“અદ્ભુત દૃશ્ય! અહીં તો આપણે ખરેખર બરફ ઉપર જ ઊભા છીએ જ્યારે ભારતમાં તો બરફ ખૂબ ઊંચે હોય છે. ત્યાં પહોંચવા માટે તો દિવસો સુધી આપણે પહાડોના પહાડો ઓળંગવા પડે છે. એ ખરું કે તિબેટની સરહદે આકાશમાં ઊંચે જતાં એ ગગનચૂંબી શિખરોની તુલનામાં આ બધાં શિખરો કેવળ ટેકરીઓ જ લાગે. પણ તેમ છતાંય આ શિખરો સુંદર છે.”

શ્વેત બરફથી છવાયેલા આલ્પ્સ પર્વત પર ચડતી વખતે સ્વામી વિવેકાનંદે આ શબ્દો ઉચ્ચાર્યા હતા અને એ જ હિમાચ્છાદિત આલ્પ્સ પર્વત પરની પ્રગાઢ શાંતિએ સ્વામી વિવેકાનંદને હિમાલયમાં અદ્વૈત આશ્રમ સ્થાપવાની પ્રેરણા આપી હતી. એ આલ્પ્સની હિમાલય જેવી ભવ્યતા, રમણીયતા અને શાંતિ કેવા હશે! એની અનુભૂતિ કરવાની એક સૂક્ષ્મ ઇચ્છા મારા મનમાં એ બધું વાંચતી વખતે જાગી હતી.

ગંગોત્રીથી ગૌમુખ જતા બરફના તોફાનમાં અમે સપડાયા હતા અને ચારે બાજુ બરફની વચ્ચે ચાલતાં ચાલતાં એ ધવલ હિમાલયનું કરાળ અને ભવ્ય રૂપ પણ માણ્યું હતું. પણ એ તો ધરતીથી કેટલે ઊંચે! પણ સાવ નીચે ટેકરીઓ ઉપર બરફ છવાયેલો હોય અને બરફાચ્છાદિત ટેકરીઓ પર આરામથી ચડવાનું હોય એ મનોહર દૃશ્યની કલ્પના જ કરવાની હતી! કેમ કે પૃથ્વીના સ્વર્ગ સમા સ્વીટ્ઝરલેન્ડમાં જવાનું તો મારા માટે સ્વપ્નમાં પણ શક્ય ન હતું. વળી ભારતમાં સ્વામી વિવેકાનંદ જે જે સ્થળોએ ગયા હતા તેમાંના મોટા ભાગના સ્થળોનાં દર્શન કરવાની તક તો પ્રભુકૃપાએ સાંપડી હોવાથી એ પવિત્ર સ્થળોએ જઈ શક્યો ત્યારે અંતરના એક ખૂણામાં એવી ઇચ્છા પણ હતી કે સ્વામી વિવેકાનંદની ચરણધૂલિથી યુરોપ અને અમેરિકાની ભૂમિ પણ પાવન બની છે તો સ્વામી વિવેકાનંદ જ્યાં જ્યાં ગયા હતા ત્યાં જઈને ત્યાંના શુભ તરંગોને આત્મસાત કરવા જોઈએ પણ એ ય અસંભવ જ હતું! પરંતુ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાએ સ્વપ્નમાં પણ અસંભવ જણાતી વાતને સંભવ કરી લીધી!

વાત એમ બની કે યુ.કે. ની કોવેન્ટરી યુનિવર્સિટીમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની દ્વિતીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ભરાવાની હતી. આ કોન્ફરન્સમાં ભાગ લેવાનું નિમંત્રણ આ યુનિવર્સિટીના પ્રો. ડો. એલન હન્ટરના માધ્યમથી મને મળ્યું. એલન હન્ટર અને તેમનાં પત્ની જય હન્ટર શ્રીરામકૃષ્ણ દેવના પરમ ભક્ત છે. તેઓ પોતાના ઘરમાં જ શ્રીશારદા વેદાંત સેન્ટર ચલાવે છે. જીનેન્દ્ર ફાઉન્ડેશનના શ્રીકિશોરભાઈ શાહ અને એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ યુ.કે. ના શ્રી ગોપાલભાઈ પોપટે આ પહેલા પણ લંડનના ગુજરાતી સમાજમાં વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. તેઓએ આવવા જવાના ભાડાની વ્યવસ્થા કરી. શ્રીરામકૃષ્ણદેવના વિશેષ ભક્ત શ્રી ભોગીભાઈ પટેલે પોતાની કારમાં યુરોપનો પ્રવાસ કરાવવાની જવાબદારી ઊપાડી લીધી, આમ એપ્રિલ અને મે મહિનામાં ભગવાનની પરમકૃપાથી ઈંગ્લેન્ડ અને યુરોપ જવાનું સહજ રીતે ગોઠવાઈ ગયું. ૧૮ એપ્રિલે સાયં આરતી પછી હું સર્વની શુભેચ્છા લઈને પોરબંદરથી રાજકોટ જવા નીકળ્યો. રાત્રે અગિયાર વાગ્યે રાજકોટ પહોંચ્યો.

ઓગણીસમીએ રાત્રે રાજકોટથી સાડા આઠ વાગ્યાનું પ્લેન હતું. હું સાડાદશ વાગ્યે મુંબઈ એ૨પોર્ટ ૫૨ પહોંચી ગયો હતો. બર્મિંગહામનું મારું પ્લેન સવારે ચાર વાગ્યે ઉપડવાનું હતું અને મારે રાત્રે એક વાગ્યે એ૨પોર્ટ પર પહોંચી જવાનું હતું. મારી પાસે ત્રણ કલાક હતા. અંધેરીના એક ભક્ત મને એમના ઘરે લઈ ગયા અને રાત્રે એક વાગ્યે એ૨પોર્ટ ૫૨ મૂકી ગયા. આમ તો નેશનલ એરપોર્ટને અડીને જ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે પણ નેશનલ એ૨પોર્ટ સાન્તાક્રુઝમાં આવે છે તો ઈન્ટરનેશનલ એરપોર્ટ અંધેરીમાં છે. ત્રણ કલાક વહેલું હાજર થવાનું જાણે વધુ પડતું વહેલું હોય એમ મને લાગતું હતું પરંતુ ત્રણ ચાર જાતની સિક્યોરીટીમાંથી પસાર થવાનું, બોર્ડીંગ પાસ લેવાનો, સામાનનું વજન કરાવીને મૂકાવવાનો, ફરી સામાનની ઓળખ કરવાની અને ફાઈનલ સિક્યોરીટીમાંથી પસાર થઈ અને પછી જ ફ્લાઈટમાં જવાનું હોય છે. આ બધી વિધિમાં ત્રણ કલાક ક્યાં નીકળી જાય છે એ ખબર પણ પડતી નથી.

મારે ફક્ત યુ. કે. જ જવાનું નહોતું પણ સાથે સાથે ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વીટ્ઝરલેન્ડ અને ઈટાલી પણ જવું હતું એની પાછળનું મુખ્ય કારણ એક જ હતું કે જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ યુરોપમાં ફર્યા હતા તે તે સ્થળો મારા માટે તીર્થયાત્રાના પવિત્ર સ્થળો હતા અને મનમાં એવી એક ઇચ્છા હતી કે સ્વામી વિવેકાનંદની ચરણધૂલિથી પવિત્ર થયેલા એ તીર્થસ્થળોનાં દર્શન થાય તો સારું. રામકૃષ્ણ મઠ અને મિશનના યુરોપનાં અમારા કેન્દ્રો જોવાની પણ આ સોનેરી તક હતી. આથી મારે યુ. કે. ફ્રાન્સ અને સ્વીટ્ઝરલેન્ડના વિઝા મેળવવાના હતા. વિઝા માટે જ્યારે હું યુ. કે. ના કાર્યાલયમાં ગયો ત્યારે ત્યાં ઈન્ટરવ્યુ લેનાર એક અંગ્રેજ સાહેબ હતા. તેમણે મને પૂછ્યું કે “આવક શૂન્ય છે, બેંક એકાઉન્ટ નથી, વળી કહો છો તમારે પરિવાર નથી. એ કેવી રીતે બને?” તેઓ આશ્ચર્યથી મારા સામે જોઈ રહ્યા. મેં એમને સમજાવ્યું કે હું રામકૃષ્ણ મિશન સંસ્થાનો સંન્યાસી છું તેથી નિયમ પ્રમાણે બેંકમાં એકાઉન્ટ રાખી શકું નહીં. દરેક સંન્યાસીનું ભરણ પોષણ સંસ્થા કરે છે પણ કોઈ પણ પગાર અમે લેતાં નથી અને પરિવારનો ત્યાગ કરેલ છે. સમસ્ત સંસાર અમારો પરિવાર છે. આ સાંભળીને તેમનું આશ્ચર્ય ઓછું ન થયું પણ તેણે વિઝા આપી દીધો. સ્વીટ્ઝરલેન્ડનો વિઝા પણ તુરત જ મળી ગયો. ફ્રાન્સ કોન્સલ જનરલમાં સેંગ્યુવીન વિઝા માટે અરજી કરી કે જેથી યુરોપના સોળ દેશોમાં જઈ શકાય, પણ તે વિઝા સહેલાઈથી મળ્યો નહીં. ત્યાંના અધિકારીએ મારી વિઝાની અરજી કેન્સલ કરી કહ્યું અમારા નક્કી કરેલા ફોર્મમાં જ સ્પોન્સરશીપ પત્ર રજૂ કરો. અમારા ફ્રાન્સ કેન્દ્રથી આ પત્ર મંગાવીને ૨જૂ કર્યો એ પછી ફરી તેઓએ સમસ્ત યાત્રાની વિગતો રજૂ કરવાનું કહ્યું. એ મોકલ્યા પછી છેક છેલ્લે દિવસે ફ્રાન્સનો વિઝા મળ્યો અને તે ય સાતમી મે સુધીનો જ. મારી ચૌદમી તારીખે રોમથી પાછા આવવાની ટિકીટ હતી પણ સાત દિવસ સ્વીટ્ઝરલેન્ડમાં જ ગાળવા પડ્યા કેમ કે ફ્રાન્સે વધારે દિવસનો વિઝા ન આપ્યો આથી રોમ જઈ શકાયું નહીં અને વળતાની ટિકીટ બદલવી પડી.

વીસમી એપ્રિલે સવારે ચાર વાગ્યે અમારી ફ્લાઈટ ઉપડી. અઢી કલાકમાં તો અમને દુબઈ પહોંચાડી દીધા. આમ સાડા છ વાગ્યે દુબઈ પહોંચવા જોઈએ પણ ત્યાં સાડાપાંચ વાગ્યા હતા. દુબઈથી બીજી આઠ વાગ્યાની ફ્લાઈટ હતી રાત્રે પ્લેનમાં મેં કાંઈ જ લીધું નહોતું એટલે મનમાં થતું હતું કે કંઈક ચા કોફી મળે તો સારું. હું દુબઈના એરપોર્ટ પર બેઠો હતો મારી બાજુમાં કોઈ બહેન બેઠા હતા સાથે એનો પુત્ર હતો. તે એકાએક મારી તરફ ફર્યા અને મને કહ્યું “સ્વામીજી કોફી પીશો? મારા દીકરા માટે મંગાવી હતી પણ એને નથી પીવી” અને મારે તો એટલું જ જોઈતું હતું. આમ શારદાદેવીએ ઠાકુરને જે પ્રાર્થના કરી હતી કે ‘મારા સંતાનો જ્યાં ક્યાંય પણ હોય ત્યાં ભૂખ્યા ન ૨હે તેનું તમે ધ્યાન રાખજો ઠાકુર’. એનો પ્રત્યક્ષ અનુભવ દુબઈના એરપોર્ટ ઉપર થયો. એ અજાણી પાકિસ્તાની સ્ત્રીના હૃદયમાં મને કોફી આપવાની પ્રેરણા કોણે જગાડી? શ્રી શ્રીમાની કૃપાને હું વંદી રહ્યો.

લગભગ છ કલાકની યાત્રા પછી બર્મિંગહામ એરપોર્ટ પહોંચ્યો ત્યારે ત્યાં સાડાબાર વાગ્યા હતા કારણ કે પ્લેન પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું હતું. ડૉ. એલન હન્ટર અને શ્રી ભોગીભાઈ પટેલ મને લેવા આવ્યા હતા. મારે શારદા વેદાંત સેન્ટર કોવેન્ટરીમાં રહેવાનું થયું. ત્યાં સાંજે જીનેન્દ્ર ફાઉન્ડેશન વાળા શ્રી કિશોરભાઈ શાહ મળવા આવ્યા. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવેલા ડૉ. ઓ.પી.એન.કલ્લા પણ પરિવાર સહિત મને મળ્યા. તેઓ આ પૂર્વે ઈસરોના વૈજ્ઞાનિક હતા અને શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદના અધ્યક્ષ હતા તેથી સ્વાભાવિક રીતે જ શ્રીરામકૃષ્ણદેવના આ બધા ભક્તોને યુ. કે. ની ભૂમિ પર મળી આનંદ થયો. સેન્ટરમાં સાંજે ‘ખંડન ભવ બંધન’ આરતી થઈ. આમ વીસમીની સાંજે ભક્તોને મળવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો. એકવીસમીએ સવા૨ે ડૉ. કલ્લાના જ્યેષ્ઠ પુત્ર એકલવ્ય કલ્લાના નોટીંગહામશાયરના ઘે૨ જવાનું થયું. તે સાંજે શારદા વેદાંત સેન્ટરમાં ભજનસંધ્યાનો કાર્યક્રમ થયો.

બાવીસમી અને ત્રેવીસમીએ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કોન્ફરન્સ હતી. તેમાં સમગ્ર વિશ્વમાંથી નિષ્ણાંતો આવ્યા હતા. મોટા ભાગના બધા શિક્ષણવિદો અને તજ્‌જ્ઞો હતા. ફક્ત ત્રણ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ હતા અને તેમાંની એક હતી રામકૃષ્ણ મિશન, જેણે ખરેખરું પ્રેક્ટીકલ વર્ક કર્યું હતું. દરેકને પોતાની રજૂઆત માટે ત્રીસ મિનિટ આપવામાં આવી હતી. વીસ મિનિટ પ્રેઝન્ટેશન અને દશ મિનિટ પ્રશ્નોત્તરીની હતી. મને આ અંગે પેપર તૈયાર ક૨વાનો બિલકુલ સમય મળ્યો નહોતો પણ મેં રામકૃષ્ણ મિશન દ્વારા ભૂકંપ પુનર્વસવાટ કાર્ય વિશે પ્રકાશિત રિપોર્ટની એક પ્રતિલિપિ મોકલી દીધી હતી જેને આયોજકો એ કોન્ફરન્સ માટે પ્રકાશિત રિપોર્ટમાં સામેલ કરી હતી. સમસ્ત ભૂકંપકાર્યોની એક સી.ડી. બનાવી હતી જે ૪૬ મિનિટની હતી એમાંથી સમગ્ર રાહત કાર્યનો ચિતાર મળી જાય એવી દશ મિનિટની સી. ડી. ખાસ બનાવી અને તે હું મારી સાથે લઈ ગયો હતો. જ્યારે મારી ઓળખાણ આપવાની થઈ ત્યારે સર્વપ્રથમ તો મારું લાંબુ નામ વાંચતા જ ઉદ્‌ઘોષકને આવડ્યું નહીં બે ત્રણ વાર પ્રયત્ન કર્યો પછી કહ્યું “સ્વામીજી પોતે જ પોતાની ઓળખાણ આપશે.” આમ મારે જ મારો પરિચય આપવાનો થયો. મેં રામકૃષ્ણ મિશન તથા સ્વામી વિવેકાનંદ વિષે કહ્યું અને જણાવ્યું કે રામકૃષ્ણ મિશને સર્વપ્રથમ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કાર્ય ૧૮૯૭ની ૧૫મી મે ના રોજ કર્યું હતું. સ્વામી અખંડાનંદે મુર્શીદાબાદમાં દુષ્કાળગ્રસ્ત લોકોને માટે તે સમયે રાહતકાર્ય શરુ કર્યું હતું. આ બધી વાત કરી અને પછી મેં લાઈવ સી. ડી. બતાવી અને એની કોમેન્ટ્રી હું આપતો ગયો. આમ અમે શું શું કાર્ય કર્યું છે એનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું દરેક સંસ્થા ક્યારે તૈયાર થઈ તેની તારીખ પણ એમાં લખેલી હતી એટલે કેટલા ટૂંકા ગાળામાં કેટલી ઝડપથી કાર્ય કર્યું તે જણાવ્યું. સાથે સાથે સ્થાનિક લોકોની સાથે પરામર્શ કર્યો અને અસરગ્રસ્ત લોકોને કોલોનીના મકાન ફાળવ્યા એટલું જ નહીં પણ આ કોલોનીમાં પુસ્તકાલય, પ્રાર્થનામંદિર, સીવણક્લાસ, દવાખાનું વગેરે દ્વારા એમના જીવનનું સ્તર ઉંચું આવે એ માટેના અવિરત પ્રયત્નો ચાલુ રાખ્યા છે. આ બધું સમજાવતાં એ લોકો ખૂબ જ પ્રભાવિત થયા. વળી અમે સ૨કા૨ની કોઈપણ જાતની સહાય લેતા ન હોવાને કારણે દખલગીરીથી અમે મુક્ત હતા એટલે અમે અમારી રીતે બધું આયોજન વ્યવસ્થિત કરી શક્યા. એમાં અમને કઈ કઈ મુશ્કેલીઓ પડી એ પણ બતાવ્યું. જુદી જુદી જ્ઞાતિઓના લોકોને એક સાથે રહેવાનું હતું એ અમે કઈ રીતે કર્યું તે પણ બતાવ્યું. આમ બીજા બધા જ્યારે સૈદ્ધાંતિક વાતો કરતા હતા કે આમ કરવું જોઈએ ત્યારે અમે આમ કર્યું. એ વાત કોન્ફરન્સના આયોજકોને વધુ પસંદ પડી. ભારતમાંથી પ્રતિનિધિ તરીકે હું હતો અને બીજા ઈસ૨ોના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. કલ્લા હતા અને બંનેની રજૂઆતથી કોન્ફરન્સમાં ભારતનો એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે હવે બે વર્ષ બાદ ત્રીજી આંત૨૨ાષ્ટ્રીય કોન્ફરન્સ ભારતમાં થાય તેવી બધાએ ઇચ્છા પ્રગટ કરી.

ત્રેવીસમી એપ્રિલે પણ કોન્ફરન્સ ચાલુ હતી પરંતુ એમાં ખાસ મહત્ત્વનું કામ ન હતું એટલે આયોજકની રજા લઈને હું શેક્સપિયરનું જન્મસ્થળ જોવા સ્ટેટફર્ડ ગયો જે ત્યાંથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર છે. ત્યાં જવા પાછળનો મારો મુખ્ય હેતુ શેક્સપિયરનું (ઈંગ્લેન્ડના મહાન કવિનું) સ્મારક જોવાનો જ નહીં પણ ત્યાં બાજુમાં શેક્સપિયરની દીકરીનું મકાન છે જેમાં મિસ મેકલાઉડ પંદર વર્ષ સુધી રહ્યા હતા તે જોવાનો પણ હતું. મિસ મેકલાઉડ જાજરમાન અમેરિકન મહિલા હતા અને તેઓ એમ કહેતા હતા કે “હું સ્વામી વિવેકાનંદની ફ્રેન્ડ છું” તેમણે આ મકાનમાં ધ્યાનખંડ રાખ્યો હતો અને એ સમયના રામકૃષ્ણ મિશનના ઘણા સ્વામીજીઓ સ્વામી નિખિલાનંદ વગેરે આ મકાનમાં ગયા હતા એટલે હું ખાસ શેક્સપિયરનું આ સ્મારક જોવા ગયો હતો. ત્યાં શેક્સપિયરના સમયની વસ્તુઓનું મ્યુઝિયમ છે એ મ્યુઝિયમ જોયું. પોતાના દેશના મહાન સાહિત્યકાર પ્રત્યે બ્રિટીશ પ્રજાનો કેટલો આદરભાવ છે કે તેની સ્મૃતિઓને અકબંધ જાળવી રાખી છે તેની પ્રતીતિ આ સ્મારક જોતાં થઈ.

ત્રેવીસમીએ સાંજે શારદા વેદાન્ત સેન્ટરમાં ધ્યાન વિશે અંગ્રેજીમાં પ્રવચન બાદ પ્રશ્નોત્તરીના કાર્યક્રમ દરમિયાન અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા. તે પછી બધાએ મળીને સામુહિક ધ્યાન કર્યું ત્યારે કથામૃતના ગીતોમાંના ચોથા ભાગની કેસેટમાંથી “તુઝસે હમને દિલકો લગાયા” એ સ્વામી વિવેકાનંદજીના પ્રિય ભજનની કેસેટ મૂકી દીધી હતી. બધાને બહુ મજા આવી.

ચોવીસમી એપ્રિલે સવારે દશ થી બાર શારદા વેદાંત સેન્ટરમાં ‘મેનેજમેન્ટ ઓફ એવરીડે લાઈફ’ આ વિષય ૫૨ અંગ્રેજીમાં વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો. ચોવીસમીએ સાંજે કોવેન્ટરીમાંના જ શ્રીકૃષ્ણ મંદિરમાં ગુજરાતીમાં વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તે દિવસે અન્ય કાર્યક્રમો હોવા છતા પણ લગભગ દોઢસો જેટલા લોકો વ્યાખ્યાનમાં હાજર હતા અને ઈંગ્લેન્ડમાં કદાચ પહેલી જ વાર શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યના ગુજરાતી પુસ્તકોનો સ્ટોલ આયોજિત થયો. ત્યાં કોઈ સ્વયંસેવકો તો હતા નહીં એટલે વેચાણ વિભાગની જવાબદારી શ્રી ભોગીભાઈ અને ડૉ. કલ્લાના પરિવારજનોએ સંભાળી. અહીંથી બે મહિના પહેલા ગુજરાતી પુસ્તકો મોકલ્યા હતા તે બરાબર આગલે દિવસે જ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં અમે નાના પુસ્તકોના સેટ બનાવ્યા હતા. પહેલા સેટમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રો, બીજા સેટમાં યોગ અંગેના પુસ્તકો, ત્રીજા સેટમાં ઉપદેશો વગે૨ે અને આ દરેક સેટની કિંમત એક એક પાઉન્ડ રાખવામાં આવી. પુસ્તકોની કિંમત લગભગ ચાલીસ રૂપિયા થતી હતી. ટ્રાન્સપોર્ટનું ખર્ચ વધારે હોવાથી એક પાઉન્ડની કિંમત રાખવી પડી અને જે લોકો આમાંનો કોઈ એક સેટ લે તેઓને ભેટ તરીકે “આધુનિક માનવ શાંતિની શોધમાં” પુસ્તક આપવામાં આવ્યું અને લોકોને તે ખૂબ જ ગમ્યું. એકાવન પાઉન્ડનું જ વેચાણ થયું પણ લોકોને પહેલીવાર શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો પરિચય થયો એ મહત્વનું છે.

(ક્રમશ:)

Total Views: 93

One Comment

  1. Maithili Tripathi June 24, 2023 at 6:48 am - Reply

    Khub rasprad, mahitisabhar lekh. E bahane sakshat Europe ma hoiye evi pratiti thai🙏🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.