(ગતાંકથી આગળ)

પ્રબુદ્ધ નાગરિકતાની રીત

પાશ્ચાત્ય દેશવાસીઓમાં વીરતાનો ભાવ હતો, એટલે જ તેઓ મહાન બન્યા. ઈંગ્લેન્ડના વીરાધિવીર દૂર દૂર અતલ સાગરમાં, ઘન વનોમાં, પર્વતો-પહાડો પર અને અનેક દ્વીપોમાં પોતાના પ્રાણને હોડમાં મૂકીને કામે લાગી ગયા. તેઓ નિર્ભીક અને પ્રસન્ન બનીને ગયા. એમને પોતાના દેશ પ્રત્યે પ્રેમ હતો. તેઓ કેવળ વિશુદ્ધ અભિયાનના મનોભાવથી પ્રેરિત બન્યા હતા. ત્યાંના રહેવાસીઓની આ મનોવૃત્તિએ એમના દેશને મહાન બનાવ્યા. હું આરામથી રહીશ, પોતાની જાતને બચાવતો રહીશ અને પોતાનો દેશ મહાન બનશે જ – એવું ક્યારેય થઈ શકતું નથી. આપણાથી આવી જ ભૂલ થઈ રહી છે. પર્વતો પર વનસ્થલિઓમાં કે દૂરસુદૂર આવેલા ગામડામાં કઠિન સમયે કામ કરવાનું આપણને ગમતું નથી. પોતાની દિલેરી કે વીરતાને પડકાર ફેંકનારા સ્થળે જો આપણી બદલી થાય તો એને રોકવા માટે આપણે જમીન આસમાન એક કરી દઈશું. પોતાના અને પોતાના પરિવારજનો માટે અધિકતમ સુખ સુવિધાઓ આપણે પસંદ કરીશું. એમાં કોઈ શક નથી કે આ બધામાં આપણને ભલા ‘ગૃહસ્થ’ જોવા મળશે. પરંતુ પ્રબુદ્ધ નાગરિકતાની વીરતા અને એનો દેશપ્રેમભાવ આપણને જોવા નહિ મળે.

નાગરિકે સ્વહિત રક્ષાની સાથે રાષ્ટ્રહિતની સાધના માટે ન્યૂનતમ આધ્યાત્મિક વિકાસ કરવો એ અપેક્ષિત છે. આ સ્વહિતરક્ષા પણ કેવળ પૈસા અરે, પૈસા કમાવા સુધી સીમિત નથી. મોટા ભાગના લોકો પૈસા કમાવાને જ બધું માની બેઠા છે. સ્વહિતરક્ષામાં ગૌરવ, ગરિમા, સૃજનશીલતા અને વીરતાપૂર્ણ અભિયાન પણ સમાયેલાં છે. આ બધું પ્રબુદ્ધ નાગરિકતામાંના આધ્યાત્મિક વિકાસથી જ સુલભ બને છે.

વ્યક્તિમાં આ વિકાસ થતાં જ લોકહિતૈષીભાવના અને માનવીય સંવેદના સાથે ને સાથે સ્ફૂરે છે. વ્યક્તિ પછી એ સ્ત્રી હોય કે પુરુષે એ માટે એ માટે પ્રયત્નશીલ બનવું નહિ પડે. માર્ગ પર કોઈને વિપત્તિમાં આવેલ જોઈને એકાએક આવો ભાવ જાગ્રત થાય છે. હું વિપત્તિમાં આવી પડેલા એ માણસને મળીશ; પૂછીશ કે એમની મુશ્કેલી શી છે? શું હું આપને કંઈ મદદ કરી શકું? આવી પરિસ્થિતિઓમાં હું પાછળ હટી જાઉં અને વિચારું કે મારે અને એને શું સંબંધ? નકામો શા માટે આવામાં ફસાઉં? આવી દશામાં નાગરિકતાની જાગરૂક ભાવનાનો પૂરો અભાવ ગણવો જોઈએ. હું એ માણસની સેવા કરીશ અને દેશબાંધવની સેવામાં પ્રવૃત્ત બનવાનું પરિણામ ભલે ગમે તે આવે એ પણ હું સહન કરીશ. નાગરિકમાં આવી માનવીય સંવેદના જાગ્રત રહે છે.

આપણા ભારતવાસીઓમાં રાષ્ટ્રના નાગરિકોના નાતે આ વ્યાપક માનવીય સંવેદનાનો અભાવ છે. એવું લાગે છે કે સદીઓની રાજાશાહી અને રાજનૈતિકને કારણે સંવેદનાનો આ સ્રોત જાણે કે સુકાઈ જ ગયો છે. એટલે દુર્બળ વર્ગના પ્રત્યે અત્યાચાર થાય છે અને ક્યાંક ક્યાંક એમની નિર્મમ હત્યા પણ થાય છે. આ સ્વસ્થ માનવીય દૃષ્ટિ દેશવાસીઓમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ઘણાને તો એનો ખ્યાલ જ નથી. પોતાની જાતને તારવી લઈને બીજાની સમસ્યાઓમાં ન પડવાની અને એ બધી મુસીબતોથી બચવાની બાબતમાં આપણને એવું લાગે છે કે આપણે બધું બરાબર કરી રહ્યા છીએ. પરંતુ એની પુન: વિચારણા કરવાથી આપણને ખ્યાલ આવે છે કે આને જ લીધે આપણે સ્વતંત્રતા ગુમાવી દીધી હતી. વિદેશી આક્રમણખોરો આવ્યા – તેઓ કેટલીયે વાર આ દેશ પર આવી ચડ્યા – એ વખતે પ્રત્યેક વર્ગ, વર્ણ કે રાજ્ય પોતાની રક્ષાની વાત જ વિચારતો રહ્યો. બીજા પર આવી પડેલા સંકટોમાંથી એમની રક્ષા કરવા પ્રત્યે આપણું ધ્યાન ન રહ્યું. ‘પોતાની ઢોલકી પોતાનો રાગ’ના દૃષ્ટિકોણનું પરિણામ અત્યંત ભીષણ આવ્યું. આક્રમણખોરો પ્રત્યેક વર્ગ, વર્ણ, રાજ્ય, ધનવાન, શક્તિવાન, ઉચ્ચજાતિ, નિર્ધન, દુર્બળ, દલિત, નીચજાતિ, આ બધાને પોતાના પગતળે કચડવા લાગ્યા. સદીઓની ગુલામીથી આપણને મુક્તિ મળી. સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આ એક નવો અનુભવ છે. આ નવી પરિસ્થિતિમાં નવો દૃષ્ટિકોણ જ સ્વાતંત્ર્યની રક્ષા અને તેના વિકાસમાં સહાયક બને છે. નાગરિકતાનો આ પ્રબુદ્ધ દૃષ્ટિકોણ જ રાષ્ટ્રના પ્રત્યેક નિવાસીનું મસ્તક ગર્વપૂર્વક ઉન્નત કરવામાં સહાયરૂપ બને છે અને આપણે પહેલાંથી પણ વધુ શક્તિશાળી અને ગુણસંપન્ન બની શકીએ છીએ. 

આપણામાં આવો વિકાસ સાધીને, પ્રત્યેક સ્ત્રીપુરુષે ઘરે રહેલા બાળકોમાં પણ આ જ દૃષ્ટિકોણ જગાડવાનો છે. ઘરનું આ સિવાય બીજું પ્રયોજન પણ શું હોઈ શકે? રાષ્ટ્રના સદાચાર સંબંધી નૈતિક મૂલ્યોના પ્રસારનું શિશુવિહાર ઘર છે. માનવનિર્માણ અને રાષ્ટ્રનિર્માણનું શિશુવિહાર ઘર છે. જેવી રીતે આજકાલના મા-બાપ કરે છે તે પ્રમાણે બાળકોમાં પોતાની મહત્ત્વકાંક્ષાઓને જ બળ આપવાના કેન્દ્ર સમું આ કાર્ય નથી. બાળકોમાં પોતાની મહત્ત્વકાંક્ષાઓને પ્રોત્સાહિત કરનારા મા-બાપ કોઈ ખોટું કામ નથી કરી રહ્યા. તેઓ તેમની સુષુપ્ત અને ગુપ્ત આકાંક્ષાઓને વિકસાવાનું અને એને બહાર લાવવાનું કાર્ય કરે છે. પરંતુ મા-બાપે એ પણ જોવું જોઈએ કે તેઓ પોતાના બાળકોમાં માનવીય સદ્‌ગુણોના આદર્શ પ્રત્યે પણ એક આકર્ષણ ઊભું કરે, એ આદર્શોના પાલન માટે ચારિત્ર્યનિર્માણને પ્રોત્સાહિત કરે અને મહત્ત્વકાંક્ષાને એના પર સવાર ન થવા દે. નહિ તો આદર્શ ચારિત્રથી સેંકડો માઈલ દૂર રહેલ સ્વમહત્ત્વાકાંક્ષા યુવકોને ધર્મવિચારહીન બનાવી દેશે. સ્વકીય મહત્ત્વકાંક્ષા પર ધર્મવિચારનો અંકુશ રહે છે. અનિયંત્રિત મહત્ત્વકાંક્ષા યુવકને લફંગો બનાવી દે છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના વિલિયમ મેક્ડુગલે પોતાના પુસ્તક ‘જીવનમાં ચારિત્ર અને આચરણ’માં આ ચેતવણી આપી છે. નવી પેઢીને પરિવારમાં એવી કેળવણી મળવી જોઈએ કે જેમાં સમગ્ર રાષ્ટ્રનો સમાવેશ થતો હોય તેટલા પ્રમાણમાં તેના ચેતન સ્તરને ઊંચું રાખે. આ ઊર્ધ્વમુખી વિકાસ કે ગહનતામાં જવું એ માનવવિકાસનો એક આયામ છે. આ તત્ત્વ પ્રબુદ્ધ નાગરિકતાનાં બે અભિન્ન તત્ત્વોમાંનું એક છે.

સમૂહ પ્રત્યે નિષ્ઠા એટલે રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા

સમાંનાંતર વિકાસ એનું બીજું તત્ત્વ છે. આ ઊર્ધ્વમુખી વિકાસની એક ગૌણ નિપજ છે. આજ સુધી આપણું રાષ્ટ્ર જાણે કે રાજનીતિના આધાર પર, જાતિના આધાર પર, સંપ્રદાયના આધાર પર, કેટલાય દળોમાં વહેંચાઈ ગયું હતું અને આ દલબંધીએ આપણને કેટલી હાનિ પહોંચાડી છે! આ સમયે પણ આપણા દેશમાં એવા દળોની સંખ્યા ઘણી છે. કોઈ પણ દળ, પક્ષ કે સંપ્રદાયના સભ્ય બનવું એ ખરાબ વાત નથી. પરંતુ ગરબડ તો ત્યારે ઊભી થાય છે કે જ્યારે એક સમૂહ કે સંપ્રદાય પોતાના હિતની રક્ષા માટે બીજા સમૂહ કે સંપ્રદાયના હિતની ઉપેક્ષા કરે અને એની સાથે સંઘર્ષમાં ઊતરે. આ સ્થિતિમાં રાષ્ટ્ર દુર્બળ બને છે અને રાષ્ટ્રની એકતાને ધક્કો લાગે છે. આજે આપણે એ સમજવાનું છે કે પોતપોતાના દળ પ્રત્યેની વફાદારીથી પણ વધારે મહત્ત્વની વાત પોતાના પ્રજાતંત્ર રાષ્ટ્ર ભારત પ્રત્યેની રાષ્ટ્રિય વફાદારીના સ્વીકારની છે. આ વફાદારી જ બધા સમૂહોની રક્ષા કરી શકે છે અને એમના પરસ્પરના સંબંધોને પણ સ્વસ્થ બનાવી શકે છે. એક સૂત્રમાં પરોવાયેલા ફૂલ જેમ માળાનો આકાર ધારણ કરે છે તેમ રાષ્ટ્ર પ્રત્યે રાજનૈતિક વફાદારીની ભીતર દળ કે પક્ષ કે સમૂહ પ્રત્યેની વફાદારી આવે છે. પ્રત્યેકની વફાદારી એ સૌથી ઊંચી વફાદારી છે. કોઈ સમૂહ કે પક્ષનું સભ્યપણું રાષ્ટ્રની નાગરિકતા સુધી પહોંચે તો વ્યક્તિનું, દળ કે પક્ષનું અને રાષ્ટ્રનું ભલું થાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘સંપ્રદાયો અગણિત છે, પરંતુ સાંપ્રદાયિકતા ન રહેવી જોઈએ.’ દેશના અધિકાંશ સમૂહ કે પક્ષોમાં આ વફાદારી હજુ સુધી મજબૂત બની શકી નથી. દળ કે પક્ષની વફાદારી, દળ કે પક્ષમાં આસક્તિ, દળ કે પક્ષની હિતરક્ષા જેવી બાબતો આજે પણ એટલી બધી વધી ગઈ છે કે એક દળ કે પક્ષનો બીજા દળ સાથે પ્રબળ વિરોધ ઊભો થયો છે. આનાથી રાષ્ટ્ર પ્રત્યેની આપણી વફાદારી નબળી બની છે. આપણા નવજાત પ્રજાતંત્ર માટે આ બાબત એક માથાનો દુ:ખાવો બની ગઈ છે. પ્રાદેશિક સંકુચિતતા, ભાષા, જાતિ અને બીજા દળ-સમૂહ સંબંધી તનાવ અને દબાવને લીધે રાષ્ટ્ર દિનપ્રતિદિન દુર્બળ ને દુર્બળ બનતું જાય છે. 

૧૯૫૦માં આપણે આપણું બંધારણ રચ્યું અને ભારત નામના રાષ્ટ્ર પ્રત્યે આપણી સંપૂર્ણ વફાદારીનો સંકલ્પ પણ કર્યો. એને લીધે વ્યક્તિ અને સમૂહની હિતરક્ષાનું આશ્વાસન મળ્યું ત્યારથી ભારતની નાગરિકતા દ્વારા જ આપણું વ્યક્તિત્વ બન્યું. બીજા દળસમૂહનું સભ્યપણું ગૌણ બન્યું પરંતુ આજે પણ મોટા ભાગના દેશવાસીઓ દળપક્ષના સભ્યપણાને જ મુખ્ય અને રાષ્ટ્રની વફાદારીને ગૌણ માને છે. રાષ્ટ્ર પ્રત્યે વફાદારી ન રહે તો એની એમને ચિંતા નથી. આમ, રાજનૈતિક દૃષ્ટિએ દેશ નિર્બળ થતો જાય છે. માનવ માનવને, સમૂહ સમૂહને, પ્રદેશ પ્રદેશને એક સૂત્રે બાંધી રાખવાનું રાજનૈતિક સૂત્ર ઢીલું પડી ગયું છે. રાષ્ટ્ર પ્રત્યે વફાદારી, રાષ્ટ્રની નાગરિકતા વિશેની બધા સ્તરે કેળવણી અપાય અને એનો સતત પ્રચાર-પ્રસાર થાય તો આ શિથિલતા દૂર કરી શકાય.

આ વિશે જાપાનનું ઉદાહરણ આપણા માટે માર્ગદર્શક બની શકે છે. ૧૯૫૩માં જાપાનની નજીક અમેરિકા નૌકાદળ આવી પહોંચ્યું. કોમોડોર મેથ્યુ સિ. પેરી તેના અધિપતિ હતા. ટોકિયોની ખાડીમાંથી ટોકિયો નગરની દિશામાં બંદૂકો તાકવામાં આવી. વ્યાપાર માટે જાપાની બંદરને ખોલી નાખવાની માગ ધરવામાં આવી. સમગ્ર જાપાન દેશમાં દેશપ્રેમની એક નવી લહેર ફેલાઈ ગઈ. બીજે જ વર્ષે જાપાને અમેરિકા સાથે સુલેહ સંધિ કરી લીધી, વ્યાપાર માટે પોતાના બંદરને ખૂલું મૂક્યું. સૈનિક દબાવમાં બીજાં યુરોપિય રાષ્ટ્ર સાથે પણ એવી જ સુલેહ સંધિ થઈ. આ ઘટનાઓની સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓ પર એટલી ગહન અસર થઈ કે જાપાનની સામંતશાહી રાજ્ય વ્યવસ્થા હચમચી ઊઠી. દસ વર્ષ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો. ત્યાર પછી બે સદીઓથી ચાલી આવતી ટોકુગાવા શોગુનાટેની પુરાણી સામંતશાહી વ્યવસ્થાનું પતન થયું. ઈ.સ. ૧૯૬૮માં બધા પ્રાદેશિક સેનાનીઓએ રાષ્ટ્રમાં ઉદ્‌ભવેલી ગંભીર પરિસ્થિતિ પર સાથે મળીને વિચાર કર્યો. સદીઓ પહેલાં આ સેનાનીઓએ સત્તા હાથમાં લઈને જાપાનના સમ્રાટને માત્ર નામનો સમ્રાટ બનાવી દીધો હતો. વળી પાછા સાથે મળીને વિચારણા કર્યા પછી સેનાનીઓને ભાન થયું કે સમ્રાટને શક્તિશાળી બનાવો છે. જાપાનની રાષ્ટ્રિય એકતાને સુદૃઢ બનાવવી છે. સમ્રાટના બધા અધિકાર એમને પાછા આપવાના છે. જાપાનને એક પ્રબળ રાષ્ટ્ર બનાવવું છે. પરિવર્તિત આધુનિક આંતરરાષ્ટ્રિય સંદર્ભમાં બધા પડકારોનો સામનો કરવા માટે રાષ્ટ્રને સુયોગ્ય બનાવવાનું છે; રાષ્ટ્રની સ્વતંત્રતા અને રાષ્ટ્રીય વિરાસતની સુરક્ષા કરવાની છે. મેજ પર થયેલા પ્રત્યાવર્તનના નામે ઓળખાતી આ સુખ્યાત ઘટનાથી જાપાનીઓમાં સંચિત શક્તિનો એક અદ્‌ભુત પ્રવાહ વહેતો થયો. સદીઓ સુધી જમા થયેલો દેશપ્રેમ ફૂટી નીકળ્યો. પ્રત્યાવર્તનથી રાષ્ટ્રની શક્તિઓ સજીવ બની ગઈ. ત્યાર પછીના ત્રીસ વર્ષોમાં રાષ્ટ્રમાં એક મહાન ઉછાળ આવ્યો. એની અસર જાપાનની ભીતર અને બહાર સર્વત્ર ગહન રીતે થઈ. 

આધુનિક જાપાનીઓના આ આચરણનો એક પડછાયો પ્રાચીન જાપાની સિંટોધર્મના કામીદેવોના વ્યવહારમાં પણ જોવા મળ્યો. પ્રાચીનકાળમાં આ ધર્મના અનુષ્ઠાનમાં એક મોટી હલચલ ઊભી થઈ ગઈ હતી. એ સમયે બધા કામીઓ સાથે મળીને પોતાના વિશેષ અધિકાર અમાથરાસુ ઓમિકામીના નામની એક કામીને આપવામાં આવ્યો અને એને જ સર્વોપરી માની લેવામાં આવ્યો. 

આવી રાષ્ટ્રિય જાગરૂકતા, દેશપ્રેમ અને રાજનૈતિક વિવેકનો થોડોઘણો અંશ પણ જો ભારતમાં હોત તો પંદરમી સદીથી પાશ્ચાત્ય રાષ્ટ્રો જે આ મહાન દેશ પર આક્રમણ કરતાં આવ્યા તેનો સામનો કરવાની રીત જ જુદી હોત. દેશનો આધુનિક ઇતિહાસ પણ કંઈક બીજો જ હોત. પ્રાચીન સમયથી ચાલી આવતી અસંગઠિત રાજનૈતિક પ્રવૃત્તિઓ અને દુર્બળતાઓને દૂર કરવાની છે. આ કામ ધીમે ધીમે અને નિરંતર થવું જોઈએ. આપણામાં રાષ્ટ્રિય વફાદારી અને નાગરિકતાની ભાવનાનો વિકાસ અનવરત શિક્ષણ પ્રસાર દ્વારા થવો જોઈએ.

નાગરિકતા : માનવની સમાનતાનું કેન્દ્ર 

આ બાબતમાં આપણા સૌ માટે ‘આપણા સમાજને શિથિલ બનાવતી બુરાઈઓને દૂર કરીએ’ એ શિક્ષણ બોધની આવશ્યકતા છે. આત્મબોધ, મૌલિક અનન્યતા અને વ્યક્તિત્વની જાણકારી કરાવનારી કેળવણીની આજે જરૂર છે. આપણા દેશમાં આપણે મુખ્યત: કોણ છીએ? આ સવાલ ઊઠાવવામાં આવે તો આપણા દેશવાસીઓનો પ્રત્યુત્તર ઠીક ઠીક પ્રમાણમાં નિરાળો રહેશે. તમે મુખ્યત: કોણ છો? તમે શું છો? આ પ્રશ્નોનો જવાબ આવો હશે: હું સરકારી અધિકારી છું, હું મોટો સાહેબ કે નાનો સાહેબ છું, હું મંત્રી છું, હું ઇજનેર છું, હું વકીલ છું, હું દાક્તર છું, હું કારખાનાનો મજૂર છું, હું ખેડૂત છું, હું ગૃહિણી છું, વગેરે વગેરે આ બધા ઉત્તર ઈમાનદારી સાથે આપવામાં આવ્યા છે. પરંતુ એમનું એક મહત્ત્વ પણ છે. ચેતન સ્તર પરથી નીકળેલા આ બધા પ્રત્યુત્તર કેવળ ધંધા ને વૃત્તિના દ્યોતક છે. એ બધાનો જીવનનિર્વાહની દૃષ્ટિએ જેટલો સંબંધ છે એટલો સંબંધ એમના મુખ્ય અસ્તિત્વ સાથે નથી. આ બધાં ધંધા અને વૃત્તિઓના મૂળમાં રહેલ મુખ્ય વ્યક્તિત્વ સ્વતંત્ર ભારતની નાગરિકતાથી અલગ એવું કંઈ પણ ન હોઈ શકે.

(ક્રમશ:)

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.