(ગતાંકથી આગળ)

ગૌરીકુંડ – પવિત્ર સંગમ પર

પ્રાત:કાળે મેં સુંદર અને પાવન સંગમમાં કેટલીયે ડૂબકીઓ મારી અને પછી ગૌરીકુંડ તરફ આગળ વધ્યો. ગૌરીકુંડ ગુપ્તકાશી અને ત્રિયુગી નારાયણથી આગળ કેદારનાથના રસ્તે આવેલ છે. તીર્થયાત્રીઓ જ્યારે ત્રિયુગી નારાયણથી નીકળે છે ત્યારે ગૌરીકુંડ પહોંચવા માટે તેઓ ઉત્સુક બની જાય છે. કોઈ ગૌરીકુંડ પહોંચી જાય તો એ કેદારનાથ પહોંચી ગયો એમ કહેવાય છે. યાત્રીઓ અહીં ગરમપાણીના ઝરામાં સ્નાન કરવા માટે પણ ઉત્સુક રહે છે. કેદારનાથમાં ઠંડી ઘણી હોય છે એટલે જ યાત્રીઓ ગૌરીકુંડ પહોંચવાની સંભાવનાથી એકદમ પ્રસન્ન થઈ જાય છે એ સ્વાભાવિક છે. હું જ્યારે ગૌરીકુંડ તરફ આગળ વધતો ત્યારે મેં હિમાલયનું એક સાવ નવું રૂપ જોયું. જાણે કે હિમાલય પોતાનો પોશાક બદલી રહ્યો હોય એવું લાગે છે. મેં મારી સમક્ષ આવેલી પર્વત શૃંખલાઓ તરફ દૃષ્ટિ નાખી ત્યારે મને અંતરનો ખ્યાલ આવ્યો. જ્યારે હું ગૌરીકુંડને રસ્તે ઉપર ચડતો હતો અને પોતાની ચારે તરફ મેં મારી નજર નાખી અને જોયું તો વિશાળકાય પર્વત હિમાલય જાણે કે એક એક કરીને પોતાનાં વસ્ત્ર ઉતારી રહ્યો હતો અને એણે પ્રેમપૂર્વક મારું આલિંગન કરી લીધું હોય એવું મને લાગ્યું. જે હિમાલયને અત્યારે હું આટલી સમીપતાથી જોઈ રહ્યો હતો તેનું વર્ણન કરવું એ મારી શક્તિ બહારની વાત છે. હું મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે જો કેદારનાથની નજીકનાં દૃશ્ય એટલા રોમાંચક છે તો કેદારનાથના પાવન તીર્થસ્થળનું પ્રાંગણ કેટલું સુંદર અને રોમાંચક હશે. એ મારા પર કેટલો બધો પ્રભાવ પાડશે! આ રીતે વિચારોમાં લીન બનીને હું બપોર સુધીમાં ગૌરી કુંડ પહોંચી ગયો.

ચોતરફ રંગીન વૃક્ષ અને પર્ણોથી આચ્છાદિત પર્વતશૃંખલાઓથી ઘેરાયેલ ગૌરીકુંડ એક તંગવિશાળ શીલા ઉપર આવેલ છે. પર્ણો પણ હિમાચ્છાદિત છે. દોડતી આવતી મંદાકિનીના પ્રવાહની ઠંડી લહેરોથી ગૌરીકુંડ સદૈવ ભીનો અને ભેજવાળો રહે છે. ગૌરીની એક અત્યંત સુંદર મૂર્તિથી મંદિર શોભે છે. મંદિરના નીચલા તળને મંદાકિનીના જલ દ્વારા ધોવામાં આવે છે. બીજા સ્થળે આ જળપ્રવાહ ઉગ્ર છે અને એની ગર્જના પણ ઘણી મોટી હોય છે. જાણે કે ગૌરીનું મંદિર છોડ્યા પછી એ વારિપ્રવાહ થોડો શાંત થઈ જતો હોય એવું લાગે છે. અહીં તો કેવળ કલકલ નાદ જ છે અને કોઈ પણ કહી શકે કે મંદાકિની શીઘ્રતા સાથે ગૌરીની સ્તુતિ ગણગણી રહી છે. ત્યાં એક ગરમ પાણીનું ઝરણું છે. આ ઝરણાને લીધે આ પવિત્ર સ્થળ વધુ સુખદ બની ગયું છે. દૂર દૂરથી આવેલા યાત્રીઓને આ ઝરણાથી આરામ મળે છે અને કેદારનાથની તીવ્રઠંડી સહન કરવાની શક્તિ મળે છે. આ ઝરણાના પાણીને વહેવા માટે એક માર્ગ બનાવ્યો છે અને તે ગડગડાટ સાથે એક પથ્થરના હોજમાં પડે છે. હોજ ગૌરીકુંડના નામે ઓળખાય છે. ગરમપાણીનો આ પ્રવાહ મંદાકિનીના હિમસમા ઠંડા જળપ્રવાહમાં અવિરત પડતો રહે છે. ઝરણાના ગરમ પાણીમાં ગંધક હોય છે અને તેથી ગૌરીકુંડમાં ડૂબકીઓ મારવાથી ચામડીના રોગ દૂર થાય છે. કેદારનાથના રસ્તે મને આવો કોઈ ગરમપાણીનો ઝરો જોવા ન મળ્યો. આ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હવા તો સતત વહેતી રહે છે અને ધ્રુજાવી દેતી ઠંડી પડે છે. પરંતુ બધા તીર્થયાત્રીઓ માટે ગરમપાણીના ઝરામાં લગાવેલી એક ડૂબકી અત્યંત સ્ફૂર્તિદાયક રહે છે. એક ક્ષણ માટે બધા અસહ્ય ઠંડીને ભૂલી જાય છે.

અંતિમ વસતી

હું ગૌકુંડ પહોંચ્યો. આ સ્થળ ભારતના બધા વિસ્તારોમાંથી આવેલ યાત્રીઓથી ખચાખચ ભર્યું હતું. યાત્રીઓનો કોલાહલ અને દિવ્ય મંદાકિનીના બુદબુદાઓનો એક બીજા સાથે મળીને રોમાંચક, મોહક ગણગણાટભર્યો અવાજ કરતા હતા. સમગ્ર વાતાવરણ એ ધ્વનિથી ગુંજી ઉઠતું હતું. મારા કેદારનાથના રસ્તામાં મેં આટલી સુંદર હોય એવી માત્ર ત્રણ જગ્યાઓ જોઈ હતી. એ છે અગત્સ્ય મુનિ, ગુપ્તકાશી અને ત્રિયુગી નારાયણ. અહીં કેટલીયે દુકાનો છે. યાત્રીઓને દાળ, ચોખા જેવી પરચુરણ ચીજવસ્તુઓ આ દુકાનોમાંથી મળી રહે છે. અહીં રહેવા માટે ઘણાં સ્થાન છે. કેદારનાથના રસ્તે આવેલ આ અંતિમ વિશ્રામ સ્થાન છે. આ સ્થાન પછી કેદારનાથના મંદિર સિવાય બીજું કોઈ મંદિર કે ઘર પાકું નથી. શિયાળાના દિવસોમાં અહીં ઘણો બરફ પડે છે અને એ સમયે કોઈ પણ માણસ ગૌરીકુંડમાં રહેતો નથી. ગૌરીકુંડના નિવાસીઓ ત્યારે આસપાસના ગામડાંમાં ચાલ્યા જાય છે.

ગૌરી શંકરને મોહિત કરે છે

ગૌરીકુંડ કેવળ પોતાના નૈસર્ગિક સૌંદર્ય માટે જ પ્રસિદ્ધ નથી પરંતુ અનેક ઐતિહાસિક ઘટનાઓ સાથે પણ એ જોડાયેલ છે. કેદારનાથના ઉદાત્ત શિખરો પણ આ ઇતિહાસનો એક ભાગ છે. આ ઇલાકામાં સતત ચાર વર્ષો સુધી ઘૂમ્યો છું અને કેટલાંક દુર્ગમ સ્થાને પણ ઘણી વાર થઈ આવ્યો છું. આ ક્ષેત્રમાં રહેવાવાળા લોકો પાસેથી મેં જે કંઈ પણ સાંભળ્યું છે એના આધારે આટલું કહી શકું કે આ સ્થળ એ પવિત્ર સ્થાન છે કે જ્યાં ક્યારેક શિવ અને પાર્વતી રહેતાં હતાં. અહીંની હવા દિવ્ય આવિર્ભાવથી પરિપૂર્ણ છે એનો અનુભવ આપણે આજે પણ કરી શકીએ છીએ. એટલે આ સ્થાન આટલું મહાન અને ગૌરવપૂર્ણ છે. એને રાજા શિવ, શંભુરાજનો એક વિશેષ મહેલ ગણવો જોઈએ. એટલે જ ઉત્તરાખંડના બધાં તીર્થોમાં આ સ્થાનની ગણના મુખ્ય મુખ્ય સ્થાનોમાં થાય છે. આ જ કારણે આ સ્થળ આટલી સરળતાથી આપણને સૌને રોમાંચિત કરી દે છે.

ગૌરીકુંડ આટલો પ્રસિદ્ધ કેમ થઈ ગયો – ચાલો હવે આપણે એનું અધ્યયન કરીએ. પ્રાકૃતિક સૌંદર્ય, મનોહર સુંદરતા અને સુખદ વાતાવરણ આપણા મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. તેમજ તપસ્યા માટે આ સર્વોત્તમ સ્થળ છે એવા નિર્ણય પર આપણે આવીએ છીએ. ગિરિરાજ હિમાલયની પુત્રી ગૌરી અનેક વર્ષોથી આ સ્થળની અધિષ્ઠાત્રી દેવી છે. એટલે આ સ્થળ એના નામે જ ઓળખાયું છે. આ સુંદર સ્થળની એક ઝલક પામતાં જ મારું મન કેટલું પ્રફુલ્લિત થઈ ગયું હતું એની હું કલ્પના પણ નથી કરતી શકતો. જો મેં આ સ્થળની આસપાસનાં પાવનસ્થાનોનું પરિભ્રમણ કરવાનો પ્રયત્ન કર્યો હોત તો મારી કેવી દશા થઈ હોય? મારી એવી ધારણા છે કે મહામાયા – આદ્યશક્તિએ આ સ્થાનનું નિર્માણ પોતાની તપસ્યા માટે કર્યું હતું. એમાં બધાં આવશ્યક સાધનો રાખ્યાં હતાં. પર્વતરાજની પુત્રી ઉમાએ આ ક્ષેત્રમાં કઠિન તપશ્ચર્યા કરી અને ધ્યાનમાં સર્વકંઈ ભૂલી ગયેલા સદાશિવને એમણે જીતી લીધા. વિશ્વમાતા આ સ્થળે શિવમાં લીન થઈ ગયાં. બધા દેવતાઓને કૃતજ્ઞ કરવા અને સંસારનાં બધાં પ્રાણીઓને આકર્ષવા અહીં અનેક સ્મૃતિચિહ્‌ન શોધી શકાય તેમ છે. આ એ જ સ્થાન છે કે જ્યાં શિવપાર્વતી દ્વારા કરાયેલ સેવાઓથી પ્રસન્ન થયા હતા એ વિશે મને જરાય સંશય નથી. જ્યારે આપણે આ સ્થળની વિશાળતા પર એક નજર નાખીએ છીએ ત્યારે આ એક બીજું કૈલાસ જ છે. એવી આપણને અનુભૂતિ થાય છે. મને એવું લાગે છે કે જાણે બ્રહ્માંડના પિતા સદાશિવ કૈલાસ છોડીને અહીં આવ્યા અને આ સ્થાનને પોતાનું નિવાસસ્થાન બનાવી દીધું. પાર્વતીનું જન્મ સ્થાન અહીંથી ઘણું નજીક હતું અને હિમાલયના સામ્રાજ્યની પાટનગરી અહીં હતી એટલે આમ થયું. આ સ્થળે પહોંચીને શંકર સમાધિમાં લીન થઈ ગયા. સંભવત: પોતાના સાસરિયાવાળાના સ્નેહશીલ વ્યવહારને લીધે શિવજી આ સ્થાન પ્રત્યે આકર્ષાયા અને તેમણે અહીં આવીને રહેવાનો નિર્ણય કર્યો. તેઓ જ્યારે ગહન સમાધિમાં લીન હતા ત્યારે પ્રેમના દેવ મદને એમના પર પોતાનું શરસંધાન કર્યું. શંકરે મદનને ભસ્મિભૂત કરી દીધો. ઉમા પોતાના વડિલો દ્વારા અપાયેલ સલાહ પ્રમાણે પાછી આવી અને તેણે ગૌરીકુંડ સમીપ જ ગૌરીશંકર નામના સ્થળે કઠિન તપશ્ચર્યા આરંભી. પુરાણો અને કાલીદાસના મહાકાવ્ય કુમારસંભવમાં આપણને ગૌરીશંકરની સુંદર વ્યાખ્યા મળે છે. પુરાણો અને કુમારસંભવમાં આપેલા વિવરણ સાથે ગૌરીશંકરના આસપાસનાં સ્થાનોમાં તાદાત્મ્ય સ્થાપિત કરી શકાય છે. સમસ્ત ઉત્તરાખંડમાં કેદારનાથ પવિત્રતમ સ્થળ છે. એને માટે કોઈ પુષ્ટિ કરવાની આવશ્યકતા મને નથી જણાતી.

અહીં બ્રહ્માંડની માતા ગૌરીએ પોતાનું કઠિન તપ કર્યું હતું એટલે આ સ્થાન પવિત્ર છે. એ વાત પણ સાચી છે કે હિમાલયની બધી શૃંખલાઓ સુંદર અને પવિત્ર છે. કેદારનાથની ભવ્યતા તો સાવ ભિન્ન છે. કેદારનાથનું આ ક્ષેત્ર દિવ્ય ઇચ્છાનો એક ઉદ્‌ગાર છે. આ ક્ષેત્રના નિર્માણકાર્યમાં ભગવાને ખુલ્લા મને પોતાનો આખો ખજાનો ખર્ચી નાખ્યો છે. અહીં જ ઉમાએ પોતાનાં તપ અને સંયમની પરાકાષ્ટાથી મહાકાલ રુદ્ર-શિવ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. યોગીઓના શિરોમણી શિવ પોતાના ધ્યાનચિંતનમાં મગ્ન હતા. પરંતુ ઉમાના અતિસંયમથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. અહીં મસ્તક પર ચંદ્રને ધારણ કરનારા સદાશિવે બ્રહ્મચારીનું રૂપ લીધું હતું અને ઉમાની ઉપસ્થિતિમાં શિવની નિંદા પણ કરી હતી. ત્યાર પછી પોતાનું વ્યક્તિત્વ – મૂળ રૂપ પ્રગટ કરીને મહામાયાની ઇચ્છા પૂર્ણ કરી હતી. ઉમા અને શંકરનું ક્રિયાસ્થળ, ભ્રમણ સ્થળ એવા પાવનસ્થળની અનન્ય અનુપમ વિશેષતાઓનું વર્ણન કરવાનું મારામાં સામર્થ્ય નથી. છતાં પણ આ વિષય પર પોતાના અનુભવો લખવાનો હું પ્રયત્ન કરું છું.

ગૌરીકુંડથી કેદારનાથની વચ્ચેનાં સ્થાનની પ્રાકૃતિક છબિ અદ્‌ભુત અને સુંદર છે. વાસ્તવમાં એ સુંદરતાને શબ્દોમાં પકડી પાડવાની શક્તિ મારી કલમમાં નથી. ગૌરીકુંડમાં કેવળ એકરાતનો નિવાસ પૂરતો ન હતો. હું હજુ થોડા દિવસો વધુ રહેવા માગતો હતો. પરંતુ કેદારનાથ પહોંચવાની ઇચ્છા પણ એટલી જ પ્રબળ હતી. એટલે પછીના દિવસે પ્રાત:કાળે વહેલો ઊઠ્યો અને કેદારનાથ તરફ ચાલવા માંડ્યો. એક ઉદાસી સાધુ મારી સાથે હતા. તેઓ ક્યારેક મારી આગળ નીકળી જતા તો વળી ક્યારેક મારી પાછળ રહી જતા. અત્યાર સુધી આવો ક્રમ ચાલતો રહ્યો પરંતુ મોટે ભાગે અમે એક જ સ્થાને રોકાતા અને વાતચીત કરતા.

કેદારનાથ કેદારનાથનું ચઢાણ

કેદારનાથનું મંદિર ગૌરીકુંડથી લગભગ છ કોસ જેટલું છે. રસ્તો સીધી ઊંચાઈવાળા ઢાળવાળો અને લગાતાર ચઢાણવાળો છે. એ ચઢાણ વાંકાચૂંકા પહાડી રસ્તાઓની સાથે આવેલ છે. જ્યારે અમે આગળ જઈ રહ્યા હતા ત્યારે દરેક વળાંક પર એવો અનુભવ થતો કે આપણે જાણે કે ઉપર ઊઠી ગયા છીએ – ઉન્નત બની ગયા છીએ. જ્યારે હું ધીમે ધીમે મંદિરની નજીક પહોંચ્યો તો વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. મેં ક્યારેય ન જોયેલું અને ક્યારેય જોવાની આશા ન કરેલ એવું એક દૃશ્ય મારી સમક્ષ ખડું થયું. જ્યારે સુંદર પ્રાકૃતિક દૃશ્ય મારી સામે પોતાનાં સમગ્ર ગૌરવ, વિશાળતા, મહાનતાની સાથે આવીને ઊભા રહ્યા ત્યારે હું આ નશ્વર જગતનાં બધાં દુ:ખોને ભૂલી ગયો.

અહા! કેટલું સુંદર અને સાવ અવર્ણનીય! લીલાપર્ણોથી ઢંકાયેલી વૃક્ષોની ટોંચ, અસંખ્ય પુષ્પોનું કલકલહાસે નર્તન, પૂર્ણતયા સ્વર્ગીય સુગંધથી સુવાસિત વાતાવરણ, મધમાખીઓનું મધુર અને કોમળ ગુંજન, ચોતરફ વહેતી શાંત અને સુગંધિત પવનલહરીઓ – ખરેખર આ બધા એક અવર્ણનીય આનંદના ધામ છે. ચારે તરફ ભિન્ન ભિન્ન આકાર અને પ્રકારના પક્ષીઓ, કલરવ કરી રહ્યા હતા. નીચે મંદાકિની વહી રહી છે. નજરે જોતાં તરતી અને વહેતી રજત્‌ ધારા જેવી લાગે છે. નીચેથી સંભળાતો વહેતી નદીનો ગડગડાટભર્યો અવાજ. ચારે તરફ હિમાચ્છાદિત ઊંચા વિશાળ હિમાલયના પર્વતશિખરો અને તે પણ (સૂર્યપ્રકાશમાં) ચમકતા અને રંગીન! જો મારે સહસ્ર જીહ્‌વા હોત તો પણ એને જોઈને હું એનું વર્ણન ન કરી શકત. આ તો ભગવાનની ભવ્ય અને મનોહર રચના છે.

બ્રહ્માંડની માતાએ જેનું પાલન પોષણ કર્યું એવાં વૃક્ષો

વસ્તુત: આ મહામાયાનું ક્ષેત્ર હતું, અદ્‌ભુત અને સુંદર. સંભવત: અહીં એ જ વૃક્ષો હતાં કે જેણે શરૂઆતમાં મહામાયાએ રોપ્યાં હતાં અને ખૂબ કાળજીથી એમનું પાલન પોષણ કર્યું હતું. મારી ભીતર એક રોમાંચ ઊભો થયો, એક કંપન દોડતું થયું. એણે મારા હૃદયને લગભગ ભેદી નાખ્યું અને મારા મનમાં ઉત્કૃષ્ટ ભાવનાઓ ઉત્પન્ન થઈ. મેં હિમાલયમાં કેટલાંય સ્થળોએ આ પહેલાં પણ આવાં જ રંગીન વૃક્ષોનાં ઝૂંડ અને પુષ્પનાં ગુચ્છ જોયાં હતાં. પરંતુ જેટલો આ સ્થાન પર થયો છું એટલો આ પહેલાં હું ક્યારેય પ્રભાવિત થયો ન હતો. આમ જોઈએ તો એક સાવ નકામું એવું બીજ ભૂમિમાંથી ફૂટીને છોડ બને છે અને પછી એક વૃક્ષમાં પરિણત થાય છે. આ પહેલાં મેં ક્યારેય અને ક્યાંય આટલું સુંદર ઉપવન કે નિકુંજ જોયું ન હતું. જ્યારે હું કેદારનાથના મંદિર તરફનું ચઢાણ ચડતો હતો ત્યારે મને સમજાયું કે આ બધું બ્રહ્માંડની માતા, પર્વતરાજા હિમાલયની પુત્રીએ અહીં કઠિન તપસ્યા કરીને એને શુદ્ધ કરી દીધું હતું એને કારણે છે. આ વૃક્ષો એ જગન્માતાના પ્રથમ સંતાન છે. કુમાર કાર્તિકેયને જન્મ આપતાં પહેલાં જ શ્રીમાએ આ વૃક્ષોનું પાલનપોષણ કર્યું હતું. એટલે જ આ બધાં વૃક્ષો એમને અત્યંત પ્રિય છે. તેમણે અત્યંત સ્નેહપૂર્વક એ બધાનું લાલનપાલન કર્યું છે અને એ પણ માતાના દિવ્યપ્રેમ અને વહાલને કારણે આ બધાં અમર બની ગયાં છે અને અત્યારે પણ ઊભાં છે. માતાની સ્તુતિ કરતાં હોય તેમ પુષ્પોની અંજલિ અર્પણ કરી રહ્યાં છે. જ્યારે જગન્માતાએ નાની નાની કુંપણોને સિંચી હતી એવા આ વૃક્ષો આપણા મસ્તિષ્કમાં એ વર્ષોની પ્રાચીન ઘટનાઓને તાજી કરે છે.

રામવાડા ચટ્ટી

આ રીતે વિચારોમાં મગ્ન રહીને હું નિરાંતે ચાલ્યો જતો હતો. મેં લગભગ ચાર કોસનું અંતર કાપી નાખ્યું હતું અને રામવાડા નામની ચટ્ટી પર પહોંચ્યો હતો. ગૌરીકુંડની જેમ અહીં કોઈ પાકાં ઘર નથી. અહીં તો થોડી સુધારેલી ઝૂંપડીઓ છે અને એને પથ્થરના થાંભલા પર ઘાસ અને ઘાસના પૂડાથી ઢાંકી દેવાય છે. જે યાત્રીઓ અત્યંત ઠંડીને લીધે કેદારનાથમાં કેવળ એકરાત માટે પણ રહી શકતા નથી તેઓ અહીં નીચે આવી જાય છે અને આવી ઝૂંપડીઓમાં રહે છે. અહીં થોડી દુકાનો પણ છે. એ દુકાનોમાંથી યાત્રીઓ પોતાની આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી શકે છે. આ તો સાવ અસ્થાયી વિરામસ્થાન છે, કેવળ એકાદ રાતવાસો કરવા માટેનું એટલે અહીંની દુકાનોમાં પૂરતા પ્રમાણમાં પરચુરણ ચીજવસ્તુઓ પણ ન મળે. સમતલ ક્ષેત્રમાંથી આવનારા યાત્રીઓ માટે અહીં એક રાત કાઢવી ઘણી કઠિન બની જાય છે. રામવાડા એ કેદારનાથને રસ્તે આવનારી અંતિમ ચટ્ટી છે. અહીંથી મંદિર લગભગ ત્રણ કોસ દૂર છે. શિયાળામાં અહીં ઘણો હિમપાત થાય છે. બધી ઝૂંપડીઓ હિમના ઢગલાથી ઢંકાઈ જાય છે. એટલે જ અહીં મોટા ઘર બનાવાતાં નથી. સારી રીતે બનાવેલાં ઘર પણ આ હિમના ઢગલાના ભારથી જમીનદોસ્ત થઈ જાય છે. આ ક્ષેત્રના નિવાસીઓ પોતાનાં નગણ્ય ગરમ વસ્ત્રો અને લાકડાના ઢગલાઓ સાથે અહીં રહી શકે છે. સમતલ પ્રદેશનો કોઈ માણસ અહીં એક દિવસથી વધારે સમય રહી શકે તો એને ઘણો સંતોષ થાય છે તેમજ આ સાહસિક કાર્યને પોતાની તપસ્યાનું ફળ માને છે.

મેં આ ચટ્ટી પર વિરામ ન કર્યો. હું એની અંદર જઈને બહાર નીકળી ગયો. હું તો કેદાર પહોંચવા માટે ઉત્સુક હતો. જાણે કે મને ત્યાં ઘસડી જવાતો હતો એવું લાગતું હતું. જ્યારથી મેં કેદાર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી એટલાં અત્યંત સુંદર દૃશ્ય જોયાં કે એમનું પોતાનું – શિવજીનું નિવાસસ્થાન તો વળી કેટલું મહાન અને અદ્‌ભુત હશે! મને એ પાવનમંદિરનાં દર્શન થશે ત્યારે હું કેવા આહ્‌લાદમાં ખોવાઈ જઈશ એની હું કલ્પના કરવા લાગ્યો. મેં વિચાર્યું કે કદાચ એ દિવ્ય સ્થળને જોઈને હું મારી બાહ્ય ચેતના અને જાગરૂકતા ખોઈ બેસીશ. કદાચ એવુંય બને કે અસીમિત આનંદ અને પ્રસન્નતાને લીધે મારું શરીર પડી જાય. હું રોમાંચિત થઈ ઉઠ્યો. રામવાડાથી આગળ વધીને હું ઝડપથી કેદારનાથ તરફ ચાલ્યો. જ્યારે હું રામવાડા ચટ્ટીથી આગળ ગયો તો મેં વાતાવરણમાં ઘણું મોટું અંતર જોયું. અત્યાર સુધી હું હિમાલયની વધતી ઊંચાઈની સાથે સાથે આગળ ધપતાં ધપતાં ગાઢ જંગલો જોઈ રહ્યો હતો. ગૌરીકુંડ છોડ્યા પછી પર્વતના દેહ પર વૃક્ષોનાં વસ્ત્ર પાતળાં થઈ ગયાં હતાં. જેમ જેમ હું ઉપર જતો હતો તેમ તેમ દેવદાર અને સાલ વૃક્ષોની સંખ્યા ઘટતી જતી હતી. અને હવે તો એ વૃક્ષો જરાય દેખાતાં ન હતાં. હવે તો મારી સમક્ષ વૃક્ષવિહોણી ઊંચી અજેય પર્વતશૃંખલાઓ ઊભી હતી. કેવળ વહેતાં પાણીના કલકલનાદ કે ખડખડ અવાજ સંભળાતો. મેં જ્યારે ચારે તરફ નજર કરી તો મારી સમક્ષ મેઘમાળાઓથી ઘેરાયેલ ઊંચા પર્વતશિખરો તરી આવ્યા. આ બધા શિખરો હિમાલયની કટિ પરનાં કટિબંધ જેવાં લાગતાં હતાં.

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.