્રીમતી જે.આર. કામદાર, શ્રી બળવંતરાય પ્રભાશંકરની ઉદાર સહાયની અહીં નોંધ લઈએ છીએ. વિદ્યાર્થીમંદિરના વિદ્યાર્થીઓ તેમજ ભક્તજનો માટે આ મંદિરના પ્રાર્થનાખંડનો ઉપયોગ થતો. અહીં દરરોજ સવારસાંજની પ્રાર્થના આરતી અને નિયમિતપણે રામનામ, શિવનામ, શ્યામનામ સંકીર્તનનું આયોજન થતું. જૂન ૧૯૪૪માં શ્રીરામકૃષ્ણ આશ્રમે ૧૫૦૦૦ ચો.વાર જમીન પોતાની વિકાસ પ્રવૃત્તિઓ માટે ખરીદી. રાજકોટના ઠાકોર સાહેબશ્રી પ્રદ્યુમ્નસિંહજીએ આઠ આને ચો.વારના નજીવા દરે આ જમીન આશ્રમને આપી હતી.

નૂતન પ્રકાશનો (૧૯૪૫-૬૦)

૧૨મી સપ્ટેમ્બર ૧૯૪૫ના રોજ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ આશ્રમના અધ્યક્ષ સ્થાને નિમાયા. એમની કુનેહભરી આગેવાની હેઠળ આશ્રમના પ્રકાશન વિભાગે ઘણી મોટી પ્રગતિ સાધી. ૧૯૪૫થી ૧૯૬૦ સુધીમાં ઘણાં ગુજરાતી પ્રકાશનો બહાર પડ્યાં. જેમાં શ્રીમા શારદાદેવી સંક્ષિપ્ત જીવન, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ : ભાગ-૩ થી ૫, સ્તોત્રસંગ્રહ, સ્વામી શિવાનંદ જીવન અને કાર્ય જેવાં પુસ્તકો અને સ્વામી વિવેકાનંદનાં કેળવણી, વીરવાણી, બહેનોને, ભારતને જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના ગુજરાતી પ્રકાશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ મહોત્સવ નિમિત્તે ત્રણ મહત્ત્વના પ્રકાશનપ્રકલ્પ હાથ ધરાયાં.

નવું જાહેર ગ્રંથાલય (૧૯૫૫)

૧૯૨૭માં શરૂ થયેલ આશ્રમનું પુસ્તકાલય ૧૯૩૫માં આશ્રમના નવા (હાલના) સંકુલમાં આવ્યું. વાચકોની વધતી સંખ્યાને લીધે વિશાળ, અદ્યતન, સુસજ્જ ગ્રંથાલયની જરૂર ઊભી થઈ. બે માળના નવા ગ્રંથાલયના બાંધકામનો આરંભ ૧૯૫૪માં થયો હતો. ભારત સરકારની ઘણી મોટી સહાય મળી હતી. ૧૪મી ઓક્ટોબર ૧૯૫૫ના રોજ તત્કાલીન ભારતના ઉપરાષ્ટ્રપતિ ડો. એસ. રાધાકૃષ્ણન્‌ના વરદ હસ્તે અને શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજ (તત્કાલીન જનરલ સેક્રેટરી, રામકૃષ્ણસંઘ) સ્વામી સંબુદ્ધાનંદજી, સ્વામી રંગનાથાનંદજી, અન્ય વરિષ્ઠ સંન્યાસીઓ, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રી, અને અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં આ ગ્રંથાલયના મકાનનું ઉદ્‌ઘાટન થયું હતું. આ મંગલ ઉદ્‌ઘાટન પ્રસંગે ડો. રાધાકૃષ્ણને ૧૫૦૦૦ જેટલા લોકોને સંબોધન કર્યું હતું.

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.