શ્રીઠાકુર મહિમાચરણને કહે છે : ‘જે પૂર્ણ ભક્ત છે તેની સામે ભલેને ગમે તેટલી વેદાંતની વાતો કરો અને કહો કે ‘જગત સ્વપ્નવત્‌ છે’, પરંતુ એની ભક્તિ જવાની નથી. ફરી ફરીને થોડી ઘણી તો રહી જ જશે. એ મૂશળ કંટકાકીર્ણ વનમાં પડ્યું હતું. તેનાથી જ ‘મૂષલમ્‌ કુલનાશનમ્‌’ બન્યું. જે સાચો ભક્ત છે એના હૃદયમાં ભક્તિ દૃઢમૂળ બનીને રહે છે. જ્ઞાનવિચાર પછી જો આ પ્રેમભક્તિ ઓછાં થઈ જાય તો ફરી પાછી હુ હુ કરતી વધી જાય છે.’ આ સંદર્ભમાં શ્રીઠાકુર કેટલાક ભક્તોને શિવાંશ અને કેટલાક ભક્તોને વિષ્ણુ કે નારાયણનો અંશ કહીને એમને બે વિભાગોમાં વહેંચતા. શિવ-અંશમાં જ્ઞાન અને વિષ્ણુ-અંશમાં ભક્તિ – પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે ભીતર બદ્ધમૂલ બનીને રહે છે. એટલે કોઈ પણ ભક્ત પોતાના ભાવનો પરિત્યાગ કરી શકતો નથી. કંટકાકીર્ણ વનમાં એક મૂશળ પડ્યું હતું એનાથી યદુવંશનો નાશ થયો.

ભક્તિનો વિનાશ થતો નથી

અહીં યદુવંશની એક વાર્તા છે. ઋષિમુનિઓનો ઉપહાસના કરવાના ઉદ્દેશથી યાદવોએ સાંબને નારી વેશમાં સજાવીને ઋષિઓને પૂછ્યું: ‘કહો જોઈએ આના ગર્ભમાંથી પુત્રનો જન્મ થશે કે પુત્રીનો?’ એમનો ઉદ્દેશ્ય મશ્કરી કરવાનો હતો. અંતર્દૃષ્ટિ સંપન્ન ઋષિ બોલ્યા: ‘આ જન્મ આપશે ‘મૂષલમ્‌ કુલનાશનમ્‌’ને – એ યદુવંશનો નાશ કરવા માટે મૂશળનો જન્મ આપશે.’ બધા ભયભીત થઈ ગયા અને સાંબનો વેશ ઉતારવા લાગ્યા, ત્યારે એમણે જોયું કે ભીતરથી એક મૂશળ નીકળી આવ્યું છે. યાદવો શ્રીકૃષ્ણના શરણે ગયા. તેમણે પ્રભાસ તીર્થમાં સ્નાન કરીને બ્રહ્મશાપનું શમન કરવાનો નિર્દેશ આપ્યો. પરંતુ મૂશળનું શું થશે? શ્રીકૃષ્ણે કહ્યું: ‘એને ઘસી ઘસીને પૂરું કરી નાખો.’ એમણે એવું કરવાનું કહેતાં ઘસેલો થોડોક અંશ પાણીમાં પડી ગયો. પરિણામે ત્યાં બાણનું વન ઊગી ગયું. અંતે જે ટુકડો ઘસાયો નહિ એને પાણીમાં ફેંકી દીધો. પરંતુ બ્રહ્મશાપ વૃથા ન ગયો. ત્યાર પછીની વાત જુદી છે. યદુવંશીઓના સંતાનો મત્ત બનીને એ બાણોને લઈને પરસ્પર જ ઝઘડવા લાગ્યા અને એ જ બાણોએ એમનો વિનાશ કર્યો.

સમુદ્રમાં ફેંકેલા મૂશળનો એક અંશ એક માછલી ખાઈ ગઈ. જરા નામના વ્યાધે એ માછલીના પેટમાંથી આવા લોખંડના ટૂકડા જોઈને તેનાથી તીરનું ફળું બનાવ્યું. એ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે એમનો ઉદ્દેશ્ય હવે પૂર્ણ થઈ ચૂક્યો છે, યદુકુળનો નાશ થઈ ગયો છે. ભગવાન દ્વારા સંરક્ષિત બનીને યદુકુળ પ્રતાપી બની ઊઠ્યો તેની સાથે ને સાથે એમનામાં દુર્નીતિ પણ પ્રવેશી ગઈ. એમના દીર્ઘકાળ સુધી જીવતા રહેવાથી જગતનું અકલ્યાણ થશે એટલે ભગવાનનો એ ઉદ્દેશ્ય હતો કે પોતાના લીલાસંવરણ પહેલાં જ તેઓ એમનો ધ્વંસ કરીને જશે. સમુદ્રનો તટ જેમ સમુદ્રને સંયમમાં રાખે છે, તેવી જ રીતે ભગવાને પોતાની શક્તિને સંયત કરીને રાખી હતી. પોતાનું લીલાસંવરણ કરતી વખતે જ આવા લોકો સંસારમાં પ્રલયનું સર્જન કરે છે.

યદુવંશના ધ્વંસ પછીનું વર્ણન અત્યંત દુ:ખદ છે. ભગવાન એક વૃક્ષ નીચે થડને અઢેલીને વિશ્રામની મુદ્રામાં બેઠા હતા. હવે એમનું કોઈ કર્તવ્ય શેષ રહી જતું ન હતું. ગીતાગાન થઈ ચૂક્યું હતું, ઉદ્ધવને ઉપદેશદાન પણ અપાયું હતું, ઉદ્વવ બધાને હરિનામ સંભળાવતા, એ સમયે જરા નામનો પેલા શિકારીએ દૂરથી ભગવાનને પિતાંબરમાં સજ્જ થયેલા જોઈને, તેને મૃગ માનીને તેના પર એ બાણ ચલાવ્યું. એ બાણથી ભગવાનના શ્રીચરણ વિંધાઈ ગયા. શિકારીએ આવીને જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ બાણ લાગવાથી ઘાયલ થઈ ગયા છે. વ્યાધ વિષણ્ણભાવે રુદન કરતાં બોલ્યો: ‘હે પ્રભુ, મેં આ શું કરી નાખ્યું?’ એમને શાંત કરતાં ભગવાન બોલ્યા: ‘હું તો લીલાસંવરણ માટે એક નિમિત્ત શોધતો હતો. એટલે એમાં તમારો કોઈ દોષ નથી.’

સંસ્કાર અને સાધના પથ

એટલા માટે જ કહેવામાં આવ્યું છે ‘મૂષલમ્‌ કુલનાશનમ્‌’. આ વાતનો ગૂઢ અર્થ શ્રીઠાકુર આ રીતે વર્ણવે છે: ‘ભક્તના હૃદયમાં જો ભક્તિ રહે તો જ્ઞાનરૂપી પથ્થર પર એને ભલેને ગમે તેટલું ઘસવામાં આવે તોયે તે પેલા મૂશળની જેમ નાશ પામવાનો નથી. ભીતર કંઈક ને કંઈક રહી જ જાય છે અને ફરીથી પાછું એ ખીલી ઊઠે છે.’ એટલા માટે શ્રીઠાકુર વિજયકૃષ્ણ ગોસ્વામીને કહેતા હતા: ‘તમારી ભીતર ભક્તિનું બીજ છે, તમારે ભક્તિના પથે પાછું આવવું જ પડશે. તમે અદ્વૈતના વંશજ છો, તેમનું બીજ ક્યાં જશે? વિષ્ણુના અંશથી જેમનો જન્મ થયો છે તે ભલે ગમે તે પથે કેમ ન ચાલે, પણ એણે ભક્તિના પથે ફરી પાછું આવવું પડશે.’ આ રીતે ભક્તોમાં કોનો કયો માર્ગ છે, તેનો નિર્દેશ કરીને શ્રીઠાકુર તે પ્રમાણે ઉપદેશ આપતા.

શ્રીઠાકુર દક્ષિણેશ્વરમાં મહિમાચરણ આદિ ભક્તો સાથે ઈશ્વર વિશે ચર્ચા કરે છે. રાવણ કહે છે: ‘રામ રૂપનું ચિંતન કરવાથી બ્રહ્મપદ પણ તુચ્છ બની જાય છે, તો પછી પરસ્ત્રી પ્રત્યેની આસક્તિ ક્યાં રહેવાની?’ આ વાતથી મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે તો તો રામરૂપનું ચિંતન કરવાથી કે રામની ઉપલબ્ધિ કરવી એ બ્રહ્મજ્ઞાનથી ઊંચી છે? પરંતુ વાસ્તવમાં આ ઊંચનીચ કે ઉત્કૃષ્ટ-નિકૃષ્ટની વાત જ નથી. શાસ્ત્ર કહે છે: ‘અન્ય નિંદા અન્યસ્તૂતયે’. એકની નિંદા કરવામાં આવી પણ બીજાની સ્તુતિ કરવા માટે. આ ઉપરાંત એમાં અતિશયોક્તિ પણ છે. આ અધ્યાત્મશાસ્ત્રની નહિ, કેવળ અલંકારશાસ્ત્રની દૃષ્ટિ છે. કોઈ વાત પર ભાર દેવા માટે આવું બધું કરવું પડે છે. ‘રામરૂપનું ચિંતન કરવાથી બ્રહ્મપદ તુચ્છ બની જાય છે’ આમ કહેવામાં અહીં ‘બ્રહ્મપદ’નો અર્થ ‘બ્રહ્મસ્વરૂપતાની પ્રાપ્તિ’ છે. ભક્ત બ્રહ્મ સ્વરૂપતા ઇચ્છતો નથી. તે ઈશ્વરથી અલગ રહીને ઈશ્વરનું આસ્વાદન કરવા ઇચ્છે છે. જેમ કે રામપ્રસાદ કહે છે : ‘હે મા, હું સાકર થવા ઇચ્છતો નથી. હું સાકર ખાવા ઇચ્છું છું. આ છે ભક્તની રુચિ. ભક્ત આ રીતે ભગવાનનું આસ્વાદન કરવા ઇચ્છે છે.

સાધકોની વિભિન્ન પ્રકૃતિ

અહીં ભક્ત જે અવસ્થાની કામના કરે છે અને બ્રહ્મજ્ઞાનની જે અવસ્થા છે, એ બંનેની તુલના કરી શકાય નહિ. કારણ કે જ્ઞાની બ્રહ્મજ્ઞાન ચાહે છે અને ભક્ત બ્રહ્મજ્ઞાન ઇચ્છતો નથી. આમાં કોણ મોટું છે અને કોણ નાનું છે એ પ્રશ્ન નથી. અહીં તેઓ સ્વયં જે નિત્ય છે, તેમની લીલા પણ એટલી જ નિત્ય છે. જે ભક્ત જે સ્વરૂપને ચાહે છે એને માટે એ જ મહાન છે. જે જે ભાવને ચાહે છે તેને માટે એ જ ભાવ ઉત્કૃષ્ટ છે. એને માટે અન્ય ભાવનું આસ્વાદન કરવાનો પ્રયત્ન જાણે કે અનધિકાર ચેષ્ટા છે. અને એને માટે મનોનુકૂલ પણ થશે નહિ. હનુમાનનો દાસ્યભાવ છે. એમને જો કહેવામાં આવે કે તમે મધુરભાવનું આસ્વાદન શા માટે નથી કરતા? તો તેઓ લગભગ આવું જ કહેશે કે એ ભાવ મારો કામ્યભાવ નથી, એમાં મને રુચિ નથી. જો કે ભક્તિશાસ્ત્રમાં શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને મધુરભાવને ક્રમશ: એક પછી એકને વધુ ઉત્કૃષ્ટ બતાવવામાં આવ્યો છે. પરંતુ શાસ્ત્રો એ પણ કહે છે કે જે ભક્ત જે ભાવનું અવલંબન કરે છે એને માટે એ જ ભાવ શ્રેષ્ઠ છે. જ્ઞાની માટે બ્રહ્મપદ જ એક માત્ર કામ્યવસ્તુ છે, એ દૃષ્ટિએ જ્ઞાની માટે ‘રામરૂપ’ તુચ્છ છે.

અહીં વિચાર કરીને સ્પષ્ટ રૂપે એ નથી બતાવી શકાતું કે કયો ભાવ શ્રેષ્ઠ છે અને કયો ભાવ તુચ્છ? જો કે આવું કરવાની ચેષ્ટા કરવામાં આવી છે અને એને લીધે કોણ જાણે કેટલાય સમય સુધી દ્વન્દ્વ ચાલતો રહ્યો છે. એક કહે છે કે મારો ભાવ શ્રેષ્ઠ છે; તો વળી બીજો કહે છે મારો. સાચી વાત તો એ છે કે ભગવાનની જેમ જ ભગવાનના ભાવોનો પણ કોઈ અંત નથી. ભક્ત ભલે ગમે તે ભાવને ગ્રહણ કરે પણ તે એનો પાર પામી શકતો નથી. ભગવાનનું આસ્વાદન કરીને એને સમાપ્ત કે ખતમ કરી શકાતો નથી. એટલે જ શ્રેષ્ઠતા – નિકૃષ્ટતાનો વિચાર અનાવશ્યક છે. જે ભક્ત માટે તેઓ જે ભાવમાં આસ્વાદનયોગ્ય છે એને માટે એ જ ભાવ ઉત્કૃષ્ટ છે; કારણ કે તેઓ એ જ ઇચ્છે છે. એટલા માટે જોવા મળે છે કે શ્રીઠાકુરે પોતાના અંતરંગ પાર્ષદો વચ્ચે એક દ્વારા અનુસૃત ભાવને અનુસરવાની મના કરતાં કહ્યું છે કે એ તમારો ભાવ નથી. એમના ભક્તોએ એમની સાથે જેવો વ્યવહાર કર્યો છે એમની સાથે તેઓ પણ એવો જ વ્યવહાર કરતા. તેઓ કહેતા: ‘જેનો જે ભાવ છે, તે તેની રક્ષા કરીને ચાલે.’ કોઈ સ્થળે તે તેને વ્યતિ- ક્રમની ચેષ્ટા કરતા જોઈને સતર્ક પણ કરી દેતા. અહીં તેઓ તે ભાવ ઊંચો છે કે નીચો છે એવું ન કહેતા. માત્ર એટલું જ કહેતા કે એ ભાવ તમારો નથી. અહીં બ્રહ્મપદની તુચ્છતા ગણવામાં નથી આવી પરંતુ એકની સ્તુતિ કરવા માટે બીજાની નિંદા કરવામાં આવી છે. રામરૂપની સ્તુતિ કરવા માટે બ્રહ્મપદની નિંદા કરવામાં આવી છે. બરાબર એ જ રીતે એમ પણ કહેવાય કે જ્ઞાની સામે રામરૂપ તુચ્છ છે. કોઈ પણ ભાવ નિરપેક્ષ નથી. જેનો જે આદર્શ છે તે જ એનો ભાવ છે. તેનું જ અવલંબન કરીને તેને ચાલવું પડશે અને જ્યારે કોઈ વ્યક્તિ કે સાધકને સ્થાને કેવળ સ્વરૂપની વાત જ કહેવાની ચેષ્ટા કરવામાં આવે ત્યારે કંઈ બોલી શકાતું નથી, કારણ કે સિદ્ધ માટે ભક્ત – ભગવાન ઉપાસ્ય – ઉપાસકનો કોઈ પ્રશ્ન નથી હોતો. ઉપાસ્ય ભગવાનમાં વૈચિત્ર્ય હશે તથા ઉપાસક એનાથી ભિન્ન હશે એવું આપણે સમજીએ છીએ. બ્રહ્મ જ્યારે ઉપાસ્ય બન્યા એટલે જ તો સાધક બ્રહ્મની ઉપાસના કરે છે, તે બ્રહ્મરૂપમાં પ્રતિષ્ઠિત નથી જ. એટલે તે બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ચેષ્ટા કરે છે. અત: તે તેનાથી ભિન્ન છે. એવી પ્રતીતિ તેને થાય છે. પરંતુ આપણે ઉપાસના ભલે ગમે તે દ્વારા કરીએ કે જ્ઞાનચર્ચા દ્વારા કરીએ અથવા બીજા કોઈ વિચારથી, પોતાની ક્ષુદ્રતાની સીમાનું અતિક્રમણ કરી શકે તો તે સાધક બ્રહ્મસ્વરૂપ બની જાય છે. પરંતુ જ્યાં સુધી બ્રહ્મસ્વરૂપ નથી બનતો ત્યાં સુધી વ્યવહારિક દૃષ્ટિએ બ્રહ્મથી ભિન્ન રહે છે. એવું જો ન થાય તો કોણ કોની ઉપાસના કરશે? પ્રત્યેક સાધકે પોતાના પથ પ્રત્યે પૂરી આસ્થા રાખીને, પથને દૃઢ સત્ય માનીને ચાલવું પડશે. પોતાના પથ પર શ્રદ્ધા ન રહેવાથી કોઈ સાધક આગળ વધી શકતો નથી. જેમ કોઈ ઉપાસક જો તત્ત્વની દૃષ્ટિએ એવું વિચારશે કે બધું મિથ્યા છે, તો શું તે આવું કહેશે કે મિથ્યારૂપ મા કાલી, તમે મને બે વરદાન આપો? મિથ્યા વસ્તુથી શું કોઈ પ્રાર્થના કરશે ખરો? અત: એ એની દૃષ્ટિ નથી. જે બ્રહ્મજ્ઞાનનું અનુશીલન કરે છે તે શું આમ કહેવાનો કે જે અનુશીલન દ્વારા હું બ્રહ્મની પ્રાપ્તિ કરીશ તે મિથ્યા છે? ના, તે તો એ અનુશીલનને જ સત્ય માનીને આગળ વધશે. ત્યાં ઊંચનીચની કોઈ પૃથક્‌તા નથી. પોતપોતાના ભાવ પ્રમાણે આસ્વાદન કરવું પડે.

શ્રીરામકૃષ્ણની ઉપલબ્ધિ અને ઉપદેશ

આ વિશે શ્રીઠાકુર કહે છે : ‘હું સૂકું પણ ખાઉં છું અને રસદાર પણ ખાઉં છું, અને ખાટું અને ચટપટું પણ ખાઉં છું. મને કોઈ એક પથનો ભાવ પસંદ નથી. હું એ બધા ભાવોમાં આસ્વાદન કરવા ઇચ્છું છું અને વળી પાછો રૂપ-અરૂપનું પણ આસ્વાદન કરવા ઇચ્છું છું.’ આ વિલક્ષણભાવ એક માત્ર શ્રીઠાકુરનો જ છે, જે બીજે ક્યાંય જોવા મળતો નથી. અન્ય સાધક વધારેમાં વધારે કોઈ એક ભાવ કે કોઈ એક બીબામાં પોતાની જાતને ઢાળી શકે છે, તો એનાથી એમનું જીવન ધન્ય બની જાય છે. પરંતુ શ્રીઠાકુર માટે આટલું જ પર્યાપ્ત નથી. તેઓ સમસ્ત જગતને એ બતાવવા ઇચ્છતા હતા કે જેટલાં બીબાં છે, એ બધાં સત્ય છે; એટલા માટે તેમણે પોતાની જાતને બધાં બીબાંમાં ઢાળીને એ બતાવી દીધું છે કે તે આ રીતે પણ થઈ શકે છે અને પેલી રીતે પણ. અને આમાં જ શ્રીરામકૃષ્ણનું શ્રીરામકૃષ્ણપણું છે.

પરંતુ આ બધા માટે નથી. સાધારણ સાધકો માટે ઈષ્ટ નિષ્ઠા જરૂરી છે. એનું મન નાનું હોય છે એટલા માટે તે દ્વારા તે ભાવક બધાની ધારણા કરી શકતો નથી. અત: તે પોતાના આ નાના મન દ્વારા જ કોઈ એક ભાવમાં પોતાની જાતને મગ્ન કરી શકે તો એનાથી જ એનું જીવન પૂરેપૂરું ધન્ય બની જશે. પરંતુ જે સંસારના બધા પ્રકારના લોકોને એમના પોતપોતાના માર્ગ પર આગળ લઈ જવા માટે અવતર્યા છે એમને માટે કેવળ એકપથિયા બનવાથી કામ પૂરું નહિ થાય. એમને તો બધા ભાવોની જાણકારી જોઈએ છે, બધા ભાવોથી સંપૂર્ણ રીતે પરિચિત બનીને જ તેઓ બધાને સૌના પોતપોતાના રસ્તે લઈ જઈ શકશે. તેઓ અવતાર છે એટલે સર્વજ્ઞ છે, એમ કહેવું પણ યથેષ્ટ નથી. એમને માટે તો સ્વયં વિભિન્ન ભાવોની સાધના કરીને એમનું સમગ્ર સ્વરૂપ જગતને બતાવી દેવું એ જ જરૂરનું છે, એટલે જ તો લોકો એમની પાસેથી સાધનાની અનુપ્રેરણા પ્રાપ્ત કરશે અને એ પથ પર આગળ વધશે. આવું ન બને તો ભગવાન પરિપૂર્ણ હોવા છતાં પણ આપણને સહાય કરી ન શકે, કારણ કે તેઓ આપણી ધારણાની બહાર છે. જ્યારે તેઓ મનુષ્ય શરીર ધારણ કરીને આપણી વચ્ચે આવે છે, આપણા સૌની જેમ સમાન સાધના કરીને, સિદ્ધિલાભ મેળવીને એ બતાવી દે છે કે કેવી રીતે સિદ્ધિલાભ પ્રાપ્ત કરી શકાય. ત્યારે આપણે સમજી શકીએ છીએ કે જ્યારે તેમને સફળતા મળી છે તો આપણને પણ મળી શકે છે. શ્રીઠાકુર કહે છે : ‘તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાંતને દર્શન આપ્યાં, તો હવે તું મને કેમ દર્શન નહિ દે?’ આ છે ઉદાહરણ પ્રસ્તુત કરવું. જો એમણે રામકૃષ્ણને દર્શન દીધાં તો આપણને પણ દેશે. એટલા માટે અવતારે પણ સાધના કરવી પડે છે. અવતાર સિદ્ધ બનીને પણ, પૂર્ણ બનીને પણ દેહધારણ કરીને આવે છે તથા વિભિન્ન ભાવોને આદિથી અંત સુધી બતાવી જાય છે. તેઓ સહજજ્ઞાન લઈને આવે છે, પરંતુ એમને નવા રૂપે અભિવ્યક્ત કરીને બધાની સામે ઉદાહરણ રૂપે એ જ્ઞાન રાખવું પડે છે. એટલે જ આ વાત જેમ જ્ઞાનના સંદર્ભમાં છે તેવી જ રીતે ભક્તિના વિભિન્ન ભાવોના સંદર્ભમાં પણ છે. બધા ભાવોમાં પોતાનો વિકાસ કરીને બતાવી દે છે – આ જુઓ, આ માર્ગને આ રીતે જાણવો પડશે, એમાં આટલી આટલી બાધાઓ-વિઘ્નો આવે છે, આ આ લક્ષણો છે, આ રીતે ત્યાં પહોંચવું પડશે, પહોંચ્યા પછી આ પ્રકારનો અનુભવ થાય છે, વગેરે વગેરે. પ્રત્યેક ભાવ તેઓ આ રીતે સાધકને બતાવી દે છે. 

શ્રીઠાકુર એક ઉદાહરણ આપે છે : પક્ષી જ્યારે પોતાના બચ્ચાને ઊડતાં શીખવે છે ત્યારે તે સ્વયં એક ડાળથી બીજી ડાળ પર ઊડીને જાય છે. જો તે સીધે સીધું આકાશમાં ઊડી જતું હોત તો તેનું બચ્ચું ક્યારેય ઊડવાનું ન શીખત. બરાબર એવી જ રીતે અવતાર સ્વયં પોતાના જીવનમાં સાધના કરીને એ બતાવી દે છે કે કેવી રીતે એક એક ડગલું ભરતાં ભરતાં આગળ વધવાનું હોય છે. તેઓ એ રીતે બતાવી દે છે; એટલે તો તેઓ અવતારપુરુષ કહેવાય છે; એટલે જ આપણને સૌને એમની આવશ્યકતા રહે છે. જો તેઓ આવી રીતે આપણને બતાવી ન દેત તો આપણા જીવનમાં એમના અવતારત્વની કોઈ સાર્થકતા ન રહેત. એમની પાસે રહેવા છતાં પણ એમનો કોઈ લાભ મેળવી ન શકત. એટલે એમને માટે સાધના હોય છે. શ્રીરામકૃષ્ણે આ રીતે બધા પ્રકારની સાધના કરીને એ બતાવી દીધું કે ભાવોમાં કોઈ ઊંચાપણું કે નીચાપણું અથવા ઉત્કૃષ્ટતા કે નિકૃષ્ટતા નથી. જે ભાવક  જે ભાવનો સાધક છે, તે એ જ પથનું અનુસરણ કરીને પરિપૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. એમાં તારતમ્યનો કોઈ પ્રશ્ન નથી.

અંતે અહીં શ્રીઠાકુરે કહ્યું છે: ‘જે શિવ-અંશ સાથે જન્મ લે છે તે જ્ઞાની હોય છે. એનું મન સદા ‘બ્રહ્મ સત્ય જગન્મિથ્યા’ એ બોધની તરફ જ રહે છે. વિષ્ણુ-અંશ સાથે જન્મ લેવાથી પ્રેમભક્તિ ઉપજે છે.’ એક જ પરમેશ્વર એક રૂપે શિવ અને બીજા રૂપે વિષ્ણુ છે – અને આ રીતે લીલા કરે છે. એક જ પરમેશ્વરના બધા વિભિન્ન પ્રકાશ છે. એમની ભીતર ઊંચનીચ એવું કંઈ નથી; કેવળ ચરિત્રની વિશિષ્ટતા છે, પ્રકાશના તારતમ્ય પ્રમાણે પોતાને ઢાળવા માટે બે બિબાં છે : એક જ્ઞાનનું અને બીજું ભક્તિનું. પરંતુ વસ્તુ તો એ એક પરમેશ્વર જ છે.

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.