દીઠે સુણ્યે તો આપણા જ જેવા. આપણા લોકો જેવી જ વાતો અને છતાંય બ્રહ્મસ્વરૂપ. એ દેહનાં માંસમજ્જા તો કાશીપુરના સ્મશાનમાં ભસ્મીભૂત થઈ ગયેલાં અને તોયે રામકૃષ્ણતનુ, એ જ ‘ચિદ્‌ઘનકાય’ કરોડો ભક્તોના હૃદયમાં ઝળહળે છે. એક તો હતા; તો કેમ કરીને આટલા બધા બની ગયા? એક જ હતા તેથી જ.

આંખો તરફ જરાક ધ્યાનથી નીરખો. એ આંખો જુએ છે, છતાં નથી જોતી. વસ્તુને જુએ છે, અવસ્તુને નથી જોતી – છે જ નહિ તે. સતને દેખે છે, અસતને નથી દેખતી – હોય તો જુએને! એ વિમલનયન જ ‘જ્ઞાનાંજન’ અજ્ઞાનધ્વંસી, મોહમાયાવિનાશક જ્યોતિર્દીપ. એ ચક્ષુનું જોવું – ના જોવુંના રહસ્યની ઓઢણી ઓઢીને ઈશ્વરનું જીવકારુણ્ય અને જીવની ઈશ્વરાભિમુખતા એક બીજાને આંલિંગીને સ્તબ્ધ બની બેઠેલાં છે.

અસ્તિ-વસ્તુની સરવાણીને ‘ભાવ’નું નામ આપી શકાય. એનો ઝલમલતો સાગર શ્રીરામકૃષ્ણ. આ કાંઈ દાર્શનિકોનો નિર્વિકાર બ્રહ્મસાગર નથી, આ તો છે ‘ચિર-ઉન્મદ-પ્રેમપાથાર’. પ્રેમના પ્રેરાયા આવ્યા. જે આવ્યા છે તે પોતે જ જો અનંત હોય તો એમના પ્રેમનો અંત ક્યાં પામશો, કેમ કરીને પામશો? જેમના પ્રેમનો અંત નથી એમના પ્રેમને કશા હેતુનીયે શી જરૂર? અહેતુક પ્રેમ, બેહિસાબી. જરાય ન જાણે હિસાબ-કિતાબ. બધું યે ઠલવી નાખતો એમનો એ ઉન્માદીપ્રેમ.

જે છે જગદીશ્વર, તે છે વ્યોમેશ્વર. એ જ આવે છે યુગે યુગે. પધાર્યા છે પાર વગરની કરુણા-ભક્તિના ખેંચાણે, ભક્તોને તારવા. વછૂટાં પડી ગયેલાંને યુક્ત કરવા. જુઓ તો ખરા, આ બધાંયે ભૂલી ગયા છે પેલો નાડીનો સંબંધ! લોકોની ભીડ વચ્ચે, વાતોચીતો કરતાં કરતાં, રસ્તે ચાલતાં ચાલતાં મજાક મશ્કરી કરતાં, હસતાં, રોતાં, શાંત વિવિધ અવસ્થામાં અચાનક જ સમાહિત થઈ જઈને પ્રત્યક્ષ કરીને દેખાડી દીધી મનુષ્યની સત્ય, સનાતન અવસ્થા. સત્ય-સુંદર બનીને જીવનમાં આવ્યા, જીવને ફરી પાછા શિવ કરવાને. અજ્ઞાનના અંધારિયા ઓરડામાં પ્રજ્ઞાનો મહિમાદીપ પ્રગટાવ્યો.

‘બલરામે જમાડ્યા છે, હવે નચાવી લેશે.’ જીવન દેવાને કાજે જ જીવનધારણ. માને કેટકેટલી કાકલૂદીઓ: મા, મને અચેતન કરીશ ના. મા, મને બ્રહ્મજ્ઞાન દઈશ મા. હું તો મનુષ્ય સાથે આનંદ કરીશ. અને એ આનંદ પણ કેવો? તિલ તિલ કરીને પોતાના પ્રાણો દીધા – અવારિત દ્વાર. હવાની માફક જેને પણ મન થાય તે ગમે ત્યારે આવી શકે. બેઠેલા છે, સૂતેલા છે – પળેપળ એ જ પ્રતીક્ષા – ક્યારે તપ્ત, દુ:ખી ભટકીને ભૂલા પડેલા જિજ્ઞાસુ આવે. મોડી રાત્રે વારાંગનાગૃહેથી આવ્યો મદિરાધૂત ગિરિશ. એની સંગાથે પણ માના નામે મતવાલા થઈને હાથ પકડીને નાચ્યા. ‘કૃંતન કલિડોર’ ઠર્યા હતા ને! કાલીના ખડ્‌ગ વિના બીજું કોણ એ કલીપાશ કાપે? અને તે છતાંય ઠાકુરે એ ખડ્‌ગને કેટલા તો પ્રેમથી પલાળીને પ્રહાર કર્યો! અને પછી એ પ્રહારી વેદનાને ય જીલી લીધી પોતા ઉપર, માત્ર પરિત્રાણની જીવસેવાનો વિરામ નહિ. વળી પાછું કહ્યું: ‘તમે બધા જો કહો કે આટલી બધી દર્દની પીડા, ભલે દેહ પડી જાય, તો એ જાય અને તો પણ કોઈએ એવું કહ્યું નહિ. શેષપ્રસાદી આપવા તો આવેલા, પ્રાણોનો શેષ થયા વિના ક્યાંથી થવાની હતી યજ્ઞસમાપ્તિ? પ્રાણાંત થાય ત્યારે જ તો વેદાંત.

કામિનીનો પરિહાર કરીને શક્તિનો કર્યો ઉદ્ધાર, સ્વમહિમાથી શોભિતો. કાંચનનો ત્યાગ કરીને શ્રીને કરી હૃદયાસીના. માનવજાતની આ પૃથ્વીને એટલી તો ઐશ્વર્યશાળી કરીને મૂકી ગયા. હવે વહેંચીને લેવાય તેટલું લઈ લો ને! ત્યાગીશ્વરના દાનનું – પૂંજી પ્રદાનનું તળિયું નહિ જડે. આ કંઈ બેંકનું ખાતું નથી, આ તો છે ચારેય પુરુષાર્થની ચાવી.

હરહંમેશ ભયે, સદા સંશયે ધડધડ કરતી છાતી જાણે કે શિકારીનો પીછો છોડાવવા ભાગતું પશુ. નિર્ભય બનવા માટે ઉંદરની માફ દર ખોળે છે. આનો કે પેલાનો મોઢાનો કોળિયો ઝૂંટવી લઈને પોતાના બાળબચ્ચાંને માટે સંતાડી રાખે છે. આપદાથી બચવાને માટે ખડકી રાખે છે ધરાનો ધ્વંશ કરનારી શસ્ત્રસરંજામની આપદા, સુખશાંતિને માટે બની બેઠો છે મારકણો. તો વળી બીજી તરફે કેટલી તો કળા, કેટલી વિદ્યા, કેટલું વિજ્ઞાન! આ જ તો છે માનવ. હાય રે, માનવાન! શી દશા થઈ છે તારી? આ બધાની વચમાં પણ રહેલો છે મુક્તિનો ઉન્મુક્તપથ. પોતાને જાણો. કંગાલિયત ભૂંસાઈ જશે. ભૂંસાઈ જશે ભયસંશય અને છાતી ધડધડ નહિ કરે. ‘ભગવાનલાભ જીવનનો ઉદ્દેશ’ : મનુષ્યના જીવનને આવી રીતે તીરની માફક લક્ષ્ય મૂકી બીજું કોણ કરીને ગયું છે? બસ, આ એક જ પકડી લીધું એટલે થઈ ગયું; પછી બાકીનું બીજું બધુંયે દાંતેદાંતા ભીડાઈને ગોઠવાઈ જશે. આને જ કહે ઈશ્વરપ્રેમ. માર્ગ ભૂલ્યાને પણ પકડીને ફેરવી આણે, અને સમજાવી દે કે ડર બંદૂકનો નથી પણ ગોળીનો છે. લક્ષ્યમુખી બનો, લક્ષ્યની સમસ્યા રહેશે ત્યાં લગી કશુંયે કરવા નહિ પામો. 

અનેક જણા તો છે, લાખો લોક જેઓ પોતાને ઓળખવાનું જાણતા નથી; એ સૌના બન્યા બિનશરતી નાવિક. ‘નિષ્કારણ ભક્તશરણ’, આખા જગતમાં સાદ કરતા ફરે છે. કોઈ કહે નહિ તો સામેથી બોલાવે: જોઉં તો તારી જનોઈ ક્યાં? અષ્ટાધ્યાયી વાંચી છે? કારણ વિના ખુદ પોતાને હૈયેથી પ્રેમ છલકી પડે છે. તેથી જ જ્યાં કશે પણ આર્તિ, ભ્રાંતિ, અશાંતિ ત્યાં તેઓ કોઈને કોઈ બહાને આવીને ઊભા જ રહે છે. હાથ પકડીને ઘરમાં પેસવા ન મળે તો પોતરાની ‘બાળપોથી’ના પાને છબિ બનીને છાનામાના ઘરમાં ઘૂસે. કેટલાં તો એમનાં ફિત્તુર! પણ બીજું થાયે શું. શું લઈને રહેવું? આવી ને પડ્યા એટલે જ ઊભી થઈને આ બધી જંજાળ.

દુ:ખોનો અંત શોધી શોધીને જ આપણે ઘડ્યો છે આટલાં દુ:ખોનો પહાડ. આટલું બધું દુ:ખ છે શેનું? અભાવનું. આટલો અભાવ આવે છે ક્યાંથી? સ્વભાવમાંથી. આ સ્વભાવ પણ ટાળ્યો ના ટળે. છતાંયે ઉપાય છે. આ ચરણયુગલ જ્યાં વિશ્વ લેટી રહ્યું છે તેમાં આશ્રય લો. અને પછી જોશો કે આ ધરા સાચેસાચ જ શકોરા સમી. ભક્તિ જ છે શક્તિ. શક્તિ તે જ ઐશ્વર્ય. ભક્તિમાં જે શક્તિ છે, તેના સ્વભાવના તાણેવાણે જ ભગવાન અનુસ્યૂત. ગાયની ખરીના ખાડાના પાણીમાં અગર મોજું ઊઠે તો એમાં પછી તરવા – ડૂબવાનું બને નહિ. તેથી જ આ શ્રીપદ એ જ ખરી સંપદ. ‘સંપદ તવ શ્રીપદ ભવ ગોષ્પદવારિ યથાય’.

કામારપુકુરનો એક નફિકરો બાળક આજે કેમ કરીને પૂરી પૃથ્વી પર પથરાઈ ગયો છે? બહુજનોનાં બહુ દુ:ખોનો ભાર વહેતો વહેતો ઘૂમી રહ્યો છે. કેટકેટલાં અશાંત હૃદયોમાં છોડી દીધાં છે શાંતિના ફુવારા. કેટલાં ભયભીતોને કીધાં છે અભય. કેટલાં ત્રાસેલાં જનને કર્યાં છે શાંત. કેટલાં ભૂખ્યાં ભટક્યાંને ચીંધી દીધો છે ખરો માર્ગ. કેટલાં સાથીસંગીવિહોણાના થયા છો પરમમિત્ર, કેટલાં મલિન જીવનોમાં ખીલવી દીધી છે નિર્મળતા, પવિત્રતા. દિશદિશાએ, દેશદેશાંતરે કેટલા પ્રકારે પથરાઈ રહ્યા છે. દરેકની પાસે પેલા હૃદયની જણસ જાણે એ ખાસ વ્યક્તિને માટે, અને તોયે સહુના. ‘પ્રેમાર્પણ સમદરશન’. તેથી જ ‘જગજનદુ:ખ જાય’.

આવ્યા તો હતા અસ્તિનાસ્તિના પેલે પારથી. અને તોયે માટીના પાત્રના બન્યા આધેય. તેથી જ તો પ્રભુ બોલ્યા છે, ફરી એકવાર આવશે, હાથમાં ભાંગેલું શકોરું લઈને. આવશે કે નહિ આવે, કશું ખાટું મોળું થતું નથી. આજે એ આવ્યા છે એટલાથી જ ભયોભયો. જેમણે એકવાર એમને હૃદયમાં બીરાજમાન કર્યા છે તે શું પછી અજ્ઞાનના અંધારે બેઠો રહેવાનો છે? પ્રકાશના રાજ્યમાં હૃદયની અંદર એમના સ્વરાજ્યની પ્રાપ્તિ કરશે.

નરેનના ઠાકુર, ભાવમુખના ઠાકુર, ભાવના ઠાકુર એમને અડકી શકાય, પકડી ના શકાય. પકડવાનું બને એમના જ હાથે. યાદ આવે છે પેલા દિવસની વાત? આગલી રાત્રે જ નરેનને માનો સાક્ષાત્કાર થઈ ગયેલો. ઠાકુરે જ મોકલેલો. ગયો હતો જગદીશ્વરી પાસે દૂધી, પતકોળું માગવા – મા, ભાઈ બહેનોને માટે બે કોળિયા ધાનની વ્યવસ્થા કરવા માટે. માની સમક્ષ ઊભા રહીને એ બધું વિસરી ગયા. પણ બીજી બાજુથી હતા શ્રુતિધર. ભક્તિવિહ્‌વળ બનીને વારંવાર શીશ નમાવીને પ્રણામ કરતાં બોલ્યા: ‘મા, વિવેક દો, વૈરાગ્ય દો, જ્ઞાન દો, ભક્તિ દો અને જેથી કરીને તમારાં અબાધ દર્શન નિત્ય મળે એવું કરી દો.’ ત્રણ ત્રણ વાર ગયા છતાં પણ પેલી પ્રાર્થના તો મનથી કે જીભથી ઉચ્ચારી જ ન શક્યા. જેના હૃદયસિંહાસને સ્વયં મા આરૂઢ થઈ છે તેનું તો બધું જ નીપજી ચૂક્યું છે. એને તો કશું જ મળવાનું રહ્યું જ નહિ. એનું તો માગવું મેળવવું તે માત્ર માની ઉપાસના માટે જ. તેથી જ તો ભોંયે પડીને અશ્રુધારા વહેવડાવતાં આટલું જ કહ્યું: ‘બીજું કાંઈ માગું નહિ મા, કેવળ જ્ઞાન-ભક્તિ દો.’ પણ ઠાકુરના મોંએથી આટલું બોલાવી લીધું: ‘ઠીક છે જા, એમને કદી જાડાં ધાન-કપડાંનો અભાવ નહિ વરતાય.’ હોંશે હોંશે બોલેલાને અવતારગાયના આચળ! એટલી શ્રદ્ધાપૂર્વક જગતને સ્વીકારી લીધેલું. કાંઈ એમ ના કહ્યું કે ‘કા તે માતા, કસ્તે ભ્રાતા, કા તે ભગિની?’ સબળાને કહેલું કે સંસારની વ્યવસ્થા કરીને આવો. હરીશને દક્ષિણેશ્રથી કાઢી મૂક્યો, લગ્ન કરીને, છોકરાનો બાપ બનીને, બૈરી છોકરાંની વ્યવસ્થા કર્યા વિના ધર્મ કરવા આવવું તે તો નર્યું પાખંડ છે. અને વળી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મા-બાપને દગો દઈને જે જન ધર્મ કરવા જાય તેનું તો ધૂળ થાય! આ પણ ઠાકુરની એક નવીન પ્રકારની એક માતૃસાધના. બિલી ફળનાં બીજને પણ બાદ કર્યા વિના તમામે તમામ સ્વીકારવું. વેદાંતની આ હૃદયવત્તાને જ ઠાકુરે નરેનમાં વિશેષ કરીને વિકસાવી. પોતાનો દેહ રહ્યો ત્યાં લગી નરેનને ગૃહત્યાગી બનવા ન દીધો. સંસારનું ઋણ ફેડવાને માટે દુ:ખકષ્ટમાં પડેલો રાખ્યો. અને નરેને નિજ જીવનમાં ઠાકુરને એ જ ભાવે પ્રકટ કર્યા.

પહેલી એ રાત્રે મંદિરમાંથી બહાર આવીને એમણે ઠાકુરને કહ્યું: ‘માનું ગીત શિખડાવી દો.’ અને ઠાકુરે પોતે જ નરેનને આ ગીત શીખવી દીધું :

‘મારી મા, તું જ તારા, તું છે ત્રિગુણધરા પરાત્પરા.
તને જાણું ઓ મા દીનદયામયી, દુર્ગમપથે દુ:ખહારા.
તું છે જળે, તું છે સ્થળે, તું જ છે આદ્યામૂળે હો મા.
તું છે સર્વઘટે, ધરીમધ્યે, સાકાર આકાર નિરાકારા.
તું છે સંધ્યા, તું ગાયત્રી, તું જ જગદ્ધાત્રી, ઓ મા.
અફાટ સાગરે ત્રાણ કરી, સદાશિવની મનોહરા.’

ઠાકુરના સૂરે સૂર મીલાવીને એ મહાનીશાએ નરેને શીખી લીધું એ માનું ગાન. અને ત્યાર પછી રાતભર વિભોર બનીને ત્યાંના ગંગા કિનારાના ગગનપવનને ભર્યા ભર્યા કરી મૂક્યા.

સવારના સમયે ઘણા ભક્તોએ આવીને દીઠું કે ઠાકુરનું મુખમંડળ આનંદે પ્રફુલ્લિત થઈ રહ્યું છે. નરેન વરંડામાં પડ્યો પડ્યો ઊંઘે છે. એને દેખાડીને હરખાતાં હરખાતાં બોલ્યા: ‘નરેન્દ્રે કાલીને માની લીધી છે. સારું થયું ને?’ વારંવાર એ જ એકની એક વાત! નાનકડો બાળક જેમ એક ગલોફેથી બીજે ગલોફે પીપરમીટ મમળાવી મમળાવી, ચૂસી ચૂસીને ખાય એવી રીતે હસતાં હસતાં ઠાકુર ભાવરસ તરબોળ થઈને કહેતા રહ્યા, ‘નરેને માને માન્યાં છે. બહુ સરસ થયું, શું કહો છો?’

પછી દિવસ ચડતાં જ્યારે નરેન ઠાકુરને ઓરડે આવીને બેઠો ત્યારે ઠાકુર એને જોતાં જ ભાવાવિષ્ટ બન્યા. એકદમ એને ખોળે ચડીને બેઠા અને કહી ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ની શિખરસમી રહસ્યકથા : પોતાના શરીરને અને નરેનના શરીરને વારાફરતી બતાવીને બોલ્યા: ‘જુઓ છો શું, આ યે હું અને પેલો ય હું. સાચું કહું છું, સહેજ પણ ફરક નથી લાગતો! જ્યારે ગંગાના પાણીમાં એક લાઠી નાખે ત્યારે બે ભાગ પડેલા દેખાય. પણ સાચેસાચ તો કશાય ભાગ નથી પડ્યા, એક જ છે, એક જ છે એમ સમજાય છે ને? મા વિના બીજું કશુંય છે ખરું?’

ત્યાર પછી બોલી ઊઠ્યા : ‘તમાકુ પીવી છે.’ હુક્કામાં પીવાની ના ગમી, બે કશ લઈને કહ્યું: ‘ચલમ વડે પીઈશ.’ બે ચાર કશ ચલમના ખેંચ્યા અને વળી એક બીજું વેન લીધું. નરેનના મોઢા પાસે ચલમ ધરીને કહ્યું: ‘પી તું, મારે હાથે જ પી.’ ગુરુભક્ત નરેન તો એકદમ સંકોચ અનુભવી રહ્યો. ત્યાર પછી ઠાકુરે કસકસીને પકડીને નરેનની આંખોમાં છેવટનું જ્ઞાનાંજન આંજી દીધું : ‘તારી તો ભારે હીનબુદ્ધિ. તું અને હું કાંઈ જુદા છીએ? આ પણ હું અને તે પણ હું.’

અને આ માત્ર વેદાંતના પક્ષેથી નથી. આ જે કહેવાયું ને કે, ‘તે મા વિના બીજું કાંઈ છે ખરું?’ એ જ તત્ત્વની સંગાથે ‘આ પણ હું અને તે પણ હું’નું તત્ત્વ એક. ઠાકુરના જ નરેન, નરેનના જ ઠાકુર. ઠાકુરના જ નરેન, નરેનના જ ઠાકુર. ‘આ પણ હું અને તે પણ હું જ.’

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.