૭. અહિંસક સમાજમાં જ સ્વાતંત્ર્ય પાંગરે

અમેરિકા જેવા ખૂબ વિકસિત દેશમાં પણ, કોઈ ઇચ્છે છે માટે નહીં પણ, સમાજમાં અસલામતી પ્રવર્તતી હોવાને કારણે, નારી સ્વાતંત્ર્ય ઉપર કાપ આવે છે તો, ભારતમાં અહિંસાપ્રધાન સમાજવ્યવસ્થા વિકસે તે માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવો ઘટે. સ્વાતંત્ર્ય અને લોકશાહી કેવળ અહિંસક સમાજ વ્યવસ્થામાં જ પાંગરે આવી અહિંસક સમાજ વ્યવસ્થાની સ્થાપના અંગેના બધા સંઘર્ષોમાં આપણી મહિલાઓએ મોરચે રહેવું જોઈએ. આપણા માર્ગો પર અને શેરીઓમાં સ્ત્રીઓ છૂટથી હરવાફરવા સમર્થ હોવી જોઈએ. હિંસક સમાજ વ્યવસ્થામાં સ્ત્રીસ્વાતંત્ર્ય કુંઠિત થઈ જાય છે. ઇતિહાસમાં સદા આમ બનતું આપણે જોયું છે. એટલે, સમાજમાં આ પ્રકારની શાંતિ અને સંવાદિતા શાંતિપ્રિય નરનારીઓ પાસેથી વધારે કે વધારે પ્રમાણમાં આવવી જોઈએ. આ ક્ષેત્રમાં સ્ત્રીઓનું યોગદાન ખૂબ હોઈ શકે. પરંતુ આજે જગતમાં ક્યાંય, સ્ત્રીપુરુષનાં અંતરમાં શાંતિ નથી; સર્વત્ર તંગ મનોદશા અને અશાંતિ છે. અંદર કે બહાર, ક્યાંય સંવાદિતા નથી, એકતા નથી. ચોમેર વિસંવાદ, વિસંવાદ અને વિસંવાદ જ છે. અંતરમાં શાંતિ હોય તો તેનું પ્રતિફલન બહાર થાય; ભીતર અશાંતિ હોય તો આપણે તે અશાંતતા બહાર ફેલાવીએ. એટલે, પ્રથમ આપણે અંતરમાં શાંતિ સ્થાપવી જોઈએ. સમાજમાંનાં બીજાં મનુષ્યો સાથે શાંતિભર્યા સુખદ સંબંધો બાંધવામાં એ શાંતિ આપણને સહાય કરશે. બીજી વ્યક્તિનાં ધર્મ, જ્ઞાતિ, કે જાતિ વિશે આપણે સવાલો નહીં કરવા પરંતુ, દરેક સંજોગને માનવતાવાદી દૃષ્ટિએ જોવો સ્વીકારવો, એ પ્રકારનો વિશાળ માનવતાવાદી અભિગમ જ શાંતિભર્યા સામાજિક સંજોગો નિર્મી શકે. માત્ર આવી પરિસ્થિતિમાં જ સ્ત્રીઓ પૂરી પાંગરી શકે. સમાજમાં મુક્ત વિહારનું સ્વાતંત્ર્ય સ્વસ્થપ્રદ સમાજની એક શરત છે.

આપણા મહાન મહાકાવ્ય મહાભારતમાં આવી અહિંસક સમાજ વ્યવસ્થાનું સુંદર ચિત્ર મળે છે. પ્રખ્યાત શાંતિપર્વમાં સમ્ર્રાટ યુધિષ્ઠિર, બીજા પાંડવો, શ્રીકૃષ્ણ, વ્યાસ અને બીજા ઋષિઓ સાથે રાજકીય વ્યવસ્થા અને અધ્યાત્મની ચર્ચાઓ છે ત્યાં (૧૨.૬૮.૩૨) આ શ્લોક આવે છે :

स्त्रियश्चापुरुषा मार्गम् सर्वालंकार भूषिताः ।
निर्भया प्रतिपद्यन्ते यदा रक्षसि भूमिपः ॥

‘બધા અલંકારો અને વસ્ત્રો પહેરીને, પુરુષના સાથ વિના માર્ગો અને શેરીઓમાં સ્ત્રીઓ મુક્તપણે નિર્ભયતાથી વિહાર કરી શકે તે રાજ્ય સુશાંતિ છે.’

૮. આપણી વૈજ્ઞાનિક ક્રાંતિને માનવતાવાદી ક્રાંતિનો સાથ મળવો જોઈએ

એ શ્લોક મને ખૂબ ગમે છે. આપણા દેશમાં આવી તંદુરસ્ત સામાજિક પરિસ્થિતિનું નિર્માણ આપણે કરી શકીએ તે માટેની આપણી ઝંખના કેવી તીવ્ર છે! પરંતુ આવા આદર્શથી આપણો સમાજ કેટલો આઘો છે! હિંસા, દ્વેષ, ઘર્ષણ અને ગુના વિશે આપણે રોજ જ વાંચીએ છીએ. બ્રિટિશ રાજકારણ ફિલસુફ હોબ્ઝના શબ્દો ટાંકીએ તો, આવા સંજોગોમાંનું આપણું જીવન કેવું તો ‘ક્ષણિક, અધમ અને જંગલી’ છે! આવા ગુનામુક્ત સમાજ માટે મથવા શિક્ષિત નરનારીઓએ પ્રયત્ન કરવો જોઈએ; એ કંઈ કલ્પના નથી, એ શક્ય છે. અંતર્નિહિત દિવ્યતાનું વેદાન્તી સત્ય આપણું લોક વધારે ને વધારે સમજશે અને જીવનમાં ઉતારશે ત્યારે, આપણે એ હાંસલ કરી શકશું. આજના યુગમાં, પૂર્વની અને પશ્ચિમની પ્રજાને સ્વામી વિવેકાનંદે એ ફિલસુફી શીખવી હતી. હું છેલ્લો શ્રીનગર આવ્યો ત્યારે, મોસ્કો અને તહેરાન યુનિવર્સિટીઓના નિમંત્રણે એ બે નગરોની મુલાકાતેથી પાછો આવ્યો હતો. ત્યારે મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં અને, તહેરાનની ઈમ્પરિયલ યુનિવર્સિટીમાં મેં સંબોધન કર્યું હતું. દરેક જગ્યાએ આ અહિંસક સમાજ વ્યવસ્થા અને નાગરિક શાંતિનો આ વિચાર દરેકને, ખાસ કરીને યુવા પેઢીને, ગમે છે તે મેં જોયું હતું. એની પાછળની ફિલસુફીને એ સૌ માણે છે. એટલે મોસ્કોમાં મારા પ્રવચનનો વિષય તેમણે પસંદ કર્યો હતો તે હતો ‘સ્વામી વિવેકાનંદ : એમનો માનવતાવાદ’. પ્રવચનને અંતે તેમણે પ્રશ્નો કર્યા હતા અને મેં તેમના ઉત્તરો આપ્યા હતા. પ્રશ્નોત્તરી સહિતનું એ આખું પ્રવચન કલકત્તાના અદ્વૈત આશ્રમે હિંદી અને અંગ્રેજીમાં પુસ્તકાકારે પ્રગટ કર્યું છે. હું અંગ્રેજીમાં બોલી શકતો હતો અને એ સૌએ કહ્યું કે, ‘અમે સરળ બોલાતી અંગ્રેજી સમજી શકીએ છીએ અને અનુવાદની જરૂર નથી.’ મનુષ્યની નિહિત દિવ્યતાના વિવેકાનંદે પ્રબોધેલ વેદાન્ત સત્ય વિશે એક પ્રશ્ન હતો અને મેં એનો જવાબ વિગતવાર આપ્યો હતો. બર્લિનમાં પણ એક યુવાને મને પૂછ્યું હતું કે, ‘દરેક મનુષ્યમાં દિવ્ય સ્ફુલિંગ રહ્યો છે તેમ આપે કહ્યું પણ આ મેં કદી અગાઉ સાંભળ્યું નથી; પરંતુ એ વિચાર ખૂબ આકર્ષક છે તો મારે એ વિશે વધારે સમજવું છે’; મેં એને એ સમજાવ્યું હતું.

આ વેદાન્તી માનવતાવાદનો સંદેશ ભારતમાં ચોમેર ફેલાય તે જરૂરનું છે. માણસ માટે માણસાઈની ભાવનાનો આ ગહન માનવતાવાદી આવેઝ આપણા દર્શનશાસ્ત્ર અને અધ્યાત્મમાંથી પ્રગટતી મહત્તમ શક્તિ છે. એ કેળવણી દ્વારા આપવું જોઈએ. આજ એમ નથી થતું. આપણા શિક્ષિત લોકો ભીતરથી મુંઝાયેલા છે. અસ્વસ્થ છે. ધર્મના સત્ય સંદેશની અગત્ય ત્યાં છે. ભીતરમાં શાંતિ પ્રસ્થાપિત કરવામાં અને બહાર એનું પ્રતિફલન કરવામાં એ સહાય કરે છે. બીજાને ધિક્કારતાં, હિંસક બનતાં ધર્મ શિખવતો નથી. પોતાના અંતરમાં શાંતિથી રહેવાનું અને જગત સાથે શાંતિભર્યો વ્યવહાર કરવાનું ધર્મ શીખવે છે. બધા મહાન સાધકો અને સુફીઓ શાંતિનાં માનવીઓ હતાં.

એટલે, આપણો ધર્મ, આપણું રાજકારણ, આપણું સમાજશાસ્ત્ર, આ સર્વેએ આપણને શાસ્ત્રીય – વૈજ્ઞાનિક – અભિગમની સાથે આ વિશાળ માનવતાવાદી અભિગમની કેળવણી આપવા માટે હાથ મિલાવવા જોઈએ; ત્યારે જ ભારતમાં સમર્થ, પ્રગતિશીલ લોકશાહી સ્થાપવામાં આપણને સફળતા મળશે. ત્યારે જ શિક્ષણ સગવડના વિસ્તાર દ્વારા, આર્થિક તકો. પૂરી પાડીને અને તેમની સાંસ્કૃતિક કક્ષા ઊંચે લાવીને, આપણાં કરોડો પછાત પ્રજાજનોને ઊંચે લાવવાની શક્તિ આપણે વિકસાવી શકશું. આપણા શિક્ષણની અને આપણા બધા યુવાનોની સામે આ પડકાર છે. આપણી યુવાપેઢીએ પોતાની નાગરિકતાની આ જવાબદારી જાણવી જોઈએ; ત્યારે જ તેમનું શિક્ષણ સાર્થક ગણાય; નહીં તો, એ માત્ર નોકરીલક્ષી શિક્ષણ બની રહેશે અને, રાષ્ટ્રના પ્રશ્નો વણઉકલ્યા રહેશે તથા આપણી શક્તિમર્યાદા બહાર એમની વૃદ્ધિ થતી રહેશે.

અર્વાચીન – આધુનિક – શબ્દ હું એ અર્થમાં વાપરું છું. એ અર્થમાં તમે જેટલા વધારે આધુનિક તેટલું વધારે સારું; સત્ય અને માનવ અભ્યુદયની ધગશવાળાં આવાં વધારે ને વધારે સ્ત્રીપુરુષો શિક્ષણે પેદા કરવાં જોઈએ. આપણી માનવતાવાદી ક્રાંતિએ વૈજ્ઞાનિક ક્રાંતિની સાથે કદમ મિલાવી ચાલવું જોઈએ. પાશ્ચાત્ય દેશોમાં એમની વૈજ્ઞાનિક ક્રાંતિની ઉપપેદાશ સમી માનવતાવાદી ક્રાંતિ પણ કેમ આવી તે તમે જોયું છે. ઘણા પાશ્ચાત્ય દેશોમાં ગુલામીનો ચાલ હતો; તેઓ આફ્રિકામાંથી ગુલામોને શિકારની જેમ પકડી લાવતા અને કેટલીક સદીઓ સુધી અમેરિકામાં તેમને વેચતા. પરંતુ પશ્ચિમના દેશોમાં વૈજ્ઞાનિક ક્રાંતિ અને માનવતાવાદી અભિગમના વિકાસ પછી આફ્રિકાનો ગુલામોનો વેપાર બંધ થયો અને ગુલામોની મુક્તિ થઈ. વૈજ્ઞાનિક ક્રાંતિની ઉપપેદાશ રૂપે જેલસુધારા પણ અસ્તિત્વમાં આવ્યા.

બ્રિટિશ જેલોમાંની અમાનવીય સ્થિતિ સુધારવા માટે, માનવતાવાદની ભાવનાવાળો એક અંગ્રેજ આગળ આવ્યો. એ જમાનામાં જેલરને પગાર અપાતો ન હતો. કેદીઓ પાસેથી એ પૈસા ઉઘરાવતો; કેદીઓ પ્રત્યે પ્રાણીઓ જેવો વર્તાવ થતો. પછી આ અર્વાચીન વૈજ્ઞાનિક ક્રાંતિએ અનેક નરનારીઓનાં ચિત્તમાં માનવતાવાદી ક્રાંતિ આણી. એટલે એ અંગ્રેજે શું કર્યું? કેદખાનાની પરિસ્થિતિનો અભ્યાસ કરવા એને કેદખાનાઓની મુલાકાતે જવા મન થયું. પણ સરકાર એમ કરવા દેવા માગતી ન હતી! પછી એણે શું કર્યું? એણે કાયદેસરનો ગુનો કર્યો અને એને જેલ ભેગો કરવામાં આવ્યો. ત્યાં એણે માનવદશાનો અભ્યાસ કર્યો, સજા પૂરી થયે જેલ બહાર આવી, બ્રિટિશ જેલોમાં અમાનવીય દશા વિશે અખબારોમાં એણે લખ્યું. એથી ઈંગ્લેંડનો માનવતાવાદી આત્મા જાગી ઊઠ્યો ને પરિણામે ત્યાં જેલસુધારા થયા.

મહાન સામાજિક પરિવર્તનો આ રીતે સધાય છે. માનવતાવાદી આવેગ ધારણ કરતા શિક્ષિત લોકો તંદુરસ્ત સામાજિક પરિવર્તનના ધુરીણો બને છે. આ જ રીતે, પુસ્તકો, પત્રિકાઓ, અને અખબાર લેખોના પૂર દ્વારા ગુલામોના વેપારનાં અનિષ્ટો ઉઘાડાં પાડવામાં આવ્યાં. એથી ઈંગ્લેંડના અંત:કરણમાંનો માનવતાવાદ જાગ્રત થયો અને એના દબાણથી બ્રિટિશ પાર્લામેન્ટે એ દુષ્ટ ગુલામ-વેપાર પર પ્રતિબંધ મૂક્યો. યુ.એસ.એ.માં એ માનવતાવાદી ભાવના નીગ્રો ગુલામોની મુક્તિ ભણી લઈ ગઈ અને એમાંથી આંતરવિગ્રહ ફાટી નીકળ્યો હતો. પરંતુ ગુલામોના વેપારના પ્રતિબંધે બ્રિટિશ સામ્ર્રાજ્યના અર્થકારણને ડહોળી નાખ્યું કારણ, સંસ્થાનવાદી બ્રિટિશરોને પોતાનાં ખેતરો માટે મજૂરો મળતા બંધ થયા. એટલે ફીજી, મોરિશિયસ, ગિયાના અને બીજા દેશોમાં ગિરમિટિયા મજૂરો તરીકે પોતાનાં ખેતરોમાં કામ કરવા માટે ભારતમાંથી તેઓ માણસોને લઈ ગયા. ગયા (૧૯૮૬ના) જૂનમાં હું મોરિશિયસ હતો; ત્યાં કેટલું મોટું પરિવર્તન મેં જોયું! એક સૈકા પૂર્વે જે કરારબદ્ધ મજૂરો તરીકે ગયા હતા તેમણે પ્રગતિશીલ લોકશાહી રાજ્ય ઊભું કર્યું છે.

એટલે આપણી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્રાંતિની સાથોસાથ માનવતાવાદી સામાજિક ક્રાંતિએ રહેવું જ જોઈએ. આપણા સમાજમાં અનેક બૂરા ડાઘા છે; માનવયાતનામાં પરિણમતું માનવશોષણ પુષ્કળ છે. આ માનવશોષણના અને યાતનાના પડકારને આપણા શિક્ષિત લોકોએ ઝીલવો રહ્યો અને, માનવતાવાદી ઊર્જસ્વી માનવતાવાદી ભાવના આવેગના બળથી આ સર્વ અનિષ્ટોની હોળી કરવી જોઈએ.

 વિદ્યાર્થી શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં હોય ત્યારે જ, વિદ્યાર્થી ઉપર આ ભારે જવાબદારી ઊતરવી જોઈએ. માત્ર ડિગ્રી કે નોકરી લઈ આરામભર્યું જીવન જીવવા પૂરતું મર્યાદિત વિદ્યાર્થીના ચિત્તને શિક્ષણે કરવું નહીં જોઈએ. તમે જેટલું વધારે શિક્ષણ લો તેટલું, તમારું સામાજિક ઉત્તરદાયિત્વ વધે. અંગ્રેજી કથન છે તે અનુસાર, ‘જેને ખૂબ અપાયું છે તેની પાસેથી ખૂબ મેળવવાની જ અપેક્ષા છે.’ તમને ઉચ્ચ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત થાય તો, સમાજ તમારી પાસેથી વધારે મેળવવાની આશા રાખે છે. સ્વાતંત્ર્યોત્તર કાળના પાછલા બધા દાયકાઓમાં સામાજિક જવાબદારીનું આ ભાન જોવા મળતું નથી. એ આજે જ આવવું જોઈએ. મારા રાષ્ટ્રને અનેક પ્રશ્નો પીડી રહ્યા છે, મારા દેશબાંધવો વિવિધ પ્રકારની ક્ષુધા ભોગવી રહ્યા છે ત્યારે, સ્વાર્થી બનીને હું શી રીતે જીવી શકું? આજે વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ પોતાનાં જીવનને અને એનાં સ્વકેન્દ્રી વલણોને આ સવાલ કરવો જોઈએ.

કાશ્મીરમાં દૂરનાં ગામડાંઓ સુધી શિક્ષણ ફેલાયું છે તે જાણી મને ખુશી ઉપજે છે. માનવવિકાસનું આ પ્રથમ સોપાન છે. ધર્મનિરપેક્ષ શિક્ષણ એકદમ આવશ્યક છે. જગતના ધર્મોના મહાન ચિંતકોએ ધર્મનિરપેક્ષ શિક્ષણને કદી નિંદ્યું નથી. ઈસ્લામે કે હિંદુ ધર્મે એને ઉતારી પાડ્યું નથી. એ ધર્મો વિજ્ઞાનને ઉત્તેજન આપે છે, માનવસંજોગોને સમજવાને એ ઉત્તેજન આપેજ છે અને એ સંજોગોની સુધારણાને પણ ઉત્તેજન આપે છે. તમને મેં અગાઉ કહ્યા પ્રમાણે, ઈસ્લામિક ચિત્ત ભારત, ગ્રીસ, ચીન કે દુનિયાના બીજા ભાગમાંથી જ્ઞાનગ્રહણ કરવાને તત્પર હતું તે કાળ ઈસ્લામના ઇતિહાસનો ઉત્તમ યુગ હતો. આપણે એ ખુલ્લા દિમાગને, મુક્ત મનને, પુન: પ્રાપ્ત કરવું જરૂરી છે. એ ખુલ્લું મન, જ્ઞાનના દરવાજા ખોલવા માટે, વિચારો અને પ્રેરણાઓને જગાડવા માટે હતું. એણે જ અદ્‌ભુત સંસ્કૃતિ નિર્માણ કરી હતી. જેનો પ્રસાર પશ્ચિમમાં સ્પેનથી પૂર્વમાં ભારત સુધી થયો હતો અને ચાર સદીઓ સુધી એ ધમધમતો રહ્યો હતો. ત્યારે વિચારો આપણા દેશથી બીજા દેશોમાં ગયા અને ત્યાંથી અહીં આવ્યા. ત્યારે ભારતમાં અનેક મુલાકાતીઓ આવ્યા હતા, અલ્‌બેરુની જેવા; એ સંસ્કૃતનો પંડિત હતો, ખગોળવેત્તા હતો અને ભારતના તત્ત્વદર્શનની અને વિજ્ઞાનની ખોજમાં એ આવ્યો હતો. અલ્‌બેરુની હિંદ, એ પ્રખ્યાત પુસ્તક એણે લખ્યું હતું. બુદ્ધના બોધની ખોજ કરતા કેટલા ચીની યાત્રાળુઓ ભારતમાં આવ્યા હતા. ઈસુ પછી ચોથી અને નવમી સદીની વચ્ચેના ગાળાનાં આપણી સંસ્કૃતિ અને ચિંતનની પોતાની છાપો તેઓ મૂકી ગયા છે. એટલા પ્રાચીન કાળમાં આ પ્રકારની પ્રગતિનું અધ્યયન આનંદદાયક છે. ત્યારે ભારતનો દિમાગ ખુલ્લો હતો અને વિશ્વને કોઈપણ ખૂણેથી એને જ્ઞાન અને પ્રેરણા આવકાર્ય હતાં. ચીન, રશિયા, અમેરિકા, ઈંગ્લેંડ, ફ્રાન્સ અને અન્ય દેશો પાસેથી આજે આપણે જ્ઞાન અને વિચારો ગ્રહણ કરી શકીએ છીએ, પરંતુ જે લઈએ તેને આત્મસાત કરી આપણું પોતાનું કરવું પડશે. બહારથી આવતી કોઈપણ અસરથી આપણે દોરવાઈ જવાનું નથી. મહાત્મા ગાંધીએ આપણને બરાબર ચેતવ્યા હતા : ‘હું દીવાલબંધ ઘરમાં રહેવા માગતો નથી.’ મારાં બધા બારીદરવાજા ખુલ્લાં રાખવા માગું છે એટલે, જગતનાં બધા વાયરાઓ અંદર વાઈ શકે!’

ભારતની ધરતી પર આપણે સુદૃઢ ઊભા રહેવું પડશે. આપણે એ અભિગમ ખિલાવવો પડશે અને આપણા શિક્ષણમાં તેને સુદૃઢ કરવો પડશે. મને ખાતરી છે કે, શિક્ષણના પ્રસાર સાથે, પાંચમી શ્રેણી સુધીની જ સાક્ષરતા સો ટકાએ પહોંચે ત્યારે જ નહીં, આઠમી શ્રેણીએ પહોંચે ત્યારે જ નહીં પરંતુ, બારની શ્રેણીએ પહોંચે અને તે પણ, ખાસ કદીને આપણી સ્ત્રીઓમાં અને, આપણે પૂરી સો ટકા સાક્ષરતા પ્રાપ્ત કરીએ ત્યારે જ, આપણા રાષ્ટ્રની માનસિક અને આધ્યાત્મિક શક્તિનો ધોધ વહેવા લાગશે. આપણી પ્રજા માટે સાર્વત્રિક શિક્ષણની એ સપાટીને ધ્યેય તરીકે રાખવી જોઈએ. આપણે એનું ચિંતન કરવું જોઈએ, એનું સ્વપ્ન સેવવું જોઈએ, એને વિશે લખવું જોઈએ, બોલવું જોઈએ અને એને હાંસલ કરવા માટે સ્ફૂર્તિથી કામ કરવું જોઈએ. તમે જુવાન હો ત્યારે, સ્વપ્નો કેમ સેવવાં ભાવિનાં સ્વપ્નો સેવવાં અને એ સ્વપ્નોનો સાક્ષાત્કાર કરવાનું સંકલ્પબળ, કેમ ખિલવવું એ તમે જાણો છો. અને પૂર્ણપણે ગણતાંત્રિક અને અહિંસક, સામાજિક- રાજકીય પરિસ્થિતિનું આપણા દેશમાં નિર્માણનું સ્વપ્ન આપણા યુવાનો માટેનું ઉત્તમ સ્વપ્નું છે. અર્વાચીન લોકશાહી અને આપણા ઉત્તમ પ્રાચીન ધર્મનો સંગમ તેમાં સાંપડશે. સાચી રીતે સમજવામાં આવે તો, દરેક ધર્મ આપણને ભીતર અને બહાર શાંતિ પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. વાસ્તવમાં, ઉપનિષદોમાં ઈશ્વરને શાંતિ તરીકે વર્ણવ્યો છે – शान्तो अयं आत्मा: ઈસ્લામનો અર્થ પણ શાન્તિ જ છે. સમજથી પરની શાન્તિને ખ્ર્રિસ્તી ધર્મ ઉચ્ચતર અવસ્થા કહે છે.

પતંજલિનાં યોગસૂત્રોમાં અને બુદ્ધના બોધમાં આવતા એક સુન્દર વિચારને આપણે આજે સમજવો જોઈએ અને આખા વિશ્વમાં લાગુ પાડવો જોઈએ તે આ બાબતને સ્પર્શે છે. અમેરિકા અને યુરોપમાં બોલતાં આ વર્ષે આ બોધનો જ મેં ખાસ ઉલ્લેખ કર્યો હતો અને તેનો પ્રતિભાવ આનંદનો હતો. એને મૈત્રીભાવના કહેવામાં આવે છે, મૈત્રીનું ધ્યાન, મૈત્રીનું અનુભાવન. એ ધ્યાન શું છે? રોજ સવારે પ્રેમ, મૈત્રી અને શાંતિનો તરંગ મોકલવાનો છે!’ આજે ધિક્કારના કેટલા બોમ્બ આપણે રોજ મોકલીએ છીએ? એટલે તો આટલી હિંસા છે, ગુનાખોરી છે. એને બદલે પ્રેમના, મૈત્રીના, શાંતિના તરંગો સૌને આપણે પાઠવીએ; રોજ સવારે જાગ્રત થયા પછી એક મિનિટ માટે ધ્યાનમાં બેસો અને આવો તરંગ પાઠવો. માનવ પરિસ્થિતિમાં તંદુરસ્ત પરિવર્તન એ પેદા કરશે. આપણી યુવાપેઢીમાંથી એ તરંગ ઊડવો જોઈએ. યુવાનોએ સ્થિર, સુગ્રથિત, સમતોલ બનવું પડશે; પછી જ બાહ્ય જગતને એક કરવા તેઓ સમર્થ બની શકશે. ધર્મનું આ ગહન સત્ય છે અને, યુનેસ્કો જેવી રાજકીય સંસ્થાના પુરોવચનમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. એ યુનેસ્કો પુરોવચન કહે છે : યુદ્ધોનો જન્મ માનવમનમાં થાય છે તેથી, શાંતિરક્ષણની દીવાલો માનવમનમાં જ બાંધવી જોઈએ.

૯. ઉપસંહાર

અંતરમાં શાંતિ સ્થાપો ત્યારે જ, તમારામાંથી યુદ્ધ કે હિંસા નહીં પણ શાંતિ પ્રગટે. જગતની પ્રાચીન ધર્મપરંપરામાંથી રાજકીય મનમાં પ્રવેશતી એ સુંદર ભાવના છે. આ મહાન વિચારથી આપણું શિક્ષણ પ્રેરિત થવું જોઈએ. કોઈપણ શિક્ષિત યુવાન કે યુવતી જ્ઞાતિ, કોમ, જાતિ કે લિંગના દ્વેષનું કેન્દ્ર ન બની શકે અને એમણે ક્યારેય સમાજમાં ઈર્ષ્યાને ફળવા ન દેવી જોઈએ. આ સમગ્ર તનાવને શાંત કરીને શાન્તિ અને સંવાદિતા ફેલાવવા, માનવીને સમાજમાં સંલગ્ન કરવા એણે તત્પર રહેવું જોઈએ. આ આશીર્વાદ આપણને ભૂતકાળના મહાન આધ્યાત્મિક ગુરુઓ પાસેથી અને વિવેકાનંદ તથા ગાંધી જેવા અર્વાચીન ગુરુઓ પાસેથી સાંપડ્યો છે. આ સંસ્થાના સૌ વિદ્યાર્થીઓને મારો પ્રેમ અને મારી શુભેચ્છા. નાના વિદ્યાર્થીઓ અંગ્રેજી નથી સમજી શકતા તેથી માત્ર મોટા વિદ્યાર્થીઓ જ હાજર છે તે હું જાણું છું. પરંતુ મોટા વિદ્યાર્થીઓ તરીકે તમારી મોટી જવાબદારી છે. અહીં અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીઓને તમારે દૃષ્ટાન્તરૂપ બનવાનું છે. એ રીતે જ આ કોલેજ નવા કાશ્મીરને અને નવા ભારતને માટે પ્રેરણાસ્રોત બની શકે. અહીં પ્રકૃતિએ સર્વત્ર સૌંદર્ય આપ્યું છે અને એ બાહ્ય સૌંદર્યને આપણને ભીતરના એટલે આપણાં મન અને આત્માના સૌંદર્ય સાથે સંયોજવાનું છે. બધી સ્વાર્થવૃત્તિ, ઈર્ષ્યા અને હિંસા માનવ આત્માને ગોબરો બનાવે છે. આવી કુરૂપતાને દૂર કરીને આત્માના સૌંદર્યનો વિકાસ સાધવો તે કેળવણીનો મુખ્ય હેતુ છે. માનવ ઉત્કૃષ્ટતાની આવી તરાહ વિકાસાવવામાં આ કોલેજના બધા વિદ્યાર્થીઓને સફળતા મળે એમ હું ઇચ્છું છું. સૌને મારાં પ્રેમ અને શુભેચ્છા.

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.