(ગતાંકથી આગળ)

ગિરિશના મકાનમાં ભક્તોથી વીંટળાઈને શ્રીઠાકુર ભગવત્પ્રસંગ કરી રહ્યા છે. માસ્ટર મહાશયને કહે છે: ‘હું પ્રત્યક્ષ નિહાળું છું, હવે વધુ વિચાર શું કરવો? હું નિહાળું છું, તેઓ (પ્રભુ) જ બધું થયા છે – તેઓ જ જીવ અને જગત બન્યા છે.’ શ્રીઠાકુરને પ્રત્યક્ષ ઉપલબ્ધિ મળી. એના પર હવે તેઓ શું વિચાર કરશે? વિચાર દ્વારા બીજાના સંદેહનું નિવારણ થાય છે. પરંતુ જેમણે પ્રત્યક્ષ (પ્રભુને) નિહાળ્યા છે એને તો સંદેહ થતો જ નથી. ચૈતન્યની પ્રાપ્તિ કર્યા વિના ચૈતન્યને જાણી ન શકાય. ચૈતન્યને જાણવો એટલે જ્ઞાનમાં જ્ઞાન થવું. આ વાત ઠાકુરે બીજે સ્થળે પણ કહી છે: ‘બ્રહ્મવિદ્‌ બ્રહ્મૈવ ભવતિ – જે બ્રહ્મજ્ઞ છે તે બ્રહ્મ જ છે.’ એટલે એક વ્યક્તિ બીજા વ્યક્તિને જાણશે, ઓળખશે એવો પ્રશ્ન જ નથી જન્મતો. ચૈતન્ય જો ક્યારેય પોતાની ઉપલબ્ધિ કરે તો તે ચૈતન્ય બનીને જ થઈ શકે. કોઈ બીજા પ્રયત્નથી તે થઈ શકતું નથી. જ્યારે આપણે ચૈતન્યને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે બીજી વસ્તુને એની સાથે મેળવીને વસ્તુના રૂપે, બહિર્જગત રૂપે અંત:કરણ કે મનોધર્મના રૂપે, પોતાનાં સુખદુ:ખની સાથે સંશ્લિષ્ટ રૂપે જાણવાનો પ્રયાસ કરીએ છીએ.

શુદ્ધ બ્રહ્મ કે આત્માને આ પ્રકારે જાણી ન શકાય. પોતે એ વસ્તુ બની ગયા પછી જ એને જાણી શકાય છે અથવા એમ કહીએ કે એને જાણવો એટલે એ જ બની જવું, એ બંને એક જ વાત છે. હું સત્યને નિહાળી રહ્યો છું એવું કેવળ કહેવાથી જ થશે નહિ. સત્ય સાથે તદ્રૂપ બનીને એને જાણી શકાય. એટલે જ જેને આપણે ચૈતન્યની ઉપલબ્ધિ કહીએ છીએ એ વાસ્તવિકને જાણવું પડશે.

બ્રહ્મજ્ઞનાં લક્ષણો

આ ચૈતન્યપ્રાપ્તિ સ્વસંવેદ્ય છે. મને જે ચૈતન્યપ્રાપ્તિ થઈ છે તેને હું બીજા સામે વ્યક્ત કરી શકતો નથી. કોઈ બીજો મારા એ અનુભવને સમજી નહિ શકે. જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થયો છું એ પોતે જ સમજી લેવું પડશે. શ્રીઠાકુરે બહિરંગ દૃષ્ટિએ લક્ષણ બતાવીને એક વધુ વાત કરી છે: ‘ચૈતન્યલાભ થવાથી સમાધિ થાય છે, ક્યારેક ક્યારેક દેહ પણ ભુલાઈ જાય છે, કામિની અને કાંચન પર આસક્તિ રહેતી નથી, ઈશ્વરની વાતો સિવાય બીજું કંઈ ગમતું નથી, વિષયની વાતો સાંભળીને કષ્ટ થાય છે.’ શ્રીરામકૃષ્ણના મત પ્રમાણે આ ચૈતન્યમાં પ્રતિષ્ઠિત થયેલ મનુષ્યનો સ્વભાવ છે. એ કહેવાની જરૂર નથી કે એ અવસ્થા એટલી ગહન, એટલી અંતરંગ છે કે એને વ્યક્ત ન કરી શકાય. જેમ બ્રહ્મ અવ્યક્ત છે, એવી જ રીતે બ્રહ્મજ્ઞ પણ પોતાના બ્રહ્મજ્ઞાનને વ્યક્ત નથી કરી શકતો, આમ છતાં પણ બહારના કેટલાંક લક્ષણ જોઈને એમ સમજી શકાય કે આ બ્રહ્મજ્ઞ છે. એમાંથી કેટલાંક લક્ષણો એમણે (શ્રીઠાકુરે) અહીં બતાવ્યાં છે. સમાધિ થવાનો અર્થ છે જ્ઞાનમાં પૂર્ણ રીતે સ્થિત બનવું, આત્માને સમ્યક્‌ રૂપે બ્રહ્મમાં સ્થાપિત કરવો અથવા બ્રહ્મરૂપમાં પરિણત થવું કે તદ્રૂપતાની પ્રાપ્તિ કરવી. આપણા લોકોની દૃષ્ટિએ સમાધિનો અર્થ છે – બાહ્યજ્ઞાનનો લોપ થવો. મન જ્યારે બાહ્ય વસ્તુઓને ભૂલીને આત્મામાં નિવિષ્ટ થઈ જાય છે ત્યારે ચિત્તવૃત્તિઓના નિરોધની આ અવસ્થા સમાધિનું પ્રથમ સ્તર છે – દેહને ભૂલી જવો. શ્રીઠાકુર કહે છે: ‘વચ્ચે વચ્ચે દેહનું વિસ્મરણ થઈ જાય છે.’ વચ્ચે વચ્ચે એટલા માટે કે જ્ઞાની વ્યક્તિનો પણ જગત સાથે વ્યવહાર હોય છે, અત: જગત પૂર્ણત: વિસ્મૃત થઈ જવાથી કામ ન ચાલે, એટલે કે વ્યવહાર ન થઈ શકે. ‘કામ કાંચનમાં અનાસક્તિ’ આ વાત બ્રહ્મજ્ઞાનીઓના આચરણને જોઈને જ સમજવી પડે. જ્ઞાનમાં પ્રતિષ્ઠિત વ્યક્તિના સાંનિધ્યનો લાભ મેળવવાનું સદ્‌ભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે તેઓ જ આ વાતોને થોડીઘણી સમજી શક્યા છે. આ સંયોગ અત્યંત દુર્લભ છે. ભગવદ્‌કૃપા વિના આ પ્રકારનું અપૂર્વ જીવન જોવા મળતું નથી.

શ્રીઠાકુરનાં સંતાનોની કૃપાથી અમને એમના સાંનિધ્યમાં આવવાનું જે સદ્‌ભાગ્ય સાંપડ્યું તેના આધારે અમે કહીએ શકીએ છીએ કે દેહ સુધ્ધાંનું વિસ્મરણ થઈ જવું એ અમે શ્રીઠાકુરનાં સંતાનોમાં જોયું છે; અન્ય બીજે કોઈ સ્થળે આ જોવા મળ્યું નથી. આ વિશે સાર્વજનિક રૂપે કંઈ કહેવું યોગ્ય નથી લાગતું કારણ કે આવા પ્રકારની વાતો સાંપ્રદાયિક જેવી લાગે. મારો અભિપ્રાય એવો નથી કે એવું વ્યક્તિત્વ કેવળ એમના (શ્રીઠાકુર) સુધી સિમિત છે, બીજે જોવા ન મળે. મારા કહેવાનું તાત્પર્ય એ છે કે એવા લોકોનાં દર્શન દુર્લભ છે. ભારતમાં વિભિન્ન સ્થાનોમાં ભ્રમણ કરતી વખતે હું અનેક સાધુ-સંપ્રદાયોના સંપર્કમાં આવ્યો છું, પરંતુ આ જે ‘સર્વકંઈ ભૂલી જવું’ આત્મવિસ્મૃતિ, દેહનું ભાન સુધ્ધાં ભૂલી જવું, આવું જોવાનો સુયોગ મને ક્યાંય નથી મળ્યો.

શ્રીઠાકુર આ બધી વાતોનો ઉલ્લેખ કરતાં પોતાના જ ચરિત્રનું વર્ણન કરે છે જેથી એમના દૃષ્ટાંતથી બધા લોકો સમજી શકે. અમે લોકોએ શ્રીઠાકુરને જોયા નથી છતાં એમના સંતાનોમાં આ ભાવને પ્રગટ થતાં કેટલીયેવાર જોયો છે. જે લોકોએ એમનું ચરિત્ર વાંચ્યું છે એમને પણ ખ્યાલ આવશે કે એમની ભીતર કેવી રીતે આ ભાવ પ્રકાશિત થતો. હંમેશાં થતો રહેતો એવી વાત નથી. શ્રીઠાકુરે કહ્યું છે : ‘વચ્ચે વચ્ચે સર્વ કંઈ ભુલાઈ જાય છે.’

મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી)નો સેવક હોકામાં ચલમ લગાડીને નળી એમના હાથની પાસે રાખી જતો. તેઓ બેઠા જ રહેતા – સ્થિર, શાંત, જડ સમા; હોકામાં તમાકુ બળે છે પણ એ તરફ એની દૃષ્ટિ નથી. સેવકો આ બધું જાણતા હતા. તેઓ અત્યંત સાવધાન રહેતા અને એક પછી એક ચલમમાં તમાકુ મૂકતા રહેતા; જેથી પ્રકૃતિની પ્રતિકૂળતાને લીધે એમના (સ્વામી બ્રહ્માનંદજીના) મનને એ ઉચ્ચતર ભાવભૂમિથી નીચે ઊતરવું ન પડે; (દેહ) ભાન જ ન રહેતું, વળી પાછા ક્યારેક ક્યારેક થોડું ભાન આવે તો એકાદ બે કશ લઈ લેતા. આ દૃશ્ય ખરેખર અપૂર્વ હતું! આ દૃશ્યનો એક ફોટો પણ લીધો છે. બહારથી આવીને એક વ્યક્તિએ કહ્યું: ‘મહારાજ, શું આપ હોકો પીવાની આ ખરાબ આદત છોડી શકતા નથી?’ એ વ્યક્તિની સમજ-ધ્યાનમાં આ જ આવ્યું અને સેવકો નિહાળતા હતા એમનો આત્મવિસ્મૃતભાવ! આને જ સમાધિ કહે છે. શ્રીઠાકુરના બીજા બધા સંતાનોમાં આ ભાવની અભિવ્યક્તિ ઘણી વધુ માત્રામાં જોવા મળતી. એમાં રજમાત્ર પણ દેખાવનો ભાવ ન હતો. એ હતો એ બધા લોકોનો પોતાનો સ્વભાવ. આ જ વાત શ્રીઠાકુર કહે છે : ‘વચ્ચે વચ્ચે જગત વિસ્મૃત થઈ જાય છે, કામિની-કાંચન પર આસક્તિ રહેતી નથી, ઈશ્વરની વાતો સિવાય બીજું કંઈ ગમતું નથી.’ શ્રીઠાકુરે અહીં અત્યંત સહજ અને બધાને માટે બોધગમ્ય ભાષામાં પોતાની અવસ્થાનું વર્ણન કર્યું છે. મનોવૈજ્ઞાનિકની જેમ વિશ્લેષણ કરીને નહિ પરંતુ સરળ રીતે કહ્યું છે. પ્રાપ્ત કરીને જ ચૈતન્યને જાણી શકાય છે. જેમને ચૈતન્યની પ્રાપ્તિ થઈ છે એમની આ જ અવસ્થા હોય છે.

શ્રીઠાકુર માસ્ટર મહાશયને કહે છે: ‘મેં નિહાળ્યું છે’, વિચાર કરવાથી એક પ્રકારનું જ્ઞાન થાય છે અને ધ્યાન કરવાથી લોકો એક બીજી રીતે એમને સમજે છે. અને જ્યારે તેઓ પોતે એ બતાવી દે છે ત્યારે તેઓ એક બીજા જ છે. તેઓ જ્યારે પોતે બતાવે છે કે અવતાર આ રીતે થાય છે, તેઓ જ્યારે પોતાની મનુષ્યલીલા સમજાવી દે છે ત્યારે વિચાર કરવાની જરૂર રહેતી નથી; કોઈને સમજાવવાની પણ જરૂર રહેતી નથી.’

વિચાર દ્વારા જાણવું તે પૂર્ણ રૂપે સંદેહમુક્ત જ્ઞાન નથી. એમાં સંદેહને માટે થોડું સ્થાન રહી જાય છે. વિચાર દ્વારા સિદ્ધાંત સ્થિર કરીને મનમાં ધારણા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એને ‘ધ્યાન’ કહે છે. ધ્યાન સમયે ધ્યાતા અને ધ્યેય એક હોતા નથી. તેઓ પોતે બતાવી દે છે, એમ કહેવાનો અર્થ સાક્ષાત્‌ અનુભૂતિ છે. ‘તો તેઓ એક વધુ છે.’ આ ત્રણ વાતો એમણે એક પછી એક કરી. 

વિચાર અને જ્ઞાન

ત્યાર પછી તેઓ કહે છે : તેઓ જ્યારે પોતાની મનુષ્ય લીલા સમજાવી દે છે એટલે કે સાક્ષાત્‌ અનુભૂતિ થઈ જાય છે ત્યારે વિચાર કરવાની આવશ્યકતા રહેતી નથી. વાસ્તવિક રીતે જાણવું એ વિચાર ન કરવાથી થાય છે અને એ ધ્યાનથી જ થતું નથી. ‘કેવી રીતે જાણો છો – જેવી રીતે અંધારા ઓરડાની અંદર દીવાસળી ઘસવાથી એકાએક અજવાળું થઈ જાય છે એવી જ રીતે એકાએક તેઓ (ભગવાન) જો અજવાળું – પ્રકાશ આપે તો બધા સંદેહ એની મેળે દૂર થઈ જાય છે. આ રીતે વિચાર કરીને એમને શું જાણી શકાય છે?’ દીવાસળી ઘસવાનો અર્થ છે – સાધનભજન કરો. એ સાધનભજન ભલે ગમે તે રીતે થતાં હોય. વિચાર, ધ્યાન-ધારણા તથા મનને શુદ્ધ કરવાની બધી પ્રક્રિયાઓ યોજી શકાય છે. આ બધાને ક્રિયાન્વિત કરીને જાણવું એ જ સાધન. એ યાદ રાખવું પડશે કે આનાથી પણ વાસ્તવિક રૂપે જાણવાનું થતું નથી. એવું બની શકે કે ધ્યાનના સમયે મનમાં મૂર્તિ પ્રસ્ફુટિત થઈ ઊઠી પરંતુ એ દર્શન નથી. કલ્પના અત્યધિક દૃઢ થઈ જવાના પરિણામે તે દેખાય છે, પરંતુ આ જોવું એ શું વસ્તુ રૂપે જોવાનું છે? ‘હું જોઉં છું’ આ બોધ રહે ત્યાં સુધી પૂરી રીતે જોવાનું થતું નથી. પરંતુ જ્યારે તેઓ દેખાય છે તો એ પ્રત્યક્ષાનુભૂતિ છે. દીવાસળી ઘસતાં ઘસતાં અચાનક અજવાળું થઈ જવું – સાક્ષાત્‌ અનુભૂતિ. જો આ અનુભૂતિ થઈ જાય, જો તેઓ અચાનક અજવાળું કરી દે તો અંધકાર પૂરેપૂરો દૂર થઈ જાય છે અને બધા સંદેહ પણ દૂર થાય છે. આ રીતે વિચાર કરીને એમને શું જાણી શકાય ખરા? આવા વિચાર ચાલે છે એટલે કે વિચાર હજુ સુધી અનુભૂતિમાં પરિણત થયો નથી. વિચાર સાધન તો છે જ પરંતુ કેવળ વિચાર, સાધનનું અવલંબન કરીને બ્રહ્મજ્ઞાન થતું નથી. આ એક ઉપાય છે. જે આપણને રસ્તો બતાવીને સંકેત કરતાં કહે છે કે આ બાજુ ચાલો; પરંતુ એ વસ્તુલાભ કરાવી ન શકે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: ‘બધા મને મનુષ્ય માનીને મારી અવગણના કરે છે. (તેઓ) પરમતત્ત્વને નથી જાણતા.’ એમાં જવાનું સામર્થ્ય નથી. તત્ત્વની સંપૂર્ણ ધારણા કરવા યોગ્ય અંત:કરણની શુદ્ધિ નથી. આવી શુદ્ધિ હોવાથી દર્શન થાય છે, બધા સંદેહ દૂર થઈ જાય છે – અવતારને જાણી શકાય છે.

કાલી અને બ્રહ્મ

નરેન્દ્ર શ્રીઠાકુરને કહે છે : ‘ત્રણ ચાર દિવસ તો મેં શ્રીકાલીનું ધ્યાન કર્યું પરંતુ મને તો કાંઈ થયું નથી.’ શ્રીઠાકુરે એમને હતોત્સાહ ન કરતાં કહ્યું: ‘ધીમે ધીમે થશે. કાલી બીજું કંઈ નથી, જે બ્રહ્મ છે તે કાલી પણ છે. કાલી આદ્યાશક્તિ છે. જ્યારે તેઓ નિષ્ક્રિય રહે છે ત્યારે એને બ્રહ્મ કહે છે અને જ્યારે તેઓ સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય કરે છે ત્યારે તેને શક્તિ કહે છે, કાલી કહે છે. જેને તમે બ્રહ્મ કહો છો એમને જ હું કાલી કહું છું.’ નરેન્દ્રનાથ બ્રાહ્મસમાજના સભ્ય હતા. એમના મનમાંથી ત્યારે પણ બ્રાહ્મસમાજનો પ્રભાવ દૂર થયો ન હતો. શ્રીઠાકુરના સંસર્ગમાં આવીને કાલીનું ધ્યાન કરે છે. ત્રણચાર દિવસ જ ધ્યાન કર્યા પછી કહે છે: ‘કંઈ થયું નહિ.’ આ સાંભળીને લાગે છે કે ત્રણચાર દિવસ ધ્યાન કરવાથી જ થઈ જશે? શ્રીઠાકુર નરેન્દ્રને ધ્યાનસિદ્ધ કહેતા. એમના ત્રણચાર દિવસ આપણા માટે ત્રણચાર વર્ષથી પણ વધારે છે. એનો અર્થ ઘણો ગહન છે. શ્રીઠાકુર મા કાલી વિશે એમની ધારણાને સ્પષ્ટ કરવાના નિમિત્તે કહે છે: જે બ્રહ છે તે જ કાલી છે. તમે પહેલા બ્રહ્મની ઉપાસના કરતા હતા અને હવે કાલીનું ધ્યાન કરો છો, એવી વાત નથી. તમારા બ્રહ્મ અને મારી કાલી ભિન્ન નથી. કાલી આદ્યાશક્તિ છે – આદિની શક્તિ છે. સમસ્ત વિચિત્રતાઓનું કારણ, જેમાંથી સમસ્ત વિચિત્રતાઓ ઉદ્‌ભવી છે તે જ શક્તિ છે. જે અવ્યક્ત જગતની સૃષ્ટિ કરે છે, રક્ષા કરે છે તથા ઉપસંહાર કરે છે તે જ કાલી છે, તે જ બ્રહ્મ છે.

જેમનાથી જગતની ઉત્પત્તિ થઈ છે, જેમનામાં આ વિશ્વ-બ્રહ્માંડ જીવિત છે, પ્રાણવંત થઈને રહે છે અને અંતે એમનામાં સમાઈને ફરીથી અનભિવ્યક્ત રૂપ પ્રાપ્ત કરી લે છે તે જ બ્રહ્મ છે. શ્રીઠાકુર એને જ કાલી કહે છે. વસ્તુ ભિન્ન નથી. એક જ બ્રહ્મના એ બે પક્ષ છે. સક્રિય અવસ્થાને કાલી અને નિષ્ક્રિય અવસ્થાને બ્રહ્મ કહે છે. પાર્થક્ય વસ્તુમાં નથી, કેવળ દૃષ્ટિમાં છે. દૃષ્ટિ પ્રમાણે જોઈને આપણે બે અલગ નામ આપ્યાં છે. એમની સૃષ્ટિ અનંત છે – ક્યાંક સૃષ્ટિ થઈ રહી છે તો ક્યાંક એનો લય પણ ચાલતો રહે છે. આ અનંત વિશ્વ-બ્રહ્માંડની સમગ્ર અથવા સમષ્ટિ રૂપે કલ્પના કરવી કઠિન છે એટલે આપણે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મનાં નામ આપીએ છીએ.

શ્રીઠાકુર હજુ વધુ વ્યાખ્યા કરે છે : ‘બ્રહ્મ અને કાલી અભેદ છે – જેમ અગ્નિ અને એમની દાહક શક્તિ. અગ્નિનો વિચાર કરતાં જ તેની દાહક શક્તિનું ચિંતન પણ થાય છે. કાલીમાં માનવાથી બ્રહ્મને માનવું પડે છે અને બ્રહ્મને માનવાથી કાલીને.’ સૃષ્ટિ-સ્થિતિ-લય રૂપી આ ક્રિયાઓને જ્યારે આપણે એમના પર આરોપીએ છીએ ત્યારે તે આદ્યાશક્તિ કે કાલી છે. અને એવું ન કરીને જ્યારે એમને નિષ્ક્રિય સ્વરૂપે ચિંતવીએ છીએ ત્યારે તે બ્રહ્મ છે. અગ્નિ અને એની દાહક શક્તિ અભિન્ન છે. જ્યારે તે બધું સળગાવી દે છે ત્યારે આપણે એને અગ્નિ કહીએ છીએ; અને જ્યારે સળગાવતો નથી ત્યારે અગ્નિ પોતાના સ્વરૂપે રહે છે, ત્યારે એની શક્તિ વ્યક્ત નથી. કાર્ય દ્વારા શક્તિનું અનુમાન કરી શકાય છે. ક્રિયા દ્વારા પ્રગટ થવાથી આપણે એને દાહક શક્તિ કહીએ છીએ, જે શક્તિ અગ્નિની ભીતર હતી. એટલે બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે. રામપ્રસાદે પોતાના ભજનમાં કહ્યું છે: ‘કાલી અને બ્રહ્મનો મર્મ સમજીને ધર્મ-અધર્મ વગેરે બધાનો પરિત્યાગ કર્યો છે.’ શ્રીઠાકુર કહે છે: ‘હું એમને જ શક્તિ-કાલી કહું છું.’ આ પ્રસંગ અહીં પૂરો થયો. હવે રાત થવા આવી છે. 

ગિરીશ અને થિયેટર

ગિરીશ હરિપદથી એક ગાડી લાવીને કહે છે: ‘એમને થિયેટર લઈ જવાના છે.’ શ્રીઠાકુર કહે છે: ‘જોજે, જરૂર લઈ જજે.’ શ્રીઠાકુરની ટિપ્પણીનો અર્થ એ છે કે ગિરીશના મનમાં થિયેટર જવા માટે હજી પૂરું આકર્ષણ છે. એટલે એમને એ વાત કહી.

ગિરીશ ઠાકુરને છોડીને જવા ઇચ્છતા નથી અને થિયેટર જવું પણ જરૂરી છે. તેઓ આવી દુવિધામાં પડ્યા છે. શ્રીઠાકુર કહે છે : ‘ના, બંને બાજુની રક્ષા કરવી જોઈએ. રાજા જનક બંનેને – સંસાર અને ઈશ્વર – બચાવીને દૂધનો કટોરો ખાલી કરતા.’ રાજા જનક આ જગતમાં જ્ઞાન અને વ્યવહારનું સામંજસ્ય જાળવી રાખીને જ્ઞાનૂર્વક વ્યવહાર કરે છે. એમણે ઈશ્વર અને જગત બંનેને રાખીને સંસારનો ઉપભોગ કર્યો હતો, શ્રીઠાકુર ગિરીશને થિયેટર છોડવાની મના કરતાં કહે છે : ‘ના, ના. આ સારું છે. એનાથી ઘણા પર ઉપકાર થાય છે.’ આ મના કરવાના બે પક્ષ છે. એક તો ગિરીશ થિયેટરના માધ્યમથી નાટ્યરસ દ્વારા અનેક ઉચ્ચતત્ત્વ લોકોની સમક્ષ મૂકી રહ્યા છે અને એનાથી લોકકલ્યાણ થાય છે. બીજો પક્ષ આ હોઈ શકે કે ગિરીશનું મન હજુ દ્વન્દ્વથી મુક્ત નથી થયું. શ્રીઠાકુર કહે છે: ‘ઘા સુકાઈ ગયા પછી ઉપરની ચામડી એની મેળે નીકળી જાય છે. એની પહેલાં એને ઉખેડવાથી ઘા ઊંડો થઈ જાય છે.’ ગિરીશનું મન ભગવાન પ્રત્યે આકર્ષાયું છે એમ છતાં પણ થિયેટર વગેરેની ચિંતાથી તેઓ મુક્ત નથી થાતા. એટલે ઠાકુર કહે છે કે અત્યારે છોડવાની જરૂર નથી.

શ્રીઠાકુર ગિરીશનો આદર્શ બધાની સમક્ષ રાખવા માગે છે. જે સંસારમાં રહીને ભગવાનનું ચિંતન કરે છે એમને કહે છે: ‘આ પ્રકારના દૃઢ વિશ્વાસ સાથે નિર્લિપ્ત ભાવે સંસાર રચો.’ પરંતુ ત્યાગી સંતાનોને તેઓ કહે છે: ‘જુઓ, લસણની વાટકીને ભલે ગમે તેટલી ધોઈ નાખો પણ થોડીઘણી ગંધ રહી જાય છે.’ પોતાના આટલા પ્રિય ગિરીશ પ્રત્યે પણ એવી જ વાત કહે છે. આગમાં તપાવવાથી લસણની એ ગંધ ચાલી જાય છે પણ આગમાં તપાવવાનો સમય સંભવત: હજુ આવ્યો નથી. તેઓ પ્રતીક્ષા કરે છે; લસણની પોતાની આ કટોરીને તેઓ અપૂર્ણ મૂકીને નહિ જાય. આગમાં તપાવી લેવાનો સમય આવી રહ્યો છે. આ વાત ગિરીશના પછીના જીવનને જોવાથી આપણી સમજમાં આવી જાય છે. જીવનના અંતિમ દિવસોમાં શ્રીઠાકુર સિવાય અન્ય કોઈ પણ પ્રકારની વાત એમના મુખેથી નીકળતી જ ન હતી. તેઓ સદા એમની અહેતુકી કૃપા, અગાધ પ્રેમ તેમજ કરુણાની વાતો કહેતા. આ બધાનું વર્ણન કરતાં કરતાં એમની બંને આંખોમાંથી આંસુંની ધારા વહેવા લાગતી. આ જ છે તપેલા લસણની વાટકી રૂપે ગિરીશ. પરંતુ એમનો આગમાં તપીને શુદ્ધ થવાનો સમય હજુ આવ્યો નથી.

નરેન્દ્ર ભાવિ ગિરીશને જોઈ શકતા નથી. વર્તમાન ગિરીશને જોઈને ધીમે અવાજે કહે છે: ‘હમણાં જ ઈશ્વર અને અવતારની વાત કરતા હતા અને હવે એમને થિયેટરમાં ઘસડી રહ્યા છે.’ પરંતુ શ્રીઠાકુર જુએ છે ભવિષ્યના ગિરીશને. જે પક્ષપાતશૂન્ય, નિષ્કિંચન અવતાર છે, તેઓ ગિરીશના આટલા અત્યાચાર અને હઠ એમના ભાવિ જીવનને ધ્યાનમાં રાખીને સહન કરે છે. આ એમનો અંતરંગ છે. એના પરનું આવરણ ધીરે ધીરે દૂર થતું જાય છે એટલે શ્રીઠાકુર નિશ્ચિંતત છે. દૂરદૃષ્ટિ વિનાના લોકો મનુષ્યના વર્તમાનને જ જોઈને સદાને માટે એનું મૂલ્યાંકન કરી નાખે છે. પરંતુ શ્રીઠાકુર આવું કરતા નથી એટલે તેઓ શરાબી તથા લંપટ ગિરીશને નહિ પરંતુ સર્વકલુષમુક્ત ગિરીશ સાથે આવો આટલો પ્રેમ રાખે છે અને એ પ્રેમ અપાત્ર પર નથી કર્યો. આ વાત ગિરીશના પછીના જીવનને જોતાં જ સ્પષ્ટ રૂપે સમજાઈ જાય છે.

(ક્રમશ:)

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.