(ગતાંકથી આગળ)

પ્રયાગનો પ્રકાશપૂંજ

બુદ્ધના પુત્ર પુરુરાવાસે આ શહેર પર રાજ્ય કર્યું છે. આ નગર ઈંદ્રની રાજધાની અમરાવતી સાથે સ્પર્ધા કરે તેવું હતું. રાજા ફુરસદના સમયે પોતાના મહેલની સૌથી ઊંચી છત પર બેસતા અને રાજાનો યશ તેમજ લાવણ્યમય ચંદ્રના કિરણો સમગ્ર શહેરને પ્રકાશમય કરી દેતાં. જે બાગમાં રાજા ક્રિડા કરતા તેમાં ચકોર પક્ષીઓની ભીડ જામતી. સાતેય સ્વર્ગ પણ આ નગરની ભવ્યતાનો સામનો ન કરી શકતા. ઉર્વશીને પોતાનું સ્વર્ગનું ઘર છોડવું પડ્યું હતું પણ અહીં આવી અને પુરુરાવાસની પૂજા કરવા લાગી. સ્વર્ગીય આનંદના વિષયમાં જેણે આ શહેરને આનંદમય કરી મૂક્યું હશે એનો જરા વિચાર તો કરો. વળી જ્યારે ઉવર્શી પુરુરાવાસને એકલો અટૂલો છોડીને પાછી સ્વર્ગમાં ચાલી ગઈ ત્યારે આ શહેરના અનુતાપનો જરા વિચાર તો કરી જુઓ. મારા વિચારે દેવતાઓને પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંનેમાં આ શહેરની ઉત્કૃષ્ટતા દેખાડવાના ઉદ્દેશથી જાણીબૂઝીને દેવતાઓનાં ઘૃણાદ્વેષનું પાત્ર પુરુરાવાસ બન્યા હતા. વસ્તુત: રાજા પુરુરાવાસે પોતાના સમૃદ્ધ અને સક્રિય કર્મઠ જીવન દ્વારા આ નગરને સ્વર્ગ બનાવી દીધું હતું.

પુન: આ સ્થળે પોતાના અસંખ્ય શિષ્યોથી ઘેરાયેલા ઋષિ ભારદ્વાજ રહેતા હતા. તેઓ બ્રહ્મચર્યની શક્તિથી તેજોજ્જ્વલ બન્યા હતા. એ ઋષિએ દિવ્યશક્તિનું ચિંતન કરીને નવાં આધ્યાત્મિક સત્યોની શોધ કરી હતી. રાજકીય પ્રાસાદ ત્યજી દીધા પછી રામે જાનકી સહિત આ સ્થાને એક પવિત્ર રાત વીતાવી હતી. એમણે આ સ્થળના જંગલનાં કંદમૂળ અને ફળ ખાઈને પોતાની ક્ષુધાતૃપ્તિ કરી હતી. ગંગા અને યમુના અહીં મળે છે એ આ સ્થળની પવિત્રતાનો સ્વીકાર કરવા માટેનું પર્યાપ્ત તથ્ય છે; તો પછી શ્રુતિઓ, સ્મૃતિઓ અને પુરાણોમાંથી ઉદાહરણ દઈને એની પવિત્રતાની પુષ્ટિ કરવાની કઈ આવશ્યકતા છે? આ સ્થાનનાં સૌંદર્ય, શાંતિ અને સ્વચ્છતાની કલ્પના તો કરો! જે હજારો ચિંતનશીલ વ્યક્તિઓએ આત્માની શોધનામાં અહીં અત્યંત અધિક પ્રમાણમાં પ્રસન્નતા પ્રાપ્ત કરી હશે એમના આહ્‌લાદનું વર્ણન કરવું એ મારી શક્તિની બહારની વાત છે. અયોધ્યાના નિવાસીઓ સાથે ભરત રામને મળવા આ જ જગ્યાએ આવ્યા હતા. મુનિ ભારદ્વાજે યજમાનની ભૂમિકા નિભાવી અને ભરત તેમજ અયોધ્યાના નિવાસીઓ માટે આંખના એક પલકારામાં જ અહીં મહેલોની બધી સુખસગવડો ઊભી કરી દીધી. આ અવસરે બધાને પ્રયાગના ગૌરવનો ખ્યાલ આવ્યો.

ચીનીઓ દ્વારા પ્રશંસા

અહીં આ પ્રયાગમાં જ કાન્યકુબ્જના રાજા શિલાદિત્ય હર્ષવર્ધને એક મહાયજ્ઞ કર્યો. એ મહાયજ્ઞ પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો. અહીં હર્ષવર્ધને એ મહાયજ્ઞની પૂર્ણાહૂતિ કરી તેની પૂર્વ સંધ્યાએ પોતાના સમગ્ર ધનદોલતને પોતાના પ્રજાજનોમાં વહેંચી દીધી. આ સમયે લોકોને એકવાર ફરીથી પ્રયાગરાજના મહાન ગૌરવનો પરિચય થયો. બુદ્ધકાળમાં પણ પ્રયાગનું ગૌરવ ઓછું ન થયું. હર્ષવર્ધને પોતાના સૌથી મોટા યજ્ઞ માટે પ્રયાગની જ પસંદગી કરી. એ સમયે બધા મહાયજ્ઞ પ્રયાગમાં જ થયા. શિલાદિત્ય હર્ષવર્ધને ચીનના યાત્રી હ્યુ આન સાંગને વિશેષ આમંત્રણ આપ્યું હતું અને એણે આ મહાયજ્ઞમાં ઘટેલી ઘટનાઓનું યથાર્થરૂપે પૂર્ણ નિષ્ઠાથી વર્ણન કર્યું છે. એના અભિલેખો પરથી આપણને એ કાળનાં ગૌરવપૂર્ણ ત્યાગ અને દાન વિશે ખ્યાલ આવે છે. એ અભિલેખ આ રાજાએ પ્રચૂર માત્રામાં ધનસંપત્તિ મેળવી હતી અને એનું વિતરણ પણ પ્રજાજનોમાં કરી નાખ્યું હતું એના તરફ ઈશારો કરે છે. સંપત્તિનું આટલું મહાદાન કેવળ પ્રયાગમાં જ સંભવ છે. હ્યુ આન સાંગે લખ્યું છે કે માત્ર યુદ્ધનાં અસ્ત્રશસ્ત્ર જ રાજા પાસે રહી ગયા અને એની બાકી બીજી બધી સંપત્તિ એમણે સમગ્ર પ્રજાજનોમાં ખૂલે હાથે દાનમાં દઈ દીધી. અરે! પોતાના શાહી આભૂષણ અને પોશાક પણ દાનમાં દઈ દીધાં! આ રીતે કાન્યકૂબ્જના રાજા હર્ષવર્ધને છ કે સાત અવસરે પોતાને દરિદ્ર બનાવી દીધા. હર્ષવર્ધન તારા યશનો જય હજો! તારા મહિમાનો જય હજો! તમારો જન્મ જરૂરતવાળા નિર્ધન લોકોની જીવનસુધારણા માટે અને એમની સહાયતા માટે થયો હતો. તમે જ આ મહાન ભૂમિ માટે મહાદાનના આદર્શની સ્થાપના કરી શકો. આજે આ ભૂમિએ આ ગૌરવને ગુમાવી દીધું છે.

ચીની યાત્રી હ્યુ આન સાંગને કારણે પહેલાં ક્યારેય ન થયેલા એવા વ્યક્તિગત ત્યાગની એ ગૌરવમય પળોનો અભિલેખ આપણને મળ્યો છે. જે આ રાષ્ટ્રની પ્રતિષ્ઠા પર કલંક લગાડવા માટે દૃઢસંકલ્પ છે એવા જ લોકો આ ગૌરવમય અતીતને ખોટો ગણવાનું દુ:સાહસ કરી શકે છે. આ સ્થાનની મહાનતાને કોણ માપી શકે! આ એક એવું સ્થાન છે કે જેને મહાન હિંદુ અને બૌદ્ધ રાજાઓનાં અસંખ્ય બલિદાનત્યાગે પવિત્ર બનાવ્યું છે. દાનની આટલી મહત્તા છે. એટલે જ દેશના ખૂણેખૂણેથી લોકો આટલે દૂર સુધી આવે છે, ખૂલે હાથે દાન અને પોતાની ભેટ લોકોને આપે છે. આ સ્થળ બે નદીઓનું સામાન્ય સંગમસ્થાન નથી. એ તો છે બે મહાન શક્તિઓનું મિલન. એણે આ સ્થાનને વધુ ગૌરવમય બનાવી દીધું છે. 

વેદાંતની બીજભૂમિ

ચાલો હવે જેના દ્વારા આ સ્થાનની ગરિમા વધી છે એવી કેટલીક અન્ય ઐતિહાસિક ઘટનાઓ પર નજર નાખીએ. ભારતમાં દીર્ઘકાળ સુધી બૌદ્ધમતની બોલબાલા રહી હતી. પરંતુ એના અવનતિકાળમાં કુમારિલ ભટ્ટનો ક્ષિતિજ પર ઉદય થયો અને એમણે અહીં – આ સ્થાન પર પોતાના જીવનના ઉદ્દેશ્યને પૂર્ણ કર્યો. પોતાના જીવનના અંતિમ ચરણમાં તેઓ પ્રયાગ આવ્યા અને મહાન શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ઘાસનાં તણખલાંના ઢગલામાં ભસ્મ કરીને પોતાના શરીરનો અંત લાવવાનો નિર્ણય કર્યો. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તેઓ અહીં કેમ આવ્યા? શું એમના દેહત્યાગ માટે બીજું કોઈ સ્થાન ન હતું? નિ:સંદેહ ગંગાયમુનાના આ પવિત્ર સંગમે એમને આકર્ષ્યા હતા. કુમારિલ ભટ્ટ અનુષ્ઠાનમાર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા અને શંકરાચાર્ય જ્ઞાનમાર્ગનું. કર્મકાંડનો અંત અને જ્ઞાનકાંડનો પ્રારંભ આ બંને ઘટનાઓ અહીં પ્રયાગમાં જ ઘટી. અહીં જ આ સ્થાનેથી કુમારિલ ભટ્ટે આચાર્ય શંકરને પોતાની સમગ્ર ભારતની વિજય યાત્રા માટે પ્રસ્થાન કરવા કહ્યું. કુમારિલ ભટ્ટ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને કારણે જ શંકરાચાર્યે યાત્રા પ્રારંભ કરી અને એમના પટ્ટશિષ્ય મંડનમિશ્ર સમક્ષ આવીને ઊભા રહ્યા હતા. વૈદિક જ્ઞાન અને વિધિવિધાનોનું કાયાકલ્પ કરનારા (એમને પુનર્જીવન આપનારા) કુમારિલ ભટ્ટે પોતાના દેહનો ત્યાગ કરી દીધો અને આચાર્ય શંકરના આત્મામાં લીન થઈ ગયા. એ રીતે એમના પટ્ટશિષ્ય મંડન મિશ્રે પોતાનાં વિધિવિધાનો અને તર્કને અગ્નિમાં હોમી દીધાં. આચાર્યના રૂપે અદ્વૈતવેદાંતનો ગૌરવમય સૂર્ય ભારતના ક્ષિતિજ પર ઉદિત થયો. આ જ્ઞાનના સૂર્યે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી દીધો. આચાર્ય શંકરના આગમન પછી બાકીના બીજા બધા મત અને એમનાં દર્શન ક્યાંય ટકી ન શક્યાં. એટલે ભારતના આકાશમાં વેદાંતનો સૂર્ય આ સ્થાને ઉદિત થયો. કુમારિલ ભટ્ટની સાથે જ કર્મકાંડ કે વૈદિક વિધિ-અનુષ્ઠાનના કાલનો અંત થયો અને પ્રયાગમાં જ્ઞાનના કાલનો પ્રારંભ થયો. ભારતમાં વેદાંત દર્શનના પુનર્વિકાસ સાથે પવિત્ર પ્રયાગરાજનો આ જ સંબંધ છે. યમુના પ્રવૃત્તિ કે પ્રેરકશક્તિની દ્યોતક છે અને ગંગા બધી ઇચ્છાઓ અને બધી ક્રિયાઓનો નિરોધ એટલે નિવૃત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રવૃત્તિના રૂપે યમુના અહીં નિવૃત્તિ રૂપી ગંગાને મળે છે. ઔપચારિક અનુષ્ઠાનો પર આધારિત ધર્મ અહીં શાશ્વત જ્ઞાન અને સત્ય પર આધારિત ધર્મમાં ભળી જાય છે. જ્યારે આપણે આ સ્થાનના ગૌરવ વિશે ચિંતન કરીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે વેદાંતનાં બીજ અહીંથી પ્રસ્ફૂટિત થઈને વિશાળકાય વટવૃક્ષમાં વિકસિત થઈ ગયાં છે. પોતાની શાંત શીતળ છાયાતળે એણે હિન્દુત્વને આશ્રય આપ્યો છે. પ્રયાગ જ વેદાંતનું મૂળ સ્થાન છે એ એક ઐતિહાસિક સત્ય છે. આ સ્થળેથી વેદાંતનો સિંહ સર્વપ્રથમ ગર્જીને વિશ્વવિજય માટે નીકળી પડ્યો.

આત્માની ખોજ માટે દેહત્યાગ

આ પાવન નગરીમાં કુમારિલ ભટ્ટે આત્મપરિતૃપ્તિની ભાવના સાથે પોતાના દેહનો ત્યાગ કર્યો. અન્ય લોકોએ પણ અહીં આ માર્ગ અપનાવ્યો હતો. પ્રત્યેક હિંદુ આ પવિત્ર શહેરમાં દેહત્યાગની ઇચ્છા રાખે છે. એ હિંદુમન કેટલું શુદ્ધ અને પરિમાર્જિત છે એના તરફ એ ઇશારો કરે છે. પોતાના જીવન ત્યાગની પરંપરા ઘણી પ્રાચીન છે અને એનો સમાજમાં સ્વીકાર થયો હતો એ વાતનું વર્ણન ધાર્મિક પુરાણોમાં પણ છે. અનેક કાળથી અહીં કેવળ પોતાનો પ્રાણ ત્યાગ કરવા આવેલા લોકોના હાડકાંના ઢગલા હ્યુ એન સાંગે જોયા હતા. મને ખ્યાલ છે કે એ પશ્ચિમી વ્યક્તિઓ દ્વારા આત્મઘાતની આ પરંપરા જંગલી અને અસભ્ય રીતિ તરીકે જાહેર કરાશે. પણ એ લોકો હિંદુત્વના આત્માને જાણવાની ઇચ્છા ધરાવતા નથી. ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે: ‘જે અહીં સ્નાન કરે છે તેમને સ્વર્ગ મળે છે; જેમનું મૃત્યુ થાય છે એમણે પુન:જન્મ લેવો પડતો નથી.’ પ્રાચીન હિંદુ પોતાના નશ્વર દેહનો ત્યાગ પાવનકારી પ્રયાગ ક્ષેત્રમાં કરવામાં ક્યારેય અચકાયો કે ખચકાયો નથી એ એના પરથી જોવા મળે છે.

આર્યોના ધર્મગ્રંથોએ આત્મહત્યાની સદૈવ નિંદા કરી છે. પરંતુ એ જ ગ્રંથો પ્રયાગના પાવનસંગમસ્થાને દેહત્યાગ કરવાનું સમર્થન કરે છે. આ વિરોધાભાસી દેખાતા વિચારોને તેના સુયોગ્ય સંદર્ભમાં સમજવાની આવશ્યકતા છે. અનેક વ્યક્તિ એવી છે કે જે આ પરસ્પર વિરોધી વિચારોના મિલનની ગહનતાને ઓળખવા નથી માગતી. -(એનાં અંતર્નિહિત તત્ત્વોને, વિચારોને સમજવા નથી માગતી.) જે લોકોએ થોડી ઘણી અંગ્રેજી ભાષા શીખી લીધી છે તેઓ એમ સમજે છે કે બ્રિટિશ લોકોએ આટલા સમયથી આ ચાલી આવતી પરંપરાને રોકીને ભારતીય લોકો પર ઘણો મોટો ઉપકાર કર્યો છે. પરંતુ આ અંગ્રેજી ભણેલા ભારતીય લોકો પોતાની પ્રાચીન સંસ્કૃતિના અમર વારસાને ઓળખતા કે સમજતા નથી. વાસ્તવમાં સ્વયંનો નાશ કરનારા છે. જીવનમરણ, નૈતિક અનૈતિક સંબંધે પ્રાચીન ઋષિમુનિઓનું જ્ઞાન કેટલું ગહન હતું એનું એમને ભાન પણ નથી. એમણે વિશ્વને પહેલી સમજ આપી હતી. શું તેઓ ક્યારેય આત્મહત્યા કરવામાં સંમતિ આપે ખરા? પ્રયાગમાં જે થાય છે તે આત્મહત્યા નથી, એ છે ઉચ્ચતમ બલિદાન. આ બલિદાન મનુષ્ય ઇહલોકમાં આપી શકે છે. જેઓ જીવનની ઉત્કૃષ્ટ વાસ્તવિકતાઓને સમજવામાં અસમર્થ છે એવા લોકો આ ક્રિયાને આત્મહત્યા એવું નામ આપી શકે છે. હિંદુત્વની પૂર્ણતા સમજવાની ક્ષમતા જેમનામાં નથી, કેવળ એ લોકો હિંદુઓના આ ધાર્મિક આદેશોને ખોટા સમજે છે. 

ભારતીય સંસ્કૃતિની શાશ્વતતા

એવા અનેક મહાન યોદ્ધા-રાજા થયા છે જેમણે કાં તો અન્ય રાજાઓની સીમાને હડપવા માટે, પોતાની ગાદીને બચાવવા માટે અસંખ્ય નિર્દોષ વ્યક્તિઓનાં લોહી વહાવ્યાં હોય. એમાંથી કોઈએ પોતે પોતાના જીવનનું બલિદાન આપીને માનવસંસ્કૃતિને પોષી નથી. બીજી બાજુએ શાંતિપ્રિય હિંદુઓએ ધર્મને ખાતર પોતાના સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે, અરે, પોતાના અમૂલ્ય જીવનને પણ અર્પી દીધું છે. આ બલિદાન વ્યર્થ નથી ગયું. એણે હરકાળે ભારતીય સંસ્કૃતિને અક્ષત રાખવા અત્યધિક શક્તિનું સર્જન કર્યું છે. આજનો સભ્ય સમાજ આ જાણે છે. આજે આપણે નિર્બળ, નિર્ધન અને વિદેશી સામ્રાજ્યને અધીન છીએ પરંતુ આપણે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે અમે મહાન શાશ્વત સંસ્કૃતિ વારસામાં મેળવી છે. એ અમર-સંસ્કૃતિને આપણા પ્રાચીન અનુભવશીલ જ્ઞાની આત્માઓએ આટલી સરસ રીતે વિકસિત કરી હતી. વિશ્વમાં કોઈ બીજું રાષ્ટ્ર આટલી સમૃદ્ધ વિરાસતનો દાવો કરી શકતું નથી. જે રાષ્ટ્રોએ કોઈ એક કાળે વિશાળ સૈનિક શક્તિ, યુદ્ધની કળામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી એ આજે અસ્તિત્વમાં નથી. જ્યારે આપણે આજે પણ શતાબ્દિઓ પુરાણી પરાધીનતામાં હોવા છતાં પણ આ આધ્યાત્મિક જ્ઞાનના દીપકને જલતો રાખીએ છીએ. એ જ્ઞાન આપણને આપણા પ્રાચીન ઋષિઓએ આપ્યું હતું. આપણો સમાજ આજે પણ એકીકૃત અને અક્ષત છે. અત્યાર સુધી કોઈ એને તોડી શક્યું નથી.

માનવીય કુંડળીમાંથી મુક્તિ મેળવવી

એકવાર ગંગોત્રી જતી વખતે મેં એક સાધુને જોયા. તેઓ પરમ પવિત્ર ભાગીરથીને જોઈને એટલા બધા પ્રભાવિત થયા કે એમણે પોતાના સાંસારિક-દૈહિક અસ્તિત્વને નીચે તેજ ધારાએ વહેતી ભાગીરથીમાં માથાભરાણે છલાંગ મારીને સમાપ્ત કરી દીધું. આ ભાવનાઓનો એ પળે એ સાધુએ કેવો અનુભવ કર્યો હશે એનું વર્ણન કોઈ વ્યક્તિ કરી શકે ખરો? એ સાધુ સ્વર્ગમાં ગયા કે બીજે ક્યાંય, એનો નિર્ણય કોણ કરી શકે? છતાં પણ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે સાધુના એ નિડર અંતરમાં મોત પોતે મરી ગયું! હિંદુ આવા બલિદાનને દુ:ખદ મૃત્યુ એવું નામ આપવામાં ખચકાય છે. એ તો આ મનુષ્યદેહ કેવળ એક ઉપરી વસ્ત્ર છે, એ ક્યારેય પણ કોઈ પણ પળે ખતમ થઈ શકે છે એ બતાવવાની એક રીત છે. અને આત્મા તો સદૈવ અમર છે. કેટલો મહાન સાધુ! એ સરળ મૃત્યુ દ્વારા એમણે સમગ્ર વિશ્વને બતાવી દીધું કે મનુષ્ય પોતાના માનવ શરીરને ઉચ્ચતમ ભક્તિની પળોમાં ત્યજી દઈને વસ્તુત: અમર બની જાય છે. ભારતમાં આવા કેટલાય લોકો મળશે કે જેઓ અન્નજળથી વંચિત રહીને આ દેહનો ત્યાગ કરી દે છે. તેઓ આવું ઇચ્છાપૂર્વક કરે છે, ધાર્મિક સાધનાના રૂપે કરે છે. આ એક પ્રાચીન પરંપરા છે જે આજે પણ પ્રચલિત છે. કેદારના રસ્તે થનારી આવા સ્વેચ્છિક મૃત્યુની ગણતરી કોઈ ન કરી શકે. આ પાવન રસ્તે એવાં અગણિત સ્થળો છે કે જ્યાં સાધુઓ હર્ષોન્માદમાં પોતાના આ મહત્ત્વહીન અસ્થિપિંજરને ઘાટીઓમાં ફેંકી દઈને મુક્ત બની જાય છે, એ ‘ભૃગુપતન’ના નામે ઓળખાય છે. એમનાં હાડકાંના ઢગલા હિમાલયમાં બધી જગ્યાએ જોવા મળે છે તે હિંદુ દ્વારા મૃત્યુ પરના વિજયની પુષ્ટિ કરે છે. કેટલાક બીજા આ જમીનમાં ખાડો ખોદીને એમાં પોતાની જાતને ધરબી દે છે. એ કેવળ એટલું જ બતાવે છે કે પરમ અનુભવને વશ થઈને હિંદુ આ દેહને હાડમાંસનું પૂતળુ સમજીને તેની અવહેલના કે ઉપેક્ષા કરે છે. બ્રિટિશ સરકારના પોતાના કડક કાયદા હોવા છતાં પણ મૃત્યુને આલિંગવાની આ પરંપરા હજી સુધી સમાપ્ત થઈ નથી. આજે પણ કેટલાક સાધુઓ ભૂખ્યા રહીને પોતાના દેહનો ત્યાગ કરે છે એને રોકી શકાતા નથી. પોતાની પરમ ઇચ્છાને પરિપૂર્ણ કરવા એમની પાસે પોતાનું આગવું સાધન છે. માનવજીવનવિજ્ઞાની સ્વેચ્છાએ મૃત્યુને ભેટવાની આ પ્રથાના કારણની શોધ કરવાનો પ્રયત્ન કરી શકે છે. પરંતુ તેઓ એ નહિ કહી શકે કે આ રિવાજ અસભ્ય છે. આ પરંપરાની ઉત્પત્તિ ઉચ્ચતમ સાંસ્કૃતિક આદર્શોમાંથી થઈ છે. વાસ્તવમાં એ સાચું છે કે હિંદુઓ ક્યારેય જે લોકો જીવનથી થાકીને, હારીને આત્મહત્યા કરી લે છે તેને ગૌરવ ગણતા નથી. જે લોકો પોતાના સામાજિક કર્તવ્યો નિભાવવામાં અસક્ત બને છે એટલે મૃત્યુને વરે છે એમને મહાપાપી કહેવામાં આવે છે. એને કોઈ ખાપણ પણ આપતું નથી.

(ક્રમશ:)

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.