ભારતીય સંસ્કૃતિની ગૌરવ-ગરિમામાં વેદિક વારસો અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાશ્વત સત્યો, માનવના મૂળભૂત સ્વરૂપ, અંતિમ ધ્યેયરૂપ ઈશ્વરાનુભૂતિનું સ્વરૂપ, શાશ્વત મુક્તિ અને શાંતિની શોધના આપણા પ્રાચીન ઋષિઓએ કરી હતી અને આ બધાંને વેદોની વાણીમાં વણી લેવામાં આવ્યાં છે. જો કે આપણો આ અમૂલ્ય સાંસ્કૃતિક આધ્યાત્મિક ખજાનો સદીઓથી વિશેષ અધિકાર ધરાવતા કેટલાક ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં રહ્યો હતો. જાતિ-જ્ઞાતિ, સંપ્રદાય કે વર્ગના ભેદભાવ વિના આ વેદોના અમૂલ્ય આધ્યાત્મિક વારસાની સંપત્તિમાં સૌ કોઈને ભાગીદાર બનાવ્યા એ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી વિવેકાનંદની સૌથી અગત્યની સિદ્ધિઓમાંની એક સિદ્ધિ છે. પોતાના ૩૯ વર્ષના અલ્પજીવન કાળનો મહદંશ એમણે વેદાંતના આ ઉદાત્ત વિચાર આદર્શનું વિશ્લેષણ કરવામાં અને વેદોના સારભૂત તત્ત્વને વિશ્વના પૂર્વ અને પશ્ચિમના વિવિધ દેશોમાં પહોંચાડવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. સ્વામી વિવેકાનંદ દૃઢપણે માનતા હતા કે વેદ-વેદાંતના આ ઉદાત્ત વિચારો સમગ્ર માનવજાતને અંધશ્રદ્ધા, વહેમ અને ધર્માંધતામાંથી મુક્ત કરી શકે તેમ છે. સાથે ને સાથે આ ઉદાત્ત આદર્શો આધુનિક માનવની વ્યક્તિગત અને સામુહિક સમસ્યાઓનો ઉકેલ પણ શોધી શકે તેમ છે. 

અલબત્ત, આવા ઉમદા વિચારો અને આદર્શો કેળવણી દ્વારા નાની ઉંમરે લોકોના મનમાં અસરકારક રીતે ઉતારી શકાય તેમ છે. સ્વામી વિવેકાનંદ વેદોના શિક્ષણ માટે એક શિક્ષણ સંસ્થા શરૂ કરવાનું ઇચ્છતા હતા.

પોતાના જીવનના અંતિમ દિવસે પણ  પવિત્ર ગંગાના કિનારે એમણે સ્થાપેલા બેલૂર મઠના પરિસરમાં એક વેદવિદ્યાલયની સ્થાપના થાય એવી મનીષા તેમના ગુરુભાઈ સ્વામી પ્રેમાનંદજી સમક્ષ પ્રગટ કરી હતી. ઓગસ્ટ,  ૧૯૯૩માં બેલૂર મઠના પરિસરમાં ‘વિવેકાનંદ વેદવિદ્યાલય’ની સ્થાપના સાથે સ્વામીજીની આ પયગંબરી વાણીએ સાકાર રૂપ ધારણ કર્યું. આ વેદવિદ્યાલયમાં પૂર્વમધ્યમા – માધ્યમિક કક્ષામાં તેમજ ઉત્તર મધ્યમા – ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વૈદિક અને સંસ્કૃતનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ વૈદિક અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ જ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રમાં ભારતે વિશ્વને આપેલા અનન્ય પ્રદાનથી માહિતગાર થાય છે. આ સામાન્ય પાઠ્યક્રમ ઉપરાંત આ વેદવિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓને રામકૃષ્ણ મઠના સંન્યાસીઓના સીધા માર્ગદર્શન હેઠળ ગુરુકુળ કેળવણી પદ્ધતિ પ્રમાણે ચારિત્ર્ય ઘડતરની કેળવણી પણ મળી રહે છે.

વૈદિક મંત્રોનાં ઉચ્ચારણો અને સંસ્કૃતના આધ્યાત્મિક સાહિત્યનો અભ્યાસ એક અનન્ય ઉત્સાહ અર્પે છે. એટલે જ અહીંના વિદ્યાર્થીઓને સંસ્કૃત સાહિત્ય અને પ્રણાલીગત વૈદિક મંત્રોચ્ચારની કેળવણી આપવામાં આવે છે. આવી રીતે સર્વકંઈ ઝીલવાની શક્તિ ધરાવતી ચૌદથી પંદર વર્ષની ઉંમરે એમને નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ સુસમૃદ્ધ મૂલ્યો ધરાવતા વૈદિક મંત્રોચ્ચાર, સૂત્રો, ઉપનિષદોથી પરિચિત કરાય છે. આ વેદવિદ્યાલયમાં ગ્રામ્ય વિસ્તારના આર્થિક રીતે અત્યંત ગરીબ કુટુંબોમાંથી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા કે આ પ્રાચીન જ્ઞાનવિદ્યા સાથે આધુનિક વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો સમન્વય થવો જોઈએ. આ આદર્શને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વિજ્ઞાનનું શિક્ષણ મેળવે છે. આ કોમ્પ્યુટર શિક્ષણ આજે ઉચ્ચતર કેળવણીનું એક અંગ બની ગયું છે.

આ વિદ્યાલય રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન ન્યુદિલ્હી સાથે સંલગ્ન છે. દિલ્હીનું આ સંસ્કૃત સંસ્થાન ભારત સરકારના માનવસંસાધન વિકાસ વિભાગની હેઠળ એક માન્ય વિશ્વ વિદ્યાલય રૂપે કાર્ય કરે છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં સતત ઉત્તમ દેખાવ કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષનાં પરિણામોમાં બધા વિદ્યાર્થીઓએ પ્રથમ શ્રેણીની સફળતા મેળવી છે. ૨૦૦૧માં ઉચ્ચતર માધ્યમિક વર્ગની પરીક્ષામાં એક વિદ્યાર્થી સર્વ પ્રથમ આવ્યો હતો. ૨૦૦૨માં આ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓમાં સંસ્થાનના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાની ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ વેદવિદ્યાલયના પ્રકલ્પને આપ કેવી રીતે સહાયરૂપ બની શકો

આ વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં રહેઠાણ, ભોજન, પુસ્તક, ગણવેશ અને અન્ય સવલતોનો ખર્ચ રામકૃષ્ણ મઠ પોતે ભોગવે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા અધ્યાપકોનો ખર્ચ પણ બેલૂર મઠના ફંડમાંથી અપાય છે. આ સંસ્થાનો વાર્ષિક ખર્ચ આશરે ૧૧ લાખ જેટલો થાય છે. મઠને કોઈ સરકારી અનુદાન મળતું નથી. ઉદાર દિલે દાન કરતા દાનવીરો, જાહેર ટ્રસ્ટો, ભારતીય પરંપરાને વરેલા ભાવિકજનોના સક્રિય સહકારથી જ આ સ્વામી વિવેકાનંદને સૌથી વધુ પ્રિય એવા આ વેદવિદ્યાલયનું સમગ્ર કાર્ય ચાલે છે.અમારી તત્કાળ આવશ્યકતા : 

૧.શૈક્ષણિક ખર્ચ – રૂ. ૫ લાખ

૨.આચાર્યોનું વેતન – રૂ. ૧૦ લાખ

૩.વિદ્યાર્થીઓના ભરણપોષણ વગેરે – રૂ. ૫ લાખ

૪.વિદ્યાલયના ભવનની જાળવણી – રૂ. ૫ લાખ

આ વૈદિકજ્ઞાન અને આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટેના અમારા એક નાના પણ અત્યંત સાહસભર્યાં ઉદાત્ત કાર્યમાં સહાયરૂપ બનવા અમે ઉદાર દિલે દાન કરતા દાનવીરો, જાહેર ટ્રસ્ટો, ભારતીય પરંપરાને વરેલા ભાવિકજનોને નમ્ર વિનંતી કરીએ છીએ. 

ચેક કે ડ્રાફ્‌ટ “Ramakrishna Math, Belur Math” ના નામે અને નીચેના સરનામે મોકલવા વિનંતી. દાનની રકમનો સાભાર સ્વીકાર કરીને તેની પહોંચ આપવામાં આવશે. દાનની રકમ આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે.

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.