શ્રીનગર અને રુદ્રપ્રયાગ શ્રીનગરમાં

એક વાર ફરી મેં જંગલનો રસ્તો લીધો. થોડા કલાક ચાલ્યા પછી હું ટિહરીથી શ્રીનગર જતા મહામાર્ગ પર આવી પહોંચ્યો. સડક ઘણી પહોળી અને સમતલ હતી. હું સાંજે શ્રીનગર પહોંચ્યો ત્યાં સુધી કોઈ પણ જાતની પરેશાની કે મુશ્કેલી વિના આરામથી ધીમે ધીમે ચાલતો રહ્યો. ઘણા દિવસો પછી હું ફરીથી માનવવસતીની વચ્ચે આવ્યો. ગઢવાલ રાજ્યમાં મેં જમનોત્રીથી ગંગોત્રી સુધીનું ભ્રમણ કર્યું હતું અને ટિહરી સિવાય બીજું કોઈ આટલું મોટું શહેર  જોયું ન હતું. અહીં હું અલકનંદા નદીના તટ પર આવેલ બ્રિટિશ ગઢવાલના પ્રદેશમાં હતો. ગઢવાલની રિયાસત અલકનંદાના પશ્ચિમ કિનારે છે અને બ્રિટિશ ગઢવાલ તેના પૂર્વકિનારે છે. શ્રીનગર અલકનંદાના ઉત્તરથી દક્ષિણ તરફ જતા કિનારા પર છે. બ્રિટિશરોના આવ્યા પહેલાં ગઢવાલની રાજધાની શ્રીનગર એક સમૃદ્ધ શહેર હતું. આજે પણ એ એક ગીચ વસતીવાળું વ્યસ્તવ્યાપારનું કેન્દ્ર છે. આ શહેરનો પરિવેશ અત્યંત રમણીય છે. તે ચોતરફ મનોરમ્ય તેમજ અહીં રહેવા માટે પ્રત્યેક માનવને આકર્ષિત કરતી અનોખી પ્રકૃતિક છટાઓથી ઘેરાયેલું છે. ગઢવાલ ક્ષેત્રનું રાજકીય મુખ્યાલય પૌડીમાં છે. એ સ્થાન શ્રીનગરની ઘણું સમીપ છે. બદ્રીનારાયણની યાત્રાની મોસમમાં શ્રીનગર યાત્રીઓથી ભરચક ભરાયેલું રહે છે. કેવળ આ જ એક શહેર છે જ્યાં ઘણી મોટી સંખ્યામાં યાત્રીઓ પડાવ નાખે છે. શ્રીનગરની આજુબાજુના પહાડો બહુ વધુ ઊંચા નથી. બજારમાંથી પાકી સડક પસાર થાય છે. બધી ઈમારતો પથ્થરની છે, દુકાનોમાં વિભિન્ન પ્રકારની વસ્તુઓ ગોઠવાયેલી રહે છે અને કોઈપણ એક છેડેથી બીજા છેડા સુધી આરામથી ફરતાં ફરતાં પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદ કરી શકે છે. પાલીશ કરેલા કાળા પથ્થરના એક ભવ્ય ભવન એવા મહેલના અવશેષ શહેરના દક્ષિણના છેડે અલકનંદાના કિનારા પર વિખરાયેલા જોવા મળે છે. સુંદર નક્શીકામવાળા આ કાળા પથ્થરના ટુકડાઓ કે જે કોઈ સમયે આ વિશાળ ભવનનો ભાગ હતો એને જોઈને શિલ્પકારોની કુશળ કારીગીરીનાં દર્શન આજે પણ થઈ શકે છે. આ મહેલ અને એના અવશેષ અત્યારે કોઈ સમયના મહાન ગઢવાલની સલ્તનત અને તેની મહાન ભવ્યતાના પ્રતીક રૂપે ઊભા છે. ગઢવાલ કે કુમાઉમાં બીજે ક્યાંય મને આટલા સુંદર અવશેષ જોવા ન મળ્યા. અહીં શહેરના બાળકો માટે પાઠશાળા છે અને એક હોસ્પિટલ પણ છે. શ્રીનગર પહોંચતાં મેં પહેલાં તો અલકનંદામાં એક ડૂબકી મારી અને પછી કમલેશ્વર મઠમાં ગયો.

કમલેશ્વર શિવનું મંદિર શ્રીનગરમાં એક પ્રાચીન અને ઉલ્લેખનીય દર્શનીય દેવસ્થાન છે. એ સમયે દયાળપુરી મુખ્ય મઠાધ્યક્ષ હતા. એક વાર દહેરાદૂનથી ઋષિકેશના રસ્તે હું એમના પુત્રને મળ્યો હતો. એ સમયે તેણે મને મઠમાં આવીને રહેવા માટે કહ્યું. મને એ યાદ આવી ગયું એટલે હું ત્યાં જ આવી ગયો. મેં દેવસ્થાનમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી મઠાધ્યક્ષના પુત્ર વિશે પૂછપરછ કરી. તે ત્યાં હતો અને ઘણા સ્નેહપૂર્વક મને મળ્યો. મંદિર પાસે કેટલીક જમીન જાયદાદ પણ હતી. મઠાધ્યક્ષ ઘણી સરળતાથી મંદિરની આવકમાંથી એક ભાગ પોતાના સંપ્રદાયના લોકોના કલ્યાણ માટે કે કોઈ બીજા કાર્ય કે પ્રયોજન માટે ખર્ચ કરી શકતા. પરંતુ મેં જોયું કે તે પોતાનાં કર્તવ્યો પ્રત્યે બહુ જાગરુક ન હતા. મંદિરની અચળ સંપત્તિ સિવાય બદ્રીનાથ અને કેદારનાથ જનારા તીર્થયાત્રીઓ પાસેથી દરવર્ષે દાન આવતું. પરંતુ મઠાધ્યક્ષની સાવધાનીપૂર્વકના પ્રશાસનના પરિણામે આ સંપત્તિ દિવસેને દિવસે જમા થતી ગઈ. મઠાધ્યક્ષ સુંદર અને શિષ્ઠતાપૂર્ણ હતા અને સારાં કપડાં પહેર્યાં હતાં. એમણે બંને હાથમાં સોનાનું એક એક કડું પહેર્યું હતું. ગૃહસ્થી હોવા છતાં એમણે ભગવાં કપડાં પહેર્યાં હતાં.

કૃપણ ન્યાસી (ટ્રસ્ટી)

બંગાળમાં વૈષ્ણવ ગૃહસ્થીઓનો એક સમુદાય છે જે એવો દાવો કરે છે કે એમનો ઉદ્‌ભવ ભક્તિસંપ્રદાયના પ્રણેતા ગૌરાંગ મહાપ્રભુના વૈરાગી અનુયાયીઓમાંથી થયો છે. આ રીતે ઘરગૃહસ્થીવાળા ગોંસાઈ આચાર્ય શંકરના અનુયાયીઓ દ્વારા શરૂ કરાયેલા દશનામી સંન્યાસી સમુદાયથી અલગ થઈ ગયા હતા. (આચાર્ય શંકરના ચાર મુખ્ય શિષ્યોએ સાધુઓને દશ શ્રેણીમાં વિભાજિત કર્યા છે – ગિરિ, પર્વત, સાગર, વન, અરણ્ય, પુરી, ભારતી, સરસ્વતી, તીર્થ અને આશ્રમ) ઉત્તરાખંડમાં આ સંપ્રદાય વ્યાપક રૂપે ફેલાયેલો છે. આ સંપ્રદાય સાથે જોડાયેલા ગોંસાઈ પ્રાય: મંદિરનો પ્રબંધ કરે છે અને પ્રસિદ્ધ મંદિરોમાં પૂજા-અર્ચના કરે છે. શાક્ત સંપ્રદાયનાં દેવ અને દેવીઓના મંદિરોમાં પ્રાય: આ જ ગોંસાઈ પરિચર્યા કરે છે. એમણે પોતાના મૂળ સંન્યાસી ઉપનામ શીર્ષક ધારણ કરી રાખ્યા છે, જેમકે પુરી, ગિરિ. એ સંન્યાસના પ્રતીકના રૂપે કેવળ ભગવા રંગની ટોપીઓ પહેરે છે. મૂળ મઠાધ્યક્ષની ગાદી સુરક્ષિત રખાય છે અને દરરોજ એની પૂજા કરવામાં આવે છે. કેવળ ગાદી જ એક ચિહ્‌ન રૂપે બાકી બચી છે. મંદિરમાં પરંપરાગત સંન્યાસ કે સંન્યાસીઓની ગૌરવમય પરંપરાનું અન્ય કોઈ ચિહ્‌ન મને ત્યાં જોવા ન મળ્યું. 

દાનની રકમ કે મંદિરની બીજી આવક જો સમાજ કલ્યાણ માટે વાપરવામાં આવતી હોત તો મને આનંદ થાત. પરંતુ એ જોઈને મને અત્યંત દુ:ખ થયું કે મઠાધ્યક્ષ પોતાના આ સામાજિક ઉત્તરદાયિત્વથી સાવ અજ્ઞાત હતા. ઉત્તરાખંડના પ્રત્યેક મઠમાં સામાજિક કાર્યો પ્રત્યે સામાન્ય ઉદાસીનતા જોવા મળે છે. જોષી મઠમાં પરિસ્થિતિ કેવી છે એ વિશે હું પછીથી બતાવીશ. આ મઠાધ્યક્ષની સાથે મને ઘણા વિષયો પર વાતચીત કરવાનો અવસર મળ્યો હતો. મેં આ તકનો લાભ લઈને કોઈ સારા કાર્ય માટે મંદિરની આવકનો ઉપયોગ કરવાની આવશ્યકતા તરફ એમનું ધ્યાન દોર્યું. ઉત્તરાખંડમાં પ્રવેશ કર્યા પછી મને એ જાણીને અત્યંત ક્ષોભ થયો કે જેમને માટે આવા મઠોની સ્થાપના કરવામાં આવી હતી એ ઉદ્દેશ્યો માટે અહીં સંન્યાસીઓના મઠોનો પ્રબંધ થતો નથી. હું એ બાબતની ક્યારેય કલ્પના પણ નથી કરી શકતો કે સાધુ સંતોની આ પાવનભૂમિના મઠ જે વિભિન્ન મત, સંપ્રદાય અને વર્ગોના સંન્યાસીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા, પૂર્ણતયા ઉપર્યુક્ત ગૃહસ્થ કે ઘરબારવાળા સાધુઓના હાથમાં હશે. મને આ મઠના મઠાધ્યક્ષનો પુત્ર ઘણી સારી રીતે ઓળખતો હતો એટલે મારો અહીંનો નિવાસ ઘણો આરામદાયી રહ્યો. મારા પ્રવાસને સુખદ બનાવવા માટે એણે બધું કર્યું. અંતે એ જોઈને પ્રસન્નતા થઈ કે મઠાધ્યક્ષમાં થોડી સુબુદ્ધિ આવી ગઈ હતી. એણે જોયું કે મારે થોડા કપડાંની જરૂર છે અને મારા માગ્યા વિના જ મને એક ધાબળો દીધો. ચંદ્રાવદની જતી વખતે મને પહેલાં જ ટિહરીના પુરોહિત પાસેથી એક ધાબળો મળ્યો હતો. પરંતુ આ પહેલાં મેં વર્ણન કર્યું છે તેમ એ ધાબળો મારી પાસે લાંબા સમય સુધી રહી ન શક્યો. એમાં કોઈ શક નથી કે મારે એક ધાબળાની જરૂર હતી. મઠાધ્યક્ષે એના માટે થોડા પૈસા ખર્ચવા પડ્યા. એટલે મેં એને મને કૃતાર્થ કરવા માટેનો સંતોષ મેળવવા અનુમતિ આપી દીધી.

અહીં બીજા પણ મંદિરો છે પરંતુ, એ બધાં એટલાં પ્રસિદ્ધ નથી. શહેર જોવા માટે હું એકલો જ ગયો અને બધાં દેવસ્થાનોનાં દર્શન પણ કર્યાં. શ્રીનગરમાં બ્રાહ્મણો ઘણી સંખ્યામાં છે. એ બધા આ જ ક્ષેત્રના રહેવાવાળા છે. એમાંથી કેટલાક સંસ્કૃતની જનશ્રુતિઓના જ્ઞાની છે. અંબાદત્ત જોષી નામના એક ઘણા વિદ્વાન બ્રાહ્મણ સાથે મારો પરિચય થયો. એમની પાસે એક અવધૂતગીતા હતી. એનું વાચન ઘણું આનંદદાયક હતું. એણે મારા માટે એક પ્રત (નકલ) બનાવી દેવાનો વાયદો પણ કર્યો. હું જ્યારે બદ્રીકાશ્રમથી પાછો ફરું ત્યારે એ પ્રત લઈ જઈ શકું તેમ હતો.

કેદાર – બદ્રીનું નોતરું

હું દહેરાદૂન અને મસૂરી થઈને ઋષિકેશના રસ્તે ઉત્તરાખંડમાં પ્રવેશ્યો હતો. એટલા માટે હું રુદ્રપ્રયાગ પર ભાગીરથી અને અલકનંદાના પાવન સંગમસ્થાને સ્નાન ન કરી શક્યો. એટલે મેં એ રસ્તેથી પાછા ફરવાનો નિર્ણય કર્યો. પહાડી લોકોની ગણના પ્રમાણે હરિદ્વારથી કેદાર અને બદ્રીનારાયણનું અંતર લગભગ ૧૨૦ માઈલ છે. શ્રીનગર એ બંનેની વચ્ચે આવેલું છે. જો આ ગણિત બરાબર હોય તો કેદારનાથ શ્રીનગરથી લગભગ ૬૦ માઈલના અંતર પર હશે. પરંતુ મને જાણવા મળ્યું કે શ્રીનગર હવે સાવ બદલી ગયું છે. ગોલાઝીલના ધસી પડવાની દુ:ખદ ઘટના પછી નવું શહેર પહાડની તરફ થોડી ઊંચાઈ પર બંધાયું હતું. હું શ્રીનગરમાં ત્રણ દિવસ રોકાયો અને ચોથે દિવસે સવારે હું રુદ્રપ્રયાગ તરફ જવા નીકળ્યો.

રુદ્રપ્રયાગ શ્રીનગરથી ૧૯ માઈલ દૂર છે. પહાડી લોકોના કહેવા પ્રમાણે એ ૧૨ કોસ થાય. એનો મતલબ એ છે કે એ લોકો એક કોસ એટલે દોઢ માઈલ એમ ગણે છે. હું શહેરની દીવાલની પાસેથી પસાર થયો અને મેં જોયું કે ત્યાં દીવાલની બહાર સડકના કિનારે ઘણી સંખ્યામાં અસ્થાયી આવાસ (ચટ્ટી) બનાવેલાં હતાં. (વિભિન્ન સંપ્રદાયો અને પંથોના યાત્રીઓ અને સાધુઓના રહેવા માટે ચટ્ટી એક એવું સ્થાન છે કે જ્યાં એક દુકાન અને ઓરડાવાળી જગ્યા હોય છે, જેમાં થોડા યાત્રીઓ રહી શકે છે. જો કે સામાન્યત: આ સ્થાન મોટે ભાગે ખાલી રહેતું હોય છે, પણ અત્યારે તો યાત્રીઓથી ભરેલું હતું અને શહેરી વિસ્તાર જેવું લાગતું હતું. ત્યાં સડક પર બે બાજુએ યાતાયાતની સુવિધા હતી. જે યાત્રીઓ મેષસંક્રાંતિના અવસરે હરિદ્વારમાં પાવનસ્નાન કરીને બદ્રીનારાયણ ગયા હતા તેવા લોકો હવે પાછા ફરતા હતા. પરંતુ મોટા ભાગના યાત્રીઓ ઉપર જતા હતા. જે લોકો ગંગોત્રીના રસ્તે બદ્રીકાશ્રમ જતા હતા તેઓ પણ અહીં પહોંચી ગયા હતા. મને યાદ છે કે અમે બદ્રીનારાયણ જુલાઈ (આષાઢ)ના અંતે પહોંચ્યા હતા. યાત્રીઓ ઓગસ્ટ (શ્રાવણ) મહિનાના અંત સુધી આવતા રહે છે. ત્યાર પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં જેમ જેમ ઠંડી વધતી જાય છે ત્યારે ત્યાં કેવળ ગણતરીની સંખ્યામાં પહાડી ક્ષેત્રના યાત્રીઓ રહી જાય છે. મેં શ્રીનગર છોડ્યું અને હવે હું એકલો યાત્રા કરતો ન હતો. ગંગોત્રી જતી વખતે મારી સાથે એકાદ બે યાત્રી રહેતા. પરંતુ હવે હું અનેક યાત્રીઓની સાથે હતો. 

પથસાથી

યાત્રીઓના ‘જય કેદારનાથ, જય બદ્રીવિશાળ’ના આહ્‌લાદપૂર્ણ નારા પર્વતોમાં ગૂંજી રહ્યા હતા. અહીં જે નિરવ શાંતિ હોય છે તે હવે નીચેની ઘાટીઓ અને દૂરસ્થિત પર્વતશ્રૃંખલાઓમાં આવેલી ગુફાઓમાં ભાગી ગઈ હતી. સમસ્ત પહાડી વિસ્તાર કે જ્યાં સામાન્યત: મધ્ય અને દક્ષિણભારતમાં રહેનારા લોકો ક્યારેય આવતા નથી. હવે ભારતના ખૂણે ખૂણેથી આવેલા હજારો યાત્રીઓથી ભર્યો હતો. આ યાત્રીઓ પગઘસીને ચાલતા હતા. આ આખો વિસ્તાર હવે દેશના વિભિન્ન ભાગોમાંથી આવેલા અનેક લોકોની વિભિન્ન ભાષાઓનાં ગીત-ગાયન-ભજન અને આહ્‌લાદપૂર્ણ નારાઓથી ગૂંજતો હતો. આ બધું પ્રભુની ઇચ્છાને લીધે જ થયું.

એની ગરિમા જ લાખો લોકોને આકર્ષિત કરી રહી છે. આ બધા લોકો પોતાના ઘરબાર અને સંબંધીઓને છોડીને આવ્યા છે અને પોતાના ગંતવ્યસ્થાન તરફ રસ્તામાં ખુલ્લે હાથે પોતાની મોટી કમાણી ખર્ચ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે. આવી પથ્થરવાળી અને કઠિન ઉબડખાબડ ચઢાણ પર ચડતી વખતે માર્ગમાં આવનારી મુશ્કેલીઓને સહન કરવામાં એમને ઘણો આનંદ આવે છે. કેટલાક લોકો પોતાની પીઠ પર પોતાનાં બાળકો કે અશક્ત માતપિતા કે સંબંધીઓને ઊંચકીને જઈ રહ્યા છે. મહાન બદ્રીનારાયણ કે કેદારનાથનાં દર્શન કરવાની એકમાત્ર અભિલાષા જ એમને પ્રેરતી રહે છે. મહાન પ્રભુનો જય હો! આ બધો એમનો જ મહિમા છે. બદ્રી-કેદારની તીર્થયાત્રા પર જવા માટે દૃઢ નિશ્ચયની આવશ્યકતા રહે છે. યાત્રી કેદારનાથ કે બદ્રીનારાયણ પહોંચવા માટે એટલા ઉત્સુક હોય છે કે રસ્તામાં આવનારી મુશ્કેલીઓ કે અસુવિધાઓની પરવા પણ કરતા નથી. એમની આસ્થા, એકમાત્ર ઉદ્દેશ્ય દૃઢતા અને ઈષ્ટદેવનાં દર્શન મેળવવાની તીવ્ર ઇચ્છા જોઈને આનંદ ઉપજે છે. આપણામાં ભક્તિ વસ્તુત: ઉપજે છે અને આપણે ઘોષણા કરીએ છીએ કે ઈશ્વર મહાન છે. આ પવિત્ર તીર્થયાત્રીઓને જોવાથી જ આપણે ઉન્નત બની જઈએ છીએ. આ પથના બધા યાત્રીઓ એક સરખી આશા ઇચ્છા આદર્શ અને ઉદ્દેશ્યમાં ઓતપ્રોત છે. રાજાપ્રજા, અમીર-ગરીબ, સ્ત્રીપુરુષ, વૃદ્ધયુવાન, છોકરા-છોકરીઓ બધાં એક મોટા યાત્રીઓના સમૂહમાં સમાયેલાં છે. તેઓ બધાં એક જ સ્થાન પર પરસ્પરને મળે છે, બધાં એક જ ચટ્ટી પર રહે છે, સાથે વિરામ કરે છે. દેવતાના મહિમાનું વર્ણન કરવા માટે પણ બધાંની પાસે એક સરખો શબ્દ છે : ‘જય કેદાર, જય બદ્રીવિશાળ’. અહીં આવીને હું તીર્થયાત્રાનું વાસ્તવિક મહત્ત્વ સમજ્યો. વૈદિક સાધુઓ અને આર્યઋષિઓએ તીર્થસ્થાનોની યાત્રા કરવી શા માટે અનિવાર્ય ગણી હતી એ મને સમજાયું. તીર્થયાત્રા દરમિયાન જ ત્યાગ, સંયમ, તપસ્યા અને એવા જ બીજા નૈતિક ગુણ મનુષ્યોના મનમાં જાગે છે, એમને પ્રેરણા આપે છે અને એ ગુણો નૈતિકતાનું પ્રતીક પણ છે. પાવન તીર્થસ્થાનો મનુષ્યના ભૌતિક અને શારીરિક મનોવિકારોને પ્રભાવપૂર્ણ રીતે નિર્મળ બનાવવા સમર્થ છે. મનુષ્ય શુદ્ધ અને ઈશ્વરભક્ત બની જાય છે. શ્રીનગર છોડ્યા પછી ભારતના વિભિન્ન ભાગોમાંથી આવેલા આ બધા તીર્થયાત્રીઓના સંકલનને મેં ધ્યાનપૂર્વક જોયું. મારો દૃઢ વિશ્વાસ છે કે એ બધા શારીરિક અને માનસિક રીતે ભગવાન બદ્રીનારાયણ પ્રત્યે આકર્ષાતા જતા હતા. ઘણી મોટી સંખ્યામાં પોતાના ઈષ્ટદેવના મંદિરે પહોંચવાની એકમાત્ર ઇચ્છાથી પ્રેરાયેલા યાત્રીઓના સમૂહને જોવો એ મારા માટે ઘણા મોટા હર્ષની વાત હતી. આ એક વિચાર કરવા જવું ગૌરવમય દૃશ્ય હતું.

મેં મનમાં ને મનમાં વિચાર્યું કે ચોક્કસ ઈશ્વરની શક્તિને કારણે જ નરનારી, વૃદ્ધ બાળકો અને અશક્ત, બધાં આનંદપૂર્વક આ કઠિનયાત્રાની તકલીફોની પરવા કર્યા વિના એમના પ્રત્યે આગળ વધીને ચાલી રહ્યાં છે. હું એ બાબતની કલ્પના પણ નથી કરી શકતો કે દૈવી ઇચ્છા વિના આ બધા મનુષ્યોએ આ પહાડી ક્ષેત્રોમાં આટલી લાંબી અને કઠિન યાત્રા કરવા વિશે વિચાર્યું હશે. આ પ્રભુનો મહિમા જ પોતાના ભક્તોમાં પ્રસન્નતા અને શક્તિનું સંચલન કરતો રહે છે.

પ્રત્યેક ત્રણ માઈલના અંતર પર વિશ્રામગૃહ આવેલું છે. અહીં યાત્રીઓ રોકાય છે અને દાળભાત, દૂધ, ઘી, લોટ, બટેટાં ખરીદી શકે છે. આ સમયે આ ચીજવસ્તુઓની કીમત થોડી વધારે હોય છે. રસ્તામાં મારે માટે ભીક્ષા માગવાનું આવશ્યક ન હતું. સાધુ-સંન્યાસીઓને ખાવાનું આપવાની જવાબદારી યાત્રીઓ પોતે જ પોતાના માથે લઈ લેતા. કેટલાક અમીર યાત્રીઓ પોતાની સાથે યાત્રા કરનારા તપસ્વીઓ અને સંન્યાસીઓને ભીક્ષા આપી દે છે. હું શ્રીનગરથી બપોર સુધી ચાલ્યો. જ્યારે હું એક વિશ્રામગૃહમાં પહોંચ્યો ત્યાં એક તીર્થયાત્રીએ મને ભીક્ષા આપી.

રુદ્રપ્રયાગ

હું ગોધુલિક સમયે રુદ્રપ્રયાગ પહોંચ્યો. ઋષિકેશથી થોડાક માઈલ ઉત્તરે આવેલ લક્ષ્મણઝૂલાથી બદ્રીનારાયણ સુધીની સડકનું નિર્માણ સાર્વજનિક વિભાગે કર્યું છે. રુદ્રપ્રયાગમાં આ સડક બે વિભાગોમાં વહેંચાઈ જાય છે અને એક સડક કેદારનાથ તરફ જાય છે. રુદ્રપ્રયાગમાં અલકનંદાની ઉપર એક મોટો સિમેન્ટનો પાકો પુલ છે. રુદ્રપ્રયાગ પહોંચવા માટે બદ્રીનારાયણ જતા રસ્તાને છોડીને આ પુલ પસાર કરવો પડે છે. રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. બદ્રીનારાયણ અને કેદારનાથના રસ્તા પણ અહીં આવીને મળે છે. બંને નદીઓના સંગમ અને બંને સડકોના મિલન એક જ સ્થાન પર જોવા એ મારા માટે એક રોચક દૃશ્ય હતું. બદ્રીનારાયણના રસ્તામાં અલકનંદાના તટે એક વિશ્રામગૃહ હતું. બે મંદિરો સિવાય – જે સંગમસ્થાનથી થોડી ઊંચાઈ પર પહાડના ઢાળ પર આવેલાં છે – ત્યાં બીજું કોઈ નિવાસસ્થાન કે વસતી ન હતી. અહીં એ લોકોના બેત્રણ ઘર વધુ છે અને ત્યાં એ લોકો રહે છે. તેમજ બંને મંદિરોમાં સેવાપૂજા કરે છે. મંદિરના પૂજારી આ ક્ષેત્રના દશનામી ગોંસાઈ છે અને એને એક બંગાળી શિષ્ય છે. આ ગ્રામીણ અને અશિષ્ટ પહાડી ગોંસાઈનો શિષ્ય એક ભદ્ર બંગાળી છે એ જોઈને મને થોડું આશ્ચર્ય થયું.

સંગમ પર

રુદ્રપ્રયાગમાં મેં પાવનસંગમસ્થાને ડૂબકી મારી. મારું મન પૂર્ણતયા શાંત હતું. સંગમ પર જે એક સુંદર અને સ્વર્ગીય સ્થાન હતું ત્યાં હું લાંબા સમય સુધી બેઠો રહ્યો અને પ્રસન્નતા સાથે દોડીને વહેતી અલકનંદા જાણે કે મંદાકિનીને આલિંગન કરવા જઈ રહી છે, તેના કલકલ કરતા પાણીને નિહાળતો રહ્યો. હજારો વિચારોએ મારા મસ્તિષ્કને જાણે કે ભરી દીધું. મંદાકિની પોતાના ઘેરા આસમાની રંગના પાણી સાથે ભગવાન શ્રીકેદારનાથનાં પદ્મચરણોને ધોઈને અહીં આવી છે. એમનાં ખળખળ ધ્વનિ સાથે વહેતા પાણીનો ખડખડાટ મારા કાનોમાં સંગીતમય સૂરે ગૂંજી રહ્યો હતો. અલકનંદા કે જે બદ્રીનાથની સમીપ આવેલા કુબેરની અલકાપુરીમાંથી આવી હતી તે મંદાકિનીના પોતાના કાચ જેવા સ્વચ્છ પાણીની તરફ આગળ ધસી રહી હતી. આ સંગમ મને તરત જ હરિહરની દિવ્ય આકૃતિની યાદ અપાવતો હતો. એવું લાગતું હતું કે શ્યામલ મંદાકિની પોતાના બાહુઓ અલકનંદાની આસપાસ વીંટાળી રહી હોય અને બંને મળીને દેવપ્રયાગમાં ભાગીરથીને પવિત્ર કરનારા પાણીના મિલન માટે દોડી રહી હતી. જ્યારે રાતના અંધારાએ મને ઢાંકી દીધો ત્યારે હું આવા જ વિચારોમાં ડૂબેલો હતો. મને સમયનો કોઈ ખ્યાલ ન રહ્યો અને આખી રાત મેં અત્યધિક આનંદ અને પ્રસન્નતાથી પસાર કરી.

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.