(ગતાંકથી આગળ)

પછી ‘કૃપા’

કૃપા જ પરમ અવલંબન છે. એને પ્રાપ્ત કરવા માટે કેવળ એક જ યોગ્યતા જોઈએ – એમનાં ચરણકમળમાં આત્મસમર્પણ. જ્યાં સુધી આપણે એ નથી કરતા ત્યાં સુધી કૃપાની અનુભૂતિ નહિ થાય. જ્યાં સુધી આપણે હૃદયને પૂર્ણ રૂપે ઉન્મુક્ત નથી કરતા, ‘હું’ની પરિધિને છોડતા નથી, ત્યાં સુધી કૃપાની અનુભૂતિ ન થાય. શ્રીઠાકુર કહે છે : ‘કૃપાવાયુ તો વહી રહ્યો છે, શઢ ઉપાડો.’ શઢ ઉપાડવાનો અર્થ છે કે તેઓ આપણને લઈ જવા ઇચ્છે છે એમાં સહયોગ કરવો. શઢ છે શરણાગતિ. શરણાગતિ રૂપી શઢ ઉપાડવાથી એમની કૃપા આપણને આગળ લઈ જશે. ત્યારે એકાએક અજવાળું થઈ જશે અને આપણું અંત:કરણ પૂરેપૂરું ઉદ્‌ભાસિત થઈ જશે, સંશય-દ્વિધાનો અંશ માત્ર પણ રહેશે નહિ. સર્વગ્રાહી, સર્વવ્યાપી સત્ય દીવાલોકની જેમ સ્પષ્ટ થઈ જશે. આ સત્ય આંશિક નહિ હોય, સંપૂર્ણ હશે. અવતારલીલામાં શ્રદ્ધા કે વિશ્વાસ એમની કૃપા વિના સંભવ નથી. મનુષ્યની વચ્ચે એક માનવ બનીને તેઓ અવતાર ધારણ કરી શકે છે, એમની કૃપા વિના આપણે આ વાતની કલ્પના પણ નથી કરી શકતા.

શ્રીઠાકુરનો રોગ અને કલકત્તામાં આગમન

બંગાળીમાં કથામૃતના પાંચ ભાગની રચના એવી રીતે થઈ છે કે એને જોઈને એમ લાગે કે પ્રત્યેક ખંડ, પ્રત્યેક અધ્યાય, જાણે કે પોતપોતાની રીતે સ્વતંત્ર અને સંપૂર્ણ છે. શ્રી‘મ’એ ઘટનાઓને એવી રીતે સજાવી દીધી છે કે પ્રત્યેક ખંડના પ્રત્યેક પરિચ્છેદમાં ભક્તોને એક સર્વાંગસંપૂર્ણ ચિત્ર મળી જાય છે. ઘટનાઓના વર્ણનના આરંભમાં માસ્ટર મહાશય વર્ણનીય સ્થળની એક અત્યંત સંક્ષિપ્ત ઝાંખી પ્રસ્તુત કરીને ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓનાં નામ બતાવે છે. એને લીધે વાચક એ દૃશ્યની કલ્પના કરીને પોતાના મનમાં સમુચિત પૃષ્ઠભૂમિ તૈયાર કરી લે છે.

શ્રીઠાકુર અસ્વસ્થ છે. એમનો રોગ અસાધ્ય છે, ગળામાં કેન્સર થયું છે એટલે ચિકિત્સાની સુવ્યવસ્થા માટે એમને શ્યામપુકુરના એક મકાનમાં લાવવામાં આવ્યા છે. એ દિવસોમાં મોટરગાડીનું ચલણ ન હતું એટલે ચિકિત્સકો ઘોડાગાડીમાં કલકત્તાથી દક્ષિણેશ્વર સુધી જવા માટે સહજરીતે રાજી ન થતાં. પરંતુ કલકત્તામાં શ્રીઠાકુર રહેશે ક્યાં? ભક્તોમાં પણ કોઈનું એવું મકાન ન હતું કે જ્યાં શ્રીઠાકુર તેમજ એમના સેવકોના રહેવાની પૂરેપૂરી વ્યવસ્થા થઈ શકે તેવી પૂરતી જગ્યા હોય. એકમાત્ર બલરામનું નિવાસસ્થાન હતું. પરંતુ ત્યાં શહેરની વચ્ચે ઘણા લોકોની આવજા બહુ થતી. જે લોકો કામારપુકુર તથા દક્ષિણેશ્વરના મુક્ત વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે તેઓ કોઈ સંકીર્ણ સ્થાનમાં પાંજરાના પંખીની જેમ કેવી રીતે રહી શકે! એટલે કલકત્તામાં પોતાના માટે પહેલાં પસંદ કરેલ મકાનમાં પદાર્પણ કરતાં જ તેઓ તરત બલરામના નિવાસસ્થાને ચાલ્યા ગયા. કારણ કે એવી રીતના તંગ અને પાંજરા જેવા સ્થાને રહેવું એમને માટે સંભવ ન હતું. ત્યાર પછી શ્યામપુકુરનું મકાન મળ્યું.

આ મકાન બે ભાગોમાં વહેંચાયેલ છે. શ્રીઠાકુર જે ઓરડામાં રહેતા હતા તેમાં અત્યારે સ્થાનિક ભક્તગણ કાલીપૂજાના દિવસે ઉત્સવ કરે છે. એનું કારણ એ છે કે અહીં જ એક દિવસ ભક્તોએ શ્રીઠાકુરના નિર્દેશ પ્રમાણે કાલીપૂજાની રાતે પૂજાનું આયોજન કર્યું હતું. પરંતુ મૂર્તિ લાવવી, પૂજારી તથા પૂજાસ્થાન ચયન વગેરેની વ્યવસ્થા ન હતી. ભક્તગણ ઉત્સુકતાપૂર્વક શ્રીઠાકુરના પછીના નિર્દેશની રાહમાં હતા. સંધ્યા થઈ ગઈ. શ્રીઠાકુર ગંભીર સમાધિભાવમાં ડૂબી ગયા. ભક્તગણ પણ એ ધ્યાનગંભીર પરિવેશમાં ઈશ્વરનું ચિંતન કરતા હતા. એકાએક ગિરિશબાબુના મનમાં આવ્યું – શ્રીઠાકુર જ સાક્ષાત્‌ મા કાલી છે અને અહીં વિરાજમાન છે. એમણે તરત જ ‘જય મા, જય મા’ શબ્દો ઉચ્ચારીને એમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. એની સાથે જ શ્રીઠાકુર માતૃભાવમાં પ્રતિષ્ઠિત થઈને વરાભય મુદ્રામાં ઊભા થઈ ગયા. એમના દેહનો આશ્રય લઈને સાક્ષાત્‌ જગદંબા ભક્તોની પૂજા સ્વીકારવા પ્રગટ થયાં હતાં. એ દિવસની સ્મૃતિમાં આજે પણ કાલીપૂજાની રાતે ત્યાં શ્રીમા જગદંબા તથા શ્રીઠાકુરની વિશેષ પૂજા થાય છે. એ મકાનમાં થયેલ એ દિવસની ઘટનાનું ચિત્ર માસ્ટર મહાશયે અહીં અંકિત કર્યું છે.

સાંસારિક જીવનું કૌશલ

આ પરિચ્છેદમાં શ્રીઠાકુર જે વાતો કરે છે તે બધી કોઈ પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે નહિ પરંતુ સ્વગત કથન જેવી છે. સામે ઈશાન બેઠા છે. તેઓ ભક્ત, જ્ઞાની અને જાપક છે – ગાયત્રી, પુરશ્ચરણ વગેરે ઘણું કરે છે; જ્ઞાની પણ છે, કરજે પૈસા લઈને દાન કરે છે. શ્રીઠાકુર એમની ઘણી પ્રશંસા કરે છે એટલે ઈશાનને જોઈને એમના મનમાં સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ એ બતાવવાની ઇચ્છા થઈ. તેઓ કહે છે: ‘જે સંસારી વ્યક્તિ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ કરીને સંસારનું કામ કરે છે તે ધન્ય છે, તે વીર છે! જેમ કોઈના માથા પર બે મણનો બોજો રાખ્યો હોય અને એક જાન જઈ રહી હોય તો એક બાજુએ માથા ઉપર એટલો બોજો છે અને એમ છતાં પણ તે ઊભો રહીને જાન જુએ છે. આ રીતે સંસારમાં રહેવું એટલે અધિક શક્તિ વિના નથી થતું. જેમ પાંકાલ માછલી કીચડમાં થાય છે પરંતુ દેહને કીચડ સ્પર્શી શકતો નથી. પનડૂબી માછલી પાણીમાં ડૂબકીઓ મારતી રહે પરંતુ એકવાર પોતાની પાંખોને ખંખેરી નાખે પછી પાણી રહેતું નથી.’

પ્રાય: સંસાર ત્યાગની વાત કહેતાં પણ શ્રીઠાકુરે ક્યારેય એવું નથી કહ્યું કે સંસાર ભગવદ્‌ ભક્તિ અથવા ધર્મજીવનનો વિરોધી છે. વાસ્તવિકતાનો એમણે અસ્વીકાર નથી કર્યો. તેમણે કહ્યું કે પહેલાંથી મનને તૈયાર કર્યા વિના સંસારમાં પ્રવેશ કરવાથી સાવ ડૂબી જાશો. દૂધ અને પાણી એક બીજામાં મળી જાય છે, પરંતુ એ જ દૂધને નિર્વાત – નિર્જન સ્થળે જમાવીને, એનું મંથન કરીને માખણ કાઢીને એને પાણીમાં રાખવાથી તે એમાં મળી જતું નથી. ઠીક એવી જ રીતે મનને ભગવદ્‌ભાવમાં ડૂબાડીને, ભક્તિ દ્વારા મનને તૈયાર કરીને તેને સંસારમાં રાખવાથી પણ તે સંસારમાં મળી જતું નથી. પૂર્ણત: નિર્લિપ્ત બનીને સંસારમાં રહો. આ છે સંસારમાં રહેવાનું કૌશલ. શ્રીઠાકુરે વારંવાર આ વાતની યાદ અપાવી છે: ‘પરંતુ સંસારમાં જો નિર્લિપ્તભાવે રહેવું હોય તો થોડીઘણી સાધના જોઈએ. કેટલાક દિવસ નિર્જનમાં રહેવું જરૂરી છે, પછી એ એકવર્ષ માટે હોય કે છ મહિના માટે હોય; કે ત્રણ મહિના માટે હોય કે મહિના માટે હોય.’ આ રીતે કહેવાનો અર્થ કે અભિપ્રાય એ છે કે જેનાથી જેટલું થઈ શકે તેટલુ કરે; ક્ષમતાથી વધુ કરવાની સલાહ કોઈને નહિ અપાય. બની શકે તેટલું મનને તૈયાર કરીને સંસારમાં પ્રવેશ કરવો. આ રીતે સંસારમાં પ્રવેશ કરવાની વાત ભલા કોણ વિચારે છે?

આપણે આપણાં બાળકોને કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરાવવા એમને અનેક રીતે તૈયાર કરીએ છીએ. પરંતુ, સંસારમાં પ્રવેશ કરવા માટે કોઈ તૈયારીની પણ આવશ્યકતા છે કે નહિ એ બાબત પર વિચાર નથી કરતા. શું યથેષ્ટ ધનોપાર્જનમાં સક્ષમ બની જવા સિવાય જીવનમાં બીજી કોઈ યોગ્યતાની આવશ્યકતા નથી? ઓછામાં ઓછી થોડીઘણી નિર્લિપ્તતા ન રહે તો દુ:ખકષ્ટ તથા યાતનાઓની સીમા રહેતી નથી. આવું જાણતા હોવા છતાં પણ માતપિતા એ વિશે ચિંતા કરતા નથી. પરંતુ જો કોઈ પૂર્વજન્મોનાં પુણ્યોના ફળ સ્વરૂપે ઈશ્વરાભિમુખ બને છે તો એને પરાણે સંસારમાં જકડી દે છે.

સંસાર અને મનની તૈયારી

શાસ્ત્રમાં એવું વિધાન છે કે ૨૫ વર્ષના સુદીર્ઘકાળ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને, ગુરુગૃહે રહીને, નિર્જન સ્થળે સાધના આદિ કરી લીધા પછી સુયોગ્ય સિદ્ધ થયા પછી જ લોકો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી શકે. શ્રીઠાકુરે પણ કહ્યું છે કે સંસારમાં પ્રવેશ કરતાં પહેલાં કેટલાક દિવસ નિર્જન સ્થળે જઈને સાધના કરીને મનને તૈયાર કરી લેવું જોઈએ. આ તૈયારી ન થવાને લીધે જ સંસાર આટલો ભયંકર લાગે છે. સંસારના કોલાહલથી દૂર કોઈ પહાડ કે સમુદ્રના કિનારે શોરબકોર મચાવતાં સમય વીતાવવો એને નિર્જનવાસ ન કહી શકાય. તેઓ કહે છે: ‘નિર્જનમાં જઈને એવું વિચારવું જોઈએ કે સંસારમાં ઈશ્વર સિવાય મારું કોઈ પોતાનું નથી. હું એમને કેવી રીતે મેળવી શકું?’ આમ ન થાય તો પછી સંસારને મનમાં રાખીને ભલે નિર્જન સ્થાને ગમે તેટલો સમય ચાલ્યા જઈએ પણ એ સંસાર આપણને ઘેરીને રહેશે. કાર્ય વિનાના અવકાશને સમયે વિભિન્ન સંસ્કારોથી પરિપૂર્ણ મન પોતાની પૂરી તાકાત લગાવીને વિપરિત આચરણ કરતું રહે છે. આ સંગ્રામમાં ઊતરતા પહેલાં મનને સબળ અને શક્તિશાળી બનાવી લેવું પડે છે. બધા સાધકોને પોતાના જીવનમાં આવો જ અનુભવ થાય છે. અવતારી પુરુષોના જીવન અને મનમાં પણ આ જ સંઘર્ષના દૃષ્ટાંત જોવા મળે છે. જેમ ‘માર’ સાથે બુદ્ધનો જે સંગ્રામ થયો. ત્યાં ‘માર’ એટલે બીજું કંઈ નહિ પણ મનની પ્રતિકૂળ વૃત્તિઓ.

મનને ધીરે ધીરે વશ કરવું પડે છે. ઈશ્વરને જ સર્વસ્વ માનીને જીવનનું લક્ષ્ય નિશ્ચિત કરવું જોઈએ. આવું જ્ઞાન થયા વિના ક્યારેય શરણાગતિનો ભાવ આવી શકતો નથી. એટલે જ શ્રીઠાકુરે આ ઉપદેશ આપ્યો છે કે હાથમાં તેલ લગાડીને ફણસ કાપીએ તેમ અનાસક્ત બનીને રાજા જનકની જેમ સંસારમાં રહેવું જોઈએ. આસક્તિ રહેવાથી જ બધી અશાંતિઓ, સમસ્યાઓ તેમજ બાધાઓ સર્જાય છે. સંસારમાં રહેવું અને આસક્ત બનીને રહેવું એ બંને ભિન્ન વાત છે. દેહબુદ્ધિરહિત વિદેહરાજ જનક કહેતા હતા : (મહાભારત, શાંતિપર્વ, ૧૭-૧૧)

અનન્તં બત મે વિત્તં યસ્ય મે નાસ્તિ કિંચન ।
મિથિલાયાં પ્રદીપ્તાયાં ન મે દહ્યતિ કિંચન ॥

મિથિલા એટલે કે એમનો મમત્વબોધ જે સર્વત્ર રહેલો છે, એ પૂર્ણત: બળીને ખાખ થઈ જવા છતાં પણ એમનું ચિત્ત વિક્ષુબ્ધ કે ચંચળ થતું નથી. એનું કારણ એ છે કે તેઓ સદૈવ આત્મસ્થ રહે છે. જ્ઞાનમાં પ્રતિષ્ઠિત બ્રહ્મજ્ઞ માટે ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમમાં કોઈ ભેદ નથી હોતો. એમના બ્રહ્મજ્ઞાનમાં કોઈ નિમ્ન કે ઉત્કૃષ્ટ નથી હોતા.

ત્યાર પછી શ્રીઠાકુર થોડા સાવધાન કરી દે છે, ‘આ સંસારમાં જ્ઞાનીઓને પણ એક ભય રહે છે.’ ‘સંગાત્‌ સંજાયતે કામ:’ – વિષયોની સાથે રહીને એમના પ્રત્યે એક પ્રકારનું આકર્ષણ ઉદ્‌ભવે છે અને ચિત્ત ભ્રમિત બની જાય છે. મનને જ્યાં રાખશો તે રંગમાં તે રંગાઈ જવાનું. એટલે જ્ઞાની છું એમ વિચારીને સાહસ કરીને વિષયોમાં ખાબકવું ન જોઈએ. ત્યાગને વિશે ઠાકુરના મનમાં કોઈ બાંધછોડ નથી. એમના જીવનમાં કેવળ એક જ વસ્તુ છે – ભગવાન. ભગવાન સિવાય તેઓ બીજું કંઈ જાણતા નથી. આ વાત તેઓ ભિન્ન ભિન્ન પ્રસંગે વારંવાર કહી ચૂક્યા છે – માના સમ, ભગવાન સિવાય હું બીજું કંઈ જાણતો નથી. એટલે જે કંઈ પણ ભગવદ્‌ભાવ વિરોધી છે તેની સાથે તેઓ જરાય બાંધછોડ કરતા નહિ. અહીં એ યાદ રાખવું જોઈએ કે શ્રીઠાકુર જે લોકો સાથે આ વાતો કરી રહ્યા છે તેઓ પ્રાય: બધા ગૃહસ્થો છે. એટલે જ એમને માટે જે કંઈ પણ શીખવવા જેવું છે એ જ વાતોનો અહીં તેઓ ઉલ્લેખ કરે છે. શ્રીઠાકુર કહે છે : ‘પરંતુ સંસારમાં જો નિર્લિપ્તભાવે રહેવું હોય તો થોડીઘણી સાધના જરૂરી છે. કેટલાક દિવસ નિર્જનમાં રહેવું આવશ્યક છે. એક વર્ષ માટે હોય કે પછી છ મહિના માટે અથવા ત્રણ મહિના માટે હોય કે પછી મહિનાભર માટે હોય.’ એ એકાંતમાં ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ અને આપણે મનમાં ને મનમાં કહેવું જોઈએ: ‘આ સંસારમાં મારું કોઈ નથી. જેને હું મારા પોતાના કહું છું તેઓ બે દિવસ માટે જ છે. ભગવાન જ મારા પોતાના છે તેઓ જ મારું સર્વસ્વ છે. અરે હું એમને કેવી રીતે પામું?’ આ બધી વાતો સાધકો માટે છે. સામાન્ય મનુષ્ય આ વાતોને સાંભળીને ગભરાઈ જશે કે જેમને હું આટલા બધા પોતાના સમજું છું તેઓ મારા કંઈ નથી. આ વાતથી ગભરાઈ જવાથી શું ભગવાન પ્રત્યે આગળ વધી શકાય ખરું? સંસારમાં આપણને બધાને સાથે લઈને આનંદપૂર્વક રહીશું અને ભગવાનનું આશ્વાદન પણ કરીશું – હવે શું આ બંને વાત એકીસાથે સંભવ છે ખરી? આ તો મનનો પ્રશ્ન છે. આપણે વિચારીએ છીએ કે આ પણ કરીશું અને તે પણ કરીશું – પણ એવું થતું નથી.

સંન્યાસી હોય કે ગૃહસ્થ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, એમને માટે સર્વસ્વનો ત્યાગ કરવો પડે છે. અંતર એટલું છે કે ગૃહસ્થ કેટલાક દિવસ સાધના કરીને મનને તૈયાર કરીને સંસારમાં રહી શકે છે, એમાં કોઈ દોષ નથી. સંન્યાસી પોતાનું સમગ્ર જીવન એ જ ભાવમાં વિતાવે છે. સંન્યાસી માટે સંસારનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

શ્રીઠાકુરે અનેક સ્થળે કહ્યું છે કે ગૃહીનું શા માટે નહિ થાય? અવશ્ય થશે. ભક્તગણ ગૃહસ્થાશ્રમમાં જકડાયેલા છે. આ પ્રશ્ન વારંવાર એમના મનમાં ઊઠે છે – શું અમારું પણ થશે? શ્રીઠાકુર કેવળ આશ્વાસન દેવા માટે અવશ્ય થશે એમ કહેતા નથી. એમ કહેતા નથી કે જેમ છો એમ જ રહો અને તમારું થઈ જશે. તેઓ સાધના દ્વારા મનને તૈયાર કરવાનું કહે છે. દૂધને દૂધ ન રાખીને એનું દહીં જમાવીને, એમાંથી માખણ કાઢીને પછી તેને સંસાર રૂપી જળમાં રાખીએ તો એ એમાં મળી જશે નહિ. જળથી નિર્લિપ્ત રહીને તરતું રહેશે.

પ્રારંભથી જ આપણે વિચારીએ છીએ કે આપણે પણ રાજા જનકની જેમ રહીશું. તેઓ જ્ઞાની હતા છતાં પણ એમણે સંસારનો ત્યાગ નથી કર્યો. ઘણી સારી વાત છે. શ્રીઠાકુર કહે છે: રાજા જનકના સંપૂર્ણ જીવન પર શું તમારી નજર પડી છે ખરી? નિર્લિપ્તભાવે રહેવા માટે એમણે કઠોર તપશ્ચર્યા દ્વારા જે યોગ્યતા પ્રાપ્ત કરી હતી એ શું તમે કર્યું છે? એવું કર્યા વિના સંસારમાં રહેવા ઇચ્છો છો? આવી રીતે તો રાજા જનકની જેમ સંસારમાં રહેવાનું થતું નથી. શ્રીઠાકુર અહીં જે કહે છે તે સાધારણ મનુષ્યને પસંદ આવતું નથી. એ તો ઇચ્છે છે કે ઈહકાળ પરકાળ જેવું ચાલે છે એવું જ ચાલતું રહે અને ઉપર ઉપરથી થોડું ભગવાનનું પણ આસ્વાદન કરી લઉં, પણ આવું થતું નથી.

ભગવાનનું આસ્વાદન કરવા માટે એમનાં ચરણકમળમાં સર્વસ્વનું સમર્પણ કરવુ પડશે. પરંતુ શું આપણે બધું અર્પણ કરી શકીએ ખરા? શ્રીઠાકુર સાધના દ્વારા મનને તૈયાર કરવાનું કહે છે જેથી પ્રભુના ભાવમાં વિભોર બનીને રહી શકાય. આ ભગવત્પરાયણ મન ભલે સંસારમાં રહે કે બહાર રહે એને ભય નથી. સાચી વાત તો એ છે કે સંસાર ન તો સારો છે કે ન ખરાબ. તે આપણા ધર્મપથ માટે પ્રતિકૂળ પણ નથી અને અનુકૂળેય નથી. આપણે એની સાથે જે રીતે વર્તીએ તે રીતે તે પણ આપણી સાથે વર્તે છે. આસક્તિપરાયણ મન સાથે સંસારમાં રહેવાથી તે આપણને સાવ બદ્ધ કરી દે છે. આપણે લોકો ગાતી વખતે ‘નાથ તમે જ સર્વસ્વ અમારા’ એમ કહીએ છીએ. આ શું કેવળ ગાવા માટે જ છે? ગીતનો વાસ્તવિક મર્મ સમજીને જીવનના મુખ્ય લક્ષ્યને એ જ ભાવમાં સ્થિર કરવું પડે છે. તેઓ જ મારું સર્વસ્વ છે એવું જ્ઞાન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી એમનાં શ્રીચરણમાં આત્મસમર્પણ કરવું સંભવ નથી. ભગવાનમાં તન્મય બનીને રહી શકે એ રીતે મનને તૈયાર કરવું પડશે. જો થોડા સમય માટે પણ આવું બને તો એમાંય લાભ છે. આ ભાવમાં જો એકવાર કોઈ અભ્યાસુ બની જાય તો સંસાર એને આકર્ષી શકશે નહિ. તેઓ મોટા લોહચુંબક છે. તેમનું આકર્ષણ પ્રબળ છે. એમને નકારીને સંસાર મનુષ્યને ખેંચી ન શકે.

આ આકર્ષણનો અનુભવ કરવા માટે મનુષ્યે સારો એવો પરિશ્રમ કરવો પડે છે. કઠોર સાધના, તપસ્યા વગેરે કરવાં પડે છે. પહેલાં મનને હજારો બંધનોથી પૂરી રીતે મુક્ત કરીને ભગવાન પ્રત્યે જવું પડશે. કઠોર સંગ્રામ માટે તૈયાર થઈને એ પથે આગળ વધવું પડશે, અન્યથા એ થવાનું નથી. પરંતુ પ્રારંભમાં મનુષ્યને આ પથ પર આશ્વસ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે : ‘માગુર માછેર ઝોલ, યુવતી મેયેર કોલ, બોલ હરિ બોલ’ એનું તાત્પર્ય એ છે કે લાલચથી હોય કે પછી શ્રદ્ધાથી, પણ ઈશ્વરનામ લેશો તો બધું થઈ જશે. આ રીતે નામ લેવાનું શરૂ કરવાથી આપણે ક્યાં છીએ એ આપણને સમજાઈ જશે. આગ્રહ થાય તો જે રીતે હું નામ લઈ રહ્યો છું તે યોગ્ય છે કે નહિ એ પણ સમજાઈ જશે. વધુ આગળ વધવા માટે ત્યાગને સ્વીકારીને કઠોર સંગ્રામ કરવો પડશે. મનને શુદ્ધ કરવાથી તે ભગવાન પ્રત્યે વળી જશે. આ શુદ્ધિ કેવી રીતે આવે?

જીવનનું લક્ષ્ય

પહેલાં આચારશુદ્ધિ કરવી પડશે. બધાં આચરણ એવી રીતે કરો કે મન ભગવાન પ્રત્યે થવા માટે અનુકૂળ થઈ જાય. ત્યાર પછી એવો પ્રશ્ન થશે કે હું એમની પ્રત્યે આગળ વધી રહ્યો છું કે નહિ. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહેતા: ‘કેટલાય લોકો જપધ્યાન કર્યા પછી થોડા દિવસો બાદ આવીને કહે છે, મહારાજ મારું તો કંઈ થતું નથી.’ તેઓ એમને કહેતા: ‘સારું, હું જે કહું છું તે સતત ચાર વર્ષ સુધી કરતા રહો. એમ છતાં પણ જો કંઈ ન થાય તો આવીને મને લાફો મારજો.’ બરાબર આ જ ભાષાનો ઉપયોગ એમણે કર્યો છે. તેઓ એમ કેમ કહે છે? આપણે કોઈ કિંમત ચૂકવ્યા વિના વસ્તુ મેળવી લેવા ઇચ્છીએ છીએ એટલા માટે એમ કહે છે. કિંમત ચૂકવ્યા વિના આ સંસારમાં કોઈ સામાન્ય વસ્તુ પણ મળતી નથી તો પછી આ અમૂલ્ય ભગવદ્‌ભાવ ભલા કેવી રીતે મળી જાય? એનું મૂલ્ય ચૂકવવું પડે. કીર્તનકાર ગાય છે – ‘ગોપીઓ આવી છે નદી પાર કરવા, કૃષ્ણ કહે છે, એક લાખ કોડી ભાડું દેવું પડશે નહિ તો પાર નહિ કરું તમને. ત્યાર પછી કીર્તનકાર શબ્દ જોડે છે – લાખ લાખ લક્ષ્યને ત્યજીને એકલક્ષી બનવું પડે. એક લક્ષ્ય બનીને જ ભગવાનને કેટલા લોકો ચાહે છે? એક લક્ષી બનવું સંભવ નથી. એટલે પ્રભુનો રસાસ્વાદ મેળવવા માટે અનેક પ્રકારે પૂજા, ભજન, કીર્તન, ભક્તસંગ કરીને ક્રમશ: એ પથ પર આગળ વધે છે. શ્રીઠાકુર નિર્જનમાં ભગવાનનું ચિંતન કરવાનું કહે છે. એનું તાત્પર્ય એ છે કે સંસારના પરિવેશથી દૂર જઈને – એના સિવાય મારું કોઈ નથી – એવું ચિંતન મનન કરવાથી મનની અવસ્થા એમના પ્રત્યે જવા યોગ્ય બની જશે. પ્રારંભમાં તીવ્ર વૈરાગ્ય સંભવ નથી. પરંતુ ભયને લીધે ક્યાંક આપણે સાધનાનો આરંભ જ ન કરીએ, એટલે શાસ્ત્ર પ્રત્યેક વ્યક્તિને આરંભ કરવા માટેનો એક સુગમ માર્ગ બતાવી દે છે. અગણિત કામનાઓથી જર્જર બનેલ મનુષ્યને કહે છે – કામનાઓ છે તો ભલે રહે, ભગવાન કલ્પતરુ છે, તેઓ પૂર્ણ કરી દેશે. ત્યારે મનુષ્ય વિચારે છે કે એકવાર પ્રયત્ન કરીને જોઈ લઈએ. વળી ચાલતાં ચાલતાં ક્રમશ: (પ્રભુ પ્રત્યે) આકર્ષણ વધી જાય છે અને એની સાથે જ માયાનું બંધન પણ શિથિલ થતું જાય છે. માયાને જે અત્યંત પ્રિય લાગે છે તે બંધન પણ એમની કૃપાથી ધીમે ધીમે દૂર થઈ જાય છે. પણ એ પહેલાં જ જો આપણને લાગે કે માયાનું બંધન ન રહેવાથી વળી સંસાર કેવી રીતે કરીશું? તો વાત મુશ્કેલ બની જાય. સંસારમાં રહેવું એ દોષપૂર્ણ નથી પણ ભગવાનને ત્યજીને સંસારમાં રહેવાથી દુ:ખોનો ક્યાંય અંત જોવા મળતો નથી. આ જગત અનિત્ય છે. ભગવાન કહે છે: ‘અહીં આવીને મારું ભજન કરો.’ એમનું ભજન કરવાથી આ અનિત્ય સંસારમાં એક અવલંબન મળી જશે જે આપણી બધી આકાંક્ષાઓના વિષયોને તુચ્છ બનાવી દેશે. ભાગવતમાં કહેવાયું છે: આ આકર્ષણ અન્ય બધાં આકર્ષણોને ભૂલાવી દે છે. પરંતુ આ પ્રભુપ્રત્યેના આકર્ષણનો અનુભવ આપણને એક જ દિવસમાં નથી થવાનો, પરંતુ ધીમે ધીમે થશે, ગૃહસ્થજનોને પણ થશે. 

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગૃહસ્થાશ્રમના જ્ઞાની અને સંન્યાસાશ્રમના જ્ઞાની એ બંને વચ્ચે ભેદ શું? શ્રીઠાકુર કહે છે – કોઈ ભેદ નથી પણ સંસારમાં જ્ઞાનીને પણ ભય છે. ‘અનાજના ડૂંડાને જ્યારે શેકવામાં આવે છે ત્યારે બે-ચાર છટકીને અગ્નિની બહાર પડે છે. તે ચમેલીના ફૂલની જેમ શુભ્ર હોય છે. એમના દેહમાં ક્યાંય ડાઘ નથી રહેતો. જે ડૂંડા અગ્નિમાં રહે છે તે પણ સારા હોય છે પણ પેલા બહાર નીકળી ગયેલા જેવા હોતા નથી. એના દેહમાં ડાઘ હોય છે.’ જ્ઞાન આવી જવાથી સંસારમાં રહેવામાં કોઈ દોષ નથી. જ્ઞાન તેનાથી પ્રતિબિંબિત નથી થતું પરંતુ થોડીઘણી ડાઘની લાલિમા રહી જાય છે અર્થાત્‌ બીજાની દૃષ્ટિએ તે ખીલેલ ચમેલીના ફૂલ જેવા ઉજ્જ્વળ નથી હોતા. અલબત્ત આ તો પછીની વાત છે એટલે શ્રીઠાકુર ગૃહસ્થોને મનને તૈયાર કરવાની વાત કરે છે. આ વિશે એમણે ક્યાંય બાંધછોડ નથી કરી. જેને પ્રદર્શિત કરીને ધાર્મિક કહેવડાવી શકાય એવો એમનો ધર્મ માત્ર દેખાવનો ન હતો.

(ક્રમશ:)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.