(ગતાંકથી આગળ)

દસમા પરિચ્છેદના પ્રારંભમાં શ્રીમ.એ પોતાના અંત:કરણના ભાવ બધાની સમક્ષ પ્રગટ કરતા એક સુંદર મજાનું ચિત્ર અંકિત કર્યું છે. શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પોતાની પાસે બેસાડીને એક નજરે એમને નીરખી રહ્યા છે. એકાએક તેઓ તેમની વધારે નજીક આવીને બેઠા. નરેન્દ્ર અવતાર ન માને તેથી શું? શ્રીરામકૃષ્ણનો પ્રેમ જાણે કે વધુ ઊમટી પડ્યો. નરેન્દ્રના દેહ પર હાથ ફેરવતાં કહી રહ્યા છે : ‘(રાધે) તમે માન-અભિમાન કર્યું તો શું થયું, અમે લોકો પણ તમારા માનમાં તમારી સાથે જ છીએ.’ ભાવ એ છે કે નરેન્દ્ર અવતારમાં માનતા ન હતા. એનું કારણ એ છે કે તેઓ એમની આંખોની સામે એને પ્રકાશિત કરતા નથી. એટલે તેઓ (નરેન્દ્ર) અવતારમાં અભિમાનને લીધે માનતા નથી. શ્રીઠાકુર કહે છે: ‘અમે લોકો પણ તમારા માન-અભિમાનમાં તમારી સાથે જ છીએ.’

વિચાર અને તત્ત્વાનુભૂતિ

શ્રીઠાકુર નરેન્દ્રને કહે છે : ‘જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી તેઓ (ઈશ્વર) મળતા નથી. તમે લોકો વિચાર કરતા હતા; મને એ ગમતું ન હતું.’ પણ ક્યારેક ક્યારેક તેઓ વિચાર કરવા માટે ઉત્સાહિત કરતા, કોઈ એના વિશે વિરોધ કરે તો કહેતા, આ વિચારનો પણ એક અર્થ છે. પરંતુ અહીં તેઓ કહી રહ્યા છે કે વિચારથી તેઓ મળતા નથી. એનો અભિપ્રાય એ થાય છે કે વિચાર પણ એક માર્ગ છે પણ એ અંતિમ માર્ગ નથી. વિચાર દ્વારા ક્રમશ: તત્ત્વનો નિર્ણય થાય છે એ એનું એક લક્ષણ છે. ગીતામાં ભગવાન કહે છે : ‘વાદ: પ્રવદતામહમ્‌ – જે વિચારશીલ છે તેના અંત:કરણમાં હું વાદનું સ્વરૂપ છું.’ તત્ત્વનિર્ણય માટે જે વિચાર થાય છે તેને વાદ કહે છે. તત્ત્વનિર્ણયના ઉપાય રૂપે વિચાર ગ્રહણ કરવા યોગ્ય છે. પરંતુ વિચાર ચાલતો રહે એનો અર્થ એ છે કે હજી સુધી તત્ત્વનિર્ણય થયો નથી. ‘જમણવારમાં અવાજ ક્યાં સુધી સાંભળવામાં આવે? જ્યાં સુધી મણાસો જમવા ન બેઠા હોય ત્યાં સુધી. શાકભાજી અને પુરીઓ આવી કે બારઆના ઘોંઘાટ ઓછો (બધા હસે છે). બીજી ચીજો જેમ જેમ આવતી જાય છે તેમ તેમ અવાજ ઘટતો જાય છે. દહીં આવ્યું અને બસ સૂપ સૂપ અવાજ રહી જાય છે. ભોજન થઈ ગયા પછી નિદ્રા.’ શ્રીઠાકુર કહે છે : ‘જેટલા ઈશ્વર તરફ વધુ આગળ વધશો એટલા પ્રમાણમાં વિચાર ઘટતો જાય છે. એમને પ્રાપ્ત કરી લીધા પછી શબ્દ કે વિચાર રહેતા નથી. ત્યારે બાકી રહે છે નિદ્રા – સમાધિ.’ શ્રીઠાકુરે એમને પ્રત્યક્ષ જોયા છે. એટલે હવે વધુ શું વિચાર કરે? જ્યારે આપણે આ બધો ઘર પરિવાર પ્રત્યક્ષ નિહાળીએ છીએ ત્યારે આ ઘર પરિવાર છે કે નહિ એ વિચાર કરવા આપણે બેસીએ છીએ? આ અનુભૂતિ એટલી તીવ્ર અને ગહનગંભીર હોય છે કે એની સામે સંશય ટકતો નથી. આ રીતે જ્યારે ઈશ્વરનું પ્રત્યક્ષ દર્શન થઈ જાય છે ત્યારે એ દર્શન એટલું ગહનગંભીર હોય છે કે ત્યાં કોઈ સંશય ઉદ્‌ભવતો નથી. એટલે કહે છે કે ઈશ્વરને જેટલા વધુ પ્રાપ્ત કરશો એટલા પ્રમાણમાં વિચાર ઘટશે. ભગવદાનુભૂતિ તરફ આગળ વધતાં વિચાર, દ્વન્દ્વ, સંશય, વગેરે ક્રમશ: ઘટતા જાય છે. શ્રીઠાકુર કહેતા: ‘ખાલી ઘડામાંથી અવાજ નીકળે છે અને એ ઘડો ભરાઈ જાય પછી એ અવાજ નીકળતો નથી.’ ભગવાનની અનુભૂતિથી પૂર્ણ થયા પછી મનુષ્યના હૃદયમાં ચર્ચા, વિચાર વગેરે માટે કોઈ સ્થાન રહેતું નથી. એવી વાત નથી કે શ્રીઠાકુરે ક્યારેય કોઈને વિચાર કરવા માટે ન કહ્યું હોય. કેટલીયે વાર તેઓ પોતે કોઈ બે ભિન્ન ભિન્ન મત ધરાવનારાને વિચારમાં લગાડી દેતા. નરેન્દ્રની સાથે ગિરીશ કે કેદારને ચર્ચામાં ઉતારીને તેઓ આનંદ લેતા. આનંદ એટલા માટે આવતો કે એ બંને વિચારશીલ ભક્ત છે, કેવળ એમના દૃષ્ટિકોણ ભિન્ન ભિન્ન છે. નરેન્દ્ર જાણે કે અર્ધ નાસ્તિક છે અને આ લોકો અતિ વિશ્વાસુ છે. એમની વચ્ચે પ્રબળ મતભેદ હતો. શ્રીઠાકુર મધ્યસ્થી બનીને સાંભળતા અને ક્યારેક એક પક્ષ વતી તો વળી ક્યારેક બીજા પક્ષ વતી ટિપ્પણી કરતા, બે માંથી એકેયને છોડતા નહિ.

એ યાદ રાખવું પડશે કે શ્રીઠાકુર ભણ્યા ન હતા. તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર વગેરેનું જરાય અધ્યયન કર્યું નથી. સ્વામીજીએ આ બધું વાંચ્યું હતું અને એમની બુદ્ધિ અત્યંત કુશાગ્ર હતી. આમ હોવા છતાં પણ શ્રીઠાકુર વચ્ચે વચ્ચે એ બતાવી દે છે કે જે વિષયો તેઓ જાણતા નથી, કેવળ એમના વિશે સાંભળ્યું છે. એ વિશેનો એમનો મત એમના અત્યંત વિચારશીલ મનનો પરિચય કરાવતો હતો. 

શ્રીઠાકુરની સર્વપ્રસારી દૃષ્ટિ

એક સજ્જન એક મત વિશે બોલ્યા: ‘મહારાજ, આ પણ એક મત છે.’ શ્રીઠાકુરે પૂછ્યું: ‘એ લોકો ઈશ્વરને માને છે કે નહિ?’ ઈશ્વરને માને છે એ સાંભળતાં જ ફરી બોલ્યા: ‘તો બરાબર છે.’ અથવા એ લોકો જો આધ્યાત્મિક જીવનમાં માને છે તો એ યોગ્ય છે, બરાબર છે. એમનો મતવાદ ભલે ગમે તે હોય પણ એમનું ગંતવ્યસ્થાન શું છે? શ્રીઠાકુરની આ એક વિશાળ સર્વગ્રાહી ઉદારતા કોઈનેય બહાર રાખતી નથી. પછી ભલે એ નાસ્તિક કેમ ન હોય! જો કોઈ કહે કે અમુક માણસ દારૂડિયો અને દુષ્ટ છે એને આશરો ન આપતા, તો શ્રીઠાકુર કેવળ એ માણસની વર્તમાન પરિસ્થિતિને જોઈને નહિ પરંતુ તેના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ બધા પર દૃષ્ટિ રાખીને વિચાર કરતા. માસ્ટર મહાશયને કહેતા: ‘તમારો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ – બધું હું જાણું છું. માસ્ટર મહાશયે નતમસ્તક એ સ્વીકાર્યું. શ્રીઠાકુર કહે છે: ‘હું જે કહું છું એના પર શ્રદ્ધાવિશ્વાસ રાખો. એના પર વિચારવાની જરૂર નથી.’ અને નરેન્દ્રને કહે છે: ‘હું જે કહું તેને બરાબર પરખી લેજે. અધિકારીભેદથી આ ભિન્ન ભિન્ન પથ્ય છે.’ જેમ મા, જે બાળકના પેટમાં જે સહન થાય, પચે તેવું હોય એ જ એને માટે બનાવે છે. શ્રીઠાકુર પણ આવું જ કરે છે. જેવી જેની રુચિ દૃષ્ટિ જોઈ એને માટે એવી જ વ્યવસ્થા કરી.

જે યુગાવતાર બનીને જગતના કલ્યાણ અર્થે આવ્યા છે એમનું ગણ્યાગાંઠ્યા લોકો માટે વિચારવાથી કંઈ કામ સરવાનું નથી. સંસારના બધા લોકો માટે કોઈ બાકી ન રહી જાય એવો રસ્તો બતાવી દેવો પડે. કોઈ ભૂખ્યો ન રહી જાય, માત્ર ખાવા મળે એટલું જ નહિ પણ ભરપેટ મળે. એક ભક્તે કહ્યું: ‘મહાશય, બીજી જગ્યાએ તો એક ટીપું અને અહીં ભરપેટ!’ આ જ અવતારની વિશિષ્ટતા છે. બધાંના કલ્યાણ માટે આવી રીતે ભોજન પીરસે છે. એને લીધે બધા લોકો પોતપોતાની રુચિ પ્રમાણે ભોજન પામીને, પુષ્ટ અને બળવાન બને અને પરમ કલ્યાણ પ્રાપ્ત કરે. શ્રીઠાકુરની બાહ્ય જગત વિસ્મૃતિના સંદર્ભમાં માસ્ટર મહાશય થોડી વધુ ચર્ચા કરે છે. શુદ્ધસત્ત્વ જુવાનિયાઓ પ્રત્યે એમનો અસીમ પ્રેમ હતો. વિશેષ કરીને નરેન્દ્ર માટે તો તેઓ પાગલ જેવા રહેતા. શ્રીઠાકુર નરેન્દ્રના દેહ પર હાથ ફેરવતાં ફેરવતાં સ્નેહ વ્યક્ત કરી રહ્યા છે અને ‘હરિ ૐ, હરિ ૐ, હરિ ૐ’ એમ બોલી રહ્યા છે.

શ્રીઠાકુરનો ઉચ્ચભાવ અને સમસંવેદના

એક દિવસ નરેન્દ્ર શ્રીઠાકુરને કહે છે: ‘આપ હંમેશાં આ રીતે ‘નરેન, નરેન’ કહ્યા કરો છો. અંતે આપની દશા પણ રાજા ભરત જેવી થશે. હરણનું ચિંતન કરતાં કરતાં રાજા ભરત હરણ થઈ ગયા.’ આ સાંભળીને શ્રીઠાકુર સીધેસીધા મા જગદંબા પાસે દોડી ગયા. પાછા ફરીને કહ્યું: ‘માએ બતાવી દીધું છે કે હું તારી ભીતર સાક્ષાત્‌ નારાયણને જોઉં છું. એટલે જ એવું કરું છું. બાળકોની ભીતર નારાયણને જોઉં છું એટલેજ એમને એટલો ચાહું છું. જે દિવસે એવું હું નહિ જોઉં તે દિવસથી તમારા લોકોનું મોં પણ નહિ જોઉં.’ આ સ્નેહ કોઈ વ્યક્તિ પ્રત્યે નથી પરંતુ એનું અંતરનું તત્ત્વ જે એમની સન્મુખ અભિવ્યક્ત થાય છે તેના પ્રત્યે રહેતો.

માસ્ટર મહાશય લખે છે: ‘નરેન્દ્રને લીધે શ્રીઠાકુર આનંદવિભોર બની જાય છે, આટલો બધો પ્રેમભાવ દર્શાવે છે, એમને જોતાં જ સમાધિસ્થ થઈ જાય છે; પણ જ્યારે મનપ્રાણ ઈશ્વરમાં લીન થઈ જાય છે ત્યારે એ નરેનની કોઈ ખોજખબર કાઢતા નથી. પરંતુ જ્યારે મન બાહ્યજગતમાં રહે છે ત્યારે એ બીજું શું લઈને બેસે? શુદ્ધ આહાર, શુદ્ધસત્ત્વ ભક્તોનો આધાર લઈને એ મન રહે છે. શ્રીઠાકુરનું મન સદૈવ એ અંતર્યામી તત્ત્વ પ્રત્યે જ આકર્ષાયેલું રહેતું. એટલે એનો યત્કિંચિત પ્રકાશ આ શુદ્ધસત્ત્વ જુવાનિયાઓની ભીતરથી પણ વ્યક્ત થતો જોઈને એમની મદદથી તેઓ પોતાના મનને આ જગતમાં થોડુંઘણું રાખી શકતા. નહિ તો એમનું મન સંસારમાં ઊતરવા જ નહોતું માગતું. આ જુવાનિયાઓ જ એમના મનને ઉતારવાનો ઉપાય કે સોપાન રૂપ હતા. ત્યારે તેઓ સંસારનાં દુ:ખકષ્ટોનો અનુભવ કરે છે તેમજ એ દુ:ખોમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવે છે.

એવું લાગે કે શ્રીઠાકુરનું મન જો આટલું સંવેદનશીલ હતું તો શું કેવળ સંસારનાં દુ:ખકષ્ટ જ એમના મનને ઉતારવાનો ઉપાય ન બની શકે? મન સમાધિમાં ચાલ્યા ગયા પછી સંસારનાં દુ:ખકષ્ટની અનુભૂતિ ત્યાં નથી પહોંચી શકતી ત્યારે મન કોઈ શુદ્ધ આધારના સહારે ક્રમશ: નીચે ઊતરે છે. આ શુદ્ધસત્ત્વ જુવાનિયાઓને તેઓ એટલે જ પોતાની પાસે રાખતા જેથી એમના દ્વારા મન જગત પ્રત્યે આકર્ષાયેલું રહે. નહિ તો એમના દેહનું રક્ષણ પણ ન થઈ શકે. તેઓ કહે છે : ‘જુઓ, મને ઘણું કષ્ટ થાય છે, એક-બે શુદ્ધસત્ત્વ બાળક પાસે રહે તો સારું થાય.’ સેવા માટે નહિ પરંતુ મનને ઉતારવા માટે એક અવલંબનના રૂપે જુવાનિયાઓની જરૂર છે. એ અવલંબન એવું હોવું જોઈએ કે જેની સાથે એમના મનનો કોઈ સંબંધ હોય, એટલે જ શુદ્ધસત્ત્વ જુવાનોની આવશ્યકતા છે. જેમનાં મનને સંસારની મલિનતાનો સ્પર્શ ન થયો હોય, જેમનાં મનને કોઈ પણ પ્રકારની કાલિમા લાગી ન હોય એવા શુદ્ધ પવિત્ર મનવાળા યુવાનો પ્રત્યેના આકર્ષણ દ્વારા શ્રીઠાકુર પોતાના મનને સમાધિમાંથી થોડા નીચેના સ્તરે ઉતારીને રાખી શકતા. ત્યાર પછી મનની બાહ્ય દશામાં આવતાં તેઓ સંસારનાં દુ:ખકષ્ટને એટલી તીવ્રતાથી અનુભવતા કે તેની ગહનતાની કલ્પના કરવી આપણા માટે અશક્ય છે. એ સંવેદનશીલતા એટલી સર્વવ્યાપ્ત બની જતી કે પ્રત્યેક પ્રાણીનાં દુ:ખ તેઓ પોતાના હૃદયમાં અનુભવતા. સર્વત્ર પોતાનો વિસ્તાર કરીને બધાંનાં દુ:ખોને અનુભવવા એ અવતાર સિવાય બીજા કોઈ માટે સંભવ નથી. બીજા લોકોના મનમાં તો વધારેમાં વધારે થોડીક સહાનુભૂતિ આવે. પરંતુ અવતારપુરુષ તો એકાત્મ બનીને બીજાનાં દુ:ખને પોતાના હૃદયમાં અનુભવે છે. આ એકાત્મતાનો બોધ સામાન્ય લોકોમાં થતો નથી. સ્વામીજી કહેતા: ‘આ વિરાટ વિશ્વનાં દુ:ખોનો અનુભવ કરવા માટે શ્રીઠાકુરની હું ભક્તિ કરું છું.’ ગિરીશબાબુ પણ સ્વામીજી વિશે એમના એક શિષ્યને આમ કહે છે: ‘તમારા ગુરુનું હૃદય ઘણું વિશાળ છે એટલે હું એમને માનું છું.’ હવે જે હૃદય ઠાકુરને એટલું આકર્ષી રહ્યું છે એ હૃદય તમે કલ્પના કરી શકો છો કે કેટલું વિશાળ, શુદ્ધ, પવિત્ર અને બીજાનાં દુ:ખો પ્રત્યે કેટલું બધું સહાનુભૂતિપૂર્ણ હશે! અને હવે જો આપણે શ્રીઠાકુર તરફ જોઈએ, એમના બીજાં પાસાં પર નજર નાખીને જોઈએ તો શ્રીઠાકુર પોતાના વહાલા નરેન્દ્રને આવો ઠપકો પણ આપે છે: ‘તારી આટલી હીન બુદ્ધિ! પોતાની સમાધિના આનંદમાં જ ડૂબ્યો રહેવા ઇચ્છે છે? સંસારના આટલાં લોકોનાં દુ:ખકષ્ટ તને નથી દેખાતાં? હું ઇચ્છું છું કે તું એ બધાંનો સહાયક બને.’ જે નરેન્દ્રને શ્રીઠાકુરે એટલો ચાહ્યો અને જેની પાસે એટલી બધી સાધના કરાવી તેમજ જેને નરઋષિનો અવતાર કહ્યો, એ જ નરેન પ્રત્યે જ્યારે તેઓ આટલું કઠોર વાક્ય કહે છે તેના પરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે શ્રીઠાકુરનું હૃદય કેટલું વિશાળ રહ્યું હશે!

શ્રી ‘મ’નું ચિંતન

પૂર્વ પ્રસંગમાં શ્રીઠાકુરની વાતોથી શ્રી ‘મ’ના મનમાં જે વિચારો ઉદ્‌ભવ્યા હતા તેને દસમા પરિચ્છેદમાં એમણે ઘણી સુંદર રીતે વ્યક્ત કર્યા છે. તેઓ કહે છે: ‘હવે વધુ વિચાર શું કરીશ. વિશ્વાસ-શ્રદ્ધા જોઈએ.’ તેઓ વિચારે છે : ‘શું ઈશ્વર ખરેખર મનુષ્યદેહ ધારણ કરીને આવે છે? વાસ્તવિક રીતે અવતાર થાય છે ખરા? અનંત ઈશ્વર આ સાડાત્રણ હાથના દેહમાં કેવી રીતે સમાઈ શકે છે? વિચાર તો ખૂબ થયો. પણ શું સમજાયું? વિચાર દ્વારા કંઈ પણ સમજી ન શકાય!’

વિચાર બે વિપરીત ભાવોનું સામંજસ્ય કરી શકતા નથી. અનંત કેવી રીતે સાન્ત બની શકે? ઈશ્વરની અસીમતા અને માનવીય દૃષ્ટિની ક્ષુદ્રતા એ બંને અત્યંત વિપરીત વસ્તુ છે. ભાગવત (૧૦.૩.૩૧)માં દેવની સ્તુતિ કરતાં કહેવાયું છે :

વિશ્વં વદેતત્‌ સ્વતનૌ નિશાન્તે યથાવકાશં પુરુષ: પરો ભવાન્‌ ।
વિભર્તિ સોઽયં મમ ગર્ભશોઽભૂ દહો નૃલોકસ્ય વિડમ્બનં હિ તત્‌ ॥

‘જેની વિશાળતાની આપણે કલ્પના પણ નથી કરી શકતા, જે સમગ્ર વસ્તુઓનું નિજી અંતર જાળવીને વિશ્વને પોતાના દેહના એક ખૂણામાં ધારણ કરી શકે છે, એ જ પ્રભુ અત્યારે મારા ગર્ભમાં સંતાન રૂપે આવ્યા છે. આ વાતનો વિશ્વાસ કોણ કરશે?’ દેવની આ અપૂર્વ ઉક્તિ વિશે જ આ સમયે માસ્ટર મહાશય વિચારી રહ્યા છે. તેઓ દર્શન શાસ્ત્રના જ્ઞાતા છે પરંતુ એ દૃષ્ટિએ વિચાર કરીને પણ કંઈ સમજી ન શક્યા. ‘અનંત શું સાન્ત બની શકે છે?’ શ્રીઠાકુર કહે છે : ‘જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી વસ્તુલાભ નથી… શું છટાંક બુદ્ધિથી આપણે ઈશ્વરને સમજી શકીએ ખરા?.. એક શેરની કટોરીમાં શું ચાર શેર દૂધ સમાય? આ જ વાત તેઓ વિચારે છે. આપણી આ સીમિત બુદ્ધિ દ્વારા શું ઈશ્વરના સ્વરૂપને સમજી શકાય ખરું? શ્રીઠાકુર જો એ બતાવી દે, જો એકાએક પ્રકાશ આવી જાય તો ક્ષણભરમાં જ સમજી શકાય છે. ઈશ્વરની અલૌકિક કૃપાથી જ આ પ્રકાશ સહસા પ્રકાશીને બતાવી દે છે. જો વાક્ય મનાતીત હોય તો એનું મનથી ચિંતન કરવું કે એને શબ્દોમાં વ્યક્ત કરવું સંભવ નથી. અત: આ વ્યર્થ પ્રયાસ છોડીને શરણાગતિ સાધીએ છીએ. આરંભમાં એ નથી સમજી શકતા કે એ માટે પ્રયાસ કરવો વ્યર્થ છે. પરંતુ પછીથી જ્યારે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે વિચાર કરીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે એક વ્યક્તિનો વિચાર બીજી વ્યક્તિના વિચારથી ખંડિત થઈ જાય છે.

વિચાર અને શાસ્ત્રસિદ્ધાંત

બધાં શાસ્ત્રોના અગાધ પંડિત અને વિલક્ષણ કુશાગ્ર બદ્ધિવાળા શંકરાચાર્યે પણ કહ્યું છે કે તર્ક દ્વારા ક્યારેય સત્યની સ્થાપના ન થાય. આ ઘણી મહત્ત્વપૂર્ણ વાત છે. તેની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : માનો કે હું એક મોટો પંડિત છું. ઘણી યુક્તિ રચીને એક વ્યક્તિના મતનું ખંડન કરીને પોતાના મતને સ્થાપિત કરું છું. પરંતુ ભવિષ્યમાં વળી એક બીજો પંડિત આવીને એ મતનું ખંડન કરીને કોઈ બીજો મત પ્રસ્થાપિત કરશે. અનંત કાળથી આ રીત ચાલી આવી છે અને ચાલતી રહેશે. એટલે તર્ક દ્વારા સિદ્ધાંતનું પ્રતિષ્ઠાપન સંભવ નથી. તો પછી ઉપાય શું? તેના ઉત્તરમાં તેમણે કહ્યું છે : શાસ્ત્રપ્રમાણ અર્થાત્‌ શાસ્ત્રમાં લિપિબદ્ધ થયેલ વિદ્વાનોના અનુભવ પર આધાર રાખવો. જેમણે તત્ત્વનો સાક્ષાત્કાર કર્યો છે એમનો અનુભવ જ પ્રમાણ છે. એના સહારે તત્ત્વનિર્ણય કરી શકાય છે. પરંતુ એમાં પણ એક સમસ્યા છે. શાસ્ત્રના સિદ્ધાંતોમાં ઘણા પ્રમાણમાં ઘણી મોટી તર્કજાળ છે અને એમાં મતભેદ પણ ઘણા છે. બધા લોકો દ્વારા વેદને માની લેવાથી પણ એની વ્યાખ્યાની બાબતમાં પરસ્પર જાતજાતનો મતભેદ ઊભો થયો. એ મતભેદ આજ સુધી ચાલુ છે. ભવિષ્યમાં તો વધુ બીજા મતો ઉદ્‌ભવવાથી એ વિરોધ વધવાનો.

ઈશ્વરકૃપા અને શરણાગતિ

શ્રીઠાકુર એક વાક્યમાં કહે છે: ‘એ બધું એમ નહિ થાય. તેઓ જો એકાએક અજવાળું કરી દે, તત્ત્વને આપણા માટે અનુભવગમ્ય બનાવીને પોતાના સ્વરૂપનું ઉદ્‌ઘાટન કરીને આપણી સન્મુખ ધરી દે ત્યારે જ એમને જાણવા સંભવ છે, અન્યથા નહિ. મૂળ વાત છે : એક શેરના લોટામાં શું પાંચ શેર દૂધ સમાઈ શકે ખરું?’ ક્ષુદ્ર મન દ્વારા અનંતની ધારણા કરવી સંભવ છે? શાસ્ત્ર તથા સંતોના વારંવાર બતાવવા છતાં પણ આપણે એ વાતને સમજતા નથી. આપણે બધું સમજી લઈશું એ અહંકારવશ વિચારીએ છીએ. કોણ સમજશે? હું સમજીશ. કોની સહાયથી? બુદ્ધિની સહાયથી. પહેલી વાત તો એ છે કે જે જે બુદ્ધિની સહાયથી હું સમજીશ એ બુદ્ધિ શું રાગદ્વેષથી મુક્ત થઈ છે ખરી? ના. મનમાં જો કોઈ એક વસ્તુ પ્રત્યે આગ્રહ રહે તો બીજું કંઈ પણ બોધગમ્ય નહિ બને. બીજી વાત એ છે કે જે વાક્ય અને મનથી પર છે, એને વાક્ય અને મનની ભીતર સીમિત કરીને અનુભવી કે વ્યક્ત કરી શકાતું નથી. શ્રીઠાકુર કહે છે : ‘કૃપા સિવાય બીજો કોઈ માર્ગ નથી.’ કૃપા કોના પર થાય? તેઓ (પ્રભુ) કોના પર કૃપા કરે? અહીં આપણું એક માત્ર કર્તવ્ય છે. એમની કૃપા મેળવવા માટે યથાસાધ્ય પ્રયાસ કરવો. આપણામાં જેટલી શક્તિ છે, એનો બરાબર સદુપયોગ કરવો. પ્રયાસ કરવા છતાં પણ આપણે એને નથી મેળવી રહ્યા એવું જ્યારે લાગે ત્યારે આપણે આપણી જાતને અસહાય ગણવી પડશે. જ્યારે બધા અહંકાર ભાંગીને ભુક્કો થઈ જાય અને મનમાં દીનતા આવે ત્યારે સંભવ છે કે એમની કૃપા થાય, એ પહેલાં તો નહિ જ. એટલે આ સમગ્ર સાધના આપણા અહંભાવ તથા બુદ્ધિના અભિમાન વગેરેનો ચૂરેચૂરો કરી નાખવા માટે છે.

સાધના કરતી વખતે જો એમ લાગે કે હું ઘણી સાધના કરું છું તો એનાથી પણ અભિમાન વધે છે. વિચારપૂર્વક સાધના કરવાથી સમજાઈ જશે કે આપણે ભલે ગમે તેટલી સાધના કરીએ પણ આગળ વધતા નથી. સાધના કરતાં કરતાં જ્યારે કંઈ નથી થતું એવું સમજમાં આવે છે ત્યારે અભિમાન શું પૂર્ણ રીતે ચૂર્ણ થઈ જાય છે ખરું? જો આવું ન થાય તો શું એ પથ પર ચાલું છું કે સાધનાની મહત્ત્વહીનતાનો અનુભવ કરી રહ્યો છું?

આ રીતે હૃદયમાં પૂર્ણ રૂપે સાધનાની મહત્ત્વહીનતાનો અનુભવ થયા વિના એમની કૃપા થતી નથી. જ્યાં સુધી ‘હું’ સામે જ રહે છે ત્યાં સુધી તે એક દિવાલ ઊભી કરીને એમની કૃપાદૃષ્ટિને આપણા અંત:કરણમાં પ્રવેશવા દેતો નથી. સાધના દ્વારા અભિમાનની આ વાડનો નાશ કરવો પડશે. ‘હું’ને નિર્મૂળ કરી દેવું એ જ સાધનાની મૂળ વસ્તુ છે. જો આ થઈ શક્યું તો આપણને સમજાશે કે જે પરિમાણમાં હું એ કરી શક્યો છું એ પરિમાણમાં એમના પ્રત્યે હું આગળ વધી રહ્યો છું. શ્રીઠાકુરે અહીં કહ્યું છે: ‘જેટલા પ્રત્યે આગળ વધશો એટલા પ્રમાણમાં તર્ક-વિચાર ઓછો થતો જશે.’ ‘તર્ક-વિચાર’નું તાત્પર્ય સમજાવતાં તેઓ કહે છે : અહંકારમાંથી જન્મેલ યુક્તિતર્ક દ્વારા આપણે સિદ્ધ કરવા જઈએ છીએ કે અમારા જેવો પંડિત બીજો કોઈ નથી. અનુભવ જેટલો સ્પષ્ટ થશે ગહનતા અને ગંભીરતા એટલા પ્રમાણમાં વધશે. અર્થાત્‌ જે જેટલો નજીક હશે એનો વિચાર એટલા પ્રમાણમાં દૂર થતો જશે. સાધકને તત્ત્વલાભ મળતાં બધા વિચાર શાંત થઈ જાય છે. નિસ્તરંગ સમુદ્રની જેમ એક પણ મોજું એમાં આવશે નહિ. આ જ લક્ષણ છે. લક્ષ્ય એ છે કે તેઓ-પ્રભુ વિચારથી પર છે. આ જ સમજવા માટે પ્રારંભમાં વિચારની આવશ્યકતા રહે છે. આ સમજી લેવું પડે. પરંતુ વસ્તુની પ્રાપ્તિ કરવામાં મનવાણીની સાર્થકતાને સદાને માટે ભૂલી જવી પડશે. ભાષા દ્વારા એને વ્યક્ત કરવો એ તો દૂરની વાત છે, મનમાં એની ધારણા સુધ્ધાં કરવી એ સંભવ નથી. મનમાં આ વાત બહુ સારી રીતે બેસી જાય તો વિચાર માટે એમાં કોઈ સ્થાન રહેતું નથી. ત્યારે તેઓ ચોતરફ પરિપૂર્ણ રૂપે અચાનક પ્રકાશિત થઈ ઊઠે છે. આ બધું ક્રમશ: થતું નથી. એટલે જ એને ‘સહસા’ કહ્યું છે. એક આવરણ છે જેને લીધે બહારથી પ્રકાશ આવતો નથી. આ આવરણને દૂર કરવાથી સમગ્ર અંત:કરણ એ જ્યોતિથી જ્યોતિર્મય બની જાય છે. આ જ્યોતિર્મય થવું એ જ એકાએક અજવાળું થવું છે. એની ઉપલબ્ધિ માટે પેલી દીવાલ કે વાડને તોડવાનો પ્રયાસ કરવો એ જ આપણું કર્તવ્ય છે.

(ક્રમશ:)

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.