રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age” ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. આ પ્રકરણ સપ્ટેમ્બર ૧૯૮૬માં શ્રીનગર સ્થિત ગવર્નમેંટ કોલેજમાં તેમણે આપેલા પ્રવચનનો પ્રારંભિક ભાગ છે. – સં.

૪. ભારતમાં જમીનદારીના કાળમાંથી અર્વાચીન યુગ સુધી

પાછલાં ૫૦૦૦ વર્ષોના આપણા ઇતિહાસનું અધ્યયન આપણે કરીએ ત્યારે, આપણા સમાજમાં સ્ત્રીઓના સ્થાનનાં અનેક પરિવર્તન પામતાં પાસાંઓ આપણને જોવા મળે છે. આરંભે વૈદિક યુગમાં પૂર્ણ સમાનતા છે. પછી જમીનદારી યુગ આવ્યો, પરદેશી આક્રમણો આવ્યાં, નારી સ્વાતંત્ર્ય સંકુચિત બનતું ગયું. પરંતુ હવે એ બધું પૂરું થયું છે, ગઈ કાલની વાત બની ગયું છે. આપણે અર્વાચીન યુગમાં પ્રવેશ્યાં ત્યારથી નવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે; આપણા અર્વાચીન મહાન નેતાઓએ આપણાં સૌ નરનારીઓનું લક્ષ દોરી જણાવ્યું કે સાથે કાર્ય કરીને તેઓ આત્મવિકાસ અને આત્માભિવ્યક્તિની ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શકે છે.

સ્ત્રીપુરુષ સમાનતાની પૂર્ણ તરફેણ કરનાર અર્વાચીન નેતાઓમાં સૌથી અગ્રિમ સ્વામી વિવેકાનંદ હતા. માત્ર પુરુષોને શિક્ષણ અને તક મળે અને સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે તો, કોઈ સમાજ પ્રગતિ કરી શકે નહીં એમ તેમણે તદ્દન સાફ શબ્દોમાં જણાવ્યું છે. સદીઓ સુધી ઉપેક્ષિત રહેવાને કારણે તથા, શિક્ષણ અને વિકાસને માટે તેમને આર્થિક સામાજિક તકથી વંચિત રાખવાને કારણે, ભારતનો સમાજ કુંઠિત વિકાસથી ચિન્હિત બન્યો છે. એટલે સ્વામીજીએ દૃષ્ટાંત આપી કહ્યું હતું કે, પંખી એક પાંખે ઊડી શકે નહીં, ઊડવા માટે બે પાંખો જોઈએ જ. તો ભારતીય સમાજને વેગવંતો કરવા માટે પુરુષોના જેટલી જ જરૂર સ્ત્રીઓને કેળવણી આપવાની છે. અર્વાચીન ભારતમાં આ ગહન વિચાર છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેનું રાજકીય આંદોલન આવ્યું ત્યારે, સ્ત્રીઓ પણ તેમાં પુરુષોના જેટલી સમાન ભાગીદાર બની હતી. આ સંબંધે, ખાસ કરીને રાજકારણના ક્ષેત્રમાં ગાંધીજીનું કાર્ય ખાસ મહત્ત્વનું છે. તેથી, સદીઓ સુધી આપણાં લાખ્ખો નરનારીઓને માનવ-વિકાસની જે તકથી વંચિત રાખવામાં આવ્યાં હતાં તે શૈક્ષણિક આર્થિક વિકાસની તકોનું પુરોગામી પગલું આપણી રાજકીય સ્વતંત્રતાને આપણે માણી. રાજાશાહી-જમીનદારી – યુગમાંથી ક્રાંતિકારી આંદોલનના પરિવર્તનમાં આપણે પ્રવૃત્ત છીએ. પોતાની આર્થિક ઉન્નતિ માટે, આપણાં સ્ત્રીપુરુષોને બહુલક્ષી શિક્ષણની પૂરતી તકો પૂરી પાડ્યા પછી જ, પોતાના દીર્ઘ ઇતિહાસના અર્વાચીન યુગમાં ભારતે પૂર્ણપ્રવેશ કર્યો છે તેમ આપણે કહી શકશું. રાજાશાહી યુગમાંથી અર્વાચીન યુગમાં પ્રગતિ કરવાની તક પૂરી પાડવામાં આપણી પ્રત્યેક પંચવર્ષી યોજના સહાયરૂપ થાય છે.

૫. આધુનિક વિરુદ્ધ આધુનિકભાસી

આપણે આધુનિક સ્ત્રીની કે આધુનિક પુરુષની વાત કરીએ ત્યારે ‘આધુનિક’નો સાચો અર્થ શો છે તે આપણે જાણવું જોઈએ. અનેક લોકો પાસે આ મહાન શબ્દની સાચી સમજ નથી. એ લોકો ‘આધુનિક’ ને ‘આધુનિકભાસી’ સાથે જોડી ગોટાળો સર્જે છે. આધુનિક હોવું એટલે શું?

આ શબ્દની અને આધુનિક હોવાની વિભાવના સાથે બે મહાન મૂલ્યો સંલગ્ન છે; એક છે શાસ્ત્રીય મન અને અભિગમનું હોવાપણું. અર્વાચીન યુગ અર્વાચીન વિજ્ઞાનની, શાસ્ત્રીય-વૈજ્ઞાનિક-અભિગમની અને સ્વભાવની નીપજ છે. આપણો દેશ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવે, ખોજ કરતું, પ્રશ્ન કરતું મન વિકસાવે, સત્યશોધક મન વિકસાવે તેમ આપણા બધા આધુનિક નેતાઓ ઇચ્છતા હતા. આધુનિક – અર્વાચીન – હોવાનો આ અદ્‌ભુત વિચાર એક અગત્યનો ભાગ છે. માત્ર શાળા-કોલેજે જઈ, થોડું પદાર્થવિજ્ઞાન કે રસાયણશાસ્ત્ર જેવો વિષય ભણી, ડિગ્રી પ્રાપ્ત કરવી તે એનો અર્થ નથી. વિજ્ઞાનની ડિગ્રીઓ હોવા છતાં, ઘણા લોકો પાસે શાસ્ત્રીય – વૈજ્ઞાનિક – અભિગમ નથી. શાસ્ત્રીય અભિગમના પાયામાં સત્યની શોધ છે, સત્યની ધગશ છે; એનો અર્થ છે સઘળા અનુભવને, ખોજને, પ્રશ્નની, ખોજની શોધની અને વિવેકની કસોટીએ ચડાવવો. सत्यं, शिवं, सुन्दरम् ની ખોજની આ વિભાવનાનો વિચાર સુંદર છે ને આપણા શિક્ષણમાં આપણે તેને દાખલ કરવાનો છે.

તમારું ઘર છોડીને તમે આ કોલેજમાં જોડાયાં ત્યારે તમારો હેતુ શો હતો? જ્ઞાન પરનો પ્રેમ, જ્ઞાનની ખોજ મનુષ્યને લગતો આ સુંદર વિચાર છે. કોઈ અમાનવ યોનિ સાથે એને કશી નિસ્બત નથી પરંતુ, માનવયોનિ સાથે જ એને સંબંધ છે – જ્ઞાનની ખોજ કરતા પુરુષો, જ્ઞાનની ખોજ કરતી સ્ત્રીઓ, જ્ઞાનની ખોજ કરતાં બાળકો. આપણે શિશુઓ હતાં ત્યારે, આપણને માત્ર સુખસગવડમાં, આનંદમાં જ રસ હતો. આપણે માતાના દેહની ઉષ્મા ઝંખતાં હતાં; આપણને ખાવુંપીવું હતું. તમારા વિકાસનું એ પહેલું સોપાન હતું. પણ તમે ૨ ૧/૨ કે ૩ વર્ષમાં થયાં કે તમારામાં નવી ભૂખ પ્રગટી. એ જ્ઞાનક્ષુધા કહેવાય છે. દૈહિક ક્ષુધાના જેવી એ પણ સાચી ક્ષુધા છે અને એનો ખોરાક જ્ઞાન છે. ને એ ક્ષુધા જાગે છે ત્યારે, અન્નની ક્ષુધા મનુષ્યને લાગેવળગે છે ત્યાં સુધી, ગૌણ બની જાય છે. તમારામાં થતા વિકાસની એ નિશાની છે. એ તમને શાળાએ, કોલેજે, સંશોધન સંસ્થાએ જવા પ્રેરે છે – જ્ઞાનની આ ભૂખ નરનારી બંને અનુભવે છે અને એની ખોજ કરવા, એને માટે મથવા એને પ્રેરે છે. એ આપોઆપ આવતી નથી; તમારે એની ખોજ કરવી પડે છે. તમારે એને માટે જ્ઞાનનાં દ્વાર ખટખટાવવાં પડે છે. ત્યારે જ એ આવે. નવા કરારમાંના જિસસના શબ્દોમાં: ‘માગ અને એ મળશે; ખોજ કર તો પામશો; અને દરવાજો ખટખટાવ એટલે એ ખૂલશે.’

માનવ વિકાસનો આ ખ્યાલ સુંદર છે. આજે, અર્વાચીન વિજ્ઞાનમાં, આ જ્ઞાનખોજે મોટું કદમ ભરેલું છે; પ્રકૃતિને દ્વારે સતત સવાલો પૂછીને, અનુભવને કસોટીએ ચડાવીને, પ્રકૃતિનાં અનેક રહસ્યો પ્રગટ થયાં છે. આધુનિક જગત, આધુનિક યુગ ઉત્પન્ન કરનાર એ અર્વાચીન વિજ્ઞાન છે. અર્વાચીન વિજ્ઞાનનાં બે પરિમાણો છે – એક છે શુદ્ધ વિજ્ઞાન, સત્યની ખોજ, પ્રકૃતિ વિશે પૃચ્છા. એ ઓળખાય છે પ્રકાશ વિજ્ઞાન તરીકે, luccfera લ્યુસિફેરા વિજ્ઞાનનો એ સુંદરતમ ખ્યાલ છે – માનવમન સત્યની ખોજ કરે છે, પ્રશ્નો પૂછે છે અને એક પછી એક સત્યો શોધે છે. તમે જેને આધુનિક યુગ કહો છો તેની નિષ્પત્તિ વૈજ્ઞાનિક શોધોના વિપુલ પાકે કરી છે.

વિજ્ઞાનનું બીજું પાસું છે વિજ્ઞાનનાં ફળ fructiferi તરીકેનું, એ પાસું ટેકનોલોજીમાં વ્યક્ત થતું જોવા મળે છે, વિજ્ઞાનથી સાંપડતાં વિવિધ યંત્રો અને ઉદ્યોગોમાં તથા સાધનોમાં એ સાંપડે છે. વિશ્વના દરેક ભાગમાં અને, ખાસ કરીને આપણા દેશમાં, વિજ્ઞાનનો અર્થ આ વિજ્ઞાનનાં વિવિધ ફળો ટ્રાન્ઝિસ્ટર રેડિયો, ટી.વી., એરકંડિશનિંગ અને બીજાં બધાં યાંત્રિક સાધનો – અને, એ જે આનંદ પ્રમોદ આપે છે તે જ છે, એ મોટી ભૂલ છે. આપણા સમગ્ર રાષ્ટ્રે સમજવું જોઈએ કે, વિજ્ઞાનનો ઉત્તમ અંશ વૈજ્ઞાનિક મન, વૈજ્ઞાનિક અભિગમ, વૈજ્ઞાનિક પ્રકૃતિ છે. – સત્યની શોધ માટેની ઊંડી ધગશ છે. જ્ઞાનક્ષુધાનું આ મોટું ફળ છે. અને જ્ઞાન શક્તિ છે, કેવળ જ્ઞાન જ પ્રગતિને પંથે લઈ જાય છે, પાછલી કેટલીયે સદીઓથી આપણે આ સત્ય ભૂલી ગયાં હતાં; જ્ઞાન માટેની આ ક્ષુધાને અને પ્રીતિને આપણે કચડી નાખી હતી અને, આપણા પુરુષોએ પણ એને ગુમાવી હતી. અજ્ઞાન અને વહેમના અંધકારમાં આપણો દેશ ડૂબી ગયો હતો. એ વિઘાતક અસ્પંદતામાંથી આપણે આજે બહાર નીકળી રહ્યાં છીએ. પુરુષો અને સ્ત્રીઓ અજ્ઞાનમાં ડૂબેલાં રહેતાં અને સ્ત્રીઓ સમાજમાં માત્ર પદાર્થો બની ગઈ હતી તે રાજાશાહી ભૂતકાળને યાદ કરો. આ આખો ભૂતકાળ આપણી પાછળ છે, એ પાછળ છે તેનું ભાન આપણને હોવું ઘટે અને, સદાને માટે એને પાછળ છોડી દેવો ઘટે. અર્વાચીન યુગમાં આપણે પ્રવેશવું જોઈએ, શબ્દના સાચા અર્થમાં આપણે અર્વાચીન – આધુનિક – થવું જોઈએ. આપણી સંસ્કૃતિના આરંભમાં, વૈદિક યુગમાં આપણાં નરનારીનાં મનને પ્રેરતા જ્ઞાન માટે ઊંડાં ભૂખ અને પ્રેમ હતાં.

ઈસ્લામનો ઇતિહાસ વાંચીએ તો, આપણને જોવા મળશે કે, ઈસ્લામી ઇતિહાસના પ્રારંભના ચાર સૈકા દરમિયાન, આરબ પ્રજામાં જ્ઞાનક્ષુધા જાગી હતી ત્યારનો યુગ ઉત્તમ હતો. એ જ્ઞાનભૂખ એમને ગ્રીસ, ભારત, ચીન લઈ ગઈ હતી અને ત્યાંથી જ્ઞાન પ્રાપ્તિ કરીને, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ચિંતન ઉપર ભાર મૂકતી સમૃદ્ધ સભ્યતા એમણે વિકસાવી હતી. ભારતમાં આજે આપણે સતત યાદ રાખવું જોઈએ કે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પયગંબરોત્તર ઈસ્લામ સંસ્કૃતિ આ જ્ઞાન માટેની તમન્નાથી સુદૃઢ અને સમૃદ્ધ થઈ હતી. એની પાછળ આ જ્ઞાનની ખોજ હતી, વૈજ્ઞાનિક શોધક ચિત્ત હતું.

‘આધુનિક’ શબ્દ અને વિભાવનાનું બીજું અંગ માનવતાવાદી અભિગમ હતો : ‘આધુનિક’ – અર્વાચીન – શબ્દ સાથે સંકળાયેલા બે સુંદર ખ્યાલો છે. બીજા ખ્યાલની પાછળ માનવ સુખ અને કલ્યાણ માટેની તમન્ના રહેલાં છે, મનુષ્ય માટે મનુષ્ય તરીકેની લાગણી રહેલી છે, સંપ્રદાયોમાં, ધર્મોમાં, જાતિઓમાં, લિંગોમાં વિભક્ત મનુષ્યમાં નહીં. એ માનવતાવાદી આવેગ છે; એની મુક્તિ મનુષ્ય સમાજના સર્વવ્યાપી મહત્તમ વિકાસમાં પરિણમશે, બંને એકમેકથી જુદાં ચાલે તો, વિકાસ થંભી જશે. વિજ્ઞાન વિનાનો માનવતાવાદ હશે તો, એ માનવતાવાદમાં લાગણીવેડા જ હશે અને, માનવતાવાદ વિનાનું વિજ્ઞાન હશે તો, નબળા લોકોના શોષણમાં એ પરિણમશે. આપણાં સઘળાં લોકોનો બોજો દૂર કરવા આપણા માનવતાવાદની મદદમાં આપણને વિજ્ઞાનની શક્તિની જરૂર પડશે. એટલે, માનવતાની લાગણીની મહાન ભાવના સાથે વૈજ્ઞાનિક જ્ઞાનને આપણે જોડવું પડશે. સ્વામીજીએ એને વેદાન્ત અને અર્વાચીન વિજ્ઞાનનું જોડાણ કહ્યું હતું. આ પ્રકારના આધુનિક મનોવિકાસમાં આપણા શિક્ષણે સહાયભૂત થવું જોઈએ. શબ્દના સાચા અર્થમાં એ જ આધુનિક છે.

બીજો અર્થ છે ‘આધુનિકતા’નો સસ્તો ખ્યાલ; ને ભારતના વિવિધ પ્રદેશોમાં યુવાપેઢીનાં ઘણાં લોકો એમ સમજે છે કે, એ આધુનિક થવું એટલે, સસ્તા અર્થમાં આધુનિક થવું તે; એનો અર્થ છે આધુનિક યાંત્રિક સાધનો – આધુનિક ફેશનનાં વસ્ત્રો, હાથમાં ટ્રાન્ઝિસ્ટર કે, સિગરેટનું કે કોકાકોલાનું પાન! એ સસ્તી, મૂલ્યહીન આધુનિકતા છે; એમાં કશું કૌવત નથી; એ મનને અને હૃદયને સ્થગિત બનાવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીએ સમજવાની પહેલી બાબત એ છે કે આધુનિક થવાનો એ માર્ગ નથી. ચિંતનની, વિવેકની, પ્રેમ અને કરુણાની અને, માનવકલ્યાણ માટે સમર્પણની ભાવનાનો વિકાસ સાધી આધુનિક થવાનું છે. અર્વાચીન સાધનોના ઉપયોગથી આધુનિક થવાનું હોય તો, ભારતમાં સર્વત્ર અને વિદેશોમાં હું કહેતો હોઉં છું કે, દિલ્હી પ્રાણીબાગનાં પ્રાણીઓ મારા તમારા કરતાં વધારે આધુનિક છે. એમના નિવાસો એરકંડિશનવાળા છે અને તેમાં બીજી સગવડો પણ છે. ના, માનવી એથી આધુનિક થતો નથી. મનને આધુનિક બનાવવાનું છે, બહારનાં સાધનોથી આધુનિક થવાનું નથી. બાહ્ય દૃષ્ટિએ કોઈ નર કે નારી ખૂબ જૂનવાણી લાગે પરંતુ, એના મનહૃદય ખૂબ આધુનિક હોઈ શકે. એનાથી ઉલટ બાબત પણ બની શકે. આપણે આ સત્ય ઘણી વાર ભૂલી જઈએ છીએ.

આપણી કેટલી અર્વાચીન વિભૂતિઓને લક્ષમાં લો. મહાત્મા ગાંધી જરાય આધુનિક દેખાતા ન હતા. પણ એમનું મન કેટલું તો આધુનિક, કેટલું માનવતાસભર હતું! શ્રીરામકૃષ્ણનો વિચાર કરો; એ આપણા કોઈપણ ગામડિયા જેવા જ દેખાતા. પરંતુ એમની ભીતર રહેલું મન અતિ આધુનિક હતું. ને એમણે બુદ્ધિશાળી યુનિવર્સિટી-વિદ્યાર્થી નરેન્દ્રને કેળવી વિવેકાનંદનું નિર્માણ કર્યું હતું; એ વિવેકાનંદમાં વિજ્ઞાન અને ધર્મનો, પૂર્વ અને પશ્ચિમ, સમન્વય કરવાની અદ્‌ભુત શક્તિ હતી. એને આધુનિક થવું કહેવાય. તમારામાંથી ઘણાંને ખબર નહીં હોય કે, રામકૃષ્ણ અને વિવેકાનંદ સાથે સંલગ્ન એક ત્રીજું વ્યક્તિત્વ પણ હતું, પૂજ્ય મા શારદાદેવી. સાદાઈમાં તદ્દન ગ્રામીણ હતાં અને એમણે શિક્ષણ લીધું ન હતું. આમ બાહ્ય રીતે એ આધુનિક ન હતાં. પરંતુ, એમનાં મનહૃદયમાં ડોકિયું કરો; એમનામાં આધુનિકતમ મનહૃદયનો વાજ જણાશે. આ મહાન નારીને મન સ્ત્રીપુરુષ વચ્ચે, હિન્દુ, મુસ્લિમ, ખ્ર્રિસ્તી વચ્ચે કશો ભેદ સ્વીકાર્ય ન હતો. સૌનાં એ મા હતાં, સમાન માતૃપ્રેમથી એ સૌને ચાહતાં અને સૌની સેવા કરતાં આધુનિક થવાનો (અર્થ)એ નથી તો બીજો શો છે?

આ શારદાદેવીની પાસે, પોતાની આઠનવ વર્ષની દીકરીને લઈને એક સ્ત્રી આવી; શારદાદેવી ૧૮૫૩ થી ૧૯૨૦માં અસ્તિત્વ ધરાવતાં હતાં એટલે, આપણી સમકાલીન વ્યક્તિની વાત આપણે કહીએ છીએ, કોઈ કથાવાર્તામાંની વ્યક્તિની નહીં. નાની વયે એક છોકરીનું લગ્ન કરવા એની માતા ઇચ્છતી હતી પણ એ છોકરી તેમ કરવાની ના પાડતી હતી એટલે, એની માતા એને ત્યાં લાવી હતી; એ છોકરી શાળાએ જઈ ભણવા ચાહતી હતી. એને તેમ કરતાં અટકાવવા અને, તેને વઢીને તેની માની વાત તેને સ્વીકારાવવા માટે તેની માતા તેને શારદાદેવી પાસે લાવી હતી. પણ એથી ઉલટું, પૂજ્ય શારદામા તો પેલી માતાને વઢ્યાં : ‘તારી છોકરીના જીવનનું તું નખોદ કાઢવા માગે છે? ભણવા દે એને; પછી પોતાને માટે શું યોગ્ય છે તે એ સમજશે; આટલી નાનકડી, એને પરણાવી દેનાર તું તે કોણ છો?’ આ (વીસમી) સદીમાં જ, કેટલાક દાયકા પૂર્વે આ બન્યું હતું. એમના આ બોલ પાછળ કેવું આધુનિક મન પ્રગટ થાય છે! ને છતાંય શારદાદેવીએ અર્વાચીન શિક્ષણ લીધું ન હતું. આમ, બાહ્ય દૃષ્ટિએ સામાન્ય અને આંતરિક રીતે અસામાન્ય હોવાપણું હોય છે તેમ, બાહ્ય રીતે અસામાન્ય અને આંતરિક રીતે સામાન્ય હોવાપણું પણ હોય છે. આજે આ સત્ય આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ. રામકૃષ્ણ અને શારદાદેવીમાં આ સત્યને અદ્‌ભુત રીતે પ્રકાશિત થતું આપણે જોઈએ છીએ.

થોડી મહાન મહિલાઓ સાથે શ્રીરામકૃષ્ણનું જીવન વણાઈ ગયેલું છે. જે કાલીમંદિરમાં પોતાના આધ્યાત્મિક પ્રયોગો એમણે કર્યા હતા અને અનુભૂતિઓ પ્રાપ્ત કરી હતી તે મંદિર એક મહાન નારી રાણી રાસમણિએ સ્થાપ્યું હતું. ભૈરવી બ્રાહ્મણી નામની બીજી મહાન મહિલા શ્રીરામકૃષ્ણની પ્રથમ ગુરુ હતી. એમના જીવનમાં અને કાર્યમાં સહભાગિની હતાં અન્ય મહિલા, પૂજ્ય શ્રીશારદામા. અને સ્વામી વિવેકાનંદની મુખ્ય શિષ્ય હતાં એક બુદ્ધિમતી અને હિમ્મતવાન આઈરિશ મહિલા કુમારી માર્ગારેટ નોબલ એ પછીથી ભારતવાસી બની ભારતની સ્ત્રીઓની અને સંસ્કૃતિની સેવાના કાર્યમાં લાગ્યાં હતાં. આ બધી ઘટનાઓની ભારતનાં નરનારીસંબંધ પરની અસર આવતા દાયકાઓમાં ખૂબ ઘેરી પડશે.

૧૯૨૪માં હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે, વર્ગમાં આવી આચાર્યે એક દહાડે કહ્યું: ‘વિદ્યાર્થીઓની નેમ સાદા જીવનની અને ઉચ્ચ ચિંતનની હોવી જોઈએ.’ એમના એ બોલે મારા મનહૃદય પર જબરી અસર કરી હતી. પછી શ્રીરામકૃષ્ણ ને શારદાદેવી અને ગાંધીજીનું મેં અધ્યયન કર્યું ત્યારે આચાર્યના વાક્યનું તાત્પર્ય મારા અંતરમાં ઊતર્યું. પણ આજે આપણા લોકો ક્યાં છે? બિલકુલ ઊંચી બાબતની પાછળ દોડે છે : ઊંચું જીવન, અને સાદું ચિંતન અથવા ચિંતનનાં અભાવ જ!

૬. નારીમુક્તિ વિરુદ્ધ પૌરાણિક સત્ય

જે મનવેધ્ય શાસ્ત્રીય – વૈજ્ઞાનિક – અભિગમથી સત્યની ખોજ કરે છે, જ્ઞાતિસંપ્રદાયના વર્ણલિંગના બધા ભેદોની પાર જે જાય છે અને, પ્રેમ, સેવા તથા સમર્પણની ભાવનાથી જે સૌને ભેટે છે – તે જ મન શબ્દના સાચા અર્થમાં આધુનિક છે. માનવવિકાસની સુંદર વિભાવના તેમાં આપણને સાંપડે છે. શાસ્ત્રીય કૌશલ, આધ્યાત્મિક કૌશલ અને માનવતાવાદી આવેગનું સુભગ સંયોજન પોતાની પ્રજામાં ભારત ખિલવશે ત્યારે, આપણા દેશમાં ઉચ્ચતમ માનવવિકાસ આપણે હાંસલ કરીશું. ને આ બાબતમાં આપણા પુરુષોની સાથે આપણી મહિલાઓએ પણ સમાન ભાગ ભજવવાનો છે; સ્વામી વિવેકાનંદે અને મહાત્મા ગાંધીએ, બંનેએ આ સત્ય પર ભાર દીધો છે. આજે સ્ત્રીશિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે પરંતુ, એ ધીમો અને ગડથોલિયાં ખાતો છે. આપણી ઘણી બાળાઓ હજી નિરક્ષર છે અને દર વરસે તેમની સંખ્યા વધતી રહે છે કારણ, વસતિ વધે છે. કાશ્મીરમાં શિક્ષણનો, સાક્ષરતાનો વ્યાપ વિશાળ છે તે જાણી મને આનંદ થયો છે. એ ૯૦ ટકાએ પહોંચ્યો છે. એ મહાન સિદ્ધિ છે. કેરળે પણ એ સિદ્ધિ મેળવી છે. પુરુષો અને સ્ત્રીઓ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યારે, વસતિ નિયંત્રણ સહિતના અનેક આશીર્વાદો પરિણમે છે.

ભારત સામે એક મોટો કોયડો છે. આપણા રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યાના સમયથી અને, સામાજિક – આર્થિક વિકાસ માટેની પંચવર્ષી યોજનાઓ આરંભ્યા પછી, સૌ સામે એ મોં ફાડીને ઊભો છે, એ છે વસતિવિસ્ફોટ. વિકાસમાં રોકેલી બધી સાધન સામગ્રી કરતાં વસતિવૃદ્ધિ વેગથી થયાં કરે તો, રાષ્ટ્રનો આર્થિક વિકાસ થઈ શકે નહીં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિને કાળે આ ખ્યાલ અસ્પષ્ટ હતો; પરંતુ ત્યાર પછી, વરસો વરસ, રાષ્ટ્રને ભાન થયું છે કે, આપણા વસતિ વધારા પર અંકુશ નહીં રાખીએ તો, આપણી પ્રજાને આપણે રોટલો પૂરો પાડી શકીશું નહીં કે, સરખું શિક્ષણ આપી શકીશું નહીં. એટલે, આ વસતિ નિયંત્રણ નીતિ સ્વીકૃત રાષ્ટ્રીય નીતિ બની છે. એના નિયંત્રણની નિકટવર્તી નીતિ છે કુટુંબનિયોજન કાર્યક્રમોની અને, લાંબા ગાળાની તથા સૌથી અસરકારક પદ્ધતિ છે, શિક્ષણના વ્યાપની અને સાંસ્કૃતિક ઉત્થાનની. એટલે, એ નીતિને સફળ બનાવવા માટે, કુટુંબ નિયોજનનાં પગલાં ઉપરાંત, આરંભમાં પ્રાથમિક કક્ષા સુધીના અને પછીથી, માધ્યમિક ૮મી કક્ષા સુધીનાં સાર્વત્રિક શિક્ષણનાં અગત્યનાં પગલાં પણ ભરવાં પડશે. શિક્ષિત પુરુષ કે સ્ત્રી સમજી શકે છે કે, પોતાને વધારે બાળકો હશે તો, પોતે તેમનો ઉછેર સારી રીતે નહીં કરી શકે. આખું જગત એ સમજે છે કે, અનિચ્છિત વસતિવૃદ્ધિ પર નિયંત્રણ શિક્ષણના વ્યાપની આડપેદાશ છે. કેરળમાં શિક્ષણના વ્યાપને લઈને વસતિવિકાસનો શૂન્ય દર જોવા મળે છે. આખા ભારતમાં આ બાબત ફેલાવવી જોઈએ. આપણા રાષ્ટ્રનું નરત્વ અને નારીત્વ આ પાયા ઉપર આપણે ઊભું કરવું જોઈએ.

આ બાબત આપણી શિક્ષિત મહિલાઓનું ઉત્તરદાયિત્વ ખૂબ જ છે. અન્યત્ર જેનો અભાવ છે એવા ગુણો અને એવી છટાઓ આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાએ આપણી સ્ત્રીઓને બક્ષેલ છે. પાછલાં સોળ વરસોથી દર વરસે મારે વિદેશોમાં જવાનું બને છે. કલાત્મક સાડી પહેરેલી ભારતીય નારીના પ્રશાંત ચહેરાને જોઈને અમેરિકન સ્ત્રીઓ કેવી તો મીઠી ઈર્ષ્યા અનુભવે છે તે તમને અમેરિકામાં જોવા મળે છે. આ ભારતીય મહિલાઓ કેવી તો શાંત અને ગંભીર છે, એમ તેઓ મનમાં અનુભવતી હોય છે. પ્રત્યેક ભારતીય સ્ત્રીપુરુષ પાછળ ધ્યાન ઉપર ભાર દેતી આપણી સદીઓ જૂની સંસ્કૃતિ છે. તેની સાથે આજે આપણે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક કૌશલ તથા સખત પરિશ્રમની શક્તિ શીખીને પ્રાપ્ત કરવાનાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ક્ષેત્રોમાં આપણા પુરુષોની સાથે આપણી સ્ત્રીઓ પણ કદમ મિલાવી રહી છે તેનો મને આનંદ છે. ભારતમાં સર્વત્ર હું જોઉં છું કે કોઈ ઓફિસ કે સંસ્થા સરખી ચલાવવી હોય તો, તેમાં મહિલા કર્મચારીઓ વધારે જોઈએ.

આપણી સ્ત્રીઓને તે મહાન અંજલિ છે. નિમ્ન સ્તરની નોકરીઓ ઉપરાંત, જવાબદારીભર્યાં સ્થાનોએથી પણ તેઓ સારું કાર્ય કહી રહી છે. આપણી સ્ત્રીઓની આ પ્રગતિ સામે કોઈ ખુલ્લો વિરોધ તો કરતું નથી. તે એ કારણે કે, સ્ત્રી પુરુષ સમોવડી છે તેનો સ્વીકાર આપણું પુરાણ સાહિત્ય તેમજ, આપણી અર્વાચીન વિચારણા બંને કરે છે. પાશ્ચાત્ય જગતમાં તેવું નથી. નારી મુક્તિનાં પુષ્કળ આંદોલનો ત્યાં થતાં જોવા મળે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઈંગ્લેંડમાં પણ, મતાધિકાર માટે સ્ત્રીઓને જંગ માંડવો પડ્યો હતો. એમને મતાધિકાર મળ્યો તે પહેલાં, સ્ત્રીઓને આંદોલન કરવું પડ્યું હતું, આઝાદ સ્ત્રીઓની લડત દ્વારા બારીબારણાના કાચ ભાંગવા પડ્યા હતા ને પછી જ તેમને મતાધિકાર મળ્યો હતો. પરંતુ, એ જ કાળે, ભારતમાં આપણી સ્ત્રીઓ અનેક રીતે પછાત હોવા છતાં આ હક્કો ભોગવતી હતી. શ્રીમતી સરોજિની નાયડુ ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યાં હતાં. હજીયે પ્રબળ રાજાશાહી સામાજિકસ્થગિતતા સિવાય સ્ત્રીવિકાસ સામે આજે પણ આપણો બીજો કશો નીતિવિષયક વિરોધ નથી.  ત્યારે પશ્ચિમમાં પોતાના પૂરા હક્ક પ્રસ્થાપિત કરવા માટે સ્ત્રીઓને ડગલે ડગલે લડવું પડ્યું હતું. મેં અગાઉ કહ્યા પ્રમાણે, એ માટે એમની સામે જોરદાર પૌરાણિક માન્યતા હતી. ત્યાંનાં નારીમુક્તિનાં આંદોલનો એ આ રાષ્ટ્રીય પૌરાણિક કથાઓને ગણતરીમાં લેવી જ પડે. અમેરિકા, યુરોપ કે ઓસ્ટ્રલિયામાં સ્ત્રીઓને નડતી આ તકલીફનો ઉલ્લેખ હું અવારનવાર કરું. સદીઓથી જે પુરાણકથાના પડછાયા નીચે એ જીવી રહી છે તે એમના પગને બાંધી રાખે છે.

એ કથા શી છે? સ્ત્રી પુરુષની પાંસળી માત્ર છે એ કથા એ છે. આદમની એક પાંસળી કાઢીને તેમાંથી ઈવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ પાંસળી કાઢ્યા પછી, માણસ જરાય ઊણો બન્યો નથી; એટલે હું એને નિવાર્ય પાંસળી કહું છું! એટલે, પાશ્ચાત્ય જગતમાં, સર્વત્ર, પુરુષોના મનમાં આ પૂર્વગ્રહ નિગૂઢ પડેલો છે કે, તત્ત્વત: નારી નરથી ઊતરતી છે, પછી પ્રગતિશીલ સમાજની માંગ ગમે તે હોય. અહીં બુદ્ધિ પુરાણકથાને તાબે થાય છે. એટલે એમને નવી કથાની આવશ્યકતા છે જેથી, સ્ત્રીઓની સમાનતાના સત્યને તર્કબુદ્ધિ અને પુરાણકથાનો ટેકો સાંપડે. ત્યાંના શ્રોતાઓને મેં પ્રાચીન ભારતીય ઉપનિષદોમાંથી એ સત્ય દર્શાવ્યું. (૧.૪.૩) બૃહદારણ્યક ઉપનિષદ કહે છે:

स इममेवात्मानं द्वेधापातयत्ततः पतिश्च पत्नी चाभवतां तस्मादिदमर्धबृगलमिव स्व इति ह स्माह याज्ञवल्क्य:, – દેવપુરુષે પોતાના દેહનું દ્વિભાજન કર્યું અને એમાંથી પતિપત્ની પ્રગટ થયાં. એટલે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે આ (પતિ કે પત્નીનું) શરીર વટાણાનાં બે ભાગની જેમ પોતાના જ અર્ધા અર્ધા ભાગ છે.

એકના વિના અન્ય અપૂર્ણ છે તે આ સુંદર પરિકલ્પના પ્રગટ કરે છે. પશ્ચિમની સ્ત્રીઓને આ પુરાણકથા કરું છું ત્યારે તેઓને તે ગમે છે. પશ્ચિમમાં તમે સ્ત્રીઓને બેટર હાફ (better-half) કહો છો તેમ ભારતમાં અમે કહેતા નથી તેમ હું તેમને કહું છું. નારી માત્ર અર્ધાંગ છે; પુરુષ પણ માત્ર અર્ધાંગ છે. તમારો પાશ્ચાત્ય પુરુષ તમને ખુશ કરવા માટે તમને બેટર હાફ કહે છે કારણ, તમે, દૂર કરી શકાય તેવી એક પાંસળી જ છો એમ એ જાણે છે! ભારતમાં સ્ત્રીઓ પ્રત્યેનો આપણો વર્તાવ વખાણવા લાયક નહીં હોય અને, અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓના ગૌરવને આપણે ઈજા પહોંચાડીએ છીએ તે છતાં, નર અને નારીની આપણી પરિકલ્પના ઉચ્ચતર છે. આપણી સ્ત્રીઓની આપણે નિર્વિવાદ ઉપેક્ષા જ કરી છે; આપણી સ્ત્રીઓની હલકી દશાના અંશ માટે ઐતિહાસિક સંજોગો, ખાસ કરીને સાકારમાંની અસલામતી જવાબદાર છે. જ્યાં જ્યાં સામાજિક અસલામતી હોય ત્યાં ત્યાં, સ્ત્રીઓના સ્વાતંત્ર્ય પર કાપ મુકાય છે. સમાજમાં હિંસા અને ગુનાખોરી વૃદ્ધિ પામે છે ત્યારે, સ્ત્રીસ્વાતંત્ર્ય પર તરાપ પડે છે. અમેરિકામાં આજે એમ બની રહ્યું છે. આપણી દિલ્હી નગરીમાં પણ તેમ બની રહ્યું છે. તેમ જ શ્રીનગરમાં પણ એ જ સ્થિતિ છે. અમેરિકામાં સાંજના સાત વાગ્યા પછી અમારી સભાઓમાં બહુ જ થોડી સ્ત્રીઓ હાજરી આપે છે. પુરુષો આવે, સ્ત્રીઓ નહીં કારણ, રસ્તે જતાં એ ત્રાસનો કે હલ્લાનો ભોગ બને.

(ક્રમશ:)

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.