(ઓક્ટોબર ૨૦૦૪થી આગળ)

સ્વામી બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય સ્વામી પ્રભવાનંદજીએ આ લેખકને શું કહ્યું હતું એ સાંભળો: ‘જ્યારે અમને પ્રારંભિક દીક્ષા મળી હતી ત્યારે અમે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસે પોતાની મુશ્કેલીઓની ચર્ચા કરતા. તેઓ કહેતા કે પ્રત્યેકે આ પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. હતાશ ન બનો, સંઘર્ષ ન છોડો.’ જો એકવાર તમે સંઘર્ષ છોડી દીધો તો આગળ કોઈ આશા રહેતી નથી. અસફળ હોવા છતાં પણ જો તમે સંઘર્ષ રત રહો તો તમે ફરીથી ઊભા થઈ શકો છો. ઉન્નતિ ક્યારેય સરળતાથી થતી નથી. જે વ્યક્તિ આધ્યાત્મિક પથ પર ચાલે છે તેણે એક ગંભીર સંઘર્ષનો સામનો કરવો પડે છે. એવા લોકો વિભિન્ન પ્રકારના અંતર્દ્વન્દ્વો વિરુદ્ધ ઊભા થઈ શકશે પણ તેમણે એની કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. જો આપણે સંઘર્ષ ચાલુ રાખીશું તો અંતે વિજય આપણો જ થશે. આપણને પોતાની દિવ્ય પ્રકૃતિની અનુભૂતિ થશે તેમજ આપણે પોતાની જાતને ધન્ય ગણીશું. અંતે વિજય નિશ્ચિત છે. પરંતુ માર્ગમાં અનેક બાધાઓનો સામનો કરવો પડશે. જો આવું ધ્યાનપૂર્વક કરવામાં ન આવે તો કોઈ ને કોઈ પ્રકારની મનોવૈજ્ઞાનિક ગ્રંથીઓ ઉદ્‌ભવશે. આમ હોવા છતાં પણ આ સંઘર્ષોનો દૃઢ ઇચ્છાપૂર્વક સામનો થાય તો કોઈ પણ ગ્રંથી જન્મતી નથી. સ્વેચ્છાઓનું દમન અને પુનર્દમન કરવા કરતાં આપણે એમનું દિશા પરિવર્તન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે પોતાની ઇચ્છાઓને ઈશ્વરોન્મુખી દિશા આપવી જોઈએ. ઐચ્છિક આધ્યાત્મિક અનુશાસનનો આ જ મત કે અભિપ્રાય છે. આમ કર્યા વિના જો આપણે અંદર રહેલી ભિન્ન ભિન્ન ઇચ્છાઓનું કેવળ દમન કે પુનર્દમન કરીશું તો આપણે અનેક દુષ્પરિણામોનો સામનો કરવો પડશે. એટલે જ કેટલાક લોકો કહે છે – જો તમારા મનમાં કોઈ ઇચ્છા હોય તો તેની પૂર્તિ કરજો. પરંતુ એમાં અત્યંત ભય છે. આપણે સાંસારિક જીવનના ભયંકર વમળમાં ફસાઈ શકીએ છીએ અને એમાંથી લાંબા કાળ સુધી એ આજીવન બહાર નીકળવાનું કઠિન બનશે. એક બીજા ઉપાયને અજમાવવો કે અપનાવવો શ્રેયષ્કર કે સુરક્ષિત ગણાશે. આપણે દાર્શનિક દૃષ્ટિકોણ રાખવો જોઈએ. એનો શું અભિપ્રાય કે મત છે? વેદાંત પ્રમાણે બાહ્યજગતનો અર્થ પાંચ વસ્તુઓ સાથે છે: નામ, રૂપ, અસ્તિ, ભાતિ, પ્રિય (અસ્તિત્વ, જ્ઞાન અને આનંદ), જો આપણે નિરંતર નામ અને રૂપને કાઢી નાખી શકીએ તો આપણે સર્વવ્યાપી બ્રહ્મનું દર્શન કરી શકીએ છીએ. એ બ્રહ્મ અસ્તિ, ભાતિ, પ્રિય અર્થાત્‌ અસ્તિત્વ, જ્ઞાન અને પરમાનંદ સ્વરૂપ છે. આ કક્ષમાં આપણે અનેક છીએ. મૂળત: અને આંતરિક રૂપે આપણે બધા દિવ્ય છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘પ્રત્યેક જીવ અવ્યક્ત બ્રહ્મ છે. પોતાના આ બ્રહ્મભાવને વ્યક્ત કરવો એ જ જીવનનું પરમલક્ષ્ય છે.’ આપણે બધા એક તત્ત્વના બન્યા છીએ, પૂર્ણત: એ જ તત્ત્વની ‘શુદ્ધ ચેતના’ છીએ. આપણી વચ્ચેનો ભેદ કેવળ નામ અને રૂપનો છે. આ એ જ સત્ય છે કે જેની ઉપલબ્ધિ આપણા પ્રાચીન ઋષિઓએ સર્વાતિરેક રહસ્યમય અનુભૂતિમાં કરી હતી. આ સંસારમાં કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુ પાંચ તત્ત્વોથી બની છે. તેનું અસ્તિત્વ છે (અસ્તિ). પછી એ પ્રતીત થાય છે, (ભાતી). તે સુંદર છે, (પ્રિય) અને તેનાં નામ અને આકાર (રૂપ) છે. હવે જો આપણે નામ અને રૂપને ત્યજી દઈએ તો આપણે બધા એ તત્ત્વના બનેલા છીએ. એટલે આ વાતનો આપણે નિત્ય અભ્યાસ કરવાનો છે. કોઈ ભક્ત ધ્યાન કરે છે અને ત્યાર પછી પોતાની ધ્યાનાવસ્થામાંથી બહાર આવે છે ત્યારે તેણે સંસારમાં સેંકડો લોકોને મળવાનું હોય છે. આ સંસારમાં અનેક પ્રકારનાં આકર્ષણ અને પ્રલોભન છે. દૈવીકૃપાને લીધે જો વિચારશુદ્ધ રખાય તો વ્યક્તિ પોતાની વાસ્તવિક પ્રકૃતિ સાથે નામ અને રૂપનો ત્યાગ કરીને ઐક્ય સ્થાપી શકે છે. એટલે જો આપણે આપણાં નામ રૂપને બાહ્ય સપાટીની જેમ ત્યજી દઈએ તો આપણે સચ્ચિદાનંદને પ્રાપ્ત કરી શકીએ છીએ. જો આપણો આવો દૃષ્ટિકોણ હશે તો આપણને સંપૂર્ણ બ્રહ્માંડ સર્વવ્યાપી બ્રહ્મથી વ્યાપ્ત બનેલ લાગશે. તો આપણે સુરક્ષિત છીએ. એનાથી આપણા અંત:કરણને સાચી દિશા મળશે. આપણે પોતાનાં અનેક ખામીઓ અને પતનમાંથી બચી શકીશું તથા આપણે સંસારમાં ક્યારેય ભ્રમિત નહિ થઈએ કેવળ અનંતમાં જ વાસ્તવિક આનંદ છે.

એકવાર જો આપણે એ જ પરમસત્ય અહીં તહીં અને સર્વત્ર છે એવો વિશ્વાસ ઊભો કરી શકીએ તો એની સર્વવ્યાપકતાને લીધે જ્યારે પણ કોઈ ભૂલ આપણે કરીએ તો આપણને નિશ્ચિતપણે યાદ રહેશે કે આપણે સંસારને દગો દઈ શકીએ પણ આપણા મૂળ સ્વરૂપ એવા સર્વજ્ઞ ઈશ્વરને છેહ ન દઈ શકીએ. એનો એક વધુ લાભ છે. ઈશ્વર સદૈવ આપણી અંદર છે, બહાર છે, સર્વત્ર છે. જો આ સત્ય હોય તો હું ગમે તેટલી ભૂલો કરું અથવા મારી ભીતર સેંકડો ખરાબ ઇચ્છાઓ કેમ ન રહેતી હોય અને મને અધોગતિમાં ખેંચી જતી હોય તો પણ હું અંતર્નિહિત ઈશ્વરને પ્રાર્થના કરીને મારા મનનો ભાર હળવો કરી શકું: ‘હે ઈશ્વર! હું સાંસારિક વિષયવાસનાઓ પાછળ દોડ્યા વિના રહી શકતો નથી. એવી તમે મારી રચના કરી છે. મારી અંદર એવા ભયંકર સંસ્કાર છે કે જેથી મારા માટે કોઈ આશા નથી એવું મને લાગે છે. પરંતુ મારી ભીતર ઈશ્વર હોવાને લીધે તેમને મારાં બધાં ખામીઓ, કુસંસ્કાર તેમજ અસફળતાઓનું જ્ઞાન છે. જ્યાં સુધી આપ મને આ ખામીઓ, કુસંસ્કાર, અસફળતાઓ અને દુર્બળતા પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ નહિ આપો ત્યાં સુધી મને કોઈ આશા દેખાતી નથી.’ એટલે જો આપણને સર્વવ્યાપી બ્રહ્મના માર્ગદર્શન પર શ્રદ્ધા હોય તો આપણે સુરક્ષિત છીએ. આપણે કોઈ ભૂલ કરી રહ્યા છીએ તો પણ એ સમયે આપણા મનમાં આવો વિચાર આવવો જોઈએ: ‘ઠીક છે, હું સંસારને દગો દઈ શકું છું પરંતુ ઈશ્વરને નહિ. હું અસહાય છું, હે દેવ! હું અનેક સાંસારિક વસ્તુઓની પાછળ દોડી રહ્યો છું. હું વળી પાછો એ જ ભૂલો કરવાનો છું. એટલે આપ મારી રક્ષા કરો. હું કયા તત્ત્વોનો બનેલો છું એ વાત કેવળ આપ જ જાણો છો.’ ત્યારે ઈશ્વર ચોક્કસ તમારી સહાય કરવા આવશે.

આ ઉપરાંત આપણા મનમાં ભિન્ન ભિન્ન પ્રકારના કુવિચાર આવે છે જાણે કે એ વિચારો ચેતનસપાટી સુધી ઊભરી આવે છે. જો આવું બને તો આપણે નિરાશ થવું ન જોઈએ. એનાથી એવો સંકેત મળે છે કે આપણે આપણા પવિત્રીકરણના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. તેનાથી એવું જ્ઞાન થાય છે કે સંભવત: આપણા મનને અર્ધચેતન સપાટીમાં અનેક ઉપેક્ષિત ખૂણા છે. જો આપણે વાસ્તવિકતા સાથે કૃત્રિમ સંબંધ રાખીશું તો સાચું રૂપાંતર સંભવ નથી. આપણે પોતાના અંતરતમ ગૂઢ તત્ત્વ સુધી પહોંચવું પડશે. આપણે પોતાના ધ્યાનને સ્વયંની ગહનતા સુધી લઈ જવાનું છે. જેમ ધ્યાન કરતી વખતે આપણા મનમાં એક નાનું જ્યોતિકિરણ પ્રવેશે છે તેમ તે અનેક કુવિચારોના રૂપે વિદ્યમાન બધી ગંદકીને મનની પૃષ્ઠભૂમિના થોડા સમય માટે કોઈ ખૂણામાં ધકેલી દે છે. જ્યારે આપણે ધ્યાનાવસ્થામાંથી બહાર આવીએ છીએ ત્યારે એ જ કુવિચાર પાછો મનની સપાટી પર ઊભરી આવે છે એટલે આપણે પોતાના મનના ખૂણેખૂણામાં આ ગંદકીને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

ક્યારેક ક્યારેક આપણે પોતાના મન પર પ્રભુત્વ સ્થાપવા તથા ઇન્દ્રિયો પર સંયમ રાખવા માટે પ્રયાસ કરીએ છીએ. આ બાબતમાં આંતરિક રૂપાંતરનો ભ્રમ ન થવો જોઈએ. ભગવદ્‌ ગીતા પ્રમાણે જો મન કેવળ બાહ્ય સંયમમાં રહ્યું તો આંતરિક રૂપાંતર પૂર્ણ થઈ શકતું નથી, એટલે આંતરિક સંયમની આવશ્યકતા છે. ભગવદ્‌ ગીતા (૨.૫૯)નો હું અહીં સંદર્ભ આપું છું.

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન: ।
રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્‌વા નિવર્તતે ॥

નિરાહારી અર્થાત્‌ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ ન કરનાર પુરુષના વિષય તો નિવૃત્ત થઈ જાય છે પણ રસ સિવાય અર્થાત્‌ વિષયોમાં રસબુદ્ધિ કે તૃષ્ણા નિવૃત્ત થતી નથી. પરંતુ આ – સ્થિતપ્રજ્ઞ પુરુષની રસતૃષ્ણા પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે.

હવે ભગવદ્‌ ગીતાના આ શ્લોકમાં શ્રીકૃષ્ણ બાહ્ય સંયમ અને આંતરિક સંયમનો ભેદ સ્પષ્ટ કરે છે. આપણામાંથી કેટલાક ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી શકે છે પણ એમ હોવા છતાં પણ આપણા મનમાં એ વિષયોને પ્રાપ્ત કરવા માટેની લાલસા રહી જાય છે. આપણે બાહ્ય રૂપે તો એને ત્યજી દઈએ છીએ પરંતુ આંતરિક રૂપે એમની કામના પણ કરીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે આંતરિક સંયમ નહિ પણ કેવળ બાહ્ય સંયમ પ્રાપ્ત કર્યો છે. જો આ બાહ્ય સંયમ દ્વારા પરમ લક્ષ્ય સુધી પહોંચવા ઇચ્છીએ તો એ ભયંકર ભૂલ છે. જ્યાં સુધી આપણે આંતરિક સંયમ પ્રાપ્ત નથી કરી લેતા ત્યાં સુધી ઇન્દ્રિયોના વિષયમાં થોડા સમય માટે થોડી ઘટ આવે છે પરંતુ એમનો સ્વાદ ચાખવાની લાલસા બની રહે છે. આમ હોવા છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્ત કરીને નામ અને રૂપના સંસારથી પર મૂળ આધારમાં પોતાને સ્થાપિત કરી લે તો તેના મનમાંથી વિષયોની લાલસા સદાને માટે લુપ્ત થઈ જાય છે. જ્યારે પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તૃષ્ણા, વિષયવાસના અર્થાત્‌ ઇન્દ્રિય વિષયોની આસક્તિનો અંત આવી જાય છે. જ્યારે આપણે બાહ્ય તેમજ આંતરિક સંયમની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે ભગવદ્‌ગીતાના આ શ્લોકને યાદ રાખવો પડે.

આની પછીના શ્લોક (૨.૬૦)માં પણ બંને પ્રકારના એટલે કે બાહ્ય અને આંતરિક સંયમનો અભ્યાસ કરવા ઇચ્છતા સાવધાન, સતર્ક એવં વિદ્વાનો સહિત વ્યક્તિઓ માટે પણ એક ચેતવણી છે. ઇન્દ્રિયો એટલી ઉગ્ર અને ઉપદ્રવી છે કે આપણને ભૂલ ભુલામણીમાં નાખી દે છે અને એક પ્રયત્નશીલના આધ્યાત્મિક પતનનું કારણ બને છે.

યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિત: ।
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મન: ॥

હે કૌન્તેય! આ પ્રમથનશીલ ઇન્દ્રિયો પ્રયત્નશીલ અને વિવેકી પુરુષના મનને પણ બળપૂર્વક હરી લે છે અર્થાત્‌ વિષયાસક્ત કરી મૂકી છે.

આપણે કેવળ ઇન્દ્રિયો પર જ સંયમ રાખવાનો નથી પરંતુ આપણે દૃઢ બનીને પૂર્ણ જીવન પણ જીવવાનું છે. આપણે પૂર્ણત: પોતાના મૂળ સ્વયં પ્રત્યે સમર્પિતભાવે રહેવું જોઈએ અને જે એ સ્વયં સાથે સંબંધિત નથી તેનો વિષની માફક ત્યાગ કરી દેવો જોઈએ. અહીં એક ચેતવણી આપવામાં આવી છે. ઇન્દ્રિયો એટલી પ્રબળ છે કે તે હંમેશાં આપણા પર સવાર થઈને આપણને નષ્ટ કરી દે છે. વિદ્વાન વ્યક્તિ પણ આધ્યાત્મિક પથ પરથી ભ્રષ્ટ થાય છે એટલે આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ.

વળી બાહ્ય અને આંતરિક ત્યાગમાં આવો ભેદ છે – બાહ્ય ત્યાગના સમયે માનવ સંસારનો ત્યાગ કરીને કોઈ ગુફા કે જંગલમાં જાય છે. પરંતુ જ્યાં સુધી મનથી સંસારનો ત્યાગ નથી કરતો ત્યાં સુધી તે ગમે ત્યાં જાય પણ એના મનમાં સાંસારિક વિષયો પ્રત્યે આસક્તિ અને તૃષ્ણા રહે જ છે. ઇન્દ્રિયોને આકર્ષનારા વિષયો મનને છળે છે અને છેહ દે છે. એટલે જ્યાં સુધી મનથી તેનો ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી બાહ્ય ત્યાગથી કોઈ પરિણામ મળતું નથી. આપણે જીવનમાં જ્યાં ક્યાંય રહીએ અને આપણે બાહ્ય તેમજ મનથી કરેલા ત્યાગના આદર્શનું પાલન કરવા ઇચ્છીએ તો આપણે પોતાના આદર્શને નિરંતર ધ્યાનમાં રાખીને ખૂબ સતર્ક રહેવું પડશે. પોતાના આદર્શ પર આપણી દૃઢ પકડ હોવી જોઈએ. આપણે પોતાના પરમલક્ષ્યની પ્રાપ્તિનું દૃઢતાથી પાલન કરવાનું છે. અન્યથા આપણને કોઈ બચાવી શકશે નહિ. આ સંદર્ભમાં એક વાર્તાલાપનો ઉલ્લેખ કરવો પ્રાસંગિક ગણાશે. આ વાર્તાલાપ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ અને એક ગૃહસ્થ શિષ્યની વચ્ચે થયો હતો. શ્રીરામકૃષ્ણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તે આવો છે : ‘શ્રીમાન્‌, શું આપણે સંપૂર્ણ ત્યાગ વિના ઈશ્વરપ્રાપ્તિ ન કરી શકીએ?’ દયા અને કરુણાના પ્રતિમૂર્તિ શ્રીરામકૃષ્ણે એ ગૃહસ્થ શિષ્યને શાંત્વના દેતાં કહ્યું (જો કે એમણે એક વિશેષ ગૃહસ્થ શિષ્યને કહ્યું હતું કે એમણે જે કંઈ કહ્યું તે આપણા સૌને માટે પણ છે) : ‘નિ:સંદેહ તમે કરી શકો છો. તમારે સર્વસ્વનો ત્યાગ કરવાની શી જરૂર છે? કારણ કે તમે મધ્યમાર્ગ પર ચાલી રહ્યા છો એટલે તમે બરાબર છો. હું તમને સત્ય બતાવું છું. તમારું સંસારમાં રહીને જીવવું એ કોઈ ખોટું કાર્ય નથી. પરંતુ તમારે પોતાના મનને ઈશ્વરપ્રત્યે નિર્દેશિત જરૂર કરી રાખવું જોઈએ અન્યથા તમે સફળ નહિ થઈ શકો. એક હાથે પોતાનું કર્તવ્યપાલન કરો અને બીજા હાથે ઈશ્વરને જરૂર પકડી રાખો. પોતાના કર્તવ્યોનું પાલન કર્યા પછી ઈશ્વરને બંને હાથે અવશ્ય પકડી રાખો.’

‘અવશ્ય’ શબ્દ પર અપાયેલા ભાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આપણે આપણા મનને ઈશ્વરની તરફ અવશ્ય વાળવું પડશે અન્યથા આપણને સફળતા નહિ મળે. ‘મનનું બંધન છે અને મનની જ મુક્તિ.’ વ્યક્તિ જ્યારે નિરંતર આવું વિચારે: ‘હું એક મુક્ત આત્મા છું, ભલે હું સંસારમાં રહું કે વનમાં મને બંધનમાં કેવી રીતે બાંધી શકાય? હું એ રાજાધિરાજ ઈશ્વરનું સંતાન છું. તો પછી મને કોણ બંધનમાં નાખી શકે.’ અને ચિત્તની સ્થિરતા અને દૃઢનિશ્ચયથી આવું કહેતા રહો: ‘હું બદ્ધ નથી પણ મુક્ત છું’ ત્યારે વ્યક્તિ વાસ્તવમાં એવો બને છે અને વાસ્તવિક રીતે તે મુક્ત થઈ જાય છે.

(ક્રમશ:)

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.