(ગતાંકથી આગળ)

બાળપણથી જ આપણે સ્ત્રીપુરુષોમાં જાગરૂકતાના સ્વસ્થ પ્રભાવને ઓળખી શકીએ છીએ. ૧૩ વર્ષમાં શરીર વિકસિત થઈ જાય છે પરંતુ મનના વિકાસમાં સારો એવો સમય જાય છે. રાજનીતિની દુનિયામાં વયસ્કના વિકાસની ઉંમર ૧૮ કે ૨૧ વર્ષ નિશ્ચિત થઈ છે. પરંતુ આપણે પહેલાં જોયું છે કે મનમાની રીતે ઉંમરને વયસ્કના વિકાસની કસોટી ગણી લેવી યોગ્ય નથી. સામાજિક જવાબદારીમાં વ્યક્ત થતી માનસિક પરિપક્વતા પણ એ માટે આવશ્યક છે. અર્થાત્‌ માનસિક પરિપક્વતા અને સામાજિક જાગરૂકતાનો સુમેળ કરવાનો છે ત્યારે કોઈપણ યુવાન કે યુવતી એ ઉંમરે આવો અનુભવ કરવા લાયક બને છે : ‘હું ભારતનો નાગરિક છું, અહીંના નિવાસીઓનું કલ્યાણ એ મારી જવાબદારી છે, બીજાં સાથે મળીને હું મારી એ જવાબદારી નિભાવીશ. હું કોઈ પણ જાતિ, સંપ્રદાય, ધર્મ કે કુટુંબ-કબીલાનો ભલે હોઉં, પણ હું મારા બધા દેશવાસીઓને ચાહીશ. એ બધા મારા પોતાના છે. હું એમાંનો એક છું.’ પ્રબુદ્ધ નાગરિકના આ દૃષ્ટિકોણથી પ્રેરાઈને છોકરા-છોકરીઓની જીવનનૌકા વર્તમાન રાષ્ટ્ર રૂપી ક્ષુબ્ધ સાગર પર છોડી મૂકવામાં આવે તો એ નૌકા કોઈ દુર્ઘટનાને કારણે ડૂબશે નહિ, પરંતુ ઘણા માર્ગભૂલેલાની પ્રાણરક્ષા માટે એ નૌકા સમર્થ બનશે.

સ્વતંત્રતાના આરંભકાળથી જ માનવવિકાસના આ ભવ્યદર્શનનો સહારો કેમ ન લીધો, અને ભાવિ પેઢીને એના દ્વારા શક્તિશાળી કેમ ન બનાવી, એ ખરેખર એક આશ્ચર્યની વાત જ છે. એનાથી ઊલટું શિક્ષણને નામે આપણે દેશમાં સ્વાર્થી સ્ત્રીપુરુષોની એવી જમાત ઊભી કરી દીધી છે કે જે સ્વહિત માટે નવજાત સ્વતંત્ર ભારતને ચૂસવા લાગી છે. રાષ્ટ્રભરમાં આ કુંઠિતતા છવાઈ ગઈ છે. આજે રાષ્ટ્રિય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આવા કુંઠિત-હતાશાગ્રસ્ત લોકો જ જોવા મળે છે. મનોવૈજ્ઞાનિક સૂત્રના આ સત્યને આપણે પ્રમાણિત કરી રહ્યા છીએ : અહં કેન્દ્રિતતા અને માનવી પ્રત્યેની લાગણીહીનતાનો એક છેડો એ જ કુંઠિતતા છે. સ્વાતંત્ર્યોત્તર ભારત માટે બર્નાર્ડ શોની આ ઉક્તિ બરાબર લાગુ પડે છે: ‘જીવનમાં તારી દૃષ્ટિએ જે મહાન ઉદ્દેશ્ય છે એની પૂર્તિ માટે ન્યોછાવર થઈ જવું એ જ જીવનનો સાચો આનંદ છે. શક્તિશાળી બનો, વિજયી બનો, આ જ પ્રકૃતિનો સંદેશ છે. બીમારીઓ અને મુસીબતોનું પૂતળું બનીને દુનિયાએ મને સુખી થવા ન દીધો. આવી ફરિયાદ કરતા રહેવું એ જીવન નથી.’

આ અહં કેન્દ્રિતતા અને જાગરૂકતાના અભાવને લીધે જ દર વર્ષે સમસ્યાઓ વધતી જ ગઈ. અને આજે આપણી સામે ‘કાલ કે પરમદિવસે શું થશે?’ એ પ્રશ્ન-સમસ્યા પોતાનું મોં ફાડીને ઊભી છે. આપણા સદ્‌ભાગ્યે આવો સવાલ મનમાં ઊઠ્યો છે, આતંક છવાયો છે, એ જ ધીમે ધીમે આવનારા સ્વાસ્થ્યનું લક્ષણ પણ છે. પ્રબુદ્ધ નાગરિકતાનો સંદેશ દૂરસુદૂર ફેલાવીશું તો આપણને કેટલાય મહત્ત્વપૂર્ણ આરોગ્યવર્ધક પરિવર્તનનો આસાર દેખાવા માંડશે. અનુશાસન પ્રત્યેનો ભાવ વધશે. પોલિસે શિસ્ત લાદવું નહિ પડે, જ્યારે પોલિસ દળના સિપાઈ એમ અનુભવશે કે આપણે પણ નાગરિક છીએ ત્યારે સામાન્ય જનને શિસ્તબદ્ધ કરીને એમની રીતભાતમાં પણ સુધારા લાવશે. સ્વયંભૂ શિસ્ત કાયદાને માનવાની પ્રવૃત્તિના વિકાસમાં મદદરૂપ બનશે. સમાજના કલ્યાણ માટે કાયદા બને છે. શાસનસભાઓમાં પોતાના પ્રતિનિધિઓ મોકલીને નાગરિકો કાયદા ઘડે છે અને એ કાયદાનું પાલન પણ કરે છે અને જો એ કાયદા દોષપૂર્ણ લાગે તો એ કાયદાને દોષ રહિત બનાવવાના હેતુથી તેઓ કાયદાનો ભંગ પણ કરી શકે છે. પરંતુ આ કાર્ય તે ભૂગર્ભમાં રહીને કે છૂપા રહીને નહિ પણ ખૂલંખૂલા કરે છે અને પૂરેપૂરા ધૈર્યથી જેલમાં જવા તૈયાર રહે છે.

અનુશાસન અને કાનૂનભંગનું નિંદાશાસ્ત્ર

સ્વહિત કે પક્ષહિત માટે ગુપ્ત રીતે કાયદાનો ભંગ કરવો એ સામાજિક વ્યવસ્થા અને ન્યાયની દૃષ્ટિએ વિનાશકારી છે. કાયદો અસુવિધાજનક છે એટલે એનો ભંગ કરવો છે, આવી પ્રવૃત્તિ સમાજમાં અવ્યવસ્થા ઊભી કરે છે. અહં કેન્દ્રિતતા કુંઠિતતાને જન્મ આપે છે. કુંઠિતતાથી અનુશાસનહીનતા જન્મે છે. એટલે કાયદાનો ભંગ કરવાનું મન થાય છે. આ દિશામાં જે કંઈ આ દેશમાં થયું છે તે વર્ણનાતીત છે અને ભયાવહ પણ છે. ચાલતી ગાડીએ સાંકળ ખેંચવાની વાત જ જોઈએ. શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સરકારના સચિવાલયના કેટલાક નોકરો દ્વારા આવું થતું રહે છે. નાગરિકતા વિષયક જાગરૂકતા અને પ્રજાતંત્રમાં સ્વયંભૂ શિસ્તનો ભાવ બાકીના દેશવાસીઓને શીખવવાવાળા તો આ જ લોકો છે. ગાડીની ગતિ ઝડપી છે, પેલો નોકર કે વિદ્યાર્થી ગામડા કે કસબા, સ્કૂલ કે કોલેજની નજીક પહોંચી રહ્યા હતા ત્યાં જ એક સમૂહે સાંકળ ખેંચી આગળના સ્ટેશનથી એમણે ત્યાં પહોંચવું છે એ જગ્યા બહુ દૂર નથી. ગાડીની ગતિ ધીમી પડે છે અને ગાડી રોકાઈ જાય છે. એ સમૂહની સાથે પેલો સાંકળ ખેંચવાવાળો પણ ઊતરી જાય છે અને એકબીજાની પીઠ થાબડતા બહાદુરની જેમ ચાલી નીકળે છે. દર મહિને ભારતના ખૂણે ખૂણે આપણી કહેવાતી આ શિક્ષિત યુવપેઢી અને વડીલો પણ આવાં હજારો અડપલાંભર્યાં ક્યાંક ઓછા તો ક્યાંક વધુ બતાડવાના શોખીન બન્યા છે. આવું ન કરનારા સેંકડો-હજારો મુસાફરોને એ બધા કેટલા હેરાન-પરેશાન કરે છે, તંગ કરે છે અને એમને નુકશાન કરતા રહે છે? આ વિચાર એ બધાના મનમાં કેમ ઊભો થતો નથી? ખેર, એમને એવું કોઈએ શીખવ્યું નથી, સમજાવ્યું નથી. એમને તો સ્વહિત અને પોતાની સુખસુવિધાની જ કાળજી લેવાનું શિક્ષણ મળ્યું છે. ભલાબુરાની સમજબૂઝ માનવમસ્તિષ્કના ભેજાની દેન છે. આ ભેજું જ બેકાર પડ્યું છે. જન્મજાત વૃત્તિઓ જ પોતાના પૂરેપૂરા ખેલ ખેલે છે. એ વૃત્તિઓને કેળવણી દ્વારા સુધારવામાં કે મઠારવામાં આવી નથી. સ્વહિતસાધના જ એમનું લક્ષ્ય છે. કાયદાઓને પણ એ જ દિશામાં વાળવામાં એમને કોઈ શરમ-સંકોચ થતાં નથી.

ધારો કે કોઈ સરકારી ભવન છે. એની ચારે તરફ દીવાલની આડશ છે. પરંતુ એવા લોકો પોતાની સુવિધા માટે એમાં કોઈને કોઈ જગ્યા બનાવી લેવાના. કેવળ વિદ્યાર્થીઓ જ નહિ, હજારો શિક્ષિત માનવીઓ, સચિવાલય કે રેલવેના અધિકારીઓ આવું કરવા માંડ્યા છે. એટલે પ્રજાતંત્ર અને નાગરિકતાની જાણે કે જાહેરમાં ઠેકડી થઈ રહી છે. આવી અત્યંત હલકી અને ક્ષુદ્ર સસ્તી મનોવૃત્તિને લીધે દેશની કોઈ સમસ્યાનો હલ પણ થઈ શકતો નથી અને દેશ પણ મહાન બની શકતો નથી. આવાં આચરણો અને વ્યવહારોમાં પ્રબુદ્ધતા અને જાગરૂકતાનો અભાવ સ્પષ્ટ દેખાય છે, એ બધામાં વિચારશીલ માનવની નહિ પરંતુ વિવેકહીન પ્રાણીની વૃત્તિઓ સજગ બની રહી છે.

શૌચાલયનું શિસ્ત બાળક પણ થોડુંઘણું જાણી લે છે. નાનું કે મોટું જાનવર એનાથી અજાણ કે અસ્પૃશ્ય રહે છે. ૩૦ (હાલ ૫૭) વર્ષની સ્વતંત્રતા પછી પણ આપણા પ્રૌઢ દેશવાસીઓ શૌચાલયના શિસ્તથી સાવ અજાણ છે. રેલવેના પાટાની ડાબીજમણી બાજુએ, જાહેર રસ્તાના કિનારે, સુંદર નહેરોની બંને બાજુએ કોઈપણ જાતના ખચકાટ કે શરમ વિના તેઓ મળોત્સર્ગ કરે છે. સાર્વજનિક શૌચાલય ભલે બનાવ્યાં હોય તો પણ તેઓ એમનો ઉપયોગ કરતા નથી ને એમાં ભાંગતોડ પણ કરે છે. ખાતી વખતે બધાની નજરોથી પોતાને બચાવનારા કહેવાતા ભલા માણસો મળત્યાગ કરતી વખતે બધાંની સામે નિર્વસ્ત્ર થઈ જવાનું અયોગ્ય ગણતા નથી. પોતાની સુવિધાની ચિંતા જ બધું છે. નાગરિક તો જાણે કે પેદા જ નથી થયો! અપ્રબુદ્ધ કક્ષાના માણસોની ઠઠ જામી છે. એમનામાં પ્રબુદ્ધતા આવશે તો તેઓ પણ એકાંતમાં ખાવા અને જાહેરમાં મળત્યાગ કરવાને બદલે જાહેરમાં ખાવાનું અને એકાંતમાં મળત્યાગ કરવાનું સારું ગણતા થશે.

પ્રબુદ્ધ નાગરિકતા વિરુદ્ધ સામંતશાહી જમાઈરાજની મનોવૃત્તિ

સમાજના હિતમાં પોતાની સુવિધાઓને ન જોવા માટેની ક્ષમતા એ સામાજિક શિસ્તનો પાયો છે. એવું જે કોઈ નહિ કરે કે એનાથી ઊલટું કરશે તે નાદાન છે કે ગુનેગાર છે. નાદાન બાળક અજાણ્યે આવું કરી બેસે છે. પરંતુ ગુનેગાર તો બધું જાણી સમજીને એવું કરે છે. એ સામાજિક શિસ્તથી પર છે. એટલે એ બહિષ્કૃત – Out-Law છે. એમની હરકતો પર નજર રાખવા અને એને સજા આપવા માટે કાયદાઓ છે. નાદાન બાળકને કાયદાઓથી નહિ પણ શિક્ષણ દ્વારા સમજાવવા પડે છે. બીજા દેશોની જેમ આપણા દેશમાં પણ ગુનેગારોની સંખ્યા સીમિત છે પરંતુ, આપણી વિશેષ સમસ્યા એક ખાસ પ્રકારનાં બાળકોને લીધે છે. ઉપર વર્ણવેલાં આ સ્ત્રીપુરુષ ‘શરીરથી વયસ્ક પણ બાળકો’ છે. The physically adult children! એમનામાં સામાજિક જવાબદારીનો વિકાસ થયો નથી. અંગત સ્વાર્થ કે હિત જ એમને માટે સર્વકંઈ છે, દુર્ભાગ્યવશ આપણા કેટલાય બુદ્ધિજીવીઓ પણ આ વર્ગમાં આવી જાય છે. ભારતમાં વ્યાખ્યાન-યાત્રા સમયે સ્વામી વિવેકાનંદે આવા લોકો માટે જે શબ્દનો પ્રયોગ કર્યો હતો  તે શબ્દો આ છે : Moustached Babies મૂછડિયાં બાળકો. એમના યુગમાં આવા લોકોની સંખ્યા ઓછી હતી. સ્વાતંત્ર આંદોલનના યુગમાં એ સંખ્યા એનાથી પણ ઓછી હતી. પરંતુ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં આવા લોકોની જમાત વધી ગઈ છે. આવા જ લોકો ધીમે ધીમે લાંચ-રુશ્વત, ચોરી -ઘરફોડી, કરચોરી, ડાકુગીરી, દગાખોરી, ખૂન જેવા સમાજવિરોધી આચરણ સમજી વિચારીને કરવા માંડ્યા છે અને આ દેશમાં ગુનેગારોની સંખ્યામાં વધારો કરતા રહે છે.

‘બધું મારું, બીજા પડે અંધારિયા કૂવામાં’ આવો દૃષ્ટિકોણ નાદાન બાળકવૃત્તિ જેવો છે. બાળકો માટે પણ આ હિતકર નથી. મોટેરાં માટે તો ચોક્કસ પણે હાનિકારક જ છે. હું ઘણી વખત મનોમન પ્રશ્ન કરતો રહું છું: ‘આવા લોકોની મનોવૃત્તિ શું છે, કેવી છે?’ એટલું તો સ્પષ્ટ છે કે તેઓ રાજનૈતિક દૃષ્ટિએ એક નાગરિક હોવા છતાં પણ પ્રબુદ્ધ નાગરિક બની શક્યા નથી. માનવીય સંવેદના અને સામાજિક જવાબદારી એમનામાં છે જ નહિ. આ બધા માનસિક અપરિપક્વતાનાં લક્ષણ ગણાય છે. ભારતીય સામાજિક પરિવેશમાં એમનામાં The feudal son-in-law mentality સામંતશાહી જમાઈરાજની મનોવૃત્તિ જોવા મળે છે. આ એવી મરજી કે વૃત્તિ છે કે જે હક્ક બતાવવાના હેતુથી કે હેસિયતથી બધું માગી લેવાનું જાણે છે. પરંતુ કોઈ પણ પ્રકારની જવાબદારીમાં આ વૃત્તિ માનતી નથી. ‘જમાઈરાજની મનોવૃત્તિવાળી’ વૃત્તિ અત્યંત ખરાબ છે. અને જમાઈ માટે પણ સારી નથી. આજકાલ રોજ આપણે દહેજપ્રથાને કારણે કેટલીયે નિર્દોષ વધૂઓ પર વીતતાં વિતકો અને સંકટથી પરિચિત છીએ. હજારો પરિવારમાં આને લીધે ક્લેશ અને ઘોર નિરાશા જોવા મળે છે.

દેશવાસીઓમાં આવા સામંતશાહી જમાઈરાજની મનોવૃત્તિ એક પ્રબુદ્ધ નાગરિકતાની મનોવૃત્તિમાં ફેરવાઈ જાય તો દેશમાં એક મહાન સામાજિક ક્રાંતિ આવી જશે અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એ બાબતનો સ્પષ્ટ પ્રભાવ પડવા માંડશે. એને પરિણામે દેશમાં ‘ભાડાના ટટ્ટુ-વેઠિયા’ રહેશે નહિ અને ‘મૂછડિયા બાળકબુદ્ધિયા’ પણ રહેશે નહિ. સમાજમાં પ્રબુદ્ધ નાગરિક જ બની રહેશે. એમની પ્રબુદ્ધતાના પ્રમાણમાં સ્તરભેદ હશે. આવા સ્ત્રીપુરુષોમાં ‘ગૃહસ્થ’માંથી નાગરિક બનવા માટેનો આધ્યાત્મિક વિકાસ જોવા મળશે, એ આધ્યાત્મિક વિકાસની ચર્ચા આપણે પહેલાં કરી ચૂક્યા છીએ. આવી પરિસ્થિતિમાં દેશવાસીઓનાં હૃદય વિશાળ હશે, એમનામાં સંવેદના જાગશે સાથે ને સાથે એમની બુદ્ધિ અને એમના જ્ઞાનનો વિકાસ થશે. પ્રેમ અને અનુકંપાથી ભર્યા આ આધ્યાત્મિક વિકાસથી દેશમાં ‘સાસુ – Mother -in-law’ એક ‘મમતામયી મા-Mother’ બનશે, અને ‘જમાઈરાજ – son-in-law’ એક ‘પ્યારો પુત્ર – son’ બનશે.

પ્રબુદ્ધતા અને માનવીય સદ્‌વૃત્તિઓ

દેશની નિરંતર વૃદ્ધિ પામેલી સમસ્યાઓનો ઉકેલ શોધવા દેશવાસીઓએ પોતાના હૃદયમાં માનવીય સદ્‌વૃત્તિઓની એક ભરતી લાવવી જોઈએ. આ સદ્‌વૃત્તિઓની મદદથી આપણા રાજનૈતિક દળોના ૨૦ સૂત્રી કે ૪૦ સૂત્રી કે એવા અન્ય રાજનૈતિક કાર્યક્રમનો કંઈક અર્થ સરી શકશે. એ સિવાય બધાય કાર્યક્રમ એક નારા માત્ર રહી જવાના; રાષ્ટ્ર અને રાજનૈતિક દળોના કાનને બહેરા બનાવી દીધા સિવાય બીજું કંઈ એ નહિ કરી શકે.

માનવીય સદ્‌વૃત્તિઓનો આ મહાન ઉછાળ ઊઠવાથી પ્રબુદ્ધ નાગરિકતાની જાગરૂકતા વધારે વ્યાપક ક્ષેત્રમાં પ્રસરી જશે. ઉદ્યોગપતિ કે વ્યાપારીઓ પ્રબુદ્ધ નાગરિક થતાં પોતાના ઉદ્યોગ કે વ્યાપારમાં એક પ્રકારનાં ગર્વ અને ગરિમાનો અનુભવ કરશે. ગામના લુહાર વિશે એક અંગ્રેજી કવિએ કહ્યું છે: ‘દુનિયાને નજર ઉઠાવીને જોશે’ – ‘પોતાના ઉદ્યોગ કે વ્યાપારને લોકોની સેવાનું સાધન ગણશે અને ફરીથી ‘મહાજના:’નું ગૌરવ પ્રાપ્ત કરશે.’ પ્રાચીન સંસ્કૃતિમાં લોકકલ્યાણ કરનારાઓને ‘મહાજના:’ કહેવામાં આવતા. આજે વિનોબા ભાવે આપણને એની યાદ અપાવે છે. અધ્યાપક, પ્રશાસક, ધંધાર્થી અને અન્ય ક્ષેત્રમાં રહેલા સૌને આ વાત લાગુ પડે છે.

‘પ્રબુદ્ધતા’ એક અસાધારણ શબ્દ છે. એનો આશય વસ્તુઓ અને સ્વયંને નવી નજરે પરખવાનો છે – નીરખવાનો છે. ભગવાન બુદ્ધને આપણે બોધિ કે પ્રબુદ્ધતા પ્રાપ્ત મહાપુરુષ ગણીએ છીએ. ઈ.સ. પૂર્વેની ૬ઠ્ઠી સદીમાં એક મહાપુરુષે પોતાના અંતરમાં જે ઝળહળ જ્યોતિ જગાવી તેનો દિવ્ય પ્રકાશ સમગ્ર એશિયમાં પ્રસરી ગયો. પ્રબુદ્ધતાનું મૂળ કરુણા છે. રાજનૈતિક નાગરિકતા સાથે સંબંધ રાખનાર પ્રબુદ્ધતા પણ આ જ કક્ષાની છે. પરંતુ એની વ્યાપ્તિ અને ક્ષમતા સીમિત છે. પ્રબુદ્ધતા કે પ્રબોધ એટલે માનવીની ક્ષુદ્ર આનુવંશિક સત્તાના મૂળમાં અંતર્નિહિત આત્માની મહાનતા છે. એટલે ઉપનિષદ તથા બુદ્ધદેવે માનવતાને ‘ઉત્તિષ્ઠત – ઊઠો’, ‘જાગ્રત – જાગો’નો મહાન સંદેશ આપ્યો છે. સ્વામી વિવેકાનંદે ‘પ્રબુદ્ધ ભારત’ના અસ્તિત્વની પ્રાર્થના કરી અને કેટલીયે સદીઓ સુધી સુષુપ્ત રહેલા દેશ તથા એના દેશવાસીઓને જગાડ્યા. તેમજ સર્વતો મુખી રાષ્ટ્રિય વિકાસ માટે તૈયાર રહેવા માટે એ સૌને  હાકલ કરી. હિમાલય સ્થિત માયાવતીના અદ્વૈત આશ્રમમાંથી એમણે ‘પ્રબુદ્ધ ભારત’ નામની એક માસિક પત્રિકા બહાર પાડી. પશ્ચિમના દેશોમાંથી પાછા ફરતાં જ ઈ.સ. ૧૮૯૭માં રામેશ્વરમ્‌ની નજીક રામનદમાં સ્વતંત્રતાનાં બરાબર ૫૦ વર્ષ પહેલાં એમણે આપેલ પ્રથમ વ્યાખ્યાનમાં એમણે આવા ઉદ્‌ગારો કાઢ્યા હતા:

‘યુગયુગાન્ત સુધી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન પૂરું થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો જણાય છે… એ ફરીથી ચિરનિદ્રામાં લીન થવાનો નથી. કોઈ પણ વિદેશી રાષ્ટ્ર એની ગતિને રોકી નહિ શકે. એ અનંત અને અસીમ સ્વયં પોતાના પગ પર ઊભો થઈ રહ્યો છે.’ 

કેટલાક દિવસો બાદ ‘ભારતનું ભાવિ’ એ શીર્ષક હેઠળ મદ્રાસના વ્યાખ્યાનમાં એમણે કહ્યું કે જાગ્રત ભારતના કદમ હવે પ્રેમ, કરુણા અને સેવાના પથ પર આગળ ધપશે: 

‘હવે પછીનાં ૫૦ વર્ષ સુધી ભારતમાતાનો સ્વર જ આપણા બધાનો પ્રણવ – મૂળસ્વર બનશે. એ અવધિમાં બાકીના નાના મોટા દેવતા ઓઝલ બનશે. આ જ એકમાત્ર દિવ્ય સત્તા બનશે. પોતાની કુળદેવી છે : વિશ્વતો બાહુ, વિશ્વતો પાદ, વિશ્વતો કર્ણ, એ વિશ્વવ્યાપી છે. અન્ય દેવતા સૂતા છે. હવે આપણે કોઈ બીજા દેવની પાછળ શા માટે પડવું? આપણી ચોતરફ નજરે પડતાં વિરાટ દેવને છોડીને આપણે કોઈ બીજાની ઉપાસના શા માટે કરીએ? એની ઉપાસના એ જ સર્વની ઉપાસના છે. અર્ધો માઈલ પેટ ભરાણીએ ચાલતાં પહેલાં જ આપણે હનુમાનજી બનીને મહાસાગરને ઓળંગવા ઇચ્છીશું, તે સંભવ નથી. હર કોઈ યોગી બને, હર કોઈ ધ્યાની બને આ નહિ થઈ શકે. દિનભર દુનિયાદારીમાં ડૂબ્યા રહીને, કર્મકાંડમાં રચ્યાપચ્યા રહીને અને સાંજ ઢળતાં જ પ્રાણાયામ કરવા બેસીશું! આ બધું એટલું સરળ છે? તમે નાક દ્વારા ત્રણવાર પ્રાણાયામ કર્યો તો શું ઋષિઓ હવામાં ઊડતા આવશે? આ તો એક મજાક કે ઠેકડી છે. આ એક નર્યો બકવાસ છે. ચિત્તશુદ્ધિ-હૃદયની પવિત્રતાની આવશ્યકતા છે. એ કેવી રીતે સંભવ બને? પહેલી વાત તો એ છે કે તમારી ચોતરફ વ્યાપેલા વિરાટની ઉપાસના કરો. તેની ઉપાસના કરો. ઉપાસના જ સાચો શબ્દ છે. આ સંસ્કૃત શબ્દનો અંગ્રેજી પર્યાય નથી. માનવ, પ્રાણી એ જ તમારા ઈશ્વર છે. એક બીજાની ઈર્ષ્યા કર્યા વિના આપણે એમની ઉપાસના કરવી છે. આપણે આપણાં કર્મનું ફળ ભોગવી રહ્યાં છીએ અને છતાંય આપણી આંખો ખૂલતી નથી!’

ઉપર્યુક્ત ઉદ્ધરણમાં સ્વામી વિવેકાનંદે ‘ઉપાસના’ શબ્દનો પ્રયોગ કર્યો અને કહ્યું કે આ સંસ્કૃત શબ્દનો કોઈ અંગ્રેજી પર્યાય નથી. એટલે તેઓ શ્રીમદ્‌ ભાગવતના શ્લોકને (૩.૨૯.૨૭) યાદ કરતા હતા. ઈશ્વરાવતાર કપિલ આધ્યાત્મિક જીવનનું પ્રતિપાદન કરતી વખતે માતા દેવહુતિને એ શ્લોક સંભળાવી ચૂક્યા હતા : 

અથ મામ્‌ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માનં કૃતાલયમ્‌;
અર્હયેત્‌ દાનમાનાભ્યામ્‌ મૈત્રયાઽભિન્નેન ચક્ષુષા.

‘બધાં પ્રાણીઓમાં નિવાસ કરનારો હું છું. એટલે પ્રાણીઓની ઉપાસના કે સેવા એ મારી જ ઉપાસના કે સેવા છે. બધાંનું માન કે સર્વનો આદર એ મારાં આદરમાન છે. બધાંને દીધેલું દાન એ મને આપેલા દાન જેવું છે. આ બધું મૈત્રીભાવથી અને અભેદભાવથી દેવું જોઈએ. હું જ અનેકોમાં એક છું અને મેં સર્વમાં મારું પોતાનું મંદિર બનાવી લીધું છે.’

પહાડ જેવી આપણી પોતાની સમસ્યાઓ સાથે આપણે ઝઝૂમતા રહ્યા છીએ. પરંતુ એ સમસ્યાઓનો ક્યાંય ઉકેલ મળતો નથી. દિવસે દિવસે, પ્રત્યેક વર્ષે સમસ્યાઓ તો સેંકડો ગણી વધતી જાય છે. આપણા દેશબંધુઓ જે આ વિશાળ દેશની જળસ્થળ સીમાઓમાં – અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, આંદામાન, નિકોબાર, લક્ષ્યદ્વીપ વગેરે – પ્રદેશોમાં વસે છે, એ બધામાં અને દેશના બીજા પ્રદેશોમાં રહેતા લોકોની વચ્ચે કોઈ સમાનતા હોય તો તે છે સ્વતંત્ર ભારતની નાગરિકતાની અને આ દેશની મહાન વિરાસતના સહભાગની. આ પહેલાં વિદેશી શાસનની ગુલામી એ આપણી સમાનતા હતી. અન્ય દેશવાસીઓ સાથે એ બધાને સ્વતંત્રતાની અનુભૂતિ કેવી રીતે થાય? શરીરના અવયવોનો સંબંધ હૃદયની રક્તવાહિનીઓ દ્વારા પોષિત અને પુષ્ટ થાય છે. આ આપણો લોકશાહી પ્રજાતંત્ર દેશ છે. એમાં સાર્વભૌમત્વનું કેન્દ્ર રાજા નથી કે નથી સમ્રાટ. આ સાર્વભૌમ અધિકાર લાખો કરોડો નાગરિકોમાં વહેંચાયેલો છે. માનવીય સદ્‌વૃત્તિઓનું રાષ્ટ્રના હૃદયમાં થતું સ્પંદન આપણા લાખો કરોડો દેશવાસીઓનાં હૃદયનું સ્પંદન બનો અને સમગ્ર રાષ્ટ્રમાં સદ્‌વૃત્તિઓનો પ્રવાહ વહેતો બને કે જેનાથી આપણી રાજનૈતિક વ્યવસ્થા માટે આવશ્યક પૌષ્ટિક અંશ મળતો રહે.

આપણા પ્રજાતંત્રનું આધ્યાત્મિક અનુમાપન

આ દેશના કોઈપણ ભાગનું કોઈ પણ અન્ય ભાગ પર શાસન નથી. ભારતના પ્રાચીન રાજ્ય અને સામ્રાજ્ય કોઈ એક ભાગ કે પ્રદેશ પર કેન્દ્રિત હતા. અથવા દેશના કેટલાક કે બધા ભાગો પર રાજ્ય ચલાવતા હતા. સત્તા રાજા કે સમ્રાટમાં કેન્દ્રિત રહેતી. આ બધું આજે બદલી ગયું છે. આ નવા રાજનૈતિક અનુભવ અને એની અસાધારણ માનવીય સંભાવ્યતાના ક્રાંતિકારી સ્વરૂપનું મહત્ત્વ દેશવાસીઓએ જાણવું જોઈએ. ભારતીય સંઘનો પ્રત્યેક ભાગ, પ્રત્યેક પ્રદેશ સમાન છે. આ બધા ભાગો કે પ્રદેશો મળીને ભારતનું વિરાટ સ્વરૂપ બને છે, રાષ્ટ્રનું વિસ્તૃત ક્ષેત્ર સૂચિત થાય છે. આધુનિક પ્રજાતંત્ર લોકશાહીમાં નાગરિકતાની કલ્પનાનું એક સૌથી મોટું મૂલ્ય એટલે રાષ્ટ્રમાં માનવ-માનવ વચ્ચે રાજનૈતિક સમાનતા. નાગરિક સ્ત્રીપુરુષના હાથમાં ચૂંટણીના સમયે જે મતપત્ર રહે છે, એનો સંકેત શું છે? વેદાંતની દૃષ્ટિએ આ માનવમાં રહેલ અનંત અસીમ આત્માની બાહ્ય અભિવ્યક્તિ છે. પ્રત્યેક નાગરિકના સંપૂર્ણ તથા અહસ્તાંતરણીય મૂલ્યનું તે પ્રતીક છે, રાષ્ટ્રમાં બીજાઓની સાથેની સમાનતાનું દ્યોતક છે. કોઈ સુદૂર રાજ્યમાં એક સડકને કિનારે રહેનાર કોઈ શિલ્પકાર બની શકે છે, રાજધાનીમાં રહેનારો કોઈ મોટો પ્રધાન મંત્રી પણ બની શકે છે, પરંતુ આ નાનકડા મતપત્રને લીધે એ બંને સમાન છે. કોઈ ધનવાન ઉદ્યોગપતિ છે, કોઈ ગરીબ ગૃહિણી છે, કોઈ મહાન વૈજ્ઞાનિક છે કે મહાન મેધાવી છે, કોઈ સાધારણ નાગરિક છે પરંતુ આ મતપત્ર બધાને સમાન બનાવી દે છે. આ આધુનિક રાજનીતિનો ઘણો સુંદરમજાનો વિચાર છે. આધુનિક યુગમાં લાખો કરોડો દેશવાસીના ભાગ્ય ઘડવા કે ભાવિ નક્કી કરવામાં આ મતપત્રનું ઘણું મોટું યોગદાન છે. ઇતિહાસના અન્ય યુગોની તુલનામાં આધુનિક યુગ આ જ કારણે સર્વથા ભિન્ન લાગે છે.

પ્રજાતંત્રનો આ આદર્શ અને તેનું તંત્ર આપણને ગ્રીસ-રોમ તથા આધુનિક પાશ્ચાત્યધારા અને અનુભવમાંથી મળ્યો છે. પરંતુ વેદાંત અને સ્વામી વિવેકાનંદનો સંદેશ છે કે આપણે એના પર પોતાની રાષ્ટ્રિય પ્રતિભાની છાપ અંકિત કરીએ અને તેનું આધ્યાત્મિક અનુમાપન કરીએ. એમણે આવું કરવાની રીત પણ બતાવી છે. પાશ્ચાત્ય વિચારધારા અને અનુભવમાં પ્રજાતંત્રનાં સામાજિક રાજનૈતિક આયામ અને મૂલ્ય જ મુખ્ય છે. આજે એમને એની ઊણપો, સીમાઓ જણાવા લાગી છે. ભારતમાં માનવને સમજવાનું દર્શન જ નિરાળું છે. ગ્રીસ અને પાશ્ચાત્ય પ્રજાતંત્રમાં માનવ કેવળ એક સામાજિક પ્રાણી છે. ભારતીય દર્શન પ્રમાણે માનવ કેવળ એક સામાજિક પ્રાણી, રાજનૈતિક વિધિવિધાનોથી અનુશાસિત સામાજિક પ્રાણી જ નથી, એ આત્મા છે, અસીમ આત્મા છે. એક છે, અદ્વૈત છે. સદા પવિત્ર છે, સદા સ્વતંત્ર છે, સદા પ્રકાશપૂર્ણ છે. આપણે એ સમજવાનું છે અને એ પ્રમાણે પ્રજાતંત્રનો પ્રયોગ કરવાનો છે. આ બધું કરવા છતાં પણ તે રાજનૈતિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ગતિવિધિઓથી અલગ નથી. ભારતની બધી ક્રિયા-પ્રતિક્રિયાઓ માનવમાં નિહિત આ ભાસ્વર સત્યના સાક્ષાત્કારમાં તેને સહાય કરે છે. એને બ્રિટિશ કવિ રોર્બટ બ્રાઉનિંગે Paracelsus માં ‘બંધનોમાં પડેલ વૈભવ’ – imprisoned splendour નું વિમોચન ગણ્યું છે.

આપણાં બધાંમાં એક અનંત આત્મા છે. લિંગ, જાતિ, કુળ, સંપ્રદાય કે સામાજિક માનમર્યાદાનો એમાં કોઈ ભેદ નથી. આત્મામાં આપણે બધાં એક છીએ. આત્મા ખંડિત નથી, બધાંમાં એ સત્યનું અવિભાજ્ય પરિમાણ છે. ‘અવિભક્તમ્‌ ચ ભૂતેષુ વિભક્તમ્‌ ઇવ ચ સ્થિતમ્‌’ (ગીતા ૩.૧૬) આ સુંદર સંદેશ છે. અવિભક્ત સત્ય સૃષ્ટિનાં અનેક રૂપોમાં વિભક્ત જેવું દેખાય છે.

માનવના સંબંધમાં વેદાંતના આ કથનના આલોકમાં પોતાના હાથમાં રહેલ મતપત્રને ફરીથી જુઓ. આપને ખ્યાલ આવશે કે એ આંતરિક આધ્યાત્મિક સત્યની બાહ્ય રાજનૈતિક અભિવ્યક્તિ માત્ર છે. માનવમાં, પ્રકૃતિમાં એક જ પરમાત્માની સત્તા છે. આ વેદાંતનું સત્ય છે. એ અંતર્યામી કે અંતરાત્મા છે. ‘સૂત્રે મણિગણા ઇવ’ સૂત્રમાં પરોવાયેલ મણિમાળા સમાન છે. પરમાત્માના અવતાર શ્રીકૃષ્ણ ભગવાને (ગીતા૩.૭) માં કહ્યું છે:

मत: परतरं नान्यत् किंचदस्ति धनंजय ।
मयि सर्वमिदं प्रोतं सूत्रोमणिगणा इव ॥

‘મારાથી મહત્તર અહીં બીજું કંઈ નથી. હે અર્જુન આ સમગ્ર વિશ્વ દોરામાં પરોવાયેલા મણિઓની જેમ મારામાં પરોવાયેલું છે.’

આ ઈશ્વરનું સત્‌ સ્વરૂપ છે, એ અનુભવ ગમ્ય છે, વેદાંતમાં એનું પ્રતિપાદન થયું છે. એ બ્રહ્માંડથી પર કોઈ અમૂર્તનો સંકેત નથી. એ માનવમાં, પ્રકૃતિમાં સદા વ્યક્ત વિરાટ છે. પ્રત્યેક જીવ શિવ છે. જીવસેવા એ જ શિવસેવા છે. શ્રીરામકૃષ્ણદેવનો આ સંદેશ છે. અત: માનવની સેવા દ્વારા આપણે ઈશ્વરની સેવાપૂજા કે ઉપાસના જ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદના ઉપર્યુક્ત ઉદ્ધરણમાં આનું જ વિશદીકરણ જોવા મળે છે. હબસીઓની ગુલામીના ઉન્મૂલન માટે અમેરિકામાં જે ગૃહયુદ્ધ થયું એ સમયે પોતાના એક સંભાષણમાં ત્યાંના પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકને જે કંઈ કહ્યું એમાં ઈશ્વરની આ જ કલ્પનાનો સંકેત જોવા મળે છે. ૧૧ ફેબ્રુઆરી ૧૮૬૧માં સંયુક્ત રાજ્ય અમેરિકાનું પ્રમુખપદ સંભાળવા તેઓ પોતાના ગામ સ્પ્રિંગફિલ્ડથી વોશિંગ્ટન ડી.સી. રવાના થયા. સ્પ્રિંગફિલ્ડમાં એમનો જન્મ થયો હતો. (ફરી પાછા તેઓ ત્યાં પાછા ફર્યા ન હતા.) આ અવસરે વિદાય સમારોહ આયોજિત થયો. ગાડીમાં એમનો ડબ્બો છેલ્લે લગાડવામાં આવ્યો હતો. પ્લેટફોર્મ પર ડબ્બાની પાસે ઊભા રહીને તેઓ બોલ્યા હતા:

‘સાથીઓ, આ વિદાયથી હું જે વ્યથા અનુભવું છું એને કોઈ પણ સમજી શકે તેમ નથી. હું આજે જે કંઈ પણ છું એનું સમગ્ર શ્રેય આ ગામને છે, અહીંના સ્નેહભાવવાળા નિવાસીઓને છે. હું લગભગ ૨૫ વર્ષ અહીં વિતાવી ચૂક્યો છું. બાળપણમાંથી પ્રૌઢાવસ્થામાં પ્રવેશ્યો છું. અહીં મારા બાળબચ્ચાં જન્મ્યાં છે. એકની કબર અહીં જ છે. હું અહીંથી જઈ રહ્યો છું. હું કહી શકતો નથી કે અહીં મારા પાછા આવવાનું ક્યારે સંભવ બનશે. વોશિંગ્ટન પર જે જવાબદારી હતી એનાથી મોટી જવાબદારી મારા ઉપર આવી ગઈ છે.

‘પરમાત્માની કૃપા, સહાયતા વિના હું સફળ ન થઈ શકત. એમની મદદથી જ હું ક્યારેય નિષ્ફળ થઈ શકતો નથી. સદૈવ સાફ રહેનાર, આનંદથી પરિપૂર્ણ અને સર્વનું કલ્યાણ વાંછનારા એ પરમાત્મા પર શ્રદ્ધાવિશ્વાસ રાખીને એટલો ભરોસો રાખજો કે જે કંઈ પણ થશે એ ભલા માટે જ હશે. પરમાત્મા આપની રક્ષા કરો. મને આજ્ઞા આપો. હું આપ સૌ પાસે વિદાય માગું છું.’ (Abraham Lincoln by Lord Charnwood, Henry Holt Co., New York, 1916, p.203; quoted from the article on ‘Reflection on the Spiritual Life of Abraham Lincoln” in Prabuddha Bharata, sept. 1974)

આત્માને નાતે આપ સૌની જે સ્વતંત્રતા, સમાનતા અને ગરિમા છે એ જ પ્રજાતંત્રના નાગરિકના નાતે આપ સૌની રાજનૈતિક સ્વતંત્રતા, સમાનતા અને ગરિમા છે. આજે આ સત્ય ચરિતાર્થ થયું નથી. આ એક કેવળ સિદ્ધાંત છે, એક આપેલું વચન છે, એક ભરોસો કે વિશ્વાસ છે. પહેલાં ‘ગૃહસ્થ’માંથી ‘નાગરિક’માં આપણો આધ્યાત્મિક વિકાસ થાય અને પછી તેનો આયામ ઉન્નત બનતો જાય. આવી જ રીતે આપણે સાચો સમાજ ઘડી શકીએ. આવા ન્યાય પર આધારિત સમાજના નિર્માણનું આ રહસ્ય છે. ન્યાય પર આધારિત સમાજ એ જ કે જ્યાં મોટા ભાગના નિવાસીઓમાં આધ્યાત્મિક વિકાસ, માનસિક-સામાજિક વિકાસ થોડોઘણો પણ સધાઈ જાય. ન્યાય પર આધારિત દેશમાં અમીર-ગરીબ, સબળ-દુર્બળ, બધાં સમાન હશે. આજે આવું જોવા મળતું નથી. સબળ વધુ સબળ બની રહ્યા છે, અમીર વધુ ને વધુ ધનવાન બનતા જાય છે, નિર્બળ અને ગરીબોને તો દીવાલ તરફ ધકેલી મૂકવામાં આવ્યા છે.

(ક્રમશ:)

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.