સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ના પૃ.૩૬૮-૬૯માંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે અહીં પ્રસ્તુત છે. – સં.

કેવળ એક જ વાત; તેઓ, મહાન પ્રતિભાશાળી ભગવાન શ્રીકૃષ્ણ ચૈતન્ય જ આ અનંત ‘અવિચ્છિન્ન અવચ્છેદક’ની જાળમાંથી બહાર આવી શક્યા હતા. એ સમયે એક વખત બંગાળની આધ્યાત્મિક તંદ્રા ઊડી અને થોડા સમય સુધી તે ભાવ-આંદોલન ભારતના અન્ય પ્રદેશોના ધર્મજીવનમાં સહભાગી બન્યું.

આશ્ચર્યની વાત તો એ છે કે શ્રીચૈતન્યે સંન્યાસદીક્ષા એક ભારતી (સંન્યાસી પ્રણાલી) પાસેથી ગ્રહણ કરી હતી. એ કારણે જ તેઓ પોતે ભારતી હતા. પરંતુ માધવેન્દ્ર પુરીના શિષ્ય ઈશ્વરપુરી દ્વારા જ એમની આધ્યાત્મિક પ્રતિભા પ્રથમવાર જાગ્રત થઈ. એટલે એવું જણાય છે કે બંગદેશમાં ધાર્મિક જાગૃતિ કરવી એ જાણે કે પુરી સંપ્રદાયનો જ એક વિધાતાનિર્દિષ્ટ ઉદ્દેશ્ય હતો. ભગવાન શ્રીરામકૃષ્ણને સંન્યાસ આશ્રમ તોતાપુરી દ્વારા પ્રાપ્ત થયો હતો.

શ્રીચૈતન્ય મહાપ્રભુએ વ્યાસસૂત્ર પર જે ભાષ્ય લખ્યું તે ભાષ્ય તો લુપ્ત થઈ ગયું અને અત્યાર સુધી મળ્યું નથી. (અત્યારના બંગ સાહિત્ય પરિષદમાં એક પ્રાચીન સંસ્કૃત ગ્રંથ મળ્યો છે. તેમાં બ્રહ્મસૂત્રના વિશેષ વિશેષ સૂત્રો પર ચૈતન્યદેવનો અભિમત લિપિબદ્ધ થયેલો છે.) એમનો શિષ્યગણ દક્ષિણના માધ્વ સંપ્રદાયની સાથે સંમિલિત થઈ ગયો હતો અને ક્રમશ: રૂપ, સનાતન અને જીવ ગોસ્વામી જેવા વિખ્યાત મહાપુરુષો દ્વારા અંગીકૃત કાર્યભાર બાબાજીઓના શિરે આવી પડ્યો હતો. 

ઉત્તર ભારતના મહાન સંત શ્રીચૈતન્ય ગોપીઓના પ્રેમોન્મત્ત ભાવના પ્રતિનિધિ હતા. ચૈતન્યદેવ સ્વયં એક બ્રાહ્મણ હતા, એ સમયના એક પ્રસિદ્ધ નૈયાયિક વંશમાં એમનો જન્મ થયો હતો. તેઓ ન્યાયના અધ્યાપક હતા, તર્ક દ્વારા બધાને પરાસ્ત કરતા હતા, નાનપણથી જ એને પોતાના જીવનનો ઉચ્ચતમ આદર્શ સમજી લીધો હતો. કોઈ મહાપુરુષની કૃપાથી એમનું સંપૂર્ણ જીવન પરિવર્તિત થઈ ગયું; ત્યારે એમણે વાદવિવાદ, તર્ક, ન્યાયનું અધ્યાપન એ બધું છોડી દીધું. 

સંસારમાં ભક્તિના જેટલા મોટા મોટા આચાર્યો થયા છે એમાંથી પ્રેમોન્મત્ત ચૈતન્ય એક શ્રેષ્ઠ આચાર્ય છે. એમના ભક્તિતરંગ સમગ્ર બંગાળમાં ફેલાઈ ગયા. એને લીધે બધાના હૃદયને શાંતિ સાંપડી. એમના પ્રેમની સીમા ન હતી. સાધુ, અસાધુ, હિંદુ, મુસલમાન, પવિત્ર, અપવિત્ર, વેશ્યા, પતિત, બધાં એમના પ્રેમના ભાગી હતા. તેઓ બધા પર દયાભાવ રાખતા.

જો કે કાળના પ્રભાવને લીધે બધું અવનતિને પ્રાપ્ત થતું હોય છે. અને એમણે ચલાવેલો સંપ્રદાય ઘોર અવનતિની દશામાં પહોંચી ગયો છે; છતાં પણ આજ સુધી એ સંપ્રદાય દરિદ્ર, દુર્બળ, જાતિચ્યુત, પતિત કોઈપણ સમાજમાં જેમનું સ્થાન નથી એવા લોકોનું આશ્રયસ્થાન છે… બંગાળના એમના કહેવાતા શિષ્યો એમની શક્તિ સમગ્ર ભારતમાં આજે પણ કેવી રીતે કામ કરી રહી છે એ જાણતા નથી. એ કેવી રીતે સમજે? એમના શિષ્યો તો ગાદીધારી બની ગયા, પરંતુ તેઓ (ચૈતન્યદેવ) સ્વયં ખુલ્લે પગે ઘરે ઘરે – બારણે બારણે જઈને ચાંડાળ સુધ્ધાંને ઉપદેશ આપતા, ભગવાન પ્રત્યે પ્રેમસંપન્ન હોવાની ભીખ માગતા ફરતા.

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.