૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા કેન્દ્ર રૂપે વડોદરામાં ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, હતા. વડોદરા’નો મંગલ પ્રારંભ થયો.

આ મંગલ પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના તેરમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે પાઠવેલ મંગલ સંદેશ

રામકૃષ્ણ મઠ,
પો. બેલુર મઠ, જિ. હાવરા,
પશ્ચિમ બંગાળ : ૭૧૧ ૨૦૨
૧૨-એપ્રિલ, ૨૦૦૫

સ્વામી નિખિલેશ્વરાનંદ,

૭મી એપ્રિલ, ૨૦૦૫નો આપનો ફેક્સ સંદેશ મળ્યો છે. મને એ જાણીને આનંદ થાય છે કે વડોદરાના વિખ્યાત ‘દિલારામ બંગલા’નું સમર્પણ રામકૃષ્ણ મિશનને કરવામાં આવશે અને ત્યાં સ્વામીજીનું સુયોગ્ય સ્મારક રચાશે. આ મંગલ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો સમક્ષ વાચન કરવા તમે મને શુભસંદેશો આપવાની વિનંતી કરી છે. આનંદ અને હર્ષ સાથે હું મારો સંદેશ પાઠવું છું :

‘વડોદરાના મહારાજા સયાજીવરાવ ગાયકવાડના દિવાન રાવ બહાદુર મણિલાલ જશભાઈના નિવાસ સ્થાને કે જ્યાં સ્વામી વિવેકાનંદ પોતાની પરિવ્રાજક અવસ્થામાં વડોદરામાં ઊતર્યા હતા એ દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને સમર્પિત કરવામાં આવ્યો છે એ જાણીને હું અત્યંત આનંદ અનુભવું છું. આ બંગલો હવે પવિત્ર તીર્થક્ષેત્ર બની ગયું છે.

પોતાના પરિભ્રમણકાળ દરમ્યાન સ્વામીજીએ પોતાના દેશબંધુઓની અત્યંત દારુણ દશા જોઈ એમનું હૃદય ગરીબો, અજ્ઞાનીઓ અને કચડાયેલા લોકો માટે દ્રવી ઊઠ્યું. સ્વામી વિવેકાનંદે આપણા દેશની અત્યંત આવશ્યક જરૂરતને જાણી. આ વિશ્વ કરોડો દુઃખી, પીડિતોના કલ્યાણ માટે કેટલાક પવિત્ર આત્માઓની સમર્પણભૂમિ છે. એટલે જ તેઓ આવા પીડિતોનાં દુઃખ-કષ્ટને હરનારાં અને શિવપૂજાના ભાવે સેવા કરનારા અસંખ્ય યુવાન, બળવાન, પ્રતિભાવાળા, વિદ્વાન અને જીવંત નર-નારીઓને ઝંખતા હતા.

ભારતીય સંદર્ભમાં સ્વામીજીએ જોયું કે આધ્યાત્મિકતાનો પથ ભૌતિક સુધારણા અને સામાજિક સુધારણામાંથી પસાર થાય છે. આ બાબતે એમણે વેદાંતમાંથી પ્રબળ અને વ્યવહારુ સામાજિક તત્ત્વજ્ઞાન અને દૃષ્ટિ મેળવ્યાં. તેમણે ભારતને માટે અત્યંત આવશ્યક એવો, માનવ-ઘડતર કરતા ધર્મનો અને રાષ્ટ્રનું ઘડતર કરતી શ્રદ્ધા તેમજ નિર્ધારણ શક્તિનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું : ‘તમારી જાતને અને દરેકે-દરેકને તેમના પોતાના મૂળ સ્વરૂપની વાત શીખવો. સુષુપ્ત આત્માને જગાડો અને જુઓ કે તે કેવો જાગી ઊઠે છે. આ સુષુપ્ત આત્માને એની સ્વચૈતન્યમય પ્રવૃત્તિમાં જગાડવામાં આવશે ત્યારે શક્તિ આવશે, કીર્તિ આવશે, કલ્યાણ આવશે, પવિત્રતા આવશે અને જે કંઈ પણ શ્રેષ્ઠ છે તે બધું આવશે.’ રામકૃષ્ણ મિશનના આ કેન્દ્રમાંથી સ્વામીજીનો આ સંદેશ અવિરત વહેતો રહેશે અને આ પ્રદેશના લોકોનાં હૃદય સોંસરવો ઊતરી જશે.

જો આપણા રાષ્ટ્રના પ્રજાજનો સ્વામીજીના માનવ ઘડતર, ચારિત્ર ઘડતર, રાષ્ટ્ર નિર્માણના આ વિચારોના સંપર્કમાં આવશે તો તેમનામાં આ સમાજ માટેની નિઃસ્વાર્થ સેવા-ભાવના જાગશે અને એ બધાને સહાય કરીને તેઓ પ્રબુદ્ધ નાગરિક બનશે. આપણામાંના દરેકે થોડા ઘણા અંશે પણ આ પ્રાપ્ત કરવું પડશે. ગીતાના બીજા અધ્યાયના શ્લોક ૪૦માં કહ્યું છે કે આ દિશામાં કરેલું થોડું કાર્ય પણ આપણને અને આપણા દેશને મહાફળ આપશે. આજે આપણી આ તાતી જરૂર છે, વધુ અને વધુ સંખ્યામાં આવા પ્રબુદ્ધ નાગરિકોની અત્યંત આવશ્યક્તા છે. જ્યારે આપણી પાસે આવા પ્રબુદ્ધ નાગરિકો હશે તો આપણને સારા સાંસદો, પ્રધાનો, વહીવટદારો, શિક્ષકો અને કામદારો એની મેળે મળી રહેવાના. જ્યારે આપણામાં આવી પ્રબુદ્ધતા આવશે ત્યારે આપણી આસપાસના વિશ્વમાંનાં લોકોનાં વર્તુળને વધુ ને વધુ વિસ્તૃત બનાવીને આપણે એમની સાથે સમસંવેદન અનુભવતા થઈશું. આવું સંવેદનશીલ હૃદય, આવી સહાનુભૂતિ એ જ આજના આપણા દેશમાં સર્વત્ર અને આપણા પોતાનામાં દેખાતા મહારોગની રામબાણ દવા છે.

આ ઐતિહાસિક ભવનને સમર્પિત કરવામાં જેમણે કાર્ય કર્યું છે એમના પર ભગવાન શ્રી રામકૃષ્ણ, શ્રી શ્રીમા, સ્વામી વિવેકાનંદ અમી કૃપા કરતા રહે અને આવાં સુકાર્ય માટે પ્રેરતા રહે તેવી પ્રાર્થના. આ આયોજનને સફળ બનાવવાના કાર્યમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપનારા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના વહીવટીતંત્રને હું મારા હાર્દિક ધન્યવાદ પાઠવું છું અને એમનો આભાર પણ માનું છું. આ શુભ પ્રસંગે એકત્રિત થયેલા ભાવિકજનો અને ભવિષ્યમાં પણ આવનારા સૌ ભાવિકજનો પર ભગવાન શ્રી રામકૃષ્ણ, શ્રી શ્રીમા, સ્વામી વિવેકાનંદની અમી કૃપા વરસતી રહો અને એમને તેઓ સદૈવ પ્રેરતા રહે એવી મંગલ કામના.

સૌનો આભાર. નમસ્કાર.

આ મહોત્સવની સાર્વત્રિક સફળતા માટે હું મારો હાર્દિક પ્રેમ અને શુભેચ્છા પાઠવું છું.

ભવદીય
સ્વામી રંગનાથાનંદ
અધ્યક્ષ
રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠ

ઐતિહાસિક દિલારામ બંગલાનો સમર્પણ વિધિ

૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ચોથા કેન્દ્ર રૂપે વડોદરામાં ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા’નો મંગલ પ્રારંભ થયો.

આ ઐતિહાસિક બંગલામાં સ્વામી વિવેકાનંદ તત્કાલીન વડોદરા રાજ્યના દિવાન રાવ બહાદુર શ્રી મણિલાલ જશભાઈના અતિથિ બનીને એ ભૂમિને પોતાની ચરણ રજથી પાવન બનાવી હતી. આ બંગલો ૧૮-એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પ્રસંગે વડોદરાના સુખ્યાત નાગરિકો અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત હતા. આ બંગલાને હવે રામકૃષ્ણ મઠ મિશનના કેન્દ્ર રૂપે ‘રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ’ એવું શુભ નામ મળ્યું છે.

શિકાગો ધર્મપરિષદમાં જતાં પહેલાં સ્વામી વિવેકાનંદે એક પરિવ્રાજક રૂપે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કર્યું હતું. ત્રણ વર્ષના આ પરિભ્રમણ-કાળમાંથી મોટો ભાગ એમણે ગુજરાતમાં ગાળ્યો હતો. અમદાવાદ, લીંબડી, જૂનાગઢ, દ્વારકા, સોમનાથ, જામનગર, પોરબંદર, ભૂજ, નારાયણ સરોવર, ભાવનગર, પાલીતાણા, નડિયાદ અને બીજાં સ્થળોએથી તેઓ એપ્રિલ-૧૮૯૨માં વડોદરા આવ્યા.

અહીં તેઓ વડોદરાના દિવાનના નિવાસ સ્થાન ‘દિલારામ બંગલા’માં ઊતર્યા હતા. આ દિવાન સાહેબ સ્વામીજીના નિકટના મિત્ર જુનાગઢના દિવાન શ્રી હરિદાસ બિહારીદાસના પરમ મિત્ર હતા. અહીંના પોતાના રોકાણ દરમ્યાન એમણે દિવાનજી સાથે રાજ્યની કેળવણી વિષે ચર્ચા કરી હતી. તેમણે અહીંનું સમૃદ્ધ પુસ્તકાલય તેમજ રાજા રવિવર્માના લક્ષ્મી-વિલાસ મહેલમાં આવેલાં ચિત્રો જોયાં હતાં. ત્યાર પછી દિવાન શ્રી હરિદાસ બિહારીદાસને ૨૬મી એપ્રિલ-૧૮૯૨ના રોજ એમણે લખેલા પત્રમાંથી મળતા પ્રમાણ પ્રમાણે તેઓ ૨૬-એપ્રિલ,૧૮૯૨ના રોજ વડોદરાથી મુંબઈ જવા રવાના થયા.

આ સમર્પણ-વિધિના પ્રાતઃકાળથી શરૂ થયેલા મહોત્સવનો મંગલ પ્રારંભ મંગલા આરતીથી થયો હતો. ત્યારપછી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની નિશ્રામાં તેમજ રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રે. સ્વામી શિવમયાનંદજી મહારાજ તેમજ સ્વામી આદિભવાનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિશેષ પૂજા, હવન વગેરેનું આયોજન થયું હતું. આ પ્રસંગે અન્ય અતિથિ સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. બધા ભક્તોએ બપોરે પ્રસાદ લીધો હતો.

સાંજના ૬-૩૦ વાગ્યે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામી વિવેકાનંદની વિશાળ કદની ૩૬ તસ્વીરોના પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. દરેક તસ્વીર નીચે ગુજરાતી અને અંગ્રેજીમાં એ તસ્વીરનો ઇતિહાસ પણ આપવામાં આવ્યો છે. આ મંગલ ઉદ્‌ઘાટન શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજ, અન્ય સંન્યાસીઓ અને ભક્તજનોની ઉપસ્થિતિમાં થયો હતો. દિલારામ બંગલાના સમર્પણવિધિનો કાર્યક્રમ ગાંધીનગર સભાગૃહમાં ૬-૫૦ કલાકે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો.

સૌ પ્રથમ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે આજનો દિવસ વડોદરાવાસીઓ માટે પ્રભુની વિપુલ અમીકૃપાવૃષ્ટિનો દિન છે. સ્વામી વિવેકાનંદ ‘માનવમાં રહેલી દિવ્યતાની સેવા એ જ પ્રભુપૂજા’ના આદર્શને અનુસરીને આ કેન્દ્ર દ્વારા થનારી આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક અને અન્ય સર્વકલ્યાણની પ્રવૃત્તિઓમાં વડોદરાવાસીઓનો સાર્વત્રિક સહકાર સદૈવ સાંપડતો રહેશે એવી વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની અવિરત સત્‌પ્રેરણા અને આશીર્વાદથી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી, ગુજરાત સરકારના સરકારી અધિકારીઓ તેમજ શુભેચ્છકો અને ભક્તોના પ્રયાસોથી આ મહાસ્વપ્ન સાકાર થયું છે. રામકૃષ્ણ સંઘના આસિ. સેક્રેટરી સ્વામી શિવમયાનંદજીએ રામકૃષ્ણ મઠ-મિશનના તેરમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ અને જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના શુભેચ્છા સંદેશનું વાચન કર્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે પોતાના પરિવ્રાજકકાળમાં સ્વામીજીની પદરજથી પાવન થયેલ સંસ્કાર અને સંસ્કૃતિની વડોદરા નગરી સ્વામીજીનું આવું સ્મારક ભવન મેળવીને ધન્યભાગી બની છે. રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીએ આ નવા કેન્દ્રને સહાય કરવા અને માનવને માનવ બનાવનારી તેમજ જીવન ઘડતર કરનારી સાચી કેળવણીના પ્રચાર-પ્રસાર માટે વડોદરાવાસીઓને સહાયરૂપ બનવા હાર્દિક અપીલ કરી હતી.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રેરક પ્રવચનમાં કહ્યું હતું કે, આ મહાન સ્વદેશ ભક્ત પયગંબર સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલ દિલારામ બંગલાને શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને સમર્પિત કરવાના આ મહાન અને ઉમદા કાર્યમાં હું નિમિત્ત બન્યો એ મારું મોટું અહોભાગ્ય છે. આ મહારાજશ્રી સાથે રાજકોટના મારા વિદ્યાર્થીજીવનના દિવસોમાં રહેવાનો મને લ્હાવો મળ્યો હતો. સ્વામી વિવેકાનંદનો શાશ્વત સંદેશ અને એમનું દિવ્ય વ્યક્તિત્વ અસંખ્ય લોકોને તેમાંય વિશેષ કરીને યુવાનોને સતત પ્રેરણા આપતાં રહેશે. એમનો સંદેશ શાશ્વત છે. તેમણે એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે રામકૃષ્ણ મિશનનું આ કેન્દ્ર સ્વામીજીના શાશ્વત સંદેશને સદૈવ પ્રસરાવતું રહેશે. ‘શિવજ્ઞાને જીવસેવા’ના રામકૃષ્ણદેવના, સ્વામીજીના સંદેશે વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. આ સંસ્થા પણ એ જ પરિપાટીએ ચાલીને  સ્વામીજીના સંદેશનું પ્રેરણામૃત સુલભ બનાવશે. આ સ્મારક ગૃહની પ્રવૃત્તિઓથી વડોદરાવાસીઓને ઘણો લાભ મળશે એ વાત નિ:સંદેહ છે. તેમણે હમણાં જ ઉદ્‌ઘાટન કરેલા ‘સ્વામી વિવેકાનંદ તસવીર પ્રદર્શન’ની મુલાકાતે આવવા લોકોને અનુરોધ કર્યો હતો. આ ઐતિહાસિક દિલારામ બંગલાનાં દસ્તાવેજો અને ચાવી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને સોંપ્યાં હતાં. આ દસ્તાવેજો અને ચાવીઓ વડોદરાના રામકૃષ્ણ મિશન કેન્દ્રમાં નવનિયુક્ત સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીને આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગને અનુરૂપ ‘સ્વામી વિવેકાનંદ વડોદરામાં’ નામની એક માહિતી પત્રિકાનું વિમોચન શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કર્યું હતું. આ પ્રસંગે વ્યાસપીઠ પર વિરાજેલા મહેમાનો- મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી, શ્રીમતી મૃણાલિની પવાર (વડોદરા યુનિ.ના કુલપતિ), વડોદરાના સાંસદ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેકટરશ્રી અને પોલીસ કમિશ્નરશ્રીને સ્વામીજીની તસવીર અને પુસ્તકોનો સેટ આપવામાં આવ્યો હતો.

પોતાના સંક્ષિપ્ત પણ અત્યંત ભાવવાહી પ્રવચનમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કહ્યું હતું કે, આજે મારું હૃદય એટલા આનંદ અને ઉલ્લાસથી ભરાઈ ગયું છે કે હું એનું શબ્દોમાં વર્ણન કરી શક્તો નથી. આ ઐતિહાસિક સ્વામી વિવેકાનંદ સ્મૃતિગૃહ- વડોદરા અને ગુજરાતના લોકોની સેવા, તેમના સાર્વત્રિક કલ્યાણનાં કાર્યો સદૈવ કરતું રહે તેવી સતત અમીપ્રેરણા આપવા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીને એવી હું પ્રાર્થના કરું છું.  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ આભારવિધિ કરી હતી. આ મહાન કાર્યમાં સાથસહકાર આપનાર અને સ્વામી વિવેકાનંદના આવા ઉમદા સ્મૃતિગૃહ બનાવવાના કાર્યમાં સહાયક બનનાર સૌને કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ પાઠવ્યા હતા. વડોદરાની ‘શૈશવ શાળા’ ના વિદ્યાર્થીઓના વૃંદગાનથી કાર્યક્રમ પૂરો થયો હતો.

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.