(સપ્ટેમ્બર ૨૦૦૪થી આગળ)

હિમાલયની પુત્રીઓનું અવરોહણ – અવતરણ

પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા – નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં નાનાં મોટાં નદી-નાળાંને પોતાની સાથે લઈને ચાલે છે અને પરિપક્વ – પુષ્ટ બની જાય છે. કેટલાંક સ્થળે સીધે સીધી આગળ તરફ દોડે છે અને વળી બીજી જગ્યાએ અચાનક વળાંક લે છે. એમનું વક્ષ અણગણિત પરપોટા અને લહેરોથી ફુલાઈ જાય છે. કદાચ પોતાની વિભિન્ન દિવ્ય ભાવનાઓને તેઓ ગુપ્ત રાખવા ઇચ્છે છે. કેટલાંક સ્થળે વર્ષો પુરાણાં સંગીતસ્વર નીપજાવે છે. પુરાણા સંગીતની ધૂનોનો કલકલ નાદ કરે છે તો ક્યાંક તે પોતાની લહેરોના લયબદ્ધ નાદ પર નૃત્ય કરે છે. આ રીતે આગળ વધતાં વધતાં પોતાની આસપાસની નિ:સ્તબ્ધતાને તોડતી આગળ વધે છે અને પ્રભુની પ્રશંસાના ગુણગાન ગાય છે. એમની આ બધી ક્રિયાઓ ભક્તોને પરમસ્વર્ગના ક્ષેત્રમાં લઈ જાય છે. પુન: કેટલાંક સ્થળે પોતાના ભવર અને તીવ્રવેગને કારણે આ નદીઓ સમગ્ર વિશ્વને જળાશયમાં પરિવર્તિત કરી દેવાનો જાણે કે ભય દેખાડે છે અને એવું પણ લાગે છે કે આ વિશ્વને તે નરકની ગર્તમાં ધકેલી દેશે. એમના ગર્જના કરતાં પાણીની ધમાચકડી દૂર દૂર સુધી સાંભળી શકાય છે. વજ્ર સમાન શક્તિશાળી એવા એમના દાંત ગ્રેનાઈટના પહાડોને વીંધી નાખે છે. આ બધી નદીઓ ઉચ્ચ પર્વતો પરથી નીચે ઘાટીમાં પોતાની જાતને જોરથી ફંગોળી દે છે અને બધા ભક્તોનાં મનને આશ્ચર્યથી ભરી દે છે. કેવળ ફરીથી પોતાની ભયાનક આકૃતિને પાછી ખેંચી લેવા માટે તેઓ શિવના તાંડવનૃત્યની નકલ કરે છે અને ફરીથી શાંત પ્રવાહે વહેતી સ્પષ્ટ જલધારામાં પરિવર્તિત થઈ જાય છે. ક્યારેક આ નદીઓ ગર્જન કરતી નીચે શિલાઓ પર પડે છે અને પુન: ચોતરફ પોતાની દ્યુતિમાન મધુર સ્મિતથી પ્રસન્નતા પ્રસરાવીને શાંત અને વિનીતભાવે વહેવા લાગે છે. વાસ્તવમાં આ બધી નદીઓ માતાઓ જેવી છે. એ તરસી માનવતાને પોતાના ફેલાયેલા બાહુઓના આલિંગનમાં લઈ રહી છે. વાસ્તવિક રીતે પોતાના વારિથી સમતલ પ્રદેશોમાં રહેનારા ભારતના કરોડો માનવીઓને પોષે પણ છે. નીચે ઊતરતી વખતે રસ્તામાં પ્રાચીન ઋષિઓના પાવનકારી સ્થળોમાં ભ્રમણ કરે છે અને ક્યારેક ક્યારેક પોતાના ભ્રમણથી જ નવાં પવિત્ર સ્થળોનું નિર્માણ પણ કરે છે. આ નદીઓ પ્રાચીન સંતોનાં આશ્રમની પવિત્રતામાં પણ વૃદ્ધિ કરે છે અને આશ્રમોને અધિક ફળદાયી અને ઉન્નત બનાવે છે. વૃક્ષો, છોડ, વેલીઓને સિંચે છે. તેમજ એમને પ્રચુર માત્રામાં ફળતીફૂલતી બનાવે છે. એવું લાગે છે કે જાણે મહાન આશ્રમોના ચરણ ધોયા પછી આ નદીઓનો ઉપદ્રવ સમાપ્ત થઈ જાય છે. કેટલાંક સ્થળે તટ પર બેઠેલા ઋષિઓ દ્વારા ઉચ્ચારિત વૈદિક મંત્રોની સાથે આ નદીઓ પણ મધુર સંગીતની ધૂન રચી દે છે. આ એમનો વારિરાશિ જ્યાં થોડી ક્ષણો માટે પણ સ્થિર થઈ ગયો હોય ત્યાં જાણે કે આ પવિત્ર આશ્રમોને છોડીને જવાનું એમનું મન ન માનતું હોય એવું લાગે છે. અહીંતહીં પહાડી ભૂમિને નરમ અને ઉપજાઉ બનાવી દે છે. એને લીધે પુષ્કળ પ્રમાણમાં ફળ, શાકભાજી અને અનાજ ઉગાડી શકાય છે. આ નદીઓ પિતા હિમાલયના કઠોર અને પથ્થરવાળા દેહ માટે રંગબેરંગી સુગંધી પુષ્પો અને મખમલ જેવા ઘાસનો સુંદર રંગીન પોશાક બનાવી દે છે. બહારથી કઠોર અને સખત દેખાતું સ્વરૂપ વાસ્તવમાં હિમાલયનું સાચું સ્વરૂપ નથી. કદાચ આ વાત આ નદીઓ આપણને બતાવવા માગે છે. જે સર્વાધિક સંવેદનશિલ, ગૌરિ, શુદ્ધિસ્વરૂપા ગંગા અને સ્નેહમયી યમુનાના પિતા છે એવા હિમાલયના હૃદયની ગહનતા, કોમળતા અને સમૃદ્ધિની કલ્પના તો કરો. સંભવત: હિમાલયે આ પહાડી પથ્થરવાળા દેહના અંતરતમ ભાગમાં પોતાના હૃદયને છુપાવી રાખ્યું છે, જેથી મર્ત્યલોકોની દૃષ્ટિ એના પર ન પડી શકે. હિમાલયની આ બધી પુત્રીઓ – મહાન નદીઓ – પર્વતરાજના કઠોર દેખાતા અને બહારથી પથ્થરમય દેહને કોમળ અને સજીવ બનાવવાનો પ્રચુર પ્રયત્ન કરે છે. પોતાનું કામ પૂરું કરીને એ બધી નદીઓ એક એક કરીને ગંગામાં પૂર્ણતયા વિલીન થઈ જાય છે. પ્રારંભિક મૂળ શક્તિ સેંકડો વિભાગોમાં વહેંચાઈ ગયા પછી પુન: એકતામાં વિલીન થઈ ગઈ છે.

યમુનાના જીવનનો ઉદ્દેશ્ય

ઉત્તરાખંડમાં વહેતી આ બધી નદીઓએ હિમાલયનાં સૌંદર્ય અને વિશાળતામાં ચોતરફ વૃદ્ધિ કરી દીધી છે. પોતાના આ કર્તવ્યને પૂરું કર્યા પછી એ બધી ભાગીરથીમાં મળી જાય છે. ગંગા અને યમુના બંને સ્વર્ગમાંથી ઊતરી છે અને આ દેશની સમસ્ત ભૂમિ પર વહે છે તેમજ પોતાના શીતળ સ્પર્શથી કરોડો લોકોને સંતુષ્ટ કરતી રહે છે. આ બંને નદીઓ ભિન્ન ભિન્ન સ્થાનોમાંથી નીકળીને અત્યંત દૂર સુધી રમતી-ભમતી વહે છે અને જ્યાં એમને પોતાના જીવનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવાનો છે એક એવા સ્થાને પહોંચે છે. જેના દ્વારા મનુષ્ય સ્વર્ગમાં પહોંચી શકે છે એવી ગંગા સગરના પુત્રોને પવિત્ર કરવા ઇચ્છતી હતી અને તે બધાને પ્રસન્નતા પમાડતી પૂર્વના સમુદ્ર તરફ દોડતી જાય છે. જાણે કે ભગવાન કૃષ્ણની વ્રજલીલામાં ભાગ લેવા માટે જે રીતે શ્રીકૃષ્ણની બંસરીના દિવ્ય અને દૈવી સંગીતથી ગોપીઓ ખેંચાઈને ચાલી આવતી હોય તેમ કાલિન્દી એટલે કે યમુના પણ વૃંદાવનથી આગળ ભાગતી ભાગતી વહે છે. જાણે કે એ રીતે યમુના પણ વ્રજ તરફ આવવાનો ઇન્કાર કરી શકતી નથી એટલે પોતાના પિયર અને બધી પ્રિય ભગિનીઓને પાછળ છોડીને આવી જાય છે. તે સ્વયંને ભગવાન શ્રીકૃષ્ણમાં આત્મસાત્‌ કરી શકે અને તેની પૂજા કરી શકે (એમની સાથે તાદાત્મ્ય સ્થાપિત કરી શકે) એટલે હિમાલયના શુદ્ધ ધવલ હિમમાંથી ઉત્પન્ન થઈને યમુના થોડો ઘેરો રંગ ધારણ કરી લે છે. કદાચ એવું પણ હોય કે જ્યારે તે પોતાના પ્રભુ શ્રીકૃષ્ણને આલિંગન કરી રહી હોય ત્યારે તેને કોઈ ઓળખી ન જાય એવું પણ તે ઇચ્છતી હોય! એવું પણ બની શકે કે ભગવાન શ્રીકૃષ્ણે સ્વયંને એના હૃદયમાં છુપાવી લીધા હોય અને એમના નીલરંગની આછી એવી લહરથી એના કાચ જેવા સ્પષ્ટ હૃદયને ભેદી નાખ્યું હોય! સંભવત: તેણે શ્રીકૃષ્ણમાં સમાઈ જવાની કામના રાખતી ગોપીઓના હૃદયમાં સદૈવ ધધકતા અગ્નિને શાંત તૃપ્ત કરવાનો નિર્ણય કર્યો હોય એટલે યમુનાને ‘ઉત્તાપ સમાપક’ ઉત્તાપને શાંત કરનારી કહેવામાં આવે છે. કદાચ યમુના એવું ઇચ્છતી હતી કે ગોપીઓ એના શ્યામલ જલને જોઈને પ્રસન્ન રહે અને પોતાના નીલ-આસમાની વર્ણના પ્રિયતમ સ્વામીને યાદ કરતી રહે. સંભવત: યમુનાએ વ્રજની ગોપીઓને આલિંગન કરીને, પોતાના જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ કરવાનું વિચાર્યું હોય તેમ તે એકલી જ આ સ્થાન પર વહેતી આવી છે. જે રીતે વ્રજની ગોપીઓ શ્રીકૃષ્ણની બંસરીના મધુર લયથી આકર્ષાઈને એક ચાંદની રાતે પોતાના પતિ અને પ્રિય બાળકોના આલિંગન પાશને છોડીને શ્રીકૃષ્ણને આલિંગન કરવા દોડતી આવી હતી તે રીતે યમુના પણ પોતાની સુધબુધ ભૂલી ગઈ અને તેણે શ્રીકૃષ્ણની બંસરીની મધુર ધૂન સાંભળી અને તે પોતે વ્રજ ભૂમિ તરફ વળી. જેવી રીતે એક કુલીન કુટુંબની સ્ત્રી પોતાનો બધો સમય મહેલના અંદરના પ્રાંગણમાં જ વીતાવે છે તેવી રીતે અત્યાર સુધી યમુના કેવળ જંગલોમાં જ ઘૂમી રહી હતી પરંતુ હવે તે પોતાની એ બધી શિષ્ટતાને ભૂલીને વ્રજની ભૂમિ તરફ ચાલી નીકળી હતી. પોતાની ભગિની જાહ્‌નવીને તેના વિયોગનો અનુભવ કરવો પડ્યો હતો. યમુના પ્રભુનાં નામરટણ અને જપની પ્રસન્નતામાં લીન થઈ ગઈ. તે ગોપીઓનાં કમળનયનોમાંથી વહેતાં પ્રેમાશ્રુમાં સ્નાન કરી રહી હોય એવું લાગે છે. વાસ્તવમાં યમુનાએ ભૂમિને ભક્તિના અમૃતથી પરિપૂર્ણ કરી દીધી છે. આ રીતે ભક્તિના પૂરે એકવાર ચૈતન્ય મહાપ્રભુના રૂપે બંગાળની સમસ્ત પાવન ભૂમિને ભીંજવી દીધી હતી. સમુદ્રની શક્તિશાળી આસમાની લહેરોને નીહાળીને મહાપ્રભુ સમાધિસ્થ થઈ ગયા હતા. એમના હૃદયમાં થનારા મહાપરિવર્તન – ઊઠનારા ભયંકર ભૂચાલ સમયે એમની સન્મુખ યમુનાના મધુર નામનું ઉચ્ચારણ કર્યું હશે તેની શું તમે સૌ કલ્પના કરી શકો છો ખરા?

જ્યારે હું દૈવી ગંગા અને યમુનાના શુદ્ધ વહેતા પાણીને નીરખું છું ત્યારે મારા સ્મૃતિ પટલ પર અસંખ્ય સુખદ સ્મૃતિઓ ઊભરી આવે છે. ચિરકાળથી આ બંને નદીઓના પવિત્ર તટ પર મહાન ઘટનાઓ ઘટી છે. એ મહાન ઘટના પ્રસંગોને યાદ કરવા એ પણ લાભપ્રદ જ છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આ બંને નદીઓના તટે ભૂતકાળમાં જે કંઈ પણ બન્યું છે તેનો જોટો પૂરા વિશ્વના ઇતિહાસમાં ક્યાંય નથી. આપણા ધાર્મિક ગ્રંથોમાં બંને નદીઓની સુયોગ્ય પ્રશંસા થઈ છે. આપણા પ્રાચીન ઋષિઓ દ્વારા પ્રતિપાદિત કરેલા લાભપ્રદ ઉચિત સૂત્રાત્મક જ્ઞાન તેમજ વિભિન્ન વિજ્ઞાનોને આજે પણ પરખી શકાય છે. ગંગા અને યમુનાના તટ આજે પણ પ્રાચીન સત્ય અને પ્રેમના સંદેશને ગુંજિત કરી રહ્યા છે. ભગવાન પોતે પણ આ મહાન નદીઓના કિનારે કેટલીયેવાર અવતર્યા છે અને સમસ્ત ભૂમિને આવા જ પ્રેમના પૂરમાં ડુબાડી દીધી છે. એનો પ્રતિકાર કોઈ ન કરી શકે. આ શાશ્વત નદીઓના કિનારે વસેલી અને વિનાશ પામેલી સંસ્કૃતિઓની ગણતરી ભલા કોણ કરી શકે? જે યમુના મજબૂત પહાડી પથ્થરવાળી શિલાઓને ભેદી શકતી હતી એ યમુના સંવેદનશીલતાથી પીગળી ગઈ અને એણે આપણી માતૃભૂમિને ઘણા મોટા પ્રમાણમાં લીલીછમ હરિયાળીથી ભરેલાં મેદાનોથી ભરી દીધી. આ ભૂમિને એણે જે સમૃદ્ધિ અર્પી છે તે સમગ્ર વિશ્વ માટે એક આશ્ચર્યનો વિષય છે. યમુનાએ વિશ્વને એ બતાવી દીધું છે કે આ ભૂમિની મહાન અને ગૌરવમય પરંપરા રહી છે. જ્યારે એણે દુ:ખ સાથે આ ભૂમિના પ્રાચીન ગૌરવને યાદ કર્યું ત્યારે સંભવત: યમુનાનું પાણી શ્યામલ રંગમાં પરિવર્તિત થઈ ગયું. પ્રયાગમાં પોતાની ભગિનીને આલિંગન કર્યા પછી આ ભૂમિની પ્રાચીન ગરિમા અને વર્તમાનની બદનામી અને અપયશની વાત જાણીને એણે પોતાના સાધારણ અસ્તિત્વને વચ્ચેથી જ જાણે કે કાપી નાખ્યું હોય એવું જણાય છે. મેં અત્યાર સુધી આ પૃથ્વી પરના યમુનાના આદિમૂળ અને ત્યાર પછીના જીવનનું વર્ણન કર્યું છે. હવે હું એના લાંબા માર્ગની સાથે સાથે વસેલાં અનેક પવિત્ર સ્થાનોનું વર્ણન કરીશ.

મેં હરિદ્વારથી બદ્રીકાશ્રમના રસ્તામાં જેટલા જેટલા સંગમ જોયા તે બધા મહાન અને ગૌરવપૂર્ણ હતા. તે બધા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂરભર્યા હતા. જ્યારે હું એને યાદ કરું છું ત્યારે તપસ્યામાં લીન પાવન મનુષ્યોનો એક સમૂહ મારા માનસનેત્રો સન્મુખ ખડો થાય છે. પરંતુ પ્રયાગનો મહિમા, ગંગા અને યમુનાનો સંગમ એ પાવન સંગમોમાં પાવનતમ છે. એની વ્યાખ્યા થઈ ન શકે. ભારતીય સંસ્કૃતિમાં જે કંઈ સર્વોત્તમ છે તેનું એ ચરમબિંદુ છે. જ્યારે હું પ્રયાગ વિશે વિચારું છું તો ગૌરવમય ભૂતકાળનાં દૃશ્ય મારી આંખો સામે પ્રસ્તુત થઈ જાય છે. હું મારા મસ્તિષ્કમાંથી પસાર થનારા બધા વિચારોને કહી શકું એ સંભવ નથી. યમુનાને પોતાનું વ્યક્તિત્વ છે. એના વાર્તાવિસ્તારને આ સંગમનું વર્ણન કર્યા વિના પૂરો ન કરી શકાય.

ગૌરવગાથા અર્થાત્‌ પ્રયાગરાજ : વિષયાન્તર

જે કોઈ ચમત્કારિક ઘટના આપને અર્થપૂર્ણ જણાય તેનું સારી રીતે પ્રતિપાદન કરવું સદૈવ ઉચિત છે. હું અહીં એ જ નિયમનું પાલન કરું છું. યમુનાની પ્રારંભિક ઉદ્‌ગમ અને તેના વહેણની ધામધૂમની વાર્તા હું આ પહેલાં કહી ચૂક્યો છું. હવે હું મારા મનહિંડોળા પર બેસીને પ્રયાગ જઈ રહ્યો છું. અહીં યમુના ગંગામાં મળી જાય છે. પહેલાં હું આ સ્થાનના મહત્ત્વની ચર્ચા કરીશ અને પછી હું ફરીથી કેદારનાથની યાત્રાની ચર્ચા પર આવીશ. પ્રયાગ પછી સમુદ્ર તરફ વહેતી આવે છે ગંગા. પરંતુ હું એના પછીની યાત્રાનું વર્ણન નહિ કરું. હું કેવળ સંક્ષેપમાં ગંગા યમુનાના આ સ્વર્ગીય સંગમની પવિત્રતા અને મહત્તા વિશે કહેવા માગું છું.

પરમ પવિત્ર પ્રયાગ

ઉત્તરાખંડના ઉત્તરી છેડા અને પ્રયાગની વચ્ચે પવિત્ર સ્થાનોમાં પરમપવિત્ર એવા સાત સંગમ છે. અધિકતર પુરાણોમાં આ બધા સંગમસ્થાનોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુઓ માટે પ્રયાગ પવિત્રતમ સ્થાન છે. આ સ્થળે હિંદુઓને જીવનમરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. આપણે એમ કહી શકીએ કે અહીં એમને મોક્ષ પ્રાપ્તિ થાય છે. ધર્મગ્રંથોમાં પ્રયાગની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આ ધરતી પર પ્રયાગ જેટલું પવિત્ર એવું બીજું કોઈ સ્થાન નથી. હું એના પ્રમાણ માટે અહીં એક મત્સ્યપુરાણનો શ્લોક રજૂ કરું છું: શ્રુતિ: પ્રમાણં સ્મૃતય: પ્રમાણં પુરાણમપ્યત્ર પરં પ્રમાણમ્‌ યત્રાસ્તિ ગંગા યમુના પ્રમાણં સ તીર્થરાજો જયતિ પ્રયાગ:। ન યત્ર યોગાચરણપ્રતીક્ષા ન યત્ર યજ્ઞેષ્ટિ-વિશિષ્ટ-દીક્ષા ન તારકજ્ઞાનગુરોરપેક્ષા સ તીર્થરાજો જયતિ પ્રયાગ:॥

આ શ્લોકમાંથી જાણવા મળે છે કે બધા હિંદુ પ્રયાગને કેટલા માનાદર અને શ્રદ્ધાથી જુએ છે. આ સ્થળની પવિત્રતાનો સ્વીકાર કરાવવા જ્યારે આ તથ્ય જ પર્યાપ્ત છે કે ગંગા અને યમુના અહીં મળી રહી છે ત્યારે શ્રુતિઓ, સ્મૃતિઓ અને પુરાણોમાંથી દૃષ્ટાંત આપીને એમની પવિત્રતાની પુષ્ટિ કરવી એ શું જરૂરી છે ખરું? અહા! કેટકેટલો સુંદર વિચાર! સેંકડો પ્રમાણ હોવા છતાં પણ ગંગાયમુનાનો સંગમ સ્વત: પ્રમાણ છે અને યજ્ઞ, યાગ, યોગ, ઉપદેશ, શિક્ષા-દીક્ષા એટલું જ નહિ પણ કોઈ ગુરુ દ્વારા મનુષ્યને પરમતત્ત્વના જ્ઞાનક્ષેત્રમાં લઈ જનાર ગૂઢ મંત્રદીક્ષા દેવાની પણ આવશ્યકતા નથી. હિંદુઓએ પોતાના જીવનમાં પ્રયાગના યશ અને મહત્તાને ધારણ કરી લીધાં છે. આ વિચારો કે શ્રદ્ધાની પુષ્ટિ કરનારાં એવાં કેટલાંય દૃષ્ટાંત ઇતિહાસમાં મળે છે. બધા હિંદુઓ માટે પ્રયાગનું અનન્ય ગૌરવ એક જીવંત વાસ્તવિકતા છે. પ્રાચીન ઋષિ એની પવિત્રતાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે સંકોચ વિના કહ્યું: ‘ગંગાયમુનામ્‌ આસાદ્ય ત્યજ્યેત્‌ પ્રાણાન્‌ પ્રયત્નત: – મનુષ્યે ગંગા-યમુનાના સંગમ પર આવીને પોતાના જીવનનો ત્યાગ કરી દેવો જોઈએ.’ જે પ્રાચીન ઋષિઓ આત્મહત્યાને જઘન્ય અપરાધ ગણતા હતા તેઓ જ અહીં પવિત્ર સંગમસ્થાને પોતાના જીવનનો ત્યાગ કરવાનું સમર્થન કરે છે. એ સત્ય છે કે બધી વ્યક્તિ એક શ્રદ્ધાવાન હિંદુના મનમાં ઊભરનારી આ ભાવનાઓને સમજી ન શકે. કોઈ પણ માણસ આ સંગમ સ્થાનને પહેલીવાર જુએ છતાં પણ એણે આ સ્થાનના ગૌરવ અને પ્રેરણાભર્યા ઇતિહાસ વિશે સંદેહશંકા કરવાં યોગ્ય નથી.

વસ્તુત: પ્રયાગની આ પાવનભૂમિ બે વિરોધી શક્તિઓ – પ્રવૃત્તિ અને નિવૃત્તિ-નું ક્ષેત્ર છે. દીર્ઘકાળથી ગતિવિધિઓ અને ચિંતનની બે વિરોધી શક્તિઓ અહીં ઉપસ્થિત રહી છે. સાંસારિક યશના ઇચ્છુક લોકો માટે પ્રયાગરાજ એક પૂર્તિ કરનાર વૃક્ષ છે. મુમુક્ષુઓ માટે મોક્ષદાતા ગુરુ સમાન પ્રયાગરાજ છે. એણે સર્વોચ્ચ સાંસારિક ગૌરવ જોયું અને દેખાડ્યું પણ છે. આ તીર્થે શાશ્વત બ્રહ્મના યશને પણ અભિવ્યક્તિ આપી છે. આ બંને તદ્દન વિરોધી માનવીય ઉદ્દેશ્યોનું સંયોજન કરવા માટે જ પ્રયાગ આ ધરતી પરનું પરમ પવિત્રસ્થાન બન્યું છે. અત્યાર સુધી હું કોઈ બીજા અન્ય પાવનસ્થળથી આટલો પ્રભાવિત નથી થયો. જેમ જેમ હું આ સ્થાનનો વિચાર કરું છું એટલો હું એને વધુ ને વધુ ચાહવા લાગું છું.

(ક્રમશ:)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.