રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age”ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. આ પ્રકરણ સપ્ટેમ્બર ૧૯૮૬માં શ્રીનગર સ્થિત ગવર્નમેંટ કોલેજમાં તેમણે આપેલા પ્રવચનનો પ્રારંભિક ભાગ છે. – સં.

૧. પ્રાસ્તાવિક

દસ વર્ષો બાદ હું શ્રીનગર આવ્યો છું; મારી આગલી મુલાકાત દરમિયાન, યુનિવર્સિટી, વિમેન્સ કોલેજ, જાહેર સભાઓ અને શ્રીનગર તથા આસપાસનાં નિકટનાં સ્થળોમાં કેટલીક લશ્કરી ટુકડીઓને સંબોધન કરવા પાછળ કેટલાક દિવસ વ્યતીત કર્યા હતા. આ વેળાની મારી મુલાકાત ટૂંકી, પાંચ દહાડાની છે અને પરમ દહાડે હું હૈદરાબાદ પાછો જવાનો છું. આ વિમેન્સ કોલેજના કાર્યક્રમની ગોઠવણ કરવા માટે હું પ્રાચાર્યનો આભાર માનું છું અને આનંદ વ્યક્ત કરું છું; અહીં ભણતી વિદ્યાર્થિનીઓને અને તેમને ભણાવતાં પ્રાધ્યાપકોને મળવાની તક મને એથી સાંપડે છે.

૨. પશ્ચિમમાં નારીમુક્તિનું આંદોલન

આજના યુગમાં મહિલાઓનો વિષય સાર્વત્રિક રસનો છે. ભારતની આપણી સ્ત્રીઓ સ્વતંત્ર નથી પણ પશ્ચિમમાં તેઓ સ્વતંત્ર છે તેવી આપણી છાપ છે. પણ, દર વરસે એપ્રિલથી જુલાઈ દરમિયાન હું પશ્ચિમના દેશોની મુલાકાતે જઉં છું ત્યારે, એ બધા દેશોમાં અને ખાસ કરીને, યુનાઈટેડ સ્ટેટ્‌સમાં, મોટી ચળવળ મને જોવા મળે છે. ધી ફેમિનાઈન મિસ્ટિક નામના મહાન પુસ્તકની અસર હેઠળ વીસેક વર્ષ પહેલાં એનો આરંભ થયો હતો. બેટ્ટી ફ્રીડમન નામની એક પ્રસિદ્ધ અમેરિકન મહિલાએ એ પુસ્તક લખ્યું છે ને તેમાં નારી રહસ્યના પડદાને છેદી અમેરિકન સ્ત્રીઓને વૈયક્તિક સ્વત્વ અને સ્વાતંત્ર્ય માટે એ આહ્‌વાન કરે છે. પરંતુ, બે વર્ષ પહેલાં, હું યુ.એસ. ગયો હતો ત્યારે, એ જ બેટ્ટી ફ્રીડમનનું લખેલું બીજું પુસ્તક, ધ સેકંડ સ્ટેય્‌જ (બીજું સોપાન), મારા જોવામાં આવ્યું; એ પુસ્તકના પૂંઠા પર આમ લખ્યું હતું: ‘પાછલાં વીસ વર્ષોની સૌથી વધારે પ્રભાવશાળી નારીમુક્તિ આંદોલનકારિણી’ બેટ્ટી ફ્રીડમન છે. પોતાના પહેલા પુસ્તકમાં પોતે જે લક્ષ્યાંકો નજર સામે રાખ્યા હતા તે સિદ્ધ નહીં કરવા બદલ ખૂબ નિરાશાની સાથે એ પાછલી ઈસ્વીસનના નારીમુક્તિ આંદોલનનું સરવૈયું પણ કાઢે છે. આર્થિક અને સામાજિક સ્વતંત્રતા થોડી આવી છે પરંતુ, સ્ત્રીનું ગૌરવ, એનું સન્માન, એનું વૈયક્તિક સ્વત્વ, આ કશું સિદ્ધ કરાયું નથી. થોડું આર્થિક અને સામાજિક સ્વાતંત્ર્ય આવ્યું છે પરંતુ, નારીનાં ગૌરવ, સન્માન વ્યક્તિ તરીકે તેનું વ્યક્તિત્વ વિશે કશું કરાયું નથી. ઉલટ પક્ષે, અનેક નકારાત્મક તત્ત્વો પ્રગટ થયાં છે; કુટુંબવિભાજન, વધતા જતા લગ્નવિચ્છેદો, બાળકોની ઉપેક્ષા અને સ્ત્રીપુરુષોની લાગણીભૂખના ચોમેરના અનુભવો જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ જે સત્યોને વળગી રહી છે તેમની નિકટ આવતાં કેટલાંક સુંદર સત્યોને એણે પોતાના નવા પુસ્તકમાં પ્રગટ કર્યાં છે.

આ નવું પુસ્તક પ્રતિપાદન કરે છે તેમાંનું એક સત્ય એ છે કે, પુરુષોથી અલગ એવું સ્વાતંત્ર્ય સ્ત્રીને હોઈ શકે નહીં અને, પુરુષ કે સ્ત્રી માટે ભિન્ન સ્વાતંત્ર્ય હોઈ શકે નહીં. અમેરિકામાં નારીમુક્તિ આંદોલનના વીસ વર્ષોના અભ્યાસ પછી બેટ્ટી ફ્રીડમને કાઢેલું તારણ એ છે. માનવ પ્રગતિ માટે પુરુષોએ અને સ્ત્રીઓએ ખભેખભા મિલાવીને કામ કરવાનું છે, અને સ્ત્રીઓ કંઈ જુદો વર્ગ નથી, પુરુષોનો જુદો વર્ગ નથી, આપણી સંસ્કૃતિએ જાળવી રાખેલા મહાન સત્યનું એ પ્રતિપાદન કરે છે; અમે સ્ત્રીઓ એકલી આગેકૂચ કરી શકશું એમ અમે ધારતી હતી, એમ એ કહે છે; પણ એ અશક્ય છે તે અમને હવે સમજાય છે. ગૃહોથી ઓફિસો સુધીની મુક્તિ પામવા છતાં પોતે સાચી મુક્તિ પામી નથી તેવી નિરાશા વ્યક્ત કરતી અનેક પ્રસિદ્ધ અમેરિકન મહિલાઓનો મત એ પુસ્તકમાં છે. પુરુષોના સહભાગ અને સહકાર વિના સાચી મુક્તિ શક્ય નથી એવો દૃઢ વિશ્વાસ તેઓ વ્યક્ત કરે છે. અને વધારે ને વધારે અમેરિકન પુરુષોનું પણ એ જ પૂરક તારણ છે તે દર્શાવવા એક આખું પ્રકરણ તેમાં છે. એને લાધેલું ત્રીજું સત્ય હજી વધુ ક્રાંતિકારી છે; બેટ્ટી ફ્રીડમન ક્ષમા ચાહતાં કહે છે કે, ‘તમે ભલે મને પ્રત્યાઘાતી ગણો પણ, મારે સત્ય જે કહેવું જોઈએ અને એ સત્ય એ છે કે, પુરુષ કે સ્ત્રીના સુખ અને સંતોષ માટે આવશ્યક છે તે, કુટુંબની અખંડિતતા જાળવવી જ જોઈએ.’ બેટ્ટી ફ્રીડમન કહે છે કે, ‘આપણા કુટુંબે છેલ્લાં ૨૦ વર્ષોમાં સહન કર્યું છે, આપણાં બાળકોએ પણ ભોગવ્યું છે.’ એને પોતાને જ સાંભળવું રસદાયક થશે. પોતાના બીજા પુસ્તકનાં આરંભનાં જ પૃષ્ઠોમાં એ કહે છે:

‘સ્ત્રીઓનાં વ્યવહારલક્ષી, ધરતી જડ્યાં યુદ્ધોથી હું થાકી ગઈ છું, ભાષણબાજીથી હું થાકી છું. મારું શેષ જીવન મારે જીવવું છે. મને છોડે નહીં તેવી નવી, અસુખભરી તાકીદના ચાબખા મને લાગી રહ્યા છે.. મારી પોતાની પુત્રી, પોતાના પુત્રો અને એમની પેઢીનાં બીજાંઓને સાંભળી.. જે સમાનતાને માટે આપણે જંગ માંડ્યો હતો તેની બાબતમાં મને કશુંક અયોગ્ય, નિશાનથી દૂર, વિપથગામી થતું દેખાય છે.. એ લોકો ભાગ્યે જ સ્વીકારે તેવી પીડાના, અચરજના, અણગમાના, એક જાતની કટુતાના આછા ધ્વનિઓ મને સંભળાવા લાગ્યા છે, જેનો એ લોકો સ્વીકાર કરતાં નથી. આ બધી તકો એમને પ્રાપ્ત કરાવી અને આપણે એમની ઈર્ષા કરતાં થયાં તે પછી એ લોકો કેમ ઊંચે સાદે પ્રશ્નો કરી શકે, જે જરૂરતોની ચિંતા કરવાનું ધારવામાં આવતું નથી તેમને વિશે કેવી રીતે બોલી શકે – જે પુરાણી જરૂરતોએ આપણાં જીવનને ઘડ્યાં હતાં અને પોતાની અંદર પકડી રાખ્યાં હતાં અને જેમની સામે આપણે બંડ કર્યું હતું?’

પોતાના નિજી અધિકાર વિનાની, કોઈની પત્ની કે કોઈની માતા તરીકેની, આર્થિક અને સામાજિક સ્વાતંત્ર્ય વિહોણી, ઘરમાં અને રસોડામાં ‘કેદ પુરાયેલી’ નારીના પરંપરાગત પાઠને ધ ફેમિનાઈન મિસ્ટિકનો બેટ્ટી ફ્રીડમનની પરિકલ્પના છે. અમેરિકન મહિલાઓની ‘કેદ’ની દશામાંથી મુક્તિના સંઘર્ષનો આરંભ એ પુસ્તકે કર્યો અને, પુરુષો સાથેની હરિફાઈમાં કારકિર્દીની શોધમાં તેમને જગતના વિશાળ મંચે ઉતારી. પેલા ફેમિનાઈન મિસ્ટિક ભેદવા માટેના સંઘર્ષે પુરુષોની નકલનું અને નારી હોવાના અસંતોષનું ખોટું પગલું ભરાવ્યું. આ લક્ષ્યો હાંસલ કરવામાં એ આંદોલન ઠીક ઠીક સફળ થયું પણ તે પુરુષોને અને સ્ત્રીઓને ભોગે; કારણ અમેરિકન કુટુંબ તૂટી ગયું, લગ્ન વિચ્છેદો વધી ગયા; બાળકો પરના માવતરના વાત્સલ્યનામાં ઉત્તરોત્તર ઘટ આવતી ગઈ અને, સ્ત્રીઓ અને પુરુષો પોતાના જીવનમાં ભાવશૂન્યતા અનુભવવા લાગ્યાં. આ અણધાર્યાં અને અનિચ્છનીય પરિણામની વિશદ અન્વીક્ષા આ પુસ્તક કરે છે અને, મુક્તિ આંદોલનની નવી દિશા સૂચવે છે. અનેક મુક્ત મહિલાઓના અસંતોષને તથા સ્વપ્નભંગને અનેક પૃષ્ઠોમાં એ રજૂ કરે છે:

‘કેલિફોર્નિયામાં’, ‘નોકરી માટે સમાન તક આપતા’ ટેલિવિઝન પ્રોડ્યૂસરની ઓફિસમાં એની નવી ‘એકઝીક્યુટિવ આસિસ્ટંટ’ને મળું છું. પોતાના શેઠ આવે તે પહેલાં એ મારી સાથે એકલી વાત કરવા ચાહે છે. એ પચ્ચીસમી વટાવેલી વયની આકર્ષક સુંદરી છે ને છેલ્લામાં છેલ્લી ફેશનનાં, ‘સફળતા માટેનાં’ વસ્ત્રો એણે પહેર્યાં છે. નિર્જીવ છેડે બેઠેલી એ કોઈ આકર્ષક હોદ્દો ધરાવતી કેવળ ઊંચે ચડાવેલી સેક્રેટરી નથી. જે સ્ત્રીની જગ્યાએ એ આવી છે તેને ‘ક્રિયેટિવ વાઈસ પ્રેસિડંટ’ના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. ‘આ નોકરી મેળવવા માટે મારી જાતને હું ભાગ્યશાળી માનું છું’, એમ જાતનો બચાવ કરતી તથા આરોપ મૂકતી એ બોલે છે. પણ આ બાબતો માટે તમે જે લોકો લડ્યાં તેમને પોતાનાં કુટુંબો હતાં. તમારે તમારા પતિઓ અને બાળકો હતાં, અમારે શું કરવાનું છે?’ એ યુવતી ફરિયાદ કરવા લાગી કે, ‘જેણે કદી લગ્નો કરવાની અને બાળકોને જનમ ન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી તે મોટેટી વાઈસ પ્રેસિડન્ટ મારી મૂંઝવણ સમજતી નથી, એને તો કંપનીમાં વધારે ને વધારે સત્તા જોઈએ છે.’

બીજું દૃષ્ટાન્ત

‘ન્યુયોર્કમાંની હમણાં જ  જેને બઢતી મળી છે તેવી ત્રીસીમાંની એક યુવતી કહે છે: ‘મારી વેળા વીતતી જાય છે, એમ તમે કહી શકો છો, મને હમણાં બાળક નહીં થાય તો, ખૂબ મોડું થઈ જશે. પણ પસંદગી વિટંબણાકારક છે. મારા પતિ પીએચ.ડી; કરે છે તેનો નિભાવ હું કરું છું. એને શી નોકરી મળશે તે અમે જાણતા નથી. મારી કંપનીમાં પ્રસૂતિની રજા અને પગાર મળતો નથી. પછી પાછી નોકરીએ રાખવાની કોઈ જ ખાતરી નથી. અને બાળક નહીં થાય તો જીવનમાં હું કશુંક ગુમાવીશ નહીં, શું? સ્ત્રી તરીકે મારું જીવ્યું સાર્થક થશે?’

ત્રીજું દૃષ્ટાંત

‘જે વિજયો અમે મેળવ્યાનું મને લાગતું હતું તે બધા ભ્રમ હતા. દાખલા તરીકે, નોકરીમાં અને શિક્ષણમાં રખાતા ભેદનો અને, અગાઉ જે વ્યવસાયો અને અધિકાર પદો પર માત્ર પુરુષો જ બેસતા હતા તે બધાં સ્થાનો પર મહિલાઓ બેસે તે માટેની લડત અને અદાલતમાં માંડેલા દાવાઓ. છતાં, નારી-આંદોલનમાં પંદર વર્ષ પછીયે સ્ત્રીઓની કમાણી અને પુરુષોની કમાણી વચ્ચેની ખાઈ અગાઉ હતી તેના કરતાં વધારે પહોળી થઈ છે, પુરુષની કમાણીના એક ડોલરની સામે સ્ત્રીની સરેરાશ આવક ૫૯ સેન્ટની છે અને હાઈસ્કૂલ છોડી ગયેલો સામાન્ય પુરુષ મહિલા કોલેજ સ્નાતકના કરતાં વરસે દહાડે ૧૬૦૦ ડોલર વધારે કમાય છે- આ વર્ષોમાં અભૂતપૂર્વ સંખ્યામાં સ્ત્રીઓ કામ કરતી થઈ છે પરંતુ, ખૂબ જ મોટી સંખ્યાની સ્ત્રીઓનો ધસારો, સ્ત્રીઓ માટે પરંપરાથી અનામત રખાયેલી  ઓછા પગારની અને કારકુનોની નોકરીઓમાં જ ઠઠ્ઠે ભરાય છે.’

મહિલામુક્તિ આંદોલનને નવા દિશાદોરની જરૂર છે એમ સૂચવી બેટ્ટી ફ્રીડમન કહે છે : ‘માત્ર મહિલાઓ પૂરતું જ મહિલા આંદોલન આગળ વધ્યું છે, એમ મને લાગે છે.. મને લાગે છે કે એનો પહેલો તબક્કો પૂરો થયો છે: મહિલા આંદોલને જેની ચિનગારી પેટાવી હતી તે વિશાળતર ક્રાંતિ, ઉત્ક્રાંતિ, ભાગ્યે જ આરંભાઈ છે. આપણે કેવી રીતે ‘આગળ વધીશું? બીજા સોપાનની શરતો શી છે?..

‘મહિલા શક્તિની મર્યાદાઓ અને સાચી શક્યતાઓ શી છે?… આપણા પોતાના નારી રહસ્યને ભેદીને, આપણા અંગત અને રાજકીય અનુભવ સાથે તડજોડ કરી, બીજે સોપાને જવું જોઈએ એમ મને લાગે છે..

‘હું આ બાબતો વિશે વાત કરું છું ત્યારે, કેટલીક નારીઓ, કેટલાક નારીવાદીઓ અને કેટલાક નારીવાદ વિરોધીઓને અસુખ ઊપજે છે, ગુસ્સો પણ ચડે છે.

‘મારી અંત: સ્ફુરણાઓને હું વાચા આપું છું ત્યારે, ગુંગળામણ ભરી શાંતિ, ગણગણાટ પેદા થાય છે.

‘કેવળ સ્ત્રીઓના, અમારી ભિન્ન વૈયક્તિકતાના, કે પુરુષો સાથે સમાનતાના ઉપલક્ષમાં બીજું સોપાન વિચારી ન શકાય.

‘કુટુંબ સાથે નવેસરથી સમાધાન કરવામાં, પ્રેમ અને કામ સાથે સમાધાન કરવામાં બીજું સોપાન સમાવિષ્ટ છે.

‘બીજું સોપાન સંસ્થાઓમાં સમાન સત્તાની પાર જવું જોઈએ, બીજું સોપાન સંસ્થાઓનું જ નવઘડતર કરશે અને સત્તાના સ્વરૂપને જ પરિવર્તિત કરશે.

‘આપણે જેને આપણો સંઘર્ષ માન્યો હતો તેમાંથી કે તેની બહારથી બીજું સોપાન અત્યારે પણ ઉત્ક્રાંત થતું હોય.’

પછીથી બે અન્ય નારીવાદીઓના વિરોધનો ઉલ્લેખ બેટ્ટી ફ્રીડમન કરે છે : ‘જૂન ૧૯૮૦માં હાર્વર્ડમાં પદવીદાન પ્રસંગે, વર્ગપ્રવચનના ડાયના શોએ પુરુષોના જેવી જ પદવી માટે, એ આદરપાત્ર ઉદ્ધત શિક્ષણસંસ્થામાંથી પોતાના સ્નાતક થવાનો માર્ગ બતાવનાર નારીવાદીઓની ટીકા કરી હતી, એણે કહ્યું હતું કે, ‘પ્રવર્તમાન નારીવાદે, અમારી જાતિ સાથે રૂઢિથી સંલગ્ન મૂલ્યોને હડસેલતાં શીખવ્યું છે. પુરુષોનાં ધોરણોએ ‘સ્ત્રી’ રહ્યા છતાં સફળતા માટેનાં પુરુષોનાં ધોરણોને અનુસરવાની આશા અમારી પાસેથી રાખવામાં આવે છે.’’

‘પુરુષો’ના ધોરણને ‘ઊંચેરું’ ગણવામાં આવે ત્યારે, સુપ્રાપ્ય ઈનામોવાળું ધારવામાં આવે ત્યારે, સ્ત્રીઓ માટે ‘ઊંચે’ ચઢવું સરલતર છે ને ‘નીચે’ ઊતરવાના ગુણો વિશે પુરુષોને સમજાવવું આસાન નથી.

‘પોતાના પંથો બદલવા કરતાં, (પુરુષોના) રૂઢ પંથોએ જવું સ્ત્રીઓ માટે સરળતર – ભગવાન જાણે, શા માટે સરળ નહીં – બન્યું છે. સફળતાની વ્યાખ્યા બદલવા કરતાં, સફળતાની વરણાગી ધારણ કરવી વધારે આસાન છે.

કેનેડામાં જૂન ૧૯૮૦માં આરંભાયેલી એક નવી નારીવાદહીન કે નારીવાદ વિરોધી પત્રિકા, બ્રેક થ્રારુમાં લિંડા હર્સ્ટ લખે છે: ‘મને નારીવાદી આંદોલનનો થાક લાગ્યો છે.’ એ પોતે ટોરોન્ટો સ્ટારની એક લેખિકા છે.’ (નારીવાદની) છેલ્લી આતશબાજી પછી, અંધારું વધારે ગાઢ બન્યું છે. અગાઉ કદી હતી તેના કરતાં આજે, કદાચ, તમારી ગુલામી વધારે મજબૂત બની છે.’’

અનાદરપૂર્વક એ કહે છે :

‘‘…. મને ખોટું ન સમજતાં. હું નારી આંદોલનથી ધરાઈ નથી ગઈ…. એ ‘નારીવાદ’ની છાપ છે…. ને એના મનોભ્રમિત વળગણો છે. જેનો હું ધિક્કાર કરવા લાગી છું… સ્થાનિક, સરળતાથી પ્રલોભિત નારીવાદી થવાનો મને કંટાળો છે…. એમ ઘેરઘેર ફરીને કહેવાની મને તલપ લાગી છે…

‘પચાસના દાયકામાંની ‘મૂંગી સુંદરી’ તરીકે ઓળખાવવાનું હું પસંદ ન કરત તેમ મારે કપાળે નારીવાદીની છાપ હું આજે લગાડવા માગતી નથી.’

પછી અમેરિકન સ્ત્રીઓને પોતાના આ પુસ્તક પાછળનો હેતુ બેટ્ટી ફ્રીડમન કહે છે : ‘મેં સર્જેલા રહસ્યની જાળમાંથી દીકરીઓ બહાર આવે તે માટે હું આ પુસ્તક લખું છું… અને એમના નવા પ્રશ્નોને યોગ્ય નામે ઓળખાવવા માગું છું… પ્રશ્નો રાજકીય રંગ લે તે પૂર્વે તેમને વ્યક્તિગત પૂછવા જોઈએ… અથવા, સાચું તો એ છે કે, આ વીતેલા વર્ષ દરમિયાન, આખા દેશની બધી જુવાન સ્ત્રીઓ પાસેથી એમના અંતરના જે પ્રશ્નો હું સાંભળું છું તે એના સૂચિતાર્થોમાં અને પરિણામોમાં અંધસ્થાન નિર્દેશે છે તેમ મને લાગે છે : યુવાન સ્ત્રીઓ વધારેમાં વધારે પૂછે છે : ‘હું બધું કેવી રીતે પામી શકું? મારે શું ખરેખર પસંદગી કરવાની છે?’

‘મને પસંદ એવી કારકિર્દી, મને ગમતું લગ્ન હું કેવી રીતે પસંદ કરું અને સારી મા પણ બની શકું?’

‘મારી સલામતી માટે હું લગ્ન ઉપર આધાર રાખી શકું નહીં… મારી માને શું વેઠવું પડ્યું હતું… પણ મને મારી કારકિર્દીમાંથી પૂરી સલામતી સાંપડી રહે ખરી?’

‘એને હું ઘરમાં વધારે જવાબદારી લેતો કેમ કરી શકું? શા માટે બાળકો સાથે મારે જ વધારે રહેવું પડે અને ઘેર બધા નિર્ણયો લેવા પડે?’

‘મારી સહીસલામતીને માટે હું લગ્ન પર આધાર રાખી શકું નહીં – મારી બાએ શું વેઠ્યું તે તરફ નજર કરો – પણ મારી કારકિર્દી મને પૂરી સલામતી આપી શકશે ખરી?’

આરંભનો અંત શીર્ષકવાળા પોતાના પ્રથમ પ્રકરણનો અને બેટ્ટી ફ્રીડમને આ શબ્દો મૂક્યા છે : ‘નારીવાચક રહસ્યનો અસ્વીકાર અને જાતિભેદનો સામનો કરવાની વ્યવસ્થાની ગોઠવણ પહેલું પગથિયું માત્ર હતું. એ ધ્રુવાન્તરને આપણે ગમે તે રીતે ભેદવાનું છે,.. ને બીજે પગથિયે ચડવાનું છે; સ્ત્રીઓ અને પુરુષોની સાચી સમાનતાને આધારે આપણી સંસ્થાઓનું નવગઠન કરવાનું છે. જેથી, આરે જીવનને અને પ્રેમને નવી ‘હા’ પાડી શકીએ અને બાળકો જણવાનું પસંદ કરી શકીએ. અહીંની ગતિશીલતા આર્થિક અને કામુક બંને છે. ભૂતકાળમાં બરબાદ કરાયેલી આપણી પ્રેમની, કાર્યની, ભોજનની શક્તિઓને આપણા સૌ માટેના જીવનની સેવામાં સાચી રીતે મુક્ત કરી શકાય – અથવા નિષ્ફળ, નિર્વીર્ય પ્રતિકારમાં વાળી શકાય.

‘નારીએ આંદોલનના પહેલા સોપાનમાં ફતેહ મેળવ્યાનું આપણે ધારતાં હતાં તેના લાભના નાશની ધમકીના પ્રતિકારને આપણે શી રીતે આંબીશું? આપણા નારીવાદને અને (જે શબ્દ વાપરતાં પણ આપણને શરમ આવે છે તે) ના તત્ત્વને ઢાંકી દેતા આપણા નિજી પ્રતિકારથી પર આપણે શી રીતે ઊઠીશું? સ્ત્રીઓ સ્ત્રીઓ વચ્ચે અને સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેના ધ્રુવીકરણની પાર શી રીતે જઈશું અને, નારીવાદની કટિબદ્ધતા જે અખંડતા આપવાની છે તેને કેવી રીતે પ્રાપ્ત કરીશું અને, સમાન વ્યક્તિઓ તરીકે જીવવાના, કામ કરવાના અને પ્રેમ કરવાના રોજના જીવનના સ્થૂળ, વ્યવહારુ કોયડાઓ છે તેમની સાથે કેવી રીતે કામ પાડીશું? બીજા તબક્કાનું આ વૈયક્તિક અને રાજકીય કાર્ય છે.

૩. ભારત માટેના એના પદાર્થપાઠ

મહિલામુક્તિના અને સમાનતાના અમેરિકન આંદોલનની ચડઊતરના બેટ્ટી ફ્રીડમનના વર્ણનનો અભ્યાસ કરીને, ભારતમાંની આપણી મહિલાઓના વિરાટ પ્રશ્નો અને એમના ઉકેલ માટે આપણી સંસ્કૃતિના ઉપલક્ષમાં ભરવાનાં પગલાં બાબત આપણને સહાય મળશે, નર-નારીની સમાનતાનો આ આદર્શ અર્વાચીન ભારતના દરેક રાષ્ટ્રીય, રાજકીય કે આધ્યાત્મિક નેતા માટે પરમ શ્રદ્ધાનો વિષય છે તે આપણા અર્વાચીન યુગ માટે આશાચિહ્‌ન છે.

પ્રકૃતિ અને મનુષ્યના ગહન, શાસ્ત્રીય અધ્યયનની નીપજ એ વેદાન્તનું ઊંડું દર્શન આપણી સંસ્કૃતિની પીઠે છે. સમગ્ર માનવજાત સમક્ષ એણે મૂકેલાં મૂલ્યોમાં સૌથી મહત્ત્વનું છે મનુષ્યની જન્મજાત દિવ્યતા, તાત્ત્વિક પ્રકૃતિએ પુરુષો, સ્ત્રીઓ અને બધાં પ્રાણીઓને આ મહાન સત્યની ખોજ અને એનો સાક્ષાત્કાર કરવાની બક્ષિસ મળેલી છે. માનવ સંબંધોના વણાટમાં આ સત્યના સમાવેશના વ્યાપારને સામાજિક ઉત્ક્રાંતિ તરીકે ભારતીય સંસ્કૃતિ નિહાળે છે. સ્વતંત્રતા, સમાનતા અને, માનવ વ્યક્તિત્વનાં ગૌરવ અને પાવિત્ર્ય એમાંથી ફલિત થાય છે.

તત્ત્વનાં પુરુષો અને સ્ત્રીઓ નિત્યશુદ્ધ, નિત્યમુક્ત, નિત્યજ્યોતિ આત્મા, લિંગભેદહીન આત્મા છે. દેહ અને મનની સાથે જોડાઈને આ આત્મા નરનારીના વિકલ્પો બને છે. પુરુષના પૌરુષના અને નારીના નારીત્વના, સાક્ષાત્કારમાં, સમાનતાના લગ્નસંબંધના સંદર્ભમાં આધ્યાત્મિક કેળવણીના મહત્ત્વના અનુભવને ભારતીય સંસ્કૃતિ પિછાને છે. એ ક્ષેત્રમાં પુરુષ માટે કે સ્ત્રી માટે સાચું સ્વાતંત્ર્ય છે નહીં તેમ એ ચીંધે છે; અહીં તો પરસ્પરાવલંબન જ કાનૂન છે; સુખ અને શાંતિ તરફ બંનેને એ જ દોરે છે. પણ પુરુષ મુક્ત હોય અને સ્ત્રી બંધનમાં હોય તો સાચું પરસ્પરાવલંબન જન્મતું નથી. શિક્ષણ અને વિશાળતર આર્થિક તકો દ્વારા, પુરુષોના હરીફો કે વિરોધીઓ તરીકે નહીં પણ, સહકારમાં અને સંયુક્ત પ્રયત્ન તરીકે, આપણી નારીને મુક્તિનું એ સ્થાન અપાવવા અર્વાચીન ભારત મથી રહ્યું છે. લગ્નસંબંધના સંદર્ભમાં, નરનારીમાં નિહિત વૃદ્ધિંગત થતું સ્વાતંત્ર્ય ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક આદર્શ નિર્ધારેલો છે.

(ક્રમશ:)

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.