(ગતાંકથી આગળ)

ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિ

લોકશાહીના નાગરિકની મનોવૃત્તિથી વેઠિયાની મનોવૃત્તિ ભિન્ન હોય છે. આપણે ૧૯૫૦માં સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના સ્વતંત્ર નાગરિક રૂપે આપણને ઘોષિત કર્યા ત્યારે જ બાહ્ય રીતે બધું અશુભ અને અમંગલકારી રાજનૈતિક વાતાવરણ દૂર થઈ ગયું. અસહાય પ્રેક્ષક બનેલા મોટા ભાગના દેશજનો અને જે ગણ્યાગાંઠ્યા ચતુર વ્યક્તિઓ રાજાઓના નિમંત્રણથી માત્ર નોકરીની શોધમાં હતા એ બંને સ્વતંત્ર રાજનૈતિક વાતાવરણના પ્રભાવ હેઠળ આવી ગયા. આ સમગ્ર દેશજનો માટે અમૂલ્ય વરદાન પૂરવાર થયું. ૩૦ વર્ષનાં વહાણાં વહી ગયાં પછી પણ (અત્યારે ૫૭ વર્ષ) સ્વતંત્રતા અને તેનું વરદાન જો વાસ્તવિક રૂપ ધારણ ન કરી શક્યાં હોય; સાથે ને સાથે અત્યારે ચારે તરફ અલગતાવાદ, હિંસા, હતાશા-નિરાશા અને દુ:ખપીડાનું તાંડવ મચી રહ્યું હોય તો આપણે એટલો જ નિષ્કર્ષ કાઢવાનો રહેશે કે નિરાશાજનક ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિમાંથી આજે પણ આપણે મુક્ત થયા નથી. તેની સાથે નવા ક્રાંતિકારી વાતાવરણને અનુકૂળ નાગરિકતા વિશેની જાગરૂકતાનો પ્રકાશ આપણાથી હજુ ઘણો દૂર છે.

સ્વાતંત્ર્ય પછીના આપણા જીવનમાં ભાડાના ટટ્ટુઓ-વેઠિયાઓવાળી આ મનોવૃત્તિ સેંકડો રૂપે અને સેંકડો પરિસ્થિતિઓમાં આપણી આડે આવી રહી છે. આપણે બધા આ રાષ્ટ્રના છીએ અને રાષ્ટ્ર પ્રત્યેનું આપણું કર્તવ્ય છે – આ ભાવ હજી આપણને સ્પર્શી પણ શક્યો નથી. આપણા દેશના મોટા ભાગના દેશવાસીઓ દેશમાં રહેવું એટલે શું અને દેશનું અસ્તિત્વ કે દેશ માટે જીવવું એટલે શું? એનાં ભેદઅંતર જાણતા નથી. એક વ્યક્તિ નોકરી ધંધાની શોધમાં છે, નોકરી ધંધો મેળવીને એમાં જ સંતોષ માને છે, એનાથી વધારે કંઈ નહિ. બીજી વ્યક્તિ નાગરિકને નાતે નોકરીની શોધમાં રહે છે અને સામાજિક જવાબદારીના ભાનજ્ઞાનથી એક નાગરિક તરીકે પોતાની જાતને નોકરી કરનારો માને છે.

એક એવું ક્ષેત્ર પણ છે કે જ્યાં આપણે પોતાને આ વેઠિયાથી પણ ઊતરતી કક્ષાના પૂરવાર કરી ચૂક્યા છીએ. વેઠિયો પ્રામાણિકતાથી દિવસભર કામ કરે છે અને મજૂરી કે મહેનતાણું મેળવવાનો હકદાર બને છે. પરંતુ આજે આ દેશમાં, આ દેશના પ્રશાસનતંત્રમાં, ઉદ્યોગોમાં, વ્યાપારી સંસ્થાનોમાં અને બીજાં અન્ય ક્ષેત્રોમાં પણ એવા કેટલાય લોકો છે કે જે લોકો ઈમાનદારીથી દિવસભર પોતાનું કામ પણ નથી કરતા અને આ ગરીબ દેશ પાસેથી એની મજૂરી, મહેનતાણું કે વેતન લેવાનું પણ ચૂકતા નથી. એવા લોકોનો વિચાર કે ખ્યાલ એવો છે કે આ દેશનું એ કામ કે ફરજ છે કે એમને મહેનતાણું કે વેતન બરાબર આપ્યા કરે. એટલું જ નહિ, તેઓ સામુહિક રૂપે એવા પગાર કે મહેનતાણા માટે લડતા પણ રહે છે. સાથે ને સાથે અનિચ્છાપૂર્વક કરેલા પોતાના થોડા કામના બદલામાં વધારે પગાર કે વેતન પણ વસૂલ કરી લે છે. આ એક ક્ષેત્રમાં સ્વતંત્ર ભારતે પોતાની મૌલિકતા અને સર્જનશીલતાનો પરિચય આપ્યો છે! સભ્ય જગતમાં કોઈ પણ રાષ્ટ્રમાં આવો વ્યવહાર કે આવું આચરણ જોવા નહિ મળે! પરંતુ આ રીતભાત દેશને માટે ઘણી મોંઘી પડે છે.

આપણી આજની રાજનીતિ : અમેરિકન ફૂટબોલ વિરુદ્ધ મોહનબગાન ફૂટબોલ

ચોતરફ નઠોરતા છે. માગની યાદી વધતી જાય છે દરેક સમજૂતી પછી પણ આ માગ નિરંતર વધતી જ રહી છે, ઘટવાનો કોઈ સંકેત નથી. ઉત્પાદનમાં પણ ક્યાંય સંતોષજનક પ્રગતિ જોવા મળતી નથી. આ બધી બાબતોમાં દેશની રાજનીતિનું નિરાશાજનક, શુષ્ક, સોગિયું વલણ રહ્યું છે. આ જ આપણું સૌથી મોટું દુર્ભાગ્ય છે. અમાનવીય દુર્ઘટનાઓ લગાતાર થઈ રહી છે. હરિજનો અને બીજા દુર્બળ વર્ગના લોકોની નિર્મમ હત્યાઓ થઈ રહી છે. આ ઘટનાઓ કે હત્યાઓનો પડઘો રાજનૈતિક દળોના બહેરા કાને જરાય પડતો નથી. તેઓ પોતાના પક્ષીય મતભેદોને ભૂલીને રાષ્ટ્રિય સ્તરની કોઈ સહમતી પર આવતા નથી. આવા દુર્ભાગ્યપૂર્ણ સાંપ્રદાયિક કે સામાજિક – રાજનૈતિક ઘટનાપ્રસંગોને ચગાવીને પક્ષ કે દળ પોતાના સ્વાર્થને સિદ્ધ કરે છે. એ સિવાય માનવીય તથા લોકશાહી રાષ્ટ્રનાં વિધાનોથી એમની આ મનોવૃત્તિને દૂર કરવાનો પ્રયત્ન પણ નથી કરતા. વેઠિયાની આ મનોવૃત્તિ દૂર કરવાની અને સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના સ્વાભિમાની નાગરિકની જેમ આચરણ કરવાનું શિક્ષણ-પ્રશિક્ષણ જનતાને આપવાને બદલે આ બધાં ક્ષેત્રોમાં રાજકારણ ઘૂસી જાય છે અને ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિનું સમર્થન કરવામાં આવે છે એટલું જ નહિ, એને બહેકાવવામાં આવે છે. રાજનૈતિક પક્ષોની આ હરકતોને લીધે પક્ષને અલ્પકાલીન લાભ તો મળી રહે છે પરંતુ રાષ્ટ્રની તો અલ્પકાલીન તેમજ દીર્ઘકાલીન હાનિ જ થાય છે.

લોકશાહીમાં પ્રજાની માગની રજૂઆત થાય છે. પરંતુ સ્વાભિમાની નાગરિકો દ્વારા રજૂ થતી માગ અને ભાડાના ટટ્ટુ જેવા વેઠિયા નાગરિકો દ્વારા રજૂ થતી માગની વચ્ચે ઘણું અંતર હોય છે. બધા દેશવાસીઓમાં નાગરિકતા વિશેની જાગરૂકતાનો વિકાસ થવા છતાં પણ સામાજિક સંઘર્ષ દૂર નહિ થાય, અને રાષ્ટ્રિય સમસ્યાનો ઉકેલ પણ નહિ આવે. પરંતુ એના વિકાસને લીધે પોતાની માગોની રજૂઆત કરવામાં અને તેનો નિકાલ કરવાની રીતભાતમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવી જશે. અત્યારે પક્ષીય સ્વાર્થ કે જૂથબંધીને લીધે રાજકારણના હસ્તક્ષેપથી આ બધી અને અન્ય સમસ્યાઓ જટિલમાંથી વધુ જટિલ બની રહી છે. રાજનૈતિક વ્યવસ્થામાં ભલે ન હોય પરંતુ રાજનૈતિક આચરણમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ઊણપ કે ખામી છે. આ મહત્ત્વપૂર્ણ સમસ્યા પર રાજનૈતિક પક્ષો પ્રબુદ્ધ નાગરિકોએ સાથે મળીને વિચારવું જોઈએ. કારણ કે સારી હોય કે ખરાબ, સ્વચ્છ હોય કે મેલી રાજનીતિ જીવનનાં બધાં ક્ષેત્રોને સારાં કે નઠારાં કાર્ય માટે પ્રભાવિત કરતી રહેશે. આજે પણ રાજકારણના ક્ષેત્રમાં કેટલીક દેશપ્રેમી અને સુખ્યાત વ્યક્તિઓ છે. કોઈપણ સમાજ એવા સુજ્ઞજનોનો આદર કરે છે. બધા રાજનીતિજ્ઞો જુદા જુદા પક્ષોમાં વિખરાયેલા છે, આ પક્ષોની કાર્યનીતિમાં પણ આમૂલ પરિવર્તન અત્યંત આવશ્યક છે. એમણે ન્યૂનતમ રાષ્ટ્રિય અને માનવીય કલ્યાણની બાબતો પર સાથે મળીને વિચાર કરવા અને એ બધી બાબતોનો સાચો ઉકેલ શોધવા માટે સહમત થવું પડશે. પક્ષીય સ્વાર્થ માટે આ બધાનો દુરુપયોગ કરવાનું છોડવું પડશે.

અમેરિકાના દૂરદર્શનમાં અમેરિકી ફૂટબોલની રમતમાંની ખેલદીલીપૂર્વકના વાતાવરણને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. અહીં બંને બાજુના ખેલાડીઓ આક્રમક બનીને દડા પર તૂટી પડે છે, અન્ય ટુકડીના ખેલાડીઓ સાથે ક્યારેક ટકરાય છે, પડી પણ જાય છે, લંગડાય છે, પણ દડા પરનું આક્રમણ તો સતત ચાલુ રહે છે. ભારતમાં રાજનૈતિક પક્ષો એકલા કે ક્યારેક સાથે મળીને રાષ્ટ્રની સમસ્યાઓ સામે સંઘર્ષ કરવાને બદલે અંદરોઅંદર લડતા-ઝઘડતા રહે છે. અહીં આવું જ દૃશ્ય જોવા મળે છે. આપણા રાજનૈતિક પક્ષોને માટે મોહન બાગાનની ફૂટબોલની રમત એક ઉત્તમ આદર્શ બની શકે તેમ છે. એને લીધે આપણી રાજનીતિમાં શાલીનતા આવી શકે છે. રાષ્ટ્રિય જીવનનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રો પર પણ એનો અનુકૂળ પ્રભાવ પડે છે. ગીતાના ૧૪મા અધ્યાયમાં પ્રતિપાદિત માનવ ઊર્જા સંસાધનના દર્શનના આલોકમાં અને એની પદાવલિઓમાં આપણી રાજનીતિ તામસિક શક્તિથી નિયંત્રિત રાજસિક શક્તિનું પ્રતીક છે. એને લીધે રાજનીતિમાં શાલીનતાનો અભાવ રહે છે. એમાં પરિવર્તન જરૂરી છે. સાત્ત્વિક શક્તિના નિયંત્રણ હેઠળ રાજસિક શક્તિ આવવી જોઈએ. એને લીધે નિરાશાજનક રાજનૈતિક જૂથબંધી, ગાળાગાળી અને વધતી જતી હિંસાની રાજનીતિનું સાત્ત્વિક શક્તિની રાજનીતિમાં પરિવર્તન થશે અને માનવની સેવા તેમજ રાષ્ટ્રનો સાચો વિકાસ થશે. જ્યારે રાજનીતિમાં શાલીનતા લાવવામાં આપણે સફળ થઈશું ત્યારે આપણે આપણા પોતાના પ્રજાતંત્રને પણ સ્થિર અને સૃજનશીલ બનાવી શકીશું. એને લીધે રાષ્ટ્રને હિંસા અને હુલ્લડ બાજીની ટોળાશાહી બની જતું અટકાવી શકીશું.

વેદાંતની દૃષ્ટિએ પ્રબુદ્ધ નાગરિકતા

રાષ્ટ્રિય જીવન પર વ્યાપક પ્રભાવ પાડનાર શક્તિ શિક્ષણમાં છે. એનાથી રાષ્ટ્રનું જીવન સ્વસ્થ બનાવી શકાય છે અને રાષ્ટ્રના વ્યાપક કલ્યાણને સુનિશ્ચિત કરી શકાય છે. એટલા માટે શિક્ષણનું ઘણું મહત્ત્વ છે. બીજા ક્ષેત્રોની જેમ શિક્ષણના ક્ષેત્રમાં પણ ભાડાના ટટ્ટુ જેવી વેઠિયા મનોવૃત્તિને લીધે ઘણું નુકશાન થયું છે. બધા રાજનૈતિક પક્ષોએ સૌ પહેલાં તો આ ક્ષેત્ર તરફ ધ્યાન દેવું જરૂરી છે. નાગરિકતાનો મનોભાવ કેળવણી દ્વારા પરિશુદ્ધ બને છે. નાગરિકતામાં સામાજિક જવાબદારીનું ભાન-જ્ઞાન હોય છે. કેળવણીમાં સામાજિક જવાબદારીની સાથે નાગરિકતાની કલ્પના જીવિત રાખવી એ બધાનું પહેલું કર્તવ્ય છે. દુષિત પ્રભાવોથી ઘેરાયેલ આજની કેળવણીને સુધારવા માટે રાજનૈતિક પક્ષો એકસાથે મળીને સંકલ્પ કરે અને એને અમલમાં લાવે તો કેળવણીના ક્ષેત્રમાં આશ્ચર્યજનક પરિવર્તન આવશે. આજે પણ જે થોડાઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દેશપ્રેમ અને સમર્પણભાવથી પ્રેરિત થયેલા છે, તેમના શ્વાસોચ્છ્‌વાસને રુંધતા વાતાવરણમાં તેઓ અસહાય છે. એમના પર આ ક્રાંતિકારી અને સ્વસ્થ પરિવર્તનનો હિતકારી પ્રભાવ પડશે. એનાથી એમનું મનોબળ વધશે. એમની સંખ્યા ધીમે ધીમે વધતી જશે. પ્રાથમિક શાળાથી વિશ્વવિદ્યાલય સુધીના બધા નહિ તો થોડી સંખ્યામાં શિક્ષકો ભાડાના ટટ્ટુ જેવા વેઠિયાની ભાવનાને સ્થાને નાગરિકતા સંબંધી જાગરૂકતાના ક્રાંતિકારી પરિવર્તનનો અનુભવ કરતા થશે. આવો જ મનોભાવ લાખો-કરોડો વિદ્યાર્થીઓમાં ઊભો કરવાની સાથે વિદ્યા પ્રત્યેનો પ્રેમ અને ઉચ્ચ-ચારિત્ર્ય પ્રત્યેનો અનુરાગ વધારવામાં તેઓ સફળ થઈ જાય તો રાષ્ટ્રમાં સ્વસ્થ પ્રજાતંત્ર કે લોકશાહીનો વિકાસ થવામાં કોઈ સંદેહ નહિ રહે. આ કલ્પના રોમાંચકારી છે. આજે આપણા રાષ્ટ્રમાં સ્વતંત્રતા પછીના આ ત્રણ દાયકામાં (આજે છ દાયકામાં) વિદ્યા પ્રત્યેના પ્રેમ અને ઉચ્ચ ચારિત્ર્ય માટેના અનુગ્રહ પર જબરો આઘાત થયો છે. વિદ્યા અને પ્રજાતંત્રના ગુણશીલથી તેજસ્વી બનેલા વિદ્યાર્થીઓ શિક્ષણ સંસ્થાઓમાંથી દર વર્ષે બહાર પડશે, તે બધા રાજનીતિ, પ્રશાસન, કેળવણી, ઉદ્યોગ, ત્રણેય સૈન્ય અને બીજા અન્ય ધંધા રોજગારના ક્ષેત્રોમાં પણ આ ઉદાત્ત ગુણોનાં દર્શન થશે. રાષ્ટ્રમાં ફેલાયેલું નિરાશાજનક દૃશ્ય બદલાઈ જશે. એક ભવ્ય વિશ્વસનીય અને આશાથી ભર્યુંભાદર્યું રાષ્ટ્ર આપણી સામે ઊભું થશે. કેવું અનન્ય હશે આ પરિવર્તન! 

ગઈ સદીના અંતે માનવનિર્માણ તથા રાષ્ટ્રનિર્માણની કેળવણીની કલ્પના કરતી વખતે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘કેળવણી એ એક એવો જાદુ છે કે જેનાથી આધુનિક ભારતની કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય.’

આવી કેળવણીથી પ્રશિક્ષિત, બહુશ્રુત, આજ્ઞાંકિત, સમર્પણની ભાવનાવાળા તરુણોની સેવાઓ આપણને મળશે. આને લીધે આપણી સરકારી તથા બીનસરકારી સંસ્થાઓમાં કાર્યદક્ષતા જોવા મળશે. આવા તરુણોને જ્યારે કોઈ નોકરી મળે તો તેઓ એને બાહ્ય રીતે રાષ્ટ્રની સેવા કરવાનો એક સુઅવસર માનશે અને માનસિક દૃષ્ટિએ ઉચ્ચ થી ઉચ્ચતર ચારિત્ર્ય અને માનવીય શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનું એને એક સાધન ગણશે.

આપણો દેશ આવા ક્રાંતિકારી માનવીય પરિવર્તનની રાહ જુએ છે. આપણા દેશવાસીઓ બુદ્ધિમાન છે, કુશળ છે, સક્ષમ છે અને દરેક રીતે દેશને મહાન બનાવી શકે તેમ છે. એ બધાને રાષ્ટ્ર વ્યાપી માનવવિકાસની પવિત્ર જ્યોતિમાં પરિણત કરવાની આવશ્યકતા છે. એને માટે આધ્યાત્મિક સ્પર્શ જરૂરી છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો: ‘નીચેથી આગ લગાડો જેથી ભારતની જ્યોતિ ઉપર સુધી વિસ્તરે.’ દેશમાં પ્રબુદ્ધ નાગરિકતા વિશેની જાગરૂકતા ઊભી કરીને જ આ આગ લગાડી શકાય તેમ છે. રાષ્ટ્રિય કેળવણી જ હૃદય અને એની રક્તવાહિનીઓ છે. બીજી કોઈ રીતે આ કાર્ય સંભવ બનવાનું નથી. રાજનૈતિક નારાબાજી, પ્રશાસનના દાવપેચ કે આ ૩૦ વર્ષથી (હાલ ૫૭) ચાલી આવતી કેળવણી પદ્ધતિમાં લાવવામાં આવેલ આત્મઘાતી વ્યવસ્થાવિષયક પરિવર્તન વગેરેના કોઈ ચમત્કાર થવાની સંભાવના નથી. એમના જ પર આધારિત રહેવાથી દેશની વ્યથા વધુ ગહન બનશે. એ વ્યથાપીડા વધતી જ રહેશે અને આંતરિક તનાવ તેમજ સંઘર્ષ તીવ્રતર બનશે. બાળપણથી જ વિવિધ માંદગીથી કમજોર બાળકની જેમ આ માંદલું પ્રજાતંત્ર પણ હંમેશાંને માટે માંદું જ રહેશે. જો આપણે આ નવજાત લોકશાહી પ્રજાતંત્રને સ્વસ્થ જોવા ઇચ્છતા હોઈએ, એક હૃષ્ટપુષ્ટ બાળકને તંદુરસ્ત કિશોરના રૂપે જોવો હોય, આ દેશના નિવાસીઓ જ નહિ પણ સમગ્ર માનવતાને એના સનાતન, સદા નૂતન પ્રકાશપૂર્ણ આદર્શો અને અનુભવોનું વરદાન મળે એમ ઇચ્છતા હોઈએ તો રાષ્ટ્રને સતત સતાવતી રહેલી આ બિમારીઓનો ઈલાજ કરીને તેને સદાને માટે રોકવાનો ઉપાય તત્કાલ કરવો જ રહ્યો. અહીં માંદગીઓ ઘણી છે, તો એનો ઈલાજ પણ છે. એ ઈલાજને આપણે જાણવો પડશે. વેદાંતના માનવ વિકાસ અને જીવનની ચરિતાર્થતા વિષયક દર્શન દુનિયાના કોઈ પણ દેશની વૈજ્ઞાનિક કસોટી સામે સાચાં પૂરવાર થાય છે. આ દર્શન દેશના હિતપારખુઓને પણ એવું જ કરવા માટે આમંત્રિત કરે છે, એમનું અભિવાદન પણ કરે છે. ભારતમાં અપાયેલ ‘વેદાંતનો ઉદ્દેશ્ય’ નામના વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદે આ ઈલાજના પરિણામનો અને પ્રબુદ્ધ નાગરિકતાના મૂળ અને ફળનો સંકેત કર્યો છે. તેઓ કહે છે: ‘તમે પોતાને અને પ્રત્યેક વ્યક્તિને પોતાના સાચા મૂળ રૂપની કેળવણી આપો અને ઘોરતમ મોહનિદ્રામાં પડેલ જીવાત્માને એની ઊંઘમાંથી જગાડી દો. જ્યારે તમારો જીવાત્મા પ્રબુદ્ધ બનશે ત્યારે તમે પોતે જ શક્તિનો અનુભવ કરશો, મહિમા અને મહત્તા પામશો. સાધુતા આવશે, પવિત્રતા પણ આપમેળે આવશે; અર્થાત્‌ જે કેટલાક સદ્‌ગુણો છે એ બધા તમારી સમક્ષ આવી પહોંચશે.’ 

ગીતામાં પ્રતિપાદિત વેદાંતની દૃષ્ટિએ પ્રબુદ્ધ નાગરિકતા વિશેનું વિવેચન કરવું ઘણું લાભદાયી નીવડશે. ‘પ્રબુદ્ધ’ શબ્દ અહીં ઘણું અર્થપૂર્ણ વિશેષણ છે. કોઈ પણ દૃષ્ટિકોણ કે કાર્યવ્યાપારનું વિશ્લેષણ કરવા બેસીએ તો આપણે એનું મહત્ત્વ જાણી શકીશું. શરીર કામ કરે છે, કામની પ્રેરણા મનથી થાય છે. એનું વિશ્લેષણ કરવાથી સદાચાર અને નીતિનું શાસ્ત્ર સ્પષ્ટ થાય છે. મશીન માટે આવા વિશ્લેષણનો કોઈ અર્થ નથી. કાર્યમાં નહિ પરંતુ કાર્યની પ્રેરણામાં આપણે પ્રબુદ્ધતા અને અપ્રબુદ્ધતાનો માનદંડ શોધવાનો હોય છે. પ્રાચીન કવિ અને નાટ્યકાર ભાસે કહ્યું છે : 

પ્રાજ્ઞસ્ય મૂર્ખસ્ય ચ કાર્યયોગે ।
સમત્વમભ્યેતિ તનુર્નબુદ્ધિ: ॥

પ્રબુદ્ધ કે અપ્રબુદ્ધ દ્વારા જે કોઈ કાર્ય થાય છે એમાં શરીર સુધીનું જ સામ્ય હોય છે, બુદ્ધિ (તર્ક અને સંકલ્પ)નું કોઈ સામ્ય હોતું નથી.

માંદા બાળકની શુશ્રૂષા મા પણ કરે છે અને આયા પણ કરે છે. બંનેનું કાર્ય સરખું છે. પરંતુ એ કાર્યની પાછળ જે મન રહેલું છે એ વિષયમાં સામ્ય નથી. માની શુશ્રૂષા મમતાવાળી હોય છે, આયાની સાર-સંભાળ એના વેતન પર આધારિત રહે છે. રાષ્ટ્રના જીવનનાં અનેક ક્ષેત્રોમાં કામમાં લાગેલા લોકોનાં મનમાં એક નજર નાખીએ તો આપણને બહુ ઓછા લોકોના મનમાં ‘દેશપ્રેમ’નો ભાવ ઝલકતો દેખાશે અને બાકી બધાંનાં મનમાં ‘વેતન’ જ દેખાશે. આમ હોવા છતાં પણ બાકીના લોકો પણ રાષ્ટ્ર માટે કામ કરનારા તો હશે જ. આવા લોકોને રાષ્ટ્રે જાત-જાતની જવાબદારીઓ અને અધિકાર સોંપ્યાં છે, પરંતુ એને એ અનુભવતા નથી. આ બાજુએથી તેઓ નિસ્પંદ રહે છે, તેઓ નાગરિકતાની જવાબદારી વિશેની જાગરૂકતાના સ્તર સુધી પહોંચતા જ નથી. તેઓ પોતાના હિતને જાણે છે, પોતાના જ સ્વાર્થને જોતા રહે છે. એમનો સ્વાર્થ આનુવંશિક સંકુચિત સીમાથી પર નથી. વેદાંત અનુસાર આ જ અપ્રબુદ્ધતા – મૂર્ખતાનું લક્ષણ છે. એક જ આત્મા પ્રબુદ્ધ નાગરિકમાં આનુવંશિક સીમાથી મુક્ત થઈને પ્રેમ અને લોકકલ્યાણની વ્યાપ્તિમાં વૃદ્ધિ કરી દે છે અને લાખો કરોડો અપરિચિતોને પોતાના બનાવી દે છે. એને લીધે તેમાં શક્તિ અને જવાબદારીને ઉચ્ચતર સ્તર સુધી ઉપર ઊઠવાની ક્ષમતા આવી જાય છે. આ પ્રબુદ્ધતાનું સુફળ છે. મામુલી નાગરિક એક ખુરશી પર વિરાજે છે અને એ ખુરશીથી શોભે છે, પરંતુ પ્રબુદ્ધ નાગરિક ખુરશી પર વિરાજે છે એટલું જ નહિ એની શોભામાં પણ અભિવૃદ્ધિ કરે છે. અહીં આપણને માનવી માનવી વચ્ચે રહેલ નાના મોટાના અંતરનો ખ્યાલ આવી શકે છે. નાનું કામ કરનારો માનવ નાનો નથી હોતો. પરંતુ જેનું મન સંકુચિત છે, નાનું છે, એવા મનથી જે બધાં કાર્યો કરે તો એ કાર્ય નાનું થઈ જાય છે. મોટું કામ કરનારા માનવો કંઈ મોટા નથી હોતા; પરંતુ જેનું મન મોટું છે, દિલ વિશાળ છે અને જે બધાં કાર્યો એવા વિશાળ મનદિલથી કર્યા કરે છે તેઓ જ મોટા છે. ગીતા પ્રમાણે કોઈ કામ મોટું નથી તેમ નાનુંય નથી. નાના મોટા વચ્ચેનું અંતર એ કામની પાછળ રહેલી બુદ્ધિને કારણે છે. અધિકાર અને પદને કારણે જ કેટલાક લોકો ખુરશી પર બેસતાં જ મોટાઈ પ્રાપ્ત કરી લે છે, પરંતુ બાકીના લોકો જે ખુરશી પર વિરાજે છે તે પોતાના વડપણને કારણે એને મહાન બનાવી છે.

માનવ પ્રબુદ્ધ નાગરિક બની જાય તો તેનામાં પોતાની મેળે વડપણ આવી જાય છે. જેનામાં સ્વાભાવિક ગરીમા છે, સ્વાભિમાન છે, બીજાને માટે આદરભાવ છે, એનામાં મહાનતા સહજ રૂપે આવે છે. પરંતુ જે માણસ નાગરિક છે, તે નોકરી ધંધો કરે છે પણ ભાડાના ટટ્ટુ જેવો વેઠિયો છે, તેનામાં આ મહાનતા સહજરૂપે આવતી નથી. દેશમાં આવા પ્રબુદ્ધ નાગરિકો હોય તો આપણે ત્યાં જાગૃત સાંસદો હશે, જાગૃત પ્રધાનો હશે, જાગૃતિવાળા પ્રશાસકો હશે અને જાગૃતિ સાથે કામ કરનારા કામદારો પણ હશે. પ્રબુદ્ધતા દ્વારા જ આ જાગરૂકતા સંભવ બને છે. રાષ્ટ્રિય જીવનના ક્ષેત્રોમાં દેશવાસીઓની આશા-આકાંક્ષાઓમાં આવી જાગરૂકતા જાગી ઊઠે તો એનાથી સર્વત્ર – પછી ભલે એ પ્રાથમિક શાળાની કક્ષા હોય, વિશ્વવિદ્યાલયમાં સંશોધન અનુસંધાનની પ્રયોગશાળા કે કોઈ ઉદ્યોગપતિનું વ્યવસ્થાપન કાર્ય હોય કે સરકારી સચિવાલય હોય – ત્યાં કાર્યો ચોક્કસ, ખાતરીવાળા અને પાકાં થવાનાં જ.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.