કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે :

इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः।
मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥
महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः।
पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा गतिः ॥

‘અર્થ’ કે સૂક્ષ્મભૂત ઇન્દ્રિયસમૂહથી ‘પર’ કે વ્યાપક હોય છે. ‘સૂક્ષ્મભૂત’થી ઇન્દ્રિયોનું સર્જન થયું છે, ‘વિષય’ ઇન્દ્રિયોને અનુભૂતિ પ્રદાન કરે છે, એટલે વિષય ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ અને સૂક્ષ્મતર છે. ‘अर्थेभ्यश्च परं मनः।’ મન આ સૂક્ષ્મભૂતની અપેક્ષાએ વ્યાપક છે. આવી રીતે મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ, બુદ્ધિથી મહાન છે આત્મા. જગતના સૂક્ષ્મકારણ રૂપને ‘મહત્‌’ કહેવામાં આવ્યું છે, એટલા માટે મહાન છે. ‘महतः परम अव्यक्तम’ મહત્‌થી પર છે અવ્યક્ત. ‘अव्यक्तात्पुरुषः परः।’ અવ્યક્તથી પુરુષ શ્રેષ્ઠ છે. બ્રહ્મને પુરુષ કહે છે. ‘पुरुषात्‌ परं किंचित्‌’ પુરુષથી શ્રેષ્ઠ કંઈ પણ નથી. सा ‘काष्ठा परागतिः।’ તે પુરુષ જ પરમ તત્ત્વ છે, ચરમ લક્ષ્ય છે. આ રીતે લીલા દ્વારા નિત્યમાં પહોંચવાનું બને છે.

એનો વિપરીત ક્રમ છે : નિત્યથી લીલા. ઉપનિષદમાં કહેવાયું છે : આત્માથી આકાશ તથા તેમાંથી ક્રમશ: વાયુ, તેજ, જલ અને પૃથ્વી તત્ત્વ નીકળ્યાં છે. ક્રમશ: સૂક્ષ્મથી સ્થૂળત્વને પામે છે. નિત્યથી લીલા, લીલાથી નિત્ય – ઠાકુર એને અનુલોમ -વિલોમ કહે છે. લીલાની ભીતર આપણે અનેક રીતે  વિભક્ત જગતમાં રહીએ છીએ. કારણમાં પહોંચવા માટે સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી કારણ અને કારણમાંથી મહાકારણમાં જવું પડશે. જાણે કે એ એક સાંકળની ભિન્ન ભિન્ન કડીઓ છે. એમને પકડીને આપણે મૂળ સુધી પહોંચવાનું છે. એટલે શાસ્ત્રોમાં આટલા બધા પ્રકારે જગતની ઉત્પત્તિ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘માંડૂક્યકારિકા’માં મૃત્તિકાનું તથા ઉપનિષદમાં લોહાગ્નિ વગેરેનું ઉદાહરણ આપીને સૃષ્ટિની વાતને ભિન્ન ભિન્ન રીતે દર્શાવવામાં આવે છે. આ બધા લક્ષ્ય સુધી પહોંચવાના ઉપાય છે. એનાથી આપણે સૃષ્ટિના ક્રમ પર વિચાર કરીને, તેના વિપરીત ક્રમે આગળ વધતા એ પરમકારણમાં પહોંચી શકીએ છીએ. વાસ્તવમાં તાત્ત્વિક દૃષ્ટિએ જોવાથી ‘સૃષ્ટિ’ નામની કોઈ વસ્તુ જ નથી રહેતી; છતાંય એ સત્ય સુધી પહોંચવા માટે શાસ્ત્રોએ એ બધાંનું અવલંબન લીધું છે.

સૃષ્ટિ એટલે કોની સૃષ્ટિ? જે સૃષ્ટિને આપણે અનેક રૂપોમાં વિભક્ત જોઈએ છીએ તે જો તત્ત્વની અનેક વિભક્તિ હોય તો એનું કારણ શોધવા છતાં પણ ન મળે; કારણ કે જે વસ્તુ સગુણ છે, તે નિર્ગુણમાં પહોંચી ન શકે; અને જે નિર્ગુણ છે, તે સ્વયંને સગુણ બનાવી નથી શકતી. ‘નિર્વિશેષ’ ન તો ‘સવિશેષ’ બની શકે છે કે ન ‘સવિશેષ’ ‘નિર્વિશેષ’. એ પરસ્પર વિપરીતધર્મી વસ્તુઓ છે, પરસ્પર વિરોધી છે એટલા માટે એ બધાને ‘મિથ્યા’ કહેવાય છે. ‘મિથ્યા’ એટલે એ વસ્તુ કે જેની કોઈ વાસ્તવિક સત્તા નથી. છાંદોગ્ય ઉપનિષદ (૬.૧.૪)માં કહેવાયું છે : यथा सोम्यैकेन मृत्पिण्डेन सर्वं मृन्मयं विज्ञात स्याद्वाचारम्भणं विकारो नामधेयं मृत्तिकेत्येव सत्यम्‌ । માટીના એક ચોસલાને જાણી લેવાથી માટીથી બનેલી બધી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે; કારણ કે માટીનાં વિભિન્ન રૂપ માટી સિવાય બીજું કંઈ પણ નથી. આ બધા રૂપાંતરિત વિકાર કેવળ શબ્દાત્મક કે વાગાડંબર છે, એ નામમાત્ર છે, એની પૃથક્‌ સત્તા કંઈ પણ નથી. અત: માટી જ સત્ય છે અને માટીથી બનેલી વસ્તુઓ માટીનો જ વિકાર છે. કારણ જ સત્ય છે અને કાર્ય મિથ્યા છે. એકમાત્ર બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે. તે એક બનીને પોતાને અનેક રૂપોમાં બતાવી શકે છે, એમાં દોષ નથી. વેદાંત એમ ક્યારેય નથી કહેતું કે તે અનેક છે. જો તે ખરેખર અનેક બની શકતું હોત તો તેના નિત્યત્વની હાનિ થાય. તે નિત્ય હોવા છતાં પણ અનેક રૂપોમાં પ્રકાશિત છે, અત: એ વૈચિત્ર્યમય પ્રકાશ મિથ્યા છે. જે જગતનું એક માત્ર કારણ છે, તે સત્ય છે. જગતની અન્ય બધી વસ્તુઓ એનો વિકારમાત્ર છે. નામરૂપ તેનાથી અભિન્ન છે, એટલે આ જગતનું પર્યવસાન બ્રહ્મમાં જાણવું પડશે. આ જગતને બ્રહ્મમાં લીન કરી શકવાથી મનુષ્ય નામરૂપના આ સંબંધથી મુક્ત બની શકે. જ્યાં સુધી નામરૂપથી અતીત – પર નથી થવાતું ત્યાં સુધી જન્મમૃત્યુની પરંપરામાંથી આપણો કોઈ બચાવ નથી.

તત્ત્વજિજ્ઞાસુ અને વૈજ્ઞાનિકની દૃષ્ટિ

સૃષ્ટિ વિશે જાણીને આપણને શું લાભ? આપણે કંઈ વિજ્ઞાનની જેમ સૃષ્ટિતત્ત્વના જ્ઞાન દ્વારા સંસારને કામમાં લગાડવાનું કૌશલ તો જાણતા નથી. સાધક સૃષ્ટિનું કારણ જાણવા ઇચ્છે છે તે કંઈ ભોગનાં ઉપકરણોનો આવિષ્કાર કરવા માટે નહિ. વૈજ્ઞાનિક તો જગતને જાણીને કૌશલથી ભોગનાં ઉપકરણોનું નિર્માણ કરવા ઇચ્છે છે અને જ્ઞાની જગતની પાછળ રહેલ એ મૂળતત્ત્વને જાણવા ઇચ્છે છે કે જેને પકડીને નિત્યમાં અધિષ્ઠિત થઈ શકાય. ઠાકુર કહે છે: લીલાને પકડીને નિત્યમાં પહોંચવું. નિત્ય જ સત્ય છે, લીલા ભ્રમમાત્ર છે. લીલાનું ચિત્રવિચિત્ર રૂપ ભલે ગમે તેટલું મનોરમ હોય પણ નિત્ય સિવાય એની કોઈ સત્તા નથી. માટી ભલે ગમે તેટલો વિકાર મેળવે પણ અસલમાં તો તે માટી જ છે. જ્ઞાની કહે છે કે વિવિધ વસ્તુઓ જાણવાની આવશ્યકતા શી છે? વસ્તુઓ જો સત્ય હોત તો એમને જાણવામાં પણ કંઈ સાર્થક્તા હોત. આપણા મનના કલ્પનાલોકમાં કોણ જાણે કેટલાય પ્રકારના આકાશકુસુમ ભાસે છે, પણ એમના તત્ત્વવિશ્લેષણ દ્વારા આપણે વિચાર કરવાની ચેષ્ટા કરતા નથી. આ રીતે જ્ઞાનીની દૃષ્ટિએ આ જગત આકાશકુસુમવત્‌ મિથ્યા કલ્પનામાત્ર છે, તેનું કોઈ અસ્તિત્વ નથી. માટીથી બનેલી વસ્તુઓની માટી સિવાય કોઈ સત્તા નથી; અને જો એમ હોત તો માટીના સંશ્લિષ્ટ રૂપને છોડીને અન્યરૂપમાં પણ આપણે એને જોઈ શકત, પણ એવું દેખાતું નથી. એવી રીતે આ જગતમાં બ્રહ્મનાં અનેક તત્ત્વોનો જે પ્રકાશ છે તે બધો તત્ત્વત: બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મને જાણી લેવાથી એમાંથી પ્રકાશ થનારી મિથ્યારૂપ વસ્તુઓને જાણવાની શી આવશ્યકતા છે? મિથ્યાવસ્તુઓને જાણવાથી મિથ્યાજ્ઞાન થાય છે, એ ક્યારેય આપણું કલ્યાણ નથી કરી શકતું. મોક્ષલાભ તો સત્યના જ્ઞાન દ્વારા જ થાય છે.

મૃત્તિકા ઉપરાંત છાંદોગ્યોપનિષદ(૬.૧.૬)માં નરેણીનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે : यथा सोम्यैकेन नखनिकृन्तनेन सर्वं कार्ष्णायसं विज्ञात स्याद्वाचारम्भणं विकारो नामधेयं कृष्णायसमित्येव सत्यमेव सोम्य स आदेशो भवतीति । અર્થાત્‌ ‘એક નરેણીને જો લોઢાની બનેલી માની લેવામાં આવે તો લોઢામાંથી બનેલી બધી વસ્તુઓને જાણવાનું થઈ જાય છે; વિકાર તો શબ્દાત્મક છે, નામમાત્ર છે – લોઢું જ સત્ય છે, બીજી વસ્તુઓ કેવળ એનું રૂપાંતર છે.’ વૈજ્ઞાનિક કહે છે કે માટીના જે ભિન્ન ભિન્ન આકાર આપણા અનુભવમાં આવે છે એને મિથ્યા ન કહી શકાય. દાર્શનિકો કહે છે કે જો માટી સિવાય એ બધાની અલગ એવી સત્તા હોત તો માટીને છોડીને પણ એ બધી વસ્તુઓ દેખાત, પરંતુ એ દેખાતી નથી – ‘तत्‍सते तत्‍सता तदभावे तदभाव: ।’

એક વધુ ઉપમા દ્વારા આ વિષય વધારે સ્પષ્ટ થશે. દોરડું લેવાથી સાપ દેખાય છે, દોરડું ન રહે તો સાપ દેખાતો નથી. દોરડું બધો સમય રહે છે, એટલે સત્ય છે; સાપ ક્યારેક દેખાય છે, ક્યારેક નહિ. દોરડાના રૂપમાં આધાર ન હોય તો ભ્રમ થતો નથી. જે ભ્રમનું અધિષ્ઠાન છે તે જ સત્ય છે. ‘જે આ જગતનું ઉપાદાન અને જે ઉપાદાન વિકારથી ભિન્ન છે, તે જ આત્મા છે અને હે શ્વેતકેતુ તું તે જ આત્મા છો.’ ‘तत्‌ सत्‍यं स आत्‍मा तत्‍वमसि श्वेतकेतो’ (છાંદોગ્ય. ૬.૮.૭). જો આત્મા મારાથી ભિન્ન હોય તો એને જાણવાથી જ્ઞાનનો ભંડાર થોડો વધે છે ખરો, પરંતુ તેનાથી જન્મમૃત્યુનું બંધન છિન્ન થતું નથી. ‘તત્ત્વમસિ – તું તે જ છો’ એમ કહેવાનો અર્થ છે : એ બ્રહ્મ વિભિન્ન રૂપોમાં પ્રતીત થવા છતાં પણ એકમાત્ર નિત્યવસ્તુ એ જ છે. તમને જે બધાં પરિવર્તન દેખાય છે એ બધાની પાછળ રહેલ સત્તા નિર્વિકાર છે, નિર્વિશેષ છે, એક, નિત્ય અને સત્ય છે. આ રીતે આત્માને જાણી લેવાથી દુ:ખનું બીજું કોઈ કારણ રહેતું નથી. એટલા જ માટે શ્રુતિ કહે છે (બૃહારણ્યક. ૪.૪.૧૨) :

आत्‍मानं चेद्‌ विनीयादयमस्मीति पुरुष: ।
किमिच्छिन्‌ कस्‍य कामाय शरीरमनुसञ्जवरेत्‌ ॥

આત્માને એ સ્વરૂપમાં જો કોઈ જાણી લે તો તે બધા બંધનથી અતીત થઈ જાય છે. જો આ આત્મા જ સત્ય હોય અને જો એના સ્વરૂપને તે જાણી શકે તો તે કોની ચાહના રાખીને, કયા પ્રયોજનથી શરીરના બધાં દુ:ખોનો ભોગ કરતો રહેશે? શાસ્ત્રમાં સૃષ્ટિના આદિની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેનો ઉદ્દેશ એ જ છે.

લીલાની સાર્થકતા

અહીં પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાનની આ લીલાનું પ્રયોજન શું છે? એમણે આ જગતની સૃષ્ટિ શા માટે કરી? ઉત્તર એ છે કે જો તેઓ જગતની સૃષ્ટિ ન કરત તો તે જગતકારણને આપણે શોધી ન શકત. જગતકાર્યને જોઈ શકીએ છીએ એટલા માટે એને પકડીને જગતકારણ સુધી પહોંચી શકાય છે. પોતાના સ્વરૂપને શોધી કાઢવા માટે આ સૃષ્ટિ છે. આંખો પર પાટો બાંધી દીધો છે અને એક હાંડલું રાખી દીધું છે. આંખો પર પાટો બાંધીને જ એ હાંડલાને શોધીને લાકડીથી એને ફોડવાનું છે. હાંડલું ફૂટતાં જ ખેલ ખતમ થઈ જશે અને ત્યારે આંખ પરનો પાટો ખોલી નાખવામાં આવશે. આપણે પણ આ જગતમાં સત્યને શોધતાં શોધતાં એ આંધળાની જેમ લાકડીની મદદથી એ હાંડલાને શોધતાં ચાલતા રહીએ છીએ, પણ એ હાંડલું મળતું નથી. કેટલીકવાર લાકડી તો ફેરવી પણ હાંડલાને લાગી નહિ, ક્યાંક બીજે જ લાગી. કોણ જાણે ક્યારથી આ ક્રમ ચાલતો રહ્યો છે. એ દરમિયાન કોઈએ જાણે કે ઈશારો કરી દીધો કે હાથ પકડીને બતાવીને કહ્યું: ‘અહીં આવો.’ અને ત્યારે કદાચ લાકડી હાંડલા પર પડી ગઈ. હવે આપણી મુક્તિ થઈને! બરાબર એવી જ રીતે આપણે કર્મના અરણ્યમાં ભટકતાં રહીએ છીએ. આવી રીતે ભટકતાં ભટકતાં કારણ સુધી પહોંચી શકવામાં આ જગત આપણી કંઈ સહાયતા કરશે અન્યથા બીજા કોને પકડીને એ કારણ સુધી પહોંચીશું? કેટલીય વાર લોકોના મનમાં આવો પ્રશ્ન ઊભો થાય છે કે આવી રીતે આંખો પર પાટો બાંધીને ભટકવાની શી જરૂર છે? આવશ્યકતા કઈ છે એ તો આપણે જાણતા નથી. કેવળ એટલું જ જાણીએ છીએ કે એની પાર જવાનો ઉપાય છે. એટલા માટે જ પ્રારંભમાં શું થયું, શા માટે જગતની સૃષ્ટિ થઈ, આ બધા પ્રશ્નોથી આપણું કોઈ હિતકલ્યાણ થઈ શકશે નહિ. જગત આપણને ઘેરામાં નાખીને રમત રમે છે. એ ઘેરામાંથી બહાર નીકળવાનો ઉપાય જાણવો પડશે. શાસ્ત્રો કહે છે કે એનો ઉપાય છે, ‘લીલા’. જગતલીલાને પકડીને નિત્યમાં પહોંચવાનો ઉપાય બતાવી દે છે. પરમ જ્ઞાનની ઉત્પત્તિ માટે આ ઉપાય છે. જગતનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું છે કે જેનાથી એ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ થાય. વેદાંતમાં ક્યાંય પંચભૂતની ઉત્પત્તિની વાત કહેવામાં આવી છે, તો ક્યાંક અગ્નિ, જલ, અન્નની સૃષ્ટિની વાત આવે છે. વ્યાખ્યાકાર આચાર્ય શંકર કહે છે કે સૃષ્ટિ ભલે ત્રણ હોય કે પાંચ હોય કે ત્રણસો હોય એમાંથી કાંઈ આવતું જતું નથી. આપણે તો જાણવું પડશે કે તે મૂળતત્ત્વ છે, મૂળસ્વરૂપ છે અને એ જાણવાથી જ આપણને આ ભૂલભુલામણીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે.

દક્ષિણેશ્વરમાં ભક્તોની સાથે શ્રીઠાકુરની ઈશ્વરવિષયક ચર્ચા ચાલે છે. શ્રીઠાકુર કહે છે : ‘સંસારી લોકો કહે છે કે કામકાંચનમાંથી આસક્તિ શા માટે નથી જતી?’ ભક્તોના મનમાં પ્રાય: આ પ્રશ્ન ઊઠે છે કે મનમાંથી વિષયાસક્તિ શા માટે દૂર નથી થતી? શ્રીઠાકુર કહે છે : ‘જો એકવાર બ્રહ્માનંદ મળી જાય તો પછી ઇન્દ્રિયસુખભોગ, ધન, માનસન્માન માટે મન દોડશે નહિ.’

ઈશ્વરચિંતન અને અનાસક્તિની પ્રાપ્તિ

એક પ્રકારનો વૈરાગ્ય છે કે જેમાં મનને વિષયોથી દૂર રાખવા માટે પ્રયાસ કરીને સંયમનો અભ્યાસ કરવો પડે છે. ઠાકુરની ભાષામાં એને આમ કહેવાય: ‘નાક મોં બંધ કરીને વૈરાગ્યપ્રાપ્તિ.’ ગમે તે રીતે ઇન્દ્રિયોને વિષયમાંથી વાળી લેવાથી થોડુંઘણું ફળપરિણામ મળે છે પણ આસક્તિ દૂર થતી નથી. એટલે પ્રશ્ન એ ઊભો થાય કે આ આસક્તિને દૂર કરવાનો ઉપાય શું છે? ઉપાય ગીતા બતાવે છે : પરમતત્ત્વનું દર્શન કરી લેવાથી ભોગાસક્તિ સમાપ્ત થઈ જાય છે. એમનું દર્શન કરી લેવાથી, એમને મેળવી લેવાથી ઇન્દ્રિયાસક્તિ દૂર થઈ જાય છે. એમ કેમ દૂર થઈ જાય છે? એનો જવાબ શ્રીઠાકુરે એક બીજે સ્થળે આપ્યો છે. વિષય એક નાનું લોહચુંબક છે અને ભગવાન એક મોટું લોહચુંબક છે. બંને બાજુએ જો એ બેય ચુંબકને રાખવામાં આવે તો મન કેના તરફ વળશે? જે ચુંબકની આકર્ષણશક્તિ વધારે હશે તે જ એને ખેંચી લેશે. એવી રીતે ભગવાન એક મોટું લોહચુંબક છે. જીવ જો એના પ્રત્યે વધારે આકર્ષણ અનુભવ કરે તો પછી તે બીજી બાજુએ મનને જવા દેશે નહિ. ભાગવતમાં એક સુંદર કાવ્યમય વર્ણન છે: ભગવાન જ્યારે વાંસળી વગાડે છે ત્યારે ગોપીઓ પોતપોતાનાં ઘરકામ છોડીને તેમના તરફ દોડતી આવે છે. કોઈ ખાવાનું રાંધતી હતી, કોઈ પતિની સેવા કરી રહી હતી, કોઈ બાળકને સ્તનપાન કરાવતી હતી, આવી રીતે અનેક પ્રકારનાં ઘરકામમાં વ્યસ્ત રહેવાના સમયે વાંસળીનો મધુર અવાજ સાંભળતાં જ એ બધી એ બધી એના પ્રબળ આકર્ષણને લીધે દોડવા લાગી. ઘરકામ, પરિજનો પ્રત્યે કર્તવ્ય, વગેરે ભગવાન પ્રત્યેના આકર્ષણ સામે અત્યંત તુચ્છ છે. એ આકર્ષણનો પ્રતિરોધ કરી શકનારું કોઈ પ્રબળતર આકર્ષણ નથી. શ્રીઠાકુરની અનુપમ ભાષામાં કહીએ તો : ‘પતંગિયું જો એકવાર પ્રકાશને જોઈલે તો પછી એ અંધકારમાં જાય નહિ.’ 

આ વિશે શ્રીઠાકુર રાવણનું ઉદાહરણ આપીને કહે છે : રાવણ સીતાના મનને હરી લેવા માટે અનેક રૂપ ધારણ કરે છે. કોઈકે કહ્યું, તું માયાવી છો, એક વાર રામનું રૂપ ધારણ કરીને સીતાની પાસે શા માટે નથી જતો? આવી રીતે સીતાને છેતરી શકાય છે, ત્યારે રાવણ કહે છે: ‘તુચ્છં બ્રહ્મપદમ્‌ પરવધૂસંગ: કુત:’ – જ્યારે હું રામરૂપનું ચિંતન કરું છું ત્યારે બ્રહ્મપદ પણ મને તુચ્છ લાગે છે, તો પછી પરસ્ત્રીનો સંગ કરવાની ઇચ્છા રહે જ ક્યાંથી? જેટલું ભગવાનનું ચિંતન થશે એટલી જ વિષયાસક્તિ ઓછી થશે. આપણે જેટલા પૂર્વતરફ આગળ વધશું એટલા જ પ્રમાણમાં પશ્ચિમથી દૂર થતા જઈશું. ત્યારે વિષયો પ્રત્યે આકર્ષણ રહેશે નહિ. વિષયો પોતાની મેળે દૂર થશે. વિષયોમાં ફરીથી મનના ખેંચાવાની કોઈ ક્ષમતા રહેશે નહિ. શ્રીઠાકુરની ભાષામાં કહીએ તો : ‘બધું ફિક્કું બની જાય છે.’ એમનું એક વધુ ઉદાહરણ પણ છે: ‘સાકરનું સરબત પી લીધા પછી ગોળ ખાવાનું મન થતું નથી.’ ભગવાનને મેળવી લીધા પછી જો કોઈ સંસારમાં રહે તો તે જીવન્મુક્ત બનીને વિચરણ કરશે. ગીતા કહે છે : સર્વથા વર્તમાનોઽપિ સ યોગી મયિ વર્તતે – તે યોગી જ્યાં ક્યાંય રહે સર્વદા ભગવાનમાં જ રહે છે. શ્રી ચૈતન્યદેવના ભક્તો અનાસક્ત બનીને સંસારમાં રહેતા. શ્રીઠાકુરની ભાષામાં કહી શકીએ : ‘એમનાં ચરણકમળમાં જેટલી ભક્તિ હશે તેટલી વિષયવાસના ઓછી થશે, દેહસુખ પ્રત્યેથી એટલી જ દૃષ્ટિ હટશે; પરસ્ત્રી માતા સમાન લાગશે; પોતાની પત્ની ધર્મપથમાં સહાયક મિત્ર જેવી લાગશે; પશુભાવ દૂર થશે અને દેવભાવનો ઉદય થશે; સંસાર પ્રત્યે પૂર્ણત: અનાસક્તિ થઈ જશે; ત્યારે જો તમે સંસારમાં રહેશો તો પણ જીવન્મુક્ત બનીને મસ્તરૂપે ફરશો.’

ભક્તોનું આચરણ તથા વ્યવહાર

શ્રીચૈતન્યદેવના ભક્તોના બે વિભાગ છે : ત્યાગી અને ગૃહસ્થ. એ બંનેની વચ્ચે ઘણો મધુર સંબંધ હતો. શ્રીઠાકુરના ગૃહસ્થભક્તો અને ત્યાગીભક્તો વચ્ચે પણ આવો જ મધુર સંબંધ જોવા મળે છે, કારણ કે ગૃહસ્થો જાણતા હતા કે ત્યાગી સંતાનો શ્રીઠાકુરના પ્રાણરૂપ છે અને બીજી બાજુએ ત્યાગી સંતાનો એ જાણતા હતા કે ગૃહસ્થો શ્રીઠાકુરના અંતરંગ ભક્ત છે. પ્રત્યેક ભક્તનો ભગવાનની સાથે આ પ્રકારનો મધુર સંબંધ રહેવાથી સંસારનો વિરોધ ઊભો થતો નથી. રાય રામાનંદ વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ ગૃહસ્થ હતા. ભગવાનની લીલાનો અભિનય કરતી વખતે તેઓ દેવદાસીઓનો શણગાર પોતાના હાથે જ કરતા. આપણને એવું લાગે આ કેવું આચરણ! પરંતુ તેઓ સ્ત્રીપુરુષની ભેદબુદ્ધિથી  પર બનીને દેવદાસી જે ભૂમિકામાં અભિનય કરવાની હોય એ જ રૂપમાં એનું દર્શન કરતા. નિ:સંદેહ મન જો  ખૂબ ઊંચા ભાવમાં ન બાંધ્યું રહે તો આ બધું સંભવ બનતું નથી. બીજો કોઈ જો આ આચરણનું અનુકરણ કરે તો એના પર અવશ્ય વિપત્તિ આવી પડવાની. એના દૃષ્ટાંત રૂપે એક ઘટનાની વાત કરું છું : ‘કોઈ એક દેવદાસી મંદિરમાં ગીતગોવિંદનું ગાન કરી રહી હતી. ચૈતન્ય મહાપ્રભુ એ ગાનને સાંભળીને ભાવાવસ્થામાં (એ ગાયિકાને આલિંગન કરવા) તેમના તરફ દોડ્યા. સેવક ગોવિંદે રસ્તો રોકીને ચૈતન્યપ્રભુને આલિંગનમાં લઈ લીધા. મહાપ્રભુ રસ્તા પર ભાવવિભોર અવસ્થામાં ચાલતા હતા એટલા માટે ગોવિંદ સદા સર્તક પ્રહરીના રૂપે પ્રભુની નીકટ જ રહેતા હતા. ભાવનું ઉપશમન થયા પછી મહાપ્રભુએ કહ્યું: ‘સંન્યાસીના આ દેહને આજે તમે બચાવી લીધો. મને કંઈ જ્ઞાન ભાન ન હતું. ભાવાવેગમાં જો હું દેવદાસીને આલિંગન કરી બેસત તો તત્કાળ આ દેહનો પરિત્યાગ કરવો પડત.’ મહાપ્રભુ કહે છે કે આ પ્રકારની ભાવવિભોર અવસ્થામાં પણ એવું થવાથી એમને દેહત્યાગ કરવો પડત. એવું ઉત્તમ ઉદાહરણ ન  હોવાથી અનાધિકારીના હાથમાં પડીને આદર્શની અવનતિ થઈ જાય છે. ત્યાગી અને ગૃહસ્થ, બંનેએ આદર્શને નિષ્કલંક રાખવો પડે.  એક બાજુએ ત્યાગીઓ માટેના ઉદાહરણ સ્વરૂપ છે મહાપ્રભુ તથા બીજી બાજુએ ગૃહસ્થો માટેનું ઉદાહરણ છે રાય રામાનંદ.

શ્રીઠાકુર ચૈતન્યલીલાનો અભિનય જોવા માટે ગયા હતા ત્યારે નારીપાત્રનો અભિનય વારાંગનાઓ કરતી. એમનો અભિનય કેવો લાગ્યો એ વિશે શ્રીઠાકુરને પૂછવાથી તેઓ કહે છે : ‘અસલ – નકલ એક જોયાં. આવી દૃષ્ટિ ભાવના આવેગમાં હોય છે. શ્રીઠાકુરે વારાંગનાઓને સાક્ષાત્‌ આનંદમયી માના રૂપમાં જોઈ હતી, એમ હોવા છતાં વ્યવહારમાં એમને સતર્કતાનું અવલંબન લેવું પડતું. એને લીધે સમાજમાં કોઈ પણ પ્રકારની નૈતિક અવનતિની સંભાવનાનો અવસર ન આવે. દેહબુદ્ધિ ન રહેવાથી સમાજકલ્યાણના આદર્શની સ્થાપના કરવા માટે એમને પણ આટલા સતર્ક સાવધાન રહેવું પડે છે.

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.