વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને સંભાષણનો શતાબ્દિ મહોત્સવ (૧૯૯૩-૯૪)

વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને આપેલા સંભાષણનો શતાબ્દિ મહોત્સવની ઉજવણી ૧૯૯૩-૯૪ના વર્ષમાં બે તબક્કે થઈ હતી. ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં પોતાનું પ્રથમ અને ઐતિહાસિક પ્રવચન આપીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અનન્ય ઐતિહાસિક ઘટનાને ૧૧મી, સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે. એ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવનકારી પર્વની પ્રભાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીના સાંનિધ્યમાં રાજકોટ શહેરના મુખ્ય માર્ગ પર સાત કી.મી. જેટલા વિસ્તારમાં નીકળેલી વિશાળ શોભાયાત્રામાં રાજકોટ શહેરની શાળામહાશાળાના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧૧,૧૨ અને ૧૮,૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ બેલુરમઠ, કોલકાતામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં ૧૧૪ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

૧૦ થી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪માં બીજા તબક્કાના મહોત્સવનું આયોજન થયું હતું. આ શુભ પ્રસંગે વડોદરા, લીંબડી અને રાજકોટમાં અનુક્રમે ૧૧-૧૨-૧૩ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે ૮ ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓનું અનાવરણ થયું હતું.

૧૦ થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન વડોદરા, રાજકોટ, ધાણેટી, આદિપુર, ભૂજ અને અમદાવાદમાં વિશાળ જાહેર સભાઓનું આયોજન થયું હતું. આ જાહેરસભાઓમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, સ્વામી શ્રીકરાનંદજી મહારાજ, શ્રી યશવંતભાઈ શુક્લ અને બીજા વિદ્વાનોએ પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. 

બીજા તબક્કાના મહોત્સવમાં યુવશિબિર, શૈક્ષણિક સંસ્થાઓમાં વક્તવ્યો, વક્તૃત્વ અને મુખપાઠ સ્પર્ધાઓ તથા ઠેર ઠેર જાહેરસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તજનો દ્વારા ચલાવાતાં ગુજરાતભરનાં વિવિધ કેન્દ્રોમાં પણ આવાં આયોજનો થયાં હતાં અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓએ એ બધા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સમગ્ર ગુજરાતભરમાં અનેક યુવસંમેલનનું આયોજન થયું હતું. એમાં સંભાષણો અને પ્રશ્નોત્તરીના રસપ્રદ કાર્યક્રમો રહેતા. આ મહોત્સવ નિમિત્તે ગુજરાતભરની ૧૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં (૧૯૮૯-૯૫ સુધીમાં) સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું નિ:શુલ્ક વિતરણ તેમજ વેચાણ કરવામાં આવ્યું હતું.

અગત્યનાં પ્રકાશનો (૧૯૯૧-૯૫)

આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતના યુવાનોનાં વિચાર, ચારિત્ર્ય અને જીવનઘડતર માટે સ્વામી વિવેકાનંદની અમૃતવાણીવાળા ૧. સ્વામી વિવેકાનંદ સંક્ષિપ્ત જીવન ચરિત્ર, ૨. શિકાગો વ્યાખ્યાનો, ૩. કરીએ પુનર્નિર્માણ ભારતનું, ૪. જાગો, હે ભારત! આ ચાર પુસ્તકોનું નિ:શુલ્ક વિતરણ કરવા માટે પ્રત્યેકની ૪૦ હજાર લેખે કુલ ૧.૬૦ લાખ પ્રત છપાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉપર્યુક્ત વિષયવસ્તુવાળાં પુસ્તકોની હજારો નકલ બેલુર મઠ દ્વારા યુવશિબિર, સંમેલન વગેરેમાં ભાગ લેનાર યુવાનોને નિ:શુલ્ક વિતરણ માટે મોકલવામાં આવી હતી. 

૧૯૯૧ થી ૧૯૯૫ના સમયગાળા દરમિયાન ઘણાં નવાં પ્રકાશનો પણ બહાર પડ્યાં હતાં. જેમાં અભયવાણી, ગૃહસ્થધર્મ, જાગો, હે ભારત!, સ્વામી વિવેકાનંદના પત્રો, અધ્યાત્મમાર્ગ પ્રદીપ, સ્વામી વિવેકાનંદની સચિત્ર બોધકથાઓ, આધ્યાત્મિક જીવનનો મર્મ, જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિની સ્મૃતિ રૂપે યોજાતી નિબંધ, વક્તૃત્વ, મુખપાઠ અને અન્ય સ્પર્ધાઓ

સ્વામી વિવેકાનંદના જન્મશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૯૬૩ના વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં નિબંધ, મુખપાઠ, વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ શાળા-કોલેજનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે યોજાતી રહી છે. સ્વામી વિવેકાનંદ વિચારપ્રચાર પરીક્ષા, વાર્તાકથન, ભારતના તેમજ વિશ્વના વિવિધ ધર્મનાં દેવદેવીઓ તેમજ પયગંબરોની વેશભૂષાસ્પર્ધા, શીઘ્ર પ્રશ્નોત્તરી, ચિત્રકામ, સ્મૃતિ અનુલેખન જેવી સ્પર્ધાઓ પણ યોજાય છે અને એના દ્વારા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનો અમરસંદેશ તેમજ નૈતિક અને આધ્યાત્મિક ગુણોનું સંવર્ધન વિદ્યાર્થીજગતમાં થતું રહે છે. દરવર્ષે ઉપર્યુક્ત સ્પર્ધાઓમાં ૩૦૦૦ થી વધારે સ્પર્ધકો ભાગ લે છે.

શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ દ્વારા યોજાતા ગ્રામ-વિકાસના કાર્યક્રમો

૭મી માર્ચ, ૧૯૯૩ થી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગ્રામવિકાસ કાર્યક્રમ હાથ ધરાયો છે. દર રવિવારે ડોક્ટર્સ, નર્સિસ, સ્વયંસેવકો અને શિક્ષકો નજીકનાં ગામડાંમાં જાય છે અને શ્રીરામકૃષ્ણ સેવા સમિતિના નેજા હેઠળ આરોગ્ય અને શિક્ષણ સેવાનું કાર્ય કરે છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા દાનમાં મળેલ મેડિકલવાન દ્વારા નિયમિત રીતે સાપ્તાહિક નિ:શુલ્ક દાકતરી સેવાઓ અને દવાઓનું નિ:શુલ્ક વિતરણ, વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા નિ:શુલ્ક ચિકિત્સા કેમ્પ્સ, શાળાનાં બાળકો માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે.

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, ગુજરાત

૨૧મી નવેમ્બર, ૧૯૯૩ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ભક્તજનો દ્વારા ચલાવાતાં અને રામકૃષ્ણ મઠ-મિશન સાથે ન જોડાયેલાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં કેન્દ્રોના સંચાલકોની એક વિશેષ સભા મળી હતી. આ પરિષદના મુખ્ય પ્રારંભિક સ્થાપક સભ્યકેન્દ્ર તરીકે વડોદરા, અમદાવાદ, ભૂજ અને વલસાડને સ્થાન મળ્યું હતું. વડોદરા કેન્દ્રના અધ્યક્ષશ્રી, અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષશ્રી ઓ.પી.એન. કલ્લાને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના સંયુક્ત કન્વીનર તરીકે નીમવામાં આવ્યા હતા. આ રીતે પ્રસ્થાપિત પરિષદની પ્રથમ સભા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ મળી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આ પરિષદના પ્રતિનિધિઓ અને સ્થાપકોને તેમજ નિરીક્ષક તરીકે આવેલા કેન્દ્રના સભ્યોને સંબોધ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીનું ઉદ્‌ઘાટન (૧૯૯૪)

૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ લીંબડીના રાજાના કુટુંબીજનોએ અને શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિર લીંબડીના પદાધિકારીઓએ સુખ્યાત દરબાર હોલ અને શ્રીછબિલદાસ ભાઈ શાહે દાનમાં આપેલ છ એકર જમીનનો હવાલો શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને સોંપ્યો. આ પાવનકારી પ્રસંગે લીંબડી અને આજુબાજના વિસ્તારના ૬૦૦૦ જેટલા ભાવિકજનો ઉમટી પડ્યા હતા. દરબાર હોલથી રામકૃષ્ણ મિશનના ૬ એકર જમીન પર નવા બંધાયેલ ભવન સુધી ૩ કી.મી.ની એક લાંબી શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદની ૮ ફૂટ ઊંચી કાંસ્યપ્રતિમાનું અનાવરણ દરબાર હોલની સામેના સર્કલમાં કરવામાં આવ્યું હતું. આ ચોકને સ્વામી વિવેકાનંદ ચોક એવું નામ અપાયું છે. રામકૃષ્ણ મિશન, લીંબડીની સ્થાપનાથી માંડીને આજ સુધી નિયમિત રીતે દાક્તરી સેવાઓ, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને રાહતસેવાનાં કાર્યો થતાં રહે છે. અહીંના આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના વિસ્તારના અને સ્થાનિક ગરીબ લોકોને ચિકિત્સાસેવાનો લાભ મળે છે. અવારનવાર યોજાતા નેત્રચિકિત્સા કેમ્પમાં આંખના દર્દીઓને ચકાસવામાં આવે છે અને જરૂરતમંદ દર્દીઓનાં ઓપરેશન્સ પણ થાય છે. આ કેન્દ્ર શ્રીરામકૃષ્ણ આશ્રમના એક પેટા કેન્દ્ર રૂપે શરૂ થયું હતું અને એપ્રિલ ૧૯૯૬થી આ કેન્દ્ર હવે સ્વતંત્ર રૂપે કાર્ય કરે છે.

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.