(ગતાંકથી આગળ)

‘ગઈ (ઓગણીસમી) સદીમાં બ્રિટિશોએ દાખલ કરેલી શિક્ષણ-પદ્ધતિ જ ભારતમાં અત્યારે મુખ્યત્વે પ્રવર્તમાન છે. એનો હેતુ કારકૂનો પેદા કરવાનો છે. કદ અને સંખ્યાની દૃષ્ટિએ તેનો વિસ્તાર ઘણો થયો છે, ગુણવત્તાની દૃષ્ટિએ એનું સ્તર નીચે ઊતર્યું છે. પ્રાચીન ભારતીય કે અર્વાચીન બ્રિટિશ શિક્ષણ -પદ્ધતિના ગુણો એની પાસે નથી, બંનેની નિર્બળતાઓ છે. એ મનુષ્યો પેદા નથી કરતું પરંતુ આટઆટલા વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો એમ સમાજના કામ કરનારાઓ પેદા કરે છે. પરંતુ ભારત શાંત રીતે શિક્ષણમાં પ્રવૃત્ત છે અને એ વિષયના રચનાત્મક ચિંતન અને ચર્ચામાં તેઓ વધારે શાંતિ જાળવી રહ્યા છે. આવતા દાયકાઓની આવનારી અમારી કેળવણી પર આ બધાનો પ્રભાવ પડશે એવી અમારી અપેક્ષા છે. શિક્ષણ, રાજકારણ, ધર્મ, સમાજ વગેરે વાસ્તવિક રીતે ભારતમાં આજે ઉકળતા ચરુમાં પડ્યું છે. પોતાના દીર્ઘ ઇતિહાસમાં અત્યારે એ સૌથી વિશેષ ક્રાંતિકારી કાળમાંથી પસાર થઈ રહેલ છે. એના અર્વાચીન ચિંતકો અને નેતાઓને ખાસ કરીને વિવેકાનંદને આ પરિવર્તનનાં વ્યાપ અને શક્યતાઓનો પૂરો ખ્યાલ હતો. ભાવિમાં શું થશે તે કોઈ ભાખી શકે નહીં. પણ દેશના મહાન નેતાઓએ દેશના રાજકારણમાં નવા વિચારોનો પ્રવેશ કરાવ્યો છે; વળી વાતાવરણ ચોમેર સ્વતંત્રતાનું છે; તેજસ્વી યુવા શક્તિ છે તથા ગતિશીલતા છે. આ પરિબળોના સંયોજને અર્વાચીન ભારતને મનુષ્ય જાતિના છઠ્ઠા ભાગને નૃવંશશાસ્ત્રીય પ્રયોગશાળામાં પરિવર્તિત કર્યો છે. ‘રાસાયણિક તત્ત્વોને ભેગાં કરો, પ્રકૃતિના નિયમાનુસાર સ્ફટિકીકરણ થઈ રહેશે.’ વિવેકાનંદના આ શબ્દોમાંથી આપણે આશ્વાસન લઈ શકીએ છીએ.’

૮. શિક્ષકના પ્રશિક્ષણની આવશ્યકતા

આપણાં બાળકોને આવા શિક્ષણ માટે આપણે ઉત્તેજન આપવું જોઈએ. મનની અને અભિગમની એ જ પુરાણી બંધિયાર મનોદશામાં આપણાં બાળકો રહે એમ આપણે ઇચ્છતાં નથી. આપણાં બાળકોનાં મન સર્જનાત્મક બને તે આપણી ઝંખના છે. એટલે શિક્ષકે મોટી ભૂમિકા ભજવવાની છે અને ઘણી મોટી જવાબદારી ઉઠાવવાની છે. પોતાના દેશનાં તેમજ અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિનાં શૈક્ષણિક મૂલ્યો અને વિચારો ગ્રહણ કરી શકે તે માટે શિક્ષકને સંગીન તાલીમની જરૂરત છે. ભરેલાં ભેજાંવાળાં નહીં પરંતુ પ્રશિક્ષણથી કેળવાયેલાં ચિત્તવાળા લાખો શિક્ષકોની સેવાની દેશને આજે જરૂર છે; આવા શિક્ષકો પોતાની જાતે આવું વિચારવાનું અને પોતાની જાતને આવું કહેવાનું શીખ્યા છે:

‘મુક્ત ભારતના નાગરિક તરીકે મારો દેશ મહાન બને તે હું ઝંખું છું. મારાં દેશબાંધવોને ઉત્તમ જ્ઞાન અને સંસ્કૃતિ પ્રાપ્ત થાય તે હું માગું છું. મારી પાસે આવતાં બાળકોને મનુષ્ય બનાવનારું, રાષ્ટ્રઘડતર કરનારું અને ચારિત્ર્યઘડતર કરનારું શિક્ષણ આપીને મારી રાષ્ટ્રીય જવાબદારી અદા કરવા માટે રાષ્ટ્રીય આહ્‌વાનનો મારે પ્રતિસાદ પાડવો જોઈએ.’

વાસ્તવમાં સરકાર દ્વારા થોડા સમયમાં જ જાહેર થનારી નવી શિક્ષણનીતિમાં પ્રશિક્ષણ-સુધારણાને ખૂબ અગત્ય આપવામાં આવી છે. આપણા દેશમાં આપણા શિક્ષણનું નવઘડતર કરવા આજે પ્રશિક્ષણ ખૂબ અગત્યનું અંગ છે. અત્યારે હું તમારી ૩૦૦ સમક્ષ બોલી રહ્યો છું; વાસ્તવમાં તમારા દ્વારા આપણા ૩,૦૦૦ કે ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો છું. દરેક પ્રશિક્ષિત શિક્ષકને દર વરસે રાષ્ટ્રના ક્ષેમકલ્યાણ કરનારા ૩૦-૪૦ વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડવાની તક સાંપડે છે. એટલે પ્રશિક્ષણ ઘણું અગત્યનું છે. બીજાં બધાં ક્ષેત્રે નિષ્ફળ નીવડીને અંતિમ આશરા રૂપે શિક્ષણસેવામાં જોડાયેલા હોય તેવા આપણા શિક્ષકો ન હોવા જોઈએ. શિક્ષણે ઉત્તમ ચિત્તને આકર્ષવાં જોઈએ. એક વાર તેમાં પડ્યા પછી શિક્ષકમાં આત્મશ્રદ્ધા અને વ્યાવસાયિક શ્રદ્ધા હોવી જોઈએ. શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ બૌદ્ધિકોને આકર્ષવા માટે સરકારે પણ જરૂરી પગલાં લેવાં જોઈએ અને તેમના ઉચ્ચ રાષ્ટ્રીય કાર્યને અનુરૂપ પગાર પણ તેમને આપવા જોઈએ.

અઢારમી સદીમાં ઈંગ્લેંડમાં કહેવાતું, ‘રાષ્ટ્રભક્તિ બદમાશોનું અંતિમ આશ્રયસ્થાન છે!’ સામાજિક રીતે નિષ્ફળ વ્યક્તિનું ક્ષેત્ર શિક્ષણ છે એમ કહેવાની તક ભારતમાં ઊભી ન થાઓ. શિક્ષણ સેવાકાર્ય-મિશન – છે. જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવિતરણને સમર્પિત હોય તે જ શિક્ષક બની શકે. કેવો સુંદર વિચાર છે! એટલે આવાં સરસ તાલીમબદ્ધ શિક્ષકો આપણા શિક્ષણક્ષેત્રને મળતા રહે તે માટે આપણે કદમ ઉઠાવવા જોઈએ. આમ કરવા માટે એક નવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે; તે આ છે : ધો.૧૨ પછી પ્રશિક્ષણ કાર્ય શરૂ કરીને સ્નાતક કક્ષાનાં ૩ વર્ષો અને તે પછીના સ્નાતકોત્તર તાલીમના ૧ વર્ષને જોડી દેવાં. આ રીતે પ્રશિક્ષણ અભ્યાસક્રમ ચાર વર્ષનો રાખવો. વકીલો મળી રહે તે માટે કાનૂનશિક્ષણમાં આ વિષયક નાના પાયે આરંભ થયો છે. હવે આ પ્રકારનું પ્રશિક્ષણ શિક્ષક પ્રશિક્ષણમાં ઉમેરવું હિતકારક અને ફરજિયાત બનશે. ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ લેનારામાંથી ૩ વર્ષના સ્નાતક શિક્ષણમાં જનારા અને શિક્ષક બનવાનું વલણ ધરાવતા ઉમેદવારોને પ્રશિક્ષણ મહાવિદ્યાલયો આકર્ષે તેવી તક છે. માત્ર નોકરી માટે નહીં પરંતુ સેવાકાર્ય રૂપે શિક્ષણના વ્યવસાયને અપનાવનાર વધુ ને વધુ વ્યક્તિઓ આ સ્નાતકોત્તર પ્રશિક્ષણ તરફ વળશે. આમ આવશ્યક શિક્ષણને સમર્પિત અને રાષ્ટ્રભાવનાવાળા શિક્ષકોનું મહા સૈન્ય ઊભું કરવાની શક્યતા આમાં છે.

૯. અધ્યાપન અને અધ્યયનનું સંયોજન

બે અંશો છે : એક છે જ્ઞાનપ્રેમનો અને બીજો છે દેશસેવા-પ્રેમનો. માત્ર સેવાથી ન ચાલે; જ્ઞાન માટે પ્રેમ આવશ્યક છે. જ્ઞાનને ન ચાહતો શિક્ષક વિદ્યાર્થીઓમાં જ્ઞાનપ્રેમ પ્રેરી શકે નહીં. નવાં નવાં પુસ્તકોના વાચન દ્વારા શિક્ષકે પોતાના મનને તાજું રાખવું જોઈએ; પોતાના જ્ઞાનભંડારમાં એણે સદા વૃદ્ધિ કરતાં રહેવું જોઈએ. સર્વકાળના વિદ્યાર્થીઓને ઉપયોગી અને પ્રેરક બને તેવું, પ્રાચીન તૈત્તિરીય ઉપનિષદમાં દીક્ષાન્ત સમારંભના પ્રવચન જેવા ભાગમાં આ સુંદર અનુગ્રહ કરવામાં આવ્યો છે:

स्‍वाध्याय प्रवचनाधभ्‍यां न प्रमदितव्‍यम्‌ ।

‘અધ્યયન અધ્યાપનને કદી વીસરતો નહીં.’

બંને સાથે જ રહે છે. શિક્ષક નવાં પુસ્તકો વાંચે છે, જ્ઞાનના નવાં પરિમાણો પ્રાપ્ત કરે છે, વિચારોના નવા ભંડારથી સમૃદ્ધ બને છે. મનને તાજું અને સર્જનાત્મક રાખવાનો એ કીમિયો છે. જ્ઞાનપ્રાપ્તિની આ શક્તિને જ્ઞાનપ્રદાન કરવાની શક્તિ સાથે જોડવી જોઈએ. આવા જ્ઞાનપ્રદાન પાછળ અધ્યાપકનું વ્યક્તિત્વ ઝળકે છે. પોતાના જ્ઞાન વડે અધ્યાપક માત્ર બોધ આપી શકે; પરંતુ પ્રેરણાનું પ્રત્યાયન એના વ્યક્તિત્વમાંથી પ્રગટે છે. વર્ષો અગાઉ ૧૯૪૯માં આ પાટનગરમાં અમારા મિશનનું કેન્દ્ર હું સંભાળતો હતો ત્યારે સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ એજ્યુકેશનને સંબોધન કરવાનું નિમંત્રણ મને મળ્યું હતું. એ સમયે એ ભારતનું ખ્યાતનામ અધ્યાપન મહાવિદ્યાલય હતું. મારા એ પ્રવચનમાં મેં સ્વામી વિવેકાનંદનું આ વાક્ય ટાંક્યું હતું: ‘શિક્ષક તરીકે પાંચ વરસ કાર્ય કરનાર મૂર્ખ બને છે!’ તરત જ એક શિક્ષકે ઊભા થઈને કહ્યું, ‘વિવેકાનંદ અતિ ઉદાર છે, બે વરસ તો ઘણાં!’ અને બધા ખડખડાટ હસી પડ્યા. એનો અર્થ શો છે? આપણે પુરાણાં પુસ્તકોમાંથી પઢાવ્યે જઈએ છીએ, આપણે જરાય તાજા નથી. પછી આપણે સાચા શિક્ષકો કેવી રીતે બની શકીએ? સારાં પુસ્તકોના વાચન દ્વારા શિક્ષકોએ પોતાના મગજને તરોતાજા રાખવું જોઈએ. દા.ત., ‘ભારતમાં આપેલાં ભાષણો’ અને ‘સ્વામી વિવેકાનંદના પત્રો.’ સ્વામી વિવેકાનંદનાં અનેક પુસ્તકોમાંથી આ બે પુસ્તકો વાંચનાર શિક્ષક પ્રભાવક શિક્ષક બનશે. આ બે પુસ્તકોએ અર્વાચીન ભારતમાં રાષ્ટ્રીય ચેતના જગાડી છે અને એમણે દેશભક્તોના અનેક જૂથોને પ્રેરણા આપી છે. પંડિત જવાહરલાલ નહેરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્રી અરવિંદ, ગાંધીજી – સૌએ એમાંથી પ્રેરણા લઈને ભારતને ચાહવાની અને તેની સેવા કરવાની પ્રેરણા મેળવ્યાનું સ્વીકાર્યું છે. સબળ અને પવિત્ર બનાવનાર તેમજ સંગઠિત કરનાર, સર્વાવર્તી ‘ધ કંપ્લીટ વર્ક્‌સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના આઠ ભાગો છે. ‘સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર’ નામના પોતાના ગ્રંથમાં ફ્રેન્ચ ચિંતક રોમાં રોલાં એક કંડિકામાં આ આશ્ચર્યકારક સાહિત્યનો ઉલ્લેખ કરતાં (પૃ.૧૬૨ પર) કહે છે :

‘એમની વાણી એટલે ભવ્ય સંગીત; એમની શબ્દાવલીઓમાં બિથોવનની શૈલીનો રણકો છે; અને ભાવોત્કર્ષ જગાવતા એમના વાણીલયમાં હેંડેલનાં સમૂહ ગીતોની પરંપરા પ્રતીત થાય છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમનાં વચનામૃતોને જ્યારે હું વાંચું છું ત્યારે મારા સમગ્ર દેહમાં વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી હું અનુભવ્યા વિના રહી શકતો નથી. તો પછી એ નરવીરને સ્વમુખેથી એ જ્વલંત શબ્દો ઉચ્ચારાયા હશે ત્યારે તેમણે કેવા આંચકા, કેવા હર્ષોત્કર્ષો પેદા કર્યા હશે!’

આપણા શિક્ષકો આ સાહિત્યનું અધ્યયન કરશે અને એના વીજળીના ઝણઝણાટ અનુભવશે ત્યારે કશુંક આશ્ચર્યકારક પરિણમવાનું. ‘આ જગત તમને સુખી કરવા કોશિશ નથી કરતું તેની સતત ફરિયાદ કરતાં અને પીડાઓ તથા ફરિયાદોનું ઢેકું રહેવાને’ બદલે એ શિક્ષકો રાષ્ટ્રની શક્તિ બનશે. બર્નાર્ડ શોના તીખા શબ્દો અનુસાર સેવા માટેની પ્રેરણા સેવામાંથી પ્રગટે છે, નહીં કે બુદ્ધિમાંથી કે બાહ્ય જગતમાંથી.

માત્ર આપણા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ શિક્ષણ ઘાંચમાં પડ્યું છે. નેશનલ પેરંટ ટીચર જર્નલના ૧૯૫૫ના એપ્રિલના અંકમાં કેટલાંક વર્ષો અગાઉ મેં વાંચ્યું હતું: અમેરિકાના શિક્ષણમાં ઘણાં સારાં પાસાંઓ હોવા છતાં એ પણ ઘાંચમાં છે એવું એક અમેરિકન ટીકાકારે કહ્યું હતું. અમેરિકામાં શિક્ષણની શી દશા છે? લેખક એની આ વ્યાખ્યા આપે છે :

‘શિક્ષણ એક એવી રહસ્યમય પ્રક્રિયા છે કે જેમાં અધ્યાપકોની પ્રવચનનોંધમાંથી વિદ્યાર્થીઓની લેખિની દ્વારા એમની નોંધપોથીમાં પોતાના ભેજામાં ઊતર્યા વિના માહિતી ઊતરે છે.’

એ વાંચતાંવેંત મેં મારી જાતને કહ્યું હતું : અમેરિકા માટે આ સાચું હોય એમ મને નથી લાગતું પણ અમારા દેશ માટે તો આ સંપૂર્ણ સત્ય છે! શિક્ષણને નામે આપણે આ કરી રહ્યા છીએ. પણ આજે હવે આપણે મુક્ત રાષ્ટ્ર છીએ. આ બધાંને આપણે ‘આવજો’ કહેવું ઘટે.

‘હું કેવળ નોકરિયાત નથી; હું ભાડૂતી-વેઠિયો માણસ નથી; હું નાગરિક છું; મારી સામે બેઠેલાં આ બાળકો ખીલતા નાગરિક બંધુઓ છે; તેઓ જ્ઞાન અને ચારિત્ર્ય પ્રાપ્ત કરી શકે તે માટે સહાય કરવા હું અહીં છું.’

આ પ્રકારની વાણી ઉચ્ચારતી રાષ્ટ્રીય જાગ્રતિ, નાગરિક જાગ્રતિ આપણામાં હોવી ઘટે.

કેવો સુંદર અભિગમ છે આ! આપણા રાષ્ટ્રીય શિક્ષણના તખ્તા ઉપર આનાથી કેવું મહાન પરિવર્તન આવશે!

૧૦. નોકરિયાત વિરુદ્ધ નાગરિક રૂપે શિક્ષક

અર્વાચીન ભારતના પુન:ઘડતરમાં આપણા શિક્ષકોએ ભજવવાના ભાગ અને તેમના ઉત્તરદાયિત્વ વિશે આજે હું મારા પ્રવચનમાં ભાર દેવા ચાહું છું. આટલું યાદ રહે કે આપણા રાજકારણ અને વહીવટીતંત્ર જેને સ્પર્શે છે તે માનવીયતા ઘરે માતપિતાથી આરંભાતી અને શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોથી ઘડાતી પ્રક્રિયાની અંતિમ નિપજ છે. આ સૌથી મહત્ત્વની પ્રક્રિયા તમારી, શિક્ષકોની નજર હેઠળ થાય છે. આ જ શિક્ષકો (વિદ્યાર્થીરૂપી) પોતાની નિપજને સચિવાલયોમાં, રાજકારણમાં, શિક્ષણમાં, બેંકોમાં, વીમા કંપનીઓમાં અને વ્યવસાયોમાં મોકલે છે. આ નીપજ અણઘડ, સ્વાર્થી અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવનાવિહોણી હોય તો તે આપ સૌ શિક્ષકોને લીધે છે. એક સમગ્ર વર્ગ રૂપે તમે તમારા વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ વિચારોનું શિક્ષણ આપ્યું નથી. માધ્યમિક શાળાઓના શિક્ષકો તરીકે રાષ્ટ્રનાં તાજાં સંવેદનશીલ મન સાથે કામ પાડી રહ્યા છો. એ બધાં મન ઉપર ઉચ્ચ માનવીય મૂલ્યોના સંસ્કારો પાડવાની જવાબદારી શિક્ષકની છે અને તમે એ જવાબદારી અદા કરો છો ત્યારે તમારું સ્થાન શોભે છે. તમારી જાતને માત્ર નોકરિયાત ગણવાને બદલે ઉચ્ચ રાષ્ટ્રીય જવાબદારી અદા કરનાર નાગરિક તરીકે ગણો, એ મોટું પરિવર્તન છે. અને તમે માસિક ૧૦૦૦ કે ૨૦૦૦ (અત્યારે આ પગાર ઓછામાં ઓછો દસ ગણો થઈ ગયો છે) રૂપિયા મેળવનાર નોકરિયાત મટી જાઓ છો. તમે રાષ્ટ્રના ઘડવૈયા બનો છો, મનુષ્ય ઘડનાર સાધન બનો છો. માનવ બનાવતો ધર્મ અને માનવ બનાવતું શિક્ષણ એવા સ્વામી વિવેકાનંદના આહ્‌વાનનો સૂચિતાર્થ આ છે.

આપણા અભિગમોને અને દૃષ્ટિબિંદુને પૂરા માનવતાવાદી અને આધ્યાત્મિક રંગે રંગતાં આપણને જકડી રાખે તેવાં અનેક વચનોથી એમનું સાહિત્ય સભર છે. પ્રાચીન ભારતમાં આપણા શિક્ષકોને ઉચ્ચ દરજ્જો અપાયો હતો; શિક્ષકને આપણે ‘ગુરુ’ કહેતાં. ધાર્મિક દીક્ષાના ક્ષેત્ર પૂરતો એ શબ્દને આજે આપણે મર્યાદિત કર્યો છે. વાસ્તવમાં ‘ગુરુ’ શબ્દનો સંદર્ભ વિશાળ છે – બાળકનાં દૃષ્ટિમનને જ્ઞાનના વિશ્વમાં ખોલી આપે તે ગુરુ. બાળકના પ્રથમ ગુરુ એની માતા છે, બીજા એના પિતા છે અને ત્રીજા શાળાના શિક્ષક છે. આ ગુરુઓ બાળકના માનસચક્ષુને જ્ઞાનના વિશાળ વિશ્વ સમક્ષ ખોલી દે છે; એ વિશ્વનાં બે પરિમાણો છે, ઐહિક અને પારલૌકિક (અપરા-પરા). આપણા મહાન ઋષિઓના એકત્વના દર્શન અનુસાર આ બંને આધ્યાત્મિક છે. માતાપિતા અને શાળામાં શિક્ષકે પોતપોતાનું કાર્ય પૂરું કરે ત્યાર પછી કોઈ તબક્કે જ્ઞાનપિપાસુ એટલે કે વિદ્યાર્થીના જીવનમાં આધ્યાત્મિક ગુરુનો પ્રવેશ થાય છે. એ બંને વચ્ચે ભારતને કશું વૈમનસ્ય દેખાતું નથી અને વ્યક્તિનું પોતાનું વિશુદ્ધ અને કેળવાયેલું ચિત્ત જ એનો ઉત્તમ ગુરુ છે એમ પણ ભારત કહે છે. ‘ગુરુબર્રહ્મા ગુરુર્વિષ્ણુ’ શબ્દોથી આરંભાતા, ભારતમાં અને આજે હવે વિદેશોમાં પણ લાખો કંઠે ગવાતા શંકરાચાર્યના ‘ગુરુસ્તોત્રમ્‌’માં ગુરુની સેવાને સુંદર રીતે વર્ણવવામાં આવી છે.

अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया ।
चक्षुरुर्ल्मिलितं येन तस्मै श्री गुरवे नमः ॥

‘અજ્ઞાનના અંધકારથી પીડાતા મનુષ્યનાં ચક્ષુઓમાં જ્ઞાનનું આંજણ આંજીને ચક્ષુઓને ઉઘાડનાર ગુરુને હું વંદન કરું છું.’

પોતાનાં વિવિધ સોપાનોથી માનવીને જ્ઞાનના વિશાળ અને વિરાટ વિશ્વમાં દૃષ્ટિ આપનાર આ વિજ્ઞાન છે. આ કોણ કરે છે? શિક્ષક, ગુરુ. આપણા શિક્ષણના વ્યવસાયમાં એ સ્વાભિમાન અને શ્રદ્ધા પુન: પ્રગટવાં જોઈએ. આપણા સમાજે શિક્ષકોમાંથી શ્રદ્ધા ગુમાવી તેની પૂર્વે શિક્ષકોએ જાતે તે શ્રદ્ધા ગુમાવી તે મોટું દુર્ભાગ્ય છે. ‘હું રાષ્ટ્રકાર્ય કરું છું, હું રાષ્ટ્રઘડતર કરું છું, માનવઘડતર કરું છું, મારો વ્યવસાય ઉદાત્ત છે’, એ શ્રદ્ધા શિક્ષકોમાં પુન: જાગવી જોઈએ. તમારા કાર્યમાંની એ શ્રદ્ધા ફરી જાગશે ત્યારે તમારા ગૌરવ અને મૂલ્યને રાષ્ટ્ર ઓળખશે અને સમાજમાં તમે જે આદરને પાત્ર છો તે આદર તમને સાંપડશે. એટલા માટે હું આ મુદ્દા પર ભાર દઉં છું કે આપણા શિક્ષકોનું રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ, એમનું કાર્ય આપણા રાષ્ટ્રને માટે ખૂબ પરિણામદાયી છે અને તમે સૌ પુન: શિક્ષિત થઈને જાતને ઉન્નત કરશો તેવી મને આશા છે; તો જ તમે તમારી ભૂમિકા બરાબર ભજવી શકશો. મેં पुन: शिक्षित શબ્દ વાપર્યો છે. આખા ભારતમાં આજે શિક્ષિત લોકો ઘણા છે અને એમાંના ઘણા બધાને પુન: શિક્ષણની આવશ્યકતા છે. એ વડે જ તેઓ સ્વતંત્ર ભારતના મુક્ત અને જવાબદાર નાગરિકો બની શકશે અને આપણા ઊગતા ગણતંત્રની શક્તિનો સ્રોત બની શકશે.

૧૧. અર્વાચીન પાશ્ચાત્ય જગત ઉપર ભારતનો પ્રભાવ

ભારત સરકારની નવી શિક્ષણનીતિની અનેક બાબતોમાંની નીચેની ત્રણ વધારે અગત્યની છે : શિક્ષકની તાલીમનું પુનર્ગઠન, પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવું અને મૂલ્યલક્ષી શિક્ષણ પર ભાર. શિક્ષકની તાલીમના પુનર્ગઠનમાં સરકારનું યોગદાન જે હોય તે પણ સૌથી વધારે જિમ્મેદારી શિક્ષકોને પોતાને જ શિરે છે. પ્રતિ વર્ષ વિસ્તરતા જતા જ્ઞાનને ઝીલવા માટે તેમણે પોતાનાં મનના દરવાજા ઉઘાડા રાખવા પડશે. પાશ્ચાત્ય માનસશાસ્ત્રીઓ મનુષ્યની શક્તિઓ વિશે રોજ રોજ નવા નવા વિચારો પ્રગટ કરતા રહે છે તેમાં માનવીના આધ્યાત્મિક ઊંડાણને લગતા ભારતીય વિચારોને ઊંચું સ્થાન અપાય છે. અમેરિકાના વોટસન અને રશિયાના પાવલોપથી આરંભાયેલું વર્તનવાદી માનસશાસ્ત્ર ફ્રોઈડના ગહન માનસશાસ્ત્રમાં વિકસ્યું. ઝુરિયના કાર્લ યુંગે એને થોડો આધ્યાત્મિક રંગ આપ્યો, અબ્રાહમ મેસ્લો અને એની શૈલીના માનસશાસ્ત્રીઓએ અસ્તિત્વના માનસશાસ્ત્રમાં તેને વિકસાવ્યું. પશ્ચિમમાં આજે માનસશાસ્ત્ર વ્યક્તિપરક (transpersonal) માનસશાસ્ત્ર વિકસી રહ્યું છે. આ નૂતન માનસશાસ્ત્રને પોતાનું સામયિક પણ છે અને જગતના જુદા જુદા ભાગોમાં એના વાર્ષિક સંમેલનો પણ મળે છે. ઉપનિષદોના વેદાન્તની અને યોગની, ગીતાની અને પતંજલિનાં યોગસૂત્રોની આ બધા પર પ્રબળ અસર જોવા મળે છે. આ બધાથી અજ્ઞાન વ્યક્તિના કરતાં આ સર્વથી જ્ઞાત વ્યક્તિ વધારે સારો શિક્ષક બનશે. અને અહીં ભારતમાં આપણા સૌનો તો એ રાષ્ટ્રીય વારસો છે; પણ આપણે એને જાણતા નથી તેમજ તેનો ઉપયોગ કરતા નથી. આપણા કરતાં પશ્ચિમના લોકો તેનો વધારે ઉપયોગ કરે છે એ આપણું દુર્ભાગ્ય છે અને એમનું સદ્‌ભાગ્ય છે.

એટલે આપણાં શિક્ષકો પોતાના રાષ્ટ્રીય વારસાનાં પાયાનાં પુસ્તકો વાંચીને આ ક્ષેત્રમાંની પાશ્ચાત્ય પ્રગતિ સાથે કદમ મિલાવે તેની જરૂર પર ભાર મૂકવાની વાત આજે આ પ્રસંગે હું દોહરાવું છું. આજે મારી સામે જે શિક્ષકવૃંદ બેઠું છે તે અપીજૈ (Apeejay) શાળાઓનાં શિક્ષકોનું સુગ્રથિત વૃંદ છે. તમે સૌ સારું કાર્ય કરી રહ્યાં જ છો; તમારી શાળાઓનાં પરિણામો સરસ આવે છે. પરંતુ એ ધ્યાનમાં રાખજો કે એ માત્ર શૈક્ષણિક પાસું છે. તમારી શાળાઓમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય એ વધારે અગત્યની બાબત છે. હોશિયાર, મહત્ત્વાકાંક્ષી અને સ્વકેન્દ્રી હોય, દેશમાં કે પરદેશમાં જે કેવળ પૈસો જ એકઠો કરવા અને સુખેથી રહેવા ચાહતા હોય તેવા થોકબંધ હોશિયાર વિદ્યાર્થીઓની આપણને જરૂર નથી. જેમને રાષ્ટ્રની પડી હોય, આદિવાસીઓ સહિતના પોતાના સમાજના નબળા વર્ગોની જેમને ખેવના હોય તેવા વિદ્યાર્થીઓ આપણને જોઈએ છે. શાળાઓ અને કોલેજોમાંથી બહાર પડતા આપણા વિદ્યાર્થીઓ માનવતાવાદી ધગશથી રંગાયેલા હોવા જોઈએ. આપણી પાટનગરીનાં બાળકોનું એ વિશિષ્ટ લક્ષણ બનવું જોઈએ. આપણી પાટનગરીનાં બાળકોની વિશિષ્ટ જવાબદારી છે. અન્યત્ર હોય છે તેના કરતાં અહીં આત્મવિકાસ માટે તેમને વધારે તક સાંપડે છે. ‘જેને વધારે અપાયું છે, તેની પાસેથી વધારે મેળવવાની અપેક્ષા રહે છે’ તે વાક્ય તેમણે નિત્ય સ્મરણમાં રાખવું જોઈએ. ૧૮૯૪માં શિકાગોથી મૈસૂરના મહારાજાને સ્વામી વિવેકાનંદે લખેલા પત્ર (ધ કંપ્લીટ વર્ક્‌સ, વો.૪, પૃ. ૩૬૩)નું આ એક વાક્ય તમારા અધ્યાપનકાળ દરમિયાન તમારા વિદ્યાર્થીઓને તમે આપો :

‘આ જીવન ક્ષણભંગુર છે, જીવનનું મિથ્યાભિમાન પણ અલ્પકાલીન છે. પરંતુ જે બીજાં માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના જીવતાં કરતાં મરેલા વધારે છે.’

તમારાં વિદ્યાર્થીઓને આ સંદેશનું ચિંતન-મનન કરવામાં સહાય કરો. એને જીવનમાં ઉતારવામાં સહાય કરો જેથી વ્યક્તિત્વમાંથી વિકસિત વ્યક્તિત્વ ખિલવવાનો આધ્યાત્મિક વિકાસ તેઓ સાધી શકે. તમને સૌને મારો હાર્દિક પ્રેમ અને મારી શુભેચ્છા છે. તમને સંબોધવાનું નિમંત્રણ આપવા બદલ અપીજૈ (Apeejay) ઔદ્યોગિક સંકુલના સત્ય પોલનો હું આભાર માનું છું.

પરંતુ પ્રવચન માત્ર એકમાર્ગી વ્યવહાર છે. પ્રશ્નોત્તરી પ્રવચનનો ઉત્તમ ભાગ છે. જગતભરમાં હું તેને ઉત્તેજન અને આવકાર આપું છું. તમને પ્રશ્નો પૂછવા આવકારું છું અને મારી શક્તિ મુજબ હું ઉત્તર આપીશ. તમે યાદ રાખજો કે આપણા દેશનું તત્ત્વજ્ઞાન – વેદાન્ત ગમે તેટલા પ્રશ્નોનો મારો સહન કરી શકે છે. એટલું જ નહીં પણ પ્રશ્નોને આવકારે છે અને એ પ્રશ્નોના ખોજના અભિગમ વિના એ શોભશે પણ નહીં. આપણા મહાકાવ્ય મહાભારતમાં એક શ્લોક છે (ભાણ્ડારકર આ., ૧.૧.૨૦૪)

इतिहासपुराणाभ्यां वेदं समुपब्रह्मयेत् ।
बिभेत्यल्पश्रुतात् वेदो मां अयं प्रतरिष्यति ॥

‘બધા ભાવાત્મક જ્ઞાનના ઉપલક્ષ્યમાં વેદોનું અર્થઘટન કરવું જોઈએ; અલ્પ જ્ઞાનીથી વેદ ગભરાય છે અને વિચારે છે – આ મનુષ્ય ચોક્કસ મારા અર્થનો અનર્થ કરશે!’

(ક્રમશ:)

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.