(ઓક્ટોબર, ૨૦૦૪ થી આગળ)

પોતપોતાના મતને પ્રધાન ગણવો

અદ્વૈતવાદના ચશ્મા પહેરીને જો આપણે શ્રીઠાકુરના સિદ્ધાંતની વ્યાખ્યા કરીએ તો આપણે એને વિકૃત બનાવી દઈશું. અદ્વૈતની યુક્તિ અનુસાર કેવળ અદ્વૈત જ સત્ય છે અને બાકી બધું મિથ્યા છે. એનું કારણ એ છે કે એમની ઉક્તિ એમના અનુભવ પર આધારિત છે. અનુભવ યુક્તિનો આધાર તો છે, પરંતુ શું એક જ અનુભૂતિ યથેષ્ટ ગણાય? જેમને ઈશ્વરનાં અનેક રૂપોનો અનુભવ નથી થયો તે યુક્તિ દ્વારા કેમ એમનાં અનેક રૂપ સમજાવશે? દ્વૈતવાદી કહે છે કે અદ્વૈતવાદ ચરમસીમા નથી. ‘યદદ્વૈતં બ્રહ્મોપનિષદિતદપ્યસ્ય તનુભા:’ – ઉપનિષદમાં જે અદ્વૈતને બ્રહ્મ કહેવામાં આવ્યું છે તે શ્રીકૃષ્ણની અંગકાંતિ છે. આ તો ઘણી ભયાનક વાત થઈ, હવે થયો વિવાદ. જ્ઞાન અનુસાર યુક્તિ દ્વારા કોઈએ એનો બ્રહ્મ રૂપે તો કોઈએ શ્રીકૃષ્ણના રૂપે અનુભવ કર્યો. હવે પરમતત્ત્વ કઈ રીતે પ્રમાણિત થાય? શું તર્ક કે વાદવિતંડાવાદ દ્વારા? જે લોકો શાસ્ત્રને પ્રશંસીને ઝઘડા કરે છે તેમને એક બિંદુમાત્ર પણ અનુભવ થયો નથી. શાસ્ત્રનો સિદ્ધાંત શું છે એનો નિર્ણય કોણ કરશે? યુક્તિ જેટલી હદે દૂર જાય તેટલી એને દૂર લઈ જવી સારી. એક આંધળો માણસ ગાયની પૂંછડી પકડીને વૈકુંઠ જઈ રહ્યો હતો. કાંટાળા વનમાંથી પસાર થતી વખતે જ્યારે એનું શરીર વીંધાઈને લોહીલુહાણ થઈ ગયું ત્યારે અંધમાનવ વિચારવા લાગ્યો: હું વૈકુંઠમાં વિચરણ કરી રહ્યો છું, આ અનુસરણીય નથી. એટલે યુક્તિ અવલંબનીય જરૂર છે, સાથે ને સાથે એ યાદ રાખવું પડશે કે આપણી યુક્તિ આપણા અનુભવો પર આધારિત છે, બીજાના અનુભવો પર નહિ અને અનુભવની પણ શ્રુતિ તેમજ યુક્તિની સહાયથી પરીક્ષા કરી લેવી જોઈએ. જો એવું ન થાય તો પછી પાગલની અનુભૂતિને પણ સ્વીકારવી પડે. એક સુંદરમજાની વાત છે – જે વસ્તુ પ્રકૃતિથી પર છે, વિચારથી અગોચર છે એની વ્યાખ્યા વિચારબુદ્ધિ કે યુક્તિની સહાયથી ન કરવી. ‘અચિંત્યા: ખલુ યે ભાવા ન તાંસ્તર્કેણ યોજયેત્‌’ – જે બધા વિષય વિચારથી અગોચર છે એમને તર્ક દ્વારા સમજવાનો પ્રયાસ ન કરવો. એટલે વેદોના અર્થ માટે વિવાદ ચાલે છે. ભિન્ન ભિન્ન લોકોએ ભિન્ન ભિન્ન વ્યાખ્યા કરી છે. વસ્તુત: એના દ્વારા ચરમસિદ્ધાંત સુધી પહોંચી શકાતું નથી.

શ્રીઠાકુરની એક વાર્તા છે : વર્ધમાનની રાજસભામાં ‘શિવ મહાન કે વિષ્ણુ?’ એ વાત માટે તુમુલચર્ચા ચાલી છે. પદ્મલોચનને એની મીમાંસા કરવા કહેવાયું. તેમણે કહ્યું: ‘મેં તો શું પણ મારી ચૌદ પેઢીના પૂર્વજોમાંથી કોઈએ પણ ક્યારેય નથી તો શિવને જોયા કે ન વિષ્ણુને! તો પછી હું કેમ કહી શકું કે એ બંનેમાંથી કોણ મહાન?’ ભગવાનના સ્વરૂપ માટે જે લોકો તર્ક કરે છે એમણે આ વાત યાદ રાખવી જોઈએ. પદ્મલોચનનું તાત્પર્ય એ હતું કે શાસ્ત્ર પર વિચાર કરવાથી ખ્યાલ આવે છે કે શૈવ શાસ્ત્રમાં શિવને અને વૈષ્ણવ શાસ્ત્રમાં વિષ્ણુને મહાન કહેવાયા છે. તંત્રશાસ્ત્રના મતાનુસાર શિવ અને વિષ્ણુ આદ્યાશક્તિનાં બે સંતાન છે. અરે રામ! આપણે આટલા દિવસો સુધી જેને સત્ય ગણ્યું હતું એમાં તો ગડબડ ગોટાળો થઈ ગયો. 

શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જેને જે ભાવ સારો લાગે છે તે એ ભાવની સહાયથી એમને (પ્રભુને) સમજે.’ પરમ લક્ષ્ય સુધી પહોંચ્યા પછી સમજમાં આવશે કે બીજા બધા પથ પણ ત્યાં જ પહોંચે છે. રસ્તા અલગ અલગ હોવા છતાં પરમલક્ષ્ય તો એક ઈશ્વર જ છે. એનાથી એમના વૈચિત્ર્યમાં કોઈ અડચણ નથી આવતી. તેઓ વિવિધ રૂપે વિદ્યમાન છે, જેનો જેવો ભાવ હોય તેને તેવી ઉપલબ્ધિ થાય. જેમકે એક હોજમાં ભિન્ન ભિન્ન રંગ છે. ત્યાં જેને જેવી રુચિ હોય એ રંગમાં પોતાનું કપડું રંગી લેશે. એવી જ રીતે પરમતત્ત્વને પણ જે માનવ જે રૂપે ચાહે છે તે જ રૂપે તેની સમક્ષ અભિવ્યક્ત થાય છે. શ્રીઠાકુરનું કહેવું એ છે કે બધાં રૂપ એમનાં જ છે. કોઈની પ્રત્યે અવગણનાનો ભાવ નથી. બધા લોકો પોતાની રુચિ અનુસાર વિવિધ રૂપે કે અરૂપે એ એક ઈશ્વરની પ્રાપ્તિ કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ કહે છે કે અરૂપમાં પણ એમનાં દર્શન થાય છે. આ એક સાવ નવી જ વાત છે. આ પહેલાં કોઈ પણ આચાર્યે આવી વાત નથી કહી. ગીતા (૪.૧૧)માં ભગવાન કહે છે : ‘મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યા: પાર્થ સર્વશ:’ – બધા લોકો બધા પ્રકારે મારા પથનું જ અનુસરણ કરે છે. હવે ‘હું’ કોણ છે? એ વાતને લઈને મોટો ઝઘડો છે. આ ‘હું’ શું કેવળ દ્વિભુજ મુરલીધારી કૃષ્ણ છે કે ગોલોકવિહારી અથવા વૈકુંઠવિહારી છે. શું તેઓ નારાયણ છે? નારાયણ છે તો વળી કયા નારાયણ છે? શંખચક્રગદા- પદ્મધારી કે ગદાપદ્મશંખચક્રધારી કે શંખગદાચક્રધારી? આ રીતે વિવિધ પ્રકારે – Permutation and combination- ક્રમ અને સંયોજન છે.

ઠાકુરનો સર્વગ્રાહીભાવ

આપણામાંથી જે કોઈ જે ભાવે પ્રભુને ચાહે પછી ભલે એ અરૂપ હોય કે બહુરૂપ એમને માટે તેઓ એ જ છે. ઔપનિષદિક સિદ્ધાંતો અને શ્રીઠાકુરના આ દૃષ્ટિકોણ વચ્ચે ઘણું અદ્‌ભુત સામ્ય છે. અનેકવાર એમનો આદર્શ સમજતી વખતે આપણા મનમાં તેઓ વસ્તુત: શું બતાવવા ઇચ્છે છે એવો સંશય ઉત્પન્ન થાય છે, એટલા માટે અહીં એ વાત ચર્ચા કરવા યોગ્ય છે. શ્રીઠાકુર કહે છે કે ક્યાંક ક્યાંક ભક્તિના હિમથી સમુદ્ર જામી જાય છે અને વળી પાછો જ્ઞાનનો સૂર્ય ઊગતાં તે પીગળી પણ જાય છે. તેઓ વધુ સુંદરમજાની વાત કરે છે : કોઈ કોઈ સ્થળનો હિમ તો ક્યારેય પીગળતો નથી. એટલે એવી વાત નથી કે એમનાં આ બધાં રૂપ અરૂપ સુધી પહોંચવાના માર્ગમાં આવે છે. સાથે ને સાથે એવી પણ વાત નથી કે જો કોઈ ભગવાનના નિત્ય રૂપને પકડીને રહે તો તે એમને પૂર્ણ રૂપે કે આંશિક રૂપે પ્રાપ્ત કરશે. બ્રહ્મ સમુદ્ર છે – તે ભલે અરૂપ હોય કે સરૂપ. ગંગાનો સ્પર્શ કરવો હોય તો તેને ગંગોત્રીથી ગંગાસાગર સુધી સ્પર્શવી પડતી નથી, ક્યાંય પણ સ્પર્શ કરવાથી થઈ જાય છે.

પોતાની બુદ્ધિની અલ્પતાને કારણે આપણે વિચારીએ છીએ કે મેં જે રીતની ઉપલબ્ધિ કરી છે એવી બીજાએ નથી કરી. આપણી અજ્ઞાનતાને જોઈને ભગવાન હસે છે અને વિચારે છે કે જાણે આ લોકોએ મને પૂરેપૂરો જાણી લીધો ન હોય! છતાં પણ દ્વૈત, અદ્વૈત બધા કહે છે કે કોઈ પણ એમને સમજી શક્યા નથી. બીજા બધાને પોતાના ભાવમાં ખેંચવાનો પ્રયાસ કરે છે. ઇતિહાસમાં એક શ્રીરામકૃષ્ણ જ અદ્વિતીય દૃષ્ટાંત છે કે જે બધાની સાથે સમાન રૂપે ઈશ્વરનું આસ્વાદન કરી શકે છે. અન્ય વર્ગોમાં ક્યાંક ક્યાંક ઉદારતા જોવા મળે છે પણ એ ઉદારતા સીમિત છે. પરંતુ શ્રીરામકૃષ્ણ પોતાની સર્વગ્રાહી અનુભૂતિમાં કોઈ પણ એનાથી બહાર ન રહી જાય એવી રીતે બધાને આવૃત્ત કરી લે છે.

આ વાત વિશેષ રૂપે વિચારવા જેવી છે. નાનામોટા, ઉચ્ચનીચ, જ્ઞાનીભક્ત બધા એક જ સમુદ્રમાંથી અમૃત પીઈને અમર થઈ રહ્યા છે. સંપૂર્ણ બ્રહ્મને કોઈ પણ જાણી શક્યું નથી. જેમ કે એક કીડી ખાંડના પહાડનો એક કણ ખાઈને પેટ ભરાઈ જવાથી વધુ એક કણ મોંમામાં દબાવીને લઈ જતી વખતે વિચારે છે કે હવે પછી આખો પહાડ જ ઉપાડીને લઈ જઈશ! એવા જ હાસ્યાસ્પદ બની જાય છે એવા લોકો કે જે એમ વિચારે છે કે એમણે બ્રહ્મસમુદ્રને પૂર્ણ રૂપે આત્મસાત્‌ કરી લીધો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે તમે આ ક્ષુદ્રબુદ્ધિથી કંઈ પણ નહિ સમજી શકો. તેઓ અનંત છે, બધી રીતે અનંત છે. શ્રીઠાકુર વારંવાર કહે છે : આ અનંતની ઇતિ ન કરો. શિવમહિમ્ન સ્તોત્રમાં ભગવાન શંકરની ક્ષીતિ, જલ વગેરે આઠ મૂર્તિઓનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે જે બુદ્ધિમાન છે તેઓ આ રીતે વર્ણન કરે, પણ કે તમે (શિવ) શું ન થઈ શકો એ આપણને ખબર નથી. શ્રીઠાકુર પણ આવા પ્રકારના અનુગ્રહની દૃષ્ટિએ (કોઈને) નાના મોટા ન ગણીને, એકાંગીપણાનો ત્યાગ કરીને, ભીતરના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરવા કહે છે અને જો આપણે એ ન કરી શકીએ તો બીજાના ભાવને તુચ્છ કે ક્ષુદ્ર માનવાને બદલે એનું મને જ્ઞાન નથી એમ કહેવું શ્રેયસ્કર છે. કોઈ ભાવનો અનુભવ કર્યા વિના એને તુચ્છ કહેવાનો કે ગણવાનો અધિકાર કોઈનેય નથી. દંભવશ એ ભાવોને ખોટા ન બતાવીને ‘હું નથી જાણતો’ એમ કહેવામાં દોષ નથી. શ્રીરામકૃષ્ણે કહ્યું કે કાચલું અને બીજને કાઢી નાખવાથી વજન ઓછું થઈ જશે. એનું તાત્પર્ય એક બીજું પણ છે – તેઓ અનેક રૂપોમાં છે, એક રૂપને પણ છોડી દેવાથી એ ઓછું થઈ જશે. એટલે જે રૂપોને આપણે જાણીએ છીએ અથવા જેમને આપણે જાણતાં નથી એ બધાંને લેવાં પડશે. એટલે શ્રીઠાકુર કહે છે : ‘જ્યારે તેઓ (ઈશ્વર) આવા છે ત્યારે તેઓ બીજું ન જાણે શું શું છે!’ એમની સંપૂર્ણ સંભાવનાઓને આપણે સમાપ્ત કરી શકતા નથી. શાસ્ત્રોએ પણ આમ કર્યું નથી. શાસ્ત્રોના મતાનુસાર એમનામાં અનંત સંભાવનાઓ છે એટલે એ અનંત સંભાવનાઓનો આદર કરીને વિનયપૂર્વક આ તત્ત્વની ચર્ચા કરવી જોઈએ. આપણા આ ‘બધું જાણું છું’ ભાવની શ્રીરામકૃષ્ણે વારંવાર ભર્ત્સના કરી છે.

દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત

અહીં શ્રીરામકૃષ્ણ દ્વૈત-અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત એ ત્રણેય વિશે વાત કરતાં વિશિષ્ટાદ્વૈત પ્રસંગનું સમાપન કરે છે. તેઓ નરેન્દ્રને કહે છે : ‘વિશિષ્ટાદ્વૈતવાદ રામાનુજનો મત છે. અર્થાત્‌ જીવ-જગત-વિશિષ્ટ બ્રહ્મ.’ આનાથી વિશિષ્ટાદ્વૈત શબ્દ બન્યો છે. ચિત્‌ અને અચિત્‌ વિશિષ્ટ, બંનેનું અદ્વૈત. અર્થાત્‌ જે ચિત્‌ વિશિષ્ટ છે, તેઓ જ અચિત્‌ વિશિષ્ટ છે. આ જ રામાનુજનો મત છે. ચિત્‌ એટલે કે ચેતન અર્થાત્‌ વિભિન્ન જીવ ભગવાનનો એક અંશ છે; જડ જગત એમનો એક વધુ અંશ છે. ચિત્‌ એવં અચિત્‌ જાણે ભગવાનનું શરીર છે. જેમ આપણે પોતાના શરીર સાથે અભિન્ન છીએ તેવી જ રીતે ભગવાન જીવજગતથી અભિન્ન બનીને એમાં વ્યાપ્ત છે. એ લોકો કહે છે કે જીવ અને જગત એમનો દેહ છે એ તેઓ છે દેહી. વિશિષ્ટાદ્વૈતવાદી એક પરમતત્ત્વમાં વિશ્વાસ શ્રદ્ધા રાખવા છતાં પણ એ તત્ત્વમાં એક સ્વગત ભેદનો સ્વીકાર કરે છે. ભગવાનમાં અંતર્નિહિત હોવા છતાં પણ એ બધાં તત્ત્વો એકબીજાથી ભિન્ન છે. આ સ્વગત ભેદને વિશિષ્ટાદ્વૈતવાદી માને છે. 

પાશ્ચાત્ય દર્શનમાં Pantheism છે. Pan એટલે સર્વત્ર Theos એટલે ઈશ્વર અર્થાત્‌ ઈશ્વર સર્વત્ર છે. આ રીતે ઈશ્વર અને સર્વ બંનેની સત્તાને માનવામાં આવી છે. પરંતુ Pantheism માં ઈશ્વરને જગદાતીત રૂપે વિચારી શકતા નથી. વિશિષ્ટાદ્વૈતવાદી કહે છે – આ વિશ્વમાં તેઓ પરિવ્યાપ્ત છે પણ એ કારણે તેઓ સીમિત બની જતા નથી. એક સત્તાના રૂપે જીવજગતમાં પરિવ્યાપ્ત થઈને એનાથી પર પણ તેઓ છે. વિશેષ રૂપે આ બ્રહ્મવાદનું સ્વરૂપ છે. ‘સભૂમિં વિશ્વતો વૃત્ત્વાઽત્યતિષ્ઠદ્‌દશાઙ્‌ગુલમ્‌ । (શ્વેતાશ્વતર. ૩.૧૪) સમસ્ત ભૂમિને આવૃત્ત કરીને એની બહાર પણ તેઓ રહેલા છે. અને વળી દશાંગુલ પરિમિત થઈને તેઓ પ્રાપ્ય બની રહ્યા છે. વિશિષ્ટાદ્વૈતવાદી બહુધા ભગવાનનાં અનેક રૂપમાં માને છે તેમજ બધાં રૂપોને સત્ય ગણે છે. જીવ ભગવાનથી એક પ્રકારે ભિન્ન છે અને વળી બીજા એક પ્રકારે અભિન્ન છે. જેમ હું અને મારો દેહ; દેહમાં હું છું છતાં પણ એના કોઈ અંશ વિશેષમાં સિમિત નથી. વિશિષ્ટાદ્વૈતવાદમાં આ રીતના અનેક સ્વગતભેદનો સ્વીકાર કરવામાં આવે છે. દ્વૈતવાદી કહે છે કે જીવ અને જગત સાવ ભિન્ન વસ્તુઓ છે. જીવ, જગત અને ઈશ્વર – આ નિત્ય ભિન્ન વસ્તુઓ છે.

અદ્વૈતવાદી બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો ભેદ સ્વીકારવા તૈયાર નથી. અદ્વૈતવાદીઓનો મૂળ સિદ્ધાંત છે કે બ્રહ્મ, પરમતત્ત્વમાં કોઈપણ પ્રકારનો ભેદ નથી. અ-દ્વૈત એટલે જે દ્વૈત નથી તે. અદ્વૈતવાદીગણ વિશિષ્ટાદ્વૈત, દ્વૈત વગેરેને દ્વૈતની જ શ્રેણીમાં મૂકે છે. એનું કારણ એ છે કે આ બધા બ્રહ્મની સાથે બ્રહ્મથી અતિરિક્ત તત્ત્વમાં માને છે. બ્રહ્મમાં સ્વગત ભેદનો સ્વીકાર કર્યા પછી તત્ત્વની દૃષ્ટિએ ભેદનો સ્વીકાર કરવાનો થઈ જાય છે. આ કારણે એ લોકો કહે છે કે અહીં દ્વૈતને પણ માની લેવામાં આવ્યું છે. એટલે અદ્વૈત વેદાંતીની દૃષ્ટિએ અદ્વૈતના સિદ્ધાંત સિવાય બાકી બધા સિદ્ધાંત દ્વૈતવાદી છે.

દ્વૈતવાદી તેના વિરોધમાં કહે છે કે આ પરિદૃશ્યમાન જગતનો ભલા આપણે અસ્વીકાર કેવી રીતે કરી શકીએ? અદ્વૈતવાદી કહે છે કે જો કોઈ એવો નિયમ હોત કે જે દૃશ્ય હોય તે સત્ય જ હોવું જોઈએ તો તો દોરડી અને સાપના દૃષ્ટાંતમાં સાપ પણ સત્ય હોત. પરંતુ જ્યારે એ સત્ય નથી ત્યારે એવો કોઈ નિયમ નથી કે જે દેખાય છે તે સત્ય જ હોય. આ થઈ એમની પેલી ઉક્તિ. અને બીજી ઉક્તિ તો એનાથીયે વધારે જોરદાર છે – અદ્વૈતવાદીઓ કહે છે કે દૃષ્ટ વસ્તુ મિથ્યા જ હશે કારણ કે દેખાતી વસ્તુની સત્તા જોનાર પણ આધાર રાખે છે. દૃષ્ટા ન રહે તો દૃશ્ય પણ નથી રહેતું. એટલે દૃશ્યની સત્તા નિરપેક્ષ નથી, સાપેક્ષ છે અને દૃષ્ટાની સત્તા નિરપેક્ષ છે. જ્યારે હું કંઈ જોઉં છું ત્યારે કહું છું કે હું દૃષ્ટા છું તો શું એનાથી દૃષ્ટા સાપેક્ષ બની જાય છે? ના. દૃષ્ટાની સામે દૃશ્ય રહેવાથી એ જુએ છે પરંતુ દૃશ્યનો લોપ થઈ જવાથી દૃષ્ટાનો પણ લોપ થઈ જાય, એવી વાત નથી. સૂર્ય જગતની વિભિન્ન વસ્તુઓને પ્રકાશિત કરે છે, પરંતુ એવી કલ્પના ન કરી શકાય કે વસ્તુઓના ન રહેવાથી સૂર્યનો પણ લોપ થઈ જશે. સૂર્ય પોતાના પ્રકાશ માટે કોઈ પ્રકાશિત થનારી વસ્તુની અપેક્ષા રાખતો નથી. પરંતુ પ્રકાશ્ય વસ્તુ પોતાના પ્રકાશ માટે સૂર્ય પર નિર્ભર છે. એટલે આપણે જોઈએ છીએ કે દૃશ્ય દૃષ્ટાની અપેક્ષા રાખે છે પરંતુ દૃષ્ટા દૃશ્યની અપેક્ષા કરતું નથી. એટલે દૃષ્ટા સિવાય બીજી કોઈ પણ વસ્તુની નિરપેક્ષ સત્તા નથી. દૃષ્ટાની જ એકમાત્ર નિરપેક્ષ સત્તા છે અર્થાત્‌ બીજું કોઈ નથી અને એ જ એકમાત્ર વસ્તુ છે. આ જ છે અદ્વૈતવાદીનો મત. શ્રીરામકૃષ્ણે અહીં શ્રુતિની જેમ થોડા થોડા સંકેત દઈને વિભિન્ન મતવાદોનો સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે.

(ક્રમશ:)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.