(ગતાંકથી આગળ)

શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ

શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે. એ સમયે તેઓ કોઈ પણ ધાતુના પાત્રને સ્પર્શ ન કરી શકતા. શૌચ માટેના પાણીના લોટાને ગમછામાં લપેટીને પકડવામાં પણ એમને અસુખ થતું. તેઓ કહે છે : ‘હાથમાં ઝણઝણાટી થાય છે.’ શ્રીઠાકુરને આવું કેમ થતું? એને આપણે બરાબર સમજી નહિ શકીએ. ડોક્ટર મહેન્દ્રલાલ સરકાર કહેતા: ‘ધાતુનો સ્પર્શ કરવો સહન નહિ થાય એવો મનની ભીતર જાણે કે એક સંસ્કાર ઉદ્‌ભવ્યો છે. આ મનના એ સંસ્કારનું જ પરિણામ છે.’ ધાતુનો અર્થ સામાન્યત: મુદ્રા કે સિક્કો એવો થાય છે. ઉપનિષદમાં કહ્યું છે: ‘તસ્માદ્‌ ભિક્ષુર્હિરણ્યં રસેન ન સ્પૃશેત્‌’ – સંન્યાસી સ્વર્ણનો સ્પર્શ ન કરી શકે, નહિ તો આસક્તિ જન્મે. શ્રીઠાકુર આ વાત ઉપનિષદ વાંચીને નહોતા કહેતા, જાણે કે જગન્માતા જ એમના દ્વારા આ બધી ઉપલબ્ધિ કરાવી રહ્યાં છે. તેઓ એમને ધાતુનો સ્પર્શ કરવા નથી દેતાં. શ્રીઠાકુરના આ ભાવમાં આપણે એમના ઐશ્વર્યત્યાગની પરાકાષ્ઠા સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.

નરેન અને ગિરિશ

નાના નરેનનો પ્રસંગ ઉપાડીને શ્રીઠાકુર એની ખૂબ પ્રશંસા કરતાં કહે છે : ‘એ અહીં આવે જાય છે, ઘરના લોકો એને શું કાંઈ કહેશે?’ ક્યારેક ક્યારેક શ્રીઠાકુરની પાસે આવનારને ઘરના લોકો ના પણ પાડે છે. એ વખતે ઉપસ્થિત ભક્તોમાંથી કોઈકે યાદ અપાવ્યું કે માસ્ટર મહાશયને આવવામાં વાર લાગે છે. માસ્ટર મહાશય વિદાય લઈને શાળાએ ગયા અને રજા પડ્યા પછી શ્રીઠાકુર પ્રત્યેના પ્રબળ આકર્ષણને લીધે ફરી પાછા આવી ગયા. આવીને જોયું કે શ્રીઠાકુર ભક્તોની મજલિસ જમાવીને બેઠા છે. એમના મુખ પર મધુર હાસ્ય રમી રહ્યું છે. એ હાસ્ય ભક્તોના મુખમંડલ પર પણ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. આ છે આનંદની સંક્રામક શક્તિ; તેઓ પોતે આનંદમય છે અને એ જ આનંદનો પ્રવાહ આસપાસના ભક્તોમાં પણ સ્ફુરિત થઈ રહ્યો છે. શ્રીઠાકુર ગિરિશને કહે છે : ‘તમે એકવાર નરેન્દ્રની સાથે ચર્ચા કરીને જુઓ, તે શું કહે છે?’ ગિરિશબાબુ તો અત્યંત વિશ્વાસુશ્રદ્ધાળુ છે. શ્રીઠાકુર કહે છે : ગિરિશનો વિશ્વાસ પાંચ ચારઆની, પાંચ આના છે. એટલે કે તેઓ કહે છે કે ગિરિશનો વિશ્વાસ કે એની શ્રદ્ધા પકડમાં ન આવે. એ જ ગિરિશ જ્યારે નરેન્દ્રની સાથે તર્ક લડાવવામાં લાગી જતા ત્યારે શ્રીઠાકુરને બહુ આનંદ આવતો. બંને બુદ્ધિવાન ભક્ત છે; બેમાંથી એક સ્વયં પરીક્ષા કર્યા વિના કોઈ વાત પર વિશ્વાસ ન કરી શકતો. બીજો હતો દૃઢ શ્રદ્ધાળુ. આવા વિરોધી સ્વભાવવાળા હોવા છતાં પણ બંને પરમ ભક્ત હતા. ઠાકુરની આ જ વિશેષતા છે કે વિભિન્ન ભાવવાળા ભક્તોને તેઓ સમાન રૂપે પોતાના ગણતા. જેનો જેવો ભાવ રહેતો તેને એ ભાવમાં જ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરતા રહેતા. માસ્ટર મહાશય પાસેથી પણ ત્રણવાર ‘બોલો, હવે હું તર્ક નહિ કરું’, એમ કહીને વચન લીધું હતું. માસ્ટર મહાશયે કહી દીધું કે હવે તેઓ તર્ક નહિ કરે. પરંતુ જેમનો તાર્કિક સ્વભાવ છે એમને તેઓ ના ન પાડતા. નરેન્દ્રને તર્ક કરવા માટે ઉત્સાહિત કરતાં કહેતા: ‘જે કંઈ પણ કહું, મારી વાતોને (કલદાર રૂપિયાની જેમ) બરાબર ખખડાવી લેજે. હું કહું છું એટલે માની ન લેવું.’ એટલે જ શ્રીઠાકુર ગિરિશ બાબુને નરેન્દ્ર સાથે વાતચીત કરવાનું કહે છે અને ઉમેરે છે : ‘નરેન્દ્ર કહે છે, ઈશ્વર અનંત છે. જે કંઈ વસ્તુ કે વ્યક્તિ આપણે લોકો જોઈએ કે સાંભળીએ છીએ તે બધા એમના અંશ છે; એટલું પણ કહેવાનો આપણને અધિકાર નથી. Infinity – અનંતતા જેનું સ્વરૂપ છે એને વળી અંશ કેવી રીતે હોઈ શકે? અંશ હોતો નથી.’

ઈશ્વર અને અવતાર

શ્રીઠાકુર કહે છે: ‘ઈશ્વર અનંત હોય કે ગમે તેટલા મોટા હોય તો પણ તેઓ ચાહે તો એમની ભીતરનું સાર તત્ત્વ આદમીની અંદરથી પ્રગટ થઈ શકે અને આવું બને પણ છે. તેઓ અવતાર લે છે, એ ઉપમાથી સમજાવી શકાય નહિ. એનો અનુભવ થવો જોઈએ.’ અનંતને કોઈ બીજી વસ્તુની ઉપમા આપી ન શકાય. બીજું એક અનન્ય અનંત હોય તો ઉપમા સંભવી શકે. એટલે તેઓ અનુપમ છે.

તેઓ અનંત બનીને પણ કેવી રીતે અવતરે છે એ આપણી સમજ બહારની વાત છે. આપણે પોતાની સ્થૂળ દૃષ્ટિએ કહીએ છીએ કે ‘ભગવાન અવતર્યા છે’. પુરાણ વગેરેમાં કહેવામાં આવ્યું છે : ‘ભગવાન ગોલોકમાંથી અવતર્યા છે’. પરંતુ જ્યારે તેઓ અવતાર લઈને આવે છે એ સમયે શું ગોલોકનું સિંહાસન ખાલી રહે છે? આ એક કલ્પનાતીત છે. પુરાણોમાં કેટલાય સ્થળે આપણને જોવા મળે છે કે બ્રહ્મા આવીને કહે છે : ‘ભગવાન હવે પાછા પધારો, ઘણા દિવસોથી ગોલોક છોડીને આવ્યા છો. અમને તમારો અભાવ સાલે છે.’ અર્થાત્‌ પૃથ્વી પર તેઓ આવ્યા છે એટલે ગોલોકમાં નથી. માનવબુદ્ધિ પ્રમાણે પુરાણોમાં આ કલ્પના આવે છે. જ્યારે આપણે કોલકાતાથી કાશી કે અન્યત્ર ક્યાંક બીજે ચાલ્યા જઈએ છીએ ત્યારે નિશ્ચિત રૂપે આપણે કોલકાતામાં નથી રહેતા. ભગવાનને વિશે પણ આપણે એવી જ કલ્પના કરીએ છીએ. તેઓ જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવ્યા છે તો સ્વર્ગનું સિંહાસન અવશ્ય ખાલી પડ્યું હશે. સીમિત બુદ્ધિ દ્વારા મનુષ્ય ભગવાનની સસીમ રૂપે કલ્પના કરે છે. પરંતુ જેમની બુદ્ધિ શુદ્ધ છે, તેઓ જુએ છે કે ભગવાન અનંત છે. ગોલોકથી જ્યારે વૃંદાવનમાં અવતરિત થયા ત્યારે જો ગોલોક ખાલી થઈ જાય તો તેઓ અનંત કેવી રીતે હોઈ શકે? તો તો ભગવાન ગોલોકમાં સીમિત થઈ ગયા. નરેન્દ્રના મતે ભગવાન અનંત – Infinite છે, એનો અંશ નથી હોતો. બૃહ. ઉપનિષદ (૫.૧.૧) કહે છે :

પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્‌ પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥ 

‘જે કંઈ આપણે જોઈએ છીએ, પ્રત્યક્ષ અથવા કાર્ય તે પૂર્ણ છે; અને જે કંઈ દૂર છે, અપ્રત્યક્ષ અર્થાત્‌ કારણ તે પણ પૂર્ણ છે. પૂર્ણકારણમાંથી પૂર્ણ કાર્યનો આવિર્ભાવ થાય છે. પૂર્ણમાંથી પૂર્ણને કાઢી લેવા છતાં પણ પૂર્ણ જ શેષ રહે છે.’ આધુનિક અંકશાસ્ત્ર પણ એમ કહે છે : ‘જે અનંત છે એમાંથી અનંતને લઈ લઈએ તો પણ અનંત જ બાકી રહે છે, અનંતને અંશ હોતો નથી.’ અંશ કેમ નથી હોતો? આકાશ સર્વવ્યાપી છે. એવી કોઈ વસ્તુ છે જેના દ્વારા તેનો વિભાગ કરી શકાય? સમુદ્રના જળને એક ઘડામાં રાખીને વિભક્ત કરી શકાય છે. પરંતુ સમુદ્ર જો આકાશની જેમ સર્વવ્યાપી હોય તો પછી એને વિભક્ત કરી શકાતો નથી. તે સર્વત્ર પરિપૂર્ણ છે, ઘરની ભીતર-બહાર સર્વત્ર પરિપૂર્ણ ભાવે વ્યાપ્ત છે. સીમિત કે પરિચ્છિન્ન વસ્તુને જ અંશ હોય છે. એટલે ભગવાનનો અવતાર એમનો અંશ હોવા છતાં પણ એમાં કંઈક ઊણપ આપી ગઈ, આ અવાસ્તવિક યુક્તિહીન કલ્પના છે. એટલે જ કહે છે, અંશ નથી હોતો, જે પરિપૂર્ણ છે એનું એ રીતે વિભાજન નથી થતું.

પરંતુ શ્રીઠાકુર કહે છે : ‘જો તેઓ (પ્રભુ) ઇચ્છે તો એમની ભીતરનું સારતત્ત્વ માણસની ભીતરથી પ્રગટ થઈ શકે છે, અને થાય છે પણ ખરું.’ ‘થઈ શકે છે’ – કેવળ આટલું જ કહેવાથી એ માત્ર એક સિદ્ધાંતની વાત થાત. શ્રીઠાકુર તો વધુ ભારપૂર્વક કહે છે : ‘અને થાય છે પણ ખરું’ કારણ કે એ એમની પ્રત્યક્ષ અનુભૂતિ છે. તેઓ પૂર્ણ છે તો કઈ રીતે લઘુ બનીને મનુષ્યના રૂપે આવે છે, એ કલ્પના કરવી મનુષ્ય માટે સંભવ નથી. એ એની બુદ્ધિ માટે અગમ્ય છે. ભાગવતમાં દેવકીની એક અદ્‌ભુત ઉક્તિ છે: ‘હું દેવકી એક ક્ષુદ્રકાય નારી, મારા ગર્ભમાં અત્યંત નાના શિશુ રૂપે તેઓ આવિર્ભૂત થયા છે, આ કલ્પનાતીત છે.’ જે અનંત છે, તે કઈ રીતે આટલા નાના બન્યા? શ્રીઠાકુર કહે છે : ‘તેઓ અનંત હોય કે પછી ગમે તેટલા મોટા હોય, ઇચ્છા કરે તો તેઓ અવતરે છે.’ આ કેવી રીતે સંભવ બને છે એ સમજાવી ન શકાય; કારણ કે બીજું કોઈ દૃષ્ટાંત જ નથી, જેના દ્વારા એ સમજાવી શકાય. 

દૃષ્ટાંત નથી, પરંતુ જો કોઈને અનુભવ થાય તો તેનો અસ્વીકાર પણ ન કરી શકાય. અનુમાન ગૌણ છે, અલ્પશક્તિ છે. તે અનુભવ પર નિર્ભર રહે છે. જો કોઈ અનુભવના આધારે કહે કે મેં જાણી લીધા છે, મેં સ્પષ્ટ જોઈ લીધા છે, તે મારા માટે બુદ્ધિગમ્ય છે, તો એનો અસ્વીકાર ન કરી શકાય. એટલે જ કહે છે, ઉપમા દ્વારા કંઈક આભાસ મળે છે, પરંતુ ભગવાન અનુપમ છે. એના જેવો બીજો એક હોય તો ઉપમા સંભવ બને. ભાગવતમાં એક સુંદર વાર્તા છે : સુતપા ઋષિ અને પૃશ્નિ પત્ની ભગવાનને સંતાન રૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરે છે. ભગવાન પ્રગટ થઈને કહે છે: ‘વરદાન માગો.’ તેમણે કહ્યું: ‘અમારે તમારા જેવું જ એક સંતાન જોઈએ છે.’ ભગવાને કહ્યું : ‘તથાસ્તુ.’ પરંતુ ત્રણેય લોકમાં શોધવા છતાં ભગવાનને પોતાના જ જેવો કોઈ ન મળ્યો. એટલે તેમણે (૧૦.૩.૪૧) કહ્યું: 

અદ્રષ્ટ્‌વાન્યતમં લોકે શીલોદાર્ય ગુણૈ: સમમ્‌ ।
અહં સુતો વામભવં પૃશ્નિગર્ભ ઇતિ શ્રુત: ॥ 

‘મેં સર્વત્ર જોઈ લીધું પણ મારા પોતાના જેવો ઉદાર ગુણવાળો કોઈ બીજો ન મળ્યો. એટલે વચનબદ્ધ થઈને હું પોતે જ તમારા સંતાન રૂપે જન્મ ધારણ કરીશ.’ ઘણી કવિત્વપૂર્ણ સુંદર ભાષામાં અહીં કહેવામાં આવ્યું છે કે પોતાની ઉપમા તેઓ પોતે જ છે. એટલે ‘ન તસ્ય પ્રતિમાસ્તિ’ આ ભગવાન તો અનંત છે, એમની કોઈ પ્રતિમા નથી, એમને અનુરૂપ કોઈ વસ્તુ નથી. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. શ્રીઠાકુર કહે છે: ‘ઉપમા નથી હોતી.’

ગિરિશ કહે છે : તેઓ અવતરીને આવે છે, એમની ભીતરમાંથી લોકકલ્યાણકારી ઈશ્વરીશક્તિ કર્મ કરે છે. ગાયની અંદર દૂધ છે, પરંતુ તે આવે છે થાન-આંચળમાંથી. તેઓ સર્વવ્યાપી છે તો પણ એમની લોકકલ્યાણકારિણી શક્તિ અવતારના માધ્યમ દ્વારા પ્રકાશિત થાય છે, કેવી રીતે એ પ્રકાશિત થાય? પ્રેમભક્તિ શીખવવા માટે તેઓ સમયે સમયે મનુષ્યદેહ ધારણ કરીને અવતરે છે.

ગિરિશની આ વાત પર નરેન્દ્ર કહે છે કે શું એમની સંપૂર્ણ ધારણા ક્યારેય થઈ શકે ખરી? તેઓ અનંત છે. નરેન્દ્ર તર્કમાં નિપુણ છે, પરંતુ એમની યુક્તિની ભૂલ શ્રીઠાકુરની દૃષ્ટિમાં આવી ગઈ. શ્રીઠાકુર કહે છે : ‘ઈશ્વરની પૂરી ધારણા પણ કોણ કરી શકે છે?’ પૂરી રીતે તો શું, પરંતુ થોડીઘણી પણ ધારણા કરી શકાતી નથી. જે અવિભાજ્ય છે, અખંડ છે; એમનું સ્વરૂપ પૂર્ણ જેવું છે, અપૂર્ણ કે થોડામાં પણ એવું જ છે. ‘એના કોઈ મોટા અંશને કે નાના અંશને સંપૂર્ણ ધારણામાં લાવી ન શકાય. અને સંપૂર્ણ ધારણા કરવાની આવશ્યકતા જ ક્યાં છે? એમને પ્રત્યક્ષ કરી લેવાથી જ કામ બની જાય છે. એમના અવતારને જોઈને જ એમને જોવા પડે. જો કોઈ ગંગા પાસે જઈને ગંગાજળનો સ્પર્શ કરે તો તે કહે છે : હું ગંગાના દર્શન કરી આવ્યો. એને હરિદ્વારથી ગંગા સાગર સુધીની ગંગાનો સ્પર્શ કરવો પડતો નથી.’ એવી જ રીતે અવતાર ભગવાનની એક વિશેષ અભિવ્યક્તિ છે. એમને જોવાથી જ ભગવાનને જોવાનું કાર્ય થઈ ગયું. બાઈબલમાં કહેવામાં આવ્યું છે : He who has seen the son, has seen the Father, જેમણે સંતાનને જોયું છે એને પિતાને પણ જોઈ લીધા છે. અહીં ઈશુ પોતાને જ ઈશ્વરનો પુત્ર કહે છે. તેઓ કહેતા કે તેઓ Son of the MAN, ઈશ્વરનું સંતાન છે. આ વાતને સમજાવવા માટે ‘MAN’ મોટા અક્ષરોમાં લખાયો છે. અગ્નિતત્ત્વ લાકડામાં વધારે પ્રમાણમાં છે. બધી વસ્તુઓ પંચભૂતોના મિશ્રણથી બની છે, અગ્નિ સર્વત્ર છે; પરંતુ લાકડામાં વધારે પ્રમાણમાં અભિવ્યક્ત થાય છે. એટલા માટે ગિરિશ કહે છે : ‘જ્યાં મને આગ મળે, મારે એવી જગ્યાની જ આવશ્યકતા છે.’ તેઓ સર્વત્ર છે પરંતુ જો અવતારના સાંનિધ્યમાં આપણને એમનું સાંનિધ્ય મળે તો પછી જે અનંત છે તેની આવશ્યકતા ક્યાં રહી? આ એક જ જગ્યાએ બધું મળી જાય છે.

(ક્રમશ:)

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.