કેદારની નજીકનું સ્થળ

બહુ થોડા લોકો માનસરોવર અને માઉન્ટ કૈલાસ જવાની હિંમત કરી શકે છે. હું આ બંને સ્થળે જવા માટે દૃઢ નિશ્ચયી હતો એ જોઈને ફાટાચટ્ટીના મહારાજે મને એક વર્ષ ઉત્તરાખંડમાં ગાળવાની સલાહ આપી. જો કોઈ પણ વ્યક્તિ ઉત્તરાખંડમાં એક વર્ષ ગાળે ત્યાર પછી કૈલાસ જાય તો તિબેટની તીવ્ર ઠંડી સહન કરવામાં સક્ષમ અને સમર્થ બની જાય છે. ત્યાર બાદ એમણે મારી તિબેટયાત્રા માટે કેટલીયે બાબતોની જાણકારી આપી. એમણે કેદારનાથની આસપાસ વસેલા અનેક સુંદર સ્થળો વિશે પણ બતાવ્યું અને કહ્યું કે લોકો પ્રાય: ત્યાં જતાં નથી. કેદારનાથ વર્ષના મોટા ભાગના સમય સુધી બરફથી ઢંકાયેલ રહે છે. એમણે મને જણાવ્યું કે જે પર્વત પર કેદારનાથનું મંદિર આવેલું છે એટલે કે એમ કહીએ કે જ્યાં ભગવાન શિવે સ્વયં પોતાને લિંગના રૂપે પ્રગટ કર્યા છે એ પર્વત પર ચોરાવાડી અને વાસુકિ તળાવ નામનાં બે રમણીય સરોવર છે. આ બંને સરોવર સામાન્ય માર્ગથી થોડા અંતરે આવેલા છે અને એટલે જ એ ઓછાં પ્રસિદ્ધ છે. હિમાલય સદૈવ હિમના ઢગલાઓથી ઢંકાયેલો રહે છે. મંદાકિની અહીંથી વહે છે અને આંગળી જેવી પાતળી છે. એ રેતાળ કિનારા પર પોતાનો માર્ગ કાઢતી ભીષણ અવાજ કરતી નીચેની તરફ દોડી જાય છે. મહાપ્રસ્થ નામનું એક બીજું સુંદર સ્થળ છે જ્યાંથી યુધિષ્ઠિરના નેતૃત્વમાં પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું હતું. આ બધાં સ્થાન કેદારનાથથી બે માઈલના અંતરે આવેલા છે. પરંતુ સ્થાનિક પંડા અને પૂજારીઓની મદદ વિના આ સ્થળોને ગોતવાં કે ત્યાં સુધી પહોંચવું લગભગ અસંભવ છે. મહારાજે વારંવાર મને આ સ્થળોનું ભ્રમણ કરવા માટે આગ્રહ કર્યો. 

આદિત્યરામ બાબુ

જ્યારે અમે આવી વાતચીતમાં મગ્ન હતા ત્યારે ઘોડે સવાર આદિત્યરામ બાબુ પધાર્યા. હું એમને પહેલી વાર મળ્યો હતો. આટલા દૂરસુદૂરના સ્થળે પણ મારી મુલાકાત આવા જ્ઞાની માનવ સાથે થશે એ વાતનો મને જરાય આભાસ ન હતો. તેઓ અત્યંત પુણ્યાત્મા અને શિષ્ટ માનવ હતા. ઊખી મઠમાં મેં એમની સાથે એક દિવસ વીતાવ્યો હતો. ગઢવાલ જિલ્લાના ઉપજિલ્લાધ્યક્ષ પંડિત ભવાની દત્ત જોષી જેઓ એ સમયે અલ્મોડામાં રહેતા હતા, તેઓ આદિત્યરામ બાબુના ગાઢ મિત્ર હતા. એમણે જ એમની ઉત્તરાખંડની યાત્રા માટે આવશ્યક મજૂર, ઘોડા વગેરેની વ્યવસ્થા પણ કરી આપી હતી. એ દરમિયાન હું ઊખી મઠથી કેદારનાથના રમણીય દૃશ્યોનો આનંદ માણી રહ્યો હતો અને એમની પાસેથી કેદારનાથના અનેક શિખરોનું મનમોહક વર્ણન સાંભળીને એ સ્થળે જવા માટેની મારી ઇચ્છા વધુ પ્રબળ બની ગઈ. એમની પાસેથી મેં એ પણ સાંભળ્યું કે એક યુરોપિયન એ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યને જોઈને એટલો બધો આકર્ષિત થઈ ગયો કે તેણે પોતાની પ્રકાશિત યાત્રાની રોજનિશિમાં લખ્યું કે એણે આવું સુંદર સ્થાન બીજે ક્યાંય જોયું નથી. આદિત્યરામ બાબુ એક પ્રામાણિક માનવ અને સ્પષ્ટ વક્તા હતા. મહામાયા એટલી બધી શક્તિશાળી છે કે તેને આવા પાવન સ્થળે પોતાના ઘરની યાદ આવે છે અને આંખમાંથી આંસું પણ ચાલ્યાં જાય છે, એ વાત પણ એણે કબૂલી. આ મહાનુભાવની સંગતમાં મેં આખો દિવસ ગાળ્યો.

ઊખી મઠનો મુખ્ય પુજારી

સાંજે અમે બંને મળીને ઊખી મઠના મંદિરે દર્શન કર્યા. અહીંના મુખ્ય ઇષ્ટદેવતા કૈલાસનાથ મહાદેવ છે. આ મઠના મહંત એક જંગમ (જંગમ, લિંગાયત, લિંગવાસ્તુ અને વીરાશૈવ આવાં આ સમુદાયના નામ છે. ૧૧મી સદીના આરંભમાં આ સંપ્રદાય દક્ષિણમાં કલ્યાણની મૂળ નિવાસી છે. બસવા ચાર્ય એમના સ્થાપક હતા. તેઓ નંદીના અવતાર મનાય છે. કન્નડ ભાષામાં આ જાતિ વિશે ઘણાં ધાર્મિક પુસ્તકો લખાયાં છે. આ સંપ્રદાય કર્ણાટક, તેલંગાણા અને મૈસુરમાં ઘણો ફેલાયો છે.) સાધુ હતા. તે કેદારનાથ મંદિરના પણ મુખ્ય પુજારી હતા. મંદિરના મોટા ભાગના સેવકો ઊખી મઠમાં રહે છે અને બાબા કેદારનાથનું એ મુખ્યાલય ગણાય છે. ભારતના દરેક પ્રદેશમાંથી યાત્રીઓ કેદારનાથની પૂજા કરવા માટે અહીં આવે છે. પૂજાની બધી વસ્તુઓ એકત્રિત કરવામાં આવે છે અને ઊખી મઠમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે ઊખી મઠના અધ્યક્ષ કેદારનાથની બધી સંપત્તિના મુખ્ય ટ્રસ્ટી, અભિરક્ષક અને પ્રબંધક છે. આ સાથે એનો પોતાનો સાજસામાન રહેતો. અમે મુખ્યમંદિરમાં પ્રવેશ્યા અને દર્શન કર્યા પછી મઠાધ્યક્ષને મળવા ગયા, કારણ કે તે કેદારનાથ મંદિરના મુખ્ય પ્રબંધ કર્તા કે કાર્યકર્તા છે. મઠાધ્યક્ષ કે મહંત એવા નામે આપણે એને સંબોધીએ છીએ. તેઓ રેશમી છત્ર નીચે એક ઊંચા રેશમી આસન પર વિરાજમાન હતા. એમને કૃપાભાવ અને ભદ્રતાભર્યાં હાસ્ય સાથે અમને આસન ગ્રહણ કરવા વિનંતી કરી. એમનો વર્ણ જરા શામળો હતો અને તેઓ સ્થૂળકાય હતા. એમના વાળ ઘોળા થઈ ગયા હતા અને હવામાં લહેરાતી લાંબી દાઢી હતી. એટલે એમને એક વૃદ્ધ પુરુષ માની શકાય. જ્યારે અમે હોલમાં પ્રવેશ કર્યો ત્યારે અમે ચોતરફ સોનું-ચાંદી જોઈ. એમની સામે ચાંદીના રૂપિયા અને સોનાની ચળકતી સોનામહોરોથી ભરેલા બે થાળ હતા. ત્યાં સોનાની અને ચાંદીની ગદાઓ, ચાલવાની લાકડી અને નેતરની સોટી હતાં. આખો હોલ ભૌતિક સંપત્તિનું એક સંગ્રહાલય હતું.

સુવર્ણનું આકર્ષણ

દરેક વર્ષે અમીર-ગરીબ, રાજા-મહારાજા અને બીજા લોકો કેદારનાથ અને બદ્રીવિશાળનાં દર્શન કરે છે એમને સ્વર્ગમાં જવાનો પાસપોર્ટ મળી જાય એ હેતુથી મોકળે હાથે ચાંદી અને સોનું ભેટ ધરે છે. મહંત આ સંપત્તિના એક માત્ર પ્રબંધક હતા અને એમની વ્યક્તિગત વેશભૂષા દ્વારા આ પ્રત્યક્ષ જોઈ શકાતું હતું. એમના ગળામાં સોના અને ચાંદીના શિવલિંગોની માળા હતી. એમણે રેશમી વસ્ત્ર પહેર્યાં હતાં. જેમ કોઈ રાજકુમાર પોતાની અત્યંત ભરપૂર સમૃદ્ધિના સમયે રહે છે તેવી ખુરશી પર તેઓ હોલમાં બેઠા હતા. એમની આસપાસની સમૃદ્ધિ અને દોલતે કદાચ એમને પ્રભાવિત કર્યા હતા અને એ વાત સ્વાભાવિક હતી કે તેઓ આ ભૌતિક ધનદોલતને જ આ સંસારમાં પૂજાનો એક માત્ર ઉદ્દેશ માનતા હતા. એમનો વ્યવસાય પૂજનીય સાધુનો હતો અને તેઓ ભારતના એક અત્યંત મહત્ત્વના મંદિરના અધ્યક્ષ હતા. એટલે તેઓ બધી ખુશીઓ ખરીદી શકતા હતા અને ઊખી મઠ જેવા ધરતીના આવા દૂરસુદૂરના સ્થળે પણ સૌથી વધારે સૌથી વધારે સુંદર મજાની વસ્તુઓનો આનંદ માણી શકતા હતા. મહંત ખૂબ પ્રફુલ્લિત જણાતા હતા અને કદાચ સંપત્તિની આ પ્રચૂરતાના નશામાં મદહોશ હતા. જ્યારે મેં એ હોલમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ બેઠા હતા. ત્યારે મને લાગ્યું કે જેમણે આટલી વિવિધ અને રંગીન વિશ્વની રચના કરી છે અને જેમની દીપ્તિ વિશ્વના ખૂણેખૂણે પ્રજ્વલિત હતી એ દેવતાની રોશની માટે એ હોલના બધાં દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આ સ્થળે આવતાં જ જાણે કે વિશ્વમાતાની સમગ્ર વિશાળતાનો વૈભવ લુપ્ત થઈ ગયો.

હિમાલયની શૃંખલાએ અસંખ્ય વિશ્વોને ધારણ કરી રાખ્યું છે. આ સ્થળે બાળપણમાં ઉમાદેવી પોતાની માતાના ખોળામાં રમતી હતી. આ જ સ્થળે બહુધા મહાન પ્રભુ મહાદેવની સાથે તે પતિપત્નીના રૂપે રહ્યાં છે. અનંત શક્તિ અને અનંત બુદ્ધિના આ પવિત્ર મિલનને લીધે જ આ સ્થાન કુદરતી સૌંદર્ય તાજગી અને શુદ્ધિથી ભર્યુંપૂર્યું છે. આ પુરુષ અને પ્રકૃતિનું પાવનકારી ક્રીડાસ્થળ હતું. ભોળાનાથ શંકર વિશેષ રૂપે આ સ્થાનને ચાહતા હતા અને એમણે અહીં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. આ એવું સ્થાન હતું કે જ્યાં સાધુ સંન્યાસી અનાયાસે જ સમાધિમાં લીન થઈ જતા.

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.