‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’

વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે કયા ભાવમાં અવાક્‌ બની ગયા. થોડીવાર પછી બોલ્યા: ‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ માસ્ટર મહાશય કહે છે : ‘આ વાત કોણ સમજશે? શું આ જ દેવભાષા છે?’ ક્યારેય એમણે આ વાતની વ્યાખ્યા કે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો નથી. જો આપણે એની વ્યાખ્યા કરીએ તો એના પર આપણા મનોભાવનું આરોપણ થશે અને આ અનુચિત કહેવાય. શું એનું તાત્પર્ય એ છે કે શ્રીરામકૃષ્ણ એકલા જ નહિ પરંતુ પોતાના પાર્ષદોને સાથે લઈને અવતર્યા છે? શ્રીઠાકુરે અન્યત્ર એક સ્થળે કહ્યું છે: ‘કલમીના દલ જેવા છે, એકને ખેંચવાથી આખેઆખી વેલ ખેંચાતી આવે છે.’ 

લીલાપ્રસંગમાં વર્ણવેલ શ્રીઠાકુરની વાતોથી આપણને જાણવા મળે છે કે અખંડના રાજ્યમાં સાત ઋષિઓ ધ્યાનમગ્ન હતા. ત્યાં એક દેવશિશુએ પોતાના બંને કોમળ બાહુઓને નરઋષિના ગળામાં રાખ્યા. તેના સ્પર્શના પરિણામે ઋષિએ પોતાની આંખો ખોલી. એટલે દેવશિશુએ એને કહ્યું: ‘હું જઉં છું, તમારે પણ આવવું પડશે.’ આ સાંભળીને પેલા ઋષિએ સ્મિત કર્યું અને થોડીવાર પછી વળી પાછા આંખ મીંચીને ધ્યાનમગ્ન બની ગયા. (આની વ્યાખ્યા લીલાપ્રસંગના લેખકે કરી નથી.) એવું લાગે છે કે તે દેવશિશુ સ્વયં શ્રીરામકૃષ્ણ હતા. જગતના કલ્યાણાર્થે તેઓ દેહ ધારણ કરીને અવતરી રહ્યા હતા. આ કાર્યમાં સહાયરૂપ થવા સ્વામીજીએ આવવું પડશે. એટલે એમણે નરઋષિને એ વાત કરી. ‘લીલાપ્રસંગ’ના લેખકે અપૂર્વ કવિત્વમય ભાષામાં આ દેવશિશુનું વર્ણન કર્યું છે.

અખંડના રાજ્યમાં એક અંશ ઘનીભૂત બનીને એક શિશુના રૂપે પરિણત થયું છે. આ વાત સામાન્ય બુદ્ધિની સમજણની બહારની છે. દેવશિશુના કહેવાથી ધ્યાનમગ્ન ઋષિ અવતાર લેવા માટે પોતાની સંમતિનો સંકેત સ્મિત દ્વારા કરીને ફરી પાછા ધ્યાનમગ્ન થઈ જાય છે. અભિપ્રાય એ હતો કે તમારા આ પ્રબળ આકર્ષણની ઉપેક્ષા કોણ કરી શકે? દેવશિશુનું પ્રબળ આકર્ષણ ધ્યાનમગ્ન ઋષિઓને પણ ધ્યાનભંગ કરાવી દે છે. સમાધિના ગંભીર આનંદનો ત્યાગ કરીને એમને દેવશિશુની પાછળ જવું પડે છે. કહે છે : ‘હું જઉં છું, તમારે પણ આવવું પડશે.’ આવશો કે નહિ, એમ પૂછ્યું નહિ. નાનું બાળક જેમ હઠ કરે છે, બરાબર એના જેવું જ આ છે. એ હઠની સાથે તર્ક કરવો નિરર્થક છે. જે કહ્યું છે એને માનવું જ રહ્યું. દેવશિશુનો પ્રેમપૂર્ણ આદેશ ઋષિએ બાધ્ય બનીને માનવો પડ્યો. પ્રેમપૂર્ણ સ્પર્શથી એમનો ધ્યાનભંગ થયો અને થોડીવાર પછી તેઓ ફરીથી ધ્યાનમગ્ન બની ગયા. આ જ છે કલમીનું દલ – જ્યારે તેઓ આવે છે ત્યારે પૂરેપૂરા દળને સાથે લઈને આવે છે. એ જ લોકો વિશે તેઓ કહે છે: ‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ મત આ છે કે હવે જ્યાં સુધી સ્થૂળ શરીરનો ત્યાગ નહિ કરીએ ત્યાં સુધી એકવાર ફરીથી નવી રીતે લીલા ચાલશે. માસ્ટર મહાશય કહે છે: ‘આ વાત કોણ સમજે? શું આ દેવભાષા છે?’ દેવભાષા અર્થાત્‌ સામાન્ય બુદ્ધિથી અતીત. એનો અર્થ આપણી પોતાની અનુભૂતિના આધારે જાણી ન શકીએ. જે લોકો એવી અનુભૂતિના સ્તરે રહે છે તેવા જ લોકો એનો અર્થ સમજી શકે છે. બીજા લોકો તો કેવળ કલ્પનાની ભાંજગડમાં પડી જાય છે; એમાં થોડું ઘણું સારવાળું હોય છે પણ ઘણું ખોટું પણ હોય છે. શ્રી‘મ’ પોતાના આ વાક્ય ‘એક તો આ છે અને એક તે’ની વ્યાખ્યા પણ કોઈ કરતા નથી.

દ્રષ્ટા અને દૃશ્ય

દ્રષ્ટા અને દૃશ્ય – જ્ઞાનની દૃષ્ટિએ એ બંને વસ્તુઓ અલગ અલગ રૂપે જણાય છે. તેઓ ક્યારેય એ બંનેમાં મિશ્રણ કે ઘાલમેલ થવા દેતા નથી. તેઓ દ્રષ્ટાને કેવળ દ્રષ્ટા અને દૃશ્યને કેવળ દૃશ્ય રૂપે જુએ છે. આ તથ્ય સાથે પેલું વાક્ય ‘એક તો આ છે અને એક તે’ થોડું સામ્ય ધરાવે છે. એક તો આ છે અર્થાત્‌ દ્રષ્ટા એક છે; એક તે અર્થાત્‌ દૃશ્ય એક છે. આ બંને એક બીજાથી પૂર્ણ રૂપે અલગ અલગ છે. જગતમાં જ્યાં સુધી વ્યવહાર ચાલતો રહે છે ત્યાં સુધી એ બંનેને સાથે રાખીને ચાલે છે. એ મિશ્રણની સીમાને જાણે કે ઓળંગીને શ્રીઠાકુર કહે છે: ‘એક તો આ છે અને એક તે’. એનો અર્થ એ પણ થઈ શકે છે કે બંનેનું પૃથક્કરણ થઈ ગયું હતું, મિશ્રિત રૂપે એનો બોધ થતો નથી. અને વળી જ્યાં શ્રીઠાકુર કહે છે: ‘સર્વ કંઈ તેઓ જ થયા છે.’ અહીં એવું પ્રતીત થાય છે કે જાણે તેઓ એક માત્ર એમને જ નીરખી રહ્યા છે. તેઓ સર્વત્ર એવી રીતે ઓતપ્રોત છે કે આ વૈચિત્ર્યમય જગતમાં એનાથી અલગ કોઈ બીજી સત્તા એમના જોવામાં આવતી નથી.

એક વધુ અવસ્થા એવી પણ છે કે જ્યાં બંનેનું અસ્તિત્વ રહેતું નથી. ત્યાં વૈચિત્ર્ય નથી રહેતું અને સમસ્ત દૃશ્યોનો વિલોપ થઈ જાય છે. જે એક માત્ર હતું તે જ રહી જાય છે. એને દ્રષ્ટા પણ ન કહી શકાય. જ્યાં દૃશ્ય નથી ત્યાં દ્રષ્ટા પણ નથી. આમ છતાં પણ આ વ્યવહારથી પર જે અવ્યવહાર્ય તત્ત્વ છે એને સમજાવવા માટે આપણે કહીએ છીએ કે તેઓ નિત્યદ્રષ્ટા છે, ત્યારે તેઓ દૃશ્યવર્ગની અંતર્ગત નથી આવતા. આવી રીતે આપણે સમજીએ છીએ અને સમજવા માટે કહીએ છીએ – જગતના અનુભવની ભીતર એ બંનેને અલગ અલગ કરી નાખવા પડશે, એક દ્રષ્ટા અને એક દૃશ્ય એમ. એમાં તત્ત્વ એક છે અને બીજો એના પર આરોપિત છે. અલગ થવાથી એક માત્ર શુદ્ધ તત્ત્વ જ શેષ રહી જાય છે. એ તત્ત્વની સાથે બીજી કોઈ આરોપિત વસ્તુનો અનુભવ થતો નથી. શ્રીઠાકુરે જ્યારે ‘એક તો આ છે અને એક તે’ એમ કહ્યું ત્યારે જાણે કે તેઓ જગતને એક અદ્વય તત્ત્વ રૂપે સમજાવવા માગે છે. એટલે આવા પૃથક્કરણનો ઉપદેશ આપીને તેઓ કહે છે – બ્રહ્મથી આ જગતને પૂર્ણત: પૃથક્‌ કરી નાખો – એક આત્મા છે અને બાકીનું બધું અનાત્મા. આ બંનેને પૂરેપૂરાં અલગ કરી દેવામાં આવે કે તરત જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.

ગિરિશ અને નરેન્દ્રનો તર્ક

ગિરિશના ઘરમાં શ્રીઠાકુર ભક્તોથી વીંટળાઈને ઈશ્વરચર્ચા કરે છે: ‘ઈશ્વર ક્યારેય મનુષ્ય શરીર ધારણ કરીને અવતીર્ણ થઈ શકે છે એમ નરેન્દ્ર માનતા નથી. આ બાજુએ ગિરિશનો જ્વલંત વિશ્વાસ છે કે ઈશ્વર પ્રત્યેક યુગે અવતરે છે અને મનુષ્યદેહ ધારણ કરીને મૃત્યુલોકમાં આવે છે. શ્રીરામકૃષ્ણની એવી મહદ્‌ ઇચ્છા છે કે આ વિશે બંને વિચાર કરે.’ એમણે એ બંનેને તર્કવિતર્કમાં લગાડી દીધા. સાથે ને સાથે વચ્ચે વચ્ચે પોતે પણ પોતાનો મત કહે છે. નરેન્દ્રે અવતારવાદનું ખંડન કરતાં કહ્યું: ‘ઈશ્વર અનંત છે, એમની ધારણા કરવી એ શું આપણી શક્તિનું કામ છે ખરું? તેઓ બધાંની ભીતર છે, કેવળ કોઈ એકની ભીતર આવ્યા છે એવી વાત નથી.’ શ્રીઠાકુર નરેન્દ્રના કથનનું સમર્થન કરતાં કહે છે: ‘એનો જે મત છે, એ જ મારો પણ છે. તેઓ સર્વસ્થળે છે. પરંતુ એટલી વાત ખરી કે તે શક્તિની વિશેષતા છે.’

આ ઉક્તિમાં એક ગૂઢ અર્થ રહેલો છે. સર્વત્ર એક જ બ્રહ્મનો પ્રકાશ છે, પરંતુ બધી વ્યક્તિ સમાન નથી; કેટલાકમાં વધુ શક્તિ છે, તો કેટલાકમાં ઓછી. અહીં વૈષમ્ય પ્રત્યક્ષ છે. રેતી પણ બ્રહ્મ છે અને તલ પણ; પરંતુ રેતીને પીલવાથી તેલ નીકળશે ખરું? બ્રહ્મ અનંત છે, અવિભાજ્ય છે, પરંતુ વ્યાવહારિક જગતમાં તેની અભિવ્યક્તિમાં એક તારતમ્ય હોય છે. આ પાર્થક્યનો અસ્વીકાર ન કરી શકાય. તત્ત્વત: બ્રહ્મ સર્વત્ર હોવા છતાં પણ તેની અભિવ્યક્તિ સર્વ સ્થળે સમાન નથી.

રામ કહે છે : ‘આવા વૃથા તર્કથી ફાયદો શું થાય?’ શ્રીરામકૃષ્ણે થોડા નારાજ થઈને કહ્યું: ‘ના ના, એમ નથી. એનો એક વિશેષ અર્થ છે.’ અર્થાત્‌ તેઓ ઇચ્છે છે કે એની ચર્ચા થાય. પરંતુ નરેન્દ્ર ઈશ્વરને વાક્ય, મન અને બુદ્ધિથી અગોચર ગણે છે. શ્રીરામકૃષ્ણ કહે છે: ‘ના તેઓ શુદ્ધ-બુદ્ધિ-ગોચર છે… ઋષિઓએ શુદ્ધબુદ્ધિ દ્વારા શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કર્યો હતો.’ આ થયું સ્વરૂપ-અવસ્થાન.

ગિરિશ નરેન્દ્રને કહે છે: ‘મનુષ્યમાં ઈશ્વરનો અવતાર ન થાય તો પછી સમજાવે કોણ? મનુષ્યને જ્ઞાન ભક્તિ દેવા માટે તેઓ દેહ ધારણ કરે છે.’ અભિપ્રાય આ થયો કે ભગવાન અનંત છે. સાંત મનુષ્ય પોતાની સીમિત બુદ્ધિ દ્વારા એમની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો કોઈ એને રાહ ચીંધનારો ન મળે તો એ સંભવ થતું નથી. જે કોઈ પોતાના જીવનમાં એવું બતાવી દે કે આ સીમાનું ઉલ્લંઘન કરી શકાય છે અને એવું કહી દે કે ‘જુઓ એ તમારું ઘર’ તે જ અવતાર છે. એમની ભીતર અસામાન્ય શક્તિ પ્રગટ થઈ છે એટલે માનવીય સીમાની બહારની વસ્તુઓ પણ તે બતાવી શકે છે. બાઈબલમાં ‘ઓરિજિનલ સીન – મૂળ પાપ’ની વાત આવે છે: મનુષ્યમાં પ્રારંભથી જ અપૂર્ણતા, પાપ કે ખામી છે. જ્યાં સુધી ઈશુ સમો કોઈ માનવદેહ ધારણ કરીને આપણને આ ધરતી પર આવીને માર્ગ ન બતાવી દે ત્યાં સુધી એ બધાથી તે પોતે મુક્ત થઈ શકતો નથી. શ્રીઠાકુર આ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે અવતાર એક સીમિત માનવદેહધારી હોવા છતાં પણ તે સાધારણ માનવ નથી. પોતાની અસાધારણ શક્તિ દ્વારા એ અવતાર અન્ય લોકોને મુક્તિનો માર્ગ દેખાડી શકે છે. અંતર્યામીના રૂપે તે સદા આપણું નિયંત્રણ કરે છે અને પથનિર્દેશ પણ કરે છે. આપણે આપણાં કલુષિત દૃષ્ટિ તેમજ મન દ્વારા અંત:કરણના એ નિર્દેશને સમજી શકતા નથી. અવતાર આવીને પોતાનાં જીવન અને આચરણ દ્વારા બધાંને એ તત્ત્વ સમજાવી દે છે.

વિશિષ્ટાદ્વૈત

શ્રીરામકૃષ્ણ કહે છે : ‘શંકરે જે કંઈ સમજાવ્યું છે, તે પણ છે અને રામાનુજનો વિશિષ્ટાદ્વૈતવાદ પણ છે.’ નરેન્દ્ર પૂછે છે: ‘વિશિષ્ટાદ્વૈતવાદ શું છે?’ શ્રીરામકૃષ્ણ કહે છે: ‘વિશિષ્ટાદ્વૈતવાદ રામાનુજનો મત છે. અર્થાત્‌ જીવ જગત, વિશિષ્ટ બ્રહ્મ બધું મળીને એક.’ શ્રીઠાકુર અહીં કૂટયુક્તિઓ કે તર્કવિતર્કમાં ન પડીને વિશિષ્ટાદ્વૈતવાદનો સાર બતાવે છે. તેઓ કહે છે : જેમ કે એક બિલું. એમાં ઉપરનું કાચલું જુદું, બીજ જુદાં અને માવો પણ જુદો. બીલાનું વજન જાણવા માટે શું કેવળ ગર્ભને તોળવાથી ચાલશે ખરું? બીલાની ઉપરનું કાચલું અને એના બીજને કાઢીને જે માવો છે એને જ લોકો અસલ વસ્તુ સમજે છે. વળી જરા વિચારીને જુઓ – જે વસ્તુ માવો છે તેનું જ આ કાચલું છે અને એનાં જ બીજ છે. પહેલાં ‘નેતિ નેતિ’ કરીને જવું પડે છે; જીવ નેતિ, જગત નેતિ, આ રીતે વિચાર કરવો જોઈએ; બ્રહ્મ જ વસ્તુ છે અને બાકી બીજું બધું અવસ્તુ. પછી આપણને આવો અનુભવ થાય છે – જેનો માવો છે, કાચલું છે અને બીજ પણ તેનાં જ છે. જેને તમે બ્રહ્મ કહો છો એનાથી જ જીવ અને જગત થયાં છે. જેની નિત્યતા છે, લીલા પણ એની જ છે. એટલે રામાનુજ કહેતા: જીવ-જગત-વિશિષ્ટ-વિશિષ્ટબ્રહ્મ એને જ વિશિષ્ટાદ્વૈતવાદ કહે છે.

વિશિષ્ટાદ્વૈતવાદ તત્ત્વત: અદ્વૈતવાદ છે. આમ હોવા છતાં પણ તેની ભીતર સ્વગતભેદનો સ્વીકાર કરે છે. સ્વગત ભેદ અર્થાત્‌ પોતાની ભીતર જ ભેદ! જેમ કે એક વૃક્ષ છે, તેનાં થડ, શાખાઓ, ફૂલ, ફળ, પાંદડાં વગેરે છે. આ બધાં વૃક્ષના જ અંગ છે, પરંતુ પરસ્પર ભિન્ન છે. થડ ડાળ નથી, ડાળ પાંદડાં નથી, પાંદડાં ફૂલ કે ફળ નથી. પરંતુ એ બધું મળીને વૃક્ષ છે. વૃક્ષ કહેવાથી જેમ પૂરેપૂરો બોધજ્ઞાન થાય છે એવી રીતે બ્રહ્મ અખંડ અને સર્વરૂપ છે – વેદાંતમાં આ બંને સિદ્ધાંતોની સમર્થન કરનારી શ્રુતિઓ છે: ‘સર્વકામ: સર્વરસ: સર્વગંધ:’ – તે સર્વરૂપ છે વળી કહે છે: ‘અશબ્દં, અસ્પર્શં, અરૂપં, અવ્યયં તથા અરસમ્‌’ આ રીતે નેતિ નેતિ કરીને, જે બ્રહ્મ નથી તેને છોડીને બ્રહ્મ તત્ત્વ સુધી પહોંચી શકાય છે. ત્યાર પછી આપણને જોવા મળે છે કે જેને છોડી દીધું હતું તે પણ બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. ‘સર્વં ખલુ ઈદં બ્રહ્મ’ જે કંઈ હું જોઉં છું એ બધું બ્રહ્મ છે. વિશિષ્ટાદ્વૈતવાદી એને પોતાની સમર્થક શ્રુતિ ગણે છે. 

શ્રુતિની વિભિન્ન વ્યાખ્યાઓ

અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, બધાની સમર્થક શ્રુતિઓ છે. કારણ કે આ બધા મતવાદીઓએ શ્રુતિને પ્રમાણ ગણી છે. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર નાસ્તિકો સિવાય બધા આસ્તિકોએ વેદને માન્યો છે. એટલું જ નહિ પણ ઈશ્વરમાં ન માનનાર મતે પણ વેદને માન્યો છે. એને પણ આસ્તિકવાદ કહેવામાં આવ્યો છે. સાંખ્યના અનુયાયી નિરીશ્વરવાદી હોવા છતાં પણ વેદોમાં માને છે, એટલે તેઓ આસ્તિક છે. એવી જ રીતે મીમાંસકોનો એક મત ઈશ્વરમાં માનતો નથી. છતાં પણ એ બધાને આસ્તિક કહેવાય છે. યોગના એક મતમાં ઈશ્વરને પ્રમાણિત કરવાની યુક્તિ નથી – ઈશ્વરાસિદ્ધિ: પ્રમાણાભાવાત્‌ – પ્રમાણ નથી. એટલે ઈશ્વર અસિદ્ધ છે. આમ હોવા છતાં પણ એને આસ્તિક દર્શન કહેવામાં આવ્યું છે, નાસ્તિક દર્શન નહિ. વેદોમાં જે ન માને તે નાસ્તિક છે. આ બધા લોકો વેદોને પ્રમાણ માને છે પણ પોતપોતાના મતાનુસાર વેદની વ્યાખ્યા કરે છે. વેદ પર પ્રતિષ્ઠિત હોવાથી પોતપોતાના મતને ભિન્ન ભિન્ન રૂપે દર્શાવી શકાય છે. અદ્વૈતવાદી, વિશિષ્ટાદ્વૈતવાદી અને દ્વૈતવાદી એ ત્રણેય કહે છે કે વેદોએ અમારા મતની સ્થાપના કરી છે. વેદોમાં પોતાના મતની સમર્થક શ્રુતિ મેળવી લીધા પછી તેઓ પોતાને પ્રધાનતા આપીને અન્ય અર્થવાચક વાક્યોની ભિન્ન ભિન્ન રીતે વ્યાખ્યા કરે છે. બધાએ આમ જ કરવું પડે છે. 

એમની ઇતિશ્રી નથી કરી શકાતી

શ્રીઠાકુર એક નવો મત બતાવે છે: બધા એક એક પથ છે, બધા મતવાદ સત્ય છે. અર્થાત્‌ સાધન રૂપે સ્વીકાર કરીને ચાલવાથી જે મત-પથ આપણને પરમતત્ત્વ સુધી પહોંચાડી દે તે જ સત્ય છે. શ્રીઠાકુરના આ મતને અંગ્રેજીમાં ‘પ્રેગ્મેટિક વ્યુ’ – ‘વ્યાવહારિક દૃષ્ટિ’ કહેવાય. શ્રીઠાકુરનો મત છે કે જે પથ પર ચાલીને તમે લોકો પરમ – ચરમ અનુભૂતિ સુધી પહોંચી શકો એવા આ પથ છે; તમે વિચારો છો કે કેવળ આ જ પરમ અનુભૂતિ છે, બાકીની બધી નહિ, આ વાત તમને કોણે કહી? તે સાકાર છે, તે નિરાકાર છે અને વળી સાકાર અને નિરાકારથી પર પણ છે. તે સગુણ છે, નિર્ગુણ છે અને બીજું કેટલું બધું છે. શ્રીઠાકુર કહે છે: ‘ઈશ્વર વસ્તુની ક્યારેય ઇતિ ન કરવી જોઈએ. તમે લોકો તમારી પોતાની છટાંક બુદ્ધિથી તેઓ (ઈશ્વર) આ હોઈ શકે છે અને આ નહિ એવો નિર્ણય ન કરો.’ મહિમ્ન સ્તોત્રમાં આવે છે: ‘ન વિદ્‌મસ્તતત્ત્વં વયમિહ તુ યત્‌ ત્વં ન ભવસિ’ (૨૬) પરંતુ અમે તો આ જગતમાં જે તમે ન હો એવું કોઈ તત્ત્વ નથી જાણતા. તમે સર્વ કંઈ થઈ શકો છો. એટલે શ્રીઠાકુરે ‘ઇતિ’ ન કરવા પર ભાર દીધો છે. આપણે જો એમ કહીએ કે વસ્તુત: તેઓ અદ્વૈતવાદી હતા, અન્યવાદોને એમણે અંશત: સ્વીકાર્યા છે તો એ સાચું નથી. એમણે કોઈ પણ તત્ત્વને આંશિક રૂપે નહિ, પણ પૂર્ણ રૂપે સ્વીકાર્યું છે. આ જ શ્રીરામકૃષ્ણની વિશિષ્ટતા છે. અદ્વૈતવાદ પર પ્રતિષ્ઠિત થઈને, અન્યાન્ય મતોની ઉપેક્ષા કે અવગણનાના ભાવથી માની લેવું એવું નથી. આ તો બધા મતોની સંપૂર્ણ સ્વીકૃતિ છે. માણ્ડૂક્યકારિકામાં આમ કહેવામાં આવ્યું છે:

स्वसिद्धान्तव्यवस्थासु द्वैतिनो निति द्रढम ।
परस्परं विरुध्यन्ते तैरयं न विरुध्यते ॥

દ્વૈતવાદીઓ પોતપોતાના સિદ્ધાંતની પ્રણાલી પર દૃઢતાપૂર્વકની નિષ્ઠા રાખીને એક બીજાનો વિરોધ કરતાં કહે છે : તેઓ આ હોઈ શકે છે, થઈ શકે છે, એ નહિ. દ્વૈતવાદીઓના વર્ગમાં વિશિષ્ટાદ્વૈત, શિવાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને બીજા પણ કોણ જાણે કેટકેટલા વાદ આવે છે. અદ્વૈત એવં કેવલાદ્વૈત સિવાય બાકી બધા મતવાદો દ્વૈતની શ્રેણીમાં આવે છે. કારણ કે એમણે એક કરતાં વધારે તત્ત્વોનો સ્વીકાર કર્યો છે. એકથી વધારે તત્ત્વોનો સ્વીકાર કરવાથી જ અદ્વૈત બને છે. એક માત્ર અદ્વૈત વેદાંત જ કોઈપણ પરિસ્થિતિમાં દ્વૈતની સાથે સમાધાન કરતો નથી, ‘અયં ન વિરુધ્યતે’. વસ્તુત: આ મીમાંસા ઉદાર મીમાંસા નથી. એમની દૃષ્ટિએ બધા મત મિથ્યા છે એટલે તેઓ કોઈની સાથે વિવાદ નથી કરતા. મિથ્યાની સાથે શું તેઓ વિવાદ કરશે ખરા? આ તો ઉદાર મીમાંસા નથી અથવા જો આપણે એમ કહીએ કે ઈશ્વરાનુભૂતિ બાદ પ્રભુ દયા કરીને જો એને અદ્વૈતવાદમાં પ્રતિષ્ઠિત કરી દે તો તે અદ્વૈતવાદી બનશે, એનાથી તો મીમાંસા થતી નથી, કારણ કે એના દ્વારા એ સમજાવવામાં આવે છે, કેવળ અદ્વૈતવાદ જ સિદ્ધાંત છે અને દ્વૈતવાદ – એ તો જાણે કે માર્ગમાં વિશ્રામ કરવાનું સ્થાન – મુસાફરખાના જેવું છે.

શ્રીરામકૃષ્ણના મત પ્રમાણે સગુણ હોય કે નિર્ગુણ પ્રત્યેક ભાવમાં ઈશ્વરનું જ આસ્વાદન થાય છે. જે સગુણ છે તે જ નિર્ગુણ છે. સગુણમાંથી નિર્ગુણમાં જવું જ પડશે એ જરૂરી નથી. પરંતુ એમણે એનો વિપરીત ક્રમ પણ બતાવ્યો છે – નિર્ગુણમાંથી સગુણમાં આવી શકાય છે. એમાંથી કઈ સ્થિતિ અંતિમ છે એ કહી ન શકાય. કારણ કે ઈશ્વરનો અંત નથી, એમના અનંત પ્રકાર છે, જો કે એક સ્થળે શ્રીઠાકુરે અદ્વૈતજ્ઞાનને અંતિમ અવસ્થા કહી છે. આમ હોવા છતાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અદ્વૈતજ્ઞાન પછી પણ કંઈક રહી જાય છે. અજ્ઞાની, જ્ઞાની, વિજ્ઞાની – કોઈએ દૂધ વિશે સાંભળ્યું છે, કોઈએ દૂધને જોયું છે, અને વળી કોઈ દૂધ પીઈને બળવાન બન્યો છે, આ રીતે કોઈએ બ્રહ્મતત્ત્વને સાંભળ્યું છે, કોઈએ એનો અનુભવ કર્યો છે અને કોઈક એ બ્રહ્મને પોતાના જીવનમાં ઓતપ્રોત અનુભવ કરીને બ્રહ્મમાં જ પ્રતિષ્ઠિત થઈ ગયો છે. ત્રણ સ્તર છે – બ્રહ્મવિદ્‌, બ્રહ્મવિદ્‌-વરીયાન્‌ અને બ્રહ્મવિદ્‌-વરિષ્ઠ. તત્ત્વ એક જ છે પણ એના પાસાં અનંત છે. શ્રીઠાકુર એમ નથી કહેતા કે એક મત સત્ય છે અને બાકી બીજા બધા મિથ્યા છે.

બાઈબલમાં કહ્યું છે કે ભગવાનના મંદિરમાં જવાનાં પ્રવેશદ્વાર અનેક છે. પરંતુ મંદિરની ભીતર ભગવાન એક જ છે. ભગવાન એક છે તો પણ બધાની સમક્ષ તેઓ એક જ પ્રકારે પ્રકાશિત થતા નથી. કોઈ માટે તેઓ નિર્ગુણ છે તો કોઈ બીજા માટે વિવિધગુણોથી સંપન્ન છે. કોઈની સામે અસિ – તલવાર તો કોઈની સામે બંસી. આમ કોણ જાણે કેટકેટલાં અને કેવાં કેવાં રૂપ ધારણ કરીને તેઓ દર્શન દે છે. એમનું સ્વરૂપ અનંત વૈચિત્ર્યથી ભરેલું છે, એમાંથી કોઈ પણ રૂપનો અસ્વીકાર ન કરીને, બધાંને સમાન રૂપે સત્ય માનીને ગ્રહણ કરવું એવો શ્રીઠાકુરનો મત છે.

શ્રીઠાકુરનો આ વિશિષ્ટ સિદ્ધાંત આપણને આશ્ચર્યમાં નાખી દે છે. નિરક્ષર શ્રીરામકૃષ્ણ વેદાંતનો કયો સિદ્ધાંત લેશે! આમ હોવા છતાં પણ આ એક એવો સિદ્ધાંત છે કે જે વિભિન્ન વિવાદમાં જ સમગ્ર વિવાદોને સમાપ્ત કરી શકે છે. ઈશ્વર વૈચિત્ર્યપૂર્ણ છે અને આ વિચિત્ર રૂપે જ એમને અહીં સ્વીકારાય છે. જો કોઈ એમ કહે કે ‘તેઓ આ છે અને આ ન હોઈ શકે’ તો એમનું જ્ઞાન સીમિત છે. એમણે ભગવાનનું કેવળ એક જ ભાવે આસ્વાદન કર્યું છે, બીજા અન્ય ભાવે નહિ.

(ક્રમશ:)

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.