(ગતાંકથી આગળ)

ત્રિયુગી નારાયણ

અમે ફાટાચટ્ટીથી નીકળીને ત્રિયુગી નારાયણ પહોંચ્યા. કેદારનાથના રસ્તે આવેલા પવિત્ર મંદિરોમાંનું આ એક મંદિર છે. ગુપ્ત કાશીથી અહીં સુધીની યાત્રા બે દિવસનો પ્રવાસ છે, ગુપ્ત કાશીથી વધુ ઉપર આવેલા પહાડો પર ચઢતાં ચઢતાં અમે જ્યારે નીચે નજર નાખી તો સમગ્ર ભૂમિનું દૃશ્ય ઘેરા લીલા રંગનાં પાંદડાનાં શમિયાણાથી જાણે ભૂમિ ઢંકાઈ ગઈ હોય તેવું લાગ્યું. અહીંતહીં ઝરણાઓની વહેતી ધારાઓ નજરે પડતી હતી અને સર્વત્ર સેંકડો પક્ષીઓનો ચહચહાટ અમારા કાને પડ્યો. ત્રિયુગી નારાયણનું મંદિર ઊંચાઈ ઉપર ખુલ્લી જગ્યાએ આવેલું છે. આ વિસ્તારનો સારો એવો ભાગ સમતળ ભૂભાગ પર આવેલો છે. હિમાચ્છાદિત હિમાલયની શ્રૃંખલાથી આ વિસ્તાર ચારે બાજુએથી ઘેરાયેલો રહે છે. હિમાલયની એ શૃંખલાઓનો ઉપરી અર્ધોભાગ હિમધવલ છે અને નીચેનો અર્ધો ભાગ ઘેરા લીલા રંગનાં દેવદારનાં વૃક્ષોથી ઢંકાયેલો છે. હિમાલયનું સમગ્ર સ્વરૂપ જ આવું છે. એનો ઉપરના ભાગે ઊંચાઈ પર ચમકતી હિમની સફેદી અને નીચેનું ક્ષેત્ર લીલા, ઘેરા લીલા રંગથી આચ્છાદિત હોય છે. એને લીધે જાણે કે એ સ્પષ્ટ બે ભાગમાં વહેંચાઈ જાય છે. હિમાલયના આ દ્વિરંગી સ્વરૂપ પર નજર પડતાં જ મારું મન હર અને હરિના ભવ્ય સ્વરૂપના દિવાસ્વપ્નમાં ડૂબી ગયું અને એમનું વિશાળ સ્વરૂપ મારી સન્મુખ વિસ્તરી ગયું છે. પ્રાર્થના સભર ધ્યાનમાં મેં જોયું કે જાણે બધાં દેવીદેવતાઓ વિશ્વના સૌથી વધુ શક્તિશાળી પર્વતમાં લીન ન બની ગયાં હોય. એટલે જ મહાકવિ કાલીદાસે હિમાલયની પ્રશંસા કરતાં લખ્યું છે :

अस्तुत्तरस्यां दिशी देवतात्मा हिमालयो नाम नगाधिराज: ।
पूर्वापरो तोयनिधीऽवगाध्य स्थित: पृथिव्याइव मानदण्ड: ॥

‘ઉત્તર દિશામાં દેવતા સ્વરૂપ હિમાલય નામના પર્વતરાજ પૂર્વ અને પશ્ચિમના સાગરોમાં પ્રવેશીને પૃથ્વીના માનદંડના રૂપે રહેલા છે.’ હિમાલયના પ્રભુત્વ અને વિશાળતાનું વર્ણન આનાથી સારા શબ્દોમાં કોઈ બીજાએ કર્યું નથી.

ચિરસ્થાયી બલિવેદી

ત્રિયુગી નારાયણનું મંદિર પોલિશ કરેલા કાળા પથ્થરથી બાંધવામાં આવ્યું છે. મંદિરની બહાર હોમકુંડમાં અગ્નિ સદૈવ પ્રજ્જ્વલિત રહે છે. એમ કહેવામાં આવે છે કે આ હવનકુંડમાંનો અગ્નિ ગયા ત્રણ યુગથી જલી રહ્યો છે. અગ્નિને પ્રજ્જ્વલિત રાખવા માટે એમાં નિરંતર લાકડાં નાખવામાં આવે છે. મને એ જોઈને આશ્ચર્ય થયું કે આ અગ્નિ એટલા લાંબા સમયથી પ્રજ્જ્વલિત રખાયો છે અને એ અગ્નિ થાક્યા-માંદા યાત્રીઓ અને ભક્તોને ગરમી મેળવવા માટે મદદ પણ કરે છે. આ શહેર પણ અહીંના મુખ્ય મંદિર ત્રિયુગી નારાયણને નામે ઓળખાય છે. આ એક ગીચ વસતીવાળું શહેર છે. અહીંના મોટા ભાગના નિવાસીઓ મંદિરના પૂજારી કે પંડા છે. તેઓ મુખ્યત્વે યાત્રીઓ દ્વારા મળતી ભેટ અને દાન પર જીવનનિર્વાહ કરે છે. યાત્રીઓના આવવાનો સમય લગભગ છ મહિના રહે છે. તેજ હવા, અત્યંત ભારે હિમપાત અને વાદળોથી છવાયેલા અત્યંત ઠંડા પ્રદેશમાં અહીંના પંડાઓ પાસે આવકનું બીજું કોઈ સાધન નથી. લાંબા સમયના શિયાળાની ઋતુમાં અહીં આવવું એ લગભગ અશક્યવત્‌ છે. મેં પહેલાં તો ઠંડા અને સ્વચ્છ પાણીના તળાવમાં કેટલીક ડૂબકી મારી અને પછી અગ્નિથી ધગધગતા હવનકુંડ પાસે આવ્યો. આ વર્ષો જૂના પવિત્ર અગ્નિની કેટલીક ભસ્મ મેં મારા શરીર પણ લગાડી. મારી ભીતર અચાનક એક આનંદની લહેર દોડી ગઈ, એવો મને અનુભવ થયો. વાસ્તવમાં આવો ધગધગતો અગ્નિ સમતલ પ્રદેશોમાંથી આવતા અને આ ઠંડીથી ઠીંગરાઈ જતા યાત્રીઓ માટે એક વરદાન જ બની રહે છે. યાત્રીઓ આ હવનકુંડની ચારે તરફ બેસી જાય છે. હું સ્વગત બોલ્યો: ‘જુઓ, પોતાના ભક્તોને પ્રેમ કરનાર ભગવાને કેવી રીતે આ અગ્નિને આ સર્વ કાળ દરમિયાન વિશેષ રૂપે પ્રજ્જ્વલિત રાખ્યો છે. પોતાના ભક્તોનાં સુખારામની કેટલી સારસંભાળ રાખે છે!’

જાગૃત કરનારો હિમાલય

મને યાદ છે ત્યાં સુધી હું ત્રિયુગી નારાયણમાં કેવળ બે રાત રહ્યો હતો. ત્રીજે દિવસે હું ગૌરીકુંડ તરફ જવા આગળ વધ્યો. કેદારનાથ ગૌરીકુંડથી ૧૨ માઈલ (૨૦ કિ.મી.) છે. કેદારનાથ એકદમ સીધા ચઢાણ પર આવેલું છે અને રસ્તામાં ક્યાંય ચટ્ટી નથી. મેં વિચાર્યું કે આટલી ઊંચી ચડાઈ પર ચઢવું એ મારા માટે મુશ્કેલ બની રહેશે. આ વાત સાચી છે કે મસૂરી છોડ્યા પછી હું કેટલીયે પર્વતશૃંખલાઓ પાર કરી ચૂક્યો હતો. પરંતુ આટલો થાક મેં ક્યારેય અનુભવ્યો ન હતો. સદૈવ સુંદર દૃશ્ય મારી સમક્ષ આવતાં રહેતાં. એને લીધે યાત્રાની કઠોરતા કે મુશ્કેલીઓ મને જણાતી નહિ. ઉત્તરાખંડની મારી યાત્રા શરૂ કરતાં પહેલાં અયોધ્યામાં એક જાણકારી રાખનારા સાધુએ મને કહ્યું હતું કે જો કે બદ્રીકાશ્રમ ઘણું પાવન તીર્થસ્થળ છે, છતાં પણ પહાડોમાંથી પસાર થતી યાત્રાનો થાક શિથિલ યાત્રિક પર નિરાશાજનક પ્રભાવ પાડે છે. આ પાવનસ્થળ વિશે મનુષ્યની બધી કામનાઓ, સદ્‌ભાવનાઓ અને વિશ્વાસને તિરોહિત કરવા આ દુર્ગમ માર્ગની દર્દનાક યાત્રા જ પર્યાપ્ત બની રહે છે. મારી તિબેટની ત્રણ યાત્રાઓ દરમિયાન ક્યારેય મેં આટલી મુશ્કેલીઓનો અનુભવ કર્યો ન હતો. હિમાલય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં જ મને અત્યંત સ્ફૂર્તિદાયી અનુભવ થયો હતો. જેમ જેમ હું હિમાલય ક્ષેત્રમાં આગળ વધતો ગયો તેમ તેમ આ દિવ્ય ક્ષેત્રના કેન્દ્રબિંદુમાં રહેલ દિવ્ય સ્વરૂપ વિશે હું ગંભીરતાથી વિચારતો થયો. એને લીધે મને અવર્ણનીય પ્રસન્નતાનો અનુભવ થયો. આ પાવન પર્વતીય ક્ષેત્રમાં હજુ વધુ સુંદર અનેક દૃશ્યોને જોવાની મારી ઇચ્છા વધતી જતી હતી. ક્યારેક તૃપ્ત ન થનારી મારી જિજ્ઞાસા મને આ ઉદાત્ત પર્વતશિખરોની પેલી બાજુએ જવા માટે પ્રેરિત કરતી હતી. મારી સન્મુખ નવાં નવાં ક્ષિતિજો ઉઘડતાં જતાં હતાં અને જેમ જેમ હું આગળ વધતો જતો હતો તેમ તેમ નવી પર્વતમાળાઓ મારી સામે આવી જતી. હું આ પવિત્ર પર્વતમાળાઓની વિશાળતા અને બૃહદતાથી એટલો બધો પ્રેરિત થયો હતો કે મેં ક્યારેય નિરાશા કે થાક અનુભવ્યાં ન હતાં. મારું પ્રત્યેક ડગલું મારી ભીતર વિશ્વાસ, સાહસ, શ્રદ્ધા અને ઉત્સાહ ભરી દેતું.

પાવન સંગમ પર

પાવન હિમાલયનાં આ સુંદર દૃશ્યોનો આનંદ માણતાં માણતાં આ રીતે હું ત્રિયુગી નારાયણથી ગૌરીકુંડના માર્ગે જઈ રહ્યો હતો. રસ્તામાં મેં મંદાકિની અને કાલીગંગા નદીઓનો મનોહર સંગમ જોયો. કાલીગંગાનું પાણી આકર્ષક, નીલારંગનું હતું. એ નદીને આપેલું વિશેષણ ‘કાલીટ’ કેવું પૂર્ણ હતું. મેં એ સંગમમાં એક ડૂબકી મારી. ત્યાર પછી મને પૂર્ણ શાંતિનો આભાસ થયો. થોડા વિરામ પછી મારામાં તાકાત આવી ગઈ.

એવું લાગતું હતું કે જાણે હિમાલયની બે પુત્રીઓ મંદાકિની અને કાલીગંગા પોતાના પિતાના સામ્રામાં ફરી રહી છે. કદાચ એ પોતાના પિતાના રત્નજડિત મહેલને છોડીને અનેક વનપ્રદેશોમાંથી વહેતી વહેતી અહીં મળે છે અને ભગિની-પાશમાં બંધાઈ જાય છે. કદાચ એમની મોટી બહેન કાલીન્દી એટલે યમુનાએ એ બંને જોડિયા બહેનોનો પ્રિયસાથ અને સ્નેહમય માતાપિતાનું ઘર ત્યજી દીધાં હતાં અને કોઈ દિવ્ય ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા દૂર દૂરના પ્રદેશની યાત્રા કરતી હતી.

(ક્રમશ:)

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.