ગુપ્તકાશી અને ઊખીમઠ

અગત્સ્યમુનિ

પછીના દિવસે હું કેદારનાથ તરફ જવા આગળ વધ્યો. રુદ્રપ્રયાગ સુધી સડક અલકનંદાની સાથે સાથે ચાલે છે. હવે મંદાકિની સાથે ચાલવા લાગી. ધીમે ધીમે હું વિશાળ હિમાલય-બધા પર્વતોના અભિષિક્ત રાજા-ની આંતરિક સીમામાં પ્રવેશી રહ્યો હતો. મેં જોયું તો હિમાલય હિમના વિવિધરંગોના વસ્ત્રોથી સુસજ્જિત હતો; એના રંગમાં પ્રતિ ક્ષણ પરિવર્તન આવતાં હતાં. મારી પ્રસન્નતા અને વિસ્મયનો પાર ન રહ્યો અને આ દૃશ્ય જોઈને કેદારનાથ બદ્રીવિશાળ સુધી પહોંચવાની ઉત્સુકતા ઓર વધી ગઈ.

હું રુદ્રપ્રયાગને પાછળ છોડીને બપોરના બે વાગ્યે અગત્સ્યમુનિ પહોંચ્યો. આ સ્થાન યાત્રીઓથી ભરપૂર હતું. દરેક માણસ પોતાનું ખાવાનું રાંધવામાં વ્યસ્ત હતો. આ પાવન સ્થળ તપસ્વીને માટે રહેવા એકદમ ઉપયુક્ત સ્થાન ગણાય છે. ઋતુ અને હવામાન પણ ઘણા સુંદરમજાનાં છે. શ્રીનગર છોડ્યા પછી મેં જોયું કે કેવળ આ જ સ્થાન એવું છે કે જ્યાં સારા પ્રમાણમાં સમતલ ભૂમિ છે. મેં પવિત્ર મંદાકિનીમાં સ્નાન કર્યું, કેટલાક મંદિરોમાં જઈ આવ્યો અને એમાંના એક મંદિરમાં મેં થોડીવાર વિશ્રામ પણ કર્યો. પ્રાચીન સાધુઓ દ્વારા પવિત્ર થયેલા આવાં સ્થાનો વિશે હું વિચારવા લાગ્યો. મેં વિચાર્યું કે જો તપસ્યાથી સબળ એ મહાન પ્રાચીન તપસ્વીઓમાંથી કોઈ પોતાના આશીર્વાદ મને અને અન્ય બીજા લોકોને આપી દે તો એ મારા માટે પરમ આનંદની વાત હશે.

લંગોટિયા સાધુનું આતિથ્ય

હું આવા પાવનકારી વિચારોમાં ઓતપ્રોત બનીને બેઠો હતો ત્યાં જ એક સાધુ જેના આખા શરીરે ભસ્મ લગાડેલી હતી અને કેવળ લંગોટ જ ધારણ કર્યો હતો તે હસતાં હતાં મારી તરફ આવ્યો અને પોતાની ભીક્ષા એની પાસેથી મેળવવા માટે મને આમંત્રણ આપ્યું. મધ્યાહ્‌ન પછી સાધુએ કેટલીક રોટલી બનાવી અને થોડી દાળ પણ પકવી. તેણે પ્રચૂરમાત્રામાં સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. હું ક્યારેય એને અને એના પ્રેમાતિથ્યને ભૂલી નહિ શકું. એણે મંદિરની સાથે જ જોડાયેલા ઓરડામાં ભોજન રાંધ્યું હતું. સંભવત: દેવની દરરોજ પૂજા કરવા માટે એ ત્યાં રહેતો હતો. એની ઉંમર ૫૦-૫૫ વર્ષની હશે. મને આ પાવન અને પ્રાચીન સ્થાને આવા શિષ્ટ અને મહાન સાધુનો સાથ મેળવીને ઘણો આનંદ થયો. આ પવિત્ર સ્થાને એક પુણ્યાત્માને જોવા એ વાસ્તવમાં એક સૌભાગ્યની વાત હતી. ભોજન પછી મેં થોડો વિશ્રામ કર્યો અને વળી પાછી મારી યાત્રા આરંભી દીધી. સાચી વાત તો એ છે કે મને એ સ્થાન સાથે એટલો બધો પ્રેમભાવ થઈ ગયો કે એ સમયે આગળ જવાની મારી જરાય ઇચ્છા ન હતી. પરંતુ મારી સામે એક લાંબો યાત્રાપથ હતો. એટલે કેટલીયે વાર મારે આવાં રમણીય સ્થાનોને કેવળ એક કે બે દિવસ પછી છોડવાં પડ્યાં હતાં. અગત્સ્યમુનિથી આગળ જતાં સીધું ચઢાણ હતું. હું જેમ જેમ ઊપર ચડતો ગયો, હવા ઠંડી થતી ગઈ. એ રાતે ત્યાર પછીના વિશ્રામગૃહમાં મને ટાઢ લાગવા માંડી. પછીના દિવસે મેં એક ઘણા ઊંચા પર્વત પર ચડવાનું શરૂ કર્યું અને ગુપ્તકાશી નામના એક નાના શહેરમાં પહોંચ્યો.

ગુપ્તકાશીમાં

ગુપ્તકાશી લગભગ એક ઊંચા પહાડના શિખર પર આવેલું છે. અહીંથી જોવા મળતું દૃશ્ય સૌથી વધુ મનોહર લાગે છે. નીચે ઘાટી તરફ વળતી મંદાકિનીનું અહીંથી ઘણું સુંદર અને મનોહર દૃશ્ય જોવા મળે છે. પહાડી ઉપર બીજી બાજુએ એક અન્ય આકર્ષક પરંતુ નાનું એવું શહેર ઊખી મઠ છે. ગુપ્તકાશી અને ઊખીમઠ લગભગ એક સરખી ઊંચાઈ પર આવેલા છે અને બરાબર એક બીજાની સામસામે છે. ગુપ્તકાશીમાં બે પથ્થરનાં મંદિર છે. એમાં બે સુંદર મૂર્તિઓ : એક પથ્થરની અને બીજી ધાતુની. પણ મને એ દેવોના નામ યાદ નથી. અહીં પિત્તળ જેવી ધાતુના બનેલ બે ગોમુખ છે. એ મુખમાંથી પહાડ તરફથી આવતી પાણીની ધારા પ્રબળ વેગે વહે છે અને મંદાકિનીમાં મળી જાય છે. મારા મતે પાણીના આ ઝરણાનું ચિત્ર ઘણું પ્રભાવક અને યુક્તિપૂર્ણ હતું. જે લોકો ગુપ્તકાશીમાં સ્નાન વગેરે કરતાં અને ખાવાનું રાંધતાં એને માટે ઘણું સુવિધાજનક હતું. ગુપ્તકાશીના નિવાસી પણ પોતાના ઘરોમાં પાણી આ પિત્તળના ઝરણામાંથી જ લઈ જતા. અહીં તહીં બીજાં પણ ઝરણાં છે અને લોકો એ પાણીનો ઉપયોગ પણ કરે છે. ગુપ્તકાશી સારી એવી ઊંચાઈ પર છે. અહીં કેદારનાથના હિમાચ્છાદિત શિખરો પરથી આવતી ઠંડી હવા વહે છે. અહીં ઠંડીની ઋતુ સુદીર્ઘકાળ સુધી હોય છે અને શરદ ઋતુના મધ્યમાં સારા એવા પ્રમાણમાં હિમવર્ષા પણ થાય છે. જે સાધુએ મને અગત્સ્યમુનિમાં જમાડ્યો હતો એની સાથે ઓચિંતાની મારી મુલાકાત થઈ ગઈ. એને હું અહીં મળીશ એવું મેં વિચાર્યું પણ ન હતું. અમે બંને ખૂબ રાજી થયા. જ્યારે મેં પહેલીવાર તેને અગત્સ્યમુનિના મંદિરે જોયો હતો ત્યારે મને લાગ્યું કે તે એ મંદિરનો પૂજારી હશે. પરંતુ હવે મને આભાસ થયો કે એ પણ મારી જેમ જ બદ્રીનારાયણ અને કેદારનાથનો યાત્રી હતો. એને અગત્સ્યમુનિ પસંદ પડ્યું એટલે તે ત્યાં એકાદ બે દિવસ રોકાઈ ગયો. અમારી પહેલી મુલાકાત વખતે એના સરળ અને ઉદાર વ્યવહારે એના તરફ વધારે આકર્ષિત કરી દીધો હતો. અહીં પણ મેં એના કેટલાક ઉત્કૃષ્ટ ગુણો જોયા. તે મને જોઈને ખૂબ રાજી થયો. એમનું આખું શરીર પવિત્ર ભસ્મના લેપવાળું હતું અને તે ગૌર અને પ્રસન્નચિત્ત લાગતો હતો. જ્યારે અમે એકબીજા સામે જોયું તો એનો ચહેરો હાસ્ય સાથે ખીલી ઊઠ્યો. આ વખતે પણ એણે મને મહાવીરનો પ્રસાદ લેવા માટે આમંત્રણ આપ્યું. વાસ્તવમાં એ મહાવીર-હનુમાનનો ભક્ત હતો. એનું શરીર એ વાતનું પ્રમાણ હતું. તે ક્યારેક ક્યારેક મહાવીરના પાવન નામનું ઉચ્ચારણ પણ કરતો રહેતો. એના મોંમાં આગળના દાંત ન હતા એટલે જ્યારે હસતો ત્યારે નાના બાળક જેવો લાગતો. તે હતો વૈષ્ણવ સંપ્રદાયનો પરંતુ એના પોતાના દેહ પર કોઈ પણ બાહ્યાચિહ્‌ન ન હતાં – જેવાં કે માળા, ચંદનના લેપનું નિશાન અને વૈષ્ણવ હોવાને સંબંધે એણે કોઈ પણ પ્રકારનું અભિમાન પણ બતાવ્યું ન હતું. બીજા સમુદાયના લોકો પ્રત્યે એમના વંશજ જેવા સંબંધો જોઈને એ સ્પષ્ટ થતું હતું. શૈવસંપ્રદાયના સંન્યાસીઓ પ્રત્યે એને વિશેષ આદરભાવ હતાં. સામાન્યતયા વૈષ્ણવસાધુ આટલા ઉદાર પ્રવૃત્તિના નથી હોતા. અન્ય સમુદાય કે સંપ્રદાયના લોકો સાથે પોતાના વંશજ જેવો વ્યવહાર કરવાવાળા વૈષ્ણવો ક્યારેક ક્યારેક જોવા મળે.

સુખદ સાથ

પોતાના પ્રિય ઈષ્ટદેવ હનુમાનની મધ્યાહ્‌નની પૂજામાં મને સામેલ થવા માટે આમંત્રણ આપ્યા પછી તે સાધુ જંગલમાં લાકડા લેવા ગયો. એટલામાં હું ગુપ્તકાશીના મંદિર જોવા નીકળી પડ્યો અને ગામની લટાર મારી આવ્યો. ત્યાં સુધીમાં સાધુ જંગલમાંથી પાછો આવી ગયો હતો અને ઓરડાના એક ખૂણામાં ગહન ધ્યાનની મુદ્રામાં બેઠો હતો. મેં એને એમ કહેતા સાંભળ્યો હતો કે ઠંડીથી પોતાને બચાવવા માટે એની પાસે કેવળ એક જ ધાબળો હતો અને એ ધાબળો જંગલમાં લાકડા ભેગાં કરતી વખતે ક્યાંક પડી ગયો હતો. એ ધાબળો શોધવા માટે તે પાછો પણ ગયો હતો પરંતુ એ મળ્યો નહિ. જ્યાં એ ધ્યાન કરતો હતો ત્યાં સારી એવી ઠંડી હતી. એટલે જ્યારે તે ઊંડી સમાધિમાં બેઠો ત્યારે મેં મારો પોતાનો ધાબળો એને ઓઢાડી દીધો અને હું બીજી જગ્યાએ ગયો. એ સાધુ સમાધિમાં એટલો લીન હતો અને એના ચહેરા પર તેજપૂર્ણ આનંદ ચમકી રહ્યો હતો. એને જોઈને મને વિચાર આવ્યો કે તે પોતાના પ્રિય ઈષ્ટ સાથે એકલીન બની ગયો હતો.

થોડીવાર પછી હું પાછો આવ્યો. પેલો સાધુ તુલસી રામાયણ અને વિનયપત્રિકાના ભજન ગાતાં ગાતાં રાંધવામાં અને રોટલી શેકવામાં મસ્ત હતો. એનો અવાજ ઘણો સુરીલો હતો. એનું આટલું મધુર સંગીત સાંભળીને મેં ઘણો આનંદ અનુભવ્યો. એ આનંદનું વર્ણન કરવું સંભવ નથી. વિનયપત્રિકાના ભક્તિગીત એટલાં ચિત્રમય છે કે સાંભળવાવાળાને એવી અનુભૂતિ થાય છે કે જાણે બાળ રૂપે રામ એમની સમક્ષ ઊછળકૂદ, તોફાનમસ્તી ન કરી રહ્યા હોય! પાવનસ્થળ પર આવવાને લીધે હું પહેલા ખૂબ પ્રસન્ન હતો અને આ સાધુનો પાવન અને મનોહારી સંગ મેળવીને જાણે કે સોનામાં સુગંધ ભળી ગઈ. હવે મારો આનંદ દસગણો થઈ ગયો. સાધુએ રાંધી લીધું હતું. તેણે પોતાના ઈષ્ટદેવને ભોગ ધર્યો ત્યાર પછી અમે જમ્યા. એક ધોતિયા સિવાય એ સાધુ પાસે બીજો કોઈ સામાન ન હતો. મને એ ખબર ન પડી કે એ સાધુઓને કેવી રીતે ભોજન કરાવતો હતો. એણે બીજા બે સાધુઓને પણ ભોજન કરાવ્યું અને પછી જે કંઈ વધ્યું એ પોતે ખાધું. આટલું થોડું ખાવાથી પણ એ અત્યંત સંતુષ્ટ હતો.

ભારતીય સંસ્કૃતિની આધારશિલા

એ સાધુની ગહન શ્રદ્ધાભક્તિ જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. કદાચ એ સાધુ કેદારનાથ તરફ આગળ ન ગયા. મેં એને પૂછ્યું એટલે એણે જવાબમાં કહ્યું કે ભગવાન કેદારનાથે ગુપ્તકાશીમાં જ એને દર્શન આપીને એને આશીર્વાદ આપ્યા છે. એટલે હવે આગળ જવામાં શું ફાયદો? તેની શ્રદ્ધાની પ્રશંસા કરવા માટે મારી પાસે વાસ્તવિક રીતે શબ્દો નથી. ઈશ્વર સાચે જ મહાન અને દયાળુ છે એટલે આપનારને જ ભગવાન કહેવામાં આવે છે. આ સાધુ જેવું શુદ્ધ, દયાળુ અને દાનવીર હૃદય હોવું વાસ્તવમાં મનુષ્યના અસંખ્ય જન્મોમાં કરેલાં સુકર્મોના ફળ સ્વરૂપે શક્ય બને છે. એના જેવા અકિંચન પરંતુ મહાન મનુષ્ય જ પ્રાય: પોતે પોતાનું ભોજન પણ ભૂખ્યા લોકોને આપીને એમના પ્રાણની રક્ષા કરે છે. આવા લોકોની મહાનતાને કારણે જ ભારતની મહાન સંસ્કૃતિ આજ સુધી જીવિત રહી છે. ભારતનો જય હો! આ સાધુઓના ત્યાગ અને આવા મહાન આત્માઓના ચરિત્રના બળ પર જ ભારત આજે પણ પોતાનું મસ્તક ઊંચું રાખીને ઊભું છે. આધુનિક શિક્ષણ પામેલા ગણ્યાગાઠ્યા યુવકો જ આ વાત જાણે છે. આ મહાન દેશનો આધ્યાત્મિક વિકાસ ગરીબ અને દુ:ખીઓની નિ:સ્વાર્થ સેવા કરનારા આવા પવિત્ર સાધુઓના ચરિત્ર પર જ આાધારિત છે. સેંકડો સમિતિઓમાં સંકલ્પનિર્ધારણ કરવામાં આવે છે અને જે પ્રાપ્ત કરી શકાતું નથી તે આવી મહાન વ્યક્તિઓના સ્વચ્છ સત્‌ચરિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. જો કે આવી વ્યક્તિઓ ઓછી છે પરંતુ અત્યારે પણ ભારતમાં આવા પુરુષો છે ખરા. એમના વિના ભારત ક્યાંય પહોંચી ન શકે. એમના વિના એની સંસ્કૃતિ નાશ પામી હોત.

ઊખી મઠ તરફ

સ્થાનિક લોકો પાસેથી મને જાણવા મળ્યું કે ગુપ્તકાશી અને કેદારનાથની વચ્ચે ફાટાચટ્ટી નામનું એક વિશ્રામગૃહ છે અને એક બંગાળી સંન્યાસી ઘણા સમયથી ત્યાં રહે છે. એ લોકો એને ફાટાચટ્ટીના મહારાજ કહીને બોલાવે છે. એ સંન્યાસી તિબેટ, કૈલાસ અને માનસરોવર થઈને અહીં આવ્યો છે. જે વ્યક્તિએ મને એ સાધુ વિશે બતાવ્યું એણે મને સમજાવ્યું કે હું ફાટાચટ્ટી જાઉં કારણ કે મારે પણ કૈલાસ જવાની ઇચ્છા હતી. એટલે હું ફાટાચટ્ટીના મહારાજને મળવા માટે ઉત્સુક હતો. ગુપ્તકાશી પહોંચીને મને જાણવા મળ્યું કે મહારાજ ઊખી મઠ ગયા છે. હું એને મળવાથી વંચિત રહી જઉં એમ માનીને હું ઊખી મઠ જવા ઉપડ્યો. 

ઊખી મઠ જવા માટે પહેલા તો તમારે પહાડ તરફ નીચે ઊતરવું પડે છે અને પછી લગભગ ઉતરાણની ઊંચાઈ સુધી સામે જ આવેલા પહાડ પર ચડવું પડે છે. હું ગુપ્તકાશીથી નીકળી પડ્યો અને કાળજી રાખીને મંદાકિની સુધી નીચે ઊતરી ગયો. આ સ્થળો પર દેખાતા પુલો જેવો એક પુલ મંદાકિની ઉપર એ સ્થાને આવેલો છે. હું એ પુલ પસાર કરીને વળી પાછો કઠણ ચઢાણવાળા પહાડની સામે આવીને ઊભો રહ્યો. હવે મારે આ પહાડ પર ચડવાનું હતું. ચડવામાં ઘણો સમય લાગ્યો. ગુપ્તકાશી અને ઊખી મઠ વચ્ચેનું અંતર મને આજે યાદ નથી પરંતુ મને યાદ છે કે હું દિવસ ઊગતા પહેલાં ચડવા લાગ્યો અને ઊખી મઠ પહોંચતાં સવારના દસ વાગી ગયા હતા.

ઊખી મઠનું પ્રાકૃતિક સૌંદર્ય

મેં પહેલા જ કહી દીધું છે કે ઊખી મઠ એક ઊંચા પહાડના શિખર પર આવેલું છે. અહીંથી આપણે ઉત્તર દિશા તરફ જઈએ તો કેદારનાથનાં હિમાચ્છાદિત શિખરો જોવા મળે છે. ગુપ્તકાશી કરતાં અહીંથી શિખરો વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઊખી મઠનું ચઢાણ થકવી દે તેવું હતું. પરંતુ અહીંનું પ્રાકૃતિક દૃશ્ય ઘણું સુંદર હતું. આ સ્થાન એટલું આનંદિત કરી દેનારું છે કે મને થાક જ લાગતો ન હતો. ચઢાણ અત્યંત સીધું અને કઠિન હતું અને હું લગભગ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. ઊખી મઠમાં પ્રવેશ કરતાં પહેલાં મેં થોડીવાર સુધી આરામ લીધો એ સ્થળ ઘણું શાંત હતું. અહીંથી હિમાલયની લાંબી પર્વતમાળા અત્યંત સુંદર અને ભવ્ય દેખાતી હતી. આ દૃશ્ય હું હંમેશાં યાદ રાખી શકું એટલે હું એને તાકી તાકીને જોઈ રહ્યો હતો. યાત્રાનો થાક દૂર થઈ ગયો હતો. મારાં મનહૃદય આહ્‌લાદ અને પ્રસન્નતાથી ભરાઈ ગયાં હતાં. મને એવું લાગ્યું કે જાણે આ ઊંચા પર્વત પર ચાલવા માટે મેં કોઈ પ્રયત્ન જ ન કર્યો હોય. થોડા સમય પછી હું કેદારનાથથી બદ્રીનાથ જવા માટેના રસ્તામાં આવનારા આ પ્રસિદ્ધ તીર્થસ્થાન ઊખી મઠમાં પ્રવેશ્યો. આ નાનું શહેર પણ જોવા યોગ્ય છે. મને સાંભળવા મળ્યું કે ભગવાન શંકરનો એક મહાન ભક્ત રાજા બાણની અહીં રાજધાની હતી. આ સ્થાનેથી રાજકુમારી ઉષાનું અપહરણ થયું હતું. હિંદીભાષી લોકો પ્રાય: ‘ષ’નું ઉચ્ચારણ ‘ખ’ કરે છે. એટલા માટે ઉષાનું ઉચ્ચારણ પણ ઉખા કરવામાં આવે છે. આ સ્થાન ઊખા મઠના નામે ઓળખાવા લાગ્યું અને પાછળથી ઊખી મઠના નામે. પછી હું ફાટાચટ્ટીના સ્વામીજીને મળ્યો.

ફાટાચટ્ટીના મહારાજ

ઊખી મઠમાં એક સરકારી ઔષધાલય અને ચિકિત્સાલય હતું. તીર્થયાત્રીઓના લાભાર્થે બદ્રીનાથ અને કેદારનાથના રસ્તામાં કેટલાય ઔષધાલય ખોલવા માટે બ્રિટિશ સરકારની પ્રશંસા કરવા જેવી છે. મહારાજ ઔષધાલયમાં હતા કારણ કે ડોક્ટર એમનો ભક્ત હતો. મહારાજે ડોક્ટરને મારા ખાવા વગેરેની વ્યવસ્થા કરવા માટે કહ્યું. ઔષધાલય ભવનના એક ઓરડામાં મહારાજ ભગવદ્‌ગીતા વાંચતા હતા. વાતચીત દરમિયાન મને જાણવા મળ્યું કે મહારાજ અનેક પાવનસ્થળોની યાત્રા કરી ચૂક્યા છે અને છેલ્લા વીશ વર્ષથી એ આ ઠંડા પ્રદેશોમાં રહે છે. અત્યંત ઠંડીને કારણે એમના હાથ પગ અને ગાલ ફાટી ગયા હતા. મેં એને વિશે કંઈ પૂછપરછ ન કરી. પોતાના ઘરથી દૂર આ પહાડી ક્ષેત્રોમાં રહેવાને લીધે એમણે અહીંના પહાડી લોકોની બધી ટેવો અપનાવી લીધી હતી અને એમને કોઈ બંગાળી પણ કહી શકે તેમ ન હતું. યાત્રાના કેટલાક મહિના દરમિયાન જ તેઓ અન્યક્ષેત્રોના લોકોના સંપર્કમાં આવતા હતા. આ તરફ આવવાવાળા બંગાળી તીર્થયાત્રીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે એટલે ક્યારેક ક્યારેક જ એમની મુલાકાત બંગાળી તીર્થયાત્રીઓ સાથે થતી. તેઓ આવા દરેક યાત્રીને લોટ, દાળ, ચોખા વગેરે ભેટ આપતા. મેં એમને બંગાળી તીર્થયાત્રીઓ પ્રત્યે કોઈ વિશેષ પ્રધાનભાવનો વ્યવહાર કરતા જોયા ન હતા. આ પ્રદેશના લોકો મહારાજને એવી બધી વસ્તુઓનો સંગ્રહ રાખવામાં મદદ કરતા. આવી બધી ચીજવસ્તુઓની યાત્રીઓને સામાન્યત: આવશ્યકતા રહે છે. મને જાણવા મળ્યું કે મહારાજ ફાટાચટ્ટીથી ત્યાં અલ્લાહાબાદના મૂર મહાવિદ્યાલયના એક સંસ્કૃતના પ્રાધ્યાપક સાર્જંટ આદિત્ય ભટ્ટાચાર્યને મળવા આવ્યા હતા.

સાર્જંટ આદિત્ય ભટ્ટાચાર્ય એ સમય દરમિયાન પોતે કેદારનાથથી પાછા ફરતી વખતે ત્યાં આવવાના હતા. મેં મહારાજને તીબેટના રસ્તા વિશે પૂછ્યું. એમની પાસેથી જાણવા મળ્યું કે જોષી મઠની નજીક નીતીઘાટ નામના સ્થળે થઈને તેઓ તિબેટ ગયા હતા. ત્યાં એક વર્ષ રહીને તેઓ તિબેટથી પાછા આવ્યા. પોતાની વળતી યાત્રા દરમિયાન તેમણે કૈલાસ અને માનસરોવરની યાત્રા કરી હતી. એમણે મને પણ ‘નીતિઘાટ પાસ’ના રસ્તે તિબેટ જવાની સલાહ આપી. કારણ કે એ સૌથી વધુ સુવિધાજનક રસ્તો હતો. ‘બદ્રીનારાયણ અને મનઘાટ પાસ’ થઈને ત્યાં જવા માટે એક બીજો માર્ગ પણ છે, પરંતુ તે સુવિધાજનક નથી અને માનસરોવર પણ એ રસ્તામાં આવતું નથી. આ રસ્તામાં તીર્થયાત્રીઓને જે મુશ્કેલીઓ અને ભયનો સામનો કરવો પડે છે, એનું વર્ણન એમણે કર્યું. યાત્રીએ કોઈ પણ પ્રકારની મુશ્કેલી અને ભયનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ, ક્યારેક એમાં જીવ પણ ગુમાવવો પડે; ત્યારે યાત્રી કૈલાસ અને માનસરોવરનાં દર્શન કરી શકે. આ પ્રદેશના લોકોમાં પ્રચલિત એક દોહો એમણે મને આ રીતે સંભળાવ્યો : ‘માનસરોવર કોન પરસે, બીના બાદર હિમ વરસે, ઊડત કંકર જીવ તરસે.’

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.