પહેલાં જે સ્વરગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં આપણે જોયું છે કે સામાન્યત: એ ત્રણ ગ્રામોમાં જ તેનો વ્યવહાર થાય છે. એમાંથી ઉદારા નામના ગ્રામના મધ્યમથી આરંભ કરીને તારા ગ્રામના પંચમ સુધીના સૂર સામાન્યત: ઉપયોગમાં આવે છે. પુરુષના કંઠેથી મુદારા ગ્રામના બધા સૂર, ઉદારાના અને તારાના કેટલાક સહજ રીતે ઉચ્ચરિત થાય છે. સ્ત્રીઓના કંઠેથી મુદારા ગ્રામના બધા સૂર, તારાના પણ બધા તેમજ ઉદારાના કેટલાક સૂર ઉચ્ચરિત થાય છે.

પૂર્વોક્ત – સા, રે, ગ, મ, આદિ સપ્તસૂર; કોમળ તેમજ તીવ્રસૂર કે ગમક; મૂર્છના; ગિટકિરિ અને ભૂષિકા ગ્રામના ત્રણ વિભાગ અનુસાર યોજાઈને સંગીત નિષ્પન્ન થાય છે. 

ધારો કે ત્રણ સૂર છે : સા, રે, ગ. એક એક સેકંડના અંતરે તમે એમાંથી એક એકનું ઉચ્ચારણ કરો છો, અર્થાત્‌ સમાન રૂપે સા, રે, ગ, ત્રણ સેકંડમાં ઉચ્ચારિત થાય છે. આપણને જોવા મળશે કે એનાથી એક એક સંગીતપદ તૈયાર થયું, હવે જો એ ત્રણેય સૂરોની સાથે ત્રણ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે તો એક ગીતાંશ બની જશે. વળી એ ગીતાંશને સા, રે, ગ એ ક્રમના સ્થાને રે, સા, ગના ક્રમે ઉચ્ચારણ કરવામાં આવે અને વળી ગ, સા, રેના ક્રમથી પણ ઉચ્ચારણ થાય. આ રીતે રે, ગ, સા; ગ, રે, સા; અને સા, ગ, રે;ના ક્રમથી પણ ઉચ્ચારણ કરવામાં આવે તો આ બધાથી સ્પષ્ટપણે જોવા મળે છે કે પ્રત્યેક વખતે એક એક નવીન નવીન ગીતાંશ નિષ્પન્ન થાય છે. અત્યાર સુધી તો આપણે કેવળ સૂરોમાં જ પરિવર્તન કરતા રહ્યા, સમયમાં પરિવર્તન કર્યું નથી. અર્થાત્‌ આ ત્રણ સૂરોને આપણે કેવળ આગળ પાછળ કરીને જ ઉચ્ચારણ કરતા હતા, સમયમાં એ જ એક એક સેકંડનું અંતર હતું. અર્થાત્‌ પ્રત્યેક વખતે ત્રણેય સૂર એક એક સેકંડને અંતરે ઉચ્ચરિત થતા રહે છે. પરંતુ જો આપણે સમયમાં પણ એવી જ રીતે પરિવર્તન કરીએ : જેમ કે સા થી રે નું બે સેકંડમાં ઉચ્ચારણ કરીને રે થી ગનું એક સેકંડમાં સમાધાન કરીએ અને પેલાની જેમ જ આમ સમયનું પરિવર્તન કરીએ તો પછી આપણે કેટલાય પ્રકારના ભિન્ન ભિન્ન ગીતખંડ ઉત્પન્ન કરી શકીશું. ગીત વિશે જેટલું આવશ્યક હતું તેટલું જ અહીં કહ્યું છે, એનો વિસ્તાર આગળ કરવામાં આવશે. હવે તાલને વિશે જેટલું જાણવું આવશ્યક છે તેની વાત આપણે કરીશું. એ ચર્ચાનો પણ વિસ્તાર કરવામાં આવશે.

તાલ

તાલ ન હોય તો સંગીત સંભવ જ નથી. કંપનથી જ સૂરની ઉત્પત્તિ થાય છે. પરંતુ એ કંપન કોઈ એક સમયની સીમામાં જ થવું જોઈએ, એ સમયથી જ તાલની નિષ્પત્તિ થઈ છે. તાલના પરિમાપકને માત્રા કહે છે. એ માત્રાની અવહિતિ (દીર્ઘકાલીનતા)ના વિશે કોઈ નિયમ નથી. એ અડધા સેકંડની પણ હોઈ શકે છે અને અડધા કલાકની પણ. પરંતુ એક વાર નિશ્ચિત થઈ જાય પછી પૂરું ગાયન એ માત્રામાંથી ચલિત થઈ શકતું નથી. જે રીતે પહેલા ગીતના વિશે કહેવામાં આવ્યું છે કે આપણે ગમે તે શબ્દને મૂળ શબ્દ બનાવી શકીએ છીએ પરંતુ એકવાર એના ધ્વનિ કે સૂર નિશ્ચિત થઈ જાય પછી આપણે એમાંથી ચલિત થઈ શકતા નથી એટલે કે દૂર જઈ શકતા નથી. આ માત્રાઓની સમષ્ટિનું નામ તાલ છે. એક અથવા કેટલાક સૂર, અર્ધ, એક ઈત્યાદિ સંખ્યક માત્રામાં ઉચ્ચરિત બનીને સંગીતની સૃષ્ટિ રચે છે. સામાન્યત: અતિઅલ્પ સમયને માત્રા કહેવામાં આવે છે. વારંવાર એ અલ્પસમયનું નિરૂપણ કરવું મુશ્કેલ હોવાથી તાલની સૃષ્ટિ થઈ છે. માનો કે એક ગીતમાં સો માત્રાનો ઉપયોગ થયો. હવે પ્રત્યેક વખતે એ માત્રાને યાદ રાખવી ઘણી કઠિન છે એટલે એક-બે અઢી ત્રણ વગેરે સંખ્યાવાળી માત્રાઓથી જોડીને એક એક તાલની રચના થઈ છે. એના દ્વારા સંખ્યામાં હ્રાસ થવાથી એને યાદ રાખવામાં ઠીક ઠીક સુવિધા રહે છે. એ ઉપરાંત પ્રત્યેક વખતે સમ નામની માત્રા પર ગાયનનો વિરામ થવાનો જે નિયમ છે એને કારણે માત્રા કરતાં તાલની ગણના વધારે ઉપયોગી નીવડે છે. સમ કેને કહે છે અને આ ગાયનનો વિરામ શું છે એનું હવે પછીથી વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. આ રીતે આપણે જોયું કે કોઈ એક સમય દરમિયાન કેટલાંક કંપનોથી ગીતધ્વનિ નીકળે છે. કેટલાય ગીતધ્વનિઓ કેટલીય સમયજ્ઞાપક માત્રાઓમાં ઉચ્ચરિત થયા પછી સંગીતાંશ બને છે. એ સમય અને સ્વરના ક્રમને ક્રમશ: બદલીને પ્રાય: અસંખ્ય ગીતખંડોને નિષ્પન્ન કરી શકાય છે.

(ક્રમશ:)

Total Views: 92
By Published On: August 1, 2004Categories: Sankalan0 Comments on ગીત : સંકલનTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.