સ્વામી વિવેકાનંદ ખેતડી થઈને અમદાવાદ. અમદાવાદથી વઢવાણ થઈને ૧૮૯૧માં લીંબડી પધાર્યા હતા. અહીં પોતાના જીવને જોખમમાં મૂકી દે એવો પ્રસંગ પણ બન્યો. પણ લીંબડીના ઠાકોર જશવંતસિંહની આગવી સૂઝથી આ મહાન દેશપ્રેમી સંન્યાસી ઊગરી ગયા. સ્વામીજી મહારાજાના મહેમાન બન્યા અને લીંબડીના આજના ટાવર બંગલામાં ઊતર્યા હતા. આ ટાવરબંગલો માનનીય રાજમાતાની પ્રેરણાથી શ્રીજશવંતસિંહજીના વંશજોએ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે અહીંની સમિતિને સમર્પિત કરી દીધો હતો. લીંબડીના શ્રીરામકૃષ્ણદેવની ભાવધારાને વરેલા સ્વ. છબીલદાસ શાહ અને તેમના પરિવારજનો તેમજ શુભેચ્છકોના સક્રિય પ્રયાસોથી રામકૃષ્ણ મિશન, લીંબડી ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ અસ્તિત્વમાં આવ્યું. પોતાની સ્થાપના પહેલાં જ ટાવર બંગલામાં આસપાસના ગરીબ લોકો માટે વિનામૂલ્યે દાક્તરી તપાસ અને સહાય તેમજ પુસ્તકાલયની પ્રવૃત્તિ ચાલતી હતી. ઉપરના માળે શ્રીઠાકુરનું નાનું પ્રાર્થનામંદિર પણ હતું. અહીં ભાવિકજનો આરતી, ભજનકીર્તન કરતાં. 

લીંબડીના શ્રી છબીલદાસભાઈ અને પરિવારજનોએ સ્ટેશન રોડ પર છ એકર જેટલી જમીન આપી અને એ સ્થળે રામકૃષ્ણ મિશનની હોસ્પિટલ, વાચનાલય, પુસ્તકાલય, નાનું પૂજાઘર, સાધુનિવાસ અને નાના અતિથિગૃહની રચના થઈ. આ સેવાઝરણાંના સંવાહક બન્યા સ્વામી આદિભવાનંદજી. સૌરાષ્ટ્રની ધીંગી ધરતીના કણેકણને ઓળખતા અને આ પ્રજાનાં દુ:ખપીડાને પૂરેપૂરાં જાણતા એક સંતહૃદયના આ સંન્યાસીએ રામકૃષ્ણ-વિવેકાનંદે આપેલા સંદેશ ‘દરિદ્રદેવો ભવ, રોગીદેવો ભવ, અજ્ઞદેવો ભવ’ને નજરસમક્ષ રાખીને આરોગ્યસેવા પૂરી પાડી છે અને કેટલાંયની આંખોને નવી રોશની પણ આપી છે. 

પરંતુ ગુજરાતના ૨૦૦૧ની સાલના ભયંકર ધરતીકંપમાં તારાજ થયેલ આ વિસ્તારની પ્રાથમિક શાળાઓને ફરીથી સુવ્યવસ્થિત રીતે ઊભી કરી દેવાનું બીડું આ સંસ્થાએ ઝડપ્યું. બે વર્ષમાં બધી સુવિધાઓ સાથેની ૨૪ પ્રાથમિક શાળાઓનું બાંધકામ કરી આપીને ‘અજ્ઞનારાયણ, વિદ્યાર્થીનારાયણ’ની એક અદ્‌ભુત સેવા કરી છે. આ સંસ્થાને આ બાંધકામ કરીને બેસી રહેવાનું ન ગમ્યું. એટલે એ શાળાઓના વાતાવરણને સદૈવ જીવંત રાખવા એમની સાથે કાયમનો સ્નેહસંબંધ ઊભો કર્યો. વિદ્યાર્થીઓની વિવિધ સ્પર્ધાઓ યોજવી, એમની અભ્યાસ સુવિધાઓમાં વધારો કરવો, શિક્ષકોને સારું શિક્ષણ આપવા માટે સદૈવ પ્રોત્સાહિત કરતા રહેવું અને વૃક્ષારોપણ જેવા સામાજિક સેવાકાર્યોમાં સહભાગી કરાવવા, આ બધાં એના અવિસ્મરણીય પાસાં છે.

ઝાલાવાડની રૂખીસૂકી અને ભૂખી ધરતીના લોકો હંમેશાં પાણીતરસ્યાં રહ્યાં છે. અહીં પીવાના પાણી માટે લોકો કેવાં વલખાં મારે છે, એની વેદના આ સંસ્થાના સંન્યાસીઓનાં હૃદય સુધી પહોંચી ગઈ. એમણે મનમાં એક પાકો નિર્ણય કરી લીધો કે આ ધરતીની પાણીની ભૂખને તો ગમે તેમ કરીને ભાંગવી જ છે. લોકસેવા માટે જેમણે આ ભગવાં ધારણ કર્યાં છે એવા આ સંસ્થાના સંન્યાસીઓએ પોતાના સાથીમિત્રો, શુભેચ્છકોને, ભાવિકો અને ઉદાર દિલે સહાય આપનારા સદ્‌ગૃહસ્થોને સાથે રાખીને ‘શ્રીરામકૃષ્ણ જલધારા પરિયોજના’નો પ્રકલ્પ હાથ ધર્યો છે. ખારા સમુંદરની મીઠી વીરડી સમી આ સંસ્થાએ સર્વ કલ્યાણની આ પ્રવૃત્તિ હાથમાં લઈને એક ભગીરથકાર્ય ઉપાડ્યું છે. 

ગયા વર્ષોમાં – ૨૦૦૨માં ઉમેદપુર, અંકેવાળિયા, ૨૦૦૩માં દોલતપર, હડાળા, કારોલ, નાની કઠેચી, ઊંટડી, ભોંયકા, રામરાજપર, નાના ટીંબલા અને જાંબડીમાં તળાવોને ઊંડા કરવાનું અને એ તળાવોમાં વરસાદના પાણીને સંગ્રહી રાખવાનું સ્વપ્ન આ સંસ્થાએ સાકાર કર્યું. એનું સુભગ પરિણામ એ આવ્યું કે આજે પણ એ ગામના તળાવમાં પાણી હિલોળા લે છે અને આજુબાજુના કૂવા તથા જમીનના પાણીનાં તળ ઊંચાં આવ્યાં છે. પીવાના પાણીનો પ્રશ્ન તો ઉકેલાઈ ગયો છે.

કોઈપણ જાતની સરકારી સહાય વિના થઈ રહેલા આ સુકાર્યમાંથી પ્રેરણા મેળવીને સૌને સુખી જોઈને સુખી થતી આ સંસ્થાએ આ યોજનાને વધારે મોટા પ્રમાણમાં વિસ્તારવાનું નક્કી કર્યું છે. આ પ્રકલ્પમાં સંસ્થાએ અત્યાર સુધી રૂપિયા ૨૦ લાખથી વધુ ખર્ચ કરેલ છે. ૨૦૦૪ના વર્ષમાં છલાળા, બલાળા, ચોકી, ખાંડિયા, કંથારિયા, સોનઠા, જસમતપુર, અચારડા, ભડિયાદ (વઢવાણ), જેવાં ગામોમાં જેસીબી મશીન દ્વારા તળાવોને ઊંડા કરવાનું કાર્ય પૂરું થયું છે.

‘સાથી હાથ બઢાના’ના નારા સાથે ગામડે ગામડે જઈને આ સંસ્થાના સંવાહકોએ લોકોને ગળે એ વાત ઉતારી કે પાણીની સુવિધા જોઈતી હોય તો આપણે પણ લોકપુરુષાર્થ કે લોકફાળો આપવો પડશે. ગામડે ગામડે સાથ સહકાર અને કુટુંબભાવનાની લાગણી સાથે સૌ કોઈ આ કામમાં લાગી ગયાં. આ સેવાયજ્ઞ લોકોને અનેરો આનંદ અને સંતોષ આપે છે. તળાવની માટીને ખેતરવાડીમાં નાખવાથી કેવો અને કેટલો ફાયદો થાય એ વાત પણ ખેડૂતોને સમજાણી. લીંબડી શહેરમાં પણ સાત જેટલા બોર-ડંકી દ્વારા લોકોને પાણીની રાહત આ ‘જલધારા યોજના’ દ્વારા પહોંચાડી છે.

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.