આપણે બ્રહ્મ સત્‌-ચિત્ત-આનંદ એવં પરમાનંદ સ્વરૂપ છીએ, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, ‘ચૈતન્ય સત્તા’ પ્રત્યે સચેત રહેવું જોઈએ. આપણે અંતર્નિહિત પ્રકૃતિ પ્રત્યે જાગરૂક રહેવું જોઈએ, આપણા શાશ્વત આત્માને અનુરૂપ જીવન જીવવું જોઈએ, નિરંતર આપણા શાશ્વત સ્વરૂપ સાથે ઐક્ય સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે આવું ન કરીએ તો આપણું મન બાહ્ય જગતનાં વિવિધ પ્રલોભનો અને આકર્ષણોથી ઘેરાઈ જાય એવી પૂરી સંભાવના છે. આત્માના સ્તર પર ન રહેવાનો અર્થ એ છે કે આપણે આપણા નિમ્ન સ્તરે જીવી રહ્યા છીએ. 

જે લોકો પોતાના વાસ્તવિક સ્વરૂપ વિશે જાણવા નથી ઇચ્છતા તેવા અધિકાંશ વ્યક્તિઓ વિશે આપણે ચિંતિત નથી. આપણે યથાર્થ સત્યના અન્વેષક તેમજ મોક્ષપ્રાપ્તિના જિજ્ઞાસુઓ વિશે ચિંતિત છીએ. આવા જિજ્ઞાસુઓએ ક્યારેય પોતાના આધ્યાત્મિક પ્રયાસોમાં શિથિલતા ન લાવવી જોઈએ. એમની ભીતર ‘બ્રહ્મનિષ્ઠા’ હોવી જ જોઈએ. જો એમનામાં બ્રહ્મનિષ્ઠા ન હોય તો ફરી પાછો એમના પર અજ્ઞાન રૂપી અંધકાર છવાઈ જાય એવી સંભાવના છે. આ વિશે વિવેકચૂડામણિના ૩૨૪માં શ્લોકમાં આમ કહેવામાં આવ્યું છે :

यथाऽपकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति ।
आवृणोति तथा माया प्राज्ञं वापि पराङ्मुखम् ॥

જેવી રીતે શેવાળને પાણી પરથી એકવાર હટાવી દીધા પછી પણ તે ક્ષણભર માટે પણ અલગ નથી રહેતું, (તરત જ ફરીથી પાછું પાણીને ઢાંકી દે છે.) એવી રીતે આત્મજ્ઞાન વિહિન વિદ્વાનને પણ માયા ફરીથી ઘેરી લે છે. 

આ પણ એક અત્યંત આવશ્યક વાત છે. જેમ શેવાળને પાણીની સપાટી પરથી હટાવી લેવા છતાં પણ એક પળ માટે પણ પાણીથી અલગ થતો નથી, અને પાણીની ઉપરની સપાટીને ઢાંકી દે છે, એવી રીતે જો આપણે જરા પણ અસાવધાન રહ્યા તો મોહમાયા આપણા મન પર છવાઈ જશે. એમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાની વિદ્વાન પણ જો તે સર્તક ન રહે તો મહામાયાના પંજામાંથી બચી શકતો નથી.  શંકરાચાર્યે આ શ્લોકમાં આપણે પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે અંતર્મુખી બનવું જોઈએ, બહિર્મુખી નહિ; એ વાત પર વધારે ભાર મૂકે છે. અનેક લોકો રૂઢિવાદી ધર્મમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે, પરંતુ એ વાસ્તવિક આધ્યાત્મિકતા નથી, અને એ બધાને માટે હોતી પણ નથી. જનસામાન્ય આધ્યાત્મિકતા જેવી કોઈ વસ્તુ હોઈ ન શકે. એ તો છે ગણ્યાગાંઠ્યા વ્યક્તિઓ માટે. ભગવદ્‌ ગીતા ૭.૩માં કહેવામાં આવ્યું છે :

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥

હજારો મનુષ્યોમાં કોઈ એક મોક્ષરૂપી સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે; અને એ પ્રયત્ન કરવાવાળા સિદ્ધ સાધકોમાંથી કોઈ એક જ મને તત્ત્વરૂપે – સ્વરૂપત: જાણે છે.

કેવળ જેમનામાં અંતર્નિહિત સદ્‌વૃત્તિઓ હોય છે તેઓ જ સર્વોચ્ચ સ્વયંના પોકારને સાંભળે છે અને અહીં આપણે કેવળ એવા જ મનુષ્યની બાબતમાં ચિંતિત છીએ. સદૈવ સતર્ક અને સાવધાન રહેવું જોઈએ આપણે એવો પોકાર સાંભળીએ છીએ. શંકરાચાર્યે વિવેકચૂડામણિ શ્લોક ૩૨૫માં કહ્યું છે :

लक्ष्यच्युतं चेद्यदि चित्तमीष –
द्बहिर्मुखं सन्निपतेत्ततस्ततः ।
प्रमादतः प्रच्युतकेलिकन्दुकः
सोपानपङ्क्तौ पतितो यथा तथा ॥

જેમ અસાવધાનતાવશ (હાથમાંથી છૂટીને), સીડીના પગથિયા પર પડેલ દડો, એક પગથિયેથી બીજે પગથિયે પડતો પડતો નીચે જાય છે તેવી જ રીતે ચિત્ત પોતાના લક્ષ્ય એવા બ્રહ્મથી દૂર હટીને થોડું પણ બહિર્મુખ બની જાય તો તે સીધે સીધું નીચેની તરફ પડતું રહે છે.

આવી રીતે જો આપણું મન પોતાના પરમ લક્ષ્યથી થોડું પણ દૂર ચાલ્યું જાય તો તે નીચે ને નીચે પતન પામતું રહે છે. વળી, વધુ એક વાર આમ પથભ્રષ્ટ થવાથી તેને ફરી પાછું પ્રારંભિક સ્થાને લાવવું અત્યંત કઠિન બની જાય છે. એનું નિદાન શું છે? વૈરાગ્યની સાથે આપણી ભીતર બ્રહ્મનિષ્ઠા હોવી અનિવાર્ય છે. પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણને અંતર્મુખી બનવાનું કહેવામાં આવ્યું છે. અર્થાત્‌ આપણે આપણા મનને આત્માની સાથે સંબંધ ન રાખનારા બધા વિષયોથી અલગ કરવાનું છે. પરંતુ જો આત્માથી અસંબંધિત બધા વિષયોથી એને દૂર રાખવાનો હોય તો આપણી સમક્ષ કોઈ ભાવાત્મક – સકારાત્મક વસ્તુ હોવી જોઈએ; કારણ કે મન ક્યારેય કોઈ વસ્તુના અભાવે શૂન્યમાં રહી શકતું નથી. એટલે કેવળ વૈરાગ્ય દ્વારા આપણે આપણી સમસ્યાનું સમાધાન ન કરી શકીએ. વૈરાગ્યની સાથે આપણી પાસે કોઈ ભાવાત્મક – સકારાત્મક વસ્તુ પ્રાપ્તિના હેતુ માટે હોવી જોઈએ. વિવેકચૂડામણિ ૩૭૪માં શંકરાચાર્યે કહ્યું છે:

वैराग्यबोधौ पुरुषस्य पक्षिवत् पक्षौ विजानीहि विचक्षण त्वम् ।
विमुक्तिसौधाग्रतलाधिरोहणं ताभ्यां विना नान्यतरेण सिध्यति ॥

હે વિદ્વાન! વૈરાગ્ય અને બોધ એ બંને પક્ષીની બે પાંખો જેવી મોક્ષકામી પુરુષની બે પાંખ સમજો. એ બંનેમાંથી કોઈ પણ એક વિના કેવળ એક જ પાંખ દ્વારા કોઈ પણ મુક્તિ રૂપી મહેલની અટારીએ ચડી જ ન શકે. અર્થાત્‌ મોક્ષપ્રાપ્તિ માટે વૈરાગ્યની અને જ્ઞાનની બંનેની આવશ્યકતા છે.

પક્ષી કેવળ એક પાંખે ઊડી શકતું નથી. એને ઊડવા માટે બે પાંખની આવશ્યકતા રહે છે. એવી રીતે જો આપણે મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પણ વૈરાગ્ય અને જ્ઞાન બંનેની આવશ્યકતા છે. જ્ઞાનનો અર્થ અહીં બ્રહ્મનિષ્ઠા છે. જો આપણે પરમલક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આ બંને સાધન આવશ્યક છે. પરમ લક્ષ્ય અસીમ પ્રત્યેના ઉડ્ડયન સમાન છે. એને માટે આપણે પૂર્ણત: તૈયાર રહેવું જોઈએ. કેવળ વૈરાગ્યથી અર્થાત્‌ ભૌતિક વસ્તુઓમાંથી વિરક્તિભાવથી નહિ પરંતુ આપણે બોધ-જ્ઞાન પણ ઉત્પન્ન કરવું જોઈએ એટલે કે પોતાના વાસ્તવિક સ્વરૂપથી નિરંતર સમન્વય સ્થાપિત કરવો જોઈએ. ત્યારે જ આપણે સફળતાની આશા કરી શકીએ. આ રીતે આપણે પ્રયોગાત્મક ફોર્મ્યુલા – સૂત્ર પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રયોગાત્મક સૂત્ર શું છે? આપણને વૈરાગ્યની આવશ્યકતા છે એ વાત નિ:સંદેહ છે. આપણે આ સંસારના અત્યધિક ભ્રામક સ્વરૂપ વિશે વિશ્વસ્ત બનવું જોઈએ. કોઈ સાંસારિક વસ્તુ આપણને સુખ આપી શકતી નથી. શાશ્વત શાંતિ, અસીમ આનંદની પ્રાપ્તિ આપણે સાંસારિક વિષયોની કામનાથી કરી શકતા નથી. એટલે આપણે અંતર્દૃષ્ટિનો અભ્યાસ કરવો જોઈએ તથા પોતાના મનને બાહ્યજગત પરથી હટાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આપણે વૈરાગ્યની આવશ્યકતા છે, પરંતુ વૈરાગ્યની સાથે સાચી સાધનાની પણ આવશ્યકતા છે.

આપણે સદૈવ સચેત રહેવું જોઈએ કે આ જીવન ક્ષણભંગુર છે અને એક દિવસ તો આપણે ચોક્કસ મરવાનું જ છે. કોઈ આપણી સાથે આવવાનું નથી. એટલે સુધી કે આપણા નિકટતમ અને પ્રિય સંબંધી પણ સાથે નહિ આવે. જ્યારે આપણા મનમાં આવા વિચાર ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ગંભીર બનીએ છીએ અને ધર્મગ્રંથોમાંથી માર્ગદર્શન તેમજ સાચા ગુરુને શોધીએ છીએ. જે ગુરુ દ્વારા આપણને સાધના અર્થાત્‌ આપણા લક્ષ્યપ્રાપ્તિ માટે આધ્યાત્મિક અભ્યાસનો માર્ગ મળી શકે. એટલે વૈરાગ્ય અને આધ્યાત્મિક અભ્યાસ આપણને પરમલક્ષ્ય પ્રત્યે દોરી જાય છે, એ બંને આવશ્યક છે. પ્રાય: એવું જોવા મળે છે કે પોતાના ગુરુ પાસેથી નિર્દેશ પ્રાપ્ત કરીને એક જિજ્ઞાસુ સૌ પહેલાં તો અત્યંત લગની અને જિજ્ઞાસા સાથે આધ્યાત્મિક અભ્યાસનો પ્રારંભ કરે છે. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એ આધ્યાત્મિક અનાવરણની પ્રારંભિક ઇચ્છા ઘટતી જઈને સમાપ્ત કે શૂન્ય થઈ જાય છે. કેવળ એ જ વ્યક્તિ લક્ષ્યપ્રાપ્તિ કરી શકે છે જે પ્રારંભિક લગનીને સતત સદૈવ જાળવી રાખે છે. આ લગની ત્યારે જ સ્થિર રહી શકે છે કે જ્યારે આપણી અંદર મોક્ષપ્રાપ્તિ કે મુમુક્ષુત્વની તીવ્ર જિજ્ઞાસા હોય. આ વિશે શંકરાચાર્યે વિવેક ચૂડામણિના ૨૯મા શ્લોકમાં મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે:

वैराग्यं च मुमुक्षुत्वं तीव्रं यस्य तु विद्यते ।
तस्मिन्नेवार्थवन्तः स्युः फलवन्तः शमादयः ॥

જે પુરુષમાં વૈરાગ્ય અને મુમુક્ષુત્વ તીવ્ર હોય છે તેમાં જ શમ આદિ ચરિતાર્થ અને સફળ બને છે.

બધી સાંસારિક વસ્તુઓ પૂર્ણપણે કૃત્રિમ છે. જ્યાં સુધી આપણા મનમાં ભૌતિક વસ્તુઓ પ્રત્યે સાચી વિરક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આપણને મોક્ષપ્રાપ્તિ થતી નથી.  પ્રથમ મહત્ત્વપૂર્ણ અને પૂર્વ આવશ્યકતા વાસ્તવિક વૈરાગ્યની છે, પરંતુ એ જ સર્વકંઈ નથી. આ વાતને સ્પષ્ટ કરવા માટે એક ટેબલનું ઉદાહરણ લઈએ. એ ટેબલને ચાર પાયા હોય છે. પહેલો પાયો વિવેક, બીજો વૈરાગ્ય, ત્રીજો ષટ્‌સંપત્તિ (શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન આ છ ગુણોનો સંબંધ) તથા ચોથો પાયો મુમુક્ષુત્વ એટલે મુક્તિની ઇચ્છા.

જ્યાં સુધી ટેબલના ચારેય પાયા સારી સ્થિતિમાં ન હોય ત્યારે ટેબલ ત્રાંસું રહેશે. ચોથો પાયો મુમુક્ષુત્વ છે. એટલે કહેવાયું છે: જ્યારે સાધકના મનમાં મોક્ષપ્રાપ્તિની પ્રબળ ઇચ્છા થાય ત્યારે કોઈ પણ સાધના સફળ અને ફળદાયી બને છે. એટલે જો આપણે આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ નહિ કરીએ તો આપણને અંત:કરણમાંથી આવો ઉત્તર મળશે: ‘શું હું મારા આધ્યાત્મિક જીવન વિશે ગંભીર છું? શું હું ખરેખર મુક્તિની વાસ્તવિક ઇચ્છા ધરાવું છું?’ સ્વામી વિવેકાનંદે પોતાના એક પ્રવચનમાં કહ્યું છે: ‘સાધનોની ચિંતા કરો, સાધ્ય સ્વયં પોતાની ચિંતા કરશે.’ સાધ્ય શું છે? સાધ્ય આધ્યાત્મિક પૂર્ણતા એટલે કે પરમલક્ષ્યની પ્રાપ્તિ છે. સાધન કયાં કયાં છે? સાધન છે, વિવેક, વૈરાગ્ય, ષટ્‌સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ અનુભૂત સત્ય છે અને જે એમનો અભ્યાસ કરે છે તેઓ લક્ષ્ય સુધી પહોંચવાના. એટલા માટે આપણે કહી શકીએ કે જો આપણી ભીતર સાચો વૈરાગ્ય અને મુક્તિની ઇચ્છા હોય તો પરમલક્ષ્ય પ્રત્યેની આપણી યાત્રા ચોક્કસ સફળ થવાની.

એટલે આધ્યાત્મિક અનાવરણ અને આધ્યાત્મિક વિકાસ એ હૃદયમાં જન્મે છે કે જ્યાં વૈરાગ્યના જળથી એનું સિંચન થાય છે. વળી, આપણે એના પર હળ પણ ચલાવવું પડશે. ધારો કે આપણે ખેતી માટે કોઈ ખેતરમાં પાણી પાવાનું છે. તો એમાં માત્ર પાણી પાવું એ પૂરતું નથી. આપણે કોઈ પણ રીતે કોઈ ચોક્કસ પ્રકારની બેવડી ચાલમાંથી એને બચાવવાનું છે. આ બેવડી ચાલનો અર્થ શું છે? પરમેશ્વરે આપણું નિર્માણ કર્યું છે, આપણી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સાંસારિક વિષય વસ્તુઓને પ્રાપ્ત કરવા કે એમનો આનંદ મેળવવા માટેની હોય છે. પરંતુ કેટલાક એવા પ્રબુદ્ધ માનવો હોય છે કે જે સારાનરસાનો ભેદ સમજે છે, જાગરૂક છે અને પોતાના અંત:કરણમાં આવો અનુભવ કરે છે કે જો તેઓ પોતાની જાતને બાહ્યજગતના ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રલોભનોમાં આકર્ષિત થવા દેશે તો તેઓ આ જીવનના પરમલક્ષ્ય સુધી પહોંચી શકવાના નથી. એનું કારણ એ છે કે ઇન્દ્રિયોમાં આપણને આંતરિક સૃષ્ટિમાંથી બાહ્યસૃષ્ટિ તરફ ખેંચી જવાની પ્રવૃત્તિ થતી હોય છે. સાંસારિક પ્રલોભનોની તૃષ્ણામાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આ સંસાર કેવળ પ્રતીતિઓનો સંસાર છે, જે સાચો સંસાર નથી. જો આપણે સાંસારિક પ્રલોભનોના ચકરાવામાં પડી જઈશું અને સાથે ને સાથે આધ્યાત્મિક પથ પર પણ ચાલવા ઇચ્છીશું તો આપણે એક ભૂલ કરવાના છીએ, આ ભૂલને બેવડી ચાલ કહી શકાય. જો આપણે પરમલક્ષ્ય પ્રાપ્તિના પથ માટે ગંભીર છીએ તો આપણે એક જ વાર પસંદગી કરવી પડશે. આપણું ચિંતન આ પ્રકારનું હોવું જોઈએ: ‘આપણે આ સંસારના અસંખ્ય જન્મોમાં આનંદ માણ્યો છે. આ જીવનમાં ઇન્દ્રિયોનો આનંદ એટલે શું છે એ આપણે જાણીએ છીએ. શું આપણે એકવાર ફરીથી આ કપટી સંસારમાં દગો ફટકો ખાવો છે?’ જો આપણે ફરીથી આવો દગો-ફટકો ન મેળવવા ઇચ્છતા હોઈએ તો આપણે આ વિશે દૃઢ નિશ્ચય કરવો પડશે અને એ પ્રમાણે આ જીવન જીવવું પડશે. જો આપણે એમ નહિ કરીએ તો આપણા પરમ લક્ષ્યની યાત્રા પર ચાલી તો નીકળીએ પણ આપણને વિભિન્ન સાંસારિક લોલુપતાઓની સામે ઝૂકી જવું પણ પડે. ત્યારે આપણે એક ભયંકર શોચનીય દશામાં પડી જવાના. આ અવસ્થાથી પ્રત્યેક જિજ્ઞાસુએ બચવું જોઈએ. 

હવે પછીનો પ્રશ્ન એ છે કે આ બેવડી ચાલ કેમ આવે છે? આ બેવડી ચાલનું કારણ આપણાં પૂર્વકર્મો દ્વારા પ્રાપ્ત દેહ અને મનની અસંખ્ય ઇચ્છાઓ છે. એનું નિદાન શું છે? મનને સચેત અને ઐચ્છિક શિસ્તમાં રાખવું પડશે. આ એક સ્વયંભૂ અનુશાસન બનવું જોઈએ. જો આ ઉચ્ચતર આધ્યાત્મિક પથ (અંતરસ્થ) પર ચાલીએ તો સંઘર્ષનો સામનો કરવો પડશે. કરોડો વ્યક્તિ આ ભૂતલ પર આવા સંઘર્ષોનો સામનો કરી શકતી નથી. જે આધ્યાત્મિક જીવનને ગંભીરતાથી મનમાં લે છે કેવળ એવા જ લોકો સંઘર્ષરત બનશે. જૈવિક સત્તામાંથી દિવ્યસત્તાના ક્ષેત્રમાં જવું જોઈએ. સ્વાભાવિક છે કે એને પ્રાપ્ત કરતાં પહેલાં પૂર્વ સંઘર્ષ થવાનો જ.

(ક્રમશ:)

Total Views: 168

One Comment

  1. Babubhai I Joshi May 16, 2023 at 10:38 am - Reply

    Adbhut sadhna prayog for Mahatma good to Abhinandan 🙏🙏

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.