(ગતાંકથી આગળ)

વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ? વસ્તુત: મનુષ્ય જ્યારે પોતાને સ્વતંત્ર રૂપે જુએ છે – હું અમુક છું, વગેરે – ત્યારે તે વાત તેની વ્યક્તિત્વ બુદ્ધિથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આ વ્યક્તિત્વ બુદ્ધિ છે ત્યાં સુધી સ્વાધીનતા છે, પરંતુ જ્યારે આપણે ઈશ્વરને સર્વત્ર જોતાં શીખી જઈશું ત્યારે આ ‘હું’ તો ક્યાંય શોધ્યો મળશે નહિ. ત્યાં ન તો વ્યક્તિ છે કે ન સ્વતંત્રતા. એટલે બધી વ્યક્તિ એમના નિયંત્રણમાં છે. આ વાતને સમજાવવા માટે આ એક વાર્તા છે ‘રામની ઇચ્છા’.

જીવની ગતિ અને એનું લક્ષ્ય

ત્યાર પછી શ્રી‘મ’ કહે છે : ‘આવી અસત્‌ ઇચ્છા પ્રભુ શા માટે આપે છે?’ આ વિશે શ્રીઠાકુર કહે છે : ‘એમણે પ્રાણીઓમાં વાઘ, સિંહ, સાપ વગેરે બનાવ્યા છે, વૃક્ષમાં વિષવૃક્ષ પણ રચ્યું છે; એવી જ રીતે મનુષ્યોમાં પણ ચોર, ડાકુ વગેરે બનાવ્યા છે.’ એમણે જગતની સૃષ્ટિ કરી છે; શા માટે, એ કોણ સમજશે? જ્યારે આપણે આ શા માટેની શોધ કરવા જઈએ છીએ ત્યારે અતીતની વસ્તુને તર્ક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ સંભવ નથી. એટલા માટે કહે છે : ‘ઈશ્વરને જાણ્યા વિના ‘રામની ઇચ્છા’નો બોધ પૂરેપૂરો થવાનો નથી.’ જ્યાં સુધી પૂર્ણ વિશ્વાસ નહિ આવે ત્યાં સુધી પાપપુણ્યબોધ, દાયિત્વબોધ અને કર્તૃત્વબોધ અવશ્ય રહેવાનો. ભક્તિ વિશે શ્રીઠાકુરનો ભાવ કેવો છે, એના પર માસ્ટર મહાશય વિચારી રહ્યા છે. શ્રીઠાકુર કેશવસેનને કેટલા બધા ચાહે છે! એમની જાતિ, કુળ વગેરે ન જોઈને કેવળ ભક્તિ જ જુએ છે. મનુષ્યનો વિચાર કરવા માટેની આ કસોટી છે. ભક્તિસૂત્રમાં સાકારવાદી, નિરાકારવાદી એક બની જાય છે. જેમની ભીતર આ ભક્તિભાવ જોવામાં આવે તેમને શ્રીઠાકુર પોતાના જ સમજે છે. જે કોઈ ભક્ત છે તે એમનો આત્મીય છે. બધી નદીઓ ભિન્ન ભિન્ન માર્ગે વહીને સમુદ્રમાં મળે છે. બધાને માટે એક જ ગંતવ્ય (સ્થાન) છે, પરમાત્મા. એ પરમાત્મા સમુદ્રની જેમ અસીમ છે, અનંત છે. આપણે લોકો એક એક નાની નાની જલાધારાઓ છીએ. એ બધી વિભિન્ન માર્ગેથી એ જ એક સમુદ્ર તરફ વહેતી વહેતી જઈ રહી છે. સમુદ્ર આપણી પરમ ગતિ છે, યાત્રાની ચરમ પરિણતિ છે. વસ્તુત: બાહ્ય ભિન્નતા હોવા છતાં પણ આપણી ભીતર એક ક્ષુદ્ર ધારાના રૂપે એક એક ક્ષીણ કિરણની જેમ એ જ એક પરમતત્ત્વ પ્રચ્છન્ન ભાવે વ્યાપ્ત થઈને રહે છે. આપણે બધા એક વિશાળ પ્રકાશપુંજને લક્ષ્ય બનાવીને ભિન્ન ભિન્ન પ્રકારે, ભિન્ન ભિન્ન પથે એના તરફ આગળ વધીએ છીએ. ચાલતાં ચાલતાં આ વ્યક્તિત્વની સીમાનો લય થાય છે. શુદ્ધ જળબિંદુ જળાશયમાં પડીને એની સાથે એક બની જાય છે; એવી રીતે બ્રહ્માંડ બ્રહ્મસ્વરૂપ બની જાય છે. જલબિંદુ રંગીન હોવા છતાં પણ જળરાશિમાં પડવાથી એનો કોઈ ને કોઈ રંગીન ભાવ રહી જાય છે, એટલે બિંદુનું શુદ્ધ હોવું આવશ્યક છે. આપણે પણ બ્રહ્મસિંધુમાં પડીને બિંદુ બની રહીશું નહિ, એટલે આપણે પણ શુદ્ધ બનવું પડશે. અશુદ્ધતા જ આપણને પ્રભુથી અલગ રાખે છે. વ્યક્તિત્વ તો કેવળ અશુદ્ધિ માત્ર છે. ખંડ વ્યક્તિત્વની પરિસમાપ્તિ અર્થાત્‌ જીવના જીવત્વનું અવસાન આપણે પોતે પૂર્ણ સ્વરૂપની અનુભૂતિ કરીએ ત્યાં સુધી રહેશે. જ્ઞાનીની દૃષ્ટિએ તે અત્યારે પણ સમુદ્ર છે; કારણ કે સમુદ્ર સિવાય બીજું કંઈ નથી. પરંતુ પોતાની ચારે તરફ ઘેરો ઘાલીને જીવ પોતાને ખંડ કે ક્ષુદ્ર જેવો અનુભવે છે. આ કાલ્પનિક છે, ભ્રાંતિમૂલક છે; મિથ્યાજ્ઞાનને વશીભૂત બનીને એણે આ ઘેરો રચી દીધો છે. ભક્ત ભગવાનની સંપૂર્ણ શુદ્ધરૂપે કલ્પના અને ઉપાસના કરે છે. ભગવાન ચિત્ત સ્વરૂપ છે, ભક્ત પણ સ્વરૂપત: એ જ છે, છતાં પણ તે પોતાને પહેલાં તો ખંડિત, ક્ષુદ્ર અને ઉપાસ્યને અખંડ ચૈતન્ય રૂપે જુએ છે. ક્રમશ: જ્યારે એનામાં શુદ્ધતા આવે છે ત્યારે તે જુએ છે કે ઉપાસ્ય અને ઉપાસકની વચ્ચે કોઈ પૃથકતા નથી. જે ઉપાસ્ય છે તે જ એટલા દિવસ સુધી ઉપાસક બની રહ્યો. ઉપાસ્યની સાથે મળીને એક બની જવું એ જ ભક્તની ઉપાસનાની પરિસમાપ્તિ છે. એટલે જ્ઞાની અને ભક્તની વચ્ચે રુચિની દૃષ્ટિએ થોડોઘણો ભેદ છે છતાં પણ સ્વરૂપત: એમની વચ્ચે પૃથકતા નથી.

જગત સ્વપ્નવત્‌ છે કે નહિ

શ્રી‘મ’ વળી એક વધુ વાત કહે છે : ‘શ્રીઠાકુર આ જગતને સ્વપ્નવત્‌ ન કહેતા. એનાથી એનું વજન-મહત્ત્વ ઓછું થઈ જશે.’ ‘જગત સ્વપ્નવત્‌ છે’ – આ ઉક્તિ શું જગતની અંતર્ગત નથી? જો આ શબ્દો જગતમાં જ છે તો એ પણ સ્વપ્નવત્‌ છે. શું ‘જગત મિથ્યા’ આ સત્ય છે? ‘જગત સ્વપ્નવત્‌ છે’ આ એક સિદ્ધાંત છે. શું વક્તા પણ સ્વપ્નવત્‌ છે? શું એનું વક્તવ્ય પણ સ્વપ્નવત્‌ છે? તો પછી બ્રહ્મનું અસ્તિત્વ જ ક્યાં રહે છે? જે બ્રહ્મનું નિરૂપણ કરે છે તેઓ પણ જગતના એક અંગ માત્ર છે. આ રીતે એમના દ્વારા કરેલી વાત પણ સ્વપ્નવત્‌ છે. આ વિશે ઘણી વાતો છે. ‘મિથ્યાનું મિથ્યાપણું’ એમ કહેવાયું. ‘મિથ્યા’ શબ્દ જ મિથ્યા છે. વાસ્તવિક તત્ત્વ એ છે કે જ્યાં સુધી જગતનો બોધ થતો રહે છે ત્યાં સુધી જગતને સ્વપ્નવત્‌ કહી શકાતું નથી. આ વાત કોઈ બીજી ભૂમિ પર અવસ્થિત રહીને, આ સિદ્ધાંત પર પહોંચીને એમ કહેવાયું કે જગત સ્વપ્નવત્‌ છે. વાસ્તવમાં જે લોકો આ જગતમાં રહે છે, વ્યવહાર, શાસ્ત્રચર્ચા, પૂજા, ઉપાસના, વગેરે આ જગતમાં જ કરે છે; એમને માટે આ જગત સ્વપ્નવત્‌ કેવી રીતે હોઈ શકે? હા, તત્ત્વની દૃષ્ટિએ જોવાથી બધું મિથ્યા છે. પરંતુ આ બધું જાણવાથી શો લાભ? આપણે તો અજ્ઞાનથી આચ્છાદિત અવસ્થામાંથી આગળ જવાની ચેષ્ટા કરવી પડશે અને એ સિદ્ધ થવાથી બ્રહ્મસ્વરૂપ બનીને મુક્ત બનીશું. આ અજ્ઞાન અવસ્થાને મિથ્યા સમજી લેવાથી તો આગળ જવાનો રસ્તો જ બંધ થઈ જશે. સ્વપ્ન વિશે જે કહેવાયું છે : ‘ન તત્ર રથા ન રથયોગા: ન પન્થાનો ભવન્ત્યથરથાન્‌ રથયોગાન્‌ પથ: સૃજતે’ સ્વપ્નમાં હું રથ પર ચડીને ચાલી રહ્યો છું, ત્યાં રથ, ઘોડા, પથ, વગેરે કંઈ પણ નથી; ચાલવું પણ મિથ્યા છે; રથ, ઘોડા, પથ, વગેરે બધાની સૃષ્ટિ સ્વપ્નદૃષ્ટા પોતે જ કરે છે. આ રીતે આપણે જે સાધના કરીએ છીએ કે સિદ્ધિલાભ પામીએ છીએ, તે બધું સ્વપ્નવત્‌ છે. આ દૃષ્ટિએ માંડૂક્યકારિકામાં કહેવામાં આવ્યું છે – ઇન્દ્રિયનિરોધ, જ્ઞાનોત્પત્તિ, બંધન, સાધક, મુમુક્ષુ, મુક્ત આ બધાંનું અસ્તિત્વ જ નથી. એ થયું પરમ તત્ત્વ. બંધન હશે તો મુક્તિ રહેશે. એટલે નેતિ નેતિ એમ કહીને પરમતત્ત્વને જાણી શકાય છે.

પણ આ તત્ત્વજ્ઞાનથી શું ફાયદો? હું એક વ્યક્તિ છું. અંધકારમાં, અગાધ સમુદ્રમાં ક્યાંય કિનારો નથી મળતો, મારા ઉદ્ધારનો ઉપાય શો?

વેદાંત મત અને ભક્તિ પથ એટલે શાસ્ત્રો કહે છે કે સાધનાના પ્રારંભથી જ આ ‘જગત મિથ્યા’ના સિદ્ધાંતને પકડી રાખવાથી આગળ વધી શકાશે નહિ. વેદાંત શાસ્ત્રોનો મુખ્ય ઉપદેશ આ છે કે જગત અને જીવભાવનું અવલંબન કરીને સાધના કરવી પડશે, વિચાર કરવો પડશે. એટલા માટે કહે છે : ‘સત્ય અને મિથ્યાને મેળવીને જ બધો વ્યવહાર થાય છે. શાસ્ત્રમાં સ્વયંને અને જગતને સત્ય સમજીને તેની મદદથી આગળ વધવાનો ઉપદેશ છે. વિશિષ્ટાદ્વૈતવાદમાં પણ આ વાત વિશેષ રૂપે સ્વીકૃત બની છે. શ્રીઠાકુર પણ કહે છે કે આ જગત સ્વપ્નવત્‌ નથી, અન્યથા એનું વજન કે મહત્ત્વ ઓછું થઈ જશે.

હવે અહીં એવો પ્રશ્ન ઊભો થાય છે : ‘તો શું શ્રીઠાકુર વિશિષ્ટાદ્વૈતવાદી છે?’ આપણે એ જાણીએ છીએ કે શ્રીઠાકુર કોઈ એકપથિયા નથી. તેઓ દ્વૈતવાદી, અદ્વૈતવાદી, વિશિષ્ટાદ્વૈતવાદી એ બધું છે. તદુપરાંત બીજો પણ કોઈ વાદ હોય તો તેઓ તે પણ છે. શ્રીઠાકુર વેદવેદાંતથી પર જવાની વાત કહેતા. એમનો એ અભિપ્રાય વેદને તુચ્છ ગણવાનો નથી. વેદના વ્યવહારની સીમાને સમજાવી દેવા માટે જ તેઓ આ વાત કહે છે. જ્યારે બ્રહ્મજ્ઞાન થાય છે ત્યારે વૃત્તિજ્ઞાન અજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. વેદો જ કહે છે: ‘તત્ર વેદા અવેદા:’ (બૃહ. ઉપ. ૪.૩.૨૨) વેદ અવેદ થઈ જાય છે. એટલે જ્યાં સુધી આપણે આ જગતના વ્યવહારમાં રહીએ છીએ ત્યાં સુધી આટલું સમજવું પડશે કે આપણી ભીતર સત્ય અને મિથ્યા ભળી ગયાં છે. એટલે આ ‘હું’ બોધને લીધે એમ કહેવું સંભવ નથી કે આ જગત સ્વપ્નવત્‌ છે. આપણે લોકો વેદાંતના પ્રયોગને ભૂલી જઈએ છીએ. એક વેદાંતી વિશે થોડી ખરાબ વાતો સાંભળીને શ્રીઠાકુરે તેને એનું કારણ પૂછ્યું. તેણે જવાબ આપ્યો : ‘જો આ જગત ત્રણ કાળમાં ખોટું હોય તો આપે જે સાંભળ્યું એ પણ શું ખોટું નથી?’ શ્રીઠાકુરે ખિન્ન થઈને એ વેદાંતીને ધિક્કાર્યો. બરાબર એ જ રીતે એક ભૂમિ પરથી અન્ય ભૂમિ પર જઈને આપણે વેદાંતનો દુરુપયોગ કરીએ છીએ. એટલે આચાર્ય શંકરે વ્યાવહારિક સત્તાનો સ્વીકાર કર્યો છે. જ્યાં સુધી ‘હું’ બોધ રહે છે ત્યાં સુધી શક્તિના ઈલાકામાં રહેવું પડે છે. આ જે ભગવાનની સૃષ્ટિ-સ્થિતિ-લયકારિણી શક્તિ છે, તેની ઇન્દ્રજાળમાંથી હું મુક્ત નથી. જો તેઓ સ્વયં મુક્ત કરી દે તો જ મુક્તિ સંભવ છે. એમણે જ બંધનમાં નાખ્યા છે અને તેઓ જ મુક્ત કરશે. આને જ શ્રીઠાકુરે ‘રામની ઇચ્છા’ કહી છે. આ બંધનથી મુક્તિ મેળવવા માટે શાસ્ત્રોમાં વર્ણવાયેલા માર્ગને પકડીને સાધના કરવી આવશ્યક છે. વિચાર કે ઉપાસના કરીને આ માયાજાળને કાપવાની ચેષ્ટા કરવી જોઈએ. તામુપૈહિ મહારાજ શરણં પરમેશ્વરીમ્‌ । (દેવી માહાત્મ્ય, ૧૩.૪)

એ પરમેશ્વરીના શરણાગત બનીએ તો તેઓ પોતે મુક્તિનો ઉપાય કરી આપશે. પરમેશ્વર-પરમેશ્વરી, શિવ-શક્તિ, ગમે તે કહો તે એક જ વાત છે. ભક્તિના માર્ગમાં એમનું શરણ લેવું, જ્ઞાનના માર્ગમાં પોતાના સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપનો વિચાર કરવો, જેનાથી જે બને તે કરે અને એના દ્વારા સત્ય સ્વરૂપ બની ગયા પછી સિંધુ અને બિંદુની વચ્ચે કોઈ પૃથકતા રહેતી નથી.

બલરામના ઘરે ભક્તો સંગે

આ પરિચ્છેદના પ્રારંભમાં માસ્ટર મહાશય શ્રીઠાકુર બલરામના ઘરે વારંવાર આવે છે તેનું કારણ બતાવે છે. બાગ બજારમાં આ મકાનની આસપાસ અનેક ભક્ત, વિશેષ કરીને ગૃહસ્થભક્તો રહે છે. ત્યાં એ લોકો સાથે મુલાકાત થઈ જાય છે. શ્રીઠાકુર બધાને કહે છે: ‘બલરામને ત્યાં શ્રીજગન્નાથજીની સેવા થાય છે, એમનું અન્ન ઘણું શુદ્ધ છે.’ એમના ઘરનું અન્નગ્રહણ કરવામાં શ્રીઠાકુરને કોઈ આપત્તિ નથી. છતાં પણ અસલ વાત તો એ છે કે ત્યાં નજીકમાં રહેનારા ભક્તોને બોલાવી લેવાના. એટલે એમને આ બલરામના ઘર પ્રત્યે એક લાગણીભાવ હતો. શ્રીઠાકુરની પાસે જે લોકો આવતા તેઓ પણ આમાંથી છૂટી ન શકતા. શ્રીઠાકુર સ્વયં જઈને એમને મળી આવતા. બલરામના મકાનમાં આ જે ભક્તમિલન થતું હતું એને લીધે શ્રીઠાકુરને એ ઘર પ્રત્યે આટલો પ્રેમ હતો. શ્રી ગિરિશચંદ્ર ઘોષ વગેરે અનેક વિશિષ્ટ ભક્તો સાથે એમનું પ્રથમ મિલન અહીં થયું હતું. રથયાત્રાના સમયે અહીં કેટલીયે વાર કીર્તનાનંદ થયો હતો, કેટલીયે વાર પ્રેમના દરબારમાં આનંદમેળો જામ્યો હતો. શ્રીઠાકુર કહેતા: ‘જાઓ નરેન્દ્ર, ભવનાથ, રાખાલને આમંત્રણ દઈ આવો. આ લોકોને ખવડાવવું એ નારાયણને ખવડાવવા જેવું છે. આ લોકો સામાન્યજન નથી, ઈશ્વરના અંશ સાથે જન્મ્યા છે. એમને ખવડાવવા પીવડાવવાથી તમારું ઘણું ઘણું થશે.’ આ લોકોને પોતાની પાસે ખેંચી લેવા એવો શ્રીઠાકુરનો વાસ્તવિક ઉદ્દેશ હતો.

માસ્ટર મહાશયનો પ્રસંગ આવ્યો. તેઓ પાસેની જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં ભણાવતા. એમની શાળામાં જે સારા છોકરા હોય, જેમના શુભ સંસ્કાર હોય, એમના કલ્યાણ માટે તેઓ એ બધાને શ્રીઠાકુર પાસે લઈ જાય. આ કાર્ય તેઓ ઘણી નિષ્ઠાપૂર્વક કરતા. સામાન્ય લોકોને આ વાત ગમતી નહિ. તેઓ છોકરાઓને બગાડે છે એમ કહીને એ લોકો માસ્ટર મહાશયને બદનામ કરતા. છોકરાઓ સાંસારિક ઉન્નતિ પ્રત્યે ધ્યાન ન રાખતા, અને પ્રભુ પ્રભુ રટીને સમય બગાડતા. આ ખરેખર સારું થતું નથી. 

જ્ઞાનસાધના અને ગુરુસેવા

આજે બલરામના ઘરે આવીને માસ્ટર મહાશયે જોયું કે તરુણ ભક્તસમુહ શ્રીઠાકુરને ઘેરીને બેઠો છે. ઉંમરવાળા ભક્તો પણ આવ્યા છે. એમાંથી જે સ્કૂલ કોલેજ જાય છે તેઓ સ્કૂલ વગેરે છોડીને શ્રીઠાકુર પાસે આવ્યા છે. માસ્ટર મહાશયને જોઈને શ્રીઠાકુરે પૂછ્યું: ‘શાળા નથી?’ તેના જવાબમાં માસ્ટર મહાશયે કહ્યું કે શાળામાં અત્યારે કોઈ ખાસ કામ નથી એટલે તેઓ આવ્યા છે. એક ભક્તે મજાક કરતાં કહ્યું: ‘માત્ર વિદ્યાર્થીઓ જ સ્કૂલમાંથી ભાગે છે એવું નથી. માસ્ટર મહાશય પણ સ્કૂલમાંથી ભાગીને આવ્યા છે.’ માસ્ટર મહાશય મનમાં ને મનમાં કહે છે: ‘અરે! જાણે કે મને કોઈ ખેંચી રહ્યું છે.’ શ્રીઠાકુર આવું વિચારીને થોડા ચિંતિત થયા કે એને લીધે કોઈ કાર્યની અવહેલના તો નથી થઈને, એમાં કોઈ ભૂલ તો નથી થઈને? ત્યાર પછી શ્રીઠાકુર માસ્ટર મહાશયને થોડું સેવાકાર્ય કરવા કહે છે. માસ્ટર મહાશય વિચારે છે: ‘હું સેવાકાર્ય કરવાનું જાણતો નથી એટલે શ્રીઠાકુર મને સેવાકાર્ય કરવાનું શીખવી રહ્યા છે.’ ગીતામાં કહ્યું છે : ‘તદ્વિદ્ધિ પ્રણિપાતેન પ્રતિપ્રશ્નેન સેવયા’ – પ્રણિપાત, પ્રતિપ્રશ્ન અને સેવા દ્વારા જ્ઞાનલાભ કરવો રહે છે. શ્રીઠાકુર જાણે કે માસ્ટર મહાશય દ્વારા સેવાકાર્ય કરાવીને ઉપદેશ આપે છે. જો કે આ ઉપદેશોનો ઉલ્લેખ અહીં નથી.

(ક્રમશ:)

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.