(ગતાંકથી આગળ)

બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી આપણે પોતાની જાતને આ શરીર મનના ક્ષેત્રમાં સીમિત રાખીએ છીએ, ત્યાં સુધી લિંગભેદનો પ્રશ્ન ઊભો થાય છે. પરંતુ, આત્મા લિંગભેદથી મુક્ત છે. જો કે આપણે આ સત્ય વિશે સાંભળીએ છીએ, એ વિશે ચર્ચા કરીએ છીએ અને ચિંતનમનન પણ કરીએ છીએ, પરંતુ એને મેળવવું ઘણું કઠિન છે. એના માટે જે જોઈએ તે છે વૈરાગ્ય, સમસ્ત સાંસારિક – ભૌતિક વસ્તુઓ પ્રત્યે વિરક્તિ. આપણે આ શરીર અને મન પ્રત્યેની મિથ્યા આસક્તિ છોડવી પડશે. જ્યારે આપણી પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવે ત્યારે આ સંભવ બને છે.

જેઓ પરમેશ્વર પ્રત્યે થોડા ધીરગંભીર છે તેમણે આ એક મહત્ત્વપૂર્ણ સત્યને યાદ રાખવું જોઈએ કે જ્યારે તેઓ આધ્યાત્મિક જીવન અપનાવે છે ત્યારે તેઓ એક રીતે પોતાનું નવું ખાતું ખોલાવે છે. શ્રીરામકૃષ્ણ સંઘના એક મહાન આધ્યાત્મિક સંન્યાસી સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ કહેતા કે વાસ્તવિક આધ્યાત્મિક જીવન એ એક બેંકમાં નવું ખાતું ખોલાવવા જેવું છે. આપણે બધાં જૂના ખાતાં બંધ કરવાં પડશે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે જો આપણે આધ્યાત્મિક જીવન જીવવા ઇચ્છતા હોઈએ તો આપણે આપણા પોતાના પૂર્વ સ્વભાવ, પૂર્વ ઇચ્છા અને પૂર્વ આસક્તિઓનો ત્યાગ કરવો પડશે; અને આપણે કોઈ પણ પ્રકારની નવી ઇચ્છાઓ પ્રત્યે લલચાવું પણ ન જોઈએ. નિ:સંદેહ આ અત્યંત કઠિન છે કારણ કે આપણને અનેક શારીરિક ઇચ્છાઓ અને અનેક માનસિક ઇચ્છાઓ પણ હોય છે. પરંતુ આપણી મુખ્ય ચિંતા તો લક્ષ્ય પ્રાપ્ત કરવાની છે. એ લક્ષ્ય સુધી ત્યારે જ પહોંચી શકાય જ્યારે આપણાં દેહમનની સંયુક્ત સીમાની બહાર આવીને ઉર્ધ્વગામી બનવા આપણે તત્પર બનીએ. જો આપણે પોતાની મૂળ દિવ્ય પ્રકૃતિ, આત્મા કે વિશુદ્ધ ચેતના સુધી પહોંચવું હોય તો આપણે દેહમન પ્રત્યે જરાય આસક્ત થયા વિના ઇચ્છાઓને વશ થવું ન જોઈએ. શું આ સંભવ છે? જ્યારે કોઈ પણ સમયે ‘આપણો ભૂતકાળ ખરાબ હતો’ આવો વિચાર પણ આપણા મનમાં આવી શકે છે. એવી વ્યક્તિને મહાન માણસો આમ કહેવાના : ‘અતીત પર મનન ન કરો અને એ વિશે બધું ભૂલી જાઓ.’ એમ કહેવામાં આવ્યું છે કે ‘પ્રત્યેક સંતને પોતાનો એક અતીત હતો અને પ્રત્યેક પાપીને એક ભવિષ્ય હોય છે.’ કેવા પ્રકારનો અતીત? એ અતીત અત્યંત નિંદાને પાત્ર પણ હોઈ શકે છે. આપણામાં એ શ્રદ્ધાવિશ્વાસ હોવાં જોઈએ કે જેવી રીતે પ્રત્યેક સંતને પોતાનો એક અતીત હતો તેવી જ રીતે પ્રત્યેક પાપીનું પણ એક ઉજ્જ્વળ ભવિષ્ય હોઈ શકે છે. જો આપણે આમ વિચારીએ તો આપણને પોતાની અશુદ્ધ ભાવનાઓ પર વિજય પ્રાપ્ત કરવામાં એ ભાવવિચાર સહાયક નીવડશે. આ મહાન ઉપદેશ એક અત્યંત મૂલ્યવાન ઉત્તરાધિકાર છે કે જે પૃથ્વી પર અવતાર ધારણ કરનારમાં શ્રેષ્ઠતમ ભગવાન શ્રીરામકૃષ્ણે ભાવિ પેઢીને આપ્યો છે. તેઓ ભક્તોને ‘હું પાપી છું, હું પાપી છું’ કહેવા માટે પ્રોત્સાહિત ન કરતાં અને આ જ કારણે આપણે એમના સુખ્યાત શિષ્ય સ્વામી વિવેકાનંદને પોતાના પ્રવચનોમાંના એકમાં ‘કોઈ મનુષ્યને પાપી કહેવો એ પાપ છે’ એવું કહેતા સાંભળીએ છીએ.

એટલે જો આપણે આપણા મનને બાહ્ય આકર્ષણો પ્રત્યે પ્રેરાતું જોઈએ છીએ તો એનું કારણ એ છે કે આપણને ઈશ્વરે એવી પ્રકારે ઘડ્યા છે કે આપણે બાહ્યજગતના વિવિધ પ્રકારનાં આકર્ષણો પ્રત્યે આકર્ષાયા વગર રહી શકતા નથી. કઠોપનિષદમાં કહ્યું છે :

पराञ्चि खानि व्यतृणत् स्वयम्भूः ।
तस्मात् पराङ्पश्यति नान्तरात्मन् ॥

ઈશ્વરે મન સહિત ઇન્દ્રિયોની રચના એવી રીતે કરી છે કે તેઓ બાહ્ય આકર્ષણોથી પ્રેરાય છે. એટલે મનુષ્ય દૃશ્ય વસ્તુઓને જુએ છે પરંતુ પોતાની દિવ્યસત્તાને જોતો નથી.

આપણને કેટલાક જૈવકીય સંસ્કાર મળ્યા છે એટલે આ પણ એક તથ્ય છે કે આપણામાં કેટલીક આધ્યાત્મિકતા પણ છે, આપણામાં ઉચ્ચતમ આધ્યાત્મિક સંસ્કાર છે. આમ છતાં પણ ક્યારેક ક્યારેક આપણે પોતાની ખામીઓ, પોતાની અપૂર્ણતાઓ, પોતાનાં જૈવકીય સંસ્કારોની સ્મૃતિઓથી વિચલિત થઈ જઈએ છીએ. જો આપણે આવા વિચારોથી લિપ્ત રહીશું તો આપણે આ જીવનમાં પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકવાના નથી, કારણ કે આપણે એવા અશુભ સંસ્કારો સાથે જન્મ્યા છીએ. આ એવી ક્ષણો હોય છે કે જ્યારે આપણે આપણી પોતાની ઉચ્ચ પ્રકૃતિને દૃઢતાપૂર્વક પ્રગટ કરવી જોઈએ. આજે માનવ જે છે તે તેના પરંપરાગત સંસ્કારોને કારણે છે. એટલે એને એ પણ યાદ રાખવું જોઈએ કે એનામાં કેટલાંક આધ્યાત્મિક – દિવ્યતત્ત્વ પણ છે. જૈવકીય સત્તાનો અધિક પ્રયોગ કરવાને બદલે દિવ્ય સત્તાને શા માટે દૃઢતાપૂર્વક પ્રગટ ન કરવી. સાથે ને સાથે ‘હું નિત્ય શુદ્ધ છું’ એમ કહીએ, આ પ્રકારના વિચારો આપણને સહાયક નીવડશે. પણ આવું કોણ કરી શકે? એની એક જૈવકીય સત્તા છે, એની સાથે તેની એક દિવ્યસત્તા પણ છે, આવો વિચાર કોણ કરી શકે? આ બાબતમાં શુદ્ધ બુદ્ધિનો ઉચિત પ્રયોગ આપણને મદદરૂપ બની શકે છે. આ એક તથ્ય છે કે મનુષ્ય બે પ્રકારની સત્તાઓનો ઉત્તરાધિકારી છે, એક જૈવકીય અને બીજી દિવ્ય. હવે આ બુદ્ધિ શું છે? આપણે બધા એ જાણીએ છીએ કે આપણા જીવનમાં એવી પળો આવે છે કે આપણે કિંકતર્વ્યવિમૂઢ બની જઈએ છીએ, જ્યારે આપણે જીવનની વિપરિત પરિસ્થિતિઓમાં ફસાઈએ છીએ ત્યારે આપણે કિંકતર્વ્યવિમૂઢ બની જઈએ છીએ. જ્યારે જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે આપણા અંતરાત્માનો પોકાર સાંભળીએ છીએ. આપણો અંતરાત્મા કહે છે: ‘આ કરો, આ ન કરો.’

અહીં મને શ્રીરામકૃષ્ણના નવા નવા અભ્યાસુ અને શ્રેષ્ઠ અનુયાયી સાથે જે વાર્તાલાપ થયો તે મને યાદ આવી જાય છે. તેઓ શ્રદ્ધેય સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ સમક્ષ એક – એ દિવસે એણે કેટલા સદ્‌ગુણોનું અનુશીલન કર્યું અને કેટલામાં તેઓ અસફળ રહ્યા – એનો પોતે બનાવેલો એક વિશ્લેષણાત્મક ચાર્ટ મૂક્યો. જે સદ્‌ગુણોનો તેમણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો તેની એક યાદી આપો, એમ જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે ભગવદ્‌ ગીતાના દૈવી સંપત્તિવાળા ૧૬.૧-૨-૩ શ્લોક વાંચ્યા:

अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ १ ॥

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥ २ ॥

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ॥ ३ ॥

નિર્ભયતા, અન્ત:કરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગમાં સ્થિરતા-નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય અને તપ, તથા સરળતા, (૧) અહિંસા, સત્ય, અક્રોધ, કર્મફળત્યાગ, શાન્તિ, પરનિંદાનો અભાવ, પ્રાણીઓ પર દયા, અલોલુપતા, કોમળતા, લાજમર્યાદા, અચંચળતા, (૨) તેજ, ક્ષમા, ધીરજ, પવિત્રતા, દ્રોહનો અભાવ અને નિરભિમાનીપણું (આ છવ્વીસ ગુણો) હે અર્જુન! દૈવીસંપત્તિ તરફ ઢળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૩)

આટલું સાંભળ્યા પછી પણ સ્વામી વિશુદ્ધાનંદજીએ આવો વિચાર વ્યક્ત કર્યો : ‘વત્સ, કેવળ એક જ અભ્યાસ કરો. એવું કંઈ ન કરો કે જેથી અંતરાત્મા દ્વારા અનુભૂતિ ન થાય. સદૈવ આટલું યાદ રાખો કે વિવેકની વાણી જ ભગવાનની વાણી છે. આપણો અંતરાત્મા આપણને સદૈવ ઉચિત વાત જ બતાવે છે. પરંતુ આપણે અંતરાત્માની વાણીને સાંભળવાની ચિંતા કરતા નથી અને પરિણામે અનંત દુ:ખ કષ્ટ ભોગવીએ છીએ.’ મને આશ્ચર્ય થયું કે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ૨૬ ગુણોની વાત કરી અને મહારાજ તો એક જ સદ્‌ગુણની ચર્ચા કરે છે! એ જ ક્ષણે મારા મનમાં આ વિચાર આવ્યો કે તેઓ પોતાની આધ્યાત્મિક અનુભૂતિ અને શ્રદ્ધાવિશ્વાસની ગહનતાના આધારે આમ કહેતા હતા. 

પરમ લક્ષ્ય પ્રત્યે એક બીજો પણ સંકેત છે. એમાં ઉચ્ચ અહં અને નિમ્ન અહંની વચ્ચેના સૂક્ષ્મ અંતરને સમજી લેવું યોગ્ય ગણાશે. નિમ્ન અહં આપણને બતાવે છે કે આ કરો અને તે કરો. પરિણામે આપણી અંદર અનેક ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે અને આ બધી ઇચ્છાઓ અંતહીન તથા સદૈવ અનિશ્ચિત હોય છે. જો આપણે બધા પ્રકારની ઇચ્છાઓ પર વિજય પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો જે ઇચ્છા આપણને આધ્યાત્મિક પૂર્ણતાના પથ પરથી સાવ ભ્રષ્ટ કરે છે, ત્યારે આપણે પૂર્ણત: ગંભીર અનુશાસનથી બદ્ધ થવું પડશે. એના દ્વારા નિમ્ન અહં પર ઉચ્ચ અહંનો વિજય થશે. ગીતાના ૬.૫માં આ સૂત્ર આપવામાં આવ્યું છે :

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥

મનુષ્યે આત્મા – શરીર, મન અને ઇન્દ્રિયો – દ્વારા (એ બધાંના સંયમ દ્વારા) પોતાનો ઉદ્ધાર કરવો. પણ આત્માને નીચી પાયરીએ ન લઈ જવો. આ રીતે આત્માના – પોતાના ઉદ્ધાર અને અધોગતિ માટે પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. (૫)

(ક્રમશ:)

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.